Friday, May 1, 2009

૧૯૬૯ - જૉઇન્ટ અૉપરેશનલ કન્ટ્રોલ રૂમ - ૨

મારા સદ્ભાગ્યે કમીશ્નર અૉફિસની સામે આવેલા અૅપાર્ટમેન્ટ બ્લૉકમાં મારી ફોઇના દીકરા રમેશભાઇ રહેતા હતા. મેં મેજર ટેલર પાસે એક કલાકની રજા માગી અને રમેશભાઇને ઘેર ગયો. વિનીતાભાભીએ મને ગરમ ભોજન પીરસ્યું. ત્રણ દિવસે ગરમાગરમ દાળ-ભાત-શાક રોટલી મળ્યાં અને તેનો સ્વાદ દેવોને પણ દુર્લભ હોય તેવો લાગ્યો. અમારા ઘરની નજીક બીએસએફની જે કંપની ડ્યુટી પર હતી તેના કમાંડરને કહી મેં કપડાં, સાબુ-બ્રશ-ટૂથપેસ્ટ મંગાવી લીધા. ત્યાર પછીના ત્રણ દિવસ સુધી હું સતત ડ્યુટી પર રહ્યો. રાતના ટેલીફોનની ઘંટડી વાગે ત્યાં સુધી ટેબલ પર માથું ઢાળી થોડી ઘણી ઉંઘ મળે તેને સદ્ભાગ્ય સમજી લેતો. બપોર અને રાતનું ભોજન કરવા રમેશભાઇને ઘેર જતો.

આ ૬ દિવસમાં ૨૦૦૦થી વધુ નિર્દોષ લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા. અસંખ્ય લોકો ઘરબાર વગરના થઇ ગયા હતા. અમુક તોફાનગ્રસ્ત વિસ્તારોમાં મિલીટરી કે બીએસએફના સૈનિકો સાથે મોકા પર જઇ આવેલા સિનિયર પોલીસ અધિકારીઓ - ખાસ કરીને ડીઆઇજી શ્રી. મીરચંદાની JOCમાં આવતા અને હાલતનું વર્ણન કરતા ત્યારે મનમાં પ્રશ્ન ઉઠતો, શું અમદાવાદમાંથી માણસાઇ મરી પરવારી છે?

આવી હાલતમાં પણ માણસાઇના દિવા ક્યાંક ક્યાંક પ્રગટતા હતા.

અજબ સંજોગની વાત છે કે જ્યારે કોમી દાવાનળની આગમાં અમદાવાદ સળગી રહ્યું હતું, મારા મિત્ર અને પત્રકાર શ્રી. તુષારભાઇ ભટ્ટ તે સમયે શહેરમાં જ ફરજ પર હતા. મારી સાથે આ વિષયમાં વાત કરતાં તેમણે કહ્યું, “તોફાનોના અગ્નિની તીવ્રતા એટલી ઉગ્ર હતી કે તેના દાહમાં રાજ્ય સરકાર સ્તબ્ધ થઇ ગઇ હતી. શ્રી. મોરારજીભાઇ દેસાઇના અનુયાયીઓ રાજ્ય સરકાર ચલાવી રહ્યા હતા, પણ તેમાંના કોઇ - હિતેન્દ્રભાઇ દેસાઇ (રાજ્યના મુખ્ય મંત્રી) કે તેમના સાથીઓએ સમગ્ર જીવન રાજકારણમાં ગાળ્યું હોવા છતાં તેમની પાસે આ હિંસક કટોકટીનો સામનો કરવાનું સામર્થ્ય નહોતું.

