ગયા અંકથી ચાલુ...
અન્નપૂર્ણા દેવીએ જાહેરમાં કાર્યક્રમ ન આપવાની શપથ લીધી તેમણે કાયમ માટે પાળી. લગ્નવિચ્છેદ બાદ પુત્ર શુભેન્દુ (જેનું ટૂંકું નામ શુભ અને બંગાળી ઉચ્ચાર મુજબ ‘શુભો’ થયું) સાથે તેઓ દક્ષીણ મુંબઈમાં આવેલા ‘આકાશગંગા’ બિલ્ડીંગના અૅપાર્ટમેન્ટમાં રહેવા ગયા. શુભોને જન્મથી આંતરડામાં અવરોધની કાયમી સ્વરૂપની બિમારી હતી. તેને પેટમાં અસહ્ય દુ:ખાવો થતો અને રાત ભર સુઈ શકતો નહોતો. મા આખી રાત તેને ગોદમાં લઈ વહાલ કરતાં, સાંત્વન આપતાં અને દિવસે શરૂ થતી સંગીતની સાધના. પતિ તો કાર્યક્રમ આપવા દેશભરમાં ફરતા હતા.
અન્નપૂર્ણા દેવીએ જાહેરમાં કાર્યક્રમ ન આપવાની શપથ લીધી તેમણે કાયમ માટે પાળી. લગ્નવિચ્છેદ બાદ પુત્ર શુભેન્દુ (જેનું ટૂંકું નામ શુભ અને બંગાળી ઉચ્ચાર મુજબ ‘શુભો’ થયું) સાથે તેઓ દક્ષીણ મુંબઈમાં આવેલા ‘આકાશગંગા’ બિલ્ડીંગના અૅપાર્ટમેન્ટમાં રહેવા ગયા. શુભોને જન્મથી આંતરડામાં અવરોધની કાયમી સ્વરૂપની બિમારી હતી. તેને પેટમાં અસહ્ય દુ:ખાવો થતો અને રાત ભર સુઈ શકતો નહોતો. મા આખી રાત તેને ગોદમાં લઈ વહાલ કરતાં, સાંત્વન આપતાં અને દિવસે શરૂ થતી સંગીતની સાધના. પતિ તો કાર્યક્રમ આપવા દેશભરમાં ફરતા હતા.
સંગીતની તાલિમ દરમિયાન એક દિવસે બાબા (ખાંસાહેબ અલાઉદ્દીન ખાન સાહેબ)એ અન્નપૂર્ણા દેવીને તેમનો સુરબહાર બતાવીને કહ્યું, “મારા ગુરૂની વિદ્યા તને શીખવવા માગું છું. તારામાં લોભ લેશમાત્ર નથી. વળી આ વાદ્ય શીખવા માટે અપરિમીત ધૈર્ય અને શાંતિ જોઈએ, જે તારી પાસે છે. તું મારા ગુરૂની વિદ્યા સાચવી શકીશ એવી મને શ્રદ્ધા છે. શરત એક માત્ર છે : તારે સિતાર કાયમ માટે છોડવી પડશે. આ કામ મુશ્કેલ છે, કેમ કે સિતાર જાણકાર અને સામાન્ય શ્રોતા, બન્નેનું લોકપ્રિય છે વાદ્ય છે. જ્યારે સુરબહાર એવા શ્રોતાઓ માટે છે જેઓ સંગીતના ઊંડાણને માપી શક્યા છે અને તેના હાર્દને સમજી શક્યા છે. તેઓ સુરબહારના વાદનના કૌશલ્યને સમજી શકશે અને તેના ધ્વનિની શુદ્ધતાનો આનંદ માણી શકશે. સામાન્ય વ્યક્તિ આ વાદ્યની ખુબી સમજી નહિ શકે અને તેથી કદાચ તારી કલાનો અનાદર થયા જેવું તને લાગશે. પણ સમજદાર અને જાણકાર શ્રોતા તારી કદર કરશે તેને તારો પુરસ્કાર સમજવો જોઈશે. તું તૈયાર છે?”
અન્નપૂર્ણા દેવીનો જવાબ સરળ હતો. ‘જેવી આપની આજ્ઞા, બાબા.’ અને તેમણે સિતાર ત્યજી સુરબહાર અપનાવ્યો.
