Friday, October 14, 2011

જિપ્સીનો વિસામો: 'દિયા જલાકર...' (શેષ)


આપે હાલ પાકિસ્તાનમાં આવેલ કસૂર શહેરનું નામ જરૂર સાંભળ્યું હશે. હા, આ એ જ શહેર છે જેને ભારત/પાકિસ્તાનની (અને યુરોપ અમેરિકામાં વસતી આપણી) ગૃહિણીઓ ત્યાંની પ્રખ્યાત કસૂરી મેથીને કારણે જાણે છે. પંજાબની વૃદ્ધ માતાઓ ત્યાંની પ્રસિદ્ધ મોજડી (‘જૂતી કસૂરી’ ગીત સાંભળ્યું છે?)ને હજી યાદ કરે છે. સંગીતના જાણકારો કસૂરને ખાનસાહેબ બડે ગુલામ અલીખાંસાહેબના વતન તરીકે જાણે છે. અા કસૂર શહેરમાં જ નૂરજહાંનો જન્મ થયો હતો. મજાની વાત છે, તેમનું જન્મનામ જુદું હતું: અલ્લાહ વસઇ! નૂરજહાં તેમનું ફિલ્મી નામ હતું. તેમનાં માતાપિતા બન્ને ખાનદાની ગાયક હતા અને તેમની વિનંતિથી બડે ગુલામ અલીખાંસાહેબે નૂરજહાંને પતિયાલા ઘરાણાનું સંગીત શીખવ્યું. મૂળભૂત પાયો એટલો મજબૂત થયો કે કોઇ પણ ગીતની ગમે તેવી મુશ્કેલ તાન હોય, નૂરજહાં જાણે સ્મિત કરતા હોય તેવી સહજતાથી ગાઇને ગીતને ચાર ચાંદ લગાવી દેતાં.

આજની વાત તેમના જીવન ચરિત્ર વિશે નથી. નથી તેમની સિનેસૃષ્ટીમાં થયેલા પ્રવાસની કથા. કેવળ તેમની કલાનો આપની સાથે મળીને રસાસ્વાદ કરવાનો આશય છે.

નુરજહાંનું જીવન બે ભાગમાં વહેંચાયું. પહેલું ભારતમાં, જ્યાં તેમની કલા સાચા અર્થમાં ઓળખાઇ. અહીં તેમના ગાનકૌશલ્યની કલા શાસ્ત્રીય અંગના ગીતો તથા પંજાબી લોકગીત ટપ્પાના ‘ઠેકા’ પર આધારીત સંગીતમાંની તેમની માહેરીયત પ્રકાશમાં આવી. એક તરફ દત્તા કોરગાંવકર જેવા સંગીતકારના દિગ્દર્શન નીચે ગાયેલા ગીતો અને ત્યાર બાદ ગુલામ હૈદર જેવા પંજાબી સંગીતકારોના સર્જનમાં રચાયેલા ગીતોના પ્રસ્તુકરણમાં. બન્નેમાંનો ફરક આપ જોઇ શકશો:

દત્તા કોરગાંવકરનું ગીત: ‘એક અનોખા ગમ એક અનોખી મુસીબત હો ગયી’ જે સાંભળી આપણા ગુજરાતના જ પણ વિશ્વમાં પ્રસિદ્ધ થઇ ગયેલા (‘મધર ઇન્ડીયા’) મહેબુબખાન દત્તાને ખાસ મળવા ગયા અને કહયું, “ભાઇ દત્તા, યહ ગાના તો આપને ખુદાકે દરબારમેં બૈઠે હુએ બનાયા લગ રહા હૈ!” (આ વાત સ્વ. કોરગાંવકરે એક પત્રકારને કહી હતી.)

હવે સાંભળીએ ગુલામ હૈદરનું ‘ગાંવકી ગોરી’નું ગીત: ‘બૈઠી હું તેરી યાદમેં ...” તથા અન્ય ગીત, "ઉમંગે દિલકી મચલી.."