“તોફાનોના દિવસો દરમિયાન એક પણ પ્રધાને ઘરની બહાર નીકળીને શહેરમાં શાંતિ સરઘસ કાઢવાની, પરિસ્થિતિનો કયાસ કાઢવાની કે હિંસાગ્રસ્ત ભાઇ-બહેનોના આંસુ લૂછવા માટે ઘરની બહાર નીકળવાની હિંમત દાખવી નહિ. અફવાઓએ આખા શહેરને બાનમાં રાખ્યું હતું. લોકો પાસે કર્ફ્યુમાં બહાર નીકળવાનો પાસ હોય કે ન હોય, કોઇની બહાર નીકળવાની હિંમત નહોતી ચાલતી.”

તુષારભાઇના પિતાજી સ્વ. ડૉ. શંકરભાઇ ભટ્ટ વ્યવસાયે ડૉક્ટર તથા પત્રકાર હતા. તે સમયે તેઓ મણીનગરના જવાહર ચોકના વિસ્તારમાં રહેતા હતા. ડૉ. ભટ્ટ અને તુષારભાઇનો પોતાની અૉફીસમાં જવાનો રસ્તો બન્ને કોમના વિસ્તારમાંથી નીકળતો હતો. ત્યાંથી તેઓ નીકળ્યા ત્યાં તેમને કહેવામાં આવ્યું કે તેમના ઘર પર હુમલો થવાનો હતો. ડૉ. ભટ્ટ તે સમયના ભારતીય જનસંઘના નેતાઓને મળ્યા અને તે જ રીતે બીજી કોમના આગેવાનોને ઘેર ગયા. તેમની સાથે વાતચિત કર્યા બાદ બન્ને કોમના લોકોએ તેમને ખાતરી આપી કે જ્યારે પણ તુષારભાઇ તથા તેમના પિતાજી ડૉ. શંકરભાઇને તેમના વિસ્તારમાંથી નીકળવું હોય તો પોલિસ સુરક્ષાની જરૂર નથી. તેમની કોમના સ્થાનિક યુવાનો તેમની સુરક્ષાની જવાબદારી લેશે.

તુષારભાઇ કહે છે, “અમદાવાદમાં પત્રકાર તરીકે બજાવેલી કામગિરીમાં મેં અનામત વિરોધી તોફાનો અને અન્ય ઉગ્ર ગણાય તેવા તોફાનો જોયા અને તેના અહેવાલ લખ્યા, પણ ૧૯૬૯ જેવું ભયાનક તાંડવ મેં કદી જોયું નથી. તે સમયે કેવળ પ્રજાજનો નહિ, સરકાર પણ ભયગ્રસ્ત થઇ ગઇ હતી. મારા મતે ૧૯૬૯ના કોમી તોફાને એક એવો ચીલો પાડ્યો જેના પગલે બાકીના કોમી રમખાણ એટલીજ ક્રુરતાપૂર્વક થયા...”

તુષારભાઇ સિવાય અન્ય વ્યક્તિઓ દ્વારા ૧૯૬૯ના હુલ્લડ વિશે જેટલા લેખો લખાયા છે તેમાં એક પણ લેખ એવી વ્યક્તિનો નથી જેને હુલ્લડની આંચનો અંગત અનુભવ હતો. અહીં મારે ટાઇમ્સ અૉફ ઇન્ડીયાના (અને ત્યાર બાદ ચેન્નઇના ‘ધ હિંદુ’ના) “સ્ટાર રીપોર્ટર” (!) વી. ગંગાધરના રીપોર્ટનો ઉલ્લેખ કરવો જોઇએ. આ મહાશય ૧૯૫૮માં કેરાલાથી અમદાવાદ આવ્યા હતા. કેટલોક સમય ટાઇપીસ્ટ તરીકે કૅલીકો મિલમાં કામ કર્યા બાદ વધુ અભ્યાસ કરી અંગ્રેજી સાથે MA થયા, થોડો સમય લેક્ચરરનું કામ કર્યું (તે સમયે અંગ્રેજી શિક્ષકોની એટલી અછત હતી કે ત્રીજા વર્ગમાં પાસ થયેલા MA પણ કૉલેજમાં લેક્ચરર બની શકતા). ત્યાર બાદ ટાઇમ્સ અૉફ ઇન્ડીયામાં રીપોર્ટર તરીકે જોડાયા. આવા high profile અખબારમાં તેમને Byline મળવા લાગી અને તેઓ ગુજરાતની બાબતોના ‘નિષ્ણાત’ બની ગયા. અમદાવાદના હુલ્લડ વિષયક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અખબારોમાં લખેલા લેખોમાં તેમણે ગુજરાતની બદનામી કરવામાં પાછી પાની નથી કરી.

