Tuesday, May 18, 2021

યંગ ઑફિસર્સ કોર્સ

પાસિંગ આઉટ પરેડ પહેલાં સેનાની કઇ શાખામાં જવું છે, અને તેમાં સુદ્ધાં, કઇ રેજીમેન્ટમાં જવાની ઇચ્છા છે તે લખી આપવું પડે છે. તેમાં પણ અમારે ત્રણ પસંદગીઓ આપવાની રહે, જેથી જે રેજિમેન્ટમાં જગ્યા પૂરાઇ ગઇ હોય તો તેની અવેજીમાં બીજી કોઇ રેજિમેન્ટમાં અમને મોકલી શકાય.  ત્યાર બાદ દરેક કૅડેટના રિપોર્ટ, તેની ઉમર, શિક્ષણ અને અન્ય આવડતને ધ્યાનમાં લઇ તેમની નીમણૂંક કરવામાં આવે છે. 

મારી પહેલી પસંદગી રિસાલામાં જવાની હતી; તે ન મળે તો ઇન્ફન્ટ્રી (રાજપુતાના રાઇફલ્સ કે ગુરખા રાઇફલ્સ જેવી પલ્ટન)  કે આર્ટિલરી (તોપખાનું). તે સમયની જરૂરિયાત એવી હતી કે ૨૫ની નીચેની વયના અફસરોને જ આ ત્રણ સેવાઓમાં મોકલવામાં આવતા. હું લગભગ ૩૦ની વયનો હતો તેથી મારી 'રવાનગી' આર્મી સર્વિસ કોરમાં થઇ. આ શાખામાં મિકૅનિકલ ટ્રાન્સપોર્ટ, ઍનિમલ ટ્રાન્સપોર્ટ, રાશન્સનો પૂરવઠો તથા પેટ્રોલિયમ પદાર્થોની આપૂર્તિ જેવા વિભાગ આવે. તેમાંથી કયા વિભાગમાં અમને મૂકવામાં આવશે તેનો નિર્ણય અમારા યંગ ઑફિસર્સ કોર્સમાં થનારા અમારા મૂલ્યાંકન પરથી લેવાશે, એવું જણાવવામાં આવ્યું. અમારૂં ટ્રેનિંગ સેન્ટર ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં હતું.

ASC School બરેલીમાં મારા જૂથમાં ત્રીસ ઑફિસર્સ હતા. સૈન્યમાં અફસરોનું જીવન કેવું હોય છે તેનો આછો ખ્યાલ અમને અહીં આવ્યો. પ્રથમ તો અફસરોના 'સામાજિક' જીવન પર આવી પડતો વધારાનો આર્થિક બોજ. અમારૂં ટ્રેનિંગ સેન્ટર અખીલ ભારતીય કક્ષાનું હોવાથી કેન્દ્રની મુલાકાતે ઘણા મહેમાનો આવતા. વળી અહીંના કૅન્ટોનમેન્ટમાં માઉન્ટન ડિવિઝનનું હેડક્વાર્ટર હોવાથી જુદી જુદી રેજીમેન્ટમાં પાર્ટીઓ થાય, જેમાં અમારા કમાન્ડન્ટને તથા અન્ય સિનિયર અફસરોને નિમંત્રણ મળતું. તેથી અમારે પણ ‘જવાબી પાર્ટી’ આપવી પડે. ફેર એટલો હતો કે બહારની પાર્ટીઓમાં અમારા જેવા સેકન્ડ લેફ્ટનન્ટસ્ બાકાત રહેતા, પરંતુ જવાબી પાર્ટીનો ખર્ચ આવે તેમાં અમારે ‘પ્રો રાટા’ ફાળો આપવો પડતો. અમારો અર્ધાથી વધુ પગાર મેસ બિલમાં જતો. અંગત ખર્ચ કાઢતાં જે રકમ બચતી, જેને ઘેર મોકલતાં પણ સંકોચ થાય. પરિણામે ઘણા અફસરો પોતાની અંગત જરુરિયાતોના ખર્ચમાં કરકસર કરીને પણ ઘેર પૈસા મોકલતા.

