Tuesday, February 2, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૨૦

  
   શયનગૃહના બારણાં પાસે રાખેલા નાના પલંગ પર જાનકીબાઈ આરામ કરતા હતાં. બંગલાના પગથિયા પર પગલાંનો અવાજ સાંભળી તેઓ વરંડામાં આવ્યા અને તેમણે ચંદ્રાવતીને જોઈ.

“બા, હું સત્વંતકાકી સાથે ચામુંડા માતાના મેળામાં જઉં છું.”

“એ તો ઠીક, પણ હમણાં અહીંથી કોણ ગયું?”

“એ તો આપણી જામુની હતી. મેં જ એને બોલાવી હતી. તેને ફૂલવાળી સાડી પહેરીને મેળામાં જવું હતું. મોહનમામાએ મોકલાવેલી નવી સાડી તેને પહેરાવીને મૂરત કર્યું.”

“અલી, મોહનમામાએ સાડી તારા માટે મોકલી હતી, જામુની માટે નહિ. આજે પડવાના મુહૂર્ત પર નવી સાડીનું શુકન તારા હાથે થવું જો'તું હતું.”

“પણ બા, તેં જોયું? જામુની કેટલી રૂપાળી દેખાતી હતી! મેં તેને મારાં મોતીનાં કર્ણફૂલ પણ પહેરાવ્યાં.”

બંગલાના હૉલમાં શેખર એક હાથમાં ચોપડી લઈ ચક્કર મારતો હતો. તેનાં કાન મા અને બહેન વચ્ચે થતા સંવાદ પર હતા પણ નજર તો બંગલાની પાછળના આંગણા તરફ ખુલતી બારીની આરપાર લીલાછમ ઘાસમાંથી પસાર થતી પગદંડી પર ઝપાટાબંધ - પણ સુંદર છટાથી ચાલતી, ફૂલની ડિઝાઈનવાળી સાડીમાં સુશોભિત જામુની પર મંડાઈ હતી.

ચંદ્રાવતી બડેબાબુના ઘર સુધી પહોંચી ત્યાં તેને દદ્દાની ત્રાડ સંભળાઈ. “સત્તો! સામને હો લે! ઈ કા તમાસા ચલ રહા હૈ ઘરમેં? ક્યા મોડીકો સિલીમામેં નચવાના હૈ?

“હમ ક્યા કર સકત? બડી બાઈજીકી ચંદરને ઈસે પહનવાઈ ઈ ફૂલવાલી સાડી,” વિલાયેલા અવાજમાં સત્વંતકાકી બોલ્યાં.

ચંદ્રાવતીની છાતી ધડકવા લાગી.

“ઉતાર દો ઈ ફૈસનવાલી સાડી. ઘાઘરા ઓઢની પહના દો મોડીકો. હમરી મિટ્ટી પલિત કરવાની હૈ? મેલેમેં હમરી પૂરી બિરાદરી આવૈગી. મોડીકો ફૈસનદાર કપડોમેં દેખકે ક્યા બોલેંગે હમરે ભાઈબંધ? તુને તો …” એક લાંબું પ્રવચન આપતાં દદ્દા પગ પટકીને બહાર નીકળી ગયા. અંદર સત્વંતકાકી અને જામુની વચ્ચે ગુસપુસ ચાલતી રહી. થોડી
વારે ઘાઘરા - ઓઢણી પહેરી, કાનમાં ચાંદીનાં ઝૂમખાં પહેરી જામુની અને મિથ્લા તેમની વાડ પાછળથી નીકળી ચંદ્રાવતી પાસે આવી.

“દદ્દાકી વજહ સે…” જામુની બોલી.

“અચ્છી નાક કટી!” મિથ્લાએ મોટી બહેનને ટોણો માર્યો અને મા તરફ જોઈને બોલી, “મા જામુનીજીજી ઈસ ઘરસે કહીં દૂર ભાગ જાનેવાલી હૈ!”

