Saturday, June 25, 2011

GYPSY'S DIARY- ગુજરાતી જીતે જ! (2)

"પાનનો મહિમા!"

મારા બાપુજી જેટલા સંગીતના શોખીન એટલા જ પાનના. કોણ જાણે સંગીત અને પાન વચ્ચે એવા ક્યા રસનો સંબંધ છે જે તેમને અદ્ભૂત એવા ભક્તિરસ સાથે જોડે છે. બેગમ અખ્તર (બાપુજીના રેકૉર્ડઝ્ના સંગ્રહમાં ‘અખ્તરી ફૈઝાબાદી’ની રેકર્ડ હતી!), રસૂલનબાઇ, તબલાનવાઝ કિશન મહારાજ જેવા સંગીતરત્નોને તેમની ‘ગિલોરી’નો અાસ્વાદ પરમના તાર સપ્તકમાંથી પૃથ્વી પરની સમ પર જે રીતે લઇ આવતો, તેનું વર્ણન કરી શકાય નહિ.

બાપુજી ઇસરાજ - એટલે દિલરૂબા વગાડતા અને ખાંસાહેબ અબ્દુલ કરીમખાં સાહેબની સાથે સંગત કરી ચૂક્યા હતા. આમ વ્યવસાયે તેઓ બ્રિટીશ સરકારમાં મોટા હોદ્દા પર હતા, પણ સંગીત તેમનો passion!

તેમના પાનનો શોખ મેં પહેલી વાર અનુભવ્યો ત્યારે હું પાંચ-છ વર્ષનો હતો. તે દિવસે તેઓ પાનમાં લગાડવાના ચૂનાને ‘સિદ્ધ’ કરતા હતા. તેમના નિર્દેશન નીચે અમારા સહાયક હરિપ્રસાદે ચૂનાની પાવડર બનાવી, કપડામાં ગાળી તેને નાનકડી મટકીમાં મૂકી. તેમાં પાણીને બદલે છાશ નાખી. તેમાં ગરમ પરપોટા થવા લાગ્યા ત્યારે તેમણે લાકડી વતી ઝડપથી હલાવવાનું શરૂ કર્યું. જ્યારે મટકી ઠંડી પડી, તેમાં થોડું માખણ ઉમેરી મિશ્રણને એકજીવ કર્યું અને કોઠારમાં મૂકાવ્યું. પાનના ડબામાં ચાંદીની ટચુકડી ડબી હતી તેમાં આ ચૂનો ભરવામાં આવે. હવે પાન બનાવવાનું કામ બા કરે - જો કે તે કેવી રીતે બનાવવા, તે બાપુજીએ જ શીખવ્યું હતું. બાએ તેને કળા બનાવી. હું તેમને પાન બનાવતાં જોઇ મંત્રમુગ્ધ થઇ જતો.