૧૯૪૪ બાદ અમદાવાદમાં કોમી હુલ્લડ થતા આવ્યા તેનો હું સાક્ષી છું. મેં જે જોયું હતું તે હજી યાદ છે. ઠેઠ તે જમાનાથી ક્યાં કોનાં અને કેટલા ખુન થતા હતા, તેની માહિતી અમને કૉંગ્રેસ હાઉસમાંથી - જે અમારા ઘરથી સો ગજ પણ દૂર નહોતું - ત્યાંથી મળતી રહેતી હતી. ૧૯૪૮માં શાહપુરમાં પેશન્ટની હાલત ગંભીર છે, તેને જોવા લઇ જવાને બહાને એક ડૉક્ટરને તેમના પેશન્ટના ભાઇએ બોલાવ્યા અને ઘરની બહાર નીકળતાં તેમનું ખુન કર્યું હતું. જમાલપુરમાં હિંસક ટોળાને શાંત કરવા ગયેલા મારા પાડોશી - ખાદીધારી નિ:શસ્ત્ર વસંતરાવ હેગિષ્ટે અને અમારા ગોહિલવાડના વતની રજબઅલી લાખાણીનાં કમકમાટી ભર્યા ખુન કરવામાં આવ્યા હતા. હું તેમનું અંત્યદર્શન કરવા કૉંગ્રેસ હાઉસ ગયો હતો ત્યારે જોયું કે બન્નેના શરીરમાં એવો ભાગ નહોતો જ્યાં છરાના જખમ ન થયા હોય. મેં જોયેલા શ્રી. ગંગાધરના કોઇ લેખનમાં ૧૯૬૯ પહેલાંના અને ખાસ કરીને શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરનાર હિંદુ અને મુસ્લિમ સજ્જનોનો ક્યાંય ઉલ્લેખ જોયો નથી. હું ૧૯૪૪થી ૧૯૬૩ સુધી (કૉલેજના ચાર વર્ષ છોડીને) અમદાવાદમાં રહ્યો હતો. મુસ્લીમ વિસ્તારમાં આવેલી શાળામાં અભ્યાસ કર્યો, બજારહાટ કરવા આવા જ વિસ્તારોમાં જતો, અને હુલ્લડ બાદ એક દિવસનો પણ કર્ફ્યુ ઉઠાવાય ત્યારે મિત્રો સાથે તોફાનગ્રસ્ત વિસ્તારો જોવા જતો. શાળામાં મારા ખાસ મિત્રો હુસેન અત્તરવાલા, ગુલામ નબી તથા મહંમદ શફી મનસુરી સાથે ઠેઠ સુધી સુંદર સંબંધ રહ્યા. આ તો થઇ જુની વાત, જેનો હું સાક્ષી હતો. ચાંલ્લાઓળ સુધી પહોંચીને હુલ્લડખોરોએ બાળેલી દુકાનો જોઇ હતી. જમાલપુર, શાહપુર, કાળુપુર, દિહ્લી દરવાજા જેવા વિસ્તારોમાં એક તરફ ઝનુની ટોળાં ખુન અને આગ ચાંપવાનું કૃત્ય કરી રહ્યા હતા, ત્યાં બીજી બાજુ આ જ શહેરના અન્ય વિસ્તારોમાં હિંદુ તથા મુસલમાન પોતાના અન્ય ધર્મી પાડોશીઓને પોતાના ઘરમાં છુપાવી તેમની રક્ષા કરી રહ્યા હતા. અમારા પોતાના વિસ્તારમાં આવેલ લૅન્ડ રેકર્ડ્ઝ અૉિફસના કર્મચારી ગુલાબખાન પઠાણ અને તેમનો મોટો પરિવાર અમારા લત્તા પર બહારથી હુમલા કરવા આવનાર ગુંડાઓના ટોળાંને રોકવા અમારી સાથે ચોકી ભરવા અને રૉન મારવા આખી રાત રહેતા.

