જિપ્સી પાછો વળ્યો. દૂર જર્નૈલસિંહ જીપની બહાર ઉભો રહી અપલક નજરે તેના અફસર તરફ ચિંતામય નજરે જોઇ રહ્યો હતો. તેની નજીક જઇ જિપ્સીએ કહ્યું, "જર્નૈલ, આપણા જવાનોની તપાસ કરવા હું એકલો આગળ જઉં છું. તારે અહીં જ રહી મારી રાહ જોવાની છે. જો હું એક કલાકમાં પાછો ન આવું તો હેડક્વાર્ટર્સમાં જઈ CO સાહેબને અત્યાર સુધી જે થયું છે તેનો રિપોર્ટ આપજે."
"સા'બ જી, આપની સલામતીની જવાબદારી મારી છે. આપને છોડીને હું ક્યાં'ય નહીં જઉં. આપ જીપમાં બેસો. આપણે સાથે જ જઇશું." જર્નૈલ આખરે જવાંમર્દ શીખ જવાન હતો.
મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના સુબેદાર સાહેબ આ સાંભળી રહ્યા હતા. જેવો હું જીપમાં બેસવા ગયો, તેમણે મને મરાઠીમાં કહ્યું, "સાહેબ, યા પુઢે શત્રુ આહે." આગળ દુ:ખિત સ્વરમાં કહ્યું, " માફ કરજો, મારા હાથ બંધાયેલા છે. સંભાળીને જજો. રામ રામ," કહી તેઓ તેમની ટ્રેન્ચમાં ગયા. તેમનો દુ:ખિત ચહેરો ઘણું બધું કહી ગયો. જે માણસ જાણી જોઇને મોતના મ્હોંમાં જતો હોય તેના માટે શોક પ્રદર્શિત કરવા સિવાય આ વીર યોદ્ધા બીજું શું કરી શકે? વાત સ્પષ્ટ હતી : અમે ત્યાં પહોંચીએ તે પહેલાં ફિલ્ડ ટેલીફોનથી મેજર તેજાએ સુબેદાર જાધવ સાહેબને તેમના સીઓ કર્નલ પોપટલાલનો હુકમ સંભળાવી દીધો હતો.
જર્નૈલે જીપ સ્ટાર્ટ કરી. અમે ધીરે ધીરે આગળ વધ્યા.
અમે લગભગ પંદરે''ક મિનિટ આગળ વધ્યા હતા ત્યાંથી આગળ, લગભગ ૩૦૦ - ૪૦૦ ગજના અંતરે ધુસ્સી બંધમાં અમને ટ્રેન્ચ જેવું કશું ક દેખાયું. મારી પાસે દૂરબિન નહોતું. જર્નૈલે તેની સ્ટેનગનમાં મૅગેઝિન ચડાવી, મેં મારી પિસ્તોલને holsterમાંથી બહાર કાઢી, cock કરી, પણ સેફ્ટી કૅચ ઑન રાખ્યો જેથી અકસ્માત તેમાંથી ગોળી ન છૂટે. અમે આગળ ગયા તો ટ્રેન્ચ સ્પષ્ટ દેખાઇ, અને તેમાંથી અમારી તરફ રાઇફલ તાણીને ખાખી યુનિફૉર્મમાં એક સૈનિક દેખાયો.
સ્થિતિ ગંભીર હતી. પાકિસ્તાની સેનાનો યુનિફૉર્મ ખાખી રંગનો છે. BSFની વર્દી તે સમયે ખાખી રંગની હતી તેથી અમે જાણી ન શક્યા કે અમે જોયેલા સૈનિક કોણ હતા. અહીં બે શક્યતાઓ હતી. જો તે દુશ્મન હોય તો તેઓ અમને તેમની નજીક જેટલું અવાય એટલું આવવા દેશે અને અમને ઘેરીને કેદ કરવાનો પ્રયત્ન કરશે. જો અમે ત્યાંથી જ પાછા ફરવાનો પ્રયત્ન કરીશું તો ગોળીઓની ઝડી વરસાવવાનું શરૂ કરશે. બીજી સંભાવના હતી કે આ અમારા BSFના જવાન હતા. બન્ને સંજોગોમાં અમારે આગળ વધ્યા જ કરવાનું હતું. છેલ્લા શ્વાસ અને છેલ્લી ગોળી સુધી લડી લેવાની તૈયારી સાથે અમે આગળ જવાનું નક્કી કર્યું. મેં પિસ્તોલ પર ઘોડો ચડાવ્યો. અંગુઠો સેફ્ટી કૅચ પર રાખ્યો, જેથી ગોળી છોડવી પડે તો અંગુઠા વડે સેફ્ટી કૅચ ખસેડીને ગોળીઓ છોડી શકું. જર્નૈલે તેની સ્ટેનગન જમણા હાથમાં રાખી અને ડાબો હાથ સ્ટિયરિંગ રાખી જીપ ચલાવવાનું ચાલુ રાખ્યું. અમારા બન્નેનાં મન શાંત હતા. અમને ખબર હતી કે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો. મનમાં ડર નહોતો. શંકા નહોતી. ઉદ્દેશ સ્પષ્ટ હતો.
