૧૯૬૬માં પ્રથમ વાર પ્રદર્શીત થયેલા આ ચિત્રપટની વાત સાદી છે, પણ તેની રજુઆત, પાત્રાંકન, પાત્રોની લાક્ષણીકતાનું મનોવૈજ્ઞાનીક પૃથ:કરણ એવી રીતે કથાનાં પાત્રોનાં અભિનયમાં સૂક્ષ્મ રીતે તાદૃશ થાય છે જે જોઈને પ્રેક્ષકો ચકિત થયા વગર ન રહે. આ જાણે ઓછું હોય, તેમાંના દરેક પ્રસંગ દૃશ્યાંકન, તેના સંદર્ભની પાર્ષ્વભુમિ, સંવાદ અને સંગીત દિગ્દર્શકે એવી રીતે ચિત્રીત કર્યા છે, આ એક અદ્વિતિય ફિલ્મ બની ગઇ. આવી સર્વાંગ સંપૂર્ણ ફિલ્મ આજે ૪૮ વર્ષનાં વહાણાં વાયા પછી પણ તેને જોતાં લોકો થાકતાં નથી.
કથાના મુખ્ય ત્રણ પાત્રો છે. બ્લૉન્ડી (Blondie - ભૂરિયો), એટલે The Good ના પાત્રમાં ક્લિન્ટ ઇસ્ટવૂડ; ઍન્જેલ આઈઝ (Angel Eyes) એટલે The Bad (બૂરીયો) ના પાત્રમાં લી વાન ક્લીફ અને ટૂકો (Tuco - કદરૂપો)ના પાત્રમાં છે ઈલાઈ વૉલેક (Eli Wallach).
હવે જોઈએ ચિત્રપટની કથાવસ્તુ. ફિલ્મની શરૂઆતના આ પરિચય બાદ ખરી કથા શરૂ થાય છે. કથાનો સમય અમેરિકન સિવીલ વૉરનો છે
ટુકો (ઈલાઈ વૉલેક) એક રિઢો ગુનેગાર છે. પૈસા માટે તેણે અનેક ખૂન કર્યા છે, અનેક લૂંટો કરી છે, વિશ્વાસઘાત કરવામાં એક્કો અને લુચ્ચાઈમાં તેની તોલે કોઈ ન આવે એવા આ નામચીન બદમાશ પર અમેરિકાના Wild Westમાંના રાજ્યોએ તેને પકડી લાવનારને સેંકડો ડૉલરનાં ઈનામ જાહેર કર્યા છે. આવા ગુનેગારોને પકડી રાજ્યમાં આવેલા કોઈ પોલિસ અધિકારી (Sheriff)ને હવાલે કરનાર વ્યક્તિને Bounty Hunter કહેવાય છે. આ સંદર્ભમાં ‘બાઉન્ટી’ એટલે ઈનામ, અને આ ઈનામ તરત અપાય.
