Sunday, December 30, 2018

નુતન વર્ષ ની નવી યાત્રા


સૌ પ્રથમ આપને નુતન વર્ષના અભિનંદન! સાથે પ્રભુ પાસે પ્રાર્થના કે આપના આવતા વર્ષના દિવસો આનંદમય અને સ્વાસ્થ્યપૂર્ણ રહે અને પ્રત્યેક દિવસ એક નવા-પ્રભાતના ઉત્સવની ઉજવણી સમાન રહે.

***

સન ૨૦૧૮ : અઢાર  વર્ષના કૅલિફૉર્નિયાના વસવાટ બાદ જિપ્સીએ વતન પાછા ફરવાનો વિચાર કર્યો. વતન એટલે ક્યો દેશ? શું માનવી કોઈ એક સ્થાનને કાયમી વતન ગણી શકે? આ વાતનો વિચાર કરતો હતો ત્યારે જિપ્સીને ૧૯૬૫માં યુદ્ધને મોરચે જતી વખતે પંજાબમાં પેલી વિષમ રાતના સમયે જે અનુભૂતિ થઈ હતી તે યાદ આવી - ગુજરાતનો એક સામાન્ય સૈનિક હવે જિપ્સી, ખાનાબદોશ, વટેમાર્ગુ થઈ ગયો હતો. ગુજરાત મારૂં વતન હતું, પણ જેને ઘર કહી શકાય તેવું સ્થાન તેની પાસે રહ્યું નહોતું. જેના વચનને આધારે કામચલાઉ રહેવા માટે જેને પૈતૃક મકાન આપ્યું હતું, તેનો કબજો અમારા સંબંધીના હાથમાં 'કાયદેસરના ભાડવાત' તરીકે ગયો હતો. રહેવા માટે જગ્યા નહોતી. જેને ધરતીનો છેડો ગણતાં તેવું હવે ભારતમાં અમારી પાસે ઘર રહ્યું નહોતું. 
***
૧૯૮૦માં પહેલી વાર બ્રિટન ગયા બાદ એક ગૌરવશાળી ભારતીય તરીકે ભારતીય ગણરાજ્યનો પાસપોર્ટ ચાલુ રાખ્યો હતો. પાંચ વર્ષ બાદ જ્યારે દેશમાં પરિવાર અને મિત્રોને મળવા આવ્યો, એક પછી એક વિચિત્ર અનુભવો આવતા ગયા. ભારતના પ્રવાસમાં મારી સાથે આવેલા મારા મિત્ર ચંદ્રકાંત પટેલ પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. ઈમિગ્રેશનથી માંડી કસ્ટમ્સ, મહારાજાની વિમાની સેવા અને રેલ્વેના રિઝર્વેશન જેવી સામાન્ય બાબતો માટે સરકારી - ગેરસરકારી કર્મચારીઓ તરફથી મિત્રને ખાસ સવલત અને મારા પ્રત્યે ભેદભાવ તો ઠીક પણ ઉપેક્ષા અને કેટલેક અંશે તોછડાઈ પણ અનુભવી. 
ભારતની આ મુલાકાત બાદ બ્રિટન પાછા ફર્યા પછી જિપ્સીએ  બ્રિટનની નાગરિકતા લીધી. હૃદયમાં ભારતીયત્વ ભલે અકબંધ રહ્યું, પણ કાગળ-પત્રોમાં ભારતની નાગરિકતા ગુમાવી. એક ભારતીય હવે ત્રણ અક્ષર ધરાવતો NRI ડાળીએથી લટકતી વડવાઈ જેવો થઈ ગયો.  