ટ્રેન્ચથી પચીસે'ક ગજ પર મેં જર્નૈલને જીપ રોકી 'ચૌકન્ના' રહેવા કહ્યું. હું ધીરેથી બહાર નીકળ્યો, અને...
ધુસ્સી બંધની પેલી પારથી, જ્યાં અમારી નજર નહોતી પહોંચતી, ત્યાંથી સરકીને અમારી પાછળ આવેલા જવાનને અમે જોયો. સામેથી એક શીખ સિપાહી ખાઇમાંથી બહાર આવ્યો અને મને side arm સૅલ્યૂટ કરી 'સત્ શ્રી અકાલ' કહી અભિવાદન કર્યું.
અમે હાશકારો કરીએ તે પહેલાં સબ ઇન્સ્પેક્ટર અજીતસિંહ, પ્રકાશ ચંદ અને બે જવાનો અમારી પાસે આવ્યા અને અમને ભેટી પડ્યા. અમને જોઇને પ્રકાશ ચંદની આંખમાં પાણી આવ્યું, અને કહ્યું, 'સાબ, આપ આવશો એવી અમારી ધારણા હતી અને સાચે જ..."
કોઇ પણ જાતની કૂમક, મશિનગન/મોર્ટાર કે આર્ટિલરીના સપોર્ટ વગર આપણા સૈનિકો આ સ્થાન પર કેવી રીતે પહોંચ્યા તે વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે બુર્જ પર ઍટેક કરવાના જુસ્સામાં અમારી બન્ને પ્લૅટૂન દુશ્મનને નષ્ટ કરીને આગળ વધી તો તેમની આખરની ટ્રેન્ચના જવાનો લેફ્ટેનન્ટ ચીમાની ટૅંકનો ધસારો અને તેની આગળનો બૉનેટ જેવા ભાગમાં બેસેલા BSFના જવાનોને જોઇ ટ્રેન્ચ છોડી નાસવા લાગ્યા હતા. અમારા સૈનિકોને હુકમ હતો કે જ્યાં દુશ્મનની રક્ષાપંક્તિ ખતમ થાય ત્યાંથી બસો-ત્રણસો ગજ આગળ જઇ મોરચા ખોદી defenceમાં તૈયાર રહેવું. આને infantry tacticsમાં Reorg અથવા reorganization કહેવાય છે. અજીતસિંહ અને પ્રકાશચંદે હુકમ પાળ્યો. કમનસીબે મેજર રણવીરસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને વિજય મેળવ્યા બાદ તેમને તરત સારવાર માટે મોકલવામાં આવ્યા. આવી હાલતમાં તેમની કંપનીની જગ્યાએ ગયેલ મેજર તેજાને આ વાતની જાણ કરી શક્યા નહીં કે BSFના જવાનો ઠેઠ આગળ, દુશ્મનના contact માં હતા. તેજાને છેક સુધી ખબર નહોતી કે જે ભૂભાગને તેણે No man's land નક્કી કરીને તેના COને જાણ કરી હતી, ત્યાંથી ચારસો ગજ આગળ BSFની બે પ્લૅટૂનો રક્ષાપંક્તિ બનાવીને બેઠી હતી. તેણેે જ તેના COને જણાવ્યું હતું કે BSFની બે પ્લૅટૂન્સ, જે તેમના ઑપરેશનલ કન્ટ્રોલ નીચે હતી, તેમનો કોઇ પત્તો નહોતો! સત્ય હકીકત એ હતી કે અમારા જવાન આપણી સેનાના no man's landથી લગભગ અર્ધો માઇલ આગળ નીકળી ચૂક્યા હતા. જ્યાં તેમણે રક્ષાપંક્તિ બનાવી હતી તે અત્યંત નાજુક - vulnerable - પરિસ્થિતિમાં હતી. તેમની પાસે લાઇટ મશિનગન સિવાય કોઇ ભારે ઑટોમેટીક હથિયાર (મિડિયમ મશિનગન, 81 mm મૉર્ટર) કે આર્ટિલરીનો સપોર્ટ નહોતો. તેમના ઇન્ફન્ટ્રી Op કમાંડરને જરા પણ ખબર નહોતી કે BSFના જવાન ક્યાં છે તેથી જો BSFના આ જવાનો પર દુશ્મને હુમલો કર્યો હોત તો તેમને જરા સુદ્ધાં જાણ ન થાત કે તેમના શા હાલ હવાલ થયા છે.