અન્નપૂર્ણા દેવીની પ્રતિભાની વાત વિશે શું કહીએ! તેમણે સુરબહાર જેવા મુશ્કેલ વાદ્ય પર પ્રભુત્વ મેળવ્યું. તેમના બાબા તો મેધાવિ - genius - હતા. તેમની કૃપાનો પ્રસાદ મેળવનારા તેમનાં શિષ્યો વિશે એવા જ મહાન સંગીતકારે કહ્યું, “ખાંસાહેબ અલાઉદ્દીન ખાન સાહેબના geniusના ૮૦ ટકા અન્નપૂર્ણા દેવીમાં, સિત્તેર ટકા તેમના પુત્ર અલી અકબર ખાનમાં અને કેવળ ચાલીસ ટકા રવિશંકરમાં જોવા મળે છે!” આ ઉદ્ગાર છે એક એવા મહાન ગાયકનાં જેમને આપે પંડિત દિગંબર વિષ્ણુ પલુસકર સાથે ફિલ્મ બૈજુ બાવરામાં ‘આજ ગાવત મેરો મન ઝૂમ કે’ તથા ઝનક ઝનક પાયલ બાજેના ટાઈટલ સૉંગમાં સાંભળ્યા છે) તે, ખાંસાહેબ અમીર ખાન સાહેબ. અન્નપૂર્ણા દેવીના મોટા ભાઈ ખાંસાહેબ અલી અકબર ખાન સાહેબે તો એટલે સુધી કહ્યું, “ત્રાજવાના એક પલડામાં મને, પન્નાલાલ (ઘોષ)ને તથા રવિશંકરને એક સાથે મૂકો અને બીજામાં એકલી અન્નપૂર્ણાને, તો અન્નપૂર્ણાનું પલડું ભારે જ નીકળશે!”
અન્નપૂર્ણા દેવીના સંગીતની વાત કરતાં પહેલાં તેમનું વાદન સાંભળીશું. (ફોટોગ્રાફમાં મૈહરના તેમના મકાનની ઓસરી પરના પાટ પર બાબા - અલાઉદ્દીન ખાન સાહેબ બેઠા છે અને તેમનાં ચરણો પાસે અન્નપૂર્ણા દેવી. તેમની રહેણી કરણીમાં જે સાદાઈ છે તે અહીં સ્પષ્ટ દેખાશે!)
music clips: Short Jod in Manjh Khamaj
Aalaap and Jod in Kaunsi Kanada:
આપ સાંભળી શકશો તેમણે સર્જેલા સૂરોની ધારદાર શુદ્ધતા, આલાપમાં નીકળતી નાજુક મીંડ, જોડ અને ઝાલા વગાડતી વખતે સુરબહારમાં વિદ્યુત્ ગતિથી ફરતી તેમની આંગળીઓએ અદ્ભૂત સંગીત સર્જ્યું. તેનો અણસાર ઉપરની લિંક્સમાં સાંભળવા મળશે. અહીં તેનું રીતસરનું રેકૉર્ડીંગ સાઉન્ડપ્રૂફ સ્ટુડીઓમાં નથી કરવામાં આવ્યું.
પં. રવિશંકર સાથેની જુગલબંદીના કાર્યક્રમનું ધ્વનિમુદ્રણ કાર્યક્રમના હૉલની બહાર બેઠેલ એક વ્યક્તિએ તેના ટેપ રેકોર્ડરમાં કર્યું હતું અને સદ્ભાગ્યે થોડા સમય પહેલાં યૂટ્યૂબ પર ચઢાવવામાં આવ્યું. રાગ યમન કલ્યાણમાં રજુ થયેલી સિતાર- સુરબહારની જુગલબંદીમાં હૃદયની ગુફામાંથી ઉમટતા હોય તેવા ઘેરા અને ધીર ગંભીર સૂર અન્નપૂર્ણા દેવીના સૂરબહારનાં છે. રેકોર્ડીંગમાં પંડિત રવિશંકરની સિતારનો અવાજ સહેજ આછો ઉતર્યો છે, પણ સંભળાય તેવો છે. શ્રોતાઓ તરફથી બન્ને વાદકોને મળેલી વાહ વાહ પણ સ્પષ્ટ સંભળાય છે.
રાગ યમન કલ્યાણ (આલાપ)
પં. રવિશંકર સાથેની જુગલબંદીના કાર્યક્રમનું ધ્વનિમુદ્રણ કાર્યક્રમના હૉલની બહાર બેઠેલ એક વ્યક્તિએ તેના ટેપ રેકોર્ડરમાં કર્યું હતું અને સદ્ભાગ્યે થોડા સમય પહેલાં યૂટ્યૂબ પર ચઢાવવામાં આવ્યું. રાગ યમન કલ્યાણમાં રજુ થયેલી સિતાર- સુરબહારની જુગલબંદીમાં હૃદયની ગુફામાંથી ઉમટતા હોય તેવા ઘેરા અને ધીર ગંભીર સૂર અન્નપૂર્ણા દેવીના સૂરબહારનાં છે. રેકોર્ડીંગમાં પંડિત રવિશંકરની સિતારનો અવાજ સહેજ આછો ઉતર્યો છે, પણ સંભળાય તેવો છે. શ્રોતાઓ તરફથી બન્ને વાદકોને મળેલી વાહ વાહ પણ સ્પષ્ટ સંભળાય છે.