સૌ પ્રથમ પાણીયારાના એક ખૂણામાં ઠંડી જગ્યાએ પાણી છાંટેલા શણના ટુકડામાં લપેટેલા, સોનાનાં વરખ જેવા રંગનાં કપુરી પાન હિંચકા પર લઇ આવતા. ત્યાં એક સૂકા સ્વચ્છ કપડા પર પાન મૂકી તેના પરનો વધારાનો ભેજ સૂકવવાનો. ત્યાર પછી એક પાન ઉપાડી, સૂડીને પૂરી રીતે ખોલી બા પાનના રેસાને કોઇ નિષ્ણાત સર્જનની જેમ કાપે. ‘સર્જીકલ અૉપરેશન’ એટલા માટે કે સૂડી કેવળ રેસાને કાપે, પાન પર તેનો ઘસારો ન લાગે! ત્યાર પછી નવજાત શિશુની આંખમાં કાજળ આંજવામાં આવે તેમ બાપુજીએ બનાવેલ ખાસ ચૂનો પાનમાં નાજુકતાપૂર્વક લગાડાય. હવે તેના પર કાથાની ટિકડી ધરી સૂડીની ધાર વતી હળવે હળવે એવા ઘસરકા પાડવામાં આવે કે જાણે ભળભાંકડામાં ક્ષિતીજ પર સૂર્યના કિરણો પડતાં ઉષાના ગાલ પર લજ્જાની લાલી પથરાતી જાય, તેમ ચૂના પર કાથાનાં રજકણો પડતાં લાલ રંગ ઉગી નીકળતો. હવે તેના પર શ્રીવર્ધનથી ખાસ મંગાવેલી સોપારી કાતરી, પાનના મધ્યમાં પાથરી, તેના પર દેશી તંબાકુ અને ઇજમેટનાં ફૂલ મૂકી ભુમિતીની ચોકસાઇથી પાનનો ત્રીકોણ બનાવી વચ્ચે લવિંગ પરોવી તેને ‘સિક્યૉર’ કરવામાં આવે. આવા ચાર પાન બનાવી બા તે ખાસ ડબીમાં મૂકે. આ સમગ્ર ‘પ્રોસેસ’ દરમિયાન તેમના મધુર કંઠે ગાતાં: “મૈં બનકી ચિડીયા બન કે બન બન ઘુમૂં રે” કે પછી કાનનદેવીનું “તુમ મનમોહન, સબ સખીયન સંગ, હઁસ-હઁસ ખેલો ના..”
બચપણનું આ દૃશ્ય મારા સ્મૃતીપટલ પર હજી પણ અકબંધ છે! મને તે સમયે વિચાર આવતો, પાન બનાવવામાં આનંદની આટલી ઉર્મિ અનુભવાતી હશે, ત્યાં તેનો રસાસ્વાદ કરનારાને તેમાં કેટલો આનંદ મળતો હશે!

બાપુજીના એક મિત્ર હતા. લખુભાઇ પંડ્યા. હું તેમને પંડિતકાકા કહેતો. સુરેન્દ્રનગર (તે સમયના વઢવાણ કૅમ્પ)ના ટાવર પાસે તેમની પાનની દુકાન. પાનની દુકાન એટલે કેવળ પાન જ નહિ, ત્યાં લખોટી વાળી સોડાવૉટરની બૉટલ, લિમલેટ-પેપરમીંટની ગોળી અને ગ્લુકોઝનાં “ભિસકૂટ”ના પૅકેટ પણ હોય. એક વાર બાપુજી સાથે તેમની દુકાને ગયો ત્યારે તેમના એક ઘરાકે તેમની પાસે મસાલાનું પાન માગ્યું. પંડીતકાકા પાન બનવવા લાગ્યા ત્યારે ઘરાક તેમને કહેતો જાય, ‘હવે તેમાં સુગંધી કોપરૂં મૂકો, ગુલકંદ અને ચિકણી સોપારીના બે કટકા પણ મૂકજો.’ પાન લઇને તે ચાલતા થયા ત્યારે મેં બાપુજીને પૂછ્યું, “આપણા ઘેર બા પાન બનાવે છે ત્યારે તેમાં આ બધા મસાલા કેમ નથી નાખતા?” આનો જવાબ પંડિતકાકાએ આપ્યો.

‘નલૂભાઇ, પેલા ઘરાક લઇ ગયા ઇ પાન નૉતું. અમે એને કપુરી પાનનો ઘૂઘરો કહીએ. આવા પાન ખાવા કરતાં કંદોઇને ત્યાં જઇ ઘૂઘરા ખાવા સારા. ખરા પાન તો દાદા (મારા બાપુજીને તેઓ આ નામે બોલાવતા) બનાવે ઇ છે!”
અરે હા! કહેવાનું રહી ગયું: અમારા સૌરાષ્ટ્રમાં બાળકોને આપેલું નામ લાંબુ લચક હોય, પણ બોલાવવાનાં નામ સાવ જુદાં. મારૂં હુલામણું નામ જુદું હતું!

****

પાનના અસલી શોખીનની વાત નીકળી તો મને ભાવનગરનો પ્રસંગ યાદ આવ્યા વગર નથી રહેતો. તે સમયે (૧૯૪૦ અને ૫૦ના દાયકામાં) ભાવનગર ગુજરાતનું કલા, સંસ્કૃતી અને સંસ્કારનું કેન્દ્ર હતું. ગાયકવાડ સરકારે યુનિવર્સિટી, સ્કુલ અૉફ ફાઇન આર્ટ્સ, કામાઠીબાગનું મ્યુઝીયમ વગેરે સ્થાપ્યું હોવાથી વડોદરાને સ્થાનિક પ્રજાએ આ બિરૂદ ભલે આપ્યું હોય. આ બધું infrastructure ભાવનગર પાસે નહોતું તેમ છતાં ગુજરાતના સાહિત્ય, કલા-સંસ્કારનો અસલી વારસો ભાવનગર પાસે હતો એવું અમારૂં માનવું હતું. જવા દો, આ વાત પાનની છે.

