Sunday, May 24, 2009

૧૯૭૧ - જવાબની તૈયારી (ભાગ ૨)

લાંબી રેન્જના ગોળીબાર માટે પિસ્તોલ નકામી હોય છે તેથી મેં મારી અૉટોમેટીક પિસ્તોલ દર્શનસિંહને આપી, તેમના જવાનની રાઇફલ અને પચાસ રાઉન્ડ્ઝ લીધા. ‘બોલે સો નિહાલ... સત શ્રી અકાલ’નો નાદ કરી, રાવી નદીનાં બરફ જેવાં ઠંડા પાણીમાં અમે ઉતર્યા. સૌથી આગળ ‘જીપ્સી’ અને પાછળ ૧૬ જવાન.
નદીના મધ્ય ભાગમાં અમે પહોંચ્યા અને પાણી છાતી સમાણાં થયા. મેં પાછળ વળીને જોયું તો કર્નલ અમારી તરફ જોઇ રહ્યા હતા. દર્શનસિંહ અને તેમના જવાનો કંપની હેડક્વાર્ટરમાં જવાને બદલે અમને દુઆ આપવા માટે હજી કાંઠા પર જ ઉભા હતા. નદી ઉંડી થાય અને તેમાં અમારા હથિયાર ન ભીંજાય તે માટે અમે હથિયાર ઉંચા ધર્યા અને આગળ વધ્યા ત્યાં જાણે વિજળી પડતી જતી હોય તેવા કડાકા સંભળાયા. સાથે સાથે દાળમાં વઘાર નાખતાં છમકારો થાય, તેવા છમકારા અમારી ડાબી બાજુએ સંભળાયા અને રાવીનાં પાણીમાંથી છાંટા ઉડતા દેખાયા. દુશ્મન તેની લાઇટ મશીનગનથી મારી ટુકડી પર અૉટોમેટીક ફાયરીંગ કરી રહ્યો હતો. પાણીની સપાટી પર પડેલી કેટલીક ગોળીઓનો આ અવાજ હતો. પાછલી રાતે કબજે કરેલી અમારી છ નંબરની ચોકીના હોડી લાંગવાના સ્થાન પર તેમણે મશીનગન લગાવી હતી. રાવી નદી પાર કરી તેમના પર counter attack કરવાનો પ્રયત્ન કરનાર આપણી સેનાને રોકી પરાસ્ત કરવા તેમણે ત્યાં મોરચાબંધી કરી હતી. નદીમાં અમે જે સ્થાન પર હતા તે તેમની મશીનગનની રેન્જ બહાર હતું. જો કે દુરબીનથી તેઓ અમને જોઇ શકતા હતા તે સ્પષ્ટ હતું. રાવીના મધ્ય વહેણમાં અમે પાંખ વગરના બતક જેવા હતા. સામા કિનારે પહોંચવામાં અમને અર્ધો-પોણો કલાક લાગે તવું હતું. ત્યાં સુધીમાં તેઓ તેમની ત્રણ લાઇટમશીનગન અને ૨” મૉર્ટરથી સજ્જ એક પ્લૅટૂનને અમારી સામેના કાંઠા પર લાવી તેઓ અમને રાવીમાં જ જળસમાધિ આપી શકે તેમ હતું. અમારા સદ્ભાગ્યે તેમની મિડીયમ મશીનગન કિનારા પર નહોતી, નહિ તો મૃત્યુ અટળ હતું.