રાગ યમન કલ્યાણ (આલાપ)
સંગીતજ્ઞ મદનલાલ વ્યાસ, જેઓ પંડિત રવિશંકરના શિષ્ય હતા અને ૩૪ વર્ષ સુધી મુંબઈના ‘નવભારત ટાઈમ્સ’ના સંગીત વિવેચક હતા, તેમણે લખ્યું, “(તેમનાં સંયુક્ત) કાર્યક્રમના અંતે શ્રોતાઓનું ટોળું અન્નપૂર્ણા દેવીને ઘેરી વળતું. પંડિતજીને તે સહન થતું નહોતું. તેઓ (રવિશંકર) અન્નપૂર્ણા દેવીની સરખામણીમાં ઊણાં પડતા હતા, જે તેઓ સાંખી શકતા નહોતા. અન્નપૂર્ણા દેવી તો મેધાવિની હતાં. તેમના પિતા, જેમણે વાદકની આવડત અને તેની કલાની ગુણવત્તાની બાબતમાં કદી પણ બાંધછોડ નહોતી કરી, તેમણે પણ કહ્યું કે તે (અન્નપૂર્ણા દેવી) સાક્ષાત સરસ્વતીનો અવતાર છે. આનાથી વધુ કોઈ પ્રશંસા હોઈ શકે? લગ્નવિચ્છેદ બાદ અન્નપૂર્ણા દેવીએ પૂરી શક્તિ પોતાની સંગીત સાધના, પુત્ર શુભોની માવજત અને તેના સંગીત શિક્ષણ પર કેન્દ્રીત કરી. શુભોની બાબતમાં તેમને અનહદ પરિશ્રમ કરવો પડ્યો. એક તરફ તેની પ્રકૃતિને સંભાળવામાં સ્નેહની પરાકાષ્ઠા કરતાં હતા. જ્યાં સંગીત શિક્ષણની વાત આવતી ત્યાં શિસ્તનું અનુશીલન કરવામાં કડક થવું પડતું. જેઓ સંગીતને જીવન માને છે, તેમના માટે તેના શિક્ષણ અને રિયાઝને સાધના - અને ઉર્દુમાં ચિલ્લા જેટલું પવિત્ર અને એકાગ્ર ભક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ભારતીય સંગીતના મહાન કલાકારોએ તેમના શિક્ષણકાળમાં દિવસના છ થી આઠ કલાક - ઘણી વાર તો તેથી પણ વધુ સમયનો રિયાઝ કરેલો હોય છે. આ સાધનામાં ગુરૂ જરા પણ બાંધછોડ ન કરે. અન્નપૂર્ણા દેવી, તેમના ભાઈ ખાંસાહેબ અલી અકબર ખાન સાહેબ, રવિશંકર - આ સૌને ખાંસાહેબ અલ્લાઉદ્દીન ખાન સાહેબે આ કડક શિસ્તમાં પલોટ્યાં હતા. સંગીતની બાબતમાં અન્નપૂર્ણા દેવી માટે શુભો પણ શિષ્ય જ હતો. તેમણે તેને સિતાર શીખવવાનું શરૂ કર્યું.
શુભોને શૈશવાવસ્થામાં આંતરડાનો રોગ થયો હતો, તેમાં તેને અસહ્ય દર્દ થતું. આખી રાત તે રડતો રહેતો. માતાને તેને ગોદમાં લઈ બેસતાં, તેને વહાલ કરતાં અને સંભાળતાં. શુભોને તેની માંદગી બાદ પણ રાતે ઉંઘ ન આવતી. યુવાવસ્થામાં તેને ઊંઘની ગોળી લેવી પડતી.
વર્ષો વિત્યાં. શુભોએ સંગીતમાં ઘણી પ્રગતિ કરી. મૈહર ઘરાણાની પરંપરા તેના વાદનમાં સ્પષ્ટ રીતે ઉભરી. રિયાઝની બાબતમાં માતાએ સીંચેલી કડક શિસ્તના કારણે તેણે તેના વાદનમાં દીર્ઘ આલાપ અને મીંડમાં એવું માધુર્ય પ્રાપ્ત કર્યું, સાંભળનારા ચકિત થઈ જતા. કહેવાય છે કે તેમના ઓળખીતા સાઉન્ડ રેકૉર્ડીસ્ટે શુભોના વાદનનું નાનકડું રેકૉર્ડીંગ કર્યું હતું. એક દિવસ તેણે સ્વાનંદ માટે વગાડ્યું. સંજોગવશાત્ પંડિતજી સ્ટુડીયોમાં હતા અને તેમણે તે સાંભળ્યું. તેઓ તરત બોલ્યા, “અરે! આ તો અમારા મૈહર ઘરાણાની સંગીત ધારાનું વહેણ છે. આ વાદન મારૂં તો નથી જ, અને નિખીલ (બૅનરજી)નું પણ નથી લાગતું. કોણ છે આ કલાકાર?”
“શું વાત કરો છો પંડિતજી! ખુદ પોતાના દીકરાનું સંગીત ઓળખી ન શક્યા?”