ફરી કદી ધરતીને આંબી ન શક્યો. બ્રિટિશ પાસપોર્ટ માટે અરજી કરી ત્યારે મારો ભારતીય ગણરાજ્યનો પાસપોર્ટ સરેન્ડર કરવો પડ્યો. પાસપોર્ટ ઑફિસના કર્મચારીએ કહ્યું, “માફ કરશો, આ તમારી સરકારનો નિયમ છે. તમે બ્રિટનનું નાગરિકત્વ સ્વીકારશો તો તમારી ભારતીય નાગરિકતા ઑટોમેટકલી રદ થઈ જાય છે. તમારો ભારતીય પાસપોર્ટ તમારી સરકારની માલિકીનો હોઈ અમારે તે તમારા હાઈકમિશનને મોકલવો પડશે. “
મને મારા મિત્ર કૅપ્ટન મૂર્તિનું પ્રિય ગીત યાદ આવ્યું : ખુશ રહો અહેલે વતન, હમ તો ચમન છોડ ચલે/ખાક પરદેસકી છાનેંગે, વતન છોડ ચલે
રોમાનિયા, આલ્બેનિયા જેવા પૂર્વ યુરોપિય દેશોમાં વસતા ભારતીય જિપ્સીઓ ભલે રોમાની ઉપરાંત જે દેશમાં તેઓ રહે છે તે દેશની ભાષા બોલતા હોય, પણ તેમના આત્મામાં વતન તો ‘મેરો બારટ’ છવાયું છે. ભારતમાં ૧૯૬૫ની તે રાતે જ્યારે એક કૅપ્ટન પોતાને જિપ્સી તરીકે ઓળખવા લાગ્યો હતો, તે હવે બ્રિટિશ જિપ્સીના અવતારમાં જન્મ્યો, પણ તેના  આત્મામાં "મેરો બારટ" સમાયો હતો ; ફક્ત ભારત તેને ભારતીય ગણવા તૈયાર નહોતાે - કે ગણવા માગતાે નહોતા.  અનેક દશક બાદ ભારતના બુદ્ધિજિવીઓમાં તથા અખબારી માંધાતાઓમાં અળખામણા થયેલા ‘પ્રધાન મંત્રી’એ ઓવરસીઝ સિટિઝન ઑફ ઈંડિયાની સુવિધા અમારા જેવા ખાનાબદોશ લોકોને આપી ત્યાં સુધીમાં તો આ જિપ્સી માટે ઘણું મોડું થયું હતું. મૂળ વતનથી ચાળીસ વર્ષ અળગો પડી રહ્યો હતો. પગ થાકી ગયા હતા. પાછા ફરવાનો માર્ગ પણ ધૂંધળો થઈ ગયો હતો.
***
બ્રિટનમાં અઢી દશક ગાળ્યા પછીના ૧૮ વર્ષ અમેરિકામાં ગાળ્યા. વતન પાછા ફરવા માટે જે દેશ - બ્રિટન -ને  વતન ગણવાની ફરજ પડી હતી ત્યાંના મિત્રો - જયંત પટેલ અને રેખા બહેન, દાદા ગુરૂ દીનેશભાઈ પુરોહિત અને ચારૂબહેન, પ્રૉ. હરીશભાઈ પટેલ અને ઉર્વશી, ડૉ. શરદ અને મીરા, ડૉ. રમેશ અને વીણા, હાલ ૯૪ વર્ષની વયે પહોંચેલા વડીલ મિત્ર જયભાઈ જોશી - હાથ ફેલાવીને આમંત્રીત કરી રહ્યા હતા. "આવો, તમારી રાહ જોઈએ છીએ. બ્રિટનનું હવામાન ભલે ઠંડુ હોય પણ અમારા હૃદયમાં તમારા પ્રત્યે ઉષ્માભરી કુમાશ હજી જીવંત છે. આવો, મિત્ર.  ભલે પધાર્યા!”
ધરતીના છેડે જ્યાં આવા સાથી, મિત્રો હોય તે વતન. એ જ ઘર. મુલક ગમે તે હોય મિલિટરીની નોકરીમાં આ એક વાત શીખ્યો હતો.

