Tuesday, July 6, 2021

આક્રમણની પૂર્વ તૈયારી (૩)

     "સુબેદાર સા'બ, સૌ પ્રથમ દરેક કો-ડ્રાઇવર તેનું હથિયાર લોડ કરી તૈયાર સ્થિતિમાં રહે. હું અત્યારે પુલ તરફ જઉઁ છું. મારી જીપ નીકળ્યા બાદ ત્રણ મિનિટ બાદ આપના કૉન્વૉયની ટ્રક્સને નિયમ મુજબનું અંતર રાખી આગળ વધવાનું છે. પુલથી પાંચસો ગજના અંતર પર કૉન્વૉય રોકીને મારી રાહ જોશો.  પુલની નજીક હું પહેલાં પહોંચીશ. જો ત્યાં દુશ્મન હશે તો તમને ગોળીબારનો અવાજ સંભળાશે. આવું થાય તો તમે તમારી ગાડીઓના સંરક્ષણ માટે રાબેતા મુજબ તમારી સાથેના સૈનિકોને ‘ડીપ્લૉય’ કરશો. તે જ ઘડીએ આપની જીપ માધોપુર બ્રિજ મોકલી ત્યાંની વાયરલેસ ડીટેચમેન્ટ દ્વારા અહીંની હાલતના સમાચાર ડિવિઝનલ હેડક્વાર્ટરને આપજો. જો ફાયરિંગનો અવાજ ન આવે તો મારી રાહ જોશો. હું પુલ સીક્યોર છે કે નહિ તેની તપાસ કરી પાછો આવીશ. જો દસ મિનિટમાં હું પાછો ન આવું તો સમજી લેજો કે હું દુશ્મનના ઍમ્બુશમાં સપડાઇ ગયો છું. તેથી પહેલાં આપેલા હુકમ પ્રમાણે બચાવની કારવાઇ કરશો. કોઇ પણ હિસાબે હું પાછો આવવાનપ પ્રયત્ન કરીશ અને કૉન્વૉયને ઍસેમ્બ્લી એરિયા સુધી લઇ જઇશ. ત્યાર પછી તમે તમારા યુનિટમાં પહોંચી જશો. હુકમ સમજવામાં કોઇ શક છે?”

    કૉન્વૉય કમાન્ડરે હુકમ સાંભળી, મને સૅલ્યુટ કરી અને પોતાના કૉન્વૉય તરફ ગયા. ગુપ્તાને કો-ડ્રાઇવર સીટ પર બેસાડ્યો અને કહ્યું, "જો પુલ પર દુશ્મન છે એવું મને લાગશે તો તને ઇશારો કરીશ. તું કુદીને બહાર નીકળી જજે અને કૉન્વૉય તરફ દોડી જઇ સુબેદાર સાહેબને જણાવજે. મારી ચિંતા ના કરીશ."

    મેં મારી ૯ મિલિમિટર કૅલિબરની પિસ્તોલના હોલ્સ્ટરનું બટન ખોલ્યું. જરૂર પડે તો તે ચલાવવાની સ્થિતિમાં તૈયાર રાખી  જીપ ચલાવી.  કઠુઆ બ્રિજની નજીક પહોંચ્યો કે તરત લાઇટ મશિનગન કૉક થવાનો  કડાકાબંધ અવાજ સાંભળ્યો. બસ, ત્રણ સેકંડમાં ૨૮ ગોળીઓ છૂટવાની રાહ જોવાની હતી. ઘનઘોર રાતના બે કે ત્રણ વાગ્યાની ક્ષણ એવી હતી કે અમારી જીપ પર નિશાન બાંધીને કોણ જાણે ક્યાં આ મશિનગન સંતાઇને બેઠી હતી. લાઇટ મશિનગન (LMG) સેક્શન, એટલે દસ સૈનિકોની ટુકડીનું હથિયાર હોય છે. અને પુલ જેવા મહત્વના વાહનવ્યવહારના bottle neckના રક્ષણ માટે એક પ્લૅટૂનથી (૩૦-૩૫ સૈનિકોથી) ઓછી ટુકડી deploy ન થાય. મારે હવે ચૅલેન્જના હુકમની અથવા ધડાકાબંધ ગોળીબારની રાહ જોવાની હતી. એટલામાં “થમ. કૌન આતા હૈ?”નો ધીમા પણ કડક અવાજમાં હુકમ આવ્યો! 

