Thursday, December 18, 2008

નિમિત્ત

મિત્ર!
"જીપ્સીની ડાયરી"માં આપનું સ્વાગત કરૂં છું.
કદાચ આપને વિચાર આવશે, ગુજરાતીમાં ઘણા સમૃદ્ધ બ્લૉગ્ઝ છે, તો એક વધુ બ્લૉગની શી જરૂર પડી?

ધન અને ઊદ્યોગની સમૃદ્ધિની વાત ન કરીએ તો પણ એટલું તો કહેવું જોઇશે કે સંસ્કૃતી અને સંસ્કારની સમૃદ્ધિ ગુજરાતની ઐતિહાસીક પરંપરા છે. આપણા દેશમાં વિજળીને ચમકારે મોતી પરોવતાં સંતોના અંતરમાં થયેલી દિવ્યતાની અનુભુતિ અને અનુભવોનો ખજાનો ભરેલો છે. તેમાંથી જન્મતા આવ્યા છે પ્રબંધ, કવિત, દર્શન, ભજન, કથા અને નવલકથા.

લાંબા સમય સુધી સૈનિક તરીકે ભારતની સશસ્ત્ર સેનામાં સીમા પર સેવા આપતી વખતે મને જીવનમાં સત્પુરુષોનો સહવાસ મળ્યો. વિવિધ પ્રદેશોમાં ચિત્ર-વિચીત્ર અનુભવો આવ્યા. સ્વ. આચાર્યશ્રી ડૉ. દિલાવરસિંહજી જાડેજાએ "લેફ્ટ-રાઇટ, લેફ્ટ-રાઇટ" કરનાર રાઇફલધારી સૈનિકને 'કૅપ્ટન નરેન્દ્ર'ના નામથી પોતાની વાત કહેવાનો મોકો આપ્યો અને તેની યાત્રા ચાલુ રહી.

આ બ્લૉગમાં કેવળ "જીપ્સીની ડાયરી" પ્રગટ કરવાનો ઊદ્દેશ નથી. આપનો સહકાર હશે તો અહીં આપની ડાયરીનાં પાનાં પણ ઊતારીશું. ગુજરાતી, અંગ્રેજી, હિંદી - કોઇ પણ ભાષામાં આપની વાત મોકલશો તો તેને બ્લૉગના સમય અને સ્થળની અનુકૂળતા પ્રમાણે આપણે સાથે વહેંચીને માણીશું.

"જીપ્સીની ડાયરી" એક નિમીત્ત છે, અાપ સૌને મળવાનું. આજે પ્રથમ અંકમાં આ સંદર્ભમાં "અખંડ આનંદ"માં પ્રસિદ્ધ થયેલ લેખ "નિમીત્ત" સાથે શરૂઆત કરૂં છું. આ બ્લૉગ તથા લેખ વિશે આપના વિચારો જરૂર મોકલશો.

