Wednesday, November 5, 2014

સંબંધોનું બાંધકામ : પ્રથમ તબક્કો (ગયા અંકથી શરૂ)

ગયા અંકમાં શ્રી. ABCના ગ્રહ મંડળના અભ્યાસનો પ્રથમ તબક્કો જોયા બાદ ઘણા પ્રતિભાવ અને અંગત સંદેશા મળ્યા. 

એક વાતમાં મિત્રોની સહમતિ હતી કે ઘણી વાર આપણે કેટલાક સંબંધોને Taken for granted માનીને ચાલતા  હોઈએ છીએ. જ્યારે તેને Eco-map જેવા સાધનમાં મૂકવામાં આવે ત્યારે તેમાં ઉપસેલું ચિત્ર જોઈને આશ્ચર્ય થાય. ગયા અંકમાં આપણે ત્રણ વાતો જોઈ, તેમાં છેલ્લી વાત હતી શ્રી. ABCની નજરે તેમણે તેમનાં સંબંધોમાં કેટલું ‘રોકાણ’ કર્યું હતું. 

આજે તેના બીજા ભાગમાં શ્રી. ABCએ કરેલા વિશ્લેષણ પ્રમાણે તેમના સંબંધોમાંના રોકાણના જવાબમાં તેમના આપ્તજનોનો પ્રતિભાવ કે વળતું રોકાણ કેવું હતું તે જોઈશું. આ કામ તેમણે અત્યંત પ્રામાણીકતાથી, ખુબ સમય લઈ, તેમના આપ્તજનો સાથેના વ્યવહારના વિવિધ પાસા અને પ્રસંગોનો જાયજો લઈ આ છેલ્લો એકો મૅપ બનાવ્યો. નીચે તેમણે દોરેલો તેમના ગ્રહ મંડળનો છેલ્લો નકશો આપ્યો છે. અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે તેમણે એક વાર પહેલો, બીજો અને ત્રીજો નકશો બનાવ્યો, તેમાં તેમણે જરા જેટલો ફેરફાર ન કર્યો. આથી જે છેલ્લો નકશો બન્યો તેમની આગળની કાર્યવાહીની blueprint છે. સંબંધોનું બાંધકામ તે પ્રમાણે થશૈ. 

 અહીં છેલ્લા નકશાનું પૃથ:કરણ (analysis) કરીશું.