એક દિવસ અમારા સિનિયર ઇન્સ્ટ્રક્ટર સાથે અનઔપચારિક વાત કરતી વખતે દત્તાત્રેય નામના અમારા એક સાથીએ પોતાની વ્યથા વ્યક્ત કરી. “સર, અમે જ્યારે અફસર થયા ત્યારે મારાં કુટુમ્બીજનોને હાશ થઇ હતી કે હવે ઘરકામ કરવા માટે નોકર રાખી શકીશું. આજે એ હાલ છે કે હું આ અગાઉ ઑડિટર તરીકે જેટલો પગાર ઘરમાં આપતો હતો, તેનાથી અર્ધો પણ હવે નથી મોકલી શકતો. આજે પણ અમારા મોટા સંયુક્ત પરિવારમાં મારાં પત્નીને કપડાં-વાસણ હાથે કરવા પડે છે. આવી પાર્ટીના ખર્ચા અમને પોસતા નથી. આના માટે કંઇ થઇ શકે?”

“My dear friend, તમારી વ્યથા જાણીને દુ:ખ થયું. આ એક પરંપરાગત સત્ય છે.  તમારા યુનિટમાં જશો તો ત્યાં પણ આવા ખર્ચામાંથી તમે બચી નહિ શકો.”

ભારતીય સેનાના અફસરોના સામાજિક જીવનનો ઇતિહાસ જાણવા જેવો છે. 

આપણી સેના બ્રિટીશ પરંપરા પર ઘડાયેલી છે. ખાસ કરીને અફસર વર્ગ પર તેની છાપ એટલી ઘેરી છે કે તેનો જાત અનુભવ વગર ખ્યાલ આવી ન શકે. આજે ઘણી વાર અફસર મેસમાં સૈનિકો પાસેથી 'વેઇટર'નું કામ કરાવવામાં આવે છે એવા અર્ધસત્ય પર આધારિત સમાચાર આવે છે, જે સાંભળી "ઉદારમતવાદી" પત્રકારો અને વાચકો સંપાદકને લખાતા પત્રોમાં આક્રોશ કરતા હોય છે કે જવાનો પાસેથી 'આવાં' કામ કરાવવામાં સૈનિકોનું અપમાન છે!  આ વાતનું  સહેજ વિસ્તારથી નિરામરણ કરવું જોઇશે. 

સૌ પ્રથમ અફસર મેસની સ્થાપના પાછળનું ઐતિહાસિક કારણ જાણવું જરૂરી છે. 

અગાઉ જણાવ્યા પ્રમાણે ભારતીય સેનામાં "Tradition"નું મહત્વ સર્વોપરી છે. તેમાં અફસરો તથા સૈનિકોના સાહસ, તેમની રેજિમેન્ટોએ મેળવેલા વિજયની ગાથા, યુદ્ધમાં જીતેલા દુશ્મનના નેજા, શસ્ત્ર વિ.નું ભવ્યતાથી પ્રદર્શન કરવામાં આવે છે. અને આ પ્રદર્શનનું સ્થળ હોય છે ઑફિસર્સ મેસ તથા બટાલિયનના દર્શની ભાગમાં આવેલ 'ક્વાર્ટરગાર્ડ'માં. આ સૌની પાછળ રહી છે જુની અંગ્રેજી પ્રથા.

અંગ્રેજોની તેમજ આપણાં રજવાડાંઓની પુરાતન વારસા પદ્ધતિ - system of primogeniture મુજબ આખો ગરાસ પરિવારના પાટવી પુત્રને કે સૌથી મોટા દીકરાને મળે. આથી પિતાના મૃત્યુ બાદ મર્હૂમને ત્રણ પુત્રો હોય તો સૌથી મોટાને રાજગાદી સાથે પૂરી જમીન-જાગીર મળે. બાકીની રોકડ અને અન્ય માલમિલ્કતના ભાગ મરનાર તેના મૃત્યુપત્રમાં લખે તે મુજબ વહેંચવામાં આવે. 

