Monday, November 10, 2014

સંબંધોનું બાંધકામ : કાર્ય પુસ્તકનું બીજું પગલું - આપ્તજન

આજનું કામ ઘણું મહત્વનું છે. સૌથી પહેલાં જેમને આપણે ઘનીષ્ઠ આપ્તજન માન્યા છે, તેમના વિશે વિચારમંથન કરવાનું છે. તેથી આ મનોયત્નમાં આપેલ દરેક પ્રશ્નને કાળજીપૂર્વક વાંચી, સમજી અને તેના જવાબ ટિકાટિપ્પણ કે પૃથક્કરણ દર્શાવેલ જગ્યામાંજ આપણે લખીશું.

(૧) અહીં યાદ રાખવું ઘટશે કે આ આખી પ્રક્રિયામાં આપણે આપણી જાતને તપાસી રહ્યા છીએ. તેથી શક્ય તેટલી તટસ્થતા અને પ્રામાણિકતાથી પ્રશ્નોના જવાબ લખવાના છે. કારણ આ પ્રક્રિયા દ્વારા સંબંધોમાં ઊભી થતી સમસ્યાને આપણે ઓળખવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

(૨) પહેલાં આપણા જીવનની સૌથી મહત્ત્વની વ્યક્તિ વિશે સૌ પ્રથમ લખીશું.

(૩) તે જ પ્રમાણે આપણી મૂલ્યવાન આપ્તેષટોની યાદીમાં પ્રત્યેક મહત્ત્વની વ્યક્તિ વિશે લખતા જવાનું છે.

(૪) બે વ્યક્તિઓ વચ્ચેનું પૃથક્કરણ બહુ કાળજીપૂર્વક કરવું જોઈશે. જરૂર લાગેતો પ્રત્યેક વ્યક્તિ વિશે લખ્યા પછી થોડો વિરામ લેશો.

(૫) આખી પ્રક્રિયા શક્ય તેટલી તટસ્થતાથી પૂરી કરવી જરૂરી છે. કેટલાક મૂલ્યવાન સંબંધોમાં કોઈ રોકાણ કે વળતર સંદર્ભે અપરાધભાવ અનુભવાતો હોય અને તેમાં ઊતરી જવાની લાલચ થશે, પણ તેમ ન કરશો. નિરાશ થવાનો કે અફસોસ કરવાનો આ સમય નથી. અત્યારે તો આપણે સંબંધોને પુનર્જીવીત કરવાના ઉપાયો શોધવાની પ્રક્રિયા કરીએ છીએ. જો નિરાશાનો અંધકાર દેખાય તો તેની ચિંતા ન કરવી. કારણ કે અંધકારના અંતે આપણે પ્રકાશની પ્રાપ્તિ કરવાની છે, અને તે જરૂર કરી શકીશું!

(૬) આખી પ્રક્રિયા દરમિયાન આપણે સકારાત્મક ભાવના રાખવાની જરૂર છે. આ કાર્ય પુસ્તકમાં કામ કર્યા બાદ આપણા જીવનમાં કંઈક સારું થઈ રહ્યું છે તેવી લાગણી રાખીશું તો આપણા મન પરના તાણની માત્રા ઘટશે. આપણે આપણા આંતરીક interactionમાં સારા મુદ્દાઓ શોધી કાઢીને સંબંધોને નવી દિશા આપવાનો માર્ગ શોધી રહ્યાં છીએ.


હવે આપણે ખરૂં કામ શરૂ કરીએ. નીચે દર્શાવેલ પ્રશ્નાવલીને કાગળમાં લખી દરેક પ્રશ્નની સામે આપણે જવાબ લખવાના છે. ફરી એક વાર યાદ રાખીશું કે અહીં આપણે સંપૂર્ણપણે પ્રામાણિકતાથી, તટસ્થતાપૂર્વક જવાબ લખવાના છે. દરેક વ્યક્તિ માટે આપણે જુદા જુદા કાગળમાં આ જ કામ કરવાનું છે.
છે ને આ પ્રક્રિયા મન અને શરીરને થકવી દેનારી! આપણી સૌની મનસ્થિતિનો ખ્યાલ રાખી હવે પછીનો અંક બે-ત્રણ દિવસ પછી રજુ કરીશ.

1 comment:

  1. ' અહીં આપણે સંપૂર્ણપણે પ્રામાણિકતાથી, તટસ્થતાપૂર્વક જવાબ લખવાના છે. દરેક વ્યક્તિ માટે આપણે જુદા જુદા કાગળમાં આ જ કામ કરવાનું છે...'
    આ રીતે લખતા સંબંધ સાથે પોતાનૂં પણ આત્મદર્શન થશે!


    પ્રગ્યાજુ વ્યાસ

    ReplyDelete