તારીખ ૩૦ જુન ૨૦૧૦. સ્થળ કામાણી અૉડીટોરીયમ, દિલ્હી. હૉલના દરવાજા પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું હતું તેમ છતાં સેંકડો સંગીતપ્રેમીઓ કાર્યક્રમના સંયોજકોને વિનંતિ કરી રહ્યા હતા. “અમને અંદર આવવા દો. એક ખુણામાં ઉભા રહીને, શાંતિથી કાર્યક્રમ સાંભળીશું.” જવાબ હતો, “માફ કરશો, અંદર તો ઉભા રહેવાની પણ જગ્યા નથી. અરે, ચાલવાની કૉરીડોરમાં પણ લોકો બેઠા છે!”
કાર્યક્રમ હતો ફરીદા ખાનુમનો.
આપણા દેશની પ્રજાએ કલાની કદર કરવામાં કદી પણ ભેદ ન રાખ્યો કે કલાકાર ક્યા દેશનો વતની છે. આપણે તો મુક્ત હૃદયે તેમના પર બધું ન્યોચ્છાવર કર્યુ: માન, ધન, મહેમાન-નવાઝી, કશામાં કમી ન રાખી. ફરીદા ખાનુમ પર ભારતે વિશેષ સ્નેહ દર્શાવ્યો. અને કેમ નહિ? તેમનો જન્મ ભારતમાં-કોલકાતામાં થયો હતો ને! અખબારી મુલાકાતમાં તેમણે પોતે કહ્યું હતું કે તેઓ પિયરની મુલાકાતે આવ્યા હતા! અને તેમનો આનંદ વ્યક્ત થતો હતો તેમણે ભારતમાં પેશ કરેલા દરેક કાર્યક્રમમાં.
ફરીદા ખાનુમના અવાજનું માધુર્ય સૌથી પહેલાં ઓળખ્યું હોય તો તેમનાં મોટા બહેન મુખ્તાર બેગમે. મુખ્તાર બેગમ પોતે જ લોકપ્રિય ગાયિકા હતા અને ‘બુલબુલે-પંજાબ’નું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. તેમણે નાની બહેનને પાસે બેસાડી સંગીતની તાલિમ આપી. તેમનો potential જોઇ તેમના અમૃતસરના વાસ્તવ્ય દરમિયાન પટિયાલા ઘરાણાંના ઉસ્તાદ આશિક અલી ખાં, ખાંસાહેબ બડે ગુલામ અલીખાં સાહેબ તથા તેમના નાના ભાઇ બરકત અલીખાં પાસે સંગીતની તાલિમ મેળવી. દેશના ભાગલા થયા અને પરિવાર સાથે તેઓ પાકિસ્તાન ગયા, પણ તેઓ કદી કોલકાતા, બનારસ અને અમૃતસરને કદી ભૂલ્યા નહિ. ન ભૂલ્યા ભારતીય સાડીને! જાહેરમાં કોઇ પણ કાર્યક્રમ હોય, તેમણે હંમેશા સાડી પરિધાન કરી અને સંગીતને વધારાનો ઓપ ચઢાવ્યો.
જિપ્સીની પંજાબમાં બદલી થઇ ત્યારે પાકિસ્તાન ટેલીવિઝનના પ્રસારીત થતા ખાસ કાર્યક્રમોમાં મેહદી હસન સાહેબના કાર્યક્રમ બાદ થયેલા એક કાર્યક્રમમાં ફરીદા ખાનુમનો કાર્યક્રમ આવ્યો ત્યારે પહેલી વાર તેમને સાંભળ્યા. જ્યારે તેમણે ‘આજ જાનેકી ઝીદ ના કરો‘ ગાયું, તેમના ચાહકોના લિસ્ટમાં એક વધારે નામ નોંધાઇ ગયું! ત્યાર પછી તેમણે ‘વહ ઇશ્ક જો હમસે રૂઠ ગયા’ ગાયું અને બસ, અૉફિસર્સ મેસમાં બેઠેલા પલ્ટનના અફસરો મંત્રમુગ્ધ થઇ સાંભળતા જ ગયા.
ફરીદા ખાનુમનું ‘આજ જાનેકી ઝીદ ના કરો’ તેમના ગળાના હારની જેમ કાયમ માટે આરોપાઇ ગયું. દુનિયાના કોઇ પણ દેશમાં તેમનો કાર્યક્રમ થાય, આ ગઝલ વગર કાર્યક્રમ અધુરો જ ગણાતો. મજાની વાત એ હતી કે આ ખાનદાની મહિલાને જ્યારે પણ દાદ મળતી, એટલા આભારવિવશ થઇ, ગૌરવથી આદાબ કરવા હાથ ઉંચો કરતાં તે જોવું પણ એક લહાવો બની ગયું.
