Tuesday, May 26, 2009

૧૯૭૧: અંધારામાં અણધારી મુલાકાત

શિયાળામાં ઉત્તર ભારતમાં સૂરજ વહેલો ડૂબી જાય છે. ચાર નંબરની ચોકીના પત્તન પર પહોંચતાં સુધીમાં સૂર્યદેવ ક્ષિતીજની તળાઇમાં સૂઇ ગયા. અમને એવી છૂટ નહોતી! કિનારે જઇને જોયું તો હોડી પેલે પાર હતી. અમારી ટુકડીનો એક જવાન અા બીઓપીનો જાણકાર હતો. તેને નદીની ઉંડાઇ વિ.ની માહિતી હતી. તે અમને નદી પાર કરાવવા આગળ આવ્યો. રાત પડી ગઇ હતી. ચારે બાજુ ઘોર અંધકાર હતો અને ઉષ્ણતામાન લગભગ ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસ. Wind chill factorને ગણીએ તો હવામાન માઇનસમાં હતું. ‘જો બોલે સો નિહાલ..સત શ્રી અકાલ’નો ઉચ્ચાર કરી ફરી એક વાર અમે રાવીના છાતી સમાણાં પાણીમાં ઉતર્યા. પંજાબની કાતિલ ઠંડીમાં નદીના હિમ જેવા પાણીમાં પગ મૂકતાં જ જાણે હજાર વિંછીના ડંખ લાગ્યા હોય તેવું લાગ્યું. એક હાથમાં રાઇફલ અને બીજા હાથમાં ગોળીઓનું બંડોલિયર ઉંચું ધરી, તે પાણીમાં ન ભીંજાય તેની તકેદારી કરી અમે નદી પાર કરીને રાવી વચ્ચે આવેલા બેટમાં પહોંચ્યા. બૂટ- મોજાંથી લઇ શર્ટનાં કૉલર સુધી ફરી એક વાર ભીંજાઇને અમે ઠરી ગયા. સામાન્ય પરિસ્થિતિમાં માણસને હાઇપોથર્મિયા થઇ જાય, પણ અહીં જાણે mind over matterની વાત અમારૂં શરીર જાણી ગયું હતું કે કેમ, અમને કશી વિપરીત અસર ન થઇ. શિયાળાની કાળી રાતમાં સરકંડાના જંગલમાં અમને દુશ્મન સાથે ભેટો થાય અને તે અમારા પર ગોળીબાર કરે તો અમારે શી કારવાઇ કરવી તેની સૂચના મેં જવાનોને આપી હતી. મને મળેલી માહિતી મુજબ ઠાકુર કરમચંદ (જેમને હું માનપૂર્વક ‘ઠાકુર સાહેબ’ કહીને બોલાવતો) તથા તેમના સૈનિકો તેમની ચોકીમાં જ હતા. અમારી એકાગ્રતા અને ધ્યાન કેવળ નદી પાર કરીને સામે કાંઠે પહોંચવામાં પરોવાયું હતું. રાવિ નદીના બેટમાં છ-સાત ફીટ ઉંચા સરકંડાના જંગલ હતા. દુશ્મનને છુપાઇને અમારા પર હુમલો કરવા માટે આ ઉત્તમ સ્થળ હતું.
ઘનઘોર અંધારામાં નદી પાર કરીને અમે કિનારા પર પહોંચ્યા. હવે અમારી ટુકડીની આગેવાની મેં સંભાળી. સરકંડાના જંગલ કાપીને બનાવેલી પગદંડીમાં આગળ અમે ધીમે પગલે ચાલી રહ્યા હતા. દસે’ક મિનીટનું ‘માર્ચીંગ’ કર્યું ત્યાં કદી ન ભૂલી શકાય તેવો આછો કડાકા ભર્યો અવાજ સંભળાયો. આ અવાજ હતો LMG - લાઇટ મશીન ગનનો ઘોડો ચડાવવાનો (‘કૉક’ કરવાનો)! પાંચ સેકંડમાં મૅગેઝીનમાંથી અઠ્યાવીસ ગોળીઓ છોડે તેવી આ LMGના સીધા મારની નીચે હું હતો, અને મારી પાછળ મારા જવાનો. LMG ધારક જવાન ગભરાટમાં ટ્રિગર પર અાંગળીનું દબાણ એક વાળના તાંતણા જેટલું પણ વધારે તો એક લાઇનમાં આગળ વધી રહેલા હું અને મારા જવાનોમાંથી કોઇ બચી શકે તેવું નહોતું. અંધારામાં અમે એ પણ ન જાણી શક્યા કે LMG કઇ જગ્યાએથી અમારા પર નિશાન સાધી રહી હતી. અમારા સદ્ભાગ્યે આવી ખતરનાક હાલતમાં પણ LMG તાકી રહેલ લાન્સનાયક પોતાની મૂળભૂત કેળવણી ભુલ્યો નહોતો. લાઇટ મશીનગનનો ઘોડો (trigger) તેણે ચડાવ્યો, પણ ગોળીઓ ન છોડતાં તેણે અમને ‘ચૅલેન્જ’ કર્યા: ‘ હૉલ્ટ, હુકમ દાર?” (Halt! Who comes there?)
સરકંડાના જંગલમાં તે ક્યાં હતો તે દેખાતું નહોતું. મેં તેની ચૅલેન્જનો યોગ્ય જવાબ આપ્યો, “મિત્ર.”
જવાને હુકમ કર્યો, ‘ઓળખાણ માટે હાથ ઉંચા કરી આગળ વધો.’
હું પગદંડી પર આગળ વધ્યો. તેણે મને ફરી રોકાવાનું કહ્યું. હું રોકાયો, અને અમે ખરેખર ‘મિત્ર’ છીએ કે નહિ તે જોવા માટે સામેથી બે સૈનિકો સાથે ઠાકુર સાહેબને આવતાં જોઇ અમે ખુશ થયા.
ઠાકુરસાહેબની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે આપણી પાંચ અને છ નંબરની ચોકીઓના પતન બાદ ચાર નંબરની ચોકી ટકી શકે તેમ નહોતી. કરમચંદની પાસે કેવળ ૧૬ સૈનિકો હતા અને દુશ્મનની સંખ્યા તેમનાથી ત્રણ ગણી. મોડી સાંજે તેમને ચોકી ખાલી કરવાનો આર્મીના કંપની કમાન્ડર પાસેથી હુકમ મળ્યો અને તેજ નાલાની પાછળ ખાઇઓ ખોદી મોરચો બાંધવાનું કહેવામાં આવ્યું. તેમને કામ મળ્યું હતું, ત્યાં રહી દુશ્મનને તેજ નાલાને પાર ન આવવા દેવો. ૧૮-૨૦ કલાકના સતત ઉપયોગથી તેમના વાયરલેસ સેટની બૅટરી ‘ડાઉન’ થઇ ગઇ. કરમચંદને તે જગ્યાએ રહેવા સિવાય બીજો કોઇ ઉપાય નહોતો. એક અનુભવી સૈનિક હોવાથી તેમણે એક લાઇટ મશીનગન સાથેની ટુકડીને રાવીના કિનારા પાસે સરકંડાના જંગલમાં ડ્યુટી પર મૂકી હતી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે કરમચંદ આ ટુકડીના હાલહવાલ પૂછવા ત્યાં આવ્યા હતા.
ચાર નંબરની ચોકી દુશ્મનના હાથમાં ગઇ છે તેની અમને માહિતી નહોતી. હું તો સીધો ચોકી પર જવાની તૈયારી કરીને ત્યાં જવા નીકળ્યો હતો. કરમચંદ અને તેમના સિપાહીઓને સુરક્ષીત હાલતમાં જોઇ ખુશી થઇ. હવે મારી પાસે બે અનુભવી પ્લૅટુન કમાન્ડર અને લગભગ ચાલીસ જેટલા જવાન હતા. જવાનોને એકઠા કરી અમને મળેલા આદેશની તેમની સાથે વાત કરી. આગળ કેવી રીતે વધવાનું છે, ચોકી કબજે કર્યા બાદ શું કરવાનું છે તેનું બ્રીફીંગ કર્યા બાદ અમે તેજ નાળાને પાર કરી ચોકી તરફ આગળ વધ્યા.
ભયંકર ઠંડીમાં, એટલી જ ભયાનક રાત્રીમાં અમે સરકંડાના ભયાવહ જંગલમાં કૂચ કરી રહ્યા હતા. ટાઢ એવી હતી કે તમરાં પણ ઠરી ગયા હતા. તારાઓના આછા પ્રકાશમાં પગદંડી પર અમે સાવધાની પૂર્વક આગળ વધી રહ્યા હતા.