ટુકો એટલો ચાલાક બદમાશ છે, તેને જીવતો કે મૂએલો લઈ ઈનામ લેવા જનાર ત્રણ અનુભવી બાઉન્ટી હન્ટર્સને તેણે મારી નાખ્યા હતા. એક વાર ત્રણ બાઉન્ટી હન્ટર્સ મળીને તેને મારવા ગયા, પણ ત્યાં ચોથો ‘જણ’ પહોંચી જાય છે અને ત્યાં થયેલા ગોળીબારમાં આ નિશાનબાજે ટુકો સિવાય ત્રણે બાઉન્ટી હન્ટર્સને માર્યા. આ માણસનું નામ કોઈ જાણતું નથી, તેથી તેના ભૂરા વાનને કારણે ટુકો તેને બ્લૉન્ડી કહીને બોલાવે છે. આ બે જણા મળીને છેતરપીંડીની જુગલબંધી શરૂ કરે છે. બ્લૉન્ડી (ક્લિન્ટ ઈસ્ટવૂડ) એવો નિશાનબાજ છે કે દૂરથી પણ ધારેલી ચીજને તે વિંધી શકે છે. જે પરગણામાં ટુકો માટે ઈનામના જાહેર કરવામાં આવ્યું હોય ત્યાં બ્લૉન્ડી ટુકોને ‘પકડી’ને લઈ જાય. ઈનામના જે પૈસા મળે તેમાં બન્નેની ભાગીદારી. આમાં એક મોટું જોખમ એ હતું કે મોટા ભાગના ગામોમાં ટુકોને ફાંસીની સજા મળે એવા ગુના તેણે કર્યા હતા. બ્લૉન્ડી ટુકોને શેરીફની અૉફિસમાં હાજર કરીને બે હજાર ડૉલરનું ઈનામ લઈને રવાના થઈ જાય છે. જો કે તે ગામમાં જ સંતાય છે અને ત્યાં એવી જગ્યા શોધે છે, જ્યાંથી તેને ફાંસીનો માંચડો દેખાય. ફાંસીનો ફંદો ટુકોના ગળામાં ભેરવાયા પછી પગ નીચેનું પાટિયું ખસેડતાં પહેલાં બ્લૉન્ડી ફાંસીના દોરડાને રાઇફલની ગોળીથી વિંધી નાખે અને મારતે ઘોડે ફાંસીના માંચડેથી ટુકોને ઉપાડીને ભાગી જાય. ત્યાંથી બીજે ગામ જઈ આવું જ કારસ્થાન કરે, ત્યાંથી પૈસા લઈને ત્રીજે ગામ જાય. આનું દૃશ્ય અહીં જોઈએ!
ટુકો ભારે ખંધો માણસ છે અને બ્લૉન્ડી તે જાણે છે. પૈસાને ખાતર એ તેનું ગળું ક્યારે કાપી નાખશે તેનો ભરોસો ન હોવાથી બ્લૉન્ડી હંમેશા સાવચેત રહે છે. અંતે ભાગીદારી માંથી છુટી બ્લૉન્ડી જવા માગે છે, પણ ટુકો તેને છોડવા તૈયાર નથી. બન્ને વચ્ચે થયેલા મનભેદમાં ટુકો બ્લૉન્ડીને મારી ન નાખે તે માટે બ્લૉન્ડી તેને રણના ખારાપાટમાં ઘોડા અને શસ્ત્ર વગર છોડી જાય છે જેથી તે તેનો પીછો ન કરી શકે. બ્લૉન્ડી ક્રૂર નહોતો. તેણે ટુકોને છોડવા માટે નક્કી કરેલી જગ્યા એવી હતી કે તે માનવ વસ્તીથી એટલી દૂર નહોતી કે ટુકો પાણી વગર મરતાં પહેલાં ત્યાં પહોંચી જાય. ટુકો બ્લૉન્ડીને ગાળો આપે છે અને કહે છે કે તને મારી નાખ્યા વગર નહિ રહું.
બીજી તરફ અૅન્જેલ આઇઝ ક્રૂર વ્યક્તિ છે. સોપારી લઈ ખૂન કરવા માટે નામચીન છે. પૈસા માટે તેના પરિચીતને કે મિત્રને પણ મારી નાખવો પડે તો તેને તેમાં કશું અજુગતું ન લાગે એવો સ્વાર્થી અને ઘાતકી માણસ છે. તેને એક બીડું મળે છે કે સિવિલ વૉરના યુદ્ધના ખર્ચ માટે દક્ષીણ રાજ્યોની સેના (Confederate Army)ને મોકલવામાં આવેલ બે લાખ ડૉલરના સોનાનાં સિક્કા લઈને એક સૈનિક નાસી ગયો છે. તેની તપાસ કરવાનું કામ અૅન્જેલ આઇઝને સોંપાય છે. તે તપાસ કરતો જાય છે અને ખબર આપનારનાં ખૂન પણ કરતો જાય છે, કારણ કે તેને આખી રકમ ચાંઉં કરવી છે. આખરે તેને સગડ મળે છે કે નાસી જનાર સૈનિકે પોતાનું નામ બદલીને બિલ કાર્સન રાખ્યું છે. હવે તે બિલ કાર્સનની શોધમાં નીકળે છે.