બ્રિટનની પરંપરા મુજબ મોટા પુત્રને પૂરો વારસો અપાયા બાદ બાકીના પુત્રોમાંથી એક સેનામાં અફસર થવા સૅંડહર્સ્ટની રૉયલ મિલિટરી ઍકેડેમીમાં દાખલ થતો. મિલિટરી ટ્રેનીંગ બાદ રાજા કે રાણી તરફથી બ્રિટીશ સેનામાં અફસરની નીમણૂંકનો ‘પાર્ચમેન્ટ’  (દસ્તાવેજ) તૈયાર કરવામાં આવતો, જેમાં તેને રાજા તથા દેશની સેવા માટેનો હુકમ જેને ‘કિંગ્ઝ કમિશન’ કે 'ક્વિન્સ કમિશન' કહેવામાં આવતું-તે વિધીસર આપવામાં આવતો. ત્રીજો પુત્ર બહુધા દેવળ (ચર્ચ ઑફ ઇંગ્લન્ડ)માં જોડાઇ બિશપ જેવા ભારે પગારના કોઇ મોટા હોદ્દા પર નીમાતો, અથવા રાજની વસાહતોમાં ગવર્નર કે પરદેશમાં આવેલી મોટી અસક્યામતોના માલિક તરીકે મોકલવામાં આવતા. આમ સેનામાં આવતા આવા ઉમરાવ ઘરાણાના અફસરો ભવ્ય મેળાવડા અને ભોજન સમાંરંભ ગોઠવતા. સારા એવા પગાર ઉપરાંત તેમની પોતાની ખાનગી આવક હોવાથી ઑફિસર મેસમાં યોજાતા ભવ્ય કાર્યક્રમનો ખર્ચ સહેલાઇથી કરી શકતા. નીચેની છબિમાં ઑફિસર્સ મેસના મુખ્ય ખંડ - જેને Ante Room કહેવાય છે તે અને ભોજન વખતે જે રીતે ટેબલ સજાવાય છે તે જોવા મળશે.



ઑફિસર્સ
મેસની રચના પણ કોઇ રજવાડાના દરબાર હૉલ કરતાં ઓછી ભવ્ય નથી હોતી! સમય જતાં સેનામાં મધ્યમ અને સામાન્ય વર્ગમાંથી આવનારા અફસરોમાં વધારો થતો ગયો, પરંતુ મેસમાં થતી ‘રેજીમેન્ટલ ડિનર નાઇટ્સ’, કે રેજિમેન્ટે યુદ્ધમાં મેળવેલા વિજયના દિવસની યાદગિરીમાં યોજાતી પાર્ટીઓ, નવા અફસરના આગમનની ‘ડાઇનીંગ-ઇન’ અને બદલી થઇને જનારા અફસરો માટે ‘ડાઇન-આઉટ’ પાર્ટીઓ જુની પરંપરા મુજબ ચાલુ રહી. આમાંની કેટલીક પાર્ટીઓમાં ઉચ્ચ હેડક્વાર્ટર્સ - જેમ કે ડિવિઝન કે બ્રિગેડના અફસરો તથા તેમની પત્નિઓને નિમંત્રણ આપવામાં આવતું, જેનો ખર્ચ બટાલિયનના અફસરોને સરખા ભાગે ભોગવવો પડે. જે અફસરોને તેમના સંયુક્ત પરિવારના ગુજારા માટે ફાળો આપવો પડતો હોય તેમને મળતો પગાર ગમે એટલો ભારે કેમ ન હોય, પણ થોડી ઘણી નાણાંકિય મુશ્કેલી તો ભોગવવી પડતી. રહી વાત મેસમાં કામ કરનારા "સૈનિક"ની. અફસર મેસના કર્મચારીઓ Non-combatant Enrolled' એટલે બિન-હથિયારધારી અ-સૈનિક તરીકે મેસ-વેઇટર, વાઇન વેઇટર, આબદાર કે water carriers (જુના જમાનામાં પાણી ભરી લાવવા માટે રખાતા અ-સૈનિક કામદાર), રસોઇયા વિ.ની ભરતી કરવામાં આવે છે. તેથી મેસમાં કામ કરનાર વ્યક્તિ સૈનિક નથી હોતા. મેસમાં કેવળ એક જ સૈનિક કામ કરે : મૅનેજરનું, જેને મેસ-હવાલદાર કહેવામાં આવે છે. તેનું કામ કેવળ બટાલિયનના સિનિયર મેજર - જેને President of Mess Committee કહેવામાં આવે છે, તેની નિગરાણી નીચે વ્યવસ્થાપકનું કામ કરવાનું હોય છે. 