આપનો,
કૅપ્ટન નરેન્દ્ર


નિમીત્ત
કિરણ ચતુર્વેદી મારા મિત્ર. વ્યવસાયે પોલીસ અધિકારી, પણ આચાર વિચાર તત્વજ્ઞાનીના. એક સાંજે સપ્તર્ષી તરફ મારૂં ધ્યાન દોરી મને પૂછ્યું, “ મિત્ર, આ તારક સમૂહનો આકાર તમને એક મોટા પ્રશ્નચિહ્ન જેવો નથી દેખાતો?
તે રાત્રે જીવનમાં પ્રથમવાર સપ્તર્ષીને મેં નવા દૃષ્ટિબિંદુથી જોયા. અને સાચે જ, મને તે વિરાટ Question mark ના આકાર જેવા દેખાયા. ઋષીમંડળના આ નવદર્શનમાં એક નવું પરિમાણ એ પણ દેખાયું કે તેમાંના પ્રથમ બે ઋષી - અત્રી અને ભારદ્વાજની સીધી દૃષ્ટી અવિચળ સત્ય સમા ધ્રુવ પર મંડાઇ છે. ત્યાર પછી જયારે જયારે સપ્તર્ષિનું દર્શન થતું, તેઓ નવા નવા પ્રશ્ન પૂછતા હોય તેવું લાગ્યું.
માનવજાતીની પ્રત્યેક વ્યક્તિને તેના જીવનના નિમીત્ત વિશેનો આ પ્રશ્ન છે?
શું તેઓ અમને આપણા જીવનની સમસ્યાઓનો ઉત્તર શોધવા આહ્વાન તો નથી આપી રહ્યા?
અંતિમ સવાલ: જીવનની સમસ્યાઓનો ઉકેલ ક્યાં મળશે તેનો પણ સંકેત સપ્તર્ષી પાસે છે?
એક વાર આવી જ રીતે સપ્તર્ષીનાં દર્શન કરતી વેળા મનમાં પ્રશ્ન ઊઠ્યો. માણસો એક બીજાના જીવનમાં શા માટે આવતા હોય છે? આવા મેળાપનું કોઇ પ્રયોજન હોય છે? કોઇ વાર એકાદ માણસ આપણા જીવનમાં થોડા સમય માટે સ્નેહ સંગાથ આપી, અણીના સમયે મદદ કરી અચાનક ‘આવજો’ પણ કહ્યા વિના આપણા જીવનમાંથી ચાલ્યા જાય છે. આપણને ‘થૅંક યૂ’ કહેવાની પણ તક નથી આપતા! આ શું કેવળ કર્મની કે ગયા ભવની લેણાદેણી હોય છે? આવા મિલન, પુનર્મિલન, અલ વિદા અને દુ:ખમય લાગતા સંબંધ-વિચ્છેદ પાછળ વિધિનો શો હેતુ હશે? મને આનો જવાબ ન મળ્યો. મેં સપ્તર્ષીને પૂછી જોયું, પણ તેઓ હંમેશની જેમ મરક મરક સ્મિત કરી કહેતા હતા, “જવાબ મળશે. જરા ખમી જા!”
દાયકાઓ વિતી ગયા અને એક દિવસ mass circulationમાં એક અજાણી વ્યક્તિએ લખેલ કેવળ ૨૦૦ શબ્દોની ઇ-મેલમાં કેવળ મારા જ નહિ, જગતની અનેક વ્યક્તિઓના મનમાં ઊઠતા સવાલનો જવાબ હતો. આપણા સૌનાં એકબીજા સાથેનાં મિલન અને જુદાઇની ઉપરછલ્લી સપાટી પર ભાવ-વિહીનતા ભલે દેખાતી હોય, પણ તેની પાછળ પરસ્પરનાં હૃદયના ઊંડાણમાં સમાયેલી વ્યથા, કરૂણા, કૃતજ્ઞતા તથા સ્નેહને જોવાનો તેમાં અણસાર હતો.
આ અજાણ્યા લેખક કહે છે:
“તમારા જીવનમાં અનેક વ્યક્તિઓ આવશે. તેમાંના કેટલાક એક નિશ્ચીત પ્રયોજન પૂરતા આવે છે. કેટલાક આપણા જીવનના કાળચક્રની એકાદ ઋતુ પૂરતા સાથે રહેશે. ફક્ત થોડી જ વ્યક્તિઓ લાંબા સમય માટે કે જીવનભરનો સાથ આપવા આવે છે.
“કેટલીક વ્યક્તિઓ આપણા જીવનમાં ઊભી થતી વ્યક્ત કે અવ્યક્ત પણ તીવ્રતાથી ભાસતી આવશ્યકતા પૂરી પાડવા આવે છે. જાણે મુશ્કેલીની ઘડીમાં આપણે પરમાત્મા પાસે કરેલી પ્રાર્થનાના જવાબમાં ન આવ્યા હોય! આપણી તકલીફના સમયમાં કોઇ વાર તો તેઓ અચાનક આવી, જરૂરી સહાયતા આપવા ઊપરાંત આધ્યાત્મિક કે ભાવનાત્મક આધાર આપતા હોય છે. સાચી વાત તો એ છે કે તેઓ આપણી પાસે ખાસ પ્રયોજન માટે જ આવતા હોય છે. આવી કલ્પનાતીત સહાય કરનાર દૈવી વ્યક્તિ આગળ આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ, તેમનો આદર કરવાનો વિચાર કરીએ તે પહેલાં જ તેઓ એવું કશું કહી દેશે કે તેમની સાથેના આપણા અલ્પ સમયના સંબંધનો વિચ્છેદ થઇ જશે. આપણી કોઇ ભુલ ન હોય, આપણા માટે સમય પ્રતિકુળ લાગતો હોય અને આપણને આ વ્યક્તિની હજી પણ જરૂર છે એવું લાગતું હોય તેમ છતાં તે આપણા જીવનમાંથી કાયમ માટે જતા રહે છે,
“કોઇ કોઇ વાર તો તેમનું વર્તન કઠોર લાગે અને મનદુ:ખ થઇ જાય. આવી હાલતમાં આપણે વિચાર કરવો જોઇએ કે તેઓ આપણા જીવનની અગત્યની જરૂરિયાત પૂરી પાડવા આવ્યા હતા. તેમને આપણી પાસે મોકલીને પરમાત્માએ આપણી પ્રાર્થના સાંભળી હતી. તેની અણધારી વિદાયથી દુ:ખમાં દિવસો વિતાવવાને બદલે તેમની ઊપસ્થિતિને પ્રભુની પ્રસાદી તરીકે સ્વીકારીએ તો મન ઊપરનો બોજ હળવો થઇ જશે. તેમના પ્રત્યે મનમાં રંજ નહિ રહે. પરમાત્માની કૃપા સમાન આ વ્યક્તિ આપણી જરુરિયાત પૂરી કરવાના નિમીત્તે જ આવ્યા હતા અને પોતાની ફરજ નિભાવીને ચાલ્યા ગયા છે. આપણા જીવનમાં તેમની અલ્પ-શી હાજરીની ધન્યતા અનુભવી આપણા માટે આગળ વધવાનો સમય આવી ગયો છે. ઇતિહાસમાં જીવવાને બદલે વર્તમાનમાં જીવો અને ભવિષ્ય તરફ પદસંચાર કરશો. Move on!
“કેટલાક લોકો આપણા જીવનમાં લાંબા સમય માટે, એક લાંબી ઋતુ માટે સંગાથ આપવા આવે છે. આ સમય છે તેમની પાસેથી કશું’ક શીખવાનો. તેમની છત્રછાયામાં તેમના માર્ગદર્શનન નીચે વિકાસ સાધવાનો. આ ભદ્રલોક આપણી સાથેના પાંચ-સાત વર્ષના સહવાસમાં અનુપમ શાંતિ, અપૂર્વ આનંદ અને ખુશીની અનેક પળો આપતા હોય છે. અભાવિત રીતે તેઓ આપણને એક નવી વિદ્યા, કળા શીખવતા હોય છે, અથવા એક નવો દૃષ્ટિકોણ કેળવી આપતા હોય છે. તે સમયે તેમની હાજરીના મહત્વનો ખ્યાલ અાપણામાંના ઘણાં લોકોને આવતો નથી. જ્યારે તેઓ આપણા જીવનમાંથી જતા રહે છે ત્યારે સમજાય છે કે તેઓ આપણા જીવનમાં આવેલી વ્યથાની અસહ્ય ક્ષણોમાં શીતળતા અને રાહત આપવા આવ્યા હતા. તેઓ પોતાનું કામ કરીને ચાલ્યા જાય તો તેમની વિદાયનો શોક ન કરશો. તેમની સ્મૃિતને હૃદયમાં સાચવીને ઉષ્મા અનુભવજો અને આગળ વધજો. તેમની યાદ કહેશે, ભૂતકાળમાં ન રહેશો. Move on!
“આપણા જીવનમાં ફક્ત થોડી જ વ્યક્તિઓ જીવનભરનો સાથ આપવા માટે આવે છે. તેમની સંવેદનશીલતા અને તેમના ભાવનાત્મક અનુબંધ પર આપણા જીવનના પાયા મજબૂત થઇ તેના પર આપણા જીવનનું ચણતર થતું હોય છે.
“ચિરકાળનો સંગાથ આપનાર આ વ્યક્તિ પરત્વે આપણું એક કર્તવ્ય હોય છે - તેમણે અાપેલ સ્નેહનો સ્વીકાર કરી તેમને આપણા અંતરનો સાચો સ્નેહ આપવાનું. તેમની પાસેથી પ્રાપ્ત કરેલ નિ:સ્વાર્થ સ્નેહની ભાવનાને જીવનમાં ઊતારી, તેને આપણા જીવનમાં આવેલ વ્યક્તિઓમાં વહેંચવાની આપણી ફરજ બને છે.
“તમે આ કરી શકશો?
“કરી બતાવશો?
“તમારી સાથેનો પ્રેમ-સંબંધ અને સ્નેહાનુબંધ છે, તેને લક્ષ્યમાં રાખી હું તમને કહું છું કે મારા જીવનમાં આવીને તમે મારા અસ્તીત્વનો અંશ બન્યા છે. મને જે સ્નેહ અને મૈત્રી આપ્યા છે તે માટે હું તમારો અંતરથી આભાર માનું છું. તમારો ઋણી છું. આ સંદેશ તમારા સંપર્કમાં રહેલ દરેક વ્યક્તિને આપશો. જેમણે તમને આ સંદેશ મોકલ્યો છે, તેને પણ કહેજો, ’મારા જીવનમાં જે નિમીત્ત લઇને તમે આવ્યા, જેટલો સમય મારા જીવનમાં રહ્યા તેનાથી અમે ધન્ય થયા. તમારા સત્સંગના ઋણનો હું સ્વીકાર કરૂં છું.”