બ્લૉન્ડી અને ટુકોને પણ બિલ કાર્સનના કારસ્થાનની ખબર મળે છે.
આ સમય એવો હતો કે અમેરિકાનું ગૃહ યુદ્ધ ત્યારે બરાબર જામ્યું હતું. કમનસીબે રણમાં ટુકોને છોડીને નાસી ગયેલો બ્લૉન્ડી ટુકોની પકડમાં આવી જાય છે. બદલો લેવા ટુકો બ્લૉન્ડીને રણમાં પાણી વગર રિબાવીને મારી નાખવા લઈ જાય છે. તરસથી મરવા જેવા થઈ ગયેલા બ્લૉન્ડીની અસહ્ય હાલતની તેને પરવા નથી. અચાનક તેને દૂરથી આવતી બગ્ગી દેખાય છે. પૂર ઝડપે દોડતાં ઘોડાંઓની બગ્ગીનો કોચવાન અને તેમાં બેઠેલા બધા મુસાફરો મરી ગયા છે કે મરવાની અણી પર છે. ટુકો તેના પર કાબુ મેળવી, બ્લૉન્ડીને ત્યાં ખેંચીને લઈ જાય છે, અને જુએ છે તો મુસાફરોમાંનો એક જણ મરવાને વાંકે કેમ ન હોય જીવતો હતો અને પાણી વગર ટળવળતો હતો. તેનું નામ સાંભળી ટુકો રાજીનો રેડ થઈ જાય છે, કારણ કે તે બિલ કાર્સન જ હતો! ટુકોને તે કહે છે કે ‘મને પાણી આપ. બદલામાં કઈ કબરમાં મેં સોનાનાં સિક્કા સંતાડ્યા છે તે કહીશ! ટૂકો મૃત:પ્રાય થયેલા બ્લૉન્ડીને બિલ કાર્સન પાસે છોડી પાણી લેવા જાય છે. તે પાછો આવે ત્યાં સુધીમાં બિલ મરણ પામે છે. બ્લૉન્ડી કહે છે તેણે મરતાં પહેલાં પૈસા ક્યાં સંતાડ્યા છે, તેની તેને પૂરી માહિતી આપી છે. હવે ટુકોની હાલત જોઇને હસવું આવ્યા વગર રહેતું નથી. બ્લૉન્ડીને રિબાવી રિબાવીને મારી નાખવા નીકળેલો ટુકો હવે બ્લૉન્ડી કહે છે, “ગમે તે થાય, પણ તું મરીશ નહિ! શું સમજ્યો, મારા પરમ મિત્ર બ્લૉન્ડી? તારે મરવાનું નથી!”
ચાલાક ટુકો વિચાર કરે છે: ખજાનો હાંસલ થાય ત્યાં સુધી બ્લૉન્ડીને જીવતો રાખવો જ પડશે! ખજાનો મળ્યા પછી ક્યાં તેનું ગળું રહેંસી શકાતું નથી? બન્ને જણા મરેલા સૈનિકોનાં ગણવેશ પહેરી આગળ વધે છે. રસ્તામાં મિલિટરીની ટુકડી મળે છે જે તેમના કમભાગ્યે તે દુશ્મન સેનાની હોય છે! તેઓ ટુકો અને બ્લૉન્ડીને કેદ કરી પોતાના કૅમ્પમાં લઈ જાય છે. આ જાણે ઓછું હોય, અૅન્જેલ આઇઝ આ દુશ્મન સેનામાં સાર્જન્ટ તરીકે ભરતી થયો હોય છે અને કેટલાક નીચ સૈનિકોને હાથમાં લઈ પોતાનું સાધ્ય - બિલ કાર્સનનું દ્રવ્ય મેળવવાનો કારસો રચે છે. જો કે તેને ખબર નથી કે કઈ જગ્યાએ આ ખજાનો છે. બ્લૉન્ડી અને ટુકો અનાયાસે હાથમાં આવતાં તે બન્નેને એવી ઘોર યાતના આપે છે, અંતે બ્લૉન્ડીને કહેવું પડે છે કે બિલ કાર્સને ખજાનો કયાં સંતાડ્યો છે.