સદ્ભાગ્યે દુશ્મનને આ વાતની ખબર નહોતી. તેમને અમારા જવાનોની સહાયતા વગરની સ્થિતિનો ખ્યાલ આવી જાત તો તેનાં પરિણામોનો વિચાર કરતાં પણ હૃદય કાંપી જાય.
ખેર, અજીતસિંહની સાથે હું દરેક ખાઇમાં ગયો અને જવાનોની હિંમતને દાદ આપી અને શાબાશી આપી. છેલ્લા અઢાર કલાકથી તેમના પેટમાં તેમની વૉટર બૉટલના પાણી સિવાય બીજું કંઇ નહોતું ગયું, તેમ છતાં તેમનો જુસ્સો જોઇ અમે સાચે જ નવાઇ પામી ગયા. દરેક જવાન પાસે જઇને અમે નોંધ કરી કે કોને શાની જરૂરિયાત હતી. ગઇ કાલના ઍટેકમાં બન્ને પ્લૅટૂનના આ જવાનો પાસે તેમના યુનિફૉર્મ અને હથિયાર સિવાય બીજું કશું નહોતું. દારૂગોળો પણ ઘટી ગયો હતો. શિયાળાની કાતિલ ટાઢમાં, જ્યાં ટેમ્પરેચર શૂન્યની આસપાસ હતું, ત્યાં આ સૈનિકોએ પહેરેલા કપડે રાત વિતાવી હતી, એટલું જ નહીં, દુશ્મનનો સામનો કરી રહ્યા હતા. અત્યારે તેમની સામે, કોઇ ૪૦૦ - ૫૦૦ ગજ દૂર તેમણે પાકિસ્તાની સૈનિકોની હિલચાલ જોઈ હતી. આ વિસ્તાર ફતેહપુર ચોકીનો હતો, જેના પર ૪ ડિસેમ્બરની રાતે તેમની પ્રખ્યાત જો કર્યો હતો. પ્રકાશચંદની માન્યતા પ્રમાણે બુર્જ પર આપણી સેનાએ કરેલા હુમલા બાદ ફતેહપુરના તેમના defence મજબૂત કરવા વધારાનું સૈન્ય મોકલ્યું હતું.
અમારા સૈનિકોને મળી મેં તેમને અમારા CO સાહેબનો શાબાશીનો સંદેશો આપ્યો અને કહ્યું કે તેમના માટે કામળા, પાથરણાં માટે ગ્રાઉન્ડ શીટ, અન્ય જરુરી સામાન, શિરામણ અને બપોરના ભોજનની વ્યવસ્થા કરૂં છું. ત્યાં એક રસપ્રદ વાત થઇ. આ બધા સૈનિકોમાં એક જ જવાન એવો હતો જેની પાસે જર્સી - યુનિફૉર્મનું લાંબી બાંયનું સ્વેટર પણ નહોતું. તેણે શરમાળ સ્વરે કહ્યું, "સર, બને તો મારા માટે જર્સી મોકલી શકશો?"
મને થયું, હેડક્વાર્ટરમાં પહોંચતાં અમને એકાદ - બે કલાક લાગશે. ત્યાંના અમારા ક્વાર્ટરમાસ્ટર સ્ટોરમાંથી અન્ય સામાન સાથે જર્સી મોકલવામાં કોણ જાણે કેટલો સમય લાગશે. તેથી મેં તેને મારી જર્સી ઉતારી આપી અને કહ્યું, "તને નવી જર્સી મળે ત્યાં સુધી આનાથી કામ ચલાવ. મારી પાસે યુનિટમાં spare જર્સી છે, તો મારી ચિંતા ના કરીશ." આ હતી આપણી ગુજરાતી વ્યાવહારિકતા. સમય સાચવવાની વાત, એટલું જ, પણ આ વાતનો આખી બટાલિયનમાં પ્રસાર થયો કે ઍડ્જુટન્ટે ફ્રન્ટ પરના જવાનને પોતાની જર્સી ઉતારી આપી!