( બ્રાઉનીંગ મશીનગન સાથે પાકિસ્તાની સૈનિક)
મને સોંપાયેલું મિશન હતું પાંચ નંબરની ચોકી પાછી મેળવવાનું. જે approach (માર્ગ) લેવાનું મને કહેવામાં આવ્યું હતું તે કોઇ પણ સંજોગોમાં કામયાબ થઇ શકે તેમ નહોતું. મેં ત્વરીત નિર્ણય લીધો કે દિવસના સમયે અને સીધા માર્ગે આ ચોકી સર કરી શકાય તેવું નહોતું. આ કામ માટે મારે નદીને ઉપરવાસ જઇ, દુશ્મનના ફાયરીંગથી જવાનોને બચાવી, રાતના અંધારામાં ચોકી પર હુમલો કરવો. મારી સાથેના જવાનોમાં એક આ વિસ્તારનો ભોમિયો હતો. તેના કહેવા પ્રમાણે બાકીના બધા ભાગમાં રાવી નદી દોઢથી બે માથોડાં ઊંડી હતી. કેવળ ચાર નંબરની ચોકીનો વિસ્તાર નદી પાર કરવા માટે અનુકૂળ હતો. આથી દુશ્મનની મશીનગન પોતાની જગ્યા બદલી આગળ આવી અમારા પર ઘાતક ગોળીબાર કરે તે પહેલાં પાછા વળી, ચાર નંબરની ચોકી તરફ પ્રયાણ કરવા માટે મેં જવાનોને પાછા ફરવાનો આદેશ આપ્યો. અમે જેમ જેમ પાછા ફરતા ગયા, દુશ્મનનો ગોળીબાર નજીક અને વધુ નજીક આવવા લાગ્યો. તેમણે તેમની મશીનગન આગળ આણી હતી. અાપણા જવાનો જરા પણ હાંફળા-ફાંફળા થયા વગર મારી સાથે શાંતિથી કિનારે પહોંચ્યા. રાવીના બરફ જેવા ઠંડા પાણીમાં બૂટ-મોજાંથી માંડી ગળા સુધી ભીંજાઇને અમે તરબોળ થઇ ગયા હતા.
કિનારા પર પહોંચતાં જ કર્નલ સાહેબ મારી તરફ આવ્યા. મને કંઇ કહે તે પહેલાં મેેં તેમને કડક સ્વરે ક્હયું, “You did see the LMG(લાઇટ મશીનગન) fire, didn’t you? Do you want my boys killed like sitting ducks? And where was your covering fire when enemy was firing on us?” કર્નલ ગુસ્સે તો થયા પણ આ વખતે તે કંઇ કરી શકે તેમ નહોતા. મારી સાથે મારા જવાન હતા, કિનારા પર હજી સુધી દર્શનસિંહ અને છ નંબરની ચોકીના બધા જવાન અમારી હિલચાલ જોઇ રહ્યા હતા. બધા જાણતા હતા કે કર્નલ અમારી સાથે કેવો વર્તાવ કરી રહ્યા હતા.
મેં કર્નલને કહ્યું, “હું બીઓપી પાછી મેળવીશ, પણ મારી પોતાની યોજના મુજબ.”
કર્નલના હૃદયમાં કદાચ પ્રકાશ પડયો. તેમણે ફોજમાં વીસ પચીસ વર્ષ નોકરી કરી હતી. તેઓ જાણતા હતા કે તેમનો હુકમ ગેરવ્યાજબી હતો. આ વખતે તેમણે મારી વાત માની. મેં હવે ચાર નંબરની ચોકી પર પહોંચી ઠાકુર કરમચંદની પ્લૅટૂન સાથે સંપર્ક સ્થાપી આગળની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું. કર્નલે આ વખતે તેમની સાથેના તેમના નવ જવાનોના ‘પ્રોટેક્શન સેક્શન’ને મારી સાથે જવાનો હુકમ કર્યો. અમારા માટે આ વરદાન નીવડ્યું કારણકે આર્મીની ડીટૅચમેન્ટ પાસે વાયરલેસ સેટ હતો. તેનો સંપર્ક તેમની બટાલિયનના હેડક્વાર્ટર સાથે હતો. જો કે અમારી બટાલિયનને હું ક્યાં હતો તથા મને આ ખતરનાક અૉપરેશન પર મોકલવામાં આવી રહ્યો હતો તેની જાણ કરવામાં આવી નહોતી.
અમારામાંથી કોઇએ બ્રેકફાસ્ટ પણ કર્યો નહોતો, તેમ છતાં હુકમની તામીલ કરવામાં તેનો વિચાર સરખો ન આવ્યો. અમે ભીંજાયેલા કપડે જ કિનારે કિનારે ઉપરવાસ ચાર નંબરની ચોકીના પત્તન તરફ ચાલવા લાગ્યા. ત્રણે’ક વાગે અમે દસ-પંદર ખોરડાના ગામ પાસે પહોંચ્યા. ગામના લોકો તો ઘરબાર છોડીને જતા રહ્યા હતા. ગામને છેવાડે એક બિસ્માર હાલતની ઝુંપડીના ઓટલા પર એક વૃદ્ધ માજી બેઠાં હતા. પડખે નાનકડી છાબડી હતી. અમે નજીક પહોંચ્યા અને ‘સત શ્રી અકાલ, માઇ,’ કહી અભિવાદન કર્યું. મેં તેમને પુછ્યું, “તમે હજી સુધી અહીં કેમ રહ્યા છો? લડાઇ શરૂ થઇ ગઇ છે તેથી તમારે સલામત જગ્યાએ જવું જોઇએ.”
બોખા મ્હોંએથી હળવું હસીને માઇ બોલ્યાં, “અરે પુત્તર, આખી જીંદગી આ ઘરમાં કાઢી છે, હવે આ ઉમરે ક્યાં જઉં? જુઓ, તમે બધા દેશની રખ્યા (રક્ષા) કરવા નીકળ્યા છો. અહીં બેઠી છું તમ સરખા જવાનોની સેવા કરવા. મેં થોડા રોટલા ઘડી રાખ્યા છે, તેને વાહે ગુરુનું લંગર સમજીને આરોગો,” કહી છાબડીમાંથી જાડી ભાખરીઓ કાઢી અમને આપી.
મારા જવાનો અને હું ખરેખર ભુખ્યા થયા હતા. દરેકના ભાગે અર્ધી અર્ધી ભાખરી આવી, પણ તેમાં માજીએ પ્રેમનાં મોણ અને આસ્થાના ખમીર ઉપરાંત એવું શું ઉમેર્યું હતું જેથી અમારો હોંસલો શિખર પર પહોંચી ગયો.
અમે આગળ વધવાની શરૂઆત કરી.