શ્રી. ABCના તેમનાં બા, બાપુજી અને પત્ની સાથેનાં સંબંધ મજબૂત છે. પહેલેથી મજબૂત અને પ્રેમાળ સંબંધો તેમણે ધાર્યા હતા, અને તે જાળવવા માટે તેમણે તન, મન અને ધનથી પ્રયત્ન કર્યા હતા, એવો જ પ્રતિભાવ અને સ્નેહ તેમને તેમના તરફથી મળતો રહ્યો છે.
ભાઈ નંબર ૧ સાથેનો સંબંધ તેમની દૃષ્ટીએ રાબેતા મુજબનો હતો અને તેમાં તેમનું પોતાનું રોકાણ એવું જ સર્વ સાધારણ બે ભાઈઓ વચ્ચે હોવું જોઈએ એવું હતું. જ્યારે આ સંબંધમાં ભાઈ તરફથી આવતા પ્રતિભાવનું તેમણે વસ્તુનીષ્ઠ (objective) અવલોકન કર્યું તો જણાયું કે ભાઈનો તેમના પ્રત્યેનો સંબંધ નહિવત્ છે,  અને તેઓ ચોંકી ગયા. તેમણે તેમના પોતાના આ સંબંધમાં કરેલા રોકાણ પરથી માની લીધું હતું કે આ સંબંધ રાબેતા મુજબનો - એટલે બે સગા ભાઈઓ વચ્ચે હોવો જોઈએ તેવો અનૌપચારીક છે.
હવે તેમણે તેમના ભાઈ નં. ૨ સાથેના સંબંધનો વિચાર કર્યો તો જણાયું કે તેમનું આ સંબંધમાં રોકાણ વધુ ઘનીષ્ઠ હતું. જો કે ભાઈનું રોકાણ સર્વ સામાન્ય હતું. મુખ્ય તો બેઉ વચ્ચેના સંબંધોના લેવાણ દેવાણમાં સમાનતા નહોતી,  તે જણાઈ આવ્યું. આનું પ્રત્યક્ષીકરણ થયું ત્યારે તેમને વિચાર આવ્યો કે જે વાતનો ખ્યાલ તેમને હમણાં આવ્યો તે ભાઈ નં. ૧ની નજરમાં ઘણા સમય પહેલાં આવ્યો હતો તે શક્ય છે. આમ શ્રી. ABCએ તેમના બન્ને ભઈઓમાં કરેલા રોકાણના ભેદભાવનો ખ્યાલ ભાઈ નં. ૧ની નજરમાં કદાચ ઘણો વહેલો આવી ગયો હતો. તેથી જ શું તેમણે શ્રી. ABC સાથેનો સંબંધ બરડ કર્યો હતો અને હવે તે સાવ તુટી જવાની અણી પર હતો?
મિત્ર નં. ૧ સાથે શ્રી. ABCના સંબંધ સારા, પરસ્પર માન અને સમાનતાની ભાવના પર બંધાયા છે. અહીં તેમને ચિંતાનું કશું કારણ નથી.
આવી જ રીતે બહેન નં. ૨ તેમના સંબંધની વાત છે. 
ગ્રહ મંડળના આ સંબંધમાં શ્રી. ABCને સૌથી વધુ ચિંતાનો વિષય જણાયો હોય તો તે બહેન નં. ૨ સાથેના સંબંધની વાત છે. અહીં તેમણે જોયેલી વાતો આ પ્રમાણે છે: 

સંબંધોના ગ્રહ મંડળમાં કોણ કોણ છે, તેમાં બહેન નં. ૧નો સમાવેશ છે;
ગ્રહ મંડળમાંના દરેક તારક સાથે પ્રથમ દર્શનમાં જ શ્રી. ABCએ આ બહેન સાથેના સંબંધને બરડ લાગ્યો હતો અને તે પ્રમાણે તેમણે ટુટેલી રેખા વડે આ સંબંધ દર્શાવ્યો હતો. 
જ્યારે તેમણે આ સંબંધમાં તેમનું પોતાનું યોગદાન બતાવ્યું, તે પાતળી, પણ સકારાત્મક રેખાથી બતાવ્યું હતું. આમ કરવામાં તેમની પાસે નક્કર કારણો હોવા જોઈએ.
જ્યારે તેમણે શાંતિથી, ગંભીર વિચાર કરીને તેમના તાજેતરના અનુભવના આધારે આ બહેન તરફથી મળતા પ્રતિભાને જોઈ તેમને ખાતરી થઈ છે કે બહેન નં. ૧ તરફથી આ સંબંધ લગભગ પૂરો થયો છે, ભગ્ન થવાની અણી પર છે.   
છેલ્લે શ્રી. ABCના રહસ્યમય '?' સાથેના સંબંધની વાત. ગ્રહ મંડળના પહેલા નકશામાં તેમને સ્થાન આપવા છતાં બીજામાં આ સંબંધ ભગ્ન  થુયેલો દેખાયો. ત્રીજામાં શ્રી. ABC તરફથી પાતળું કેમ ન હોય રોકાણ છે, જ્યારે છેલ્લા નકશામાં '?' તરફથી કશો જ પ્રતિસાદ નથી. એક તરફી સંબંધમાં શ્રી. ABCએ ખાસ વિચાર કરવો જોઈશે અને આગળના કામનો નિર્ણય લેવો જોઈશે. કોઈ પણ સંબંધની વાત કરીએ તો તેમાં લાગણીનો અનુબંધ હોય જ, નહિ તો તેને સંબંધ ન કહી શકાય. તેથી આવા સંબંધમાં લાગણીઓનો દુર્વયય કરવાથી માણસને ખુદને નુકસાન પહોંચતું હોય છે.   

આમ સંબંધોના બાંધકામ માટે આપણે સૌએ આપણા પોતાના ગ્રહ મંડળના ચળકતા સિતારા અને અને લુપ્ત થતા તારકો અંગે કામ કરવાનું છે. ઉપર આપણી પાસે એક જીવંત લાગતા પણ કલ્પિત શ્રી. ABCના જીવનમાં ઉભી થેયલી સંબંધોની ઇમારત જોઈ.  એક વાત આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજમાં દરેક માણસનું સૃષ્ટીની આકાશગંગામાં તેનું આગવું ગ્રહ મંડળ છૈ. ઉપર આપેલા ઉદાહરણ સાથે તેનો જરા પણ મેળ ન બેસે તે સહજ સત્ય છે. જો કે દરેક ગ્રહ મંડળમાં રહેલા ગ્રહો વચ્ચે એક અદૃશ્ય ગુરુત્વાકર્ષણ રહેલું છે.  તેને ધ્યાનમાં લઈ સંબંધોનું બાંધકામ કેવી રીતે થઈ શકે?

આ પ્રશનનો ઉકેલ શોધવા આપણે આવતા અંકમાં પ્રયત્નકરીશું.

5 comments:

 1. ગયા અંકમાં કોમેન્ટ મુકી હતી; પણ કોઈક કારણસર આવી નથી. કદાચ એનો એકો મેપ બનાવવો પડશે! એ ફરીથી દોહરાવું છું.

  'દાદા ભગવાન' - જૈન દર્શન - સંબંધોના સમીકરણ વિશે આવી જ કાંઈક વાત કરે છે. રીત જુદી છે; પણ આશય એક જ છે.
  એનું નામ છે - 'નીજ દોષ પરીક્ષણ' - ત્રણ ભાગમાં ... આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન.
  ૧. સંબંધ અંગે વિગતે પૃથક્કરણ - પોતાનો દોષ શો છે; એની જાંચ
  ૨. પોતાના દોષ માટે ક્ષમાયાચના
  ૩. ફરીથી આવો દોષ ન થાય તે માટે શક્તિ આપવા પોતાના જે ઈષ્ટ્દેવ હોય, તેમને પ્રાર્થના.

  આમાં પણ સંબંધોને ફાઈલ નં. આપવાના હોય છે.
  અહં ઓગાળવાની બહુ જ સચોટ પદ્ધતિ જણાઈ છે.

  ReplyDelete
  Replies
  1. આપની વાત યોગ્ય જ છે. આજના nuclear family systemના યુગમાં માનવીય સંબંધો તરફ દુર્લક્ષ્ય તો થતું જ હોય છે, પણ તેનું ફરીથી ઘડતર કરવાના ઘણા માર્ગ છે, જેમાંનો એક - આધ્યાત્મીક માર્ગનું આપે નિર્દેશન કર્યું જેને આપણે સર્વોત્તમ કહી શકાય. આ સિવાય જેમને પોષાય તે કાઉન્સેલિંગનો આધાર લેતા હોય છે. Eco-mapના સિદ્ધાંતને આપણા સમાજને અનુલક્ષીને ઉપયોગમાં કેવી રીતે લાવી શકાય, તેનો આવિષ્કાર કહો કે adaptation, જિપ્સીએ તેના બ્રિટનના કાર્યકાળ દરમિયાન કર્યું. આના જે અનુભવ આવ્યા તે આ શ્રેણીમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આ કાર્ય પુસ્તકમાં ઘેર બેઠાં આ દિશામાં કાર્ય કરી શકાય એવી પદ્ધતિ રજુ કરવાનો આ પ્રયાસ છે.

   Delete
  2. દાદા ભગવાન નાં જૈન દર્શન વિષે હું એટલું ચોક્કસ કહીશ કે ઘણી બધી ખુબજ ગુઢ અને ગહન લાગે તેવી આધ્યાત્મિક બાબતો તેઓએ ખુબજ સરળતાથી સમજાવી છે. "તમેજ તમારા ભાગ્યવિધાતા છો" એ સ્વામી વિવેકાનંદ નું સુપ્રસીદ્ધ સુવાક્ય મેં સર્વ પ્રથમ ૧૯૭૧ માં વાંચેલુ પરંતુ ખરેખર કઈ રીતે પોતાના ભાગ્ય વિધાતા બની શકાય તે જ્યારે ૨૦૦૪ માં મેં અડાલજ ત્રિમંદિર ખાતે દીપકભાઈ નાં સત્સંગ માં ભાગ લીધો ત્યારે સમજાયું. એકરીતે જોઈએ તો સ્વામી વિવેકાનંદ ના એ સુવાક્યને અમલી બનાવવા ની ટેકનોલોજી મને ૩૪ વર્ષ પછી પુ. દાદા ભગવાન ના જૈન દર્શન માં થી મળી.

   Delete
 2. સરસ
  'ગ્રહ મંડળમાંના દરેક તારક સાથે પ્રથમ દર્શનમાં જ શ્રી. ABCએ આ બહેન સાથેના સંબંધને બરડ લાગ્યો હતો અને તે પ્રમાણે તેમણે ટુટેલી રેખા વડે આ સંબંધ દર્શાવ્યો હતો'
  વધુ ચિંતન કરતા..સ્ત્રીઓ પ્રશ્નોને સ્વીકારીને વાચા આપે છે, જ્યારે પુરુષોને પ્રશ્નો સ્વીકારવામાં અને અન્ય કોઇની સામે રજુ કરવામાં પૌરૂષત્વ આડે આવે છે. એમાં’ય ખાસ કરીને લાગણીઓના પ્રશ્નો અને સંબંધોની સમસ્યાઓમાં !! સ્ત્રીઓને પોતાના પ્રશ્નોની રજુઆત કરવાનું અને અન્યના પ્રશ્નોને સહાનુભૂતિપૂર્વક સાંભળવાનું કુદરતી વરદાન છે, જ્યારે પુરુષો પોતાના પ્રશ્નોને લઇને અંદરો અંદર મુંઝાયા કરતા હોય છે. લાગણીઓની વ્યથાઓ વર્ણવવી કે તેના સંબંધી ઉકેલ માટે અન્ય કોઇની મદદ લેવી તે પુરુષ માનસ સહજ રીતે સ્વીકારી શકવા અસમર્થ છે. ક્યારેક મુંઝારો ગળા સુધી આવી જાય ત્યારે તો તેની રજુઆત કરવી પડે પણ તે બાબત તેના પુરુષ-સહજ અહમને ઊંડી ઠેસ પહોંચાડનારી છે.
  આ વાત કદાચ અર્ધસત્ય હોય ! આવતા હપ્તામા વિગતે ઉકેલની રાહ્
  વિા આ સુ.જા ની વાત તો સાધના માંગે..
  પ્રજ્ઞાજુ વ્યાસ

  ReplyDelete
 3. પુરુષ સહજ અહમ ને કારણે પુરુષ મુંજવણભારી સ્થિતિમાં મુકાઈ જતો હોય તે અન્ય ઘણા પરિબળો માનું એક હોએ શકે. મેને એવું લાગે છે કે સ્ત્રીઓને પોતાની લાગણીઓ/સમસ્યાઓ રજુ કરીને હળવા થઇ જવાની પ્રથીમિકતા વધુ મહત્વની હોય છે. જ્યારે પુરુષ ને સમસ્યાના ઉકેલ માં વધુ રસ હોય છે. અને આવી પરિસ્થિતિ માં સ્ત્રીઓ મોટાભાગે પુરુષ દ્વારા સૂચિત ઉકેલ સામે સંભવિત/કાલ્પનિક ઉભી થનારી સમસ્યાની લાલ બત્તી ધરીને પુરુષને ઉકેલ વિહોણો કરી મુંજવણભરી સ્તીતીમાં મૂકી દેતી હોય છે.

  ReplyDelete