Sunday, November 9, 2014

સંબંધોનું બાંધકામ - કાર્ય પુસ્તકનું પહેલું પગલું.


હવે પછીની રજુઆત એક કાર્ય પુસ્તક તરીકે થાય છે. તેમાં આપેલા મનોયત્ન કરવા માટે જે માર્ગદર્શન જોઈએ તે આપવામાં આવ્યું છે. ‘જિપ્સીની ડાયરી’ના વાચકો માટે તો આની રજુઆત એક topical interest તરીકે કરવામાં આવી છે. આ કાર્ય પુસ્તકનો ઊપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે તે માટે અહીં માર્ગદર્શીકા તથા આગળનાં પગલાં રજુ કરવામાં આવ્યા છે. જેમને આ કાર્ય પુસ્તકનો અખતરો કરવો છે, તેમના માટે માર્ગદર્શનમાં  ‘તમે’ શબ્દ વાપર્યો છે.
***


શ્રી. ABCની જેમ તમે અત્યાર સુધી તમારા ગ્રહ મંડળની આકૃતિના નીચે મુજબના  ત્રણ પાસાઓ પર - Three Dimensional  કામ કર્યું : 

૧. અહીં તમે તમારા સૂર્ય મંડળના નજીકનાં ગણાય તેવા સહુને ઓળખ્યા અને તેમની સાથે તમારી દૃષ્ટીએ તેમની સાથે કેવો સંબંધ (ઘનીષ્ઠ, પાતળો કે ભગ્ન) છે તે દર્શાવ્યું ;
૨. બીજા પાસામાં આ સંબંધોમાં તમે ભાવનાઓ અને પ્રૅક્ટીકલ (આર્થીક કે જરૂરતના સમયે હાજર રહીને પ્રત્યક્ષ એવું) કેટલું યોગદાન આપતા આવ્યા છો, તે બતાવ્યું ;
૩. ત્રીજા  પરિમાણમાં તમારા યોગદાનને જોતાં તમારી ભાવનાત્મક કે અન્ય જરૂરિયાતોના સમયે સંબંધીત વ્યક્તિએ કેવું અને કેટલું યોગદાન કે પ્રતિભાવ આપ્યો તે દોર્યું.  

ઉપરનું ચિત્ર બનાવતી વખતે તેમાં તમારી આંતરીક ભાવનાઓ અને માન્યતાઓ પ્રદર્શીત કરી જ હશે. હવે આ ત્રણે પાસાઓ દર્શાવતી કુંડળીનું જ્યારે તમે મૂલ્યાંકન કરશો ત્યારે કદાચ તમને લાગશે કે તેમાં એક પાસો ઘટે છે : આ ચોથો પાસો કે dimension છે - સમય.

મહત્ત્વનો આ પાસો સંબંધોના નકશાને મૂલવવામાં બહુ જરૂરી છે. તમે તો જાણો જ છો કે, આ ગ્રહ મંડળમાં આવરી લેવાયેલ વ્યક્તિઓનાં સંબંધો કેટલા જૂના અને લાંબા ગાળાના છે. તેમની સાથે તમારા પરસ્પરનાં રોકાણ અને વળતરની તમને જાણ છે. હવે આ સંબંધ આજે - એટલે જ્યારે તમે આ ગ્રહ મંડળનું ચિત્ર બનાવ્યું, તે સમયે ક્યા તબક્કે છે? અત્યારે તે કેવી હાલતમાં છે? 

હવે પછીનાં પગલાં પદ્ધતિસર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. 

દબાણ જનક સંબંધો: તમારા જીવનની આ મહત્વની બાબત વિશે આ પહેલાં કદી ન થયા હોવ તેટલા વધુ આત્મ-વિવેચક બનીને સંબંધોના લેવાણ-દેવાણ વિશે વિચારશો તો સ્પષ્ટ રીતે જણાશે કે છેલ્લી આકૃતિમાં કયા સંબંધો તમારા પર દબાણ જનક (stressful) છે. આ દબાણ એટલા માટે ઉભું થયું છે કે ક્યા સંબંધમાં તમારૂં રોકાણ કહો કે યોગદાન, ઘણું મોટું અને તમે પ્રદર્શીત કરેલી લાગણીઓ ઘણી આત્મીયતાપૂર્વક કરેલી છે, પણ તેની સામે તમને પ્રાપ્ત થતો પ્રતિભાવ છિછરો કે અપૂરતો છે. આવા સંબંધો ચિંતા જન્માવે અને તેનું પરિવર્તન માનસિક દબાણમાં થાય તે સહજ છે.

જે સંબંધો અંગે આપણે વિચાર કરી રહ્યા છીએ તેમાં કેટલી સ્થિરતા છે, કેટલા ડામાડોળ કે તેમાં ભંગાણ થવાની શકયતા છે તે અત્યાર સુધી કરેલા કામ દ્વારા જોયું. 

આપણે હવે કાર્ય પુસ્તકની પહેલી એક્સરાઈઝ તરફ આગળ વધીએ.

આજે આપણા ગ્રહ મંડળના છેલ્લા ચિત્ર તરફ જોઈ, તેમાં આપણે ઉમેરેલ વ્યક્તિઓને બે જુથમાં વહેંચવાની છે. 

૧. પહેલા જુથમાં આપણા અંગત મિત્રો, કુટુંબનાં સભ્યો અને આપણી નજીક હોય તેવા લોકોનો સમાવેશ થશે. 

૨. બીજા જૂથમાં રેખાકૃતિમાં દર્શાવાયું છે તેમ આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ ત્યાંના લોકો, સમાન વ્યાવસાયિક અનુભવવાળા અને બીજા પરિચિતો જેમના આપણે સતત સંપર્કમાં છીએ તેમનો સમાવેશ થશે. જીવનમાં જુદા જુદા તબક્કે જે લોકો (આપ્તજનો સિવાયની વ્યક્તિઓ)નો સંપર્ક થયો છે તેવા લોકોને અલગ જૂથમાં મૂકવા જોઈશે. આનું મુખ્ય કારણ એ છે કે કુટુંબનાં સભ્યો તથા મિત્રો સાથેના સંબંધો કરતાં જેમની સાથે આપણે કામ કરીએ છીએ, એ કાર્યક્ષેત્રના લોકો અલગ કક્ષાએ છે. બન્ને જૂથનાં મૂલ્યો પણ જુદાં છે. પહેલા જૂથની વ્યક્તિઓ સાથે આપણો ભાવનાત્મક સંબંધ છે, જ્યારે બીજા સાથે વ્યાવસાયિક છે, અને તે સંબંધ માત્ર કામકાજને કારણે છે. આમ બેઉ જૂથોની અલગ અલગ વહેંચણી કરવાથી આપણે ખોટી સરખામણી કરવામાંથી બચી શકીશું. ઉદાહરણ તરીકે મારા ભાઈ કે બહેન સાથેનો મારો સંબંધ અને રોજ જેની સાથે અૉફિસમાં લંચ લઉં છું  તે સહકાર્યકરનો સંબંધ જુદો છે તે સહજ સ્પષ્ટ થશે. પ્રત્યેક જૂથની અલગ ઓળખ હોય છે ; તમે જાણો છો કે બહારના આ જૂથની પ્રત્યેક વ્યક્તિને અલગ વાતાવરણ મળ્યું હોય છે. તેમના પર વાતાવરણનાં દબાવ અને તાણ જુદાં હોય છે, તેથી તેની તમારા સંબંધના માળખા પર અસર પડ્યા વગર રહેતી નથી. આવી સ્થિતિમાં કામની તાણની અસર ક્યારેક આપણા કુટુંબના સભ્ય પર આવી પડતી હોય છે. જે ગુસ્સો બૉસ પર ઠાલવી શકાયો નથી તેનો ભોગ ભાઈ, બહેન, પતિ કે પત્ની બની શકે છે. કારણ કે આવી વ્યક્તિઓ આપણી સામે કોઈક કારણે આવી ગયાં છે. તેથી જ પ્રત્યેક જૂથ સાથેના અલગ સંબંધનું મૂલ્ય સમજાશે. આ વિભાજન, આપણને પ્રશ્નોના મૂળને ઓળખવામાં મદદરૂપ બનશે અને સમજાશે કે આપણે કેમ કોઈ પર ગુસ્સો પ્રગટ કરી બેસીએ છીએ!

સંબંધોની રેખાકૃતિનો ભાગ- ૧ તૈયાર કરવાની રીત :

અહીં આપણે સંબંધોના માળખાનું આખરી રૂપ નીચે આપેલા દાખલા પ્રમાણે તૈયાર કરીશું. ‘કૌન અપના - કૌન પરાયા’ની જેમ. આ માળખામાંથી કયા લોકો પહેલા અને બીજા જૂથમાં આવવાના છે તે નક્કી કરી તેમનું લિસ્ટ બનાવીશું.  જરૂર પડે તેમનાં ખરાં નામ લખવાને બદલે સાંકેતિક નામ આપવા હોય તે નક્કી કરીશું.


ભાગ–૧ પૂરો કર્યા પછી બીજા ભાગ તરફ જઈશું. તેની રજુઆત આવતા અંકમાં કરીશું. તેની તૈયારી માટે ઉપરના માળખામાં જે જે વ્યક્તિઓનાં નામ કે સંજ્ઞા લખી છે, તેના માટે એક-એક કોરો કાગળ જોઈશે. 

આજે બસ આટલું જ! હવે પછી આ કામમાં સાતત્ય રહે તે માટે એક એક દિવસના અંતરે નવું મનોયત્ન કે ચિંતન કરવાના મુદ્દા રજુ કરીશું.

સાચવશો.


2 comments:

  1. બહુ જ રસ પડે તેવી પદ્ધતિ.
    હવે મારા પોતાના સંદર્ભમાં આ વાપરી જોઈ ચકાસવી જ પડશે.

    ReplyDelete
  2. બાળક જો પહેલીવાર પડતાંની સાથે ચાલવાનું છોડી દે તો કયારેય ચાલી ન શકે. કોઇ એવી સફળ વ્યક્તિ નથી જેણે જીવનમાં કયારેય નિષ્ફળતાનો સામનો ન કર્યો હોય. નિષ્ફળતાને જે પચાવી શકે છે તે આગળ વધે છે અને વધતા રહે છે. જાપાનની મેનેજમેન્ટ પદ્ધતિમાં ‘કાઇઝેન’ સિદ્ધાંતનો અર્થ છે- સુધારો કરતા રહેવું. આગળ વધવા માગતી દરેક વ્યક્તિને આ સિદ્ધાંત લાગુ પડે છે. જે શિખર પર બેઠા છે તેમણે પણ ત્યાં ટકી રહેવા માટે સતત સુધારો કરતા રહેવું પડે છે. Pragnaju Vyas

    ReplyDelete