અમે આ કોર્સ કરતા હતા તે વખતના અમારા કમાન્ડન્ટને તુક્કો સુઝ્યો : મિલિટરીમાં અમારી કોરના અફસરોને આરામપ્રિય અને ‘ફિઝીકલ ફીટનેસ’માં ઇન્ફન્ટ્રી કે તોપખાનાના અફસરો કરતાં થોડા નબળા ગણવામાં આવતા તેની છાપ દૂર કરવી. આ માટે તેમણે હુકમ આપ્યો કે યંગ ઑફિસર્સ કોર્સમાં આવનાર અફસરોએ ફરજીયાત ૨૬ માઇલની મૅરેથોન દોડવી. અમારી ટ્રેનિંગ દરમિયાન અમે પાંચ અને દસ માઇલની દોડ તો નિયમીત રીતે નિયત સમયમાં પૂરી કરતા. હવે બાકીની આ "કમી" પૂરી કરવા અમને ’ફીલ્ડ સર્વિસ માર્ચીંગ ઑર્ડર’નો યુનિફૉર્મ તથા ઇક્વીપમેન્ટ પહેરીને મૅરેથોન દોડાવવામાં આવ્યા! જો કે આ દોડને પરીક્ષા ગણવામાં આવી નહોતી તેથી અમે આરામથી દોડ્યા અને ચાર - સાડા ચાર કલાકમાં દોડ પૂરી કરી. મારો સિવિલિયન ઑર્ડર્લી રામખિલાવન દોડની અંતિમ રેખા પાસે બાટલીમાં લિંબુનું શરબત અને બરફ લઇને મારી રાહ જોઇને બેસી રહ્યો હતો. “સાબજી, ઇસમેં થોડા કાલા નમક ડાલા હૈ, જીસસે આપકા બૅલેન્સ ઠીક રહેગા!” કોણ જાણે તે ક્યાંથી શરીરમાંના ઇલેક્ટ્રોલાઇટના બૅલેન્સ વિશે માહિતી કાઢી આવ્યો હતો ! ચાર કલાકમાં તો કોઇ પણ વ્યક્તિ ૨૬ માઇલ દોડી શકે, પણ અમને અભિમાનથી કહેવાનું બહાનું તો મળ્યું, "હા, અમે પણ મૅરેથોન દોડી આવ્યા છીએ!"

બરેલીની મારા માટે પહેલી મુલાકાત હતી. અહીંનો સુરમો પ્રખ્યાત હોવાથી બહેનો માટે મિત્રો સાથે ‘મોતી કા સુરમા’ લેવા ગયો. ભયંકર ગરમી પડી હતી તેથી રસ્તામાં ઍર કન્ડીશન્ડ રેસ્ટોરાઁમાં અમે થોડો વિસામો લેવા ગયા. મિત્રોએ સાદા કોલ્ડ-ડ્રીંક મગાવ્યા. મને થયું અહીંની કોઇ સ્થાનિક ‘સ્પેશિયાલીટી’ મંગાવીએ. મેન્યૂ કાર્ડમાં ઠંડા પીણામાં એક ‘આઇટમ’ હતી “શિકંજવી”. કિંમત અન્ય પીણાં કરતાં લગભગ ત્રણ ગણી. મને થયું ફાલુદા કે ખાસ જાતની લસ્સી જેવો કોઇ પ્રકાર હશે. વટમાં આવીને મેં તેનો ઑર્ડર આપ્યો. ‘શિકંજવી’ આવી અને તેનો એક ઘૂંટડો લીધો ત્યારે ઉદ્ગાર નીકળ્યો, "હત્તેરેકી આ તો લિંબુ-પાણી છે!" 

મારા લખનવી સાથી આ સાંભળી હસી પડ્યા. “મેરે દોસ્ત, યૂ.પી.મેં તો ગધે ભી જાનતે હૈં ઉર્દુમેં  નિંબૂ-પાની કો ‘શિકંજવી’ કહેતે હૈં! 

મેં કહ્યું, ‘આપની વાત સાચી છે, પણ મેનુ કાર્ડ અંગ્રેજીમાં જ બનાવવાના હોય તો અહીંના ગધેડાઓએ હવે થોડું અંગ્રેજી શીખવું જોઇએ એવું નથી લાગતું આપને?" ’ બધા હસી પડ્યા.




Thursday, May 13, 2021

An Officer and a Gentleman


ભારતીય સેનાના અફસરનો નવો અવતાર પામતાં એક તરફ મારા મનમાં આનંદનો સાગર હિલોળા લેતો હતો. સાથે સાથે બાએ મારા ખભા પર સ્ટાર મૂક્યો તેની સાથે એક મોટી જવાબદારી આવી હતી તેનો અહેસાસ થયો.

 ભારતીય સેનાના અફસરોની ભરતી અને ટ્રેનિંગ માટે સ્થપાયેલી IMA - ઇંડિયન મિલિટરી ઍકેડેમીના સ્થાપક ફિલ્ડ માાર્શલ સર ફિલિપ ચૅટવૂડે ભારતીય સેનાના અફસરો માટે Credo - એક મૂલમંત્ર રચ્યો છે. 