link to small business website design page
Sponsored by the small business web design web page.


5 comments:

 1. Wah Wah--Wonderful account-I can not wait for the next chapter-- Captain Saheb-You should be proud of your military life-You I m envy of you-You have lived meaningful life-We are all proud of Indian army-

  ReplyDelete
 2. . ગામને છેવાડે એક બિસ્માર હાલતની ઝુંપડીના ઓટલા પર એક વૃદ્ધ માજી બેઠાં હતા. પડખે નાનકડી છાબડી હતી. અમે નજીક પહોંચ્યા અને ‘સત શ્રી અકાલ, માઇ,’ કહી અભિવાદન કર્યું. મેં તેમને પુછ્યું, “તમે હજી સુધી અહીં કેમ રહ્યા છો? લડાઇ શરૂ થઇ ગઇ છે તેથી તમારે સલામત જગ્યાએ જવું જોઇએ.”
  બોખા મ્હોંએથી હળવું હસીને માઇ બોલ્યાં, “અરે પુત્તર, આખી જીંદગી આ ઘરમાં કાઢી છે, હવે આ ઉમરે ક્યાં જઉં? જુઓ, તમે બધા દેશની રખ્યા (રક્ષા) કરવા નીકળ્યા છો. અહીં બેઠી છું તમ સરખા જવાનોની સેવા કરવા. મેં થોડા રોટલા ઘડી રાખ્યા છે, તેને વાહે ગુરુનું લંગર સમજીને આરોગો,” કહી છાબડીમાંથી જાડી ભાખરીઓ કાઢી અમને આપી.....
  Iread the Postof River crossing & you & your Jawans in the dangerous situation under the Enemy Gunfire..& touching description of the Event..BUT the Lines in Guarati Copy/Pasted from your Post touched my heart very much.
  Keep writing !
  Chandravadan ( Chandrapukar )
  www.chandrapukar.wordpress.com

  ReplyDelete
 3. ૧૯૭૧ના યુદ્ધ વખતે હું ઘણો નાનો હતો. મુંબઈની IES ગુજરાતી મીડિયમ સ્કૂલમાં સચોથા ધોરણમાં તે વખતે મારો અભ્યાસ. શાળાના એ દિવસો, ત્યાં બોંબ એટેક થાય તો શું કરવું એની અપાતી ટ્રેનિંગ, અને અંધારપટ -- એ બધું યાદ આવે છે.
  દેશની રક્ષા માટે તમે આપેલું સમર્પણ અને તમારા બ્લોગ દ્વારા અપાતી માહિતિ ખુબ જ પ્રેરણાત્મક બની રહી છે. જય

  ReplyDelete
 4. બહુ જ રસપ્રદ અને દીલ ધડકાવી દે તેવું વર્ણન

  -----------
  એ માજીની દેશભક્તીની શી પ્રશંસા કરીએ?

  ReplyDelete
 5. નરેનભાઈ,

  મને લાગે છે કે ઈશ્વર ખુદ તમારી ઉપર ક્રુપા કરી માજી સ્વરુપે તમોને રૉટલા જમાડી તમોને
  સફળતા ના શિખર સર કરવા ના આશિર્વાદ આપી ગયા !

  ReplyDelete