ગુજરાતમાં સર્વ-ધર્મ-સમાનતાની ભાવના જીવંત હતી. જો કે અમદાવાદમાં જે તોફાનો થતા હતા તેનો ઘણો જુનો ઇતિહાસ છે. અહીં ઇ.સ.૧૭૮૧થી કોમી હુલ્લડ થતા આવ્યા છે. તેમાં કઇ કોમ સૌથી વધુ આક્રમક હતી અને કઇ તેનો ભોગ બની તે જોવા કરતાં આ કોમવાદને દૂર કરવા, પ્રજામાં રાષ્ટ્રીયતા અને ભાઇચારો વધારવા અમદાવાદના કોમી આગેવાનોએ કદી પણ પ્રયત્ન કેમ ન કર્યો તે વિચારવા જેવું છે. ૧૯૪૮માં અને ત્યાર બાદ રથયાત્રાના ઉત્સવ જેવા પ્રસંગોએ જે ભયંકર કોમી રમખાણ થયા હતા તેનો પાઠ કોઇ શીખ્યું નહિ. આનાથી વિપરીત વાત તો એ થઇ કે આગેવાનોએ સમન્વય (integration)ને બદલે કોમી વાડાબંધી - ghetto -ને ઉત્તેજન આપ્યું. શહેરની લઘુમતી કોમ જુદી હાઉસીંગ સોસાયટીઓ, ચાલીઓ અને જુહાપુરા જેવા વિસ્તારોના હાંસિયામાં વહેંચાઇ ગઇ.

મને દુ:ખ તો એ વાતનું થાય છે કે અમદાવાદમાં થયેલા હુલ્લડો વિશે આખા ગુજરાતની છાપ લઘુમતિ કોમના જલ્લાદ તરીકે કરનાર પત્રકારોએ કદી આ પ્રશ્નની પશ્ચાદ્ભૂમાં જવાનો પ્રયત્ન નથી કર્યો. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અમદાવાદમાં રહ્યા વગર, આ હુલ્લડોનો જાતઅનુભવ લીધા વગર તેનું જનન, પોષણ તથા તેની નિષ્પત્તિ ( genesis, development and culmination) વિશે અભિપ્રાય આપવો યોગ્ય નથી. તિસ્તા સેતલવાડ અને અરૂંધતી રૉય જેવી વ્યક્તિઓએ આખા ગુજરાતને નૃવંશ-ઘાતક (ethnic cleanser)નો બિલ્લો આપ્યો.