અહીં એક મજાની વાત કહીશ. ફરીદા ખાનુમનો મુંબઇમાં કાર્યક્રમ થયો ત્યારે તેમનો પરિચય આપવાનું કામ કોઇને નહિ અને શત્રુઘ્ન સિન્હાને સોંપાયું. આપને સૌને યાદ હશે કે યુવાનીના જોશમાં શત્રુઘ્ન પોતાને 'શૉટગન સિન્હા' તરીકે ઓળખાવવા લાગ્યા હતા. એક ફિલ્મ વિવેચકને આ ઉપનામનું મહત્વ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, "સરળ શબ્દોમાં કહીએ તો big bore and loud noise, તેથી!" શૉટગનની નળીનો પરીઘ એક ઇંચનો (બંદૂકમાં સૌથી મોટો બોર) હોય છે, અને તેમાંથી ગોળી છોડવામાં આવે ત્યારે તેનો ધડાકો કાનના પડદા ફાડી નાખે તેવો. શૉટગન સિન્હાએ ફરીદા ખાનુમનો પરિચય આપવાને બદલે પોતાની મહત્તા બતાવવાનું શરૂ કર્યું. અધવચ્ચે ગૅલેરીમાંથી તાળીઓ શરૂ થઇ - 'બંધ કરો તમારો બકવાદ. અમે ફરીદા ખાનુમને સાંભળવા આવ્યા છીએ.' મહાશય મોઢું બંધ કરવાને બદલે ઉશ્કેરાઇ ગયા, ત્યારે આખો હૉલ તાળીઓથી છવાઇ ગયો અને લોકોએ બૂમાબૂમ શરૂ કરી. અંતે કાર્યક્રમના આયોજકોને સ્ટેજ પર જઇ તેમને વિંગમાં લઇ જવા પડ્યા!
જ્યારે ફરીદા ખાનુમે સ્ટેજ પર આવીને સૂર પકડ્યો, હૉલ ફરી એક વાર તાળીઓના ગડગડાટથી ગર્જી ઉઠ્યો. આપ જાણી ગયા હશો કે કઇ ગઝલનો આ સૂર હશે!'આજ જાનેકી ઝીદ ના કરો!'
ત્યાર પછી તેમણે ગાયેલી ગઝલ 'વહ ઇશ્ક જો હમસે રૂઠ ગયા'ને લોકોએ એટલા જ ઉત્સાહથી વધાવી લીધી.
રાબેતા મુજબ આજે તેમના જીવનચરિત્રની તારીખો કહેવાને બદલે તેમને સાંભળવાનો લહાવો લઇશું. અહીં ઉતારેલી ગઝલ - મેરે હમનફસ, મેરે હમનવા - આપે ગયા અંકમાં બેગમ અખ્તરને આપેલી અંજલિમાં સાંભળી હશે. શકીલ બદાયુંની આ ગઝલ અહીં ઉતારવા પાછળનો આશય સરખામણી કરવાનો નથી; કેવળ ફરીદા ખાનુમે કરેલા તેના interpretationનો આનંદ માણવા માટે છે. વળી તેમણે પોતે જ કહ્યું હતું કે બેગમ સાહિબાએ ગાયેલી આ ગઝલ તેમની પ્રિય ચીજોમાંની એક છે.
ફરીદા ખાનુમ તેમની ઉમરના ૭મા દશકમાં અને લોકપ્રિયતાના સાતમા આસમાનમાં બિરાજી રહ્યા છે. પાકિસ્તાનની સરકારે તેમને રાષ્ટ્રીય સન્માનના બીજા નંબરનો ઇલ્કાબ આપ્યો. ભારત તથા પાકિસ્તાનના સંગીતપ્રેમીઓએ તેમને પોતાનાં હૃદયોમાં પ્રથમ સ્થાન આપ્યું છે.
ભારતની વિદાય લેતાં પહેલાં ફરીદા ખાનુમે એક ઇચ્છા વ્યક્ત કરી હતી: લતા મંગેશકર સાથે ગીત ગાવાની. તે પૂરી થશે કે નહિ એ તો પરમાત્મા જાણે, પણ તેમની મુલાકાત જરૂર થઇ!
(છબી: સૌજન્ય ટાઇમ્સ અૉફ ઇન્ડીયા)