Friday, June 24, 2011

GYPSY'S DIARY- ગુજરાતી જીતે જ!

પણ નોકરી?

વૉરીકશાયર (Warwickshire)ની પ્રખ્યાત કૉવેન્ટ્રી ટેક્નીકલ કૉલેજમાંથી ‘સર્ટિફિકેટ ઇન મૅનેજમેન્ટ કોર્સ’ પૂરો કર્યો. આ કોર્સને બ્રિટનની બ્રિટીશ ઇન્સ્ટીટ્યૂટ અૉફ મેનેજમેન્ટે તેના સભ્યપદ માટે માન્ય ગણ્યો હોવાથી ‘જીપ્સી’ તેનો સભ્ય થયો. આમ તો તેના સભ્યપદ માટે પરીક્ષા આપવી પડતી અથવા બ્રિટનની કોઇ સંસ્થામાં ફર્સ્ટ કે સેકન્ડ લાઇન મૅનેજમેન્ટ કાડરમાં બે-ત્રણ વર્ષ કામ કર્યું હોય તેમની પરીક્ષા લીધા બાદ તેમને સભ્યપદ મળતું. મેં વર્ષની પાંત્રીસ પાઉન્ડની ફી ભરી અને મને તેનું સભ્યપદ મળ્યું. સાથે સાથે નામની પાછળ MBIMનો 'ઇલ્કાબ' લખવાની છૂટ મળી! પણ નોકરી ક્યાં?

જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના વિતી ગયા. હજી પણ નોકરી માટે ચક્કર ચાલુ હતાં. અરજીનાં ફૉર્મ મોકલાતા જતા હતા.

એક દિવસ અનુરાધાના બાપુજીને મળવા ગયા ત્યાં તેમની પાસે લંડનમાં પ્રસિદ્ધ થતા અઠવાડીકનો દિવાળી અંક જોયો. તેમાં જાહેરાત હતી, “જોઇએ છે: સબ-એડીટર. કોઇ પણ પ્રખ્યાત અખબારમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ જરૂરી. પગાર લાયકાત મુજબ.”

દિવાળી વિતીને ત્રણે’ક મહિના થઇ ગયા હતા. અત્યાર સુધીમાં તો આ જગ્યા ભરાઇ ગઇ હશે એવું માની મેં અંક પાછો મૂક્યો. બીજી ક્ષણે વિચાર આવ્યો, પ્રયત્ન કરવામાં શું જાય છે?

ગુજરાતી ભાષા પ્રત્યે મને અનન્ય પ્રેમ. શાળાના સમયથી એક મહેચ્છા સેવી હતી કે લેખક થવું! શાળાના સમયમાં ગુજરાતના પ્રખ્યાત રૉયીસ્ટ વિચારવંત અને શિક્ષણક્ષેત્રના આગેવાન સ્વ. અરૂણકાંત દિવેટીયા અમારા ગુજરાતીના શિક્ષક હતા. તેમને મારા લખેલા નિબંધ ગમતા અને હંમેશા ક્લાસમાં વાંચવાનું કહેતા. ત્યારથી મારી પોતાની ખુશીને ખાતર કંઇક ને કંઇક લખતો. એસએસસીમાં મને ગુજરાતીમાં ઘણા સારા - એટલે ૬૦% માર્ક મળ્યા હતા - જે તે સમયે લગભગ અશક્ય ગણાતું. ત્યાર પછી અમારા સદ્ભાગ્યે કૉલેજના સમયમાં અમારા ગુજરાતીના પ્રાધ્યાપક આપણા તે સમયના વિખ્યાત વિવેચક 'માનસીકાર' સ્વ. વિજયરાય ક. વૈદ્ય હતા. વિદ્યાર્થીઓને તેમનો હંમેશા આગ્રહ રહેતો કે માતૃભાષાને માતૃસ્નેહ જેટલું જ મહત્વ આપવું. લેખનમાં અનુકરણને બદલે મૌલિકતા લાવવાનો પ્રયત્ન કરવો. તે સમયે ગાઇડોની જબરી બોલબાલા હતી. "એક અનુભવી પ્રૉફેસર' અને વિ.જે. કુટમુટીયાએ લખેલી ગાઇડો ગુજરાતમાં 'બેસ્ટ સેલર'હતી. જેટલા પુસ્તકો પ્રખ્યાત લેખકોનાં ન વેચાય એટલી સંખ્યામાં ગાઇડો વેચાતી. વિજુકાકાની વાત મારા જેવા અનેક વિદ્યાર્થીઓના મનમાં ઉતરી. વિદ્યાર્થીઓ ગાઇડ ગોખીને પ્રશ્નોનાં ઉત્તર લખતા, ત્યાં અમે અમારી રીતે અમારા પોતાના ઉત્તરો લખતા - મૌલિક. તે સમયે અમને ઇશ્વર પેટલીકરની લઘુકથાઓનું પુસ્તક 'લોહીની સગાઇ'હતું. અમારી છ માસિક પરીક્ષામાં અમને પ્રશ્ન હતો આ કથાનું વિવેચન લખવાનો. પરીક્ષા બાદ વિજુકાકાએ મને ખાસ બોલાવીને જે કહ્યું, જેનો છ શબ્દોમાં સાર આવે: Well done and keep it up. યુનિવર્સિટીની પરીક્ષામાં 'જીપ્સી'ને ઇન્ટર કૉમર્સમાં ગુજરાતીમાં સર્વશ્રેષ્ઠ માર્ક મળ્યા હતા!

લેખનના અનુભવની વાત કરીએ તો કાશ્મીરના પહાડોમાં મારૂં પોસ્ટીંગ થયું હતું ત્યારે અમદાવાદથી પ્રગટ થતા ‘જનસત્તા’માં મારા કેટલાક લેખ છપાયા હતા. થોડો સમય તો મને એક નિયમીત ‘કૉલમ’ પણ અપાયું હતું - “અત્રતત્ર સર્વત્ર”. આ કામ હું સ્વાનંદ માટે કરતો હતો. તે સમયના સંપાદક શ્રી ઇશ્વરભાઇ પંચોલીએ મને પુરસ્કાર લેવા માટે ઘણો આગ્રહ કર્યો હતો, પણ મેં નમ્રતાપૂર્વક ના કહી હતી. અહીં પ્રશ્ન એ હતો: આમ અવેતન કરેલ કામને ‘અનુભવ’ ગણાશે?

અત્યાર સુધીમાં સરેરાશ ચાર પાનાંના દોઢસો ફૉર્મ ભરી ભરીને હું કંટાળી ગયો હતો. અંગ્રેજીમાં કહેવત છે કે Proof of the pudding is in eating, તે ન્યાયે મેં નક્કી કર્યું કે આ સામયીકના તંત્રી-માલિકને મારો એકાદ જુનો લેખ મોકલવો. મારો પોતાનો એક પ્રિય લેખ હતો જે શ્રી. પંચોલી, જનસત્તાના ચીફ રિપોર્ટર અને મારા મિત્ર સ્વ. શ્રી રમણભાઇ ભાવસાર તથા અન્ય સહસંપાદકોને પણ અત્યંત ગમ્યો હતો. મેં તેની ફોટો કૉપી, એક સાદા ફૉર્વર્ડીંગ પત્રની સાથે મોકલી આપ્યો. મારી શૈક્ષણીક લાયકાત તો મારા લેટર હેડીંગમાં લખેલી હતી. મારા સાહિત્યીક અનુભવમાં એટલું જ લખ્યું કે ‘મારા લેખનનો દરજ્જો આ સાથે બીડેલા મારા લેખ પરથી આપ જાણી શકશો. આપને લાગતું હોય કે આ લેખ આપના સાપ્તાહીકની પરંપરાને અનુરૂપ છે, અને આપને પસંદ આવે તેવું કામ હું કરી શકીશ તો અાપની ઉમેદ પર જરૂર ખરો ઉતરીશ.”

ત્યાર પછીના પાંચ દિવસ હું મારા રોજીંદા કામ - હૅરો, વેમ્બ્લી, તથા ગોલ્ડર્સ ગ્રીનના જૉબ સેન્ટરમાં ચક્કર મારવામાં વ્યસ્ત રહ્યો. એક સાંજે પાછો આવ્યો ત્યારે અનુરાધાએ મને કહ્યું, તમે સબ-એડીટરની જગ્યા માટે જ્યાં અરજી કરી હતી, તેના તંત્રીએ તમને તાબડતોબ ફોન કરવા કહ્યું છે.”

તે સમયે અમારે ઘેર ફોન નહોતો! ફોન કરવો પડે તો ઘરની બહાર જ પબ્લીક ટેલીફોન બૂથ હતો.

“તમને કેવી રીતે ખબર પડી? આપણી પાસે તો ફોન નથી,” મેં પૂછ્યું.

“આપણા ઘરની નજીક તેમનાં એક ગ્રાહક બહેન રહે છે. તેમને અખબારના તંત્રી તરફથી ફોન ગયો, અને આપણું સરનામું આપી તમારો સંપર્ક સાધવાની વિનંતિ કરી. આ બહેન હમણાં જ ગયા.”

બીજા દિવસે હું ફોન કરી વૉટર્લૂ સ્ટેશનથી એકાદ માઇલ પર આવેલી અૉફિસમાં ગયો. ઇન્ટરવ્યૂ થયો અને નોકરીની અૉફર થઇ. મને નોકરી મળી તેમાં મારો પોતાનો વિજય નહોતો. આ વિજય હતો ગુજરાતનો, ગુજરાતી ભાષાનો. કંઇ પણ થાય, અંતે ગુજરાતી જીતે જ!

આમ મને મળી બ્રિટનની પહેલી નોકરી. પગાર અઠવાડીયાના ૮૦ પાઉન્ડ. તંત્રીશ્રીનાં ધર્મપત્નિ ઘણાં પરગજુ મહિલા હતા. તેમના આગ્રહથી પગાર ઉપરાંત કંપનીના ખર્ચે લંડન અંડરગ્રાઉન્ડનો અઠવાડીક ટ્રાવેલ પાસ પણ આપવામાં આવ્યો.

મારો એવો તે ક્યો લેખ હતો, જેના આધારે મને આ નોકરી મળી?

આવતા અંકમાં તે લેખ રજુ કરીશ. કદાચ આપને પણ તે ગમે! મને તો હજી પણ ગમે છે, કારણ કે તે મારા માટે અન્નદાતા સમાન નીવડ્યો હતો.

3 comments:

 1. ભૂતકાળમાં મળેલ નોકરી માટે અભિનંદન. એનો આઈસ ક્રીમ જાતે જ ખાઈ લઈશું.
  તમે સૈનિક બન્યા ન હોય અને સાહિત્યકાર થયા હોત તો શું શું થાત ? - તેનો હાસ્ય લેખ લખવા પરવાનગી આપશો. ઓફ કોર્સ હા.દ.માટે !

  ReplyDelete
 2. "આ વિજય હતો ગુજરાતનો,ગુજરાતી ભાષાનો"
  વાહ !
  એકજ વાક્યમા તમોએ ગાગર માં સાગર ભરી દીધો.

  ReplyDelete
 3. ખુબ સુંદર અનુભવ.. અને એક ગરવા ગુજરાતીને છાજે એવો માતૃભાષા પ્રેમ. અહી કોમેન્ટ કરવામાં થોડો નવો છું પણ આપની કલમનો જુનો વાચક છું.

  આપના આગળના લેખની રાહ જોઇશ.

  ReplyDelete