“તુ ચૂપ કર, ચૂડૈલ! જબ દેખો ઉસકી ચૂગલી કરત હેંગી!” કહી સત્વંતકાકીએ મિથ્લાને જોરદાર ધબ્બો માર્યો.
***


બંગલામાં ચૈત્ર મહિનામાં થતી ગૌરીપૂજાની સજાવટ લગભગ પૂરી થવા આવી હતી. પગથિયાવાળા સિંહાસન પર સફેદ ચાદર પાથરી તેના પર પૉર્સીલીનનાં રમકડાં ગોઠવવામાં આવ્યા હતા. ગૌરીની પાછળની ભીંત પર જાનકીબાઈની જરીબૂટાની વેલવાળી ઘેરા લાલ રંગની પૈઠણી સાડીનો પટ ઝળકતો હતો. ગૌરીના સિંહાસનની આજુબાજુ બાગમાંથી આણેલા ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. રસોડામાં જાનકીબાઈ કાચી કેરીને બાફીને બનાવેલું શરબત - પન્હૂં - અને ભીંજાવેલા ચણાની દાળનો પ્રસાદ તૈયાર કરી રહ્યાં હતાં. તેમને મદદ કરવા સત્વંતકાકી આવ્યાં હતાં. ગૌરીના સિંહાસન પાસે મુરલીધર કૃષ્ણના બંસરીવાદનનું દૃશ્ય તૈયાર કરવામાં જામુની તલ્લીન હતી.

ગૌરીનો શણગાર પૂરો થયો. સત્વંતકાકી ઘેર જવા નીકળ્યાં. તેમણે જામુનીને કહ્યું, “ચાલ, ઘેર જઈએ, કપડાં બદલાવીને પાછી આવજે.”

“હું તો જીજીની સાડી પહેરવાની છું. અહીં જ તૈયાર થઈશ.”

“ધત્ તેરે લચ્છન!” કહી સત્વંતકાકીએ દીકરી તરફ સ્નેહભરી નજરે જોયું અને બંગલાના પગથિયાં ઉતરવા લાગ્યાં. મિથ્લા તેમની પાછળ પાછળ ગઈ.

ચંદ્રાવતી જામુનીને લઈ પોતાના કમરામાં ગઈ. કબાટમાંથી તેણે  લાલ દાડમના રંગની જરી - બૂટાની ચંદેરી સાડી કાઢી. એ જ રંગના સાટિનના પોલકાને અંદરથી સંકોરી, તેમાં ટાંકા લગાવીને નાની સાઈઝનું બનાવ્યું. જામુનીને તેના વાળ છૂટા કરવા કહ્યું અને તેમને આંટા દઈ અંબોડો બાંધ્યો. સાડી અને પોલકું પહેરાવી તેનાં કાનમાં ચળકતા લાલ-જવાહરના એરિંગ પહેરાવ્યાં. ચહેરા પર કાળજીપૂર્વક પાઉડર કંકુ લગાવ્યાં. કંકુની શીશીમાંથી થોડું કંકુ આંગળી પર લગાડી જામુનીના હોઠ રંગ્યા. ચંદ્રાવતીની નજર ચૂકવી જામુનીએ ત્રણ - ચાર વાર પોતાનું મુખ અરીસામાં નિહાળી લીધું!

હળદર - કંકુ માટે આવનારી સ્ત્રીઓની ભીડ થાય તે પહેલાં ઘરમાંથી બહાર નીકળવા માટે શેખર વરંડામાં આવ્યો. જાનકીબાઈએ તેને બોલાવીને કહ્યું, “શેખર, બેટા, પન્હું પી ને જા.”

શેખરનું રસોડામાં પ્રવેશવું અને પૂરો સાજ-શણગાર કરી ચંદ્રાવતીની રુમમાંથી જામુનીનું રસોડામાં આવવું એક સાથે થયું.

દાડમી રંગની ભારે પાલવવાળી ઉમદા સાડી, એ જ રંગનું પોલકું, આંટા દઈને બાંધેલો અંબોડો, અને તેમાં પૂરા ખીલેલા મોગરાનાં ફૂલની વેણી, કાનમાં ચમકતા લાલ લટકણિયાં - એવા શૃંગારથી સજ્જ એવી જામુનીનાં દર્શનથી શેખર અવાક્ થઈ ગયો. તેના હાથમાં પન્હાંની વાટકી થીજી ગઈ અને તેની વિસ્ફારેલી નજર જામુની પર થંભી ગઈ.