બન્ને ગીતો ભારતમાં ફિલ્માયા-ગવાયા હતા. તેમની ખુબસુરતી અને મધુરતા વિશે કોઇ બે મત નથી. હવે સાંભળીએ પાકિસ્તાન ગયા બાદ થતા ગયા પરિવર્તનમાં. પહેલાં સાંભળીએ શરૂઆતની ફિલ્મ 'ગાલીબ'નું 'યહ ન થી હમારી કિસ્મત', અને ઢળતી ઋતુમાં જનતાને ગમતું રૉક-સ્ટાઇલ નું પંજાબી લોકગીત "સાનું ન્હેરવાળે પૂલ-તે બુલાકે" (અમને નહેર ઉપરના પુલ પર બોલાવીને વ્હાલમ તમે ક્યાં રહી ગયા!) સાંભળીએ. આપને તેમાં બદલાયેલા નૂરજહાં નજર આવશે. ગમે તે હોય, તેમની છટા (style)માં જે ફેર છે તે જરૂર જણાશે. પરંતુ જે લગનથી, પ્રસંગની નજાકતને સમજી નૂરજહાંએ આ ગીતો ગાયા, શ્રોતાઓની સ્મૃતીમાં હંમેશ માટે અંકાઇ ગયા. જો કે આજે નુરજહાંનું નામ નીકળે તો તેમના ચાહકો તરત બોલી ઉઠશે, “ઓહ નૂરજહાં? વાહ, તેમનું ‘આવાઝ દે કહાં હૈ’ હજી પણ હૃદયમાં કંપન ઉત્પન્ન કરે છે.”

અને કેમ નહિ? તેમના પ્રખ્યાતી આજે પણ આ ગીત સાથે સંકળાઇ છે. કદાચ તેઓ તેમના ચાહકોને આ ગીતથી સાદ પાડી રહયા હતા: ક્યાં છો તમે મારા ચાહકો? એક આવાઝ તો દો! ત્યાર પછી તો ભારતના ભાગલા પડી ગયા અને કોણ જાણે કોના કમભાગ્યે નૂરજહાંએ પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો. તેઓ તો ગયા, પણ ગીતનો પ્રતિધ્વની પાછળ છોડતા ગયા.

તેમના પાકિસ્તાન જવાના નિર્ણયનાં પરિણામ અનેક રીતે અનુભવાયા. નૂરજહાં શું ગયા, સંગીતકાર કે. દત્તાનાં સૂર ખોવાઇ ગયા. જાણે પરમાત્માએ નૂરજહાં માટે જ સંગીત સર્જવા તેમને પૃથ્વી પર મોકલ્યા હતા. થોડા જ વર્ષોમાં તેમનું અવસાન થયું. ‘નાદાન’ અને ‘બડીમા’ જેવું સંગીત તેઓ ફરી આપી ન શક્યા.

પાકિસ્તાન ગયા બાદ નૂરજહાંને શરૂઆતમાં જે મળી તે ફિલ્મમાં કામ કરવું પડ્યું. તે સમયે (અને હજી સુદ્ધાં) પાકિસ્તાનના સ્ટુડીઓઝમાં આધુનિક યંત્રો નહોતાં, અને જે ફિલ્મોનું નિર્માણ થયું તેમાં ટેક્નીકલ ક્ષતિઓ હતી. તેમ છતાં તેમની પહેલી િફલ્મ ‘ચન્ન વે’ થોડી ચાલી, પણ ત્યાર બાદની ‘દુપટ્ટા’ સુપર હિટ થઇ ગઇ. બાકીની ફિલ્મો (અનારકલી, પાટેખાં વ.) ચાલી, પણ તેનું કારણ એક જ હતું. પાકિસ્તાનમાં કોઇ અન્ય નાયિકાઓ કે ગાયીકાઓ નહોતી. જો કે આ ફિલ્મોની કક્ષા નિમ્ન પ્રકારની હતી. શરૂઆતી ફિલ્મોમાં જે પ્રકારના નૃત્યો નૂરજહાંને કરવા પડ્યા તેવા તેમને ભારતની કોઇ ફિલ્મમાં કરવા પડ્યા નહોતા. એક વાત જે ત્યાંની જનતાના માનસ પર છવાઇ ગઇ તે હતી તેમની સંગીત પ્રતિભાની. તેમણે ઘણાં ગીતો, લોકગીતો, ગઝલ, નાટ ગાયા અને યાદગાર બની ગયા. તેમણે એક લોરી પણ ગાઇ છે! સાંભળી છે આપે? 'ચંદાકી નગરીસે આજા રે નિંદીયા'....