હેડક્વાર્ટર્સમાં પાછા જવા જેવા અમે જીપમાં બેઠા અને જર્નૈલે ચાવી ફેરવી, અમારા પર નો મૅન્સ લૅન્ડના વિસ્તારમાંથી મશિનગનની ગોળીઓ વરસવા લાગી. પ્રકાશચંદનો અંદાજ સાચો પડ્યો. ચાર દિવસ બાદમાં અમને જાણવા મળ્યું કે આ પાકિસ્તાનની 'જાંબાઝ' ગણાતી પંજાબ રેજિમેન્ટની ટુકડી હતી, જેણે અજીતસિંહની રક્ષાપંક્તિની સામે ડેરા નાખ્યા હતા. તેમની મશિનગને અમારા પર ફાયરિંગ શરૂ કર્યું હતું. તેમના માટે આ ઇનામી ઘા કરવાની તક હતી, કેમ કે eyeball to eyeball જેવા નિકટના, સામસામેના મોરચાઓ બાંધી બેસેલા જવાનોને મળવા જીપમાં જનાર કોઇ વરિષ્ઠ અફસર જ હોય! તેને મારી નાખવાથી દુશ્મનને પબ્લિસિટી કરવાનો લાભ મળે કે તેમના સૈનિકોએ દુશ્મનના સિનિયર અફસરનો વધ કર્યો છે!
શરૂઆતમાં ગોળીબારનો પહેલો ઘા અમારી રક્ષાપંક્તિ પર હતો અને બીજો burst અમારી જીપ પર. આ વખતે પણ તેમનું ranging ક્ષતિપૂર્ણ હતું અને ગોળીઓ અમારી જીપની પાછળની બાજુએ પડતી હતી. જીપ પર ગોળીઓનો વરસાદ પડવામાં વાર નહીં લાગે એવી સ્થિતિ હતી. જો કે આ વખતે અમારા બચાવમાં અમારા પોતાના સૈનિકો હતા. અજીતસિંહે તેમની LMG (લાઇટ મશિન ગન)થી દુશ્મનની દિશામાં ફાયરિંગ શરૂ કર્યું. બે'એક મિનિટ તેમની ગોળીઓ બંધ થઇ, પણ હવે તેમની ભારે બ્રાઉનિંગ મશિનગનમાંથી ગોળીઓ વરસવા લાગી. અમારા કાન પાસેથી સનનન કરતી ગોળીઓ જતી હતી.; કેટલીક ગોળીઓ મારી સીટની નજીકથી પસાર થતી હતી. આ વખતે પણ રામ રાખે તેને કોણ ચાખેની વાત સિદ્ધ થઇ. અમારા સદ્ભાગ્યે ધુસ્સી બંધમાં વળાંક નજીકમાં જ હતો ત્યાં વળ્યા બાદ અમે આ કાતિલ ગોળીબારમાંથી બચી નીક્યા.
આ વખતે અજીતસિંહે તેમની પ્લૅટૂને કબજે કરેલી બલુચ સૈનિકોની કેટલીક રાઇફલ, વાયરલેસ સેટ અને મેજર શેખના નામ સાથેના નકશા તથા ગોળીઓ ભરેલી મૅગેઝિન્સ અમને આપી, જે લઇ અમે હેડક્વાર્ટર્સ તરફ જવા નીકળ્યા. ગોળીબારનો અવાજ સાંભળી મેજર તેજા તેમની અગ્રિમ ટ્રેન્ચમાં સુબેદાર જાધવ પાસે આવ્યા હતા અને તેમની સાથે પરિસ્થિતિનો અંદાજ કાઢી રહ્યા હતા કે આગળ શું બની રહ્યું હતું. મને મળી તેણે કહ્યું, "તું બાલ બાલ બચી ગયો!" મેં તેને પૂરી વાત કરી અને તેનો રિપોર્ટ તેના કર્નલ પોપટલાલને આપવાનું કહ્યું. હવે તે અમારા સૈનિકોને જોઇતી મદદ કરવા તૈયાર થયો, તે આનંદની વાત હતી.
મેજર તેજા પાસેથી નીકળી અમે ઇન્સ્પેક્ટર કરણસિંહ પાસે ગયા અને ત્યાંથી ભોજનની ગાડીઓ રવાના કરાવી.
હવે આગળ એક એવી શોધ થઇ, જે હૃદય હચમચાવી નાખે તેવી હતી.
No comments:
Post a Comment