કથાનું શિર્ષક જરા વિચિત્ર લાગશે, કારણ કે હું હજી જીવિત છું. જીવતા માણસની કદી દંતકથા હોય? ક્ષમા યાચના કરી કહેવું જોઈશે કે આ મારા ચોકઠામાં વસતા બત્રીસમાંથી બાકી બચેલા સોળ દાંતની કથા છે, તેથી તેને મારા દાંતની વાત એટલે કે મારી દંતકથા કહું છું.
ભારતમાં હતાે ત્યારે દાંતની વ્યાધિ કદી થઈ નહોતી. અમદાવાદમાં ત્રણ દરવાજા પાસે બે કે ત્રણ ડેન્ટિસ્ટની દુકાનો હતી. ત્યાં મોટા અક્ષરે ચિતરવામાં આવ્યું હતું “ચાઈનીઝ દાંતના ડાક્ટર”. તેમની દુકાન પહેલા માળે હતી અને ત્યાં ચઢીને જવાના દાદરા પાસે આ જ ડેન્ટિસ્ટના પરિવારની બે વૃદ્ધ ચાઈનીઝ મહિલાઓ કાગળના સુંદર લૅન્ટર્ન, પુષ્પહાર અને એવી ઘણી વસ્તુઓ વેચવા નાનકડા સ્ટૂલ પર બેસતી. તેમનાં ઘૂંટણ સુધીના ચાઈનીઝ ટાઈપનાં ફૂલોની ડિઝાઈનવાળા રંગ બેરંગી લેંઘા, લાંબી બાંયના ટ્યુનિક, અને શરીરના પ્રમાણમાં સાવ ટચૂકડા પગ અને તેના પર પહેરેલા પ્રિન્ટેડ કૅનવાસના શૂઝમાં સાવ જુદી તરી આવતી. પણ તેમને જોઈ તેમના સંતાન ડેન્ટિસ્ટ કેવી જાતનું ડેન્ટલ શ્રકામ કરતા હશે તેની ચિંતા થતી.
એક દિવસ મને દાંતમાં દુ:ખાવો થયો. મારા પિત્રાઈ ડૉક્ટર હતા, તેમણે મને રતનપોળના નાકે આવેલા ડેન્ટિસ્ટ ડૉ. રસિકભાઈ પરીખની ભલામણ કરી તેમની પાસે મોકલ્યો. પરીખ સાહેબ ખરે જ નિષ્ણાત ડેન્ટિસ્ટ હતા. તેમણે મને ખુરશી પર બેસાડ્યો. ખુરશી પાસે પગથી ચલાવાતા સીવણકામના મશીનના પૈડા જેવું એક સાધન હતું. તેની બાજુમાં એક પૅડલ હતુંં. પગ વતી પૅડલ ચલાવી, પૈડું ઝપાટાબંધ ફેરવીએ તો તેનાં બે-ત્રણ ગિયરના એક છેડે એક પાતળી, તીક્ષ્ણ ડ્રિલ હતી. પરીખ સાહેબે પગ વતી પૈડું ઝપાટાબંધ ફેરવી, પેલી ડ્રિલ વતી મારા દાંતમાં નાનકડી કૅવિટી હતી તે સાફ કરી. વચ્ચે વચ્ચે આપણે કેમિસ્ટ્રીના વર્ગમાં શીખેલા ‘લાફીંગ ગૅસ’ને જુના જમાનાની મોટરના હૉર્ન જેવા સાધન વડે મારા મુખ પર તેના અદૃશ્ય ફૂવારા છાંટીને સારવાર આપી. મને તો આ ગૅસનો આનંદ માણવાની ઘણી મજા આવી. “ફરી ક્યારે આવું?” એવું પૂછતાં પરીખ સાહેબે હસીને કહ્યું, “તમારા દાંતમાં જે કૅવિટી હતી તે પારાના અૅમાલ્ગમથી પૂરી દીધી છે. હવે તમારે પાછા નહિ આવવું પડે. બસ, રોજ સવાર સાંજ બ્રશ કરવાનું શરુ કરશો.”