The safety, honour and welfare of your country come first, always and every time.


The honour, welfare and comfort of the men you command come next.


Your own ease, comfort and safety come last, always and every time.


તમારા દેશનું સંરક્ષણ, અસ્મિતા અને કલ્યાણ તમારું પ્રથમ, ચિરંતન અને પ્રત્યેક ક્ષણ માટેનું કર્તવ્ય છે.

બીજા ક્રમે તમારૂં કર્તવ્ય તમારા નેતૃત્વ હેઠળના સૈનિકોના ગૌરવ, કલ્યાણ અને સુખાકારી પ્રત્યે રહેશે. 

તમારી પોતાની સુવિધા, આરામ અને સંરક્ષણ હંમેશા, હરઘડી અને કાયમ સ્વરૂપે છેલ્લા ક્રમે રાખશો. 

***

દર રવિવારે મિત્રો સાથે અમદાવાદના લૉ ગાર્ડનના શંકરનો આઇસક્રીમ કે માણેકચોકમાં અશરફીલાલની કુલ્ફી ખાવા જનાર, સાંસારિક જીવન અને પારિવારિક જવાબદારીની ભુલભુલામણીમાં ગોથાં ખાનાર યુવાનનું એક અદ્ભૂત ધૂણીમાં તપીને મિલિટરી અફસરમાં પરિવર્તન થયું હતું. અમારા બન્ને ખભા પર ભલે એક-એક તારક હતો, પણ તેમાંથી નીકળતા પ્રકાશમાં અમારા જીવનનું નુતન અભિયાન શરૂ થયું હતું. પ્રશિક્ષણ દરમિયાન અમારા નાગરી જીવનની સુખાસિનતા, આરામથી કામ કરો, કામમાં થોડી ઘણી ઢીલ કે અપૂર્ણતા - "ચાલે અને આવું તો ચાલ્યા કરે’’ની વૃત્તિને અમારી રગેરગમાંથી કાઢી નાખવામાં આવી હતી. અમારી કામ કરવામાં થોડી પણ ભુલ થાય તો અસંખ્ય સૈનિકોનો જીવ જોખમમાં આવી જાય તેથી નાનકડી ક્ષતિ પણ ન ચાલે. 

આપે કદાચ પેલી અંગ્રેજી કવિતા વાંચી હશે : All for the want of a horseshoe nail. એક ઘોડેસ્વાર સૈનિક, જેની ફરજ સંદેશવાહકની હતી, તેના અશ્વના ડાબલા પરની લોખંડની નાળમાંથી એક ખિલો નીકળી ગયો હતો. હુકમ હતો કે આવું કંઇ થાય તો તે કામ તત્ક્ષણ પૂરૂં કરી લેવું. આ સૈનિકે ‘ચાલશે હવે. આ એટલું કંઇ મહત્વનું કામ નથી. જરૂર પડતાં 'થઇ જશે' - માની કશું કર્યું નહીં. અત્યારે ક્યાં કૂચ કરવાની છે? કહી તે આરામ કરવા ચાલ્યો ગયો. મધરાતે તેના અફસરે હુકમ આપ્યો : અબઘડીએ નીકળ અને રાજધાની પહોંચ. આ સંદેશ કિલ્લામાં જઇ સેનાપતિને આપી આવ. સંદેશ હતો, દુશ્મન ભારે સંખ્યામાં પાટનગરના કિલ્લા પર હુમલો કરવા નીકળ્યો છે, તો તૈયાર રહો.

સંદેશવાહકને યાદ ન રહ્યું કે ઘોડાની નાળમાંનો એક ખિલો જડવાનો બાકી હતો. તેણે ઘોડો દોડાવ્યો. પાંચે'ક માઇલ ગયો હશે ને નાળ ઢિલી પડી ગઇ. ઘોડાના પગને ઇજા થઇ અને તે લથડી પડ્યો. સાથે ગબડ્યો સૈનિક અને બુરી રીતે જખમી થયો. સંદેશ કિલ્લા સુધી પહોંચી ન શક્યો. અસાવધ પાટનગર પર દુશ્મને હુમલો કર્યો અને સેંકડો પ્રજાજનો માર્યા ગયા. રાજા હારી ગયા. પરદેશીઓએ રાજ્ય જીતી લીધું. 

