Thursday, July 1, 2021

યુદ્ધનાં એંધાણ - "ઑપરેશન નેપાલ"

    બૉર્ડર પર તંગદીલી વધતી જતી હતી. તે સમયે આપણા વડા પ્રધાન હતા સ્વ. લાલ બહાદુર શાસ્ત્રી.  સાધારણ પોશાકમાં રહેતા, આડંબરહિન, સૌમ્ય, શાંતમૂર્તિ સમા જનતાના લાડિલા લોકનેતા.


સ્વ. લાલ બહાદુર શાસ્ત્રી


    બીજી તરફ હતા પાકિસ્તાનના સરમુખત્યાર ફિલ્ડ માર્શલ અયુબ ખાન. તેમણે એક મહત્વાકાંક્ષી યોજના ઘડી. તેમને કોઇ પણ હિસાબે કાશ્મિર પર કબજો કરવો હતો.

    પંડિત નહેરૂએ ૧૯૪૮માં જ્યારે એક તરફી યુદ્ધ શાંતિ ઘોષિત કરી કાશ્મિરનો મુદ્દો યુનાઇટેડ નેશન્સ (UN)માં મૂક્યો, ત્યારથી UN એ તેમના 'શાંતિ દૂત'ની સંઘટના બનાવી હતી. આ શાંતિ દૂતોનું મુખ્ય મથક પાકિસ્તાનમાં હતું. તેમણે ભારત - પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારોના નકશા પર રેખાઓ દોરી તેને નામ આપ્યું હતું Cease-fire Line (CFL). બન્ને દેશોને તેમણે આદેશ આપ્યો હતો કે આ રેખા પાર કરવી નહીં. આ ઉપરાંત  CFL પર શાંતિ જળવાય છે અને આ 'યુદ્ધ શાંતિ'નો અમલ થાય  તે જોવાનો તેમને અધિકાર આપવામાં આવ્યો હતો. જો આ શાંતિનો ભંગ થાય તો તેની તપાસ કરી UNને રિપોર્ટ આપવાનો કે દોષી કોણ છે.  

    પાકિસ્તાન તે સમયે અમેરિકાની SEATO (સાઉથ-ઇસ્ટ એશિયા ટ્રીટી ઑર્ગેનાઇઝેશન)નું સભ્ય બની ચૂક્યું હતું. તેમણે અમેરિકાને પેશાવર સમેત સઘળા મહત્વના મિલિટરી હવાઇ અડ્ડા સોંપ્યા હતા તેથી પાકિસ્તાન અમેરિકાનું પ્રિયપાત્ર બની ગયું હતું. અમેરિકાને ખુશ કરવા  UNના 'શાંતિ દૂત' હંમેશા પાકિસ્તાનનો પક્ષ લેતા. આ કારણે CFL પર મોરચા બાંધી બેસેલા પાકિસ્તાનના સૈનિકો ભારતીય સેનાની ચોકીઓ ગમે ત્યારે ગોળીબાર કે મોર્ટાર બૉમ્બનું ફાયરિંગ કરતા, CFL પરથી તેમની સેનાની નિશ્રામાં ઘૂસપેઠિયા'તોફાની તત્વો ભારતમાં પ્રવેશ કરી શકે તે માટે ગસ્તમાં નીકળેલા આપણા સૈનિકો પર તેઓ ગોળીઓ વરસાવતા. આવા ગોળીબારના પ્રત્યુત્તરમાં આપણે ફાયરિંગ કરીએ તો 'સામે વાળા' UNના શાંતિદૂત પાસે ફરિયાદ કરતા કે ભારતીય સેનાએ તેમના પર unprovoked firing કર્યું છે.  તપાસના અંતે દોષ ભારતનો જ જાહેર થતો. 