અનુરાધા અને જિપ્સી ‘વતન’ પાછા ફર્યા. ન્યુકાસલ ખાતે આવેલી પેન્શન ઑફિસને અમારા આગમનનો ફોન કરીને કહ્યું કે હવે અમે રેસિડન્ટ બ્રિટિશ થઈએ છીએ. 
“વેલકમ બૅક ટુ ઈંગ્લંડ,” કર્મચારીએ આવકાર આપ્યો. સાથે સાથે પૂછ્યું, “તમે ડૉક્ટર પાસે નામ રજિસ્ટર કરાવ્યું? તમારી ઉમર જોતાં તમને ડૉક્ટરની બહુ જરૂર પડશે. આ કામમાં કોઈ તકલીફ હોય તો તમારી સ્થાનિક કાઉન્સિલની સોશિયલ સર્વિસીઝને ફોન કરજો.  તેઓ સઘળી મદદ કરશે. અને હા, તમારી બૅંકની વિગતો મને અત્યારે જ લખાવો. આવતા અઠવાડિયાથી તમારૂં પેન્શન તમારા ખાતામાં જમા થઈ જાય એવી વ્યવસ્થા કરી આપીશ.” 
બધી વાતો ટેલિફોન પર ઉકેલાઈ ગઈ.
આ પણ હતું એક વતન! 

વતનની વાત કરતાં યાદ આવી ગયો ૧૯૮૧નો તે દિવસ, જ્યારે જિપ્સી નવું જીવન શરૂ કરવા બ્રિટન આવ્યો :

***
“હિથ્રો એરપોર્ટમાં ઊતર્યા બાદ ઇમિગ્રેશન ઓફિસરે મને રોકાવાનું કહ્યું. મને પ્રવેશ આપતાં પહેલાં તેમને અનુરાધા સાથે વાત કરવી હતી! તેમને ખાતરી કરવી હતી કે અમે Primary Purpose Ruleનો પૂરો અમલ કરી રહ્યાં હતાં. તેમણે લાઉડસ્પીકર પર એનાઉન્સ કરી અનુરાધા, કાશ્મિરા અને રાજેનને ઇમિગ્રેશન બૅરિયર પર બોલાવ્યાં. તેમને  ખાતરી કરવી હતી કે અમે સહુ સ્નેહ સંબંધથી બંધાયા હતા અને આ કોઈ 'સગવડિયાે' પ્રવેશ નહોતો! 
તેઓ આવ્યાં અને ઇમિગ્રેશન ઓફિસરે અમારા સૌનાં ચહેરા પર આનંદનો પ્રકાશ જોયો, હર્ષાેલ્લાસભર્યા હાસ્ય જોયાં. તેમણે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર મારા પાસપોર્ટ પર “પ્રવેશની અનુમતી”નો સિક્કો માર્યાે. `Good Luck' કહ્યું અને બૅરિયરનો દરવાજો ખોલી નાખ્યો. 
ચાર વર્ષ પહેલાં આ જ સ્થળે મારા પ્રિયજનો મને મૂકવા આવ્યાં હતા. આજે ઇમિગ્રેશન ચેકપોઇન્ટના દરવાજાથી અનુરાધા અને અમારાં બાળકો સુધી ચાલેલા ચાર પગલાંમાં અમારો ચાર વર્ષનો વિયોગ ઓગળી ગયો હોય તેવું લાગ્યું. આ ચાર વર્ષની મારી એકાકિ, ખડતલ જિંદગી દરમિયાન મારી સાથે રણના ખારાપાટ તથા હિમાચ્છાદિત પહાડો ખૂંદનાર મારા જીવનના ભાગીદાર એવા મારા સાથીઓની સ્મૃતિ મારી આસપાસ જીવી રહી હતી. અંતરના કાનમાં સંભળાતો હતો સરકંડાના જંગલમાં કાળા તેતરનો અવાજ-જેમાં ભાસ થતો હતો તેવો લલકાર "સુભાન તેરી કુદરત" ; ૧૯૭૧ની લડાઈની ડિસેમ્બરની પેલી અંધારી રાતના અંધારામાં મારી તરફ તણાયેલી લાઇટ મશીનગનમાં ૨૮ કારતૂસ ભરેલી મૅગેઝિન ચઢાવવાનો ખડાકા સાથેનો અવાજતથા સંત્રીનો ખતરનાક અને રણકતો પડકાર. "હૉલ્ટ, હુકમદાર,’! (Halt! Who comes there?). ભૂલથી પણ ટ્રિગર પર વાળના તાંતણા જેટલો ભાર પડ્યો હોત તો આ ૨૮ ગોળીઓ પાંચ-દસ સેકન્ડમાં અમને વિંધીને શરીરની આરપાર નીકળી ગઈ હોત.