આમ સૈન્યમાં ઝીણામાં ઝીણી વાતમાં અત્યંત ચિવટ રાખવી જોઇએ તે અમારા રોમેરોમમાં ઠસાવવામાં આવ્યું હતું. હવે અમે ‘સિવિલિયન’ નહોતા રહ્યા. અમારી ચાલવાની ઢબથી માંડી દરેક કામમાં ચુસ્તી, ઝડપ અને કોઇ પણ કામ કરો, તે એવી યોજનાબદ્ધ કાળજીથી કરો કે તે પહેલા પ્રયત્ને જ સફળ થાય અને તે ઉત્તમ દરજ્જાનું હોય. આજકાલના મૅનેજમેન્ટના સિદ્ધાંતોમાં 'Get it right the first time' છે, જે વર્ષોથી સૈન્યના અફસરોના માનસમાં તેના પ્રશિક્ષણના સમયથી જ ઠસાવવામાં આવે છે. કોઇ પણ કાર્ય હોય તેની ઝીણામાં ઝીણી વિગત પર પૂરું ધ્યાન આપવું તેને અમારી સહજ વૃત્તિ બનાવવામાં આવી હતી.

આનો અર્થ એવો નથી કે અમે ‘સુપરમૅન’ બન્યા હતા. અમારા કામમાં અમે જેટલી ચોકસાઇ અને યોજના કરીએ એટલી કે કદાચ તેનાથી વધુ ચોકસાઇ ડૉક્ટર અને શસ્ત્રક્રિયા કરનાર સર્જ્યન, શિક્ષક, આર્કીટેક્ટ અને હસ્તકૌશલ્યના કારીગરને રાખવી પડતી હોય છે. ભારતના પુરાતન શિલ્પ જોઇએ તો ખ્યાલ આવશે કેટલી બારિકાઇથી તેમાં કોતરકામ કરવામાં આવેલ છે. છિણી પર અલ્પાતિઅલ્પ વધારાનો ઘા પડવાથી આખું શિલ્પ ધરાશાયી થઇ જાય, એવી નિપૂણતા આવા કલાક્ષેત્રમાં પ્રાપ્ત કરવાની હોય છે. સૈન્યમાં નાનામાં નાની ભૂલથી કેટલા સૈનિકો મૃત્યુ પામી શકે છે અને તેમના પર આધાર રાખનારા સેંકડો પરિવારનું સુખ નષ્ટ થતું હોય છે. 

અમારા પ્રશિક્ષણનો અંતિમ ધ્યેય તો એ હતો કે અમે એવા યોદ્ધાઓના નેતા બનીએ જેની નિર્ણયશક્તિ પર અનેક સૈનિકો પોતાના જીવનની જવાબદારી સોંપી શકે. તેમના વિશ્વાસને પાત્ર બની, યુદ્ધની કપરામાં કપરી સ્થિતિમાં તેમની સફળ આગેવાની કરી શકીએ. અમારા કાર્યમાં પ્રામાણિકતા, નૈતિકતા, નિષ્ઠા, નિ:સ્વાર્થ નેતૃત્વ અને વફાદારીને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવ્યું હતું. અમારૂં વર્તન દેશના શ્રેષ્ઠ નાગરિક જેવું વિનયશીલ હોવું જોઇએ. આ વાતનું મહત્વ ભારતીય સેનાના અફસરોને પ્રશિક્ષણ વખતે તેમના રક્ત અને શ્વાસમાં સમાવવામાં આવે છે. તેથી જ તેમને Officer and Gentleman કહેવામાં આવ્યા છે. અમને એક વધુ વાત સમજાવવામાં આવી કે આ એવી ઉમદા વિચારધારા છે, જેની અંતર્ગત એક બીજા માટે અમે હતા ‘brother officers’. અમારા જવાનો માટે તેમના અદના સાથી તથા તેમના પરિવારના સદસ્ય બની રહીએ. આમ, સૈન્યમાં હજારો અફસરોનો એકબીજા સાથે ભાઇનો સંબંધ બંધાયો છે. જે આદર્શ અને ધ્યેયને લક્ષ્ય બનાવી સેનામાં ભરતી થવા આવ્યો હતો, તે મને અહીં પૂર્ણ રુપે પ્રાપ્ત થતા લાગ્યા. એક નવા વિશ્વમાં, સર ટૉમસ મોરના 'યુટોપિયા' તરફ પગલાં ભર્યા હોય તેવું લાગ્યું. એક આદર્શવાદી યુવાનને આનાથી વધુ શું જોઇએ? 