    ૧૯૫૨માં પાકિસ્તાનના  SEATO સાથેના જોડાણ બાદ અમેરિકાએ પાકિસ્તાનની સેનાને ભારે સંખ્યામાં અત્યાધુનિક ઑટોમેટિક રાઇફલ્સ અને બ્રાઉનિંગ મશિનગન્સ, પૅટન ટૅંક્સ અને F-86 સેબર જેટ અને તેથી પણ વધુ મારક શક્તિ ધરાવતા Starfighter જેટ વિમાનો આપ્યા હતા. આમ તેમની વધી ગયેલી ઘાતક શક્તિને ધ્યાનમાં લઇ પાકિસ્તાનના સરમુખત્યાર પ્રેસિડેન્ટ અયુબ ખાને મહત્વાકાંક્ષી આક્રમણની યોજના ઘડી. તેને નામ આપ્યું "Operation Grand Slam". તેમના વિદેશ પ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ પણ ભારપૂર્વક તેનું સમર્થન કર્યું. ભુટ્ટોની સલાહ હતી કે ભારતના રાજકર્તાઓમાં એટલી નિર્ધાર શક્તિ નથી કે તે પાકિસ્તાનની આધુનિક અને શક્તિશાળી સેના સામે લડવાની હિંમત કરી શકે. વળી ૧૯૬૨માં ચીન સામે કારમી હાર ખાધા પછી ભારતીય સેનામાં લડવાનું સામર્થ્ય, હિંમત અને ઉત્સાહ રહ્યા નથી. ભુટ્ટોની સલાહ મુજબ પાકિસ્તાનનો એક સૈનિક ભારતીય સેનાના દસ સૈનિકો પર ભારે પડી શકે એટલો બહાદુર અને શક્તિશાળી છે તેથી  ફિલ્ડ માર્શલ અયુબ ખાનની યોજના જરૂર સફળ થશે.

ઑપરેશન ગ્રૅન્ડ સ્લૅમનો અમલ કરવા પાકિસ્તાનના સેનાપતિ જનરલ મુસાએ એક ઉપ-યોજના રચી. નામ આપ્યું "Operation Gibralter". 

    આપ સહુ જાણતા હશો કે દક્ષિણ સ્પેનમાં બ્રિટનની નાનકડી વસાહત છે : જિબ્રૉલ્ટર. આ  મેડિટેરેનિયન સમુદ્રમાં ધસી જતો એક વિશાળ ખડક સમો પહાડ છે. બ્રિટિશ કબજા હેઠળના આ પહાડની સ્થિતિ એવી છે કે  સમુદ્રમાર્ગે દક્ષિણ ફ્રાન્સ, ઇટલી, તે સમયના યુગોસ્લાવિયાના દેશો, ગ્રીસ, તુર્કસ્તાન વિ. દેશો તરફ આવતા-જતા જહાજ પર નિરિક્ષણ અને નિયંત્રણ કરી શકાતું. બીજા વિશ્વ યુદ્ધમાં તેમાં રહેલી તોપ અને સેનાને કારણે જર્મન યુદ્ધપોતને ત્યાંથી પસાર થવામાં અનેક મુશ્કેલીઓ નડતી હતી. વળી તેના પર  ભુમધ્ય સમુદ્રના કિનારા પરથી આરોહણ કરવું અશક્ય હોવાથી તેને જર્મનો જીતી શક્યા નહોતા. આવા 'અભેદ્ય' મનસુબા સાથે ઘડેલી યોજનાને ફિલ્ડ માર્શલ અયુબ ખાને નામ પણ 'ઑપરેશન જીબ્રૉલ્ટર' આપ્યું હતું.

    "ઑપ જીબ્રૉલ્ટર"ની યોજના હતી આપણા કાશ્મિરના શહેર અખનૂર પાસેથી વહેતી ચિનાબ નદી પરના મહત્વના પૂલ અખનૂર-બ્રિજ પર હુમલો કરી તેના પર કબજો કરવો. આમ કરવાથી સમગ્ર સુંદરબની, રજૌરી, પૂંચ અને ઝંગડ વિસ્તારોને જમ્મુ સાથે જોડતી ધોરી નસ જેવી સડક પર કબજો કરી આ વિભાગોને ભારતથી અલગ કરી શકાશે. સાથે સાથે ઉરી અને બારામુલ્લા પર હુમલો કરી સમગ્ર કાશ્મિરને ભારતથી અલગ કરી પાકિસ્તાનમાં આસાનીથી ભેળવી શકાશે. આમ તેમના રાષ્ટ્ર પિતા કાઇદે-આઝમ મહમદ અલી જીન્નાહના સ્વપ્નને સાકાર કરી શકાશે. વળી કાશ્મિરની સ્થાનિક પ્રજાને પાકિસ્તાનમાં જોડાવું છે એવી પણ ભ્રામક કલ્પના તેમને હતી. 