જામુનીની અધખુલી આંખો પર તેની ગાઢ પાંપણોનો ફડફડાટ થયો. લજ્જાથી વ્યગ્ર  થઈને ઊભેલી જામુની એક તરફ અને તેની સામે એક નવી જ દૃષ્ટિથી જોઈ રહેલો શેખર બીજી તરફ ખડો હતો શેખર. 

દરરોજ નજરે આવનારી જામુનીને આજે આ ક્ષણે શેખરે જુદા જ રુપમાં જોઈ. તે ગૂંચવાઈ ગયો અને તેનું શરીર જરા થથરી ગયું. સમુદ્રમાં ભરતી આવે અને કિનારા પર દોરેલી બધી આકૃતિઓ ભુંસાઈ જાય તેમ શેખર - જામુની વચ્ચેની લડાઈઓ, મારામારી, એકબીજાને નખોરિયાં ભરવાની બધી નિશાનીઓ ભુંસાઈ ગઈ, અને આ ભરતીના જુવાળમાંથી ઊઠતાં મોજાંઓમાંથી ખીલી ઊઠ્યો એક અનામિક, અણમોલ સંબંધ! એક અજબ ચૂંબકે બન્નેને એકબીજા પ્રત્યે ખેંચ્યાં. 

ચંદ્રાવતીને દૂરથી આ બે ક્ષણનું સુંદર દૃશ્ય દેખાયું!

અમારા બંગલામાં દદ્દાની સુલતાનશાહી ચાલવાની નથી!’  ચંદ્રાવતી મનમાં જ બબડી. આજે જામુનીને મારી મરજી પ્રમાણે સોળ શણગારે સજાવીને દદ્દાએ ચામુંડાના મેળામાં જતી વખતે જામુનીના કરેલા અપમાનનો બદલો મેં બરાબર લીધો!

સ્તબ્ધ થઈને એકબીજાને નિહાળી રહેલા શેખર - જામુનીની વચ્ચોવચ જઈ જાનકીબાઈએ કહ્યું, “ચાલો, શેખર ભૈયા, ઝટપટ પન્હું પી લો અને નીકળો અહીંથી!” 

શેખર રસોડામાંથી નીકળી બીલીવૃક્ષના થડા પાસે ટેકીને રાખેલી સાઈકલ લઈ સીટી વગાડતો બંગલા બહાર ગયો.
ચંદ્રાવતી હવે તૈયાર થવા ગઈ. તેણે કબાટ ખોલ્યું અને તેની નજર પેલી લીંબોળી - રંગની સાડી પર પડી. 

લાંબા સમય બાદ આજે તેણે આ સાડી પહેરવા કાઢી. હા, બરાબર ચાર વર્ષ પહેલાં તેણે આ સાડી પહેરી હતી અને વિશ્વાસને તે પહેલી વાર ગણેશ બાવડી પર મળી હતી!  અને તે દિવસના પરોઢિયે, જ્યારે તે તેની સાથે નાસી જવાની હતી ત્યારે પણ તેણે આ જ સાડી પહેરી હતી. આજે પણ આ સાડી પર વિશ્વાસના સ્પર્શની સુગંધના અદૃશ્ય ચિન્હો છે…

વિશ્વાસના લગ્નને બે વર્ષ વિતી ગયા. હવે તો તેને બાળક પણ હશે. તેના જેવું શ્યામ, કોરેલી ભમ્મરવાળું કે પછી તેની મડ્ડમ પત્ની જેવું ગોરું? જવા દો! મારે તે સાથે શી લેવા દેવા?

ચંદ્રાવતીએ પોતાનું સૌંદર્ય પ્રસાધન પૂરું કર્યું. ગળામાં મોતીની સેર, કાનમાં હીરાની ચંદ્રકોર અને હાથમાં નકશીદાર સોનાનાં કડાં સાથે તે હૉલમાં આવી.

