Saturday, July 3, 2021

આક્રમણની પૂર્વ તૈયારી

   તે વખતનું અમારૂં કંપની હેડક્વાર્ટર્સ મેજર સોહનલાલના કૅરેવાનમાં જ હતું. તેમની નજીક સૅમી બેઠો હતો. કંપની કમાંડર પાસેથી 'વિગતવાર' હુકમ લઇ હું નીકળ્યો. આ હુકમ પ્રમાણે મારે ૭૫ ટ્રક્સનો કૉન્વૉય લઇને બ્રિગેડ હેડક્વાર્ટર્સમાં જવાનું હતું. આગળનો હુકમ બ્રિગેડ તરફથી મળી જશે. "કંપની હવાલદાર મેજરે કૉન્વૉય તૈયાર રાખ્યો છે. કૅરી ઑન." (કૉન્વૉય એટલે નિશ્વિત સંખ્યાના લશ્કરી ટ્રક્સ અથવા ફ્રિગેટ્સ, ક્રુઝર જેવા લશ્કરી વહાણોને શિસ્તબદ્ધરીતે એક સ્થાનેથી બીજા સ્થાન પર લઇ જવામાં આવે તેને કૉન્વૉય કહેવામાં આવે છે. 

    મને અફસર થયે અઢાર મહિના થયા હતા, તેમાં આ પહેલાં મેં કોઇ કૉન્વૉય ડ્યુટી કરી નહોતી.  વળી આ સમય દરમિયાન ચાર મહિના અમારા Army Service Corps Center બરેલીમાં કરેલ Young Officers Courseની ટ્રેનિંગ, બે મહિના રજા, અને લગભગ એક વર્ષ ગ્વાલિયરની અમારા ડિપાર્ટમેન્ટની ઑફિસમાં ઍડમિનિસ્ટ્રેશનનું કામ કર્યું હતું. તેમાં મારા અત્યારની ડ્યુટીમાં કામ આવે તે મહત્વનો ભાગ મને બરેલીના અમારા સેન્ટરમાં જે ટ્રેનિંગ મળી હતી તે હતો. તેમાં કૉન્વૉય કમાંડરે બજાવવાની ફરજ પ્રમાણે વાહનોના આટલા મોટા કાફલાનું નિયંત્રણ, તેના પર હવાઇ હુમલો થાય તો કઇ કારવાઇ કરવી અને યુદ્ધક્ષેત્રમાં તેમનું deployment, camouflage and concealment કરવા વિશેના સિદ્ધાંત તથા તેનું સંચાલન કરવાનો ક્ષેત્રીય અભ્યાસ કર્યો હતો. તેનું અધ્યયન ખુબ ઉપયોગી નિવડ્યું. હું નસીબદાર હતો કે મારા પ્લૅટુન હવાલદાર ઉમામહેશ્વરન્ તથા સાથી પ્લૅટૂન કમાંડર્સનો આ કામનો અનુભવ લાંબો  હતો. ટૂંકમાં, જેટલી મારી ઉમર હતી એટલા વર્ષ તેમણે દરેકે આ જ કામ કર્યા હતા! 

    બ્રિગેડ હેડક્વાર્ટર્સ તથા તેની ત્રણે બટાલિયનો સુરાનુસીથી લગભગ ૧૮ કિલોમિટર પર આવેલા કપુરથલા શહેરમાં હતાં. 

    "કૅરી ઑન" નો હુકમ લઇ હું મારા કૅરેવાનમાં ગયો. મારી જીપ હંમેશા ત્યાં જ રહેતી. તે સમયે મારો સહાયક કોલ્હાપુર નજીકના ગામ હાથકણંગલેનો રહેવાસી ગામા કુર્ણે નામનો યુવાન હતો. અમે બ્રિફિંગ માટે ગયા ત્યારે અમારા SOP મુજબ આખી કંપની શસ્ત્રસજ્જ અને અમારા રાશન, પાણી, સ્પૅર પેટ્રોલના જેરીકૅન વિ. ભરીને તૈયાર થઇ ગઇ હતી. મારો જીપ ડ્રાઇવર હતો બિહારના હાજીપુર જીલ્લાનો શિવ પ્રસાદ ગુપ્તામારા અંગત સામાનની હંમેશા તૈયાર રહેતી બૅગને જીપમાં મૂકી તે તૈયાર ખડો હતો. પચાસથી વધુ વર્ષના વાયરા વાયાપણ મને તેનું નામ હજી યાદ છે! ભલા, આ મારા પરિવારના સદસ્યો હતા. તેમનાં નામ તે કદી ભુલાતા હશે? 

    કંપની હવાલદાર મેજરે ૭૫ ટ્રક્સનો કૉન્વૉય લાઇનબંધ કરીને તૈયાર રાખ્યો હતો. રાતના ત્રણ વાગ્યા હતા. અંધારામાં અમે કપુરથલા જવા નીકળી પડ્યા.