“ડૉક્ટર સાહેબ, જતાં પહેલાં પેલા હૉર્નમાંથી ગૅસનો એકાદ ફૂવારો છોડશો, પ્લીઝ? બહુ મજા આવી.” પરીખ સાહેબે હસીને કહ્યું, “હવે તેની જરૂર નથી. ઘેર જઈ બે-ત્રણ વાર રાખજો અને મીઠાના પાણીના કોગળા કરજો. થોડો દુ:ખાવો ઉપડે તો અૅસ્પિરિનની ગોળી આપું છું તે લેજો. તરત આરામ થશે. હવેથી મારી સલાહ પ્રમાણે દિવસમાં બે વાર બ્રશ કરશો તો મારી પાસે પાછા આવાની જરૂર નહિ પડે.”
પરીખસાહેબની વાત સાચી નીકળી. પરીખ સાહેબની સારવાર બાદ મને દાંતમાં ફરી દુ:ખાવો ન થયો. જો કે એક વાતનો અફસોસ રહી ગયો કે મને લાફીંગ ગૅસનો લહાવો લેવા ન મળ્યો. મારા અનુભવે પરીખસાહેબ મારા જીવનના સર્વશ્રેષ્ઠ અને સન્નિષ્ઠ ડેન્ટિસ્ટ હતા. તેમની સલાહ માન્યા બાદ ભારતમાં રહ્યો ત્યાં સુધી મારે ડેન્ટિસ્ટ પાસે જવાની જરૂર ન પડી. જો કે તેમણે ઉચ્ચારેલ શબ્દ ‘કૅવિટી’ પરથી એક વિનોદ યાદ અવી ગયો.
નવા દર્દીના દાંત તપાસતાં એક ડેન્ટિસ્ટ બબડ્યા,”આવડી મોટી કૅવિટી? બાપ રે!” દાંતની આસપાસ પેલો નાનકડો અરિસો ફેરવી તેઓ ફરી બોલ્યા, “આવડી માેટી કૅવિટી…” દર્દી જરા અપસેટ થઈ ગયો અને બોલ્યો, "હવે ખબર છે મારા દાંતમાં કૅવિટી છે, પણ તે વારે વારે કહેવાની જરૂર નથી."
ડેન્ટિસ્ટ હસીને બોલ્યા, “ભઈ, હું તો એક જ વાર બોલ્યો હતો. આ તો તમારા દાંતની કૅવિટી એટલી ઊંડી છે,કેે હું પહેલી વાર જે બોલ્યો એનો પડઘો બિજાપુરના ગોલ ગૂંબજની જેમ ફરી ફરીને પાછો આવે છે! હું શું કરૂં?”
ખેર, આ તો ભારતની વાત થઈ. પશ્ચિમમાં રહેવા ગયો ત્યારે ડેન્ટિસ્ટસ્ ને લઈ એક વાત ધ્યાનમાં આવી.
બાળકો તેમની પાસે જવા ડરતા હતા.
નોકરી ધંધો કરનાર સ્ત્રી પુરુષો તેમની પાસે જવા ગભરાતા હતા.
આમ જોવા જઈએ તો સમગ્ર જનતા તેમની પાસે જવા ડરતી હતી. તેમ છતાં બ્રિટનમાં દરેક સડકના ખૂણામાં ‘કૉર્નર શૉપ’ તરીકે જાણીતી ભારતીયોની સિગરેટ - તમાકુ- ચૉકલેટ - બિસ્કીટ, પ્લેબૉય જેવા ‘નઠારાં’ (પણ બહુ વેચાતા) સામયિક અને અખબાર વેચતી દુકાનોની જેમ ડેન્ટિસ્ટની દુકાન ખૂણે ખૂણે હોય જ. જો કે તેમને “કૉર્નર ડેન્ટિસ્ટ”ને બદલે “ડેન્ટલ સર્જરી” કહેવાય છે. પહેલી વાત ઈંગ્લેન્ડની કરીશું. બ્રિટન એવો દેશ છે જ્યાં મોટા ભાગના ડૉક્ટરો અને ડેન્ટિસ્ટ્સ આપણા ભારતીયો હોય છે.
