Wednesday, July 8, 2015

સંગીત તારૂં વિશ્વ રૂપાળું!

સંગીત એવી દિવ્ય ઔષધી છે જે માનવીને કાળ અને સ્થળનાં તાપ અને ભીષણ શીતના પર્યાવરણમાં પણ આનંદની અનુભૂતિ તરફ લઈ જાય છે. આજે આપના દરબારમાં ત્રણ એવી કૃતિઓ એવી શ્રદ્ધા સાથે રજુ કરીએ છીએ, જે આપને અપૂર્વ આનંદ આપશે! અાજના અંકમાં પૂર્વ અને પશ્ચિમના સૂરસંગમમાં એક સુંદર ઈન્દ્રધનુષ્ય જોવા મળશે જેમાં રહેલું સૌંદર્ય આપ સહજતાથી નિહાળી શકશો.
***
દક્ષીણ ભારતના આ કલાકારનો સ્વર મખમલ સમાન મૃદુ છે, અને તેમાંથી ઉભરતું સંગીત આ મખમલ પરના રેશમના ભરતકામ જેવું વૈવિધ્યપૂર્ણ છે. તેમને સાંભળનાર શ્રોતા તો બસ, આંખ મિંચીને સાંભળતા જ રહે. કલાકારનો જન્મ ભલે ખ્રિસ્તી પરિવારમાં થયો હોય, તેમણે મા સરસ્વતિને ચરણે બેસી સંગીત સાધના કરીને અપૂર્વ કક્ષા પ્રાપ્ત કરી. તેમની કલાનો અનુપમ દરજ્જો જોઈ તેમને ગુરૂવયૂર જેવા સનાતન ધર્મના પવિત્ર આંગણમાં પરમાત્માની સ્તુતિ ગાવા ત્યાંના પૂજારીઓએ તેમને ખાસ નિમંત્રણ આપ્યું હતું. શાસ્ત્રીય સંગીત ઉપરાંત તેમણે મલયાલમ, તમિળ, તેલુગુ અને હિંદી ફિલ્મોમાં અનેક ગીતો ગાયાં અને તે ચિરસ્મરણીય થઈ ગયા.

સંગીતના વિશ્વમાં તેમણે પચાસ વર્ષ પૂરા કર્યાં ત્યારે તેમને અભિનંદન આપવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા. તેમાંના મુખ્ય કાર્યક્રમમાં દેશના મહાન સંગીતકારો હાજર રહ્યા અને તેમણે પોતે તેમને શ્રદ્ધાંજલી આપવા પોતાની કલા દ્વારા અંજલિ આપી. આજના અંકમાં તેમાનું એક રત્ન રજુ કરીશું. આ સમારોહમાં ભારતભરનાં શ્રેષ્ઠ કલાકારો તેમને અભિનંદન આપવા એકઠા થયા હતા. તે સમયે શ્રેયા ઘોષાલે તેમની સાથે એક ગીત ગાયું. અહીં આ ગીત રજુ કરીએ છીએ. અને હા, કલાકારનું નામ છે યેસુદાસ! ગીત છે, “સૂર-મયી અઁખિયોંસે, નન્હા મુન્ના એક સપના દે જા રે…”



***

રશિયન લેખક બોરીસ પાસ્તરનાકે એક હૃદયંગમ નવલકથા લખી - ડૉક્ટર ઝિવાગો. રશિયામાં તો તે પ્રસિદ્ધ થતાં જ ત્યાંની સામ્યવાદી સરકારે તેના પર પ્રતિબંધ લાદ્યો હતો. ચોરી છૂપીથી તેની અસંખ્ય નકલો વેચાઈ અને પશ્ચિમ યુરોપનાં દેશોમાં પહોંચી ગઈ. આ પહેલાં પાસ્તરનાકની કવિતાઓ પણ પ્રસિદ્ધ થઈ હતી. રાજકીય વંટોળિયાથી બચવા સાહિત્ય માટેનું નોબેલ પ્રાઈઝ પાસ્તરનાકને ડૉ. ઝિવાગોને બદલે તેમની કવિતાઓ માટે એનાયત થયું, પણ વિશ્વની જનતા જાણતી હતી કે આ પારિતોષીક તેમને ડૉ. ઝિવાગો માટે આપવામાં આવ્યું હતું. રશિયાની સામ્યવાદી સરકારનું દબાણ કહો કે તેમના દમનની ભિતી, પાસ્તરનાકે નોબેલ પ્રાઈઝ સ્વીકારવાનો ઈન્કાર કર્યો. નવલકથા ડૉ. ઝિવાગો અમેરિકામાં પ્રસિદ્ધ થઈ, અને વર્ષો બાદ તેના પર ફિલ્મ બની. આ ફિલ્મની નાયિકા લારા પર એક Theme song લખાયું અને સંગીતબદ્ધ થયું. લાંબા સમય સુધી આ ગીત વિશ્વના રેડિયો સ્ટેશનેથી પ્રસ્તૂત થતું રહ્યું. 