    આ યોજનાને પ્રેસિડેન્ટ અયુબ ખાને બે ભાગમાં વહેંચી : પ્રથમ ચરણ હતું પાકિસ્તાની સેનાના અફસરોની આગેવાની નીચે સામાન્ય નાગરિકોના પોશાકમાં તેમના સૈનિકોને 'મૂજાહિદ'ના નામે મોટા પાયા પર કાશ્મિરમાં ઘૂસાડવા. સ્થાનિક પ્રજાને ઉશ્કેરી સશસ્ત્ર હિંસા અને અરાજકતા ફેલાવવી. આ કામ શરૂ થતાં બીજા ચરણમાં પાકિસ્તાનની સશસ્ત્ર સેના છંબના 'ચિકન નેક' વિસ્તાર પર આક્રમણ કરે, અને ત્યાંથી સીધી કૂચ કરી અખનૂર પૂલ પર કબજો કરવા ધસી જાય. કાશ્મિરમાં પહેલેથી ઘૂસેલા 'મુજાહિદ' ભારતીય સેનાની પીઠ પર આઘાત કરે તો સામેથી વીજળીક ગતિથી ધસી આવતી પાકિસ્તાની સેનાના આક્રમણ સામે ભારતીય સેના ટકી નહીં શકે તેવી તેમને શ્રદ્ધા હતી. તેમને આ યોજનાની સફળતા પર પૂરો વિશ્વાસ હતો. આવી રીતે મેળવેલા 'વિજય'ના વેગમાં જમ્મુ પર કબજો કરવો જેથી સમગ્ર કાશ્મિર તેમના હાથમાં પાકેલા ફળની જેમ આવી જાય. આવી મહત્વાકાંક્ષા સાથે ફિલ્ડ માર્શલ અયુબ ખાને 'Op Grand Slam'ની યોજના ઘડી હતી.

    અત્યાર સુધી UNના 'શાંતિદૂતો'ના ડગલે પગલે થતા હસ્તક્ષેપને કારણે ભારતીય સેના પાકિસ્તાનના દરરોજ થતા આડેધડ ગોળીબાર અને આતંકી હુમલા સામે વળતી કાર્યવાહી કરતી નહોતી. તેને ભારતીય સેનાની નબળાઇ માની, તેમનું સાહસ  સફળ થશે એવી જનરલ અયૂબ ખાનને ખાતરી હતી.

    હજારોની સંખ્યામાં આવેલા હથિયારબંધ કહેવાત 'મુજાહિદ' પાકિસ્તાની ઘુસણખોરોના હુમલા અને તેમણે કરેલી આપણા જવાનોની હત્યાને કારણે પરિસ્થિતિ વણસી ગઇ હતી. હવે ભારતની સહનશક્તિનો અંત આવ્યો હતો. તેથી ૧૯૬૫ના ઑગસ્ટમાં આપણા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ રાષ્ટ્ર પ્રતિ સંદેશ આપ્યો. 

આજે ૫૬ વર્ષનો સમય થઇ ગયો હોવા છતાં રેડિયો પર સાંભળેલા શાસ્ત્રીજીના શબ્દો હજી મારા કાનમાં ગુંજે છે:


 પાકિસ્તાને તેમના "નાગરિકો"એ ભારતમાં મોકલી, ભારતની સેના પર પરોક્ષ હુમલો હર્યો હતો. હવે આ હુમલાઓ એટલી હદ સુધી વધી ગયા છે કે હવે તે ભારત સામેના યુદ્ધ સમાન છે. ભારત વિરૂદ્ધ આ અઘોષિત યુદ્ધ છે. પાકિસ્તાનના રાજકર્તાઓએ જાણવું જોઇએ કે ભારત યુદ્ધનો જવાબ યુદ્ધથી આપી શકે છે."

    શાસ્ત્રીજીએ અંગ્રેજીમાં આપેલા સંદેશના શબ્દો હતા, "Let it be known that we can and we will carry their war in their country at the time and place of our own choosing.”    