અરે હા! કહેવાનું રહી ગયું. ઊપર જણાવ્યા મુજબ પશ્ચિમના દેશોમાં લોકો દંતવૈદ્યને ત્યાં જવા શા માટે ડરતા હોય છે તેનું કારણ સ્વાનુભવ પરથી અને મેં કરેલા સંશોધનથી જાણવા મળ્યું કે :
પહેલી વાર તમે ડેન્ટિસ્ટ પાસે જાવ તો તે સૌ પ્રથમ તે તમારા દાંતના એક્સ-રે લેશે અને કહેશે કે તમારા દાંતમાં કૅવિટી છે. તમે નહિ ભરાવો તો આ દાંત સડીને પડી જશે, અને તેનો ચેપ આજુબાજુના દાંતને… તમે ગભરાઈને કહેશો, ‘હા સાહેબ, કૅવિટી ભરી આપો.’
આપણા આરોગ્યની તેમને ઊંડી ચિંતા હોય તે રીતે કપાળ પર બે-ત્રણ આંટી લાવી તેઓ ઈલેક્ટ્રીક ડ્રિલથી કૅવિટી સાફ કરી, તેમાં એમાલ્ગમ ભરી આપશે. તમે તેમની ‘ખુરશી-કમ-બેડ પરથી ઊભા થાવ તે પહેલાં સુંદર હાસ્ય ચહેરા પર લાવી તેઓ કહેશે, “બે અઠવાડિયા પછી પાછા આવજો. જોઈશું કૅવિટી બરાબર ભરાઈ છે કે નહિ,” અને તમને રિસેપ્શનિસ્ટ સુધી મૂકવા આવશે. અંદર જતાં પહેલાં રિસેપ્શનિસ્ટને કહેશે, “સિલ્વિયા, કૂડ યૂ પ્લીઝ મેક અપૉઈન્ટમેન્ટ ઈન ટૂ વીક્સ ફૉર નરેન્દ્ર?”
પહેલી કૅવિટી ભરવાની ફી કેટલી થાય તે ન પૂછશો કેમ કે એટલા રોકડા પૈસા આપણા ખિસ્સામાં હોય નહિ. ક્રેડિટ કાર્ડથી અથવા ચેકથી પૈસા આપવા પડે. (૧૯૮૨માં મારે ૮૨ પાઉન્ડ ભરવાના આવ્યા હતા, તે સહેજ!) જો કે બે અઠવાડિયા પછી તમે જાવ ત્યારે ડૉક્ટર મહેતા તમને જરૂર કહેશે, “વહેલી તકે દાંતનું ક્લિનીંગ કરાવવા આવજો. દાંતમાં પ્લાક એટલો ભરાયો છે, સાફ નહિ કરાવો તો દાંત હાલવા લાગશે અને પછી પડી જશે. વર્ષમાં બે વાર તો ક્લિનિંગ કરાવવું જ જોઈએ,” કહી સિલ્વિયાને કહેશે, “કુડ યુ પ્લીઝ મેક અૅન અપૉઈન્ટમેન્ટ ફૉર નરેન્દ્ર? ઈટ ઈઝ ફૉર હાફ યર્લી ક્લિનિંગ.”
છ માસિક ક્લિનિંગ માટે ગયો અને જાણવા મળ્યું કે મારી અક્કલ દાઢ સેપ્ટિક થઈ છે અને તે કઢાવવી પડશે. ચાર સિટીંગમાં આ કામ પૂરું થશે, અને ચાર સિટીંગ, ચાર એક્સ-રે અને આઠ વાર ‘ચેકિંગ’ની મુલાકાત બાદ આ ‘કામ’ પૂરું થયું. આંકડો પૂછશો મા, કારણ કે મારે ફરીથી બેભાન નથી થવું.