૧૩૦૦૦ ફિટની ઉંચાઇએ તંગધારના હિમાચ્છાદિત શિખરો પર આરોહણ કરતી વખતે મારી નજર સામે કડાકા સાથે થયેલો હિમપ્રપાત (avalanche)
આ બધી યાદોના ઓળા મારી પાછળ મારા ભૂતકાળની જેમ પગલાં પાડી રહ્યા હતા.
***

આ બધા પ્રસંગોની સ્મૃતિ મને આખરી વિદાય આપી રહી હતી. સહુ હાથ હલાવીને જાણે તેઓ મને એક સંદેશ આપતા હતા:
शुभास्ते पंथान::
નવો દેશ, નવું સાહસ તને મુબારક નીવડે એવી અમારી દુઆ છે!
ઓફિસર્સ મેસમાં થયેલી મારી વિદાયમાનની પાર્ટીમાં મારા મિત્ર ડોક્ટર ચાંદેએ ગીત ગાયું હતું તે યાદ આવ્યું:
`ચલતે ચલતે, મેરે યે ગીત યાદ રખના, કભી અલ્વિદા ન કહના!'
મારા દેશ, મારા મિત્રો, તમને `અલવિદા' કઈ રીતે કહી શકું? તમે તો મારા હૃદયમાં અમીટ અંકાઈ ગયા છો.
બ્રિટનમાં થનારો મારો પ્રવેશ મારા માટે પુનર્જન્મ હતો. એક નવો અવતાર. આ દેશ માટે હું કેવળ નામધારી જીવ હતો. લાખો નાગરિકોમાંનો એક અજાણ્યો માનવ. સ્લોન વિલ્સનના નાયક – Man in a Grey Flannel Suit જેવો. લંડનની ટ્યૂબ કે ન્યૂયોર્કની મેટ્રોમાં રાખોડી રંગના સૂટમાં પ્રવાસ કરનાર હજારો વ્યક્તિઓમાંની એક. અહીં મારા ખભા પર મારી રૅન્કનું, સમ્રાટ અશોકના ત્રણ સિંહોનું રાજચિહ્ન નહોતું. મારી ડિગ્રીની અહીં કોઈ કિંમત નહોતી. ઉંમરના 49મા વર્ષે મારે નવેસરથી જીવન શરૂ કરવાનું હતું. નવી જિંદગી અને અનિશ્ચિતતાની મોટી ખાઈ મારી સામે નવા પડકાર લઈને ઊભી હતી. હું તૈયાર હતો.
અમે ધીમા પગલે હિથ્રો એરપોર્ટની બહાર નીકળ્યા. આકાશમાંથી વાદળાં હઠી ગયાં હતાં.
મધ્યાહ્નનો સૂર્ય ઝળહળી રહ્યો હતો.
મારું ભારતજીવન પૂરું થયુ હતું. મારા જીવનમાં એવા પુણ્યાત્માઓ અને મહાનુભાવો આવી ગયા જેમણે મારા જીવનને ધન્યતાની ઘડીઓ બક્ષી. જીવનમાં એક વધુ તક મળશે તો ક્યારેક તેમની પણ વાત કહીશ. અત્યારે તો અમારા ઝાઝા કરીને જુહાર વાંચશો. આજે તો જયહિંદ કહી આપની રજા લઈશ.”
("જિપ્સીની ડાયરી" ઈ-બુક ઈ-શબ્દ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ગુજરાતી યુનિકોડ ફૉન્ટમાં દુનિયામાં જે ઈ-બુક માટે સર્વમાન્ય છે એવા ePub 2.01 Standardમાં ગુજરાતી સાહિત્યના અનેક પ્રકાશકો, લેખકોના સૌથી વધારે પુસ્તકો ઈ-બુક ફોર્મેટમાં www.e-shabda.com”  પાસેથી મળી શકશે.)
***
આવતા કેટલાક અંકોમાં બ્રિટનમાં આવેલા મારા જેવા આગંતુકોએ અનુભવેલા નવા પડકાર, નવેસરથી શરૂ કરેલા જીવન વિશેની વાતો કરીશું. 

