Wednesday, June 22, 2011

GYPSY'S DIARY - સિલ્વીયા પ્રાઇસ: અમારી ઇંગ્લીશ લૅન્ડલેડી

જૉબ સેન્ટર:

અહીંના જૉબ સેન્ટર ઘણાં મજાના હતા. હાઇ સ્ટ્રીટની કોઇ પણ આધુનિક એમ્પ્લૉયમેન્ટ એજન્સી જેવા. તમારા સ્થાનિક વિસ્તારમાં કોઇ પણ ખાનગી કે સરકારી સેક્ટરમાં જગ્યા ખાલી હોય તો તેની વિગતો અહીં મોકલવામાં આવે. નોટિસ બોર્ડ પર આ બધી જાહેરાતો, તેના રેફરન્સ નંબર વગેરે હોય. તેમાંથી જે આપણા યોગ્ય હોય તેનાં કાર્ડ જૉબ સેન્ટરના કર્મચારી પાસે લઇ જવાના. કર્મચારી તરત જાહેરાતકર્તાને ફોન કરી તમારા માટે ઇન્ટરવ્યૂ સેટ કરી આપે. આ ઉપરાંત સ્થાનિક અઠવાડીક હૅરો અૉબ્ઝર્વરના ગુરૂવારે પ્રસિદ્ધ થતા અંકમાં અને ધ ગાર્ડીયનના બુધવારના અંકમાં જાહેરાતો આવે તે ‘જીપ્સી’ જોઇ જતો અને નોકરી માટે પ્રયત્ન શરૂ કરવા લાગ્યો. અહીંની પદ્ધતિ એવી હતી કે કોઇ પણ સ્થળે અરજી કરો ત્યાં ચારથી છ પાનાંનું ફૉર્મ ભરવું પડે. ચાર મહિનામાં લગભગ દોઢસો ફૉર્મ ભર્યા, તેમાંથી ફક્ત ચાર જગ્યાએથી ઇન્ટરવ્યૂ આવ્યા પણ નોકરી મળી નહિ. અહીં એક વાત સારી હતી કે નોકરી ન મળે તો ઇન્ટરવ્યૂ લેનાર પાસેથી feedback માગી શકાતો. મને બે મુખ્ય ફીડબૅક મળ્યા: એક તો ‘તમે ઓવર-ક્લૉલીફાઇડ’ છો. બીજો, ‘તમારો અનુભવ અહીંની કાર્યપ્રણાલીને સુસંગત નથી.” એક દિવસ કંટાળીને જૉબ સેન્ટરના મૅનેજરને મળ્યો અને પુછ્યું કે મારા અનુભવ તથા શિક્ષણમાં એવી તે શી કમી છે જેના કારણે મને કામ નથી મળતું?

“મિત્ર, સાચી વાત કહું? ખોટું ન લગાડશો. છેલ્લા દોઢએક વર્ષમાં ભારત-પાકિસ્તાનમાં મેળવેલ ડિગ્રી સર્ટિફીકેટ અને અનુભવનો રેફરન્સ લઇને આવેલા ઘણા લોકોને તેમની પરીક્ષા લીધા વગર નોકરી આપવામાં આવી હતી. મોટા ભાગના પ્રમાણપત્રો બનાવટી હતા. ત્યારથી સરકાર અને મોટી સંસ્થાઓમાં તમારા દેશના ડિગ્રી સર્ટીફિકેટ સાથે બ્રિટીશ કાઉન્સીલ પાસેથી મેળવેલું equivalent levelનું પ્રમાણપત્ર બીડ્યું ન હોય તો તમને નોકરી ન મળી શકે. આ જાણે ઓછું હોય, આપણો દેશ રીસેશનની ગર્તામાં ડુબેલો છે તેથી નવા આવેલા લોકોને નોકરી મેળવવામાં તકલીફ પડતી હોય છે. બીજી મોટી મુશ્કેલી એ વાતની છે કે તમને આ દેશમાં કામનો અનુભવ નથી, તેથી તમને નોકરી મળવી મુશ્કેલ છે.”

“મને આ દેશમાં કોઇ કામ મળે તો જ અનુભવ પ્રાપ્ત થાય ને?”

“તમારી વાત સાથે હું સંમત છું, પણ આ catch 22ની હાલત છે. કામ વગર અનુભવ નહિ અને અનુભવ વગર કામ નહિ! હા, એક સલાહ અપી શકું. તમારા ડીગ્રી સર્ટિફીકેટનું equivalent level બ્રિટીશ કાઉન્સીલ પાસેથી કરાવી લો. અહીંના એમ્પ્લૉયર તેને માન્ય કરવા બાધ્ય છે તેથી તેનો તમને જરૂર ફાયદો થશે. અને એક ખુશખબર આપું. અમારા ખાતા તરફથી ખાસ Job Orientated ટ્રેનીંગના સરકારી ખર્ચે કોર્સ ચાલતા હોય છે, તેમાંના કોઇ એક માટે અરજી કરો. જો તેમાં તમે પસંદગી પામો તો તે માટે તમને ખાસ ભથ્થું મળી શકશે.”

મેં આ બન્ને કામ કર્યા. બ્રિટીશ કાઉન્સીલે મારી B.Comની ડિગ્રીનું equivalent બ્રિટનના 'A' levels એટલે બારમી પાસનું સમકક્ષ ગણ્યું!!! ખુશીની વાત એ બની કે મને કૉવેન્ટ્રીની ટેક્નીકલ કૉલેજમાં મૅનેજમેન્ટ સર્ટીફિકેટની ટ્રેનીંગ માટે પસંદ કરવામાં આવ્યો. ભારતમાં મારી છેલ્લી જવાબદારી આસિસ્ટન્ટ ડાયરેક્ટરની હતી, જેને ‘મૅનેજમેન્ટ પોઝીશનની ગણવામાં આવી જેથી આ કોર્સ મળ્યો.

***

કૉવેન્ટ્રી

કૉવેન્ટ્રી શહેર ત્રણ વાતો માટે પ્રખ્યાત હતું. અંગ્રેજી પુરાણો - mythology પ્રમાણે અા શહેરમાં લેડી ગોડાઇવાની સવારી નીકળી હતી; અહીંનું કૅથેડ્રલ
(છબી: ગુગલ ઇમેજીસના સૌજન્યથી)

વિશ્વવિખ્યાત છે, અને છેલ્લે, આ શહેર તેના economic resilience માટે નમૂનારૂપ ગણાતું. સદીઓથી અહીંના laceworkની આખા યુરોપમાં મોટી માગ હતી. તેનો મુકાબલો કોઇ કરી શકતું નહિ. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન બાદ મશીનોમાં લેસ-વર્ક થવા લાગ્યું ત્યારે અહીંનો આ ઉદ્યોગ ભાંગી પડ્યો. મંદી, બેકારીની ઘંટીમાં અહીંની પ્રજા ભીંસાવા લાગી ત્યાં મોટરકારના કારખાનાંઓએ લોકોને નવજીવન આપ્યું. અહીંની અૉસ્ટીન તથા મૉરીસ ફરી એક વાર કૉવેન્ટ્રીને જગતના નકશા પર લઇ ગઇ. લોકો સમૃદ્ધ થવા લાગ્યા અને રાહતનો શ્વાસ લેવા લાગ્યા એટલામાં જાપાનીઝ મોટર ઉદ્યોગે તેની કેડ ફરીથી ભાંગી નાખી.

જીપ્સી કૉવેન્ટ્રી ગયો ત્યારે ત્યાં દયાજનક દૃશ્ય જોયું. એક વખત વિશ્વની સર્વશ્રેષ્ઠ કાર બનાવનાર કારીગરોનું બિરૂદ પામેલા લોકો આજે બેકારી અને દારૂની લતમાં ડૂબેલા જોયા. સરકારી બેનીફીટ પર નભતા, ભગ્ન કુટુમ્બના સદસ્યો અને કામની શોધમાં બહારગામ ગયેલા યુવાનોને કારણે ઉજ્જડ લાગતા આ શહેરમાં અર્થશાસ્ત્રીઓ જેને urban decay કહે છે, તેનું દર્શન થયું.

કૉવેન્ટ્રી માટે ત્રીજી વાત અમદાવાદના લોકોને રસપ્રદ લાગશે: લાલ દરવાજાનું મોટું બસ સ્ટૅન્ડ કૉવેન્ટ્રીના બસ સ્ટેશનના મૉડેલ પર બાંધવામાં આવ્યું હતું! આ જોવા માટે AMTSના અધિકારીઓ ખાસ કૉવેન્ટ્રીની મુલાકાતે આવ્યા હતા.

કૉવેન્ટ્રીની નજીક શેક્સપીયરનું ગામ સ્ટ્રૅટફર્ડ અપોન અૅવન છે. આ બધાં પ્રેક્ષણીય સ્થળોને કારણે તે જોવા અનેક લોકો આવે, તેથી અહીં એક નવો ઉદ્યોગ શરૂ થયો. બેડ-અૅન્ડ-બ્રેકફાસ્ટના રહેઠાણો. મારા કોર્સ-મેટ બિલે મિસેસ સિલ્વીયા પ્રાઇસ નામની લૅન્ડલેડી સાથે વાટાઘટ કરી ખાસ દરે અમારા માટે, રોજના છ પાઉન્ડ લેખે એક એક રૂમ ભાડે રાખી. અઠવાડીયાના પાંચ દિવસ રહી, શનિ-રવિ હું લંડન જતો. રવિવારે રાતે પાછો આવી, સોમવારથી કૉલેજમાં.

સિલ્વીયાબેન ખરે જ માયાળુ મહિલા હતા. બે અઠવાડીયાના રહેવાસમાં તે અમારી સાથે પરિવારજનની જેમ ભળી ગયા. અમારા માટે સવારે કોર્નફ્લેક્સને બદલે ખાસ ખીર જેવી પૉરીજ, તેમજ ફૂલ ઇંગ્લીશ બ્રેકફાસ્ટ આપતા. ત્રીજા રવિવારે હું અમારા રહેઠાણે પહોંચ્યો ત્યારે મારા રૂમમાં સિલ્વીયાએ ચિઠ્ઠી મૂકી હતી: ‘નરેન, તમે કદાચ ડિનર નહિ લીધું હોય. ડાઇનીંગ હૉલના ફ્રીજમાં માખણ, ચીઝ, હૅમ, મૅયો-મસ્ટર્ડ છે. સૅન્ડવીચ બનાવી લેશો. ચ્હા માટે દૂધ પણ છે. સંકોચ કરતા નહિ.'

ત્રણ મહિના કેમ નીકળી ગયા, ખબર ન પડી. ત્યાંના વાસ્તવ્યનો છેલ્લો દિવસ મારી યાદગિરીમાં કાયમ માટે કોતરાઇ ગયો.

૧૯૮૧ના ડિસેમ્બરની ૧૪મી તારીખે અમારો કોર્સ પૂરો થયો. તે દિવસે ભારે બરફ પડ્યો હતો, લગભગ ત્રણ ફીટ. તે દિવસે સિલ્વીયા અને તેના પતિ વિન્સેન્ટ કાર્ડીફ જવાના હતા. બિલ અને હું સામાન પૅક કરી, બિલની મોટરમાં મૂકી કૉલેજ જવા નીકળ્યા. થોડે દૂર ગયો અને મને યાદ આવ્યું. અરે ભગવાન, તે અઠવાડીયાના ભાડાના ત્રીસ પાઉન્ડ આપવાના બાકી રહી ગયા હતા! મેં બિલને ગાડી રોકવાનું કહ્યું અને બરફમાં દોડતો જ ઘર તરફ ગયો. વેલ્સ જવા માટે વિન્સેન્ટ તેની કાર ચાલુ કરતો હતો. સિલ્વીયાએ તેમાં બેસવા કારનું બારણું ખોલ્યું, ત્યાં મેં બૂમ પાડીને તેમને રોક્યા.

“માફ કરજો, વિન્સેન્ટ, સિલ્વીયા. ઉતાવળમાં સાવ ભુલી ગયો, ક્ષમા ચાહું છું.” હાંફતાં હાંફતા મેં કહ્યું. મારા હાથમાંથી પૈસા લેતાં સિલ્વીયાએ પહેલાં પતિને કહ્યું, “હું નહોતી કહેતી, વિન્સેન્ટ, કે નરેન પાછો આવશે?”

મારી તરફ તેણે જોયું, પણ તેના મ્હોંમાંથી શબ્દો નીકળી શક્યા નહિ. કદાચ ગળું ભરાઇ આવ્યું હતું કે કેમ. ફક્ત તેની આંખોએ મારી તરફ જે ભાવ વ્યક્ત કર્યા તેનું વર્ણન કરવાની શક્તિ મારી પાસે નથી.

3 comments:

  1. મેં આ બન્ને કામ કર્યા. બ્રિટીશ કાઉન્સીલે મારી B.Comની ડિગ્રીનું equivalent બ્રિટનના 'A' levels એટલે બારમી પાસનું સમકક્ષ ગણ્યું!!! ખુશીની વાત એ બની કે મને કૉવેન્ટ્રીની ટેક્નીકલ કૉલેજમાં મૅનેજમેન્ટ સર્ટીફિકેટની ટ્રેનીંગ માટે પસંદ કરવામાં આવ્યો
    >>>>>>>>........>>>>>>>>......>>>>>
    Narendrabhai,
    So, you are in UK...the REALITY of the difficulties to get the Job..an then coming back to Sylvia as the End of the Story.
    Nice !
    Enjoyed
    DR. CHANDRAVADAN MISTRY
    It is nice to reply to this Post when I am actually in UK & close to Coventry..actually in a small village in between Loughborough & Nottingham.

    ReplyDelete
  2. આ વાંચીને લાગે છે કે આજે ૩૦ વર્ષ પછી પણ બ્રિટન કાંઈ ખાસ બદલાયું નથી. તમારા જેવો જ અનુભવ મને પણ ફક્ત ૫ વર્ષ પહેલા થયો છે, જ્યારે એમ્પ્લોયર્સ (મોટે ભાગે તેમના એજન્ટ્સ) ખુબજ સારસ રીતે યુ આર ઓવર ક્વોલિફાઈડ કહીને ટાઢે પાણીએ ખસ કાઢતાં, અને ક્યાંતો કહેતા કે તમારી પાસે લોકલ એક્સ્પિરિયન્સ નથી. મને તે સિવાયનું એક ત્રીજું બહાનું પણ મળતું, કે મારી પાસે લોકલ ક્વોલિફિકેશન નહોતું. ભગવાઅની દયા કે બે વર્ષે સારી અને શાંતીની નોકરી મળી.

    ReplyDelete
  3. આવા અનુભવો વાંચીને વિચાર આવ્યો કે, આજ લોકોના વડવાઓ હતા જેમણે ભારતને અનહદ લુંટ્યું હતું અને અત્યાચાર ગુજારેલા!? કોરિયામાં મારી મિત્ર ઇંગ્લેન્ડ ની હતી, તેણે એના વડવાઓ વતી મારી માફી માંગેલી.

    ReplyDelete