Friday, July 30, 2021

૧૯૬૮ - જીવનનો નવો પડાવ

ભારતીય સેના છોડવાની ક્ષણ વસમી હતી. કેટકેટલા પ્રસંગોની છબિઓ જિપ્સીના સ્મૃતિ પટલ પર એક વિડિયોના Fast Rewindની જેમ વહી ગઇ. કેટલીક મીઠી તો કેટલીક મોળી. જિપ્સી તેના અંગત જીવનની વાત કરવાનો પ્રયત્ન કરશે તો એક દળદાર પણ અતિ નિરસ એવા ગ્રંથનું નિર્માણ થશે. તેથી તેનો પ્રયત્ન તો ઠીક, વિચાર પણ નહીં થાય! જો કે એક વાત સાચી કે તેને જન્મ આપનાર તથા મૃત્યુના મુખ સુધી પહોંચવા છતાં અનેક વાર જીવનદાન દેનાર અચળ પથદર્શક ધ્રુવ તારા સમાન મહાન આત્મા ‘બાઇ’ - જિપ્સીનાં માતા - વિશે વચ્ચે વચ્ચે વાત કરશે. કેવળ ચોથી ચોપડી સુધી ભણેલાં પણ આત્મવિકાસ અત્યંત ઉચ્ચ કક્ષાનો એવાં બાઇ નમ્રતા અને કરૂણાનો અવતાર હતાં. તેમના જીવનકાળ દરમિયાન તેમની મહત્તા કોઇએ ન જાણી. જ્યારે તેમણે લખેલી ‘મારી જીવનકથા’  બોપલના સ્વાતિ પ્રકાશને “બાઇ”ના શિર્ષકથી પ્રસિદ્ધ કરી કે તરત જ તે ગુજરાતી સાહિત્યમાં અનન્ય સ્થાન પામી. 

સ્વ. ભોળાભાઇ પટેલ, સ્વ. વિનોદ ભટ્ટ જેવા મહાન વિવેચકોએ તેને બિરદાવી, અને મુંબઇના ‘જન્મભૂમિ-પ્રવાસી’ તેને તે વર્ષના ‘દરેક પરિવારે વસાવવા જેવા દસ પુસ્તકો’માં સ્થાન આપ્યું. અત્યારે તો આ પુસ્તક અપ્રાપ્ય - out of print - છે. હાલ પૂરતું તો એટલું જ કહીશ કે મનુષ્યની રક્ષા કરવા પરમાત્મા એક guardian angel નિયુક્ત કરે છે. બાઇના રૂપમાં તેની પ્રતિતિ જિપ્સીને અનેક વાર થઇ જે આગળ જતાં વર્ણવવાનો પ્રયત્ન કરીશ. (બાઇના હસ્તાક્ષર અને તેમની છબિનો અહીં અણસાર આવશે).

***

૧૯૬૭માં ભારતીય સેનામાં જે એમર્જન્સી કમિશન્ડ ઑફિસર્સ સેવારત હતા તેમાથી મોટા ભાગના અફસરોનું demobilisation કરવાનું સરકારે નક્કી કર્યું. જીપ્સી જેવા ઘણા અફસરો, જે અન્ય સરકારી ખાતાં કે LIC, State Bank of India, Air India જેવા રાષ્ટ્રિય-કૃત સંસ્થાનોમાં lien (જુની નોકરીની સુરક્ષિતતા) જાળવીને સેનામાં જોડાયા હતા, તેમને release કરવામાં આવ્યા. જો કે આ માટે પણ પહેલાં જેવો Services Selection Boardનો વિધિ રાખવામાં આવ્યો હતો. જે અફસરોને પોતપોતાના ખાતાં કે સંસ્થાનોમાં પાછા જવાનો હુકમ થયો તેમના માટે આ ખાતાંઓએ સમાન કક્ષા અને પગારની Class One અફસરોમાં નિયુક્તિ કરી. કેવળ જીવન વિમા કૉર્પોરેશને આ વિશે નિર્ણય નહોતો લીધો. જિપ્સીને તો એટલી હદ સુધી જણાવવામાં આવ્યું કે તેને તેના જુના પદ પર હાજર થવું પડશે અને મિલિટરીમાં મળતો પગાર નહીં મળે. ૧૯૬૭માં તેને કૅપ્ટનના પદ પર હાલના દર પ્રમાણે મહિને આશરે Rs.75000નો પગાર મળતો હતો તેના બદલે  કેવળ Rs. 9000નો પગાર સ્વીકારવો પડશે એવું કહેવામાં આવ્યું. કોઇ પણ સ્વમાની વ્યક્તિ આ માનહાનિ સ્વીકારી ન શકે. 

