Follow by Email

Wednesday, September 16, 2009

"આયો ગુજરાતી ગોરખાલી!" ભાગ ૧

કૅપ્ટન પીયૂષ: ૬ સપ્ટેમ્બર ૧૯૬૫

મિલીટરીમાં સૈનિકો અને અફસરો બે વસ્તુઓની ચાતકની જેમ રાહ જોતા હોય છે: એક તો ઘેરથી આવતા પત્રની અને વર્ષમાં મળતી બે મહિનાની ‘અૅન્યુઅલ લીવ’ની. આ રજામાંનો એક એક દિવસ પોતાના સ્વજન-પરિવારની સાથે ગાળી તેની યાદને વર્ષના બાકીના દિવસોમાં માતાએ બનાવેલ અથાણાંની જેમ ચલાવવી પડે. કોણ જાણે ફરી ક્યારે રજા મળે!
આવી જ રીતે બે મહિનાની રજા પર ગોરખા રેજીમેન્ટના યુવાન કૅપ્ટન પીયૂષ અમદાવાદ આવ્યા હતા. થોડા દિવસ સગાવહાલાંઓને મળવામાં ગાળ્યા અને એક દિવસ મિત્રની સાથે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. સવારે શહેરમાં જઇ ટિકીટનું અૅડવાન્સ બુકિંગ કર્યું અને બપોરનું ભોજન કરવા બેઠા. સાથે રેડીયો અૉન કરી વિવિધ ભારતીમાં સુંદર ગીત સાંભળતા હતા ત્યાં અધવચ્ચે ગીત બંધ થયું અને આકાશવાણીના અૅનાઉન્સરના ગંભીર શબ્દો સંભળાયા:
“એક અગત્યની સૂચના. રજા પર ઘેર ગયેલા બધા સૈનિકો તથા અફસરોને સૂચના આપવામાં આવે છે કે તેમની રજા રદ કરવામાં આવી છે. તેમણે તરત જ પોતાના યુનિટમાં પાછા પહોંચી જવું. આ અંગેના લેખિત હુકમ દરેક સૈનિકને મળી જશે. સૂચના સમાપ્ત થઇ.”
લેખિત હુકમની રાહ જુએ તેવા આ અફસર નહોતા. ભોજન પતાવીને તેમણે સામાન પૅક કર્યો અને સીધા કાળુપુર સ્ટેશન પર પહોંચી ગયા. મિલીટરીના મૂવમેન્ટ કન્ટ્રોલ અૉફિસરને મળી પોતાના યૂનિટનું ‘NRS’ - નીયરેસ્ટ રેલ્વે સ્ટેશન ક્યાં છે તે પૂછ્યું.
“5/9 GR? એક મિનીટ, સર..... તેનું NRS પઠાણકોટ છે.”
નવમી ગોરખા રાઇફલ્સ રેજીમેન્ટની પાંચમી બટાલિયનના આ સંજ્ઞાત્મક અક્ષરો 5/9 GR થી ઓળખાય છે.
લગભગ ચોવીસ કલાકના પ્રવાસ બાદ કૅપ્ટન પઠાણકોટ પહોંચી ગયા. આમ તો તેમને રસ્તામાં જ ખબર પડી ગઇ હતી કે પાડોશી દેશ સાથે લડાઇ શરૂ થઇ ગઇ હતી. સ્ટેશન પર પહોંચતા તેમને કહેવામાં આવ્યું કે તેમનું યુનિટ પાકિસ્તાનમાં કોઇ unknown locationમાં છે. તમારા યુનિટના ‘બી-એશલૉન’ (રણભુમિમાં યુદ્ધ કરી રહેલા સૈનિકો માટે ભોજન, દારૂગોળો, રોજની ટપાલ વિ. તૈયાર કરી આગળ પહોંચાડવા માટેની નિર્ધારીત જગ્યા) સુધી પહોંચાડવાની અમે વ્યવસ્થા કરીશું. ત્યાંથી આગળ યુદ્ધભુમિ સુધી પહોંચાડવાનો બંદોબસ્ત તમારા ક્વાર્ટરમાસ્ટર કરી આપશે.”