સાંભળી રવિશંકર આશ્ચર્યચકિત થઈ ગયા અને બીજા દિવસે તેને મળવા તેમના મલબાર હિલ પરના ફ્લૅટ પર ગયા. તેમણે શુભોને સિતાર વગાડવા કહ્યું. સાંભળીને તેઓ દંગ થયા અને શુભોને તેમની સાથે અમેરિકા જઈ તેમની સાથે જાહેર કાર્યક્રમ આપવા સૂચવ્યું. શુભો તો તરત તૈયાર થઈ ગયો, પણ અન્નપૂર્ણા દેવીએ કહ્યું કે જાહેરમાં કાર્યક્રમ આપવા જેટલી તેની તૈયારી નથી. હજી તેને દોઢ વર્ષ જેટલું શીખવું પડશે. તેમની વાત સાંભળતાં મોટો વિવાદ થઈ ગયો. પં. રવિશંકરના મતે તેમનો પુત્ર ‘તૈયાર’ હતો. બાકી રહેલી તાલિમ તેઓ ખુદ તેને અમેરિકા ગયા બાદ આપશે.
“શુભોને ફક્ત છ મહિના મારી પાસે રહેવા દો. જે મેં શરૂ કર્યું છે, તે મને પૂરૂં કરવા દો. છ મહિનાના ઘનીષ્ઠ શિક્ષણમાં તેને તૈયાર કરી આપીશ. ત્યાર પછી શુભોને જ્યાં જવું હોય તે જઈ શકે છે.”
શુભોએ પિતા સાથે જવાની હઠ કરી. એક તમાશો ખડો કર્યો અને અમેરિકા ગયો. ત્યાં ગયા બાદ તેના જીવનમાં નવો જ વળાંક આવ્યો. તેનું આગળ શું થયું તે માટે ખાસ લેખ લખવો પડશે! મુખ્ય તો કહેવાનું કે અમેરિકા જતાં વેંત પંડિતજીએ તેને કૅલિફૉર્નિયામાં એક ફ્લૅટ અને નવી નક્કોર ફોર્ડ મસ્ટૅંગ કાર લઈ આપી. તેની તાલિમનું શું થયું કોઈ નથી જાણતું. પંડિતજી તો દેશદેશાવરમાં કાર્યક્રમ આપવા ફરતા હતા. બે વર્ષ બાદ તેમણે શુભો સાથે ન્યુ યૉર્કમાં કાર્યક્રમ આપ્યો. નીચેના વિડિયોમાં કાર્યક્રમ જોઈ-સાંભળી શકશો. શુભોની પાછળ તાનપુરા પર સંગત આપી રહ્યા છે શ્રીમતી સુકન્યા - જેમની સાથે પંડિતજીએ આગળ જતાં લગ્ન કર્યાં.
***
એક દિવસ અન્નપૂર્ણા દેવી પાસે અમેરિકાથી એક સજ્જન તેમના ફ્લૅટ પર પહોંચ્યા અને કૉલ બેલ દબાવી. આ વખતે ખુદ અન્નપૂર્ણા દેવીએ બારણું ખોલ્યું, અને પૂછ્યું, “કોનું કામ છે?”
“મારૂં નામ ઋષિ કુમાર પંડ્યા છે. હું અમેરિકાથી આપની પાસે સંગીત શીખવા આવ્યો છું.”
“હું કોઈને સંગીત શીખવતી નથી.”
“મને તો આપના મોટા ભાઈ - મારા ગુરૂ ખાંસાહેબ અલી અકબર ખાનસાહેબે ખાસ ભલામણ કરીને આપની પાસે મોકલ્યો છે. આપની પાસે ઘણી ઉમેદ રાખીને આવ્યો છું.”
અન્નપૂર્ણા દેવીએ તેમને અંદર બોલાવ્યા અને કહ્યું, “દાદા પાસે જે શીખ્યા છો તે મને સંભળાવો.”
ઋષિ કુમારે સિતાર પર કેટલીક ગત વગાડી. તે સાંભળ્યા બાદ અન્નપૂર્ણા દેવીએ તેમને એક કલાક સુધી રાગ દેસ શીખવ્યો. પાઠને અંતે કહ્યું, “શીખી લીધું? હવે પધારો,” કહી તેઓ બારણા પાસે ગયા.
મૂળ અમદાવાદના પંડ્યાજી પાસે વાતચીતની એવી કલા હતી, અન્નપૂર્ણા દેવી તેમને અાગળ શિક્ષણ આપવા તૈયાર થયાં. ૧૯૮૧માં અચાનક તેમણે અન્નપૂર્ણા દેવીને કહ્યું, “આપ મારી સાથે લગ્ન કરશો?”
સાંભળીને અન્નપૂર્ણા દેવી આશ્ચર્ય ચકિત થયા અને વિચારમાં પડ્યા. વિચારાંતે તેમણે ઋષિ કુમારનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને તેમનાં લગ્ન થયા.