અૅન્જલ આઈઝ હવે ટુકોને મારી નાખવાની જવાબદારી એક ક્રૂર હવાલદારને સોંપી પોતે ખજાનો હાંસલ કરવા નીકળી જાય છે. ચાલાક ટુકો પેલા હવાલદારને મારી ત્યાંથી નાસી જાય છે અને બ્લૉન્ડીને આવી મળે છે. બન્ને ખજાનાના સ્થળ સુધી પહોંચી જાય છે. વચ્ચે એક નદી આવે છે, જેના પરના પુલનો કબજો લેવા વિરોધી સેનાઓમાં ઘમસાણ યુદ્ધ ચાલતું હોય છે. દુશ્મનને રોકવા સેનાની ટુકડીના કૅપ્ટનને પુલ ઊડાવી દેવો છે. આ કામમાં બ્લૉન્ડી તથા ટુકો તેને સાથ આપે છે. આ કામ પૂરૂં કરી તેઓ નદી પાર કરી કબ્રસ્તાન પહોંચી જાય છે. ત્યાં જઈને જુએ છે તો અૅન્જેલ આઈઝ પણ પહોંચી ગયો છે. જો કે તેને પેલી કબર જડી નથી. બ્લૉન્ડીએ વર્ણવેલી અનામી સૈનિકોની ઘણી કબરો ત્યાં મોજુદ હતી. હવે બ્લૉન્ડી કબુલ કરે છે કે તેણે જાણી જોઈને ખરી કબરની માહિતી આપી નહોતી - જે તે હવે તેને એકલાને ખબર છે.
અંતિમ દૃશ્ય એવા climaxમાં રજુ થયું છે જે જોતાં પ્રેક્ષકોનાં શ્વાસ થંભી જાય. અહીં કથાના ત્રણે પાત્રો સોનું મેળવવા એક હરિફાઈ યોજે છે. Duelમાં બે પ્રતિદ્વંદ્વી વચ્ચે યુદ્ધ હોય છે. અહીં તેઓ ત્રિકોણ યુદ્ધ કરવાનું નક્કી કરે છે. સમકોણ ત્રિકોણના(equilateral triangle)ના ત્રણ ખૂણામાં ટુકો, અૅન્જેલ આઇઝ અને બ્લૉન્ડી જુદા જુદા પણ સમાન અંતર પર ઉભા રહે છે. દરેકની પિસ્તોલ તેમના કમરપટ્ટામાં ખોસી હોય છે. જે પહેલાં તેને કાઢવાનો પ્રયત્ન કરે - જેને ત્યાંની ભાષામાં Draw કહે છે, તેની સામેના દ્વંદ્વીને પોતાનું હથિયાર કાઢી દુશ્મન પર ગોળી ચલાવવાની છૂટ છે. ત્રણે એક બીજા પર તીક્ષ્ણ નજરે જુએ છે. આ દૃશ્ય દિગ્દર્શકે અત્યંત કૌશલ્યથી રજુ કર્યું છે. આખા દૃશ્યની દરેક ફ્રેમના close-upમાં ટુકો, બ્લૉન્ડી અને અૅન્જેલ આઇઝના ચહેરા પરના ભાવ, તેમની આંખોમાંથી દૃશ્યમાન થતી લાગણી એવી તો સચોટ રીતે તેમણે કલાકારો પાસેથી પ્રદર્શીત કરાવી છે, નવાઈ લાગ્યા વગર ન રહે. અૅન્જેલ આઈઝની આંખોમાં દેખાય છે સાવધાની અને વેધકતા, જાણે તે દૂરથી બન્ને પ્રતિસ્પર્ધીના ચહેરા અને તેમની આંખોને વાંચી તેમની હિલચાલની ક્ષણ જાણવા માગે છે. ટુકોની આંખો જ્યારે અૅન્જેલ આઇઝ તરફ જુએ છે, તેમનામાં ભય સ્પષ્ટ દેખાય છે. બ્લૉન્ડી તરફ તેનો ચહેરો આર્જવતા પ્રદર્શીત કરે છે - ‘આપણે તો દોસ્ત અને ભાગીદાર છીએ. આપણે બન્ને મળીને…?” ત્રીજી તરફ બ્લૉન્ડીની આંખોમાં દેખાય છે આત્મવિશ્વાસ. તેના હોઠ વચ્ચે અર્ધી બળેલી સિગારમાંથી ધુમાડો નથી, પણ જે રીતે તેના હોઠ બિડાયા છે, તેમાં તેની કૃતનિશ્ચયતા જણાઈ આવે છે. પાંચે’ક મિનીટના આ સીનમાં ત્રણે યોદ્ધાઓનાં ચહેરા પર ઘુમતા કૅમેરાની પશ્ચાદ્ભૂમાં છે કબ્રસ્તાન અને દૃશ્યને અસરકારક બનાવવા સંગીતકારના અૉરકેસ્ટ્રામાંથી ધસમસતા પૂર જેવો વાગે છે crescendo - જેને સિતાર - સરોદની જુગલબંધીના અંતિમ, દ્રૂત ગતિથી વહેતા જોડ અને ઝાલાના આવેગ જેવો કહી શકાય. આના વર્ણનમાં એક રસિક લેખક શ્રી દિપક સોલિયાએ ટાંક્યું છે એક observation - સંગીતના એક સેકન્ડના ભાગમાં આપણને એક કાક સ્વર સંભળાય છે જે સાંભળી પત્થરમાં પણ રોમાંચ પ્રસરી જાય. અને છેલ્લે શરૂ થાય છે ત્રિકોણ-યુદ્ધ.https://www.youtube.com/watch?v=awskKWzjlhk બ્લૉન્ડીની વિદ્યુત ગતિએ ખેંચાયેલી રિવૉલ્વરમાંથી છુટેલી ગોળી અૅન્જેલ આઇઝને વિંધી નાખે છે.હવે ચિંતામુક્ત થયેલા બ્લૉન્ડીના ચહેરા પરની બેફિકરાઇ જોઈ દગાબાજ ટુકો પોતાની રિવૉલ્વર બ્લૉન્ડી તરફ તાકી ધડાધડ ગોળીઓ છોડવા ઘોડો ખેંચે છે, પણ ગોળી વછૂટતી નથી. બ્લૉન્ડીએ તેની પિસ્તોલમાંથી ગોળીઓ કાઢી લીધી હતી! હવે ટુકોનો ચહેરો જોવા જેવો થાય છે: બ્લૉન્ડીની ક્ષમાયાચના, દયા, કરૂણા માગતી ભાવનાઓ પ્રદર્શીત કરતો ટુકો હવે હાસ્યાસ્પદ લાગે છે. અને ત્યાર પછી...