૧૯૬૯ના હુલ્લડના વખતે હું મિલીટરીના કન્ટ્રોલરૂમમાં હતો. અહીં મને એવા દસ્તાવેજ વાંચવા મળ્યા જેથી હું ૧૯૬૯માં થયેલી ખુનામરકીનાં કારણો જાણી શક્યો. એક નિષ્પક્ષ સૈનિક તરીકે મારે તો એટલું જ કહેવું છે કે ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય છે, જ્યાં લોકોને એકબીજા પ્રત્યે સ્નેહ તો છે જ, પણ એક વાક્યમાં સમાઇ જતી ગુજરાતની સભ્યતા, જેના માટે ભારતની અન્ય કોઇ ભાષામાં સમાન વાક્ય નથી: “બે આંખની શરમ.” એક ગુજરાતીની સામે ગમે એટલો દુષ્ટ માણસ કે કટ્ટર દુશ્મન આવે, અને તેની સાથે તેને અગાઉ થોડો પણ પરિચય હોય, અથવા એકથી વધુ વાર તેની સાથે રસ્તામાં પણ મેળાપ થયો હોય તો તેની સાથે ‘આંખનો સંબંધ’ બંધાઇ જાય છે. આ ‘બે આંખની શરમ’ને કારણે તેઓ એકબીજાનું અપમાન પણ કરી શકતા નહોતા, ત્યાં તેમને મારી નાખવાનો પ્રશ્ન જ ઉભો થતો નહોતો. ૧૯૬૯માં જે થયું તેના કારણો જોવા જઇએ તો પરસ્પર આક્ષેપોની ઝડીઓ વરસવા લાગશે. તેનો કોઇ અંત નહિ આવે. મને તો તેના બે કારણો જણાય છે: એક તો આપણા લોકો ભૂતકાળને છોડી ભવિષ્ય તરફ જવા - move on કરવા- તૈયાર નહોતા. બીજું કારણ: બે આંખની શરમ કેટલાક લોકોના અંતરમાંથી મરી પરવારી હતી. આ જાણે ઓછું હોય, સ્વાર્થસાધુઓએ ઘૃણાસ્પદ અફવાઓ ફેલાવી, પોતાના અંગત રાજકીય લાભ ખાતર પોતાના અનુયાયીઓને હિંસા કરવા પ્રેરી ગુજરાતને આખા વિશ્વમાં બદનામ કર્યું.

૧૯૬૯ની જ વાત કરીએ તો માર્ચ મહિનામાં અમદાવાદમાં એક એવી અફવા ફેલાવવામાં આવી હતી કે શ્રી. દેસાઇ નામના પોલિસ અધિકારીએ પવિત્ર કુરાનનું અપમાન કર્યું હતું. લોકલાગણીને માન આપી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમ છતાં આ વાત મહિનાઓ સુધી મુસ્લીમ સમાજમાં સંતાપ ફેલાવતી રહી હતી. આનું પરિણામ સપ્ટેમ્બર મહિનામાં આવ્યું. જમાલપુરમાં જગન્નાથજીનું મંદિર આવ્યું છે. રોજ સાંજે મંદીરની ગૌશાળાની ગાયો મંદિરમાં પાછી આવે. તે દિવસે મંદીરની નજીક આવેલ પીરની મઝાર પર ઉર્સ ચાલતો હતો. મંદિરની કેટલીક ગાયો ભીડમાં ગભરાઇ ગઇ અને તેની અડફેટમાં ઉર્સમાં ભાગ રહેલી બહેનોને ઇજા થઇ. ગાયોના સાધુ-ગોવાળ અને ઉર્સમાં ભાગ લેનાર લોકો વચ્ચે બોલાચાલી થઇ અને કોઇએ સાધુ પર હાથ ઉપાડ્યો. તે જ રાતે આ જગ્યાની નજીક રામાયણની કથા ચાલતી હતી જેને એક લઘુમતિ કોમના પોલિસ અધિકારીએ વેરવિખેર કરી. આખા શહેરમાં અફવા ફેલાઇ કે લઘુમતી કોમના કેટલાક લોકોએ જગન્નાથ મંદિરના પૂજનીય ગણાતા મહંત પર હાથ ઉપાડ્યો હતો, અને માર્ચ મહિનામાં પવિત્ર કુરાનના કહેવાતા અપમાનનો બદલો લેવા જમાલપુરના એક ચકલામાં ચાલતી રામયણની કથાને વીખેરવાના બહાને લઘુમતી કોમના આ પોલિસ અધિકારીએ રામાયણના ગ્રંથને લાત મારી હતી.

