Sunday, June 19, 2011

નવલકથાથી સત્યકથા તરફ...

“જીપ્સીની ડાયરી” એક સૈનિકની ભ્રમણકથા તરીકે શરૂ થઇ. છેલ્લા કેટલાક સમયથી તેમાં નવલકથા - “પરિક્રમા”નો વિસામો આવી ગયો. આપ સૌને તે ગમ્યો અને તેનું સ્વાગત કર્યું તે માટે આપનો હાર્દીક આભાર!


‘ડાયરી’નું સૂત્ર ફરી એક વાર પકડી 'જીપ્સી' માનવીના અંતરંગની વાત આગળ વધારવા માગે છે. આ આપના યાત્રાસંઘમાં ચાલી રહેલા યાત્રીની વાત છે, કૅન્ટરબરી ટેલ્સમાં યાત્રીઓ એક પછી એક વાત કરતા રહે છે, તેમ જીપ્સી આપણી સહયાત્રામાં વાત કરશે. તેની વાતોમાં આપને કદાચ સ્વ-દર્શન કે સહ-અનુભુતિ થાય તે બનવાજોગ છે. માણસને થતા અનુભવોમાં કોઇને કોઇ સમયે નવે નવ તો નહિ, પણ તેમાંના મોટા ભાગના રસનો રંગ તેના જીવનને સ્પર્શી જાય છે. તેમાંથી ટપકતી માનવતા અને કરૂણા તેના ક્ષિતીજના આભલામાં ચમકતા તારાની જેમ ઝબુક્યા જ કરે છે, આપણા માર્ગમાં પ્રકાશ પાડતી જાય છે. સ્વામિ વિવેકાનંદના પુનરૂત્થાનના મંત્ર “उत्तिष्ठत, जागृत, प्राप्यवरान्नि बोधत” નો ઘોષ સંભળાવતી જાય છે.


આપણા પૂર્વજોએ પ્રાચીન કાળથી મનુષ્ય માટે ચાર પુરૂષાર્થ પ્રાપ્તિનું લક્ષ્ય યોજ્યું હતું: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સંજોગ અને જવાબદારીના સાણસામાં સપડાયેલા માણસને તેનું વિસ્મરણ થઇ શકે છે, પણ આ પુરૂષાર્થો માણસને છોડતા નથી. આપણા સંસ્કારમાં, ઋણાનુબંધમાં તે આપણાં ક્રિયમાણ, સંચિત તથા પ્રારબ્ધની જેમ હંમેશા પીછો કરતા રહે છે. ક્યારેક અને ક્યાંક તો તે આપણને અવશ્ય પકડી પાડતા હોય છે. તે વખતે તે આપણી સ્મૃતિને ઢંઢોળીને કહેતા હોય છે, “મિત્ર, આપણા જન્મજાત સંબંધમાં તમે અત્યારે ક્યાં પહોંચ્યા છો? ધર્મ તો તમને માતા-પિતાએ બાળપણમાં જ સમજાવ્યો હતો, આ માર્ગ પર તમારી સાથે પ્રત્યક્ષ ચાલી તેની આગળની મંઝીલ તમને બતાવી તેમનું કર્તવ્ય તેમણે પૂરૂં કર્યું. હવે અર્થ અને કામમાં ક્યાં સુધી અટવાઇ રહેશો? જીવનના અંતિમ પુરૂષાર્થની પ્રાપ્તિ માટે ક્યારે પ્રસ્થાન કરશો?


પુરૂષાર્થની વાત કરી ત્યાં મને અૅબ્રહમ મૅસ્લોના Hierarchy of Needs ના પિરામીડની વાત યાદ આવી. સાચું કહું તો તેના વિશે બ્રિટન આવ્યા બાદ જ જાણ્યું! તેનો વિચાર કરતાં મને આપણા દૃષ્ટાઓએ યોજેલા કર્તવ્ય, પુરુષાર્થનો સંદર્ભ યાદ આવ્યો. મૅસ્લોએ તેમના પિરામીડના શિખરને - માનવીની જરૂરિયાતોના પાંચમા અને અંતિમ સ્તરને નામ આપ્યું “Self Actualization”. આધ્યાત્મિક દૃષ્ટિએ તેમાં તેમણે આત્મ-સાક્ષાત્કારની તો વાત નહોતી કરી? શરૂઆતની મૂળભૂત પણ િનમ્ન કક્ષાની ગણાતી શારીરિક તથા ભૌતિક જરૂરિયાતો પૂરી થતાં માનવ આગળ વધતો જાય છે - સામાજીક - પરસ્પર સંબંધ, મૈત્રી જેવી જરૂરિયાતો પૂરી કરીને તે આગળ વધે છે સમાજમાં પ્રતિષ્ઠા, સન્માન મેળવવા. તે મળ્યા બાદ તે બેસી રહે છે; આ સમય છે આત્મીક શક્તિનો પરિચય કરી તેની સાથે સમન્વય સાધવાનો. તે તરફ દુર્લક્ષ્ય કરી તે માન-અકરામની ભુલભુલામણીમાં સપડાઇ જાય છે. અંતિમ લક્ષ્ય, પિરામીડની ઉચ્ચ કક્ષા તરફ પ્રયાણ કરવાનું યાદ રહેતું નથી. ભારતમાં હતો ત્યારે આવી વાતો થતી હશે, પણ તે વિશેની જાગૃતિ બ્રિટનમાં આવ્યા બાદ થઇ. મૅસ્લો વિશે વધુ જાણકારી માટે અહીં લિંક આપી છે જે કદાચ અપને રસપ્રદ લાગે! https://wikispaces.psu.edu/display/PSYCH484/2.+Need+Theories


આપણે દેશમાં રહીએ કે પરદેશમાં. જીવનના સંઘર્ષમાં આપણા પરંપરાગત પુરૂષાર્થ અને મૅસ્લોના પિરામીડમાં વર્ણવેલી જરુરિયાતો પ્રત્યે દુર્લક્ષ્ય કરી શકતા નથી. ક્યારેક તો તે બન્ને આપણને એક સાથે પકડી પાડે છે, અને કોઇ વાર ચિત્કાર કરીને તો કોઇ વાર ઉદાસ શબ્દોમાં પૂછે છે, “મિત્ર, હવે ક્યારે?”


‘જીપ્સી’ના જીવનની લંડનમાં નવી શરૂઆત હતી. ‘એકડે-એક’થી. ધર્મથી પ્રારંભ કરવાનો હતો!


આવતા અંકથી આપવિતી કહેવાને બદલે પ્રસંગકથાઓ કહીશ. આશા છે આપ સહુ જીપ્સીના નવા અભિગમમાં સામેલ થશો.

6 comments:

 1. જિપ્સી દરેક પડાવોને ઉત્કંઠાથી વધાવી લીધા છે, આ નવા પડાવની ઘણી જ આતુરતાપુર્વક રાહ જોઉ છું.

  ReplyDelete
 2. Narendrabhai,
  I am so happy to know of your decision to continue your YATRA with the series of NEW Posts,
  I will be there to read these. I know I still have to read some Praikrama..the Navalkatha, But I will while I view these new Posts.
  I am in UK presently but I will do that as I return on 29th June
  DR. CHANDRAVADAN MISTRY
  www.chandrapukar.wordpress.com
  Inviting you to read the New Post on Chandrapukar !

  ReplyDelete
 3. બહોત ખૂબ. તમારા પ્રવાહી ગદ્યને ફરીથી વાંચવાનો, માણવાનો અમારો હરખ હશે.

  લખો, લખતા રહો, મજા કરાવતા રહો; પણ...
  આ ક્ષણમાં જીવવાની મુક્તિ સતત માણતા રહો- એ જ અભ્યર્થના

  ReplyDelete
 4. જિપ્સીના નવા અભિગમમાં સામેલ થવું જરૂર ગમશે.

  ReplyDelete
 5. @ આગંતુક,
  મારા માટે ખાસ 'નિમંત્રીત', બ્લૉગમાં આવવા માટે આભાર!

  ReplyDelete
 6. તમે મારા તરફ દયા દ્રષટિથી જોયું અને આ માળા ચાલુ કરી માટે આભાર– આશા રાખું કે સૈનિક કથા જેવી જ આ કથા નિવડે.

  ReplyDelete