જીપ્સીનો કિરણ ચાતુર્વેદીને પણ સંદેશ છે. મારા અંતર્મનમાં તમે મૂકેલા સપ્તર્ષીના પ્રશ્નચિહ્નનો ૩૫ વર્ષ બાદ જવાબ મળ્યો. ગુજરાતના રણપ્રદેશમાં તમારી સાથે થયેલી મુલાકાતનું નિમીત્ત ઠેઠ હવે જાણ્યું, અને સપ્તર્ષીની દૃષ્ટીપથમાં જ ઊત્તર સમાયો છે તે પણ સમજાયું.

તમે ક્યાં છો તે હું જાણતો નથી, પણ જો તમારા વાંચવામાં મારો આ પત્ર આવશે તો કદાચ તમને અનુભુતિ થશે કે તમારા જીવનમાં એક નાનકડી ઋતુ પુરતા આવેલા એક સૈનિકના જીવનમાં તમે જીવનભરની ધન્યતા ભરી આપી છે. તમારા ઋણનો હું સ્વીકાર કરૂં છું.

નોંધ: અખંડ આનંદમાં પ્રસિદ્ધ થયેલા ‘જીપ્સી’ના લેખની આ સંક્ષીપ્ત સંસ્કરણ છે. શ્રી.કિરણ શંકર ચાતુર્વેદી,IPS ગુજરાતના ડાયરેકટર જનરલ અૉફ પોલીસના પદ પર રિટાયર થયા.