નૂરજહાંનું સાચું નૂર તેમના અવાજમાં હતું. ઉચ્ચ ‘સોસાયટી’માં, પાકિસ્તાનના સત્તાકેન્દ્ર એવા સૈનિક શાસકો - ખાસ કરીને જનરલ યાહ્યા ખાન - દ્વારા યોજાતા ખાસ કાર્યક્રમોમાં તેમને આમંત્રવામાં તેમનું ગૌરવ થતું. તેમણે ગાયેલી ગઝલ, પંજાબી અને ઉર્દુમાં ગાયેલા ગીતોને દેશ પરદેશમાં વસતા પાકિસ્તાની અવામે વધાવી લીધા. લંડનમાં BBC એ ખાસ કાર્યક્રમો રાખ્યા. તેમની કલાએ તેમને એટલી શોહરત અપાવી તેઓ નૂરજહાં મટીને મલિકા-એ-તરન્નૂમ બની ગયા. લોકો તેમને મૅડમ નૂરજહાં કહીને બોલાવવા લાગ્યા. તેમના એક એક સ્વરને, સૂરને તેઓ ખોબે ખોબે વધાવવા લાગ્યા. આટલી ખ્યાતિ મળ્યા બાદ પણ તેમની નમ્રતામાં એક અણુમાત્રનો ફેર ન પડ્યો. કોઇએ તેમને લતા મંગેશકરની ગાયનકલા વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમનો જવાબ હતો, “ભાઇ લતા તો લતા હૈ! વહ બેમિસાલ હૈ.” એવીજ રીતે લતાદીદીએ નૂરજહાં વિશે કહ્યું, “ઉનકે ગલેમેં તો ભગવાન રહતે હૈં!”

ભારતીય ફિલ્મ ઉદ્યોગની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ભારત સરકાર તથા િફલ્મ ઉદ્યોગે તેમને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું. મૅડમ નૂરજહાં ભારત આવ્યા અને આખા દેશે, દેશના તમામ અખબારોએ જાણે તેમના પગની સામે લાલ મખમલનો ગાલીચો બિછાવી દીધો હોય તેવું સ્વાગત કર્યું. નૂરજહાંના જીવનનો તે યાદગાર પ્રસંગ બની ગયો.

ગઝલની વાત નીકળી તો અહીં ફૈઝ અહમદ ફૈઝની કૃતિ અહીં રજુ કરીશું. ‘ફૈઝ’ની અપ્રતિમ કૃતિના શબ્દોને આપણા જાણીતા બ્લૉગર પ્રજ્ઞાબહેન વ્યાસે તેમના બ્લૉગમાં આપ્યા છે. આપણે સાંભળીએ મલિકા-એ-તરન્નૂમના અવાજમાં ગઝલ ‘મુઝસે પહલીસી મુહબ્બત મેરે મહેબૂબ ન માંગ..’ ફૈઝસાહેબની ગઝલ તેમણે ભારતમાં 'live' પેશ કરી હતી.

નૂરજહાં ૨૩ ડિસેમ્બર ૨૦૦૦ના રોજ જન્નતનશીન થયા. તેઓ ગયા, પણ આસમંતમાં હજી તેમના શબ્દો સંભળાય છે, ‘આવાઝ દે કહાં હૈ...’

4 comments:

 1. નૂરજહાંની વાતો વાંચી ખૂબ આનંદ થયો

  સૌની માનીતી ફૈઝ સાહેબે આ રચના
  मुझसे पहली सी मोहब्बत मेरी महबूब ना मांग

  मैंने समझा था कि तू है तो दरख़्शा है हयात
  तेरा ग़म है तो ग़मे-दहर का झ़गडा़ क्या है
  तेरी सूरत से है आलम में बहारों को सबात
  तेरी आखों के सिवा दुनिया में रक्खा क्या है

  तू जो मिल जाये तो तकदीर निगूं हो जाए
  यूं न था, मैंने फ़कत चाहा था यूं हो जाए

  और भी दुख हैं ज़माने में मोहब्बत के सिवा
  राहतें और भी हैं वस्ल की राहत के सिवा
  अनगिनत सदियों के तारीक बहीमाना तिलिस्म
  रेशमों- अतलसो- कमख्वाब में बुनवाये हुए
  जा-ब-जा बिकते हुए कूचा-ओ-बाज़ार में जिस्म
  खाक में लिथडे़ हुए, ख़ून में नहलाए हुए

  जिस्म निकले हुए अमराज़ के तन्नूरों से
  पीप बहती हुई गलते हुए नासूरों से

  लौट जाती है उधर को भी नज़र क्या कीजे
  अब भी दिलकश है तेरा हुस्न मगर क्या कीजे
  और भी दुख हैं ज़माने में मोहब्बत के सिवा
  राहतें और भी हैं वस्ल की राहत के सिवा
  मुझसे पहली सी मोहब्बत मेरे महबूब ना मांग !

  જ્યારે ફૈઝ સાહેબે નૂરજહાંના સૂરમા આ રચના સાંભળી ત્યારે એટલા પ્રભાવિત થયા હતા કે બધાંને તેમણે કહ્યું કે આ રચના નૂરજહાંની થઇ !અને હવે તો આપણે માણી પણ શકીએ છીએ.બીજાના સ્વરમા સાંભળી સરખાવી પણ શકીએ છીએ ત્યારે નૂરજહાં ...નૂર જહાં જ લાગે છે.  પ્રજ્ઞાજુ

  ReplyDelete
 2. શ્રેણીના લેખક અને શ્રેણીના સૌ વાચકો–ભાવકોએ મળીને જીવનનો આ અવિસ્મરણીય તબક્કો તાજો કરાવી દીધો...

  આવો સોનેરીયુગ હવે ફરી ક્યારે ?! ઢંગધડા વગરનાં ગીતો (એને કાવ્ય કહેતાં જીવ ન ચાલે !), એની બેસૂરી તરજો, શરીરનાં અંગોને ભદ્દી રીતે હલાવ્યા કરતી ચેષ્ટાઓ...આ બધાંમાં કલાતત્ત્વની બાદબાકી તો ખરી જ પણ ઊબકાઈ જવાય તેવું બધું જોઈ–સાંભળીને નૈરાશ્ય વ્યાપી વળે છે. તમારી આ શ્રેણીએ તમારા જ શબ્દોમાં “હા, કોઇ કોઇ વાર બળબળતા તડકામાં ક્યાંકથી ઠંડી હવાની લહેર આવે ત્યારે તનમાં શિતળતા ઉપજે ”એવી શાતા આપી છે.

  ખૂબ આભાર !

  ReplyDelete
 3. I could not help writing to you with a deep sense of thankfulness immediately after reading your blog on Noor Jahan.
  I am amazed at the felicity with which you write so much on myriad of themes so consistently and so beautifully.
  The easy access to the songs of Noor Jahan enabled me to undertake a long journey down memory lane.-A Time Warp as seen in Science Fiction serials such as Star Treck.....
  Songs listened to were...
  1 Chanda Ki Nagari Se Aaja by N.It reminded me of another beautiful song of Lata 'Dhirese Aaja Re Nindiya "(featuring Master Bhagawan Dada-one of my favourite heroes).
  2 Yeh na Thi Hamari Kismat, Nukta Chi Hai , Dil-E- Nadan by Suraiya.This was an additional bonus when I was surfing for Noor Jahan songs.
  Yesterday was indeed a memorable evening thanks to you.

  -Hemant

  ReplyDelete
 4. આપે હાલ પાકિસ્તાનમાં આવેલ કસૂર શહેરનું નામ જરૂર સાંભળ્યું હશે. હા, આ એ જ શહેર છે જેને ભારત/પાકિસ્તાનની (અને યુરોપ અમેરિકામાં વસતી આપણી) ગૃહિણીઓ ત્યાંની પ્રખ્યાત કસૂરી મેથીને કારણે જાણે છે. પંજાબની વૃદ્ધ માતાઓ ત્યાંની પ્રસિદ્ધ મોજડી (‘જૂતી કસૂરી’ ગીત સાંભળ્યું છે?)ને હજી યાદ કરે છે. સંગીતના જાણકારો કસૂરને ખાનસાહેબ બડે ગુલામ અલીખાંસાહેબના વતન તરીકે જાણે છે. અા કસૂર શહેરમાં જ નૂરજહાંનો જન્મ થયો હતો. મજાની વાત છે, તેમનું જન્મનામ જુદું હતું: અલ્લાહ વસઇ! નૂરજહાં તેમનું ફિલ્મી નામ હતું. તેમનાં માતાપિતા બન્ને ખાનદાની ગાયક હતા અને તેમની વિનંતિથી બડે ગુલામ અલીખાંસાહેબે નૂરજહાંને પતિયાલા ઘરાણાનું સંગીત શીખવ્યું. મૂળભૂત પાયો એટલો મજબૂત થયો કે કોઇ પણ ગીતની ગમે તેવી મુશ્કેલ તાન હોય, નૂરજહાં જાણે સ્મિત કરતા હોય તેવી સહજતાથી ગાઇને ગીતને ચાર ચાંદ લગાવી દેતાં. Narendrabhai,
  Nice Post !
  What I did not know of NoorJaha I now know because of this Post.
  Nice Old Songs too !
  DR. CHANDRAVADAN MISTRY
  www.chandrapukar.wordpress.com
  Inviting all to Chandrapukar !

  ReplyDelete