    આ સઘળી કાર્યવાહી - LMG કૉક થવામાં, મારા વિચારવમળ, આગળની કાર્યવાહીની યોજના અને "થમ, કૌન આતા હૈ"ના હુકમમાં કેવળ બે કે ત્રણ સેકંડ જ લાગી હતી. મારી વાત કહું તો આ હુકમ સાંભળી મન શાંત થયું. આ હુકમ કેવળ આપણા મિત્ર સૈનિકોનો જ હોય. ચૅલેન્જના જવાબની 'ડ્રિલ' પ્રમાણે મેં જવાબ આપ્યો, "દોસ્ત".

    “દોસ્ત, જીપસે નીચે ઊતરો, હાથ ઉપર કરો ઔર આગે બઢો,” સામેથી બીજો હુકમ આવ્યો.

    જીપમાંથી ઉતરીને જેવો હું પુલની નજીક ગયો કે સડકની બન્ને બાજુએ પોઝીશન લઇને બેઠેલા સૈનિકોમાંથી બે જણા ખુલ્લી બૅયોનેટ લગાવેલ રાઇફલ તાણીને મારી નજીક આવ્યા. તેમના નાયકે મારું નામ, યુનિટની માહિતી અને આયડેન્ટીટી કાર્ડ માગ્યાં. મેં મારી માહિતી અને ઓળખપત્ર બતાવ્યા. મેં ગાર્ડ કમાન્ડરને કહ્યું, “હું અર્ધા કલાક પહેલાં આ પુલ ક્રૉસ કરીને આવ્યો ત્યારે અહીં કોઇ નહોતું. તમે ક્યારે પુલ ‘સિક્યોર’ કર્યો? કોઇ ખાસ કારણ છે? ”

    “સાબ, આ પુલ પર પાકિસ્તાનના કમાંડો ઘુસી આવ્યા હતા. તેમણે આપણા ડિસ્પૅચ રાઇડરને મારી નાખ્યો અને તેની પાસેની ટપાલ લઇને નાસી ગયા છે. અમે દસ મિનીટ પહેલાં આવીને પુલને ‘સિક્યોર’ કર્યો છે. અહીંથી પસાર થનાર દરેક વાહન તપાસવાનો અમને હુકમ છે.”

    મેં ગાર્ડ કમાંડરને આખી વાત સમજાવી અને કહ્યું કે પુલની પાછળ રોકાયેલા દારુગોળા, પેટ્રોલ અને અન્ય રસદના ત્રણસો ટ્રક્સના કૉન્વૉયને ફૉર્વર્ડ એરિયામાં પહોંચાડવાનો છે. સેક્શન કમાંડરે મને ‘ઑલ ક્લીયર’ આપ્યો. હું પાછો કૉન્વોય પાસે ગયો. કૉન્વૉય કમાન્ડરને મારી પાછળ ગાડીઓ ચલાવવાનો હુકમ આપ્યો અને અમારો કૉન્વૉય સુરક્ષીત રીતે ડિવિઝનના માર્ચીંગ એરીયામાં ચાર વાગ્યા સુધીમાં પહોંચ્યો. 

    અહીં એક વાત ભારપૂર્વક કહીશ.

    સેનામાં ટ્રેનિંગ અને 'ડ્રિલ' પર ખુબ ભાર આપવામાં આવે છે. 'ડ્રિલ' એટલે ખરેખર દિવાલને કોતરી અંદર સુધી પહોંચાડનારી ધારદાર અણી જેવી ટ્રેનિંગ. યુદ્ધના સમયમાં આ "થમ, કૌન આતા હૈ"ની ડ્રિલ તલવારની ધાર પર ચાલવા જેવી હોય છે. LMGને કૉક કરી, આંગળી ટ્રિગર-ગાર્ડની બહાર સીધી ખેંચીને રાખવી પડે, જો ટ્રિગર પર રહે અને આવી અંધારી રાતમાં સામેથી કોણ આવે છે તે ઓળખી ન શકાય અને ટ્રિગર પર સહેજ જેટલું દબાણ આવે તો LMGની મૅગેઝિનમાંથી ૨૮ ગોળીઓનો બર્સ્ટ છૂટે. ગોળીઓની સીધી રેખામાં આવેલા ૩૦૦ ગજ દૂર સુધીના  'ટાર્ગેટ' પણ ધ્વસ્ત થઇ જાય. અહીં ચૅલેન્જ કરનારે તો સ્વસ્થ અને શાંત રહી 'ડ્રિલ' પ્રમાણે ચૅલેન્જ કરવાનું હોય, અને જેને ચૅલેન્જ કરવામાં આવેલ છે, તેણે પણ એટલી જ શાંતીથી ગભરાયા વિના કે અણધારી હિલચાલ કર્યા વગર જવાબ આપી "હાથ ઉંચા કરી આગળ વધો'ના હુકમનું પાલન કરવાનું હોય છે. તેમાં જરા જેટલી ઉતાવળ કરો કે દોડવાનો પ્રયત્ન કરો તો ગોળીઓ છૂટી જ સમજો. ૧૯૭૧માં અમારી બ્રિગેડમાં આવા બે દાખલા થયા હતા. 

