નવેમ્બરમાં મેં એક મહિનાની રજા લીધી. તે જ દિવસે મારા કમાન્ડીંગ અૉફિસર સુરજીતસિંહ પણ દસ દિવસની રજા પર ઉતર્યા. તેમનાં પત્ની તેમની સાથે હતા અને શિયાળાની તકલીફમાંથી બચવા તેઓ તેમને પતિયાલા મૂકવા જઇ રહ્યા હતા. અમે બધા એક જીપમાં નીકળ્યા. પ્રથમ સાધના પાસને પાર કરી તળેટીએ આવેલ ચૉકીબલ પહોંચવાનું. ત્યાંથી શ્રીનગર. કર્ણાથી નીકળતી વખતે વાતાવરણ અત્યંત ખુશનુમા હતું. સોનેરી તડકામાં જબરી હૂંફ હતી. અમે અફસરોએ સાદા ગરમ શર્ટ અને પૅન્ટ પહેર્યા હતા. સ્વેટર પહેરવા જેટલી ઠંડી નહોતી. સીઓના પત્નિએ સુતરાઉ શલવાર-કમીઝ અને પગમાં પટિયાલાની સુંદર, નક્ષીદાર પાતળી મોજડીઓ પહેરી હતી. બધા રજા માણવાના આનંદમાં કૅમ્પમાંથી બહાર નીકળ્યા.
બટાલિયનથી અમે લગભગ ૮૦૦૦ ફીટની ઉંચાઇએ પહોંચ્યા કે બરફ પડવાની શરૂઆત થઇ. સીઝનનો પ્રથમ બરફ! નાનકડા બાળકના અંગ પર પાઉડર છાંટીએ તેવો મૃદુ છંટકાવ જોઇ મિસેસ સિંહે હાથ બહાર કાઢી તેનો આનંદ લીધો. અમારી જીપ ધીરે ધીરે ચઢાણ પર જતી હતી અને ઝીણા પાવડર જેવો બરફ હવે મોતી જેટલો મોટો થયો. જાણે અમારી રજાને મોતીડે વધાવવા નિસર્ગ મોતીઓ ઉછાળી રહ્યું હતું. નવ હજાર ફીટની ઉંચાઇએ પહોંચ્યા ત્યાં તો હિમવર્ષાની તીવ્રતા વધી ગઇ. જીપના વિન્ડ-સ્ક્રીન પર હવે દુધની મલાઇ પડતી હોય તેવું લાગ્યું. અચાનક હવાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બરફનું વાવાઝોડું શરૂ થઇ ગયું. અમે એવી જગ્યાએ હતા જ્યાંથી ન તો અમે નીચે હેડક્વાર્ટર જવા માટે ગાડી પાછી વાળી શકતા હતા, ન કે ઉપર આવેલા સાધના પાસ પર જઇ શકતા હતા. “દૂધની મલાઇ” હવે એવા વેગથી આવીને પડવા લાગી કે જાણે વિંડસ્ક્રીન પર મલાઇથી થપાટ મારી રહ્યું હતું. કાચ પર મલાઇ જામવા લાગી. વાઇપર કામ કરતા બંધ થઇ ગયા. અમને રસ્તો પણ દેખાતો બંધ થઇ ગયો. અમારે હજી ૫૦૦-૬૦૦ ફીટની ઉંચાઇ કાપવાની બાકી હતી અને જીપ બંધ પડી ગઇ.
અમારી પાસે ફક્ત એક જ પર્યાય બાકી રહ્યો હતો: આ છસો ફીટની ઉંચાઇ પગપાળા ચઢવી. બરફનું તોફાન હવે ઉગ્ર થયું. સૂર્યદેવ તો ઘનઘોર આકાશ પાછળ કેદ થયા હતા. બરફની આંધી અને તોફાનમાં અંધારાનો સમાવેશ થયો. તંગધારમાં આવ્યા બાદ અમને કહેવામાં આવ્યું હતું કે અહીંના હવામાન પર કદી પણ વિશ્વાસ ન કરવો. ક્યાંય જતાં પહેલાં બ્રિગેડ હેડક્વાર્ટર્સના સિગ્નલ્સ ડીટૅચમેન્ટના મેજર પાસેથી હવામાનનો વર્તારો લીધા વગર નીકળવું નહિ એવું કહેવામાં આવ્યું હતું. અમને લાગ્યું કે આવું તો ડીસેમ્બરથી માર્ચ કે એપ્રિલ દરમિયાન કરવું પડે. આ તો નવેમ્બર મહિનો હતો! અમે નીકળ્યા ત્યારે ખુલ્લા આકાશમાં પ્રકાશી રહેલા સૂર્યનાં કિરણો અમને એવું લોભાયમાન વચન આપી રહ્યા હતા કે આવું હવામાન ચાલુ રહેશે. એવું લાગી રહ્યું હતું કે બે-ત્રણ કલાકમાં સાધનાનો ઘાટ પાર કરીને ત્યાંથી શ્રીનગરના નિશાત બાગ પાસે આવેલ અમારા કૅમ્પમાં રાતવાસા માટે પહોંચી જઇશું. આવા સ્વપ્નોમાં રાચતા અમે નીકળ્યા હતા અને....