લંડનમાં હતો ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં આવી. આજ કાલ ક્રિકેટમાં બૅટિંગમાં ક્રીઝ પર ‘સ્ટાન્સ’ લેવાની રીતમાં ઘણો ફેર થયો છે. પહેલાંના બૅટ્સમૅન બેટનું તળિયું ક્રીઝ પર રાખી બૉલ આવવાની રાહ જોતા. હવે બૅટ્સમૅન ક્રીઝ પર આવીને બૅાલને ફટકારવા પહેલેથી જ બૅટ અદ્ધર રાખે છે, તેમ અમારા ડૉક્ટર મહેતા હાથમાં ગ્લવ પહેલેથી પહેરીને તૈયાર રહેતા. આવી જ રીતે અમે બીજા શહેરમાં રહેવા ગયા ત્યારે ત્યાંના ડેન્ટિસ્ટ ડૉ. શાહની પણ ‘બૅટિંગ’ સ્ટાઈલ એવી જ હતી. મેં મને પોતાને જ કહ્યું, ભાઈ, આ સ્ટાઈલથી ઘણા ‘રન’ બનાવી શકાય એવું લાગે છે!’ પહેલેથી ગ્લવ પહેરી રાખવાનું રહસ્ય ઘણા સમય બાદ જણાયું. ભારતીય વંશના એક ડેન્ટલ સર્જનની અંગ્રેજ ડેન્ટલ આસિસ્ટન્ટે ડેન્ટલ કાઉન્સિલને લેખિત ફરિયાદ કરી કે તેમના ડેન્ટિસ્ટ પેશન્ટ્સના મ્હોંમાં આંગળાં ઘાલ્યા બાદ ગ્લવ બદલતા નથી, અને એક જ ગ્લવથી અનેક પેશન્ટને તપાસે છે. પેશન્ટનું ભલે જે થવાનું હોય તે થાય, પણ ગ્લવની (અને પૈસાની) બચત થાય છે તે જોવાય છે. આ ફરિયાદ અને તેની તપાસ બાદ આપણા દંતવૈદ્યોની શાખ ઘણી ખરાબ થઈ હતી. જો કે ત્યાર પછી આપણા દેશી ડેન્ટિસ્ટોએ નવી પદ્ધતિ શરુ કરી. તેમણે સૌ પ્રથમ અંગ્રેજ ડેન્ટલ આસિસ્ટન્ટને કામે રાખવાનું બંધ કર્યું. કોઈ અંગ્રેજ પેશન્ટ આવે ત્યારે તેની નજર સામે નવા ગ્લવ પહેરવાનું શરૂ કર્યું, પણ દેશી ‘બૉલર’ની સામે ઊંચી બૅટની જેમ પહેલેથી પહેરી રાખેલા ગ્લવથી તપાસે!
અમારા હૅરો વિસ્તારના આપણા એક ડૉક્ટરસાહેબે નવી રીત અજમાવી હતી. તેમણે પોતાનાં પત્નિને જ ડેન્ટલ આસિસ્ટન્ટનું કામ સોંપ્યું, જેમણે આ કામનો બે વર્ષનો કોર્સ પણ કર્યો નહોતો. આમ તો આ કામ માટે ડેન્ટલ કાઉન્સિલના સર્ટિફિકેટની જરૂર હોય છે, પણ જ્યાં હજારોની સંખ્યામાં ડેન્ટિસ્ટ હોય અને અંાગળીના વેઢે ગણાય એટલો કાઉન્સિલનો સ્ટાફ હોય, ત્યાં કોણ તપાસ કરવા જાય? આ જાણે ઓછું હોય, આ ‘મિસેસ ડેન્ટિસ્ટ’ને કોઈના મોઢાની નજીકની ખુરશી પર બેસતાં પણ સૂગ આવતી હતી. જ્યારે ડેન્ટિસ્ટ પેશન્ટના દાંતમાં ડ્રિલિંગ કે એવી નાનકડી સર્જરી કરે, અને લોહી નીકળે અથવા પ્લાક નીકળે ત્યારે તેને drain કરવા ડેન્ટલ આસિસ્ટન્ટે પાણીની નળી પેશન્ટના મ્હોંમાં રાખી તેનું draining કરવાનું હોય. પણ ઉચ્ચ વર્ગીય પાર્ષ્વભુમિમાંથી આવતા આ બહેનને આવા ‘હલકા’ કામની સૂગ હતી. આ કારણે આ બહેનથી આવું કામ થાય નહિ, તેથી તેમના પ્રેમાળ પતિએ તેમનું આ કામ પેશન્ટ પાસેથી કરાવવાનું શરુ કર્યું. આનો મને પોતાને અનુભવ આવ્યો. ડ્રેઈનિંગ કરાવતી વખતે ડેન્ટિસ્ટે પાણીની નળી મારા મ્હોંમાં ખોસીને કહ્યું, “આ નળીને પકડો અને ધ્યાન રાખજો તે ખસે નહિ, નહિ તો તમારા કપડાં ભીનાં થશે,” અને પત્નિ તરફ વળીને કહ્યું, “બિનીતા, ત્યાં સુધીમાં આમની નોટ્સ લખી કાઢને!”