તે સમયે BSF, CRPF અને Indo Tibetan Border Policeમાં સેનામાંથી છૂટા થનારા અફસરોમાંથી તેમની કંપની કમાંડરની નીમણૂંક માટે અરજીઓ મંગાવી હતી. જિપ્સીએ Border Security Force (BSF)માં અરજી કરી અને ઇન્ટરવ્યૂની રાહ જોવા લાગ્યો.

તે સમયે (૧૯૬૭માં) જિપ્સીની બદલી જમ્મુ શહેરની નજીક થઇ હતી. તે સમયે અચાનક બાઇની તબિયત કથળી ગઇ. તેમની પ્રકૃતિ શરદીના કોઠાની હતી. જમ્મુની કાતિલ ટાઢ તેમનાથી સહન ન થઇ અને તેઓ અત્યંત માંદા પડી ગયાં. આ માંદગી ભયંકર સ્વરૂપ લેશે તેનો અમને કોઇને ખ્યાલ નહોતો. અમે તેમને જમ્મુની મિલિટરી હૉસ્પિટલમાં દાખલ કર્યાં. તે સમયે જમ્મુની મિલિટરી હૉસ્પિટલમાં સાવ પ્રાથમિક કક્ષાની સુવિધાઓ હતી. અફસરોના પરિવાર માટે કેવળ એક જ બેડ ઉપલબ્ધ હતી. ત્યાંના ડૉક્ટર મેજર પરેરાએ પૂરી તપાસ અને લૅબ ટેસ્ટ કરાવ્યા. અંતે જે જાણવા મળ્યું તે અત્યંત આઘાતપૂર્ણ હતું.

બાઇને લુકેમિયા થયો હતો. તેની સારવાર કાં તો જાલંધર અથવા દિલ્હી થાય. અમે તેમને અમદાવાદ લઇ જવાનું નક્કી કર્યું. મારી બે મહિનાની રજા due થઇ હતી તે લઇ અમે અમદાવાદ ગયા અને બાઇને વાડીલાલ સારાભાઇ હૉસ્પિટલમાં દાખલ કર્યા. તેમની હાલત બગડતી જતી હતી અને અમે સૌ ચિંતામગ્ન હતા. તેવામાં મને દિલ્હીથી ભારત સરકારના ગૃહ ખાતાના Joint Selection Board તરફથી ઇન્ટરવ્યૂ માટેનો પત્ર મળ્યો. બાઇની તબિયત હવે સાવ કથળી ગઇ હતી અને મેં આ ઇન્ટરવ્યૂમાંથી બાકાત રહેવાનો નિર્ણય કર્યો. જે થવાનું હશે તે થશે એવું વિચાર્યું. ઇન્ટરવ્યૂને એક દિવસ બાકી રહ્યો હતો ત્યારે મારાં મોટાં ભાભીએ બાઇને આ વાત કરી. “નરેનને ઉંચી પાયરીની નોકરીનો ઇન્ટરવ્યૂ આવ્યો છે, પણ તમને છોડીને તે જવાની ના પાડે છે.” બપોરના બાર - એકનો સમય હતો. હું તે સમયે વૉર્ડની બહારના બાંકડા પર બેઠો હતો. બાએ મને બોલાવ્યો અને કહ્યું, “ભાઇ, આવું ન કર. તું ઇન્ટરવ્યૂ માટે જા. તું પાછો આવે ત્યાં સુધી મને કંઇ નહીં થાય. મારા આશિર્વાદ છે. તને આ નોકરી મળી જશે.”

ઇન્ટરવ્યૂ બીજા દિવસે સવારે ૧૧ વાગે હતો. હું કોઇ પણ હિસાબે દિલ્હી પહોંચી શકવાની સ્થિતિમાં નહોતો. ટ્રેનથી તે સમયના ગાળામાં અમદાવાદથી દિલ્હી મેઇલ કે દિલ્હી એક્સપ્રેસથી નવી દિલ્હી પહોંચવા ૨૪ કલાક લાગી જતા. હું વિચારમાં પડી ગયો. તેવામાં અનુરાધાના બનેવી કર્નલ મધુસુદન ત્યાં આવી પહોંચ્યા.

“તું ચિંતા ના કર. મારી જાણ પ્રમાણે મુંબઇ -અમદાવાદ-જયપુર- દિલ્હીનું વિમાન અમદાવાદથી રાતના સાત વાગે નીકળે છે. નવી દિલ્હીમાં મારી નાની બહેન રહે છે. આ લે તેનું સરનામું. એક રાતની વાત છે. આજની રાત તેને ત્યાં રહેજે અને કાલે ઇન્ટરવ્યૂ પતે એટલે પાછો આવી જા.”

મારા માટે આ ચમત્કાર જ હતો. સદ્ભાગ્યે મને વિમાનની રિટર્ન ટિકિટ મળી ગઇ. રાતે નવ વાગે હું દિલ્હી પહોંચ્યો, બીજા દિવસે ઇન્ટરવ્યૂ થયો. મારો યુદ્ધના સમયનો રિપોર્ટ જોવામાં આવ્યો અને કાબેલ વકીલની ઉલટ તપાસણી જેવા પ્રશ્નો પૂછાયા. છેલ્લો પ્રશ્ન BSFના કાબેલ, બહુમુખી પ્રતિભા ધરાવનાર ડાયરેક્ટર જનરલ રૂસ્તમજીએ પૂછ્યો.

“તમારા પ્રિય લેખક કોણ છે?”

“મારા પ્રિય લેખક W. Somerset Maugham છે, સર.”

“તેમનું ક્યું પુસ્તક તમે વાંચ્યું છે?”

“આમ તો મેં તેમણે લખેલા સઘળા પુસ્તકો વાંચ્યા છે.”

“એમ કે? તો તેમની દીર્ઘ નવલિકા The Rainની નાયિકાનું નામ મને કહો.”

મેં જવાબ આપ્યો. “સર, તેમનું નામ મિસ સેડી થોમ્પસન છે.”

ઇન્ટરવ્યૂને અંતે મને BSFમાં કંપની કમાંડરની નીમણૂંકની ઑફર કરવામાં આવી, જે મેં સ્વીકારી.”

તે દિવસની સાંજની ફ્લાઇટથી હું પાછો ઘેર આવવા નીકળ્યો. રાતના આઠ વાગે હું અમદાવાદ પહોંચ્યો અને હું સીધો VS Hospitalમાં ગયો. બાઇ મારી રાહ જોઇને બેઠાં હતાં. મેં તેમને સારા સમાચાર આપ્યા. તેમના ચહેરા પરનું સ્મિત મને હજી યાદ છે.

ત્રીજા દિવસની પરોઢે બાઇ અમને સૌને મૂકી અનંતના પ્રવાસે નીકળી ગયાં. 

***

થોડા દિવસ બાદ જિપ્સીને બનાસકાંઠાના દાંતિવાડામાં આવેલી 2 BSF Battalionમાં હાજર થવાનો હુકમ મળ્યો. જુલાઇ ૧૫, ૧૯૬૮ના રોજ અનુરાધા, અમારી નવજાત પુત્રી કાશ્મિરા અને હું દાંતિવાડા પહોંચ્યા.

જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો

3 comments:

 1. Narendrabhai,this was a great description of a very important part of your life. It was my previlege to read "BAI". I don't know how to use Gujarati fonts when writing to you. I am sorry.

  ReplyDelete
 2. માતાજીને ફરીથી અહીં પ્રણામ

  ReplyDelete

 3. 'અનેક વાર જીવનદાન દેનાર અચળ પથદર્શક ધ્રુવ તારા સમાન મહાન આત્મા ‘બાઇ’ને અમારા સાદર પ્રણામ
  “ભાઇ, આવું ન કર. તું ઇન્ટરવ્યૂ માટે જા. તું પાછો આવે ત્યાં સુધી મને કંઇ નહીં થાય. મારા આશિર્વાદ છે. તને આ નોકરી મળી જશે.”કટોકટીમા આવું તો મહાન મા જ કહી શકે
  Oh RAIN !
  A few days later Davidson's body is found on the beach; he has cut his throat with a razor. Macphail does not understand what happened until, returning to his lodgings, he finds Sadie Thompson has changed suddenly back to "the flaunting quean they had known at first".[6] She breaks into "a loud, jeering laugh" at Mrs Davidson and the Macphails, and says to Macphail, "You men! You filthy, dirty pigs! You're all the same, all of you.

  જીવનમાં એક નવો અધ્યાય ની વાત ની રાહ્

  ReplyDelete