***
 હૉલમાંનું ઝુમર લખલખ કરતું ઝળકી રહ્યું હતું. ખસના અત્તરનો, ગુલાબજળનો અને થાળમાં રાખેલા મોગરાના ગજરાઓનો સંમિશ્ર સુવાસ આખા હૉલમાં પ્રસરી રહ્યો હતો. અત્તરદાની, ગુલાબદાની, ચાંદીના કોતરકામના થાળમાં ખિરાપત (ખમણેલા કોપરા અને ખાંડનું મિશ્રણ) અને કટોરામાં રખાયેલા પતાસાથી સજાયેલા ટેબલ પાસે જામુની ગૌરવથી ઊભી હતી.

એક એક કરીને મહેમાન સ્ત્રીઓ આવવા લાગી.

“જામુની, હળદર - કંકુ તું જ લગાડજે, સમજી? જો, આમ અંગુઠા વડે પહેલાં હળદર મહેમાનની બે ભમ્મર વચ્ચોવચ અને કપાળના મધ્યમાં કંકુ,” કહી તેના હાથમાં હળદર અને કંકુની ચાંદીની નાનકડી કટોરીઓ મૂકી. 
  બંગલાની પોર્ચમાં સૌ પ્રથમ શીલા દિઘેનાં બા ઘોડાગાડીમાંથી ઊતર્યાં. તેમની પાછળ પાછળ કર્ણિક વકીલની ઘોડાગાડી આવી અને બંગલાના પગથિયા પાસે ઊભી રહી. તેમાંથી ઊતર્યાં કર્ણિકકાકી અને તેમનાં નવપરિણિત દેરાણી - દિનકરરાવનાં પત્ની. ચંદ્રાવતી દિનકરરાવનાં પત્ની તરફ રમૂજથી જોતી રહી. નાજુકડી નાર સમાં, વાને ગોરાં અને સ્વરુપવાન! તેમણે જાંબુડા રંગનો નવ વારનો સાળુ પહેર્યો હતો. સાળુ પર હાથના પંજા જેવડાં મસ-મોટાં જરીનાં બૂટા હતા. સાળુના દરિયામાં ડૂબેલી ઢિંગલી-સમાં! સાળુની ખભા પરની પાટલી પર પેલી માણેકની સાડીપિન ચમકતી હતી! એ જ પિન જે કદી દિનકરરાવે ચંદ્રાવતીને દૂરથી દેખાડી હતી!

ચંદ્રાવતી તરફ ઝંખવાઈને જોઈ રહેલાં દિનકરરાવનાં પત્ની હજી ત્યાં જ ઊભાં હતાં. ચંદ્રાવતીએ હસીને તેમનો હાથ ઝાલી તેમને અંદર બીછાવેલા ગાદી તકિયા પાસે લઈ ગઈ અને કહ્યું, “બેસો ને!”
શીલાનાં બા પાસે જઈ ચંદ્રાવતીએ પૂછ્યું, “કેમ છો, કાકી? શીલાના કોઈ સમાચાર?”

“આવતા મહિને દિલ્હીથી અહીં આવવાની છે. પછી બેઉ જણા ઈંગ્લૅન્ડ કે કોઈ એવી જગ્યાએ જવાના છે, જમાઈરાજની કંપનીના કામે. જો ને, અહીં ફક્ત બે દિવસ જ રોકાવાની છે. જમાઈરાજને ટાઈમ ક્યાં છે? " ઉપરછલ્લો કચવાટ પણ અંદરખાને અભિમાનથી શીલાનાં બાએ જવાબ આપ્યો.

“શીલાને કહેજો, ચંદા યાદ કરતી હતી.”

“તું જ આવજે તેને મળવા. તેને વળી ક્યાં ફૂરસદ હશે?”

જામુની હવે આગળ આવી અને સ્ત્રીઓને હળદર - કંકુ લગાડવા લાગી ;  તે જોઈ જાનકીબાઈએ ઈશારાથી ચંદ્રાવતીને બોલાવી અને હળવેથી કહ્યું, “અલી, જામુનીને શા માટે હળદર - કંકુ લગાડવાનું કામ સોંપ્યું? કંઈ'ક ઊંધું ચત્તું કરી બેસશે તો?”