ઋષિ કુમારે અમેરિકા તથા કૅનેડામાં માનસશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી હાંસલ કરી હતી અને વ્યાપાર વાણિજ્યના ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકોને કેળવણી આપતા હતા અને ભારતમાં આ કામ સંબંધે આવ્યા હતા. લગ્ન બાદ તેમણે અન્નપૂર્ણા દેવીને ખુબ સંભાળ્યા ; તેમની નાજુક સંવેદનાઓનો ખ્યાલ રાખ્યો અને તેમની સંગીત સાધનામાં જરા પણ વ્યત્યય ન આવે તેની ચોકસાઈ રાખી. અન્નપૂર્ણા દેવીના જીવનમાં લાંબા સમય સુધી તરફથી થયેલી ઉપેક્ષાનું દુ:ખ હતું તે ઋષિ કુમારે દૂર કર્યું. એટલું જ નહિ, તેમણે પં. રવિશંકર સાથે પણ સુચારૂ સંબંધ જાળવ્યો.
***
પંડિતજીએ તેમની આત્મકથા ‘રાગ માલા’માં તેમનાં ‘પ્રથમ પત્ની’ વિશે અણછાજતી વાતો લખી તે વાંચીને અન્નપૂર્ણા દેવીને અત્યંત દુ:ખ થયું. તેમના પુત્ર શુભોને લઈ પુસ્તકમાં પંડિતજીએ જે પ્રકારના આક્ષેપ અન્નપૂર્ણા દેવી પર કર્યા તે વાંચી તેમનાથી રહેવાયું નહિ અને જીવનમાં પહેલી વાર તેમણે Man’s World નામના સામયિકના પ્રતિનિધીને મુલાકાત આપી. આ મુલાકાત પણ કેવી! પત્રકાર આવ્યા અને અન્નપૂર્ણા દેવીએ તેમને ઘર બતાવ્યું. લેખિતમાં પ્રશ્નો માગ્યા અને લેખિતમાં જ જવાબ આપ્યા. બન્ને વચ્ચે કોઈ વાતચીત નહોતી થઈ. પણ આ ‘ઈન્ટર્વ્યૂ’ પ્રસિદ્ધ થતાં જ સંગીત વિશ્વમાં ખળભળાટ મચી ગયો. અત્યાર સુધી જગતભરના સંગીત ચાહકો ફક્ત એટલું જ જાણતા હતા કે ભારત રત્ન પંડિત રવિશંકરનાં પ્રથમ લગ્ન તેમના ગુરૂપુત્રી અન્નપૂર્ણા દેવી સાથે થયા હતા. આ એક પંક્તિમાં જાણે અન્નપૂર્ણા દેવીનું આખું જીવન સમાઈ ગયું હતું. જેમ આલ્બર્ટ આઈન્સ્ટાઈનનાં વૈજ્ઞાનીક પત્નીનું નામ કોઈ જાણતું નથી, તેવી હાલત અન્નપૂર્ણા દેવીની થાત. 'મૅન્સ વર્લ્ડ'માં તેમની મુલાકાત આવી ત્યારે જ લોકોને આ મહાન કલાકારની સિદ્ધી અને સાધના વિશે જાણ થઈ ; જે પંડિતજીને લોકો સંગીતના ભગવાન માનતા હતા, તેમનાં ચરણ કમળનાં નહિ, કાદવનાં હતા તે જાણી સૌ ચોંકી ગયા. જેમની તેમણે આખા જીવન દરમિયાન ઉપેક્ષા કરી હતી, તે ખુદ પંડિતજી કરતાં ઉચ્ચ દરજ્જાના કલાકાર હતા તેની જાણ થઈ ત્યારે સૌ ચકિત થઈ ગયા. ત્યારે જ લોકોએ જાણ્યું કે પંડિત હરીપ્રસાદ ચૌરસિયા, નિખીલ બૅનર્જી, આશિષ ખાન, બસંત કાબરા જેવા આંતરાષ્ટ્રીય કક્ષાના કલાકારો અન્નપૂર્ણા દેવીનાં શિષ્યો હતા!
***
પં. રવિશંકરે તેમની આત્મકથામાં લખ્યું કે અન્નપૂર્ણા દેવી સાથેનાં તેમનાં લગ્ન ‘અૅરેન્જડ્ મૅરેજ’ હતા. પ્રેમ-બ્રેમ જેવી કોઈ વાત નહોતી!” આગળ જતાં તેમણે લખ્યું કે તેમનાં પત્નિ હઠ કરીને તેમની સાથે બેસીને કાર્યક્રમ આપવા જતાં. એ તો તેમની શરમાળ પ્રકૃતિ કે ‘નર્વસનેસ’ને કારણે solo કાર્યક્રમ નહિ આપવાનો તેમણે નિર્ણય લીધો હતો!
લગ્ન વિચ્છેદ તથા શુભોની બાબતમાં તેમણે આખો દોષ અન્નપૂર્ણા દેવીને આપ્યો છે. શુભો માંદો રહેતો હતો અને તેની પાછળ રાત રાત જાગવું પડતું હતું તેથી તેમનો સ્વભાવ વઢકણો થઈ ગયો હતો. તેઓ લાંબા સમય સુધી બહારગામ કાર્યક્રમ આપવા જતા અને ઘેર આવતાં જ પત્ની તેમની સાથે લડાઈ કરતાં કે તેમનાં અનેક રૂપવતી સ્ત્રીઓ સાથે લગ્નેતર સંબંધો છે. શુભોને સંગીત શીખવવામાં તેની સાથે અત્યંત કડક વર્તતાં તેથી તે કંટાળી ગયો હતો. તેમની સાથે અમેરિકા જવા બાબતમાં શુભો સાથે એટલો ઝઘડો કર્યો હતો કે તેણે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લેવાનો પ્રયત્ન કર્યો હતો!
‘મૅન્સ વર્લ્ડ’માં આપેલી મુલાકાત અને પંડિતજી તથા અન્નપૂર્ણા દેવીના સમકાલિન કલાકાર તથા સમીક્ષકોએ સ્પષ્ટ લખ્યું છે કે રવિશંકર સાચે જ પ્રતિભાશાળી કલાકાર હતા, પણ અન્નપૂર્ણા દેવીની મેધા, પ્રતિભા, સંગીત રજુ કરવામાં તેમની કલ્પકતા તથા વૈવિધ્ય અને મુખ્ય તો લોકપ્રિયતા પંડિતજી કરતાં ક્યાંય આગળ હતા. કાર્યક્રમોમાં રવિશંકર પત્નીની આભા નીચે એવા ઢંકાઈ જતા, જે તેમને કદી રૂચ્યું નહિ.
આ બધું વાંચીને કોઈના પણ મનમાં સહજ પ્રશ્ન ઉઠશે : લગ્ન સમયે રવિશંકર ૨૧ વર્ષના બંગાળી બ્રાહ્મણ (તેમના પરિવારની મૂળ અટક ‘ચૌધુરી’ હતી)ના નબિરા હતા અને રોશન આરા કેવળ ૧૪ વર્ષનાં મુસ્લિમ પરિવારની કન્યા હતા. જો તેમની વચ્ચે પ્રેમ ન હોત તો ખાંસાહેબ અલાઊદ્દીન ખાન સાહેબ તથા તેમનો પરિવાર આ લગ્ન માટે તૈયાર કેવી રીતે થાત? શું લગ્નની સવારે પંડિતજીની માગણી પ્રમાણે રોશન આરા ધર્મ પરિવર્તન માટે તૈયાર થયાં અને તેમનાં બાબા-અમ્મીએ રજા આપી, તે શું 'અૅરેન્જ્ડ મૅરેજ' હતાં તેથી? જ્યારે બન્નેની કેળવણી પૂરી થઈ અને તેઓ જાહેરમાં આત્મવિશ્વાસપૂર્વક કાર્યક્રમ કરી શકશે એવી તેમની તૈયારી જોયા બાદ જ ખાંસાહેબ અલાઉદ્દીન ખાન સાહેબે પંડિતજી તથા અન્નપૂર્ણા દેવીને જાહેર કાર્યક્રમ આપવાની રજા આપી હતી. આમ કોઈનું પણ કહેવું નિરર્થક છે કે અન્નપૂર્ણા દેવી ‘નર્વસ’ કે ‘શરમાળ’ હતાં અને જાહેરમાં કાર્યક્રમ ન આપવાનો નિર્ણય કેવળ આ કારણસર લીધો હતો.
કહેવાય છે કે હૃષિકેશ મુખર્જીએ તેમની ફિલ્મ ‘અભિમાન’માં પતિના મનમાં ઉત્પન્ન થયેલ ઈર્ષ્યા, પુરુષ અહંકાર (male ego) અને તેમની સ્ત્રી શક્તિને ગૌણ લેખવાની વૃત્તિને બતાવી છે, તે પંડિત રવિશંકર અને અન્નપૂર્ણા દેવીના જીવન પરથી લીધી. આ વાત ઘણાં લેખકો અને વિવેચકો માને છે.
અન્નપૂર્ણા દેવીનું સંગીત કેટલું દિવ્ય છે હતું તે વિશે તેમના શિષ્યોની વાત સાંભળીશું. "મા તેમની સાધના એક ખાસ રૂમમાં બંધ બારણે કરતા. કહેવાય છે કે ખુદ મા સરસ્વતી તેમનું સંગીત સાંભળવા આવતાં. કોઈ કોઈ વાર જ્યારે તેઓ સુરબહારના crescendo - ઝાલા (દ્રૂત લય)પર પહોંચતાં, તેમના સાધના ખંડમાંથી ચંદનની ખુશબૂ પ્રસરતી. સૌ જાણે છે કે તેમણે કદી સાધના ખંડમાં ધુપ-બત્તી નહોતી કરી."
અા અનુભવ ખુદ ઋષિ કુમારને પણ થયો હતો.
જ્યારથી અન્નપર્ણા દેવીએ જાહેરમાં વાદન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી પચાસ વર્ષ સુધી કોઈ વ્યક્તિની સામે તેમણે સુરબહાર વગાડ્યો નહિ. ખુદ તેમનાં શિષ્યો સામે પણ તેમણે સુરબહાર કે સિતાર ન વગાડ્યાં. તેમને શિક્ષણ આપતા તે સુરાવલી, ગત, આલાપ - બધું ગાઈને સમજાવતાં અને તેનો રિયાઝ કરવાનું કહેતા.
ફક્ત એક વ્યક્તિની સામે તેમણે સુરબહારનાં સૂર પ્રસ્તુત કર્યાં. બીટલ્સના જ્યૉર્જ હૅરીસન. જ્યારે જ્યારે તેઓ ભારત આવ્યા, અન્નપૂર્ણા દેવીનું સંગીત સાંભળવા મથ્યા,પણ તેમને સફળતા ન મળી. આખરે તેઓ તે સમયનાં ભારતના પ્રધાન મંત્રી ઈંદિરા ગાંધીને મળ્યા અને તેમની પાસેથી ભલામણ કરાવી. અન્નપૂર્ણા દેવી શ્રીમતિ ગાંધીની વિનંતીને ઉપેક્ષી ન શક્યા. તેમણે એકલા જ્યૉર્જ હૅરીસન માટે તેમના ફ્લૅટમાં અન્ય કોઈની હાજરી સિવાય સુરબહાર વગાડ્યો.
અા અનુભવ ખુદ ઋષિ કુમારને પણ થયો હતો.
જ્યારથી અન્નપર્ણા દેવીએ જાહેરમાં વાદન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી પચાસ વર્ષ સુધી કોઈ વ્યક્તિની સામે તેમણે સુરબહાર વગાડ્યો નહિ. ખુદ તેમનાં શિષ્યો સામે પણ તેમણે સુરબહાર કે સિતાર ન વગાડ્યાં. તેમને શિક્ષણ આપતા તે સુરાવલી, ગત, આલાપ - બધું ગાઈને સમજાવતાં અને તેનો રિયાઝ કરવાનું કહેતા.
ફક્ત એક વ્યક્તિની સામે તેમણે સુરબહારનાં સૂર પ્રસ્તુત કર્યાં. બીટલ્સના જ્યૉર્જ હૅરીસન. જ્યારે જ્યારે તેઓ ભારત આવ્યા, અન્નપૂર્ણા દેવીનું સંગીત સાંભળવા મથ્યા,પણ તેમને સફળતા ન મળી. આખરે તેઓ તે સમયનાં ભારતના પ્રધાન મંત્રી ઈંદિરા ગાંધીને મળ્યા અને તેમની પાસેથી ભલામણ કરાવી. અન્નપૂર્ણા દેવી શ્રીમતિ ગાંધીની વિનંતીને ઉપેક્ષી ન શક્યા. તેમણે એકલા જ્યૉર્જ હૅરીસન માટે તેમના ફ્લૅટમાં અન્ય કોઈની હાજરી સિવાય સુરબહાર વગાડ્યો.
અન્નપૂર્ણા દેવીના જીવનમાં સૌથી વધુ આઘાતકારક પ્રસંગો હોય તો તે તેમના પુત્ર શુભોને લગતાં હતા. પ્રથમ તો જ્યારે તે માતા પાસેથી મળતું શિક્ષણ અધુરૂં મૂકી પિતા સાથે અમેરિકા જતો રહ્યો તેમને અત્યંત દુ:ખ થયું હતું. એટલા માટે નહિ કે તે તેના પિતા સાથે જઈ રહ્યો હતો. તેમણે પુત્રની સાધના પૂરી થાય તેનો આગ્રહ કર્યો હતો. લગભગ બે દાયકાની મહેનતની પરિણતી માટે સાવ થોડો સમય બાકી રહ્યો હતો તે પૂરો કરે. શુભોમાં પ્રતિભાનો અભાવ નહોતો. જેમ હિરાની કિંમત કસબીના હાથે પાસા પાડવામાં આવે ત્યારે જ થતી હોય છે, તેમ સંગીતકારની પ્રતિભા તેના ગુરૂ પાસેથી મળતું શિક્ષણ અને રિયાઝના અંતે જ પ્રકાશતી હોય છે. રવિશંકરે કહ્યું કે તેઓ તેનો અભ્યાસ પૂરો કરશે, અને શુભોને અમેરિકા લઈ ગયા. બે વર્ષ બાદ તેણે પિતાની સાથે થોડા કાર્યક્રમ (ન્યુ યૉર્ક, પૂણેના સવાઈ ગંધર્વ સંગીત મહોત્સવમાં) આપ્યા, પણ તે ક્યાંય ઝળકી શક્યો નહિ અને અંતે તે લુપ્ત થઈ ગયો. જે પ્રતિભાશાળી માતા-પિતા અને ખાંસાહેબ અલાઉદ્દીન ખાનસાહેબ જેવા માતામહની પરંપરા ચાલુ રાખી શક્યો હોત, તેણે આજીવીકા કમાવવા ગ્રોસરી સ્ટોરમાં સુદ્ધાં કામ કર્યું. અંતે થાકીને આઠ વર્ષે તે મા પાસે આવ્યો અને આંખમાં આંસુ સાથે એક જ વાક્ય બોલ્યો : “મા, આમિ શીખૂ.” (મા, હું તારી પાસે શીખીશ.) જાણે તે કદી ઘર છોડીને ગયો જ નહોતો તે પ્રમાણે અન્નપૂર્ણા દેવીએ તેને સિતાર આપી અને “લે, બેસ,” કહી તેનું શિક્ષણ શરૂ કર્યું. પણ આઠ વર્ષના ગાળામાં જે છૂટી ગયું હતું તે શુભો આંબી શક્યો નહિ. થોડા જ સમયમાં તે પાછો કૅલિફૉર્નિયાના ગાર્ડન ગ્રવ શહેરમાં જતો રહ્યો. ત્યાં તે સ્થાનિક કલાકાર તરીકે જીવ્યો અને ત્યાં જ અવસાન પામ્યો. લૉસ અૅન્જલીસ ટાઈમ્સના મનોરંજન વિભાગમાં કેવળ ૭૫ શબ્દોમાં તેની અવસાન નોંધ લેવાઈ : “ગાર્ડન ગ્રવના સંગીતકાર અને કૉમ્પોઝર શુભો શંકર, જે પ્રખ્યાત સિતારવાદક રવિશંકરના પુત્ર હતા, પચાસ વર્ષની વયે લૉસ અાલામિટોસ હૉસ્પિટલમાં ન્યુમોનિયાની બિમારીથી મૃત્યુ પામ્યા…” વિ.
અંતમાં ફરી એક વાર સંગીત વિવેચક મદનલાલ વ્યાસના લેખનો અંશ ઉતારીશ :
“... She is a genius. Even Baba, the unforgiving and uncompromising Guru called her the embodiment of Saraswati. What higher praise than this?”
આજનો અંક વિવિધ સ્રોત પર આધારીત છે. તેમાંની મુખ્ય લિંક છે:
સાક્ષાત મા સરસ્વતીને તો જોયા કે તેમના વિણાવાદનના સૂર શ્રવણ સદભાગ્ય તો નથી મળ્યું પણ તેમના જ અવતારસમા મા અન્નપૂર્ણા વિષે જાણી --માણી ધન્ય થયા.
કલાના ઉપાસકો ના સાંસારીક વ્યવહારમા અયોગ્ય લાગતા નીર્ણયો આપણને સમજાતા ન હોય પણ તેઓની સાધનાને વંદન કરી વિચારીએ તો અજબગજબ નો જાદુ જેમાં સમાયેલો છે એવી ભારતીય કલાઓમાં સંગીતનું સ્થાન સર્વોચ્ચ શિખરે છે. એમાંય શાસ્ત્રીય સંગીતનાં ગુણલાં જેટલાં ગાઈએ એટલાં ઓછા. સંગીત સમાધિ છે, સંગીત સારવાર છે, સંગીત સ્વયમ્ સમ્પન્ન અનુભૂતિ છે.
પં. રવિશંકરજી તો સિતારના ભગવાન છે. એ અમર છે રાગ યમનની મધુર પ્રસ્તુતિ આલાપ, જોડ, ઝાલા, ગત સાથે વિલંબિત ગત રૃપકતાલમાં વણી દ્રુતલયમાં તીન તાલમાં જમાવટ કરનારપં. રવિશંકરજી તો સિતારના ભગવાન !
કોઇવાર લાગે કે દરેક વખતે આપણાં ને ધન્યવાદ કેવા ? પણ આ બે લેખોમા તો ઘંણી વિગતો જાણી માણી આનંદની અનુભૂતિ કરાવનારને ધન્યવાદ ન કરીએ તો નગુણા કહેવાય...આવા બીજા લેખોની અપેક્ષા
પ્ર'જુ વ્યાસ
અન્નપુર્ણ દેવી વિષે ઘણી નવી વાતો જાણવા મળી .
ReplyDeleteપંડિત રવિશંકર તરફથી એમને ઘણો માનસિક ત્રાસ ભોગવવો પડ્યો એ ઘણી કરુણ દાસ્તાન છે.
ઋષિકુમાર પંડ્યાને અમે વડોદરામાં અમારી કમ્પનીમાં એક મેનેજમેન્ટ પ્રોગ્રામમાં મહેમાન તરીકે બોલાવ્યા હતા.તેઓએ અન્નપુર્ણ દેવી સાથે લગ્ન કર્યા હતા એ તમારા લેખ ઉપરથી જાણ્યું.ઋષિકુમારએ સિતારવાદન પણ સંભળાવ્યું હતું .એમના હાથમાં હમેશાં સિતાર રાખતા એ મેં જોયું છે.