    પોણા કલાકમાં અમે કપુરથલા પહોંચી ગયા. કેટલાક મહિના પહેલાં અમારી ત્રણે પ્લૅટુનોએ બ્રિગેડની બટાલિયનો સાથે યુદ્ધાભ્યાસ કર્યો હતો. જે જે  બટાલિયન સાથે આ પ્લૅટૂનો સંકળાઇ હતી, તે સીધી તેમના હેડક્વાર્ટરમાં પહોંચી ગઇ. હું બ્રિગેડ હેડક્વાર્ટરમાં પહોંચ્યો. બ્રિગેડ મેજર અમારી બટાલિયનની આલ્ફા કંપની કમાંડરની રાહ જોઇ રહ્યા હતા. તેમની સામે જઇ મેં સૅલ્યૂટ ઠોકી, મારા નામ તથા કામની રજુઆત કરી. તેઓ જાણતા હતા કે ટ્રૂપ કૅરિયર કંપની કમાંડર મેજર સોહનલાલ હતા. તેમની જગ્યાએ કંપનીનો જ્યુનિયર-મોસ્ટ અફસરસેકન્ડ લેફ્ટનન્ટ નરેન્દ્રને જોઇ બ્રિગેડ મેજર ચકિત થઇ ગયાતેમણે પૂછ્યું, ‘મેજર સોહનલાલ ક્યાં છે?"

    "સર, તેમની ટ્રાન્સ્ફર..."

    બ્રિગેડ મેજરે કહ્યું, "કશો વાંધો નહીં. મને આશા છે કે તને જે જવાબદારી સોંપવામાં આવી છે તે તું હોંશિયારીપૂર્વક પાર પાડી શકીશ," કહી તેમણે મને ક્યાં જવાનું છે તેની પૂરી વિગતો આપી. જેમાં અમારો રૂટ તથા ઍસેમ્બ્લી એરિયાનો મૅપ રેફરન્સ હતા. મારી પાસે ૧૨૦ને બદલે ૭૫ ટ્રક્સ હતા તેથી બે ખેપમાં મારૂં કામ પૂરૂં કરવાનો આદેશ આપ્યો. અંતે, "ગુ લકયંગ મૅન. કૅરી ઑન.”

    અત્યાર સુધીના વર્ણનમાં મિલિટરીની પરિભાષાના કેટલાક શબ્દો વાપર્યા છે, તેનું વિવરણ નહોતું કર્યું, તેની સમજુતી આપીશ.

    કૅન્ટોનમેન્ટ : સૈન્યની ટુકડીઓનો દર ત્રણ વર્ષે 'Turn Over' કરવામાં આવે છે. જે બટાલિયન કે એકમ યુદ્ધ ક્ષેત્રમાં કે બૉર્ડર પર (જેને ફિલ્ડ સ્ટેશન કહેવાય છે) ત્રણ વર્ષ ફરજ બજાવે તેને શાંતિના સ્થળે (Peace Station)માં ગામ કે શહેરની નજીક પાકી બૅરેકવાળા સ્થાનમાં મોકલવામાં આવે છે. અહીં અફસરો અને પરિણિત જવાનો માટે ફૅમિલી ક્વાર્ટર્સ બાંધવામાં આવે છે. આવા સ્થાનોને કૅન્ટોનમેન્ટ કહેવાય છે.

    કૉન્સેન્ટ્રેશન એરિયા: યુદ્ધ શરૂ થતાં પહેલાં જે સ્થાને સૈન્યના એકમોને એકઠા થવાનું હોય તેને Concentration અથવા Conc Area કહેવાય છે. નિશ્ચિત અભિયાનમાં ભાગ લેનારા સૈન્ય અહીં એકઠું થાય છે. સામાન્ય રીતે આ દુશ્મન દેશના તોપના મારાની અસર બહાર હોય છે. ૧૯૬૫ના અભિયાનમાં અમારી આર્મર્ડ ડિવિઝન જાલંધરની નજીક સુરાનૂસીમાં Conc Area બનાવીને એકઠી થઇ હતી. ત્યાંથી વાઘા બૉર્ડર કેટલે દૂર છે તે સૌ જાણે છે.

    ઍસેમ્બ્લી એરિયા:   Conc Areaમાંથી જે સ્થળેથી હુમલો શરૂ કરવાનો હોય તે વિસ્તાર ઍસેમ્બ્લી એરિયા. અહીં ભેગા થયેલા યુનિટ્સ (ઇન્ફન્ટ્રી, ટૅંક્સ, તોપખાનું) વિ.ને સોંપવામાં આવેલ જવાબદારી મુજબ જે ક્રમમાં કૂચ કરવાની હોય છે તે પ્રમાણે તેઓ આ વિસ્તારમાં આવી તૈયાર થાય છે. આ વિસ્તાર પણ સામાન્ય રીતે દુશ્મનના સીધા હુમલાની અસર બહારના હોય છે.

    આગળ જતાં યોગ્ય સ્થળે આવા શબ્દોની પરિભાષા સ્પષ્ટ કરતો રહીશ. 