“ચિંતા ના કરીશ, બા. મેં તેને શીખવી દીધું છે. હું અને મિથ્લા મહેમાનોને અત્તર - ગુલાબ, ખિરાપત અને પતાસાં આપીશું. ત્યાર પછી સૌનાં ખોળા ભરવાનું માનભર્યું કામ તારું! ”

નવાં ઘાઘરા - ઓઢણી પહેરી સત્વંતકાકી અને મિથ્લા બંગલે આવ્યાં. હૉલ સ્ત્રીઓથી ભરાઈ ગયો. જામુની કૂશળતાપૂર્વક સૌને હળદર-કંકુ લગાડતી હતી અને ફૂલનાં ગજરા આપતી હતી.  તેને સત્વંતકાકી પાસે ઊભી રાખી ચંદ્રાવતીએ પૂછ્યું, “જામુનીને આ સાડી કેવી દેખાય છે?  દદ્દા નારાજ તો નહિ થાયને?”

સમારંભ પૂરો થતાં ઘેર જતી વખતે બર્વેકાકીએ ચંદ્રાવતીને બોલાવીને કહ્યું, “ગૌરીના શણગાર ભારે રૂપાળા કર્યા છે ને કંઈ! તારામાં હંધિયે કળાયું મોજૂદ છે.”  અને જાનકીબાઈ તરફ વળીને કહ્યું, “જાનકીબાઈ, હવે ચંદ્રાબહેનના લગન પર ધ્યાન આપવા લાગો!”

“એ તો યોગાયોગની વાત છે,” નિસાસો નાખી સ્વગત બોલતાં હોય તેમ જાનકીબાઈએ જવાબ આપ્યો.

“જોગાજોગ વળી ચ્યંા નો? એક તો દાક્તરસાહેબી તબિયત આવી અને…”

“ડૉક્ટરસાહેબની તબિયત હવે સારી છે. હવે તો તેઓ દવાખાને પણ જવા લાગ્યા છે.”

“ઈ તો ઠીક, પણ હંધી’ય વાતું લાઈનબંધ થાવી જોઈએ કે નહિ? નહિ તો વડાંનાં કડાં થાશે અને તેની સૂકી વડીઓ હંધાયની હામે આવશે…” બર્વેકાકીએ સણસણતો ટાણો માર્યો.

“એટલે તમે કહેવા શું માગો છો?”

“બંગલાની હંધી’ય ખબરું ગાૅમ સુધી પૂગી જાય છે, સમજ્યા? બંગલાવાળા થ્યા છો, પણ આ પારકા મલકમાં આપણે અરસ પરસ એકબીજાના થૈ ને રે’વું જોઈએ. અમે તો તમારી ભલાઈ માટે આ વાત કરી,” કહી બર્વેકાકી ઘોડગાડીમાં બેસી ગયાં અને ચાલકને ગાડી હંકારવા કહ્યું.

જાનકીબાઈનો ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો. તેઓ બહાર જતી બર્વેબાઈની ઘોડાગાડી તરફ જોઈ રહ્યાં.

“યહ હેડમાસ્ટરાઈન વડે - કડે ક્યા કહ રહી થી?" સત્વંતકાકીના હૈયામાં ધ્રાસકો પડ્યો અને જાનકીબાઈને પૂછ્યું.

“કહ રહીથી દેઈજીકી ઝાંકી બહુત અચ્છી બનાઈ થી ઔર મેરે હાથ કે કડે બહુત અચ્છે દીખ રહે થે,” વાતને જુદું સ્વરુપ આપતાં જાનકીબાઈએ વાત ટાળી.

સમારંભ પૂરો થતાં ચાંદીનાં વાસણ, સુશોભનની ચીજો ઠેકાણે મૂકવા ચંદ્રાવતીએ જામુનીને રોકી રાખી. બધું કામ પતી ગયા પછી તેણે ભાઈને બોલાવ્યો અને કહ્યું, “શેખર, અંધારું થયું છે તો જામુનીને તેના ઘેર પહોંચાડી આવ ને મારા ભાઈ!”

“ક-કોણ? હું?” ચારે બાજુ બાઘાં મારતાં શેખરે કહ્યું.

“હા, તને જ તો કહું છું. જા, તેને ઝટપટ ઘેર પહોંચાડી આવ.”

શેખરમાં હવે હિંમત આવી. જામુની તરફ જોઈને કહ્યું, “ચલો જામુનીબાઈ, પહેલાં જીજીની સાડી બદલી લ્યો!”  