    ભારત સ્વતંત્ર થયા બાદ તે દિવસે પ્રથમ વાર મને મારા વડા પ્રધાન પ્રત્યે અભિમાન અને ગૌરવની ભાવના થઇ. નહેરૂએ પોતાની અંગત પ્રતિષ્ઠા અને વિશ્વના શાંતિવાદી નેતા બનવા તેમણે ૧૯૪૮થી પાકિસ્તાનની અનેક થપ્પડો ખાધા બાદ ૧૯૬૨માં પોતાની વૈચારીક નિષ્ઠાના ભાઇ ચીનનો તમાચો ખાઇ દેશને શરમની ખાઇમાં ધકેલ્યો હતો. આવા અપમાનની આગમાં ભારતીય સેના હજી પણ તમતમતી હતી. દુશ્મનોની શરમવિહીન આડોડાઇને કારણે ભારતીય સેનાનો ક્ષોભ અને ક્રોધ ચરમ સીમા પર હતો. અમે ભારતની પ્રતિષ્ઠાને પાછી લાવવા તત્પર થઇ રહ્યા હતા. વડા પ્રધાનના વક્તવ્યથી અમારાં શિર ફરી એક વાર ઉન્નત થયા. 

    આમ ઑગસ્ટ વિતી ગયો. 

    ૧૯૬૫ના સપ્ટેમ્બરની બીજી તારીખ હતી. રાત્રે મેસમાં ભોજન કરીને સૅમીની સાથે હું મારા કૅરેવાન તરફ જતાં પહેલાં તેના ટ્રક પાસે રોકાયો. સાંજ ઘણી ખુશનુમા હતી તેથી હું તેની સાથે બેસી વાત કરતો હતો ત્યાં એક અણધારી વાત થઇ. અમારા કૅમ્પની આસપાસ એક-બે કિલોમીટરના અંતર પર ત્રણ ગામ હતા. અચાનક આ ત્રણે ગામનાં લગભગ ૪૦-૫૦ કૂતરાં અમારા કૅમ્પના રમતગમતના મેદાનમાં કોણ જાણે કોઇ કુદરતી સંકેત થયો હોય તેમ ચારે બાજુથી આવ્યા, લગભગ એક કુંડાળું કર્યું અને સામુહિક રીતે રૂદન કરવા લાગ્યા. 

    મારી આંખ સામે મારૂં બચપણ ઉભું થયું. ૧૯૪૪નું વર્ષ હતું. હું તે વખતે નવ વર્ષનો હતો. પિતાજી હિંમતનગરના મહારાજાના ‘મહેકમા-એ- ખાસ’માં અફસર હતા. સાંજનો સમય હતો. તેઓ હજી ઘેર નહોતા આવ્યા. અચાનક એક કુતરૂં અમારા ઘરની સામે આવીને પોક મૂકીને રડવા લાગ્યું. હું ગભરાઇ ગયો. બાને તે વખતે પણ ઓછું સંભળાતું હતું, તેથી તેમની નજીક જઇ મેં બહાર શું થઇ રહ્યું હતું તે કહ્યું. બાએ તરત ભગવાન આગળ દીવો પેટવ્યો, પ્રાર્થના કરી અને મને કહ્યું, "કૂતરાને હાંકી કાઢ. અને અરિષ્ટ ટળે એવી પ્રાર્થના કર/" મેં તે પ્રમાણે કર્યું, પણ થોડી વારે તે પાછું આવ્યું. ફરી પાછું એ જ...આઠ દિવસમાંજ પિતાજીનું અવસાન થયું હતું. સૌરાષ્ટ્રમાં માન્યતા છે કે કૂતરાં યમરાજના સંદેશવાહક હોય છે અને જે ઘરમાં યમનું આગમન થવાનું હોય તેની સૂચના તેઓ કૂતરાના રૂદન દ્વારા કરતા હોય છે.

    આજે આટલા બધા કૂતરાંઓનું રુદન સાંભળી મેં સૅમીને કહ્યું, “ એંધાણ સારા નથી. લડાઇ શરુ થવાની છે. આ વખતે એવું ભિષણ યુદ્ધ થવાનું છે... ” 

    મારી વાત પૂરી થઇ નહોતી ત્યાં બટાલિયન હેડક્વાર્ટર્સમાંથી રનર (સંદેશવાહક) આવ્યો. આ વખતે તો તે ખરેખર દોડતો હતો.“સર, સીઓ સાહેબે અબ્બી હાલ બધા અફસરોને યાદ કર્યા છે.” 