૨૭મી જાન્યુઆરી ૧૯૬૪ના રોજ અમે ઘેર ગયા. મને એક અઠવાડિયાની રજા મળી હતી. તે પણ કેટલી ત્વરાથી વિતી ગઇ! 

મને ત્રણ મહિનાની advanced training, જેને Young Officers Course કહેવાય છે, તેના માટે ઉત્તર પ્રદેશના સુરમા માટેના પ્રખ્યાત બરેલી જવાનો હુકમ મળ્યો હતો. 

ફરી એક વાર પરિવારથી દૂર થવાનો પ્રસંગ આવ્યો હતો. 

પ્રવાસની ઘટમાળ શરૂ થવાની હતી તેનો જાણે આ પૂર્વ સંકેત હતો. 

Wednesday, May 12, 2021

પાસિંગ આઉટ પરેડ : સેકન્ડ લેફ્ટેનન્ટ નરેન્દ્ર

પરિક્રમા પૂરી થઇ. અહીંથી અમારો સો કિલોમિટરનો ‘રૂટ માર્ચ’ અને તેની સાથે જોડાયેલી સઘળી એક્સરસાઇઝ શરૂ થઇ હતી અને અહીં જ તે પૂરી થઇ. 

અમારી પાસિંગ પરેડની તારિખ ૨૫મી જાન્યુઆરી ૧૯૬૪ હતી. હવે અમારે કૅડેટના ખાખી યુનિફૉર્મને તિલાંજલી આપી મિલિટરીના ઑલિવ ગ્રીન યુનિફૉર્મમાં પરેડની પ્રૅક્ટિસ કરવાની હતી. સાથે સાથે ‘કમિશનીંગ’ના ઉત્સવની વિગતો પણ મળી.

આ પરેડમાં મહેમાન તરીકે દરેક કૅડેટના પરિવારમાંથી ત્રણ વ્યક્તિઓને નિમંત્રણ આપવામાં આવશે. તેમનાં નામ અને સરનામાં સાથે તેમની અંગત વિગતો માગવામાં આવી, જેથી તેમના માટેની રેલ્વેની ટિકિટ તથા આવવા-જવાનું રિઝર્વેશન કરી આપવામાં આવશે. પાસિંગ આઉટ પરેડ બાદ અમારી OTSના અફસરો સાથે અમારા પરિવારને ટી-પાર્ટી અને રાતના ભવ્ય ડિનર. રાતના બરાબર બારના ટકોરા પૂરા થતાં ભારતના પ્રજાસત્તાક દિનના આગમનના દિવસે અમારી સેકંડ લેફ્ટેનન્ટના હોદ્દા પર થનારી નીમણૂંકનો વિધિ પણ સમજાવવામાં આવ્યો.

મેં ખાસ વિનંતી કરી એક વધારાનું આમંત્રણ મેળવ્યું તેથી મારા મહેમાન હતાં અમારાં વહાલાં બા, સૌથી નાની બહેન જયુ ઉર્ફે ડૉલી અને મારા બચપણના ખાસ મિત્ર સદાનંદ અને તેનાં પત્ની વૈજયન્તિ.

ત્રણ અઠવાડિયાની સતત અને સખત પ્રૅક્ટિસ બાદ ૨૫મી જાન્યુઆરી ૧૯૬૪નો દિવસ ઉગી નીકળ્યો. અમારો ઉત્સાહ કેવળ અમારા કૅમ્પના વિસ્તારમાં જ નહીં, આખા પુણેં શહેરમાં વ્યાપી રહ્યો હતો. અમને જણાવવામાં આવ્યું હતું કે અમારી કઇ રેજિમેન્ટ કે કઇ સર્વિસમાં નીમણૂંક થઇ છે, જેથી તે પ્રમાણે અમે અમારી બેરી (beret), તેના પર લગાડવામાં આવનાર બૅજ, સોટી અને ખભા પર લગાડવામાં આવનાર રેજિમેન્ટ અથવા સર્વિસના આદ્યાક્ષર ખરીદીને તૈયાર રાખી શકીએ.

અણ્ણાસાહેબે બા, ડૉલી તથા મિત્ર-મિત્ર પત્નીની ઉતરવાની વ્યવસ્થા તેમના જુના સાથીના ઘેર કરી આપી હતી.