“કોઈ જરુર નથી સાડી બદલવાની. કાલે આવીશ ત્યારે લેતી આવજે,” અને કોઈ તેને રોકે તે પહેલાં તેણે આજીજીપૂર્વક શેખરને કહ્યું, “ચાલ, શેખર, હવે ઝટ કરીને નીકળ.”

શેખર અને જામુની એકબીજા તરફ દૃષ્ટિક્ષેપ કરી બંગલાનાં પગથિયાં ઉતરવા લાગ્યા. હૉલમાં ગોઠવેલા ફૂલોનાં કુંડાં બગીચામાં પાછા મૂકવા જઈ રહેલ સિકત્તર ત્યાં જ થંભી ગયો અને શેખર તથા જામુની તરફ એકી ટસે જોવા લાગ્યો.
શેખર અને જામુની અંધારામાં દેખાતાં બંધ થતાં સુધી તે તેમને આંખનું મટકું માર્યા વગર જોતો રહ્યો. આ જોઈ ચંદ્રાવતીએ તેને ટોક્યો અને કહ્યું, “ઈધર ઊધર ક્યા દેખ રહે હો, સિકત્તર? જાઓ અપના કામ કરો. ઔર સુનો, દેઈજીકી બિછાયતકો હાથ ન લગાના. આજ દેઈજી રાતભર અપની સહેલિયોંકે સાથ બિછાયત પર નાચેંગી.”

“અચ્છે ખેલ ચલ રહેં હૈં દેવિયન કે…” બડબડીને સિકત્તર જાજમ સરખી કરવા લાગ્યો.

“અરે, ચંદા, આટલામાં શેખર ક્યાં ગૂમ થઈ ગયો?” શયનગૃહમાંથી કપડાં બદલાવી બહાર આવીને શેખરને ન જોતાં જાનકીબાઈ બોલ્યાં.

“જામુનીને ઘેર પહોંચાડવા ગયો છે.”

“એને શા સારુ મોકલ્યો? બાલકદાસને કહેવું હતું ને?”

“બાલકદાસને શું કહું? એ મારું કહેવું કદી સાંભળે છે ખરો?”

“તો પછી મને કહેવું હતું ને? હું તેને કહેત.”

:બા, શેખર પોતે સામે ચાલીને ગયો છે. કોઈએ તેના પર જબરજસ્તી થોડી કરી? તું આટલી ચિંતા શા માટે કરે છે?”

“ચિંતા શાની હોય? પગદંડી ઘાસની વચ્ચેથી નીકળે છે અને ચારે બાજુ અંધારું છે. રસ્તામાં સાપ, વિંછી હોય તો? બાલકદાસ ફાનસ લઈને ગયો હોત કે નહિ?” રસોડાના દરવાજામાંથી સત્વંતકાકીના ઘર સુધી અંધારામાં નજર દોડાવવાનો પ્રયત્ન કરતાં જાનકીબાઈ સ્વગત બડબડતા રહ્યાં.

‘હવે શેખરની ખેર નથી!  ઘેર આવતાં બા તેના પર નક્કી વરસી પડશે. અને જો તે કહેશે કે તેની જીજીએ તેને મોકલ્યો હતો તો તો મારી પણ આવી બનશે,’ આ વિચારમાં ચંદ્રાવતીનું કાળજું ફફડવા લાગ્યું. ગભરાતાં જ તેણે ટેબલ પર ભોજનની સામગ્રી ગોઠવવાની શરુઆત કરી. 

ડૉક્ટરસાહેબને જમવું નહોતું તેથી મા - દીકરી શેખરની રાહ જોઈને બેસી રહી. થોડી વારે ‘અકેલી મત જઈયો, રાધે જમુના કે તીર”નું ગીત સીટીમાં વગાડતો શેખર પાછલા દરવાજેથી રસોડામાં આવ્યો.

“શેખર, બેટા, કેટલું મોડું કર્યું તેં? જમવું નથી?”

ચંદ્રાવતીના ચહેરા પર હાશ વર્તાઈ.

“મને ભૂખ નથી, બા. સત્વંતકાકીને ઘેર મગની દાળનાં વડા ઝાપટી આવ્યો છું.”
(ક્રમશ:)


No comments:

Post a Comment