આપ સૌ જાણો છો કે પૂર્વાંચલની સપ્તકન્યા - seven sisters ગણાતા સાત રાજ્યોમાં મેઘાલય તેની રાજધાની શિલૉંગને કારણે સુપ્રસિદ્ધ છે. આ રાજ્યમાં ખ્રિસ્તી ધર્મના પ્રાદુર્ભાવની સાથે પાશ્ચાત્ય સંગીતનાં પગરણ મંડાયા હતાં. અંગ્રેજ શાસનકર્તાઓએ શિલૉંગને હિલ સ્ટેશન ઉપરાંત પ્રદેશની રાજધાની બનાવી. યુરોપીયન પરિવારોમાં પ્રચલિત ગણાતી સંગીત સભા - જેને Chamber Music કહેવાય છે, તેની પરંપરા શિલૉંગમાં શરૂ થઈ. અંગ્રેજો ગયા બાદ પણ આ કલા વિકસી. એક અવેનત સંસ્થા સ્થપાઈ - Shillong Chamber Choir. સંસ્થાના નવ-કલાકારોએ તેમાં દેશી લોકપ્રિય સંગીત જોડ્યું અને fusionનો પ્રયોગ શરૂ થયો.  શિલૉંગ કૉયર દેશભરમાં પ્રસિદ્ધી પામ્યું અને તેના કલાકારોને વિવિધ સ્થાનોએથી નિમંત્રણ મળવા લાગ્યાં. ત્યાર બાદ આ ગાયકોએ દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી. આજે ‘કૌન બનેગા કરોડપતિ’થી માંડી સંગીતની સ્પર્ધાઓમાં ઈનામ જીતનાર આ સંગીત મંડળીનું એક ‘ફ્યુઝન’ ગીત રજુ કરીશું. ગીત તો આપ જાણો છો, પણ તેમાં આ ગાયકોએ ઉપર જણાવેલ લારાનું Lara's Song તરીકે ઓળખાતું ગીત આબાદ રીતે જોડ્યું અને આખી પ્રસ્તુતીને અદ્વિતીય કરી. તે સમયે ભારતમાં અૉસ્ટ્રીયાના ‘વિયેના ચૅમ્બર ઓરકેસ્ટ્રા’ના વાદકો, જે ભારતના પ્રવાસે આવ્યા હતાં, તેમનો એક કાર્યક્રમ જોધપુરના રાજમહેલ ‘ઉમેદ ભવન’માં યોજાયો. શિલૉંગના ગાયકોએ 'દિલ તડપ તડપકે કહ રહા હૈ'ની સાથે ડૉ. ઝિવાગોની નાયિકા લારા પર યોજાયેલ ગીત - જે ફિલ્મનું signature music છે, પ્રસ્તુત કર્યું. વાદક-ગણ છે વિયેના ચૅમ્બર ઓરકેસ્ટ્રાનાં અને ગાયકો છે શિલૉંગ ચૅમ્બર કૉયરના. આમાં જે પુરૂષ ગાયક છે તેના અવાજને પાશ્ચાત્ય સંગીતમાં tenor કહેવામાં આવે છે!


લેખના અંતમાં ડૉ. ઝિવાગોની clip રજુ કરીશું - 'Somewhere, my love...' જેના વગર ઉપરનો વિડિયો કદાચ અધૂરો રહેશે.



બને તો આ નવલકથા વાંચશો, અને જો તે લાંબી લાગતી હોય તો આ ફિલ્મ જરૂર જોશો. મુખ્ય ભૂમીકા - ડૉ. ઝિવાગોની ઓમાર શરીફે અને લારાની ભૂમિકામાં કામ કર્યું છે જુલી ક્રિસ્ટીએ. તેમના પર ફિલ્માયેલ આ ગીતના સૂર લાંબા સમય સુધી મનના ખૂણામાં સંઘરાયેલા રહેશે.

આ સૂરો સાથે આજનો અંક અહીં સમાપ્ત કરીશું.