ત્યાર પછી આવતો ચિત્રપટનો અંત જોવા જેવો છે. બ્લૉન્ડી ખજાનાના બે ભાગ કરે છે. એક ભાગ પોતાના ઘોડા પર લાદે છે. બીજો ટુકો માટે કબરના ખાડામાં છોડે છે, પણ ટુકોને કબર પરના ક્રૉસ પર ઉભો રાખી, તેના ગળામાં ફાંસીનો ફંદો નાખી તેનો બીજો છેડો ઝાડ પર બાંધે છે. ત્યાર પછી તે ત્યાંથી મારતે ઘોડે નીકળી જાય છે. અહીં ટુકો તેને ગંદી ગાળો આપે છે, પણ બૅલેન્સ સંભાળીને! જો પગ ખસી જાય તો ફાંસીનો ફંદો તેનો જીવ લે. ત્રણસો-ચારસો ગજ દૂર જઈને બ્લૉન્ડી ઘોડાને રોકે છે, પાછો ફરી પોતાની રાઈફલ કાઢીને ટુકો તરફ તાકે છે. ટુકો ગભરાય છે, અને આંખ બંધ કરે છે. હવે રાઇફલમાંથી ગોળી છૂટે છે અને… ટુકોના ફાંસીના ફંદાને વિંધી, તેને ફંદામાંથી મુક્ત કરી જમીન પર જીવતો પાડે છે. ટુકો સ્વસ્થ થાય ત્યાં સુધીમાં બ્લૉન્ડી ત્યાંથી રવાના થઇ જાય છે.
***
ફિલ્મની જાહેરાતોમાં ક્લિન્ટ ઇસ્ટવૂડને ભલે અગ્રતા અપાઈ હોય, પણ સિનેજગતમાં અને પ્રેક્ષકોમાં સૌથી વધુ લોકપ્રિય બની ગયો હોય તો તે હતો ટુકો - ઇલાઇ વૉલેક. ટુકોનું પાત્ર ભજવી તેમણે નાયક કરતાં પણ વધુ ફૂટેજ પ્રાપ્ત કર્યું. આવા પાત્રને પ્રતિનાયક anti hero કહેવાય છે, અને આ તેમણે એટલી કલાત્મકતાથી ભજવ્યું છે, પ્રેક્ષકો તેમની ક્રૂરતાને ધિક્કારવાને બદલે તેમના રમૂજભર્યા સંવાદોમાંથી ફૂવારાની જેમ ઉછળતા હાસ્ય રસની અખૂટ છોળોનો આનંદ માણે છે અને હસી પડે છે. ટુકોનાં કેટલાક સંવાદો પ્રેક્ષકો હજી પણ યાદ કરીને ઉચ્ચારે છે. તેનો એક નમૂનો અહીં જોઈએ.
ચિત્રપટમાં The Bad - Angel Eyesનું પાત્ર ઉપસાવ્યું છે લી વાન ક્લીફે. રાઈફલની સંગીન (bayonet) જેવું ધારદાર, ભયપ્રદ, ક્રૂર એવું આ પાત્ર છે. બૅયોનેટ એક વાર ચાલી પડે તો તે કોઇની કે કશાની શેહ નથી રાખતી એવા આ પાત્રની રક્તવાહિનીઓમાં જાણે સાપના જેવું ઠંડુ રક્ત વહેતું હોય, તેમ હૃદયમાં કશું કંપન અનુભવ્યા વગર અને લાગણીશૂન્યતાથી દમન અને અત્યાચાર કેવી રીતે કરાય તે લી વાન ક્લીફે આ ચિત્રપટમાં વાસ્તવીક કરી બતાવ્યું છે.
આ તો થયા ત્રણ મુખ્ય પાત્રો. આગળ જતાં આપણે જોઈએ છીએ અમેરિકન ગૃહયુદ્ધમાં ઘાયલ થયેલા કૅપ્ટનના પાત્રમાં આલ્ડો જ્યૂફ્રે “મદિરા એ યુદ્ધ જીતવાનું અમોઘ શસ્ત્ર છે!” કહી ગંભીર રીતે ઘવાયો હોવા છતાં યુદ્ધનું સંચાલન કરે છે; ટુકોના પાદરી ભાઇ ફાધર પાબ્લો રામીરેઝને જોઈ આપણે હેરત પામીએ કે એક માતાના ઉદરમાંથી આવી બે વિરોધાભાસી વ્યક્તિઓ કેવી રીતે જન્મી શકે! વળી દેવળમાં બન્ને ભાઈઓ વચ્ચે થતા સંવાદમાં ટુકોનો દૃષ્ટિકોણ એટલી જ વેધકતાથી રજુ કરવામાં આવ્યો છે.