વાતાવરણની વણસેલી પરિસ્થિતિ જોઇ અમારા સીઓ સાહેબે હુકમ આપ્યો કે બધા ચાલીને સાધના પાસના શિખર પર પહોંચી જઇએ. ત્યાં અફસરો તેમજ જવાનો માટે લાકડાનાં આવાસ બનાવવામાં આવ્યા હતા. અચાનક બદલાતા હવામાનનો ભોગ આપણા સૈનિકો ન બને તે માટે સાધના પાસ પર આ કૅમ્પ બનાવવામાં આવ્યો હતો. અમે અફસરોએ નાયલૉનનાં મોજાં તથા સાદા બૂટ પહેર્યા હતા. મિસેસ સિંહે તો કેવળ મોજડી પહેરી હતી. જીપને રસ્તામાં મૂકી અમે પગપાળા પહાડ પર ચઢવાની શરૂઆત કરી. બરફની ‘મલાઇ’ અમારા ચહેરા પર જાણે ગોફણમાંથી વિંઝાઇને આવી પડતા ગારાની જેમ આવી પડતી હતી. લોકો જેને ઝર્લાની બલા કહેતા હતા તે આ જ હતી એવું લાગ્યું. મુલાયમ લાગતી સફેદ હથેળીથી ઝર્લાની બલા જાણે અમને થપ્પડ પર થપ્પડ ન મારતી હોય! સૂસવાટા કરતા પવનમાં અમે ઉડીને ખીણમાં તો નહિ જઇ પડીએ એવો ડર લાગી રહ્યો હતો. આ એવો અકથ્ય અનુભવ હતો જેને કહેવાનો પ્રયત્ન કરીએ તો કોઇ માનવા તૈયાર ન થાય. અમારા સીઓનાં પત્નિ મિસેસ સિંહના પગ એવા તો ઠરી ગયા હતા કે તેમનાથી એક પણ પગલું ભરી શકાતું નહોતું. દરેક પગલું માંડતાં તેઓ કણસતા હતા અને રોતાં હતાં: “હાયે રબ્બા, મૈં મર ગઇ! વાહે ગુરૂ, તું હી બચા, હાયે મૈં મરી જા રહીં હાં, રબ્બા તું હી બચા.....” અમારાથી તેમની વ્યથા સહન નહોતી થતી. એક એક ડગલું ભરવામાં અમને એટલી તકલીફ થતી હતી જેનું વર્ણન કરવું અશક્ય છે. અમે તો કેળવાયેલા સૈનિક હતા. મિસેસ સુરજીતસિંહ તો અબલા હતા. સૌને આ સહન કર્યા વગર છૂટકો નહોતો.
થોડું અંતર ચાલ્યા બાદ ઘનઘોર બરફવર્ષામાં પણ અમને પહાડ ઉપરથી નીચે આવતી બૅટરીઓનો ઝાંખો પ્રકાશ દેખાયો. અમે કર્ણાથી સાધના જવા નીકળ્યા હતા તેનો બ્રિગેડથી વાયરલેસ પર સાધનાના કૅમ્પ કમાન્ડરને સંદેશ ગયો હતો. તેથી જ ત્યાંથી બચાવ કરનારી ટુકડી અમારી તરફ આવી રહી હતી. અર્ધા કલાકમાં તેઓ અમારી પાસે આવી પહોંચ્યા. અમારા માટે તેઓ પર્કા કોટ, બરફમાં પહેરવાના મોટા ચશ્મા લઇ આવ્યા અને અમને થર્મૉસમાંથી ગરમ ચ્હા આપી. અમારો સામાન ઉપાડવા માટે તેઓપોર્ટર્સ લાવ્યા હતા. હવે બચાવ ટુકડી અમને મારગ બતાવીને આગળ ચાલવા લાગી. એક કલાક બરફના તોફાનમાં ચાલીને અંતે અમે સાધનાના કૅમ્પમાં પહોંચ્યા. સાધના પર અમને ત્રણ દિવસ રહેવું પડ્યું. ચોથા દિવસે અમને લેવા આવેલ વાહન સાધનાનો ઘાટ ચઢી શકે તેમ નહોતું, તેથી શ્રીમતિ સિંઘ સમેત અમને સહુને સ્નો બૂટ, સ્નો ગૉગલ્સ અને પર્કા કોટ પહેરીને જીપ સુધી ચાલવું પડ્યું. આનું વર્ણન છબીઓ જ કરશે.
અહીં છબીઓને ક્રમ વાર ઉતારી શક્યો નથી, પણ જોઇને ખ્યાલ આવશે કે જીપના ચિત્રોમાંની એક છબી પર બરફનાં ‘અમી છાંટણા’દેખાશે અને બીજા ચિત્રમાં તેનું વિકરાળ થતું જતું સ્વરૂપ છે. તોફાન મધ્યાહ્ને પહોંચ્યું તેની પરવા કર્યા વગર કુમાયૂં બટાલિયનની ૩જી બટાલિયનના સીઓ કર્નલ નાયર અમારી ખુશહાલી જોવા આવ્યા. બીજી છબીમાં અમને બચાવવા આવેલા કુમાયૂંની જવાનોની તોફાન શમ્યા બાદ લીધેલી છબી. છેલ્લી છબી છે તોફાન શમ્યા બાદ એક કિલોમીટર દૂર રહેલ વાહન સુધી અમારે ચાલતા જવું પડ્યું. સૌથી આગળ છે શ્રીમતી સુરજીતસિંહ. તેમને પણ મિલિટરીનો પોશાક પહેરવો પડ્યો હતો! (એક સિવાય) બધી છબીઓ લેનાર: જીપ્સી.