આ અફવા આખા શહેરમાં આગની જેમ ફેલાઇ ગઇ. આગનું દાવાનળમાં પરિવર્તન થયું. આ વાત હું એકલો નથી કહેતો. રેડ્ડી કમીશનના રીપોર્ટમાં અને કેટલીક નિષ્પક્ષ વેબસાઇટ્સમાં આ ત્રણે પ્રસંગોની પુષ્ટી કરવામાં આવી છે.

૧૯૬૯માં અમદાવાદમાં પરસ્પર માનની ભાવના મૃત્યુ પામી હતી. છેલ્લા ઘણા દાયકાઓથી પરદેશમાં રહેતો હોવાથી એકવીસમી સદીમાં જે થયું, તેના વિશે હું કશું ન કહી શકું. એટલું જરૂર કહી શકું કે બે આંખની શરમ તો ૧૯૬૯ પહેલાં જ મરી પરવારી હતી. JOCમાં શ્રી. મીરચંદાણીએ જાતે જોયેલી ખુનામરકી અને આગમાં બળેલા લોકોની હાલતની વાત કરતા તે સાંભળી આત્મા કકળી ઉઠતો. મારી પાસે આવતા sitrep (સિચ્યુએશન રીપોર્ટ)ની વિગતો સાંભળી/વાંચી હૃદય વલોવાઇ જતું.

છ દિવસ સુધી સતત ચોવિસ કલાકની “શિફ્ટ” કર્યા બાદ મને ૨૪ કલાક માટે મને 'રીલીવ' કરવામાં આવ્યો અને હું ઘેર જઇ શક્યો.

હત્યાકાંડના ગોઝારા દિવસોમાં મારા પૈતૃક ઘરની નજીક હૃદયને વિદીર્ણ કરી નાખનારો એક બનાવ બની ગયો.

મારા જીવનના પચીસ વર્ષ જ્યાં હું રહ્યો હતો તે ત્રણ બાજુએથી હિંસક તત્ત્વો માટેના કુખ્યાત વિસ્તારોથી ઘેરાયેલો હતો. ચોથી બાજુએ હતી સાબરમતી નદી. અમારી બાજુના એક વિસ્તારે અમારા નેતા વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણીની કરપીણ હત્યા કરી હતી. આ વખતે ત્રણે વિસ્તારોમાંથી અમારા જુના મહોલ્લા પર હુમલો થયો હતો, તેમનો સામનો કરવા માટે હંમેશની જેમ યુવકોએ મોરચાબંધી કરી હતી. તેમાંના એક સ્થળે સૈનિકોએ લાઠીધારી યુવાનો એકઠા થયેલા જોયા. આ ટુકડીના અફસરે તેમને ચૅલેન્જ કર્યા અને શરણે આવવાનો હુકમ આપ્યો. અૉટોમેટીક હથિયારથી સજ્જ એવા સૈનિકોને જોઇ આ યુવાનો ગભરાયા અને ત્યાંથી નાસવા લાગ્યા. તેમની સાથેના મૅજીસ્ટ્રેટને લાગ્યું કે આ તોફાની ટોળું હતું અને લઘુમતી મહોલ્લા પર હુમલો કરવા જઇ રહ્યું હતું. તેણે સૈનિક કમાંડરને ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. એક ગોળી મારા પરિચીત પરિવારના સોળ વર્ષના યુવાનને વાગી અને તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો. આ યુવાનના પિતા વર્ષો પહેલાં અવસાન પામ્યા હતા. તેનો મોટો ભાઇ બાળ-લકવાના કારણે અપંગ હતો તથા તેને એક અપરિણીત બહેન હતી. અત્યંત ગરીબીથી પિડાતા પરિવારની આ અભ્યાસમાં હોશિયાર એવા આ યુવાન પર ઘણી આશા હતી. તેના મૃત્યુના સમાચાર સાંભળી મારા હૃદય પર જે વિતી, તેના પરથી તેની માતા અને ભાઇ બહેન પર કેવી અસર થઇ હશે તેનો વિચાર મારા માટે અકલ્પ્ય હતો.