આમ જોવા જઇએ તો ચિત્રપટમાં આવતા પ્રસંગોનો ક્રમ, પાત્રોનું આવવું - જવું (Fade in/fade out), સંવાદોની deliveryમાં કયા શબ્દો પર ક્યાં અને કેવી રીતે ભાર આપવો, કલાકારોનાં મુખ પર પ્રસંગોચિત પણ complex ભાવ લાવવામાં જે સૂક્ષ્મ નિરીક્ષણ જોઈએ તે ચિત્રપટના નિર્દેશક સર્જિયો લિયોનીએ એવી તો સંવેદનશીલતાથી દિગ્દર્શીત કર્યું છે, આ ચિત્રપટ અન્ય કોઈ વ્યક્તિ કદાચ ન કરી શકી હોત. અહીં એક વધારાની વાત કહેવી અત્યંત જરૂરી છે , અને તે છે ચિત્રપટના સંગીતની. એક અસામાન્ય રત્નને જડવા માટે અસામાન્ય મુકૂટ જ જોઈએ. બન્ને એક બીજાને એટલા પૂરક હોય કે મૂકૂટમાં જડવામાં આવેલા રત્નનો પ્રકાશ અવિરત રીતે ઝળકતો રહે. મુકૂટ જોનાર દર્શક એ પણ બોલી ઉઠે કે તેના નક્શીકામમાં આ રત્ન અનોખી રીતે જડવામાં આવ્યું છે જેથી બન્નેને જોતાં જ રહીએ! અને આ ચિત્રપટનાં રત્ન અને મુકૂટ છે તેનું દિગ્દર્શન તથા સંગીત.
આ ચિર-સ્મરણીય અને અદ્વિતિય ચિત્રપટના સંગીતનું કલાત્મકતા સંયોજન અને નિર્દેશન મોરીકોનીના સંગીત વગર અધૂરૂં રહ્યું હોત.
આ ફિલ્મને વિવેચકોએ શરૂઆતમાં સામાન્ય ગણીને ‘Spaghetti Western’ - ઇટાલીયનોએ અમેરિકા બહાર નિર્માણ કરેલી પણ અમેરિકાના wild westની પાર્ષ્ભુમિ દર્શાવેલ બનાવટ કહ્યું હતું. જો કે હજી પણ લોકો તેને Spaghetti Western કહે છે, પણ તે ચિરસ્મરણીય ચિત્રપટ બની ગયું છે.જો કે ફિલ્મના outdoor દૃશ્યોનું નિર્માણ મુખ્યત્વે સ્પેનમાં થયું હતું.
આ અઠવાડિયાની શરૂઆતમાં ચિત્રના પ્રતિનાયક ઈલાઇ વૉલેકનું ૯૮ વર્ષની વયે અવસાન થયું. આજનો અંક તેમને શ્રદ્ધાંજલિ તરીકે રજુ કર્યો છે. તેમાં રજુ કરેલી ક્લિપ્સમાં ચિત્રપટના છેલ્લો દૃશ્યની ક્લિપ જિપ્સીની દૃષ્ટિએ ફિલ્મનો સર્વશ્રેષ્ઠ sequence છે. અહીં મોરીકોનીના ફિલ્મના Theme musicને મોરીકોનીના અૉર્કેસ્ટ્રામાં સંાભળ્યા વગર તેને દાદ નહિ આપી શકાય. અહીં તે રજુ કર્યું છે.
આ ચિત્રપટને સળંગ વિડિયો ઉપલબ્ધ નથી, પણ તેની ઘણી clips ઇન્ટરનેટ પર મળી રહે છે. દરેક દૃશ્ય જોવા જેવું છે!
આશા છે આજનો અંક આપને ગમશે અને ઈલાઈ વૉલેકને અપાતી અંજલિમાં આપ જોડાશો.