ભાવનગરના ઘોઘા ગેટ પાસેની મોટી બજારમાં પાનની દુકાન હતી. અહીં કેવળ પાન જ મળે - પાન એટલે તૈયાર કે બનાવીને અપાતાં પાન નહિ. અહીં મલબારી, કપુરી, કલકત્તી પાનની છાબડીઓ આવતી. ત્યાં દસથી ઓછા પાન ન મળે. અમારા કાકાશ્રી માટે પાન લેવા હું ત્યાં ગયો ત્યારે સુંદર પ્રસંગ જોયો.

એક નાગર ગૃહસ્થ, તેમના પરંપરાગત પોશાક - લાલ કિનારનું ધોતિયું, રેશમી ઝભ્ભો, બંડી, કપાળમાં ત્રીપુંડ્ર, અને મસ્તક પર બનાતની ટોપી, ડાબા હાથની કોણીના વળાંકમાં ‘ટાંગેલી’ લાકડી રાખી પાન પસંદ કરી રહ્યા હતા. નજીક જતાં સંભળાયું કે તેઓ બાગેશ્રીના સૂર ગણગણી રહ્યા હતા. એક એક પાન એવી રીતે પસંદ કરતા હતા જેમ કોઇ ચોકસી કિમતી નંગને તપાસતા હોય. તેમાં પણ મનપસંદ ‘texture’ નું આછું પીળું પાન હાથમાં લાગે તો ઉદ્ગાર નીકળતો, “વાહ!”. તેમણે પચીસ પાન લીધા અને ગયા ત્યારે મેં દુકાનદારને પૂછ્યું, “આ કાકા પાનના ખરા શોખીન લાગે છે!”

“હા, તમારી વાત સાચી છે. મારા પંદર વરસના ઘરાક છે, અમારા પિતાશ્રીના સમયથી. આજકાલ એમના જેવા પાનના દર્દી રહ્યા નથી. મોટા ભાગના અમારા ઘરાક પાન બનાવી આપનાર દુકાનદારો હોય છે. બીજા પૂજા માટે પાન લેવા આવે. અસલ પાનનો રસ અને આનંદ મેળવનારા આ ભટ્ટકાકા જેવા બહુ ઓછા બાકી રહ્યા છે.”

જમાનો બદલાતો ગયો. પાનની દુકાનો વધતી ગઇ. પાનના આનંદ કરતાં મોંઘા, મસાલાવાળા પાન - સ્ટેટસ સીમ્બૉલ ગણાતા મઘઇ, બાબા છાપ ૩૬૦ અને નવરતન કિમામનો જમાનો આવી ગયો એવું જુના પાનવાળા કહે છે. વર્ષો પહેલાં અમદાવાદ જવાનું થયું, ત્યારે મારા ઘનીષ્ઠ મિત્ર ડૉ. અરૂણ સાથે રાત્રે જમ્યા બાદ ફરવા ગયો. ગુજરાત કૉલેજની નજીકની દુકાનમાં ગયા અને તેમણે પાન બનાવવાનું કહ્યું. “કપુરી, કાચી સોપારી અને થોડી દેશી તમાકુ.” પાનવાળા ભાઇ ડૉક્ટરસાહેબની પર્સનાલિટી, તેમની મોંઘી મોટર જોઇ અને સાવ સાદા પાનનો અૉર્ડર સાંભળીને કંઇક બોલવા જતા હતા અને રોકાઇ ગયા. અરૂણે કહ્યું, ‘કંઇક કહેવા જતા હતા?”