કૅપ્ટન પિયૂષ સાંબા જીલ્લામાં પાકિસ્તાનની સીમા પર આવેલ એક ગામના પાદર પર આવેલ તેમના યુનિટના બી-અૅશલૉનમાં પહોંચી ગયા. લડાઇ પૂર જોશમાં ચાલી રહી હતી. યુદ્ધ ક્ષેત્રમાં જરા પણ આપણી સૈનિક કાર્યવાહી દેખાય કે દુશ્મન તરત તોપમારો શરૂ કરતો હતો. તેમના તોપખાનાનો FOO (ફૉર્વર્ડ અૉબ્ઝર્વેશન અૉફિસર) ક્યાંક સંતાયો હતો અને વાયરલેસ પર બૅટરી કમાન્ડરને માહિતી આપી આપણાં વાહનો પર અચૂક મારો કરવાતો હતો. ક્વાર્ટરમાસ્ટરે તેમની બટાલિયન ક્યાં છે તે તો જણાવ્યું, પણ ત્યાં સુધી તેમને લઇ જવા માટે અશક્તિ દર્શાવી. “છેલ્લા ચાર દિવસથી આપણી રાશનની ગાડીઓ બહાર નીકળે કે દુશ્મન તોપમારો કરે છે. તું આવ્યો તે પહેલાં જ તેમના વિમાનોએ ‘સ્ટ્રેફીંગ’ કરી આપણને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આજે રાતે મોરચા પર જવાનો ફરીથી પ્રયત્ન કરીશું. તું રોકાઇ જા.”
“બસંતસિંહ, હું રાત સુધી રોકાવા તૈયાર નથી. મારે પલ્ટનમાં તરત પહોંચવું છે. દિવસના અજવાળામાં ચાલી નીકળીશ તો સાંજ સુધીમાં પહોંચી જઇશ.”
બસંતસિંહ આ સુકલકડી પણ ટટ્ટાર બાંધાના પોતાના સાથી અફસર તરફ જોઇ રહ્યો. પીયૂષે સવારમાં મળેલ સિચ્યુએશન રીપોર્ટમાં જોયું કે તેમની બટાલિયન ક્યા સ્થાન પર છે. નકશો જોઇ તેમણે ગ્રીડ રેફરન્સ કાઢ્યો અને નીકળવાની તૈયારી કરી. કૂચ કરવા માટે ૧૭ કિલો વજનની ઇક્વીપમેન્ટ પીઠ પર ચડાવી, રાઇફલ ખભે ટાંગી અને કમર પર ખુખરી બાંધી. બે દિવસનું એમર્જન્સી રાશન, પાણીની બાટલી, નકશો અને પ્રીઝ્મેટીક કમ્પાસ લઇ ભર બપોરના એકલાજ નીકળી પડ્યા. રસ્તામાં બૉમ્બવર્ષા થાય તો ખેતરની પાળ આડે પોઝીશન લે, અને વાતાાવરણ શાંત પડે કે તરત આગેકૂચ શરૂ. વચ્ચે જ રોકાઇને હોકાયંત્રમાં અંશ-કોણ તપાસી યોગ્ય દિશામાં જઇ રહ્યા છે કે નહિ જોઇ તેઓ કૂચ કરતા રહ્યા. રાતના સમયે તેઓ પાકિસ્તાનના મહારાજકે ગામની સીમમાં ખાઇઓમાં ડીફેન્સીવ પોઝીશનમાં બેઠેલી બટાલિયનના હેડક્વાર્ટરમાં પહોંચ્યા ત્યારે કમાન્ડીંગ અૉફિસર કર્નલ ગરેવાલ ચકિત થઇ ગયા. ૩૬ કલાક અગાઉ મોકલાવેલા તારના જવાબમાં કેવળ સો-બસો કિલોમીટરના અંતરે રહેતા અફસર હજી બટાલિયનમાં પહોંચ્યા નહોતા. અહીં તો લગભગ હજાર કિલોમીટરથી પણ વધુ દૂર રહેતા કૅપ્ટન પીયૂષ પાકિસ્તાનમાં અજાણી જગ્યાએ સતત ટ્રેન, ટ્રક અને પગપાળા નકશા-હોકાયંત્રની મદદ વડે પહોંચી ગયા હતા.