શહેરમાં શાંતિ ફેલાયા બાદ પણ લાંબા સમય સુધી હું મારા સંબંધીઓ તથા મિત્રોને મળવા જઇ શક્યો નહિ. બનેલા પ્રસંગ માટે હું સીધી કે આડકતરી રીતે સંકળાયો નહોતો, પણ જેમના હાથેથી આ યુવાનનું મૃત્યુ થયું હતું તેઓ મારા જેવા યુનિફૉર્મ પહેરેલા સૈનિકો હતા. વિષાદના તળીયા વગરના ઊંડા સાગરમાં હું લાંબા સમય સુધી ડુબતો રહ્યો. ત્રણે'ક મહિના બાદ આ પરિવાર વિશે તપાસ કરતાં સમાચાર મળ્યા કે પેલા યુવાનની માતા - શ્રીમતી શૃંગારપુરે આઘાત જીરવી શક્યા નહિ અને તેમનું અવસાન થયું હતું.

website-hit-counters.com
Visit website-hit-counters.com for a hit counter.

4 comments:

 1. Excellent chapter--very effective writings-Looking forward to more stories-I was in USA at that time,read all the news in NY Times.
  Yours are inside-first hand report-Great-

  ReplyDelete
 2. ક્યાંક સુત્ર વાન્ચેલ - " હુ માનવી માનવ થાઊ તો ઘણુ ! " જરુર છે આજે એવા શિક્ષણ, શિક્ષકો, અને ધર્મ-ગુરુઓની જે માણસ ને માણસાઈ થી જીવતા
  શિખવી શકે.પણ અફસોસ એ વાતનો છે કે આજના સ્વાર્થી,દમ્ભી,હરામની કમાણી ના જૉરે બની બેઠેલા લીડરો એ ભારત મા જે કાઈ પણ સારી રિતી - નિતી હતી તેને દફનાવવાનુ જ અભ્યાન ચાલુ રાખેલ છે.

  ReplyDelete
 3. ૧૯૬૯માં જે થયું તેના કારણો જોવા જઇએ તો પરસ્પર આક્ષેપોની ઝડીઓ વરસવા લાગશે. તેનો કોઇ અંત નહિ આવે. મને તો તેના બે કારણો જણાય છે: એક તો આપણા લોકો ભૂતકાળને છોડી ભવિષ્ય તરફ જવા - move on કરવા- તૈયાર નહોતા. બીજું કારણ: બે આંખની શરમ કેટલાક લોકોના અંતરમાંથી મરી પરવારી હતી. આ જાણે ઓછું હોય, સ્વાર્થસાધુઓએ ઘૃણાસ્પદ અફવાઓ ફેલાવી, પોતાના અંગત રાજકીય લાભ ખાતર પોતાના અનુયાયીઓને હિંસા કરવા પ્રેરી ગુજરાતને આખા વિશ્વમાં બદનામ કર્યું.
  -----------------

  બીલકુલ સાચી વાત. તમારું તારણ એકદમ યોગ્ય છે.

  ReplyDelete
 4. . વિષાદના તળીયા વગરના ઊંડા સાગરમાં હું લાંબા સમય સુધી ડુબતો રહ્યો. ત્રણે'ક મહિના બાદ આ પરિવાર વિશે તપાસ કરતાં સમાચાર મળ્યા કે પેલા યુવાનની માતા - શ્રીમતી શૃંગારપુરે આઘાત જીરવી શક્યા નહિ અને તેમનું અવસાન થયું હતું.......
  Those are words with which the Post on 1969 AmdabadRiots ends....what a touching tragic ghatana. It is sad to know how low a Human can go but may the future bring "mansai" & love amongst all the Community !
  Chandrapukar ! (Chandravadan. )

  ReplyDelete