Tuesday, December 18, 2018

નુતન વર્ષની શુભેચ્છાઓ સાથે પુન:પ્રવેશ

જિપ્સીની ડાયરીના મિત્રો અને સાથી યાત્રીઓને સાદર નમસ્કાર.

લાંબા અવકાશ બાદ આપની સેવામાં કૅપ્ટન નરેન્દ્ર ફરી હાજર થાય છે. સમય અને વય કોઈથી રોક્યા રોકાતા નથી. તેમનું સ્વાગત અને તે પણ સ-હર્ષ કર્યું હોય તો સમય-વયના તડકા કરતાં તેમની પાસેથી મળેલી શીત લહરીનો આનંદ વધુ વર્તાય. આ આનંદ સાથે જિપ્સી આપના સંગાથનો લાભ લેવા આવી રહ્યો છે.

આપને કદાચ વિચાર થશે : આટલો સમય ક્યાં અને કેવી રીતે વિતાવ્યો. સાચું કહું તો ઘણી વાતો થઈ ગઈ. તેમાંની મુખ્ય તો અંગ્રેજીમાં કહેવાતી Survival ની વાત છે.  લશ્કરી જીવનના યુદ્ધ બાદ  સ્વાસ્થ્ય સંબંધી સંગ્રામમાં અટવાયો હતો. આપ સૌની શુભેચ્છાઓ કામ આવી અને આપનો સાથ લેવાની એક નવી તક મળી છે.

અત્યાર સુધીમાં આપે 'જિપ્સીની ડાયરી' - જે આ બ્લૉગમાં જન્મી અને સમય જતાં પુસ્તકાકારે બહાર પડી તે વાંચી. ત્યાર બાદ 'પરિક્રમા'ની યાત્રામાં પણ ભાગ લીધો. આપને જણાવતાં હર્ષ થાય છે કે 'પરિક્રમા' હવે આ બ્લૉગના કોશેટામાંથી નીકળી પતંગિયા-રૂપે પુસ્તક જગતમાં વિહાર કરવાની અણીએ આવી રહેલ છે. આ બધું શક્ય કેવળ - અને કેવળ આપના સ્નેહપૂર્ણ સાથને કારણે શક્ય થયું છે. આવતા વર્ષમાં જિપ્સીનું પ્રથમ પુસ્તક "બાઈ" જે હવે ફક્ત ઈ-બુક સ્વરૂપે મળી શકે છે, તેને આ બ્લૉગમાં મૂકવાનો વિચાર છે.

આજે તો ફક્ત આપને આવી રહેલી રજાઓ તથા નુતન વર્ષની શુભેચ્છાઓ આપીને આજનો અંક પૂરો કરીશું.

નવા વર્ષમાં નવી વાતો, નવા અનુભવો અને નવા વિચારો સાથે ફરી એક વાર...