જીપ્સીની વાત:

સપ્ટેમ્બરની ૨જી તારીખની રાત હું કદી ભૂલી નહિ શકું. અૉફિસર્સ મેસમાં જમીને મારો સાથી લેફ્ટનન્ટ સમદ્દર (સૅમી) અને હું અમારા તંબુની બહાર બેસી વાતો કરી રહ્યા હતા. અચાનક અમારી બટાલિયન તથા આજુબાજુના યુનિટ્સની વચ્ચે આવેલા મોટા ચોગાનમાં ૪૦-૫૦ કૂતરાં ભેગા થયા. બે કૂતરા ભેગા થાય તો સીધા લડવા લાગે. અહીં તો તેમની જાણે એક કંપની પરેડ ગ્રાઉન્ડ પર આવી ગઇ હોય તેમ શિસ્તબદ્ધ થઇને મોટા કુંડાળામાં બેસી ગયા અને સામુહિક રૂદન શરૂ કર્યું. બચપણમાં મને આવા મૃત્યુપૂર્વે જ ગવાતા હોય તેવા મરસિયા જેવા શ્વાનરૂદનનો દુ:ખદ અનુભવ હતો. મારાથી બોલાઇ જવાયું “Sammy, this is ominous. I think it’s war.”
છેલ્લા છ’એક મહિનાઓથી અમે યુદ્ધ માટે પંજાબમાં તૈયાર હાલતમાં બેઠા હતા, પણ બ્યુગલો વાગતા નહોતા. સૅમીને કહેલા શબ્દો હવામાં વેરાય તે પહેલાં અમારા કમાન્ડીંગ અૉફિસરનો ‘રનર’ (સંદેશ વાહક) ખરેખર દોડતો આવ્યો. તેણે કહ્યું, “જયહિંદ, સર. સીઓ સાહેબે આપને યાદ કર્યા છે.” અમે દોડતા જ હેડક્વાર્ટર્સમાં પહોંચ્યા.
અમારા સી.ઓ. કર્નલ રેજીનૉલ્ડ ગૉન (Gaughan) આયરીશ-ભારતીય હતા. તેમણે અમને ટૂંકા મૌખીક હુકમ આપ્યા. “આર્મર્ડ ડિવિઝન અૅસેમ્બ્લી એરીયા તરફ જવા માર્ચીંગ કરશે. NMB 0500 hours. વિગતવાર હુકમ તમારા કમ્પની કમાન્ડર આપશે.” NMB 0500 hours એટલે ‘નો મૂવ બીફોર ફાઇવ એ.એમ.’
બ્યુગલ વાગ્યું!
(માર્ચ ૨૦૦૯ના “જીપ્સીની ડાયરી”ના અંકોમાં આ વાતનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, તેથી આપને સીધા પાકિસ્તાનના મહારાજકે ગામમાં આવેલી જમરૂખની વાડીમાં લઇ જઇશ.)
પાકિસ્તાનનું મહારાજકે ગામ. ૮ સપ્ટેમ્બર ૧૯૬૫ની સવારે 5/9 GRના સીઓ કર્નલ ગ્રેવાલના બ્રીફીંગમાં મેં એક નવા અફસરને જોયા. મીટીંગ પતી ગયા બાદ હું તેમને મળ્યો અને મારો પરિચય આપ્યો.
“આય અૅમ કૅપ્ટન ભટ્ટ,” સ્મિત સાથે તેમણે પોતાનું નામ કહ્યું
“ભટ્ટ એટલે ગઢવાલના કે કુમાયૂંના?” મેં પૂછ્યું.
ભટ્ટ હસી પડ્યા. “બેમાંથી એકેયનો નહિ. હું ગુજરાતનો છું.”

(વધુ આવતા અંકમાં!)