આખરે ૨૫મીનો દિવસ ઉગી નીકળ્યો. અમે વહેલી સવારથી તૈયારીમાં પડ્યા હતા. અમારા સહાયકે અમારાં યુનિફૉર્મને એવા તો ચળકાવી રાખ્યા હતા કે અમારા સુબેદાર મેજર માઇક્રોસ્કોપથી જોઇને પણ તેમાંથી કોઇ ક્ષતિ ન શોધી શકે. જો કે શિરસ્તા મુજબ પરેડના એક દિવસ અગાઉથી અમારા કોઇ ઉસ્તાદ કે JCO (નાયબ સુબેદાર, સુબેદાર અને સુબેદાર મેજરનો હોદ્દો ધરાવતા જ્યુનિયર કમિશન્ડ ઑફિસર) અમારી નજરથી અદૃશ્ય થઇ જાય. જેમને અમે આજ દિવસ સુધી અમારા ગુરુ માન્યા હતા, જેમને આદર અને સન્માનની નજરથી જોયા હતા, તેમને તેમના શિષ્યોને સૅલ્યૂટ કરવાની શિક્ષા ન થવી જોઇએ. જો તેઓ અમારી સામે હોત તો કદાચ અમે જ તેમને સૅલ્યૂટ કરી હોત.


પરેડ
ભવ્ય હતી એવું બા તથા સદાનંદે કહ્યું. બા તો અમારી પરેડમાં લેફ્ટ-રાઇટના કડાકાબંધ પગરવ સાથે પસાર થતા ૭૦૦-૭૫૦ કૅડેટ્સમાં તેમના પુત્રને શોધી રહ્યાં હતાં. અમારી માર્ચ કરવાની ગતિ મિનિટના ૧૨૦ પગલાંની હતી. તેઓ મને તો જોઇ શક્યા નહીં, તેમની નજર સામેથી પસાર થનારા દરેક કૅડેટમાં તેમને તેમનો પુત્ર દેખાતો હતો. આવું જ કંઇક હાજર રહેલા અસંખ્ય માતા-પિતાઓએ અનુભવ્યું હશે.

તે રાત્રે અમારી મેસમાં તૈયાર થયેલું ભોજન અભૂતપૂર્વ હતું. મારા કંપની કમાંડર, ફર્સ્ટ હૉર્સ (સ્કિનર્સ હૉર્સ) રેજિમેન્ટના મેજર વાડિયા તથા સેકન્ડ-ઇન-કમાંડ ૨૦મી લાન્સર રેજિમેન્ટના કૅપ્ટન મહેતા (પંજાબના) બા તથા ડૉલીને મળ્યા. ભોજન સમારંભની સાથે મિલિટરીના બૅન્ડ સુંદર સૂર રેલાવી રહ્યા હતા. રાતના ૧૧ વાગીને ૫૯ મિનિેટ થતાં સૂનકાર થઇ ગયો. માઇક પરથી  છેલ્લી દસ સેકંડનું કાઉન્ટડાઉન સંભળાયું. બરાબર બાર વાગે મેદાનમાં ફ્લડ લાઇટ છવાઇ ગઇ. મારા ડાબા ખભા પર સદાનંદ-વૈજયન્તિ અને જમણા ખભા પર બા તથા જયુએ એક-એક સિતારો લગાડ્યો. અમારા માટે આ ધન્ય ઘડી હતી. લાઉડ સ્પીકર પર બ્રિગેડિયર આપજી રણધીરસિંહજીએ અમને બધાને ભારતીય સેનામાં કમીશન્ડ ઑફિસરના પદ પર નીમણૂંક થઇ છે તેની જાહેરાત કરી અભિનંદન આપ્યા. જીવનનો એક અધ્યાય પૂરો થયો.

તે ઘડીએ પુત્રને મિલિટરી અફસરના લેબાસમાં જોઇને બા અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યાં હતાં. 

મારી વાત કહું તો હું એક વિચિત્ર મન:સ્થિતિમાં હતો.

દોઢ વર્ષ અગાઉ સવારના દસથી સાંજના પાંચની આરામદાયક નોકરી કરનાર એક આદર્શવાદી યુવાનની સામે કોઇ દિશા નહોતી. જીવનમાં મળેલી કેટલીક નિષ્ફળતાઓને કારણે ખાસ કોઇ મહત્વાકાંક્ષા કેળવવાનો વિચાર કