Friday, February 20, 2015

ગીત ગુર્જરી

૧૯૫૯ની સાલ હતી. ઑલ ઈંડિયા રેડિયો અમદાવાદ-વડોદરા પર ચિરપરિચીત અવાજમાં એક ગીત સાંભળ્યું. કલાકારોનાં હૃદયમાંથી નિતરતા શબ્દ અને સૂરપંક્તિઓની વર્ષામાં હું રસ્તા પર થંભી નહાતો રહ્યો. ગીતનો એક એક શબ્દ ઝીલતો રહ્યો. ગાયીકા તો જાણીતાં હતા, પણ તે સમયે કવિ કે ગીતને સંગીત આપનાર કલાકારનું નામ જાણ્યું નહિ. તે ઘડીએ તો નામ કરતાં કવિ, સંગીતકાર અને ગાયિકાની કલાના ત્રિવેણીસંગમમાંથી ઉદ્ભવેલી એ વણથંભી ભાવનાઓના પ્રવાહમાં ભિંજાતો રહ્યો. વર્ષો વિતી ગયા પણ આ ગીતગુંજન હજી સંભળાઈ રહ્યું છે. સુગમ સંગીતમાં બાગેશ્રી પર રચાયેલી કોઈ પણ ગીત્ સંભળાય, તો પણ તે વખતે સાંભળેલા ગીતની પંક્તિઓ હૃદયમાંથી ઉમટે છે:

હૈયાને દરબાર, વણથંભી વાગે સિતાર
કોની હુંફે હુંકે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયા આજ ડોલાવે?
અકળીત આશાને પગથાર
વણથંભી વાગે સિતાર.

કોના રૂપે રૂપે રસભર રાગીણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયા આજ નચાવે?
પળપળ પ્રીતિના પલકાર
વણથંભી વાગે સિતાર.


ગીતકાર શ્રી. ભાસ્કર વોરા, સંગીતકાર શ્રી. પુરુષોત્તમભાઈ ઊપાધ્યાય અને લતાજીની સંયુક્ત રજુઆત એવી લાગે જાણે કામધેનુના આંચળમાંથી નીકળેલી પહેલી અમૃતમય ધારા! નથી તેમાં બાગેશ્રીના વિલંબીત આલાપનું પ્રદર્શન નથી કે નથી ગાયિકાએ આ ગીતને પોતાના સંગીતના જ્ઞાનની કે અંગત અસ્તીત્વની યાદનું માધ્યમ બનાવ્યું. અહીં જોવા મળે છે ભાસ્કરભાઈના દરેક શબ્દને અને તેમની ઉર્મિઓને ઓળખી, હૃદયમાં ઉતારીને પુરુષોત્તમભાઈએ કાવ્યને સૂર આપવામાં દેખાતી તેમની નિષ્ઠા. લતાજીએ કવિ અને સંગીતકાર, બન્નેની ભાવનાઓને આત્મસાત કરી જે તન્મયતાથી આ ગીત ગાયું, તેવું આજ દિવસ સુધી કોઈ ગાઈ શક્યું નથી. આ ગીત વિશે સંગીત ન જાણનાર, પણ તેને આનંદપૂર્વક માણનાર મૂળ વાવેરા (ભાવનગર જીલ્લા)ના મારા સદ્ગત મિત્ર નફીસ નાઈરોબીના કહેવા પ્રમાણે ‘કૅપ્ટન, ખોટું નો લગાડતા, પણ સારેગમવાળી એક બેબલીએ અને અમારા ગોહિલવાડના પણ ભારત પરસિદ્ધ ભાઈએ આ ગાણું ગાયું ઈમાં એમણે કવિ અને ગાયનને ઢાળ આપનારા પંડિતજીને પાછળ મૂકી પોતાની કળાની કળા કરી!”  
મેં પૂછ્યું, “આમ કેમ?”
“તમે ગોહિલવાડના ભાઈને હાંભળો. કવિતની મજા કરતાં રાગ-રાગણીની રમઝટ હાંભળવા મળશે.”
નફીસભાઈ સાથે હું સંમત નહોતો, પણ તેમની વાત સમજી શક્યો. ઐશ્વર્યા મજમુદાર અને પાર્થિવભાઈ ગોહિલ અસામાન્ય ગાયકો છે. તેમણે જે રીતે આ ગીત ગાયું તે સંગીતના જાણકાર એવા niche audience માટે ગાયું, જ્યારે પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયે અને લતાજીએ આખા ગુજરાત માટે ગાયું, એવું મારૂં માનવું છે.

એક અમર પ્રેમગીતના ચારે વર્ઝન સાંભળવા નીચે આપેલી લિંક પર ક્લિક કરવા વિનંતી છે. અહીં આપને સ્વ. નફીસ નાઈરોબીવાળા તથા ‘જિપ્સી’ની વાત માનવી કે નહિ તે નક્કી કરી શકશો!

આ વેબસાઈટ મહત્વનો છે કેમકે લતાજીના અવાજમાં આ અદ્ભૂત ગીત બીજે ક્યાંય સાંભળવા નહિ મળે!.
આજે પંચાવન વર્ષ પછી પણ આ ગીત એટલું જ મધુરૂં છે. કવિ ભાસ્કર વોરા, સંગીતકાર શ્રી.પુરૂષોત્તમ ઉપાધ્યાય અને ગાયિકા લતા મંગેશકરની ત્રિમૂર્તીમાંથી વહેતી ગંગાને કદી ભુલી શકાય તેવી નથી.
***
સંજોગોની વાત કરીએ તો આશ્ચર્ય પામ્યા વગર ન રહેવાય. અમેરિકામાં આવીને થોડા વર્ષ થયા હતા. ઈંટરનેટ પર રણકારડૉટકૉમની વેબસાઈટ મળી અને પહેલું ગીત સાંભળ્યું હોય તો બીજલ અને વિરાજ ઉપાધ્યાય નામની બે બહેનોએ ગાયેલું સ્વ. ઉમાશંકર જોશીનું ગીત. એક વાર સાંભળ્યું અને તેનો આનંદ મનની સીડી પર હંમેશા સાંભળતો રહ્યો. નવાઈ તો ત્યારે લાગી કે આ બહેનો પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયની દીકરીઓ છે! ખળખળ ઝરણાં જેવા મધુર અવાજમાં ગાતી આ બહેનોનું ગીત અહીં  રણકારડૉટકૉમના સૌજન્યથી સાંભળીએ;



ગુજરાતના કવિઓની પરંપરા અદ્ભુત છે. ભક્તિગીતો, આખ્યાન, ‘પુરી એક અંધેરી ને ગંડુ રાજા’ જેવાં કથાગીત, સુંદરમ્ સર્જિત ‘રંગ રંગ વાદળીયાંં જેવા બાલગીત અને પ્રેમગીતમાં સપ્તરંગી વૈવિધ્ય છે. આજે અાપણા લોકપ્રિય કવિ રમેશ પારેખનું સુંદર ગીત અહીં માવજીભાઈડૉટકૉમના સૌજન્યથી રજુ કર્યું છે. : 


(ગુજરાતીમાં બીજા ગીતો માણવા www.tahuko.com, rankar.com mavjibhai.com પર પધારશો.)


આજે બસ આટલું જ! જય ગુજરાત. જય ગુર્જરી.

3 comments:

  1. Sir tame mavjibhai com ni link api te badal khub aabhar

    ReplyDelete
  2. NICE POST !
    Thanks !
    Chandravadan
    www.chandrapukar.wordpress.com

    ReplyDelete
  3. ભાગ્યેજ સાંભળવા મળે તેવા ગીતો માણવાની ખુબજ મજા આવી.

    ReplyDelete