    સૅમી અને હું દોડતા જ હેડક્વાર્ટરમાં પહોંચ્યા. અમારા સી.ઓ. કર્નલ રેજી ગૉને ટૂંકા પણ સાફ શબ્દોમાં 'વૉર્નિંગ ઑર્ડર' સંભળાવ્યો. “આપણી ડિવિઝન 'ઍસેમ્બ્લી એરિયા' તરફ કૂચ કરશે. NMB ૩ સપ્ટેમ્બર. કૅરી ઑન." 

    ૩ સપ્ટેમ્બર એટલે કાલે સવારે!

    1 comment:

 1. "ઑપ જીબ્રૉલ્ટર"ની યોજના' અંગે વિગતે જાણ્યું .
  તેમણે આપેલા સંદેશના શબ્દો હજુ પણ ગુંજતા રહે છે.
  વિશુદ્ધ ગાંધીવાદી શાસ્ત્રીજી ને તેમની સાદગી, દેશભક્તિ અને ઇમાનદારી માટે આખું ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે.તેઓ યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમ વાર મહિલાને વાહક બસ-કંડક્ટર તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો.
  યુધ્ધની વિગતો તો અહીં સ રસ રીતે વર્ણવામા આવી છે પણ તેમનુ મૃત્યુ વણઉકલ્યું રહસ્ય પચાસ ઉપરાંત વરસ બાદ...
  ભારતના બીજા વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી સોવિયેત યુનિયનમાં પાકિસ્તાન સાથે શાંતિ કરાર પર સહી કર્યા બાદ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. ‘તે રાત્રે મને અનિષ્ટના ભણકારા સમું સ્વપ્ન આવ્યું કે તેઓ મૃત્યુ પામી રહ્યા છે. તે જ સમયે દરવાજે ટકોરા પડ્યા ને તંદ્રામાં મેં દરવાજો ખોલ્યો. દરવાજે ઊભેલી એક સ્ત્રીએ કહ્યું કે તમારા પ્રાઈમ મિનિસ્ટર મૃત્યુ પામ્યા છે. તરત જ કપડાં બદલી હું દોડ્યો. ....’ કુલદીપ નાયરે ૧૧ જાન્યુઆરી, ૧૯૬૬ની રાતનું વર્ણન તેમના આત્મકથાનક પુસ્તક ‘બિયોન્ડ ધ લાઈન્સ’ માં લાલબહાદુર શાસ્ત્રી વિશેના પ્રકરણમાં લખ્યું છે.
  ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ તાશ્કંદ (ઉજબેકિસ્તાન) શાંતિ કરાર માટે ગયા હતા. તાશ્કંદમાં શાંતિ કરારમાં પોતાની શરતો ઉમેર્યા સિવાય સહી નહીં કરવાની વાત પર અડગ રહ્યા હતા. એ શરત હતી કે પાકિસ્તાન ભવિષ્યમાં હથિયારનો ઉપયોગ નહીં કરે. પણ કરાર પર સહી કર્યાના થોડા જ કલાકમાં તેમનું અચાનક નિધન થતા રાષ્ટ્રમાં શોક ફેલાયો હતો. તેમની પત્ની લલિતાદેવીને શંકા હતી કે તેમનું મૃત્યુ કુદરતી રીતે નથી થયું. શાસ્ત્રીજીનો દેહ ભારત પાછો આવ્યો ત્યારે લલિતાદેવીને બ્લ્યુ લાગ્યો હતો અને તે અંગે સવાલ પણ કર્યો.તેઓ માનતા હતા કે શાસ્ત્રીજીનું મર્ડર થયું છે.કેટલાક મુદ્દાઓ જે શાસ્ત્રીજીના મૃત્યુ અંગે રહસ્ય પેદા કરે છે.
  ૧. રેકોર્ડ ક્યાં છે ? - રાજ નારાયણે તપાસ શરુ કરી હતી, પરંતુ તેઓ કોઈ નિષ્કર્ષ પર નહોતા પહોંચી શક્યા. છતાં તે તપાસ અંગેના રિપોર્ટની ફાઈલ કેમ મળતી નથી. શું એ ફાઈલ દબાવી રાખવામાં આવી છે કે પછી તેને નષ્ટ કરી નાખવામાં આવી છે ?