4 comments:

 1. Wah Wah-Khub saras lakaaN chhe--

  As if watching a war film- Anxious for next chapter-

  ReplyDelete
 2. Enjoyed reading....eager to know more...will wait for the next post.
  Chandravadan ( Chandrapukar ! )
  www.chandrapukar.wordpress.com

  ReplyDelete
 3. મિત્ર,મને આ સાહસિકો ને હજારો સલામ કહેવા નું મન કરે છે.
  માર્કંડ દવે.
  (મારા વિષે કૈક કહું?)
  નામ - માર્કડ દવે
  વ્યવસાય-એજ્યુકેશનાલિસ્ટ
  શોખ - શબ્દ,સ્વર,સંગીત આરાધના અને તેના ચાહકો ની મિત્રતા.
  અલ્પ-જ્ઞાન -હવાઈયન ગિટાર વાદન,લેખન,સ્વરાંકન,સુગમ-ક્લાસિકલ ગાયન
  પ્રાપ્યતા-૧૫૦ જેટલાં આલ્બમ,તથા અનેક લાઈવ કાર્યક્રમો.જન્મસ્થળઃદર્ભાવતી(ડભોઈ.જીલ્લોઃવડોદરા.)કર્મભુમિઃઅમદાવાદ.(૪૦ વર્ષ)
  અભ્યાસઃબી.એ.ડિ.બી.એમ.
  અકરાંતીયો વાંચન શોખ-શબ્દ,સ્વર,સંગીત પાછળ સાવ પાગલવેડા.મિત્રો પણ આવા જ.દગાફટકા ના આઘાત થી હવે તો સાવ પર,ના સુખ,નાદુઃખ.અનંત ભણી જવા ના અંત નો આનંદ.
  વધારે તો શુ કહું?
  બસ નિષ્કામ ભાવે કામ ને બોલવા દઈએ.
  માર્કંડ દવે.

  સ્થાન-એમ.કે.રેકોર્ડીગ સ્ટુડિયો,અમદાવાદ,ગુજરાત.
  સંમ્પર્ક-mdave42@gmail.com
  My blog: markandraydave.blogspot.com
  દુરભાષ-૦૭૯-૨૫૮૯૦૭૧૯

  ReplyDelete
 4. સૂર્યદેવ ક્ષિતીજની તળાઇમાં સૂઇ ગયા. અમને એવી છૂટ નહોતી!

  વાહ!

  તમરાં પણ ઠરી ગયાની ઉપમા ગમી.

  - સુરેશ જાની

  ReplyDelete