*** 

    બ્રિગેડ મેજરની ઑફિસમાંથી હું બહાર નીકળ્યો. બ્રિગેડના પટાંગણમાં જાટ રેજિમેન્ટની પાંચમી બટાલિયન તથા ગઢવાલ રાઇફલ્સની આઠમી બટાલિયનને ટ્રક્સમાં બેસાડી મારી કંપની માર્ચ કરવા તૈયાર હતી. ગુરખાઓને બીજી ખેપમાં લઇ જવાના હતા.

    માર્ચ કરવાના ક્રમમાં મારી જીપ સૌથી આગળ હતી. આધિકારિક રીતે હું કેવળ પ્લૅટુન કમાંડર હતો, પણ ચાર્જ હતો કંપની કમાંડર - મેજરનો! 

    ૪૩મી લૉરીડ બ્રિગેડનો કૉન્વૉય માર્ચ કરવા તૈયાર હતો. કેવળ મારા હુકમની રાહ જોવાતી હતી. જેવો હું જીપમાં બેઠો, શિવ પ્રસાદ ગુપ્તા જીપને હંકારી કૉન્વૉયના મોખરે લઇ ગયો.  જીપની પાછળ મારા ૭૫ અને તેની સાથે બન્ને બટાલિયનોની રાશનની તથા રિઝર્વ શસ્ત્ર સરંજામની કુલ મળીને લગભગ સો'એક ગાડીઓ એક લાઇનમાં હતી.

    જીપની બહાર જઇ મારા લૅન્યાર્ડ (જમણા કે ડાબા ખભા પર ભેરવાતી રંગીન દોરી, જેનો છેડો શર્ટના ખિસામાં હોય છે તે)ના છેડા પર ફિટ કરેલી મેટ્રોપોલિટન વ્હિસલ  કાઢીને વગાડી અને ગાડીઓ સ્ટાર્ટ કરવાનો ઇશારો કર્યો. ડ્રાઇવરોએ ઇગ્નિશનમાં ચાવી ફેરવી. ગાડી સ્ટાર્ટ થતાં દરેક ડ્રાઇવરે આંખ બંધ કરી ઇષ્ટદેવને યાદ કરી નમસ્કાર કર્યા; કેટલાકે ક્રૉસની નિશાની કરી; કેટલાકે બન્ને હાથ ઉપર કરી પરમાત્માની દુઆ માગી. અમારો કૉન્વૉય હવે યુદ્ધક્ષેત્ર તરફ પ્રયાણ કરવાની તૈયારીમાં હતો. તન મનમાં એક એવો રોમાાંચ ઉત્પન્ન થયો હતો જેનું વર્ણન કરવું અશક્ય છે. 

    અમને અપાયેલ રૂટ-ચાર્ટ મુજબ કપુરથલાથી અમારો પંથ પંજાબના બટાલા, ગુરુદાસપુર, પઠાણકોટ થઇ રાવિ નદી પરનો માધોપુર બ્રિજ પાર કરી કાશ્મિરના કઠુઆ, સાંબા, બાજપુર થઇ સીમાવર્તી ગામ રામગઢ જવાનું હઅમારો RV (Rendezvous)  હતો કાશ્મિરના સાંબા જીલ્લાના પાકિસ્તાનની સીમ પર આવેલ ગામ રામગઢ જવાનો હતો. (નીચે અમારા માર્ગનો નકશો આપ્યો છે. આ નકશો આવતા કેટલાક પ્રસંગોને પણ આવરી લેશે, તેથી તેનો સંદર્ભ જાળવવા વિનંતી.)



  કપુરથલા શહેરથી કેટલાક કિલોમિટર પર નૅશનલ હાઇવે હતો ત્યાં અમે પહોંચ્યા અને અમારી કૂચ શરૂ થઇ ગઇ. કપુરથલાથી રૈયા, બટાલા, ગુરદાસપુર, પઠાણકોટ.....
જીવનની અવિસ્મરણીય ઘટનાઓમાંની એક અતિવિશિષ્ટ.



2 comments:

  1. આક્રમણની પૂર્વ તૈયારીની અને તે માટૅની મુસાફરીના સ્થલ અને રસ્તાનુ વર્ણન નકશાને લીધે સમજવાનુ સરળ રહ્યું આમેય આવા નકશા અંગે અવારનવાર વિવાદ ચાલ્યા કરે છે જેવા કે હાલ--'ભારત સરકારે કહ્યું, "અમે ઇમરાન ખાન દ્વારા જાહેર કરાયેલો પાકિસ્તાનનો કહેવાતો 'રાજકીય નકશો' જોયો. રાજકીય બેવકૂફીની આ કવાયત છે, જેમાં ભારતના ગુજરાત રાજ્ય તથા જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશો અને લદ્દાખના પ્રદેશો પર દાવા કરવામાં આવ્યા છે.'
    રાહ--જીવનની અવિસ્મરણીય ઘટનાઓમાંની એક અતિવિશિષ્ટ.

    ReplyDelete
  2. કથા રોચક તો છે જ, સાથે સાથે હવે રોમાંચક બનાવા જઈ રહી છે.

    ReplyDelete