  ૨. પોસ્ટમોર્ટમ થયું હતું ? -તેમનાં પત્ની લલિતાદેવીએ કહ્યું હતું કે તેમનું શરીર એકદમ ભૂરું હતું અને શરીર પર કેટલાક કટ માર્ક પણ જણાતા હતા. જો પોસ્ટમોર્ટમ થયું જ ન હોય તો ઔષધિઓ લગાવવાની કે શરીર પર ચીરાનાં નિશાન શું કામ હોય ? અને જો પોસ્ટમોર્ટમ થયું હોય તો તેનો રિપોર્ટ કયાં છે ?
  ૩. શું તેમને ઝેર આપવામાં આવ્યું હતું ? - તેમના અંગત તબીબ ડૉ. આર કે ચુગે કહ્યું હતું કે શાસ્ત્રીજીની તબિયત એકદમ સારી હતી. ભૂતકાળમાં તેમને હૃદયની કોઈ બીમારી નહોતી. એટલે હાર્ટ એટેક આવવાની શક્યતા નહીવત્ હતી. અને તે સમયે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહોતું તો શરીર પર પંકચરના ચિહ્નો ઝેર આપ્યાના પણ હોઈ શકવાની શક્યતા છે.
  ૪. હાજર સાક્ષીઓ શું કહે છે - તે રાત્રે બે વ્યક્તિ શાસ્ત્રીજી સાથે હાજર હતી. ૧૯૭૭ની સાલમાં સાક્ષી તરીકે પાર્લામેન્ટરી કમિટી સમક્ષ તેઓ હાજર થવાના હતા. એક હતા ડૉ. ચુગ, તેઓ કમિટી સમક્ષ હાજર થવા જઈ રહ્યા હતા કે ટ્રકે તેમને કચડી નાખ્યા. તત્ક્ષણ તેમનું નિધન થયું.
  બીજી વ્યક્તિ હતી તેમનો નોકર રામ નાથ. તેણે કમિટી સામે જતાં પહેલાં શાસ્ત્રીજીની પત્નીને કહ્યું હતું કે ‘બહુત દિનકા બોજ થા અમ્મા, આજ સબ બતા દેંગેં. ’ તેને પણ એક કારે ઉડાડી દીધો. તેનો પગ કાપી નાખવો પડ્યો અને તેની સ્મરણશક્તિ નષ્ટ થઈ ગઈ.
  ૫. સીઆઈએ એજન્ટનું શું કહેવું હતું ? - ગ્રેગરી ડગ્લાસ નામના પત્રકારે સીઆઈએના એજન્ટ રોબર્ટ ક્રોવલીનો ઈન્ટરવ્યુ લીધો હતો અને તેણે કહ્યું હતું કે લાલબહાદુર શાસ્ત્રી અને વૈજ્ઞાનિક હોમી ભાભાના મૃત્યુ પાછળ સીઆઈએનો હાથ હતો. શાસ્ત્રીજીએ ન્યુક્લિઅર ટેસ્ટ માટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું. તેનાથી ભારતમાં આવી રહેલા સુધારા તથા ભારત-રશિયાનું વર્ચસ્વ વધવાને કારણે અમેરિકા ભય પામ્યું હતું. તેમનો ઈન્ટરવ્યુ ‘ક્ધર્વશેસન વિથ ક્રો’ નામના પુસ્તકમાં પ્રસિદ્ધ થયો હતો.
  ૬. રશિયન બટલરનો હાથ હતો ? - રશિયન બટલર તેમની નજીક જઈ શક્યો હતો. તેની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ તેને સરળતાથી છોડી પણ મૂકાયો હતો. જો શાસ્ત્રીજીને ઝેર આપવામાં આવ્યું હોય તો તેની પાસેથી માહિતી મળી શકી હોત. શાસ્ત્રીજી કાર્ડિયાકઅરેસ્ટથી મૃત્યુ પામ્યા હતા એવું જ અધિકારીઓએ સાબિત કર્યુ...
  લાલ બહાદુર શાસ્ત્રી અંગેની ફિલ્મ ડાયરેક્ટ વિવેક રંજન અગ્નિહોત્રીએ રહસ્યમય મૃત્યુ અનાવરણ કરવામાં આવ્યું છે.વઘુ વિગત માટે તાશ્કંદ ફાઈલ ચલચિત્ર જોઈ લેવું.

  ReplyDelete