***

    આ પ્રસંગ બન્યો ત્યારે રોકાયેલા ટ્રક્સ વિશે મેં ઊંડો વિચાર નહોતો કર્યો. પરંતુ લડાઇ પૂરી થયા બાદ અમારી બટાલિયનની મુલાકાતે આવેલા અમારા જનરલ-ઑફિસર-કમાંડીંગ (GOC) જનરલ રાજિંદરસિંઘ સ્પૅરોએ અમારી બટાલિયનના અફસર અને જવાનોને બે વાતો કહી : 

    “તમારા ટ્રુપ કૅરિયર અફસરે રેકૉર્ડ ટાઇમમાં દિવસ રાતની પરવા કર્યા વગર ૩૮ કલાકમાં આખી લૉરીડ બ્રિગેડને એસેમ્બ્લી એરિયામાં પહોંચાડી આપી તેથી મારી surprise strikeની રણનીતિ સફળ થઇ. તમે કર્તવ્યપરાયણતા દર્શાવી અને અસાધારણ તેજીથી આ કામ પૂરૂં કર્યું તેથી આપણે નિર્ધારીત સમયે આક્રમણ શરૂ કરી શક્યા.        

    “બીજી ખાસ વાત: ટૅંક્સને સાતત્યતાપૂર્વક આક્રમણ ચાલુ રાખવા જરુરી હતા તેવા પેટ્રોલ અને દારુગોળો લાવનારા વાહનો રોકાઇ પડ્યા હતા, તે અણીને વખતે આવી પહોંચ્યા તેથી H-Hour પર મારી આર્મર્ડ બ્રિગેડ કૂચ કરી શકી. તમારી બટાલિયનનું આપણી વિજય યાત્રામાં આ બીજું મોટામાં મોટું યોગદાન હતું. હું તમારી સેવાપરાયણતાને બિરદાવું છું.”

    મારા માટે આ સર્વોચ્ચ આનંદની ઘડી હતી. હું તો નવો સવો અફસર હતો. લૉરીડ બ્રિગેડને યુદ્ધમાં યોગ્ય સ્થળે કૉન્વૉયમાં પહોંચાડવાનો મને જરા જેટલું જ્ઞાન નહોતું આ સઘળું શ્રેય અમારા સુબેદાર, નાયબ સુબેદાર અને જવાનોને જાય છે. તેમણે તેમના અફસરને સફળતા અપાવી હતી.


1 comment:

 1. ' ઍમ્બુશ નો અર્થ 'ઓચિંતો હુમલો કરવા લશ્કરને સંતાડી રાખવું અથવા લશ્કરે સંતાઈ રહેવું તે, આવો હુમલો, છાપો, છાપો મારવા ભરાઈ રહેવું, ભરાઈ રહેવાની જગ્યામાંથી છાપો મારવો, છુપાયેલું લશ્કર, આ માટેની ગુપ્તતા, પ્રતીક્ષા માટે સંતાવાની જગ્યા...અનુભવ્યો.
  અમે ભણતા ત્યારે ડ્રિલ પણ અર્થ તેનો પકરતા તલવારની ધાર પર ચાલવા જેવી હોય છે વાતે યાદ
  કઠોપનિષદમાં યમે નચિકેતાને કહેલી ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા, દુર્ગમ પથસ્તત્ કવયો વદન્તિ પંક્તિઓ યાદ રાખવી જોઈએ. અર્થાત્ અધ્યાત્મનો માર્ગ છરાની ધાર જેવો દુર્ગમ છે. તેથી એની પર ચાલતાં પહેલા ઋષિયો પણ વિચાર કરે છે.
  H-Hour (redundant acronym of hour) was the name given to the airborne assault during the Normandy landings of World War II. ... This took place about three hours before the main beach landings on the Normandy coast. The airborne invasion consisted of over 20,000 men and around 1,200 planes and gliders.
  છેલ્લે H-Hour પર મારી આર્મર્ડ બ્રિગેડ કૂચ કરી શકી. તમારી બટાલિયનનું આપણી વિજય યાત્રામાં આ બીજું મોટામાં મોટું યોગદાન હતું. હું તમારી સેવાપરાયણતાને બિરદાવું છું.”
  ખુબ આનંદની વાત...તે બદલ ધન્યવાદ

  ReplyDelete