બિનીતા બહેન ડૉક્ટરસાહેબના પત્ની હતા તેની જાણ તે વખતે થઈ. તેમણે પતિને પૂછ્યું, "તું મને રૂટ કૅનાલનો સ્પેલિંગ કહે. અગાઉ લખ્યું તેમાં તેં મારી કેટલી મજાક કરી હતી!"
"ઓ ડિયર, સીધો સરળ આર-ઓ-ઓ-ટી - રૂટ. તું Route લખે તો હસવું ન આવે?" કહી તેઓ હસી પડ્યા.
બિનીતા બહેન ડૉક્ટરસાહેબના પત્ની હતા તેની જાણ તે વખતે થઈ. તેમણે પતિને પૂછ્યું, "તું મને રૂટ કૅનાલનો સ્પેલિંગ કહે. અગાઉ લખ્યું તેમાં તેં મારી કેટલી મજાક કરી હતી!"
"ઓ ડિયર, સીધો સરળ આર-ઓ-ઓ-ટી - રૂટ. તું Route લખે તો હસવું ન આવે?" કહી તેઓ હસી પડ્યા.
આ બિપીનભાઈ ડેન્ટિસ્ટ અમારા છેલ્લા ડેન્ટિસ્ટ હતા. ત્યાર પછી અમને કોઈને દાંતની તકલીફ હોય તો અમારા ડૉક્ટરને કહી શહેરમાં આવેલી ઈસ્ટમૅન ક્લિનિક અથવા માઉન્ટ વર્નન હૉસ્પિટલનું રીફરલ લઈ ત્યાં જવા લાગ્યા.
વર્ષો બાદ અમે કૅલિફૉર્નિયા આવીને વસ્યા. નવી ઘોડી નવો દાવ શરુ થયો! તે પહેલાં ઘણા દાંત (અક્કલ દાઢ સમેત) મારી વિદાય લઈને જતા રહ્યા હતા. ચાર - પાંચ દાંત પર અગાઉ કદી ન સાંભળેલો ‘Root Canal’ નામનો પ્રોસીજર થયો હતો. અાપણા દેશી ડેન્ટિસ્ટોને એક વાત માટે દાદ આપવી જોઈશે કે તેઓ આપણી માતૃભાષામાં સમજાવતા હોય છે કે આ પ્રોસીજર શું છે અને શા માટે કરવામાં આવે છે. આ વધારાની સેવા સાવ મફત હોય છે.
સાચું કહીએ તો મારાે જમેકન મિત્ર રૉબર્ટ ગ્લાઉડન હંમેશા કહેતો, “નરેન્દ્ર, યૂ કૅન નૉટ ગેટ સમથિંગ ફૉર નથિંગ!” તેમ આ બધા પ્રોસિજર, ક્લિનિંગ, રૂટ કૅનાલ વિ.વિ.ની ફીમાં આ ‘મફત’ સલાહ અને સમજાવટ આવી જતી હોય છે.
આવતા અંકમાં જોઈશું અમેરિકાની પદ્ધતિ.
No comments:
Post a Comment