Tuesday, October 11, 2011

વિસામો: દિયા જલા કર આપ બુઝાયા (૧)

સંગીતકારે એવી તર્જ બનાવી, જે તેના જહેનમાં ઘણા દિવસોથી ઘુમી રહી હતી. આ એવું રત્ન હતું જે તેને પરખનાર અને ‘પહેરનાર’ના કંઠે શોભી રહે. ફક્ત જેના માટે સંગીત યોજ્યું હતું તેને ગમવું જોઇએ.
કેટલાય દિવસથી આ ગીતમાં ઢાળવામાં આવનાર રાગ અને લય તેના મનમાં વાગી રહ્યા હતા. ધૈવત અને પંચમમાં કેવો આવિષ્કાર કરવો જે ગીતનો આત્મા બની રહે, તેનો વિચાર કરી રહ્યો હતો. અચાનક એ તર્જ વિજળીની જેમ ઝબકી ગઇ અને તેણે એવી કૃતિનું સર્જન કર્યું હતું જેને ઘડીને તે કૃતાર્થ થઇ ગયો. હવે પરીક્ષાની ઘડી આવી હતી. ગીતની ગાયિકાને તે ગમ્યું કે નહિ તેની પરીક્ષા તેને તે ગાવામાં કેટલા ‘ટેક’ લેવા પડે છે. શું તે ગીતના સંગીતની રૂહને પહેચાની શકશે? જો તે ઓળખે તો બસ....

સંગીતકાર સ્ટુડીઓમાં સૌથી પહેલાં પહોંચી ગયા. ગાયિકાના પ્રિય અત્તરની ખુશ્બૂ લાવીને સ્ટુડીઓમાં તેનો છંટકાવ કર્યો. સુગંધ પમરાવી. આખરે ગાયીકા પણ સંગીતની મહારાણી હતી ને!

ગીત સાંભળી ગાયીકા પ્રસન્ન થઇ ગઇ. “વાહ! ક્યા બાત હૈ દાદા! ઇસ કા અતિકોમલ ગાનેકી રૂહ બન જાયેગા!”

એક પ્રૅક્ટીસ અને એક ‘ટેક’માં ગીત રેકૉર્ડ થઇ ગયું અને ચાહકોના મનમાં અંકાઇ ગયું. ગાયીકા હતા નૂર જહાઁ. સંગીતકાર કે. દત્તા ઉર્ફે દત્તા કોરગાંવકર.

રેકર્ડ બહાર પડી અને આ ગીતના તીવ્ર, કોમલ, અતિ કોમલ ગાંધાર અને ધૈવતમાં ઢાળવામાં આવેલ અને નૂરજહાઁના સ્વરમાં માં ગવાયેલ ગીત સાંભળીને શ્યામ સુંદર દત્તા સાહેબને ઘેર મારતી ગાડીએ પહોંચી ગયા અને આ ‘અદ્ભૂત’ કૉમ્પોઝીશન માટે અભિનંદન આપ્યા!

ગીત હતું, 'દિયા જલા કર આપ બુઝાયા, છોડ કે જાને વાલે, દિલ તોડ કે જાને વાલે!” અહીં સાંભળજો. તેમાંના શબ્દો ‘આપ બુઝાયા’ માં તેની subtlety ઓળખી જશો.

તે સમયે નૂરજહાઁ ‘મલીકા-એ-તરન્નૂમ’ નહોતાં થયા. એ સમય જ એવો હતો કે ગાયકો અને ગાયીકાઓ એકબીજાનો કલાકાર તરીકે આદર કરતા હતા. નહોતી તેમની વચ્ચે કોઇ સ્પર્ધા કે ઇર્ષ્યા. તેઓ કેવળ તેમની કળાના આધારે જનતાના માનીતા હતા. તે સમયે નૂરજહાઁ અને કે. દત્તાની જુગલબંધી એવી હતી કે દત્તાની સંગીત રચનાના હાર્દને કેવળ નૂરજહાઁએ પહેચાની તેમનાં સૂરોને એવી વાચા આપી કે તેમણે ગાયેલા કે. દત્તાનાં દરેક ગીત સુપર હીટ થઇ ગયા. આપે ‘કિસી તરહસે મુહબ્બતતમેં ચૈન પા ન સકે’ સાંભળ્યું છે? તેમાંનાં શબ્દો ‘પા ન સકે’ સાંભળશો તો આપ કેવળ ‘વાહ!’ કહેશો! કેવી નજાકતથી તેમણે તે ગાયા તે વિચારીને હેરત પામશો. આવા જ બીજા ગીતો:

આ ઇંતઝાર હૈ તેરા, દિલ બેકરાર હૈ મેરા...’


એક એક ગીત અવિસ્મરણીય બની ગયું. કે. દત્તાના સંગીતમાં નૂરજહાઁએ ફક્ત દસેક ગીતો ગાયા અને જાણકારો તેને સાંભળીને કે યાદ કરીને ‘વાહ! ક્યા બાત હૈ ઔર કયા ઝમાના થા!’ કહે છે.

ત્યાર પછી તો નૂરજહાઁના ગીતોની હારમાળા શરૂ થઇ ગઇ. એક પછી એક ગીત ‘હિટ’ થતું ગયું! ગુલામ હૈદર, હુસ્નલાલ ભગતરામ જેવા સંગીતકારોના દિગ્દર્શન નીચે તેમણે જે ગીતો ગાયા તે યાદગાર બની ગયા. આજે બસ આટલું જ. આવતા અંકમાં તેમનાં ગીતોની વાત, તેમની પોતાની વાત લઇને ફરી હાજર થઇશ.
(વધુ આવતા અંકમાં)

2 comments:

 1. વાહ
  ખૂબ સુંદર યાદ
  આ ગીતો સાંભળી મન ઝૂમી ઊઠ્યું
  દિયા જલા કર આપ બુઝાયા,
  અને
  ‘આ ઇંતઝાર હૈ તેરા, દિલ બેકરાર હૈ મેરા...’
  ............................
  કૌન જાને આસમાઁ સે ઉન કો ક્યા ઉમ્મીદ થી,
  મરતે મરતે ભી જો સૂ-એ-આસમાઁ દેખા કિયે !
  અને નથી ભુલાતી આ ગાયકી
  "હમારી સાઁસોં મેં આજ તક વો હિના કી ખ઼ુશબૂ મહક રહી હૈ ......."
  અને
  ક઼વ્વાલી ..
  "આહેં ન ભરીં શિક઼વે ન કિયે કુછ ભી ન જુબાં સે કામ લિયા ......"


  પ્રજ્ઞાજુ

  ReplyDelete
 2. એક પ્રૅક્ટીસ અને એક ‘ટેક’માં ગીત રેકૉર્ડ થઇ ગયું અને ચાહકોના મનમાં અંકાઇ ગયું. ગાયીકા હતા નૂર જહાઁ. સંગીતકાર કે. દત્તા ઉર્ફે દત્તા કોરગાંવકર.
  Narendrabhai..Back home after a trip of Columbia, South Carolina & Dallas Texas, backt to your Blog
  Nice song & nice memory of NoorJaha
  DR. CHANDRAVADAN MISTRY
  www.chandrapukar.wordpress.com
  Ajvo !

  ReplyDelete