૧૯૫૦ની આસપાસ મહારાષ્ટ્રમાં એક કવિ અને એક સંગીતકારની બેલડીએ ગીત-સંગીતની સૃષ્ટિમાં અદ્વિતિય ભાત પાડી. ફિલ્મો માટે લખતા ગીતોમાં કવિના હૃદયની આધ્યાત્મિકતાની આભા દેખાતી. સંગીતકારે તેમનાં ગીતોને શાસ્ત્રીય રાગમાં એવી લોકભોગ્ય રીતે ઢાળ્યાં, જનતાના મુખમાં અને રેડિયો પર તે હંમેશા ગવાતાં રહ્યાં અને હજી સંભળાય છે.
એક દિવ્ય ઘડીએ તેમના મનમાં જ્યોતિ પ્રગટી. તેમણે તેને નામ આપ્યું “ગીત રામાયણ”. ૧૯૫૫ના મધ્યમાં આકાશવાણી પુણેંમાં શરૂ થયેલી આ શ્રેણી એક વર્ષ ચાલી. ૫૬ ગીતોમાં વહેંચાયેલ રામાયણનું ગીત સ્વરૂપ લોકોને વધાવી લીધાં. તેનું ભાષાંતર ભારતની ગુજરાતી સહિત ઘણી મુખ્યા ભાષાઓમાં થયું અને રેડિયો પર પ્રસ્તુત થયું.
કવિ હતા ગ.દિ.માડગુળકર - લોકો તેમને પ્રેમથી ગ.દિ.મા. કહે છે. તેમનાં ગીતોને સંગીત આપ્યું - અને ગાયું સુધીર ફડકેએ - લોકો તેમને સ્નેહથી સુધીરબાબુ કહે છે. આ ગીત-સંગીતને સંાભળીએ તો એવું લાગે કે આકાશમાં વહેતા કોઈ દિવ્ય સ્રોતે તેમનાં હૃદય શબ્દો પ્રેર્યા અને એ જ શક્તિએ સુધીરબાબુને વિવિધ રાગ-રાગિણીઓમાં ઢાળવા પ્રેર્યા. આજે લગભગ પંચાવન-સાઠ વર્ષનાં વાયરા વિત્યા હોવા છતાં ગીત રામાયણનું માધુર્ય એવું જ - પ્રભાતનાં પુષ્પો જેવું સૌરભશીલ અને મનને પ્રસન્ન કરી રહ્યું છે.
આજે તેમાંનું એક ગીત સાંભળ્યું અને તરત એવી અકળ અનુભૂતી થઈ, આપની સાથે તેને વહેંચીને માણવું.
શ્રીરામને વનમાંથી પાછા લાવવા ભરત ગયા છે. ચોધાર આંસુએ ભ્રાતાને વિનંતી કરે છે, "મારી માતા અને આપણાં પિતાજીએ આપ પર અન્યાય કર્યો છે. દોષી હું છું. અમને માફ કરો અને પાછા અયોધ્યા પધારો."
શ્રીરામ ભરતને શું કહે છે તે મહર્ષિ વાલ્મિકીએ સંસ્કૃતમાં કહ્યું - અને તેને ભાવવાહી રીતે ગ.દિ.મા.એ સાદાં પણ ગંભીર અને મધુર શબ્દોમાં ઉતાર્યાં. સુધીરબાબુએ તેને શ્રાવ્ય સંગીતમાં ગાયાં. “દૈવને કારણે મનુષ્યને દુ:ખ ભોગવવું પડે છે, મારા ભાઈ! આપણા જીવનમાં જે કંઈ થયું છે તેમાં કોઈનો દોષ નથી. તું શાને દુ:ખી થાય છે?"
દુ:ખની ઘડી આપણા સૌના જીવનમાં આવે છે. ઘણી વાર માણસને એવું જ લાગે છે કે તેની પોતાની ભુલને કારણે આ દુ:ખ આવી પડ્યં છે. પસ્તાવામાં તે આખું આયખું ગાળે છે. ભરતને શ્રીરામે પશ્ચાત્તાપના અગ્નિમાંથી બચવા જે શબ્દો કહ્યા, તેને ભાવપૂર્ણતાથી ગ.દિ.મા.એ લોકભોગ્ય ભાષામાં લખ્યા. સુધીરબાબુએ તેને સૂર આપ્યા અને એવી જ તન્મયતાથી ગાયા. આ ગીતનાં ધીર ગંભીર શબ્દ, સંગીત અને જે રીતે સુધીરબાબુએ ગાયું છે, સૌને ગમશે.
ગીતનાં મરાઠી શબ્દો અને તેની નીચે તેનું અંગ્રેજી રસાળ ભાષાંતર અપાયું છે. તેમ છતાં જિપ્સીને આવડે છે તેવી તેની માતૃભાષામાં ગીતની સમજુતિ નીચે લખી છે.
હવે સુધીરબાબુના મુખમાંથી સરતાં શ્રીરામનાં શબ્દો સાંભળીએ:
દૈવે આપ્યું દુ:ખ, પ્રિય ભરત રે, દોષ ના કોઈનો,
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો.. (ધૃ)
નથી માત કૈકેયી દોષી, નથી દોષી તાત,
રાજત્યાગ, વનમાં વાસ, કર્મ ફળ એ જાણ,
પૂર્વ-સંચિતોનો મારાં, ખેલ છે તું જાણ,
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો…૧
અંત ઉન્નતીનો જગતમાં, પતનમાં જ થાય
સર્વ સંગ્રહો, હે વત્સ, નાશિવંત જાણ
મિલન-અંત વિયોગમાં, જગ નિયમ જાણ
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૨
જીવન સાથે જન્મે મૃત્યુ, જોડી આ જન્મ-જાત
જે જે દેખો, ભાસે જે જે,વિશ્વ નાશિવંત
શું શોક કરીશ તું ઘેલા, સરી જતા સ્વપ્ન-ફળનો
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૩
તાત થયા સ્વર્ગવાસી, ભાઈ ગયા વનમાં
અતર્ક્ય એવું નથી કાંઈ, ભલે લાગે અકસ્માત
જ્ઞાનીઓનો તર્ક સુદ્ધાં, થમે મરણ કલ્પના પર,
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૪
જરા-મૃત્યુથી મુક્તિ, કયા પ્રાણીને છે એ પ્રાપ્ત?
દુ:ખમુક્ત જીવન જીવ્યો કદી કોઈ?
વૃદ્ધીમાન થતી એ વસ્તુ, અંતે તો છે એ ક્ષત
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૫
કાષ્ઠનાં બે ઢીમચાં, મળે સાગરમાં કદી
એક મોજું પાડે એ જુદાં, ફરી ના મેળાપ
ક્ષણિક એવો મેળ મનુષ્યનો, સમજી લે જે ભાય!
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૬
ગાળીશ ના આંસુ હવે તું, લૂછી લે આ લોચન
તારો ને મારો હવે છે, જુદો આ પ્રવાસ
રાજ્ઞ અવધનો હવે તું, વાસી હું અરણ્યનો
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૭
કરીશ ના વ્યર્થ આગ્રહ મને તું, પાછા આવવાનો
પિતૃવચન પાળીશું બન્ને, થઈશું રે કૃતાર્થ
મુકુટ-કવચ ધારણ કરી લે, છોડ વેશ-વલ્કલ
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો.. ૮
ચૌદ વર્ષ વનવાસ વગર હું
અયોધ્યા ન આવું
રાજ્ય સંપદાનો સ્વામી બન, તું,
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૯
ફરી ના'વીશ આ વનમાં કદી તું,
પ્રેમભાવ તુજ પ્રતિ નિરંતર, રહેશે મારા મનમાં
કીર્તિ અયોધ્યા કેરી, વધાર અપાર આ જગમાં
પરાધીન છે આ જગમાં, પુત્ર માનવીનો, દોષ ના કોઈનો..૧૦