Wednesday, May 20, 2009

૧૯૭૧ - જવાબની તૈયારી..૫ ડીસેમ્બરની સવારે મારા કમાન્ડીંગ અૉફીસર શ્રી. સિંઘે મને હુકમ અાપ્યો કે દુશમનના હાથમાં ગયેલી મારી કંપનીના જવાનોને મળી તેમને હિંમત આપી તેમની કામગીરી માટે તેમના વતી શાબાશી આપી પાછા હેડક્વાર્ટર આવવું. મને મારા કંપની હેડક્વાર્ટર સુધી જીપ મૂકવા આવી. જવાનો હજી ત્યાં પહોંચ્યા નહોતા તેથી હું તેમની શોધમાં ધુસ્સી બંધ પર ગયો. (નદીમાં પૂર આવતાં ધુસ્સી બંધ કેવો દેખાય છે તેનું ચિત્ર જમણી બાજુએ છે.)અહીં મારા બે પ્લૅટુન કમાંડર અને ૪૦ જવાનો સુરક્ષા પંક્તિમાં ખાઇઓમાં હથિયાર તાણીને બેઠા હતા. ચાર નંબરની ચોકીવાળી ત્રીજી પ્લૅટૂન, જે સબ ઇન્સ્પેક્ટર કરમચંદના કમાંડ નીચે હતી તે ક્યાં છે, તેમનું શું થયં છે, તેઓ જીવતા છે કે યુદ્ધબંદી (પ્રિઝનર્સ અૉફ વૉર) થયા છે, તેની કોઇને જાણ નહોતી. વાયરલેસ અૉપરેટરને તેમનો સંપર્ક સાધવાનું કહ્યું તો તેણે જણાવ્યું રાતના છ નંબરની ચોકી પડ્યા બાદ તેમના પર હુમલો થયો ત્યારે તેમના અૉપરેશનલ કમાંડર મેજર ચોપડાએ તેમને ચોકી ખાલી કરવાનો હુકમ આપ્યો. આ હુકમ યોગ્ય હતો કારણ કરમચંદની ચોકીની ત્રણ બાજુએ પાકિસ્તાનની સરહદ હતી - જે ચોકીથી સરેરાશ ૧૫૦ મીટર પર હતી. ચોકીની પાછળ તેજ ગતિથી વહેતો રાવિ નદીનો ફાંટો અને રાવિ નદી આ વહેળાની પાછળ ૫૦૦ મીટર દૂર વહેતી હતી. આમ આ ચોકી સાવ indefensible હતી. બટાલિયન હેડક્વાર્ટરના વાયરલેસ અૉપરેટરના કહેવા પ્રમાણે કરમચંદ તેમના જવાનોને લઇ પાછળ નીકળ્યા હતા, પણ તેમના વાયરલેસની બૅટરી પૂરી ડિસ્ચાર્જ થઇ ગઇ તેથી તેમની સાથે સંપર્ક રહ્યો નહિ. તેઓ અને તેમના ૧૬ જવાન ક્યાં હતા તેની કોઇને ખબર નહોતી. યુદ્ધના સમયમાં સંચાર-સમાચાર કેટલા અગત્યના હોય છે તેનો ખ્યાલ અત્યારે આપવો અશક્ય છે.
સબઇન્સ્પેક્ટર દર્શનસિંહ, તેમના જવાનો તથા પાંચ નંબરની ચોકી ખાલી કરી આવેલા જવાનો સાથે હું વાત કરી રહ્યો હતો ત્યાં અમારા સેક્ટરના કમાંડર લેફટેનન્ટ કર્નલ ગુરચરનસિંઘ ત્યાં આવી પહોંચ્યા. તેઓ સેક્ટર કમાંડર થયા ત્યારથી અત્યાર સુધી તેમનાં અમને દર્શન પણ નહોતા થયા તે ધુંઆંપુંઆ થતા મારી પાસે આવી પહોંચ્યા. તેમના આધિપત્ય નીચેની ત્રણે ચોકીઓ પાકિસ્તાનના હાથમાં ગઇ તે તેમની કારકિર્દીને કલંકરૂપ હતું. તેમની જવાબદારીના સેકટરમાં આવેલી બધી ચોકીઓ ત્રણ બાજુએથી પાકિસ્તાનની સીમાથી ઘેરાયેલી હતી અને પાછળ રાવિ નદીનો મોટો અવરોધ હતો. પહેલાં કહ્યું તેમ આ બધી ચોકીઓ indefensible હતી. આમ જોવા જઇએ તો જગતમાં કોઇ પણ સેનાની સુરક્ષાપંક્તિ અભેદ્ય નથી હોતી. પ્રથમ વિશ્વયુદ્ધમાં Trench Warfareના જમાનામાં જર્મનો ધારતા હતા કે તેમની રક્ષાપંક્તિને કોઇ છેદી જ ન શકે. બ્રિટને ટૅંક બનાવી અને જર્મન સેનાને જબરી શિકસ્ત આપી. બીજા વિશ્વયુદ્ધમાં ફ્રેન્ચ સેનાને પોતે બનાવેલી સિમેન્ટ-કૉંક્રીટના અભેદ્ય બંકરની મેજીનો લાઇન (Maginot Line) પણ ‘અજેય સંરક્ષણ પંક્તિ’ લાગી હતી પણ જનરલ રોમેલની જર્મન પાન્ઝર ડિવીઝને મેજીનો લાઇનના જમણા ફ્લૅંકને ‘બાય-પાસ’ કરી, બેલ્જીયમમાં પ્રવેશ કર્યો અને ફ્રાન્સ પર સીધો હુમલો કરી ફ્રેન્ચ સેનાને સજ્જડ હાર આપી હતી. અમારી પાસે ‘મૅજીનો લાઇન’ નહોતી. અમારી ચોકીનો ઉદ્દેશ એક માત્ર હતો: દુશ્મનને વધુમાં વધુ નુકસાન પહોંચાડવું. આ માટે અમારી રક્ષાપંક્તિની ચારે બાજુ ભારે માત્રામાં માઇન્સ લગાડવી, અને દુશ્મન હુમલો કરવા માટે લાઇનબંધ થાય, તે જગ્યા પર ભારે બૉમ્બાર્ડમેન્ટ કરી તેમના હુમલાને નષ્ટપ્રાય કરવો. આ થોડા સમયની લડાઇ થઇ. લાંબા ગાળાના સંરક્ષણ માટે નદી પારની BOPનો ઊપયોગ કરવો મુશ્કેલ હોય છે. જો કે આક્રમણ અને આગેકૂચ માટે આવી ચોકીઓને ‘Bridgehead’ બનાવી દુશ્મનના અંતરાલ સુધી હુમલો કરી શકાય. પરંતુ ભારતે કદી પરાયી ભુમિ પર કબજો કરવાનો કે આક્રમણમાં પહેલ કરવાનો સંકલ્પ કર્યો નથી, તેથી આ વ્યૂહરચનાને કદી અમલમાં આણી નથી. બીજી તરફ આપણી ચોકીઓના સંરક્ષણનો વિચાર કરીએ તો અમારી ચોકીઓની સામેનો વિસ્તાર સપાટ મેદાનનો હતો, જે દુશ્મનની ટૅંક્સ માટે સાનુકૂળ હતો. તેથી તેમની સામે થોડા સમય માટે ટક્કર ઝીલવા આપણી પાસે અૅન્ટી ટૅંક રૉકેટ લૉન્ચર કે રીકૉઇલલેસ રાઇફલ્સ હોવા જોઇએ. અમારી પાસે તેમાંનું કાંઇ નહોતું.
કર્નલ ગુરચરનસિઘ બીએસએફને ધિક્કારતા હતા. તેમને એટલો જ ખ્યાલ હતો કે અમારી BOPમાં તેમની રેજીમેન્ટના સૈનિકોને મૂકવા નહિ પડે. આથી દુશ્મને કરેલા હુમલામાં બીએસએફના અફસર અને જવાનો મરે તો ભલે મરે. તેમને તેનું સ્નાન કે સૂતક નહોતું. લડાઇ શરૂ થઇ તે પહેલાં તેમણે ફક્ત એક કે બે વાર ‘ફૉરવર્ડ પોઝીશનની’ મુલાકાત લીધી હતી, અને બ્રિગેડ કમાંડરને ‘બીએસએફની વ્યૂહરચના અને હથિયાર સંતોષકારક છે’ એવો રીપોર્ટ આપ્યો હતો.
સવારના લગભગ ૧૦ વાગવા આવ્યા હતા. મને જોઇ કર્નલ ગુરચરનસિંઘે મને હુકમ આપ્યો,”જો, બીએસએફમૅન, તારા જવાનોને લઇ પાંચ નંબરની ચોકી પર હુમલો કર. તેને કબજે કરીને મને રીપોર્ટ આપ.”
હું તે સમયે બટાલિયન હેડક્વાર્ટરમાં મારા પોતાના કમાંડીંગ અૉફિસરનો અૅજ્યુટન્ટ હતો, તેથી તેમના અૉપરેશનલ કમાન્ડ નીચે નહોતો. મારા કમાન્ડર શ્રી. ભુલ્લર હતા અને તેમનો જ હુકમ મારે લેવો જોઇએ. મેં કર્નલને નમ્રતાપૂર્વક કહ્યું, “સર, હું આ જવાનોનો કંપની કમાંડર નથી. હું બટાલીયનનો સ્ટાફ અૉફીસર છું અને અહીં મારા સીઓ વતી અમારા જવાનોની ખબર કાઢવા આવ્યો છું. આપનો હુકમ સ્વીકારતાં પહેલાં મારે મારા સીઓ પાસેથી ક્લીયરન્સ મેળવવું જોઇશે.”
આ સાંભળી કર્નલ સાહેબનો પિત્તો ગયો! “મારી સાથે આર્ગ્યુમેન્ટ ના કરીશ. આ લડાઇનો સમય છે, અને હું તારો ‘સમરી કોર્ટમાર્શ્યલ’ કરી શકું છું. તારા બીએસએફના જવાનોને લઇ પાંચ નંબરની ચોકી પર અૅટેક કરીને તારે પાછી મેળવવાની છે, અને તે પ્રમાણે મને રીપોર્ટ જોઇએ. અહીંથી રાવિ નદી પાર કરીને ચોકી પર અૅટૅક કર.”
પરિસ્થિતિ એવી હતી કે હું મારા સીઓનો સંપર્ક સાધી શકતો નહોતો, કારણ મારી પાસે વાયરલેસ સેટ નહોતો. હું તો કેવળ પહેરેલે કપડે, સાથે મારી અૉટોમેટીક પિસ્તોલ લઇને જવાનોને મળવા ગયો હતો. યુદ્ધ બરાબર જામ્યું હતું. સામા કિનારે આવેલી અમારી એક ચોકી પર પાકિસ્તાને કબજો કર્યો હતો. આજુબાજુના સરકંડાના જંગલમાં દુશ્મન ક્યાં સુધી પહોંચ્યો હતો, ક્યાં 'પોઝીશન' લઇને બેઠો હતો તેની કશી માહિતી અમારી પાસે નહોતી. હું એક ક્ષણ વિચારમાં પડી ગયો કે આ હાલતમાં મારે શું કરવું. આમ તો હું કર્નલનો હુકમ માનવા બંધાયેલો નહોતો, કારણ કે અૉપરેશનલ અૉર્ડર્સમાં ક્યો કંપની કમાન્ડર અને કઇ કંપની તેમના આધિપત્ય નીચે હતી તે સ્પષ્ટ રીતે લેખિતમાં જણાવવામાં આવ્યું હતું.

web counter
Hit counter provided by www.website-hit-counters.com .

4 comments:

 1. મજાનો અહેવાલ. પ્રો. દિલાવરસિંહ જાડેજા (વલ્લભ વિદ્યાનગર) બહુ સાહિત્યપ્રેમી શ્રી અરવિંદના ઉપાસક અને મજાના માણસ હતાં. કાવ્ય કારણે અલ્પ પણ અંગત સંપર્કમાં આવવાનું બન્યું હતુ.

  ReplyDelete
 2. કર્નલ ગુરચરનસિઘ બીએસએફને ધિક્કારતા હતા. તેમને એટલો જ ખ્યાલ હતો કે અમારી BOPમાં તેમની રેજીમેન્ટના સૈનિકોને મૂકવા નહિ પડે. આથી દુશ્મને કરેલા હુમલામાં બીએસએફના અફસર અને જવાનો મરે તો ભલે મરે.
  So Politics was well alive and sound in Army also.

  ReplyDelete
 3. મને પણ હરનિશ ભાઈ જેવો જ વીચાર આવ્યો !

  ReplyDelete
 4. @ સુરેશભાઇ, હરનીશભાઇ,
  આ 'રાજકારણ'ની વાતનું નિરાકરણ આવતા બે અંકોમાં થશે. તેની પાછળ સેનાનો કોઇ દોષ નથી. Perpetrators પોતાના અંગત સ્વાર્થ કે છૂપા એજન્ડાને પોતાના વર્તનમાં વ્યક્ત કરતા હોય છે.

  ReplyDelete