“હા સાહેબ. તમે પાનના ખરા રસિક છો. બાકી માવાની કચોરી જેવા મસાલાના પાન, પ્રોસેસ કરેલ ભેળસેળીયા, હલકી કક્ષાની પણ બ્રાન્ડ નેમ વાળી મોંઘી તમાકુનાં પાન ખાનારાઓ બહુ જોયા. તમારા જેવા અસલ પાનના સ્વાદની શી પરખ હોય? આ પાન રેમતુલાની લગડી જેવા હોય, તેનાં મોલ ગિલેટીયાઓ કેવી રીતે ઓળખે?

આધુનિક યુવાનોને કદાચ જાણ ન હોય, પણ જુના જમાનામાં રહેમતુલ્લાના માર્કાવાળી સોનાની લગડી લોકો આંખો મીંચીને લેતા. ‘રેમતુલા એટલે સો ટચનું સોનું’ એવો તેમણે બેન્ચમાર્ક બનાવ્યો હતો!

***

આ લેખ લખાયો ત્યારે પાન પરાગ અને હાનિકર્તા ગુઠકાઓનું આક્રમણ નહોતું થયું. મિલિટરીમાં પાન ખાવાની મનાઇ હતી, પણ તમાકુ માટે બંધી નહોતી. ભારતના કેટલાક પ્રદેશોમાં તમાકુનું ચલણ વધુ હતું. લોકો થોડી તમાકુ અને થોડો’ક ચૂનો લઇ, હથેળીમાં અંગૂઠા વતી રગડી,તેના પર ટપલી મારી હોઠ અને દાંતની વચ્ચે મૂકી તેનો આનંદ લે.

એક જગ્યાએ આ હરકતથી મહાન ગોટાળો થઇ ગયો હતો.

દર વર્ષે મિલિટરીની રેજીમેન્ટ કે બટાલિયનની યુદ્ધની તૈયારી માટેની પરીક્ષા લેવાય. એક બટાલિયનને ‘અૅટેક’ - એટલે દુશ્મનની રક્ષાપંક્તિ પર હુમલો કરી વિજય પ્રાપ્ત કરવાની ‘એક્સરસાઇઝ’ આપવામાં આવી હતી. યોજના મુજબ બધી તૈયારી થઇ ગઇ. આક્રમણકારોની હરોળ તૈયાર હાલતમાં હતી. કેવળ કંપની કમાંડરના સિગ્નલની રાહ જોવાતી હતી. આ સિગ્નલ હતો હળવેથી તાળી પાડવાનો, જે સાંભળતાં વેંત કમાંડરની બાજુમાં ઉભા તેમનો રનર યુદ્ધનિનાદ પોકારે અને હુમલો શરૂ થઇ જાય.

હુમલો કરવાના H-Hourમાં બે મિનીટ બાકી હતી અને ‘રનર’એ તાળી સાંભળી, ‘ભારતમાતાકી જય’નો પોકાર થયો અને હુમલો શરૂ થયો. કંપની કમાંડર સ્તબ્ધ થઇ ગયા, કારણ કે તેમણે તાળી વગાડી નહોતી. ‘તાળી’ વગાડનાર હતા તેમના હવાલદાર, જેમનાથી તમાકુની તલપ રોકાઇ નહિ. હથેળીમાં તમાકુ-ચૂનો રગડી, ‘માવો’ મોઢામાં મૂકતા પહેલાં ટેવ મુજબ તેના પર ટપલી મારી, જેનો અવાજ તાળી જેવો નીકળ્યો, અને....

કંપની કમાંડર કાબેલ હતા. બ્રિગેડ કમાંડરના સવાલના જવાબમાં તેમણે કહ્યું, “મારૂં ઘડિયાળ થોડું ફાસ્ટ ચાલે છે તેનો ખ્યાલ ન રહ્યો. અમે અમારો ટાઇમ મારા ઘડિયાળ પ્રમાણે ‘સિંક્રોનાઇઝ’ કર્યો હતો.”

હુમલો સફળ થયો અને કંપની કમાંડરને પ્રમોશન મળ્યું. પણ હવાલદારની ખેર નીકળી ગઇ!

***
અહીં સરકારી ચેતવણી આપી દઉં! તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ લેખ તમાકુ કે તેની ટેવના વખાણ કે તેને ઉત્તેજન આપવા માટે લખાયો નથી.

9 comments:

  1. અત્યારે હું સિંગાપોરમા હાયરાયજ બિલ્ડીંગ ના મારી દીકરીના આલીશાન ફ્લેટ માં બેઠો છું. પણ આ લેખ વાંચ્યા પછી મારું દિલ તો મારા બાળપણની ભાવનગરની
    ખખડધજ જુવાનસિંહની ડેલી જે, મોરલીધરની ડેલી પણ કહેવાતી ત્યાં જઈ ને ભરાઈ બેઠું છે. હા આજે
    પણ ત્યાં પાંચ બત્તીના ચોક સામે મોરલીધરની ત્રીજી પેઢી પાન ની દુકાન ચલાવે છે. આ પાનની
    દુકાન રાત્રી ના દોઢ - બે સુધી ખુલ્લી રહેતી અને એક વાયકા એવી પ્રચલિત હતી કે મોડી રાત્રી ના
    જીન કહેતાકે ભૂત-પ્રેત નો આગેવાન ત્યાં પાન ખાવા આવતો. મોડી રાત્રે, જીન જ્યાં સુધી પાન લેવા
    ના આવે ત્યાં સુધી પાન ની દુકાન ના સ્થાપક-માલિક મોરલીધર તેમની દુકાન ખુલ્લી રાખતા.
    હિંડોળા, ચાંદીની પાનદાનીઓ, પાન અને સંગીત ના જલસા અને માણસાઈ ના દીવા - અરેરે, આ
    બધુજ સુખ અતીતમા ખોવાઈ ગયું !

    ReplyDelete
  2. કમનસીબે મને પાનની ટેવ નથી પડી. મારા મિત્રોને લીધે આ પાનનો રસ કેવો હોય તે મેં ભરપૂર અનુભવ્યું છે.

    આપની લેખન શૈલિ કાબીલે દાદ છે.

    ReplyDelete
  3. તમારી લેખન શૈલી જબરદસ્ત છે! મેં ઘણી વાર પાનની મીઠાઈ ખાધી છે અને ઓછી વાર અસ્સલ પાન. તમારા આ લેખ પછી તો અસ્સાલનો જ સ્વાદ માણવાની ઈચ્છા છે. જો કે એમાં હું તમાકુની બાદબાકી કરું છું.

    ReplyDelete
  4. સરસ પાનપુરાણ. અમદાવાદ જઉં ત્યારે પાનની લિજ્જત માણવા મળે. પણ એ ભાવનગરી મિજાજ ક્યાં?

    ReplyDelete
  5. @ યશવંતભાઇ, અતુલભાઇ તથા સુરેશભાઇ,
    આપના સુંદર પ્રતિભાવ માટે આભાર! પાનનો આસ્વાદ માણવા માટે પાન ખાવાની જરૂરત નથી! આ વિશે લખનૌનાં બેગમ હઝરતમહલની એક આખ્યાયિકા છે (૧૮૫૭ના બળવાના ઘણા સમય પહેલાં). તેમને મળવા બનારસનાં રાણી ગયા ત્યારે તેમણે પૂછ્યું, "રાણીસાહેબા, ક્યા પાન નોશ ફરમાઇયેગા?" "જી નહિ, હમ પાન નહિં ખાતે!" "પાનકા લુત્ફ લેનેકે લિયે પાન ખાના નહિ પડતા. યહ દેખીયેગા!," કહી તેમણે દાસીને બોલાવી અને હંમેશ મુજબ 'પાન જમાઇયે'નો હુકમ આપ્યો. દાસીએ કાળજીપૂર્વક પાન બનાવ્યું, તેમાં થોડો જર્દો, કેસરના બે તાંતણા અને એક ઘસરકી કસ્તુરી નાખી બીડું બનાવી બેગમ તરફ જોયું. હઝરતમહલે માથું હલાવ્યું. દાસીએ સહેજ દૂર જઇ બીડું પોતાના મ્હોંમાં મૂક્યું. એક મિનીટમાં પાનની વિશીષ્ઠ સુગંધ ધીમે ધીમે આખા કમરામાં પ્રસરી, જેનો આનંદ સહુએ માણ્યો. "રાણીસાહેબા, પાનકા અસલી મઝા યહ હોતા હૈ!" બ્લૉગ લાંબો ન થાય એટલા માટે આ વાત તેમાં ઉમેરી નહોતી!

    ReplyDelete
  6. સારું કર્યું કે નીચે સરકારી ચેતવણી આપી દીધી છે. આપનુ ઉત્તમ "પાન-વર્ણન" જોઇ સ્વયં પાનની લિજ્જત માણવાનો આનંદ આવ્યો.

    આમ અમારા બાપુજી મિજાજથી થોડા કડક અને તમાકુ-ગુટકા કે પાન-મસાલાના કટ્ટર વિરોધી. આજેય આજુબાજુ વાળાના કોઇ છોકરાને પાનના ગલ્લે જુએ તો તેની "ધુળ" કાઢી નાખે !
    બાપુજીના આ સ્વભાવને કારણે અમે ઉપરના એ સ્વાદ અને તેની લિજ્જતના બિલકુલ અજ્ઞાની રહ્યા છીએ.(જો કે તેમનો આશય અમ બાળકોને ખોટા વ્યસનથી દુર રાખવાનો હોવાથી તે અંગે કયારેય કોઇ ફરીયાદ કરી નથી.)

    ReplyDelete
  7. નરેન્દ્રભાઈ, અમે ભાઈઓ પણ ની દુકાન ચલાવી ને ભણ્યા, સ્કુલ નું હોમવર્ક પણ ત્યાજ બેસીને પૂરું કરવાનું. બાપુજી પાન ના ખાય અને અમારાથી પણ ના ખવાય.
    મોટા થયા બાદ પાન ની ટેવ પડી ને મારી કંપની માં, હું પાન ખાવા બીડું ખોલું તે જોવા ઘણા લોકો ને મઝા પડતી. વડોદરા માં અલકાપુરી માં 'રીચ' પાન વાળા આજેપાન પોતે બનાવેલું કીવામ, ખાસ ઘરે કાતરેલી સોપારી, ઘરે ગાળેલો કાથો, ચૂનો વાપરીને પાન બનાવે છે...તેની દુકાને સિગરેટ અને ગુટખા નથી વેચાતા. બીજી ખાસિયત, જે જાણકાર પાનવાળા માં હોય જ, ગ્રાહક ને પોતાનું પાન કેવું બનાવવાનું તે કહેવું ના પડે, તેમને યાદ જ હોય ,,,ભલે વરસો પછી જાય.
    એક આડવાત. મારે કાર બદલવી હતી અને મારા પત્ની ના પડતા હતા. એક દિવસ તેમની વિરુદ્ધ મેં કાર બદલી અને રીચ માં છેલ્લું પાન ખાધું તમાકુ નું. મેં કહ્યું કે કાલથી ફક્ત સાદું પાન, મને કહે તમારાથી નહિ છુટે.......
    તે દિવસથી તમાકુ ના પાન બંધ અને જયારે પાન અલકાપુરી જાઉં ત્યારે ફક્ત સાદું પાન. આજે પણ તે યાદ કરે છે.
    તમે મને કોરિયા બેઠા પાન યાદ કરાવી ને મો માં પાણી લાવી દીધું. વાહ

    ReplyDelete
  8. @ Envy
    ઘણા વખતથી વિચાર કરતો હતો, કોરીયામાં બેસીને આ બ્લૉગની મુલાકાત લેનાર ભાઇને hug and thanks કહું. આજે આપે રહસ્યસ્ફોટ કર્યો! આપનો આભાર કે દૂર રહીને પણ જીપ્સીની મુલાકાત લો છો!
    આપની વાત વાંચી મજા પડી. સાવ સાચી વાત, પાનવાળા દૂરથી જોઇને જ આપણું પાન બનાવવા લાગી જતા. લંડનમાં નિયમીત રીતે પબમાં જનાર વ્યક્તિને બારટેન્ડર બે જ શબ્દ પૂછે: The usual? અને તેની બિટર કે લાગરનો ગ્લાસ ભરી દે! દર્દીઓની વાત અને જ્ઞાત અનેરી હોય છે તે આપે સુંદર રીતે બતાવ્યું. આભાર!

    ReplyDelete
  9. I am obliged Capt. Narendra...we are same name but diff. in profession..haha, love reading your blog and was too much interested in your last history novel, through which you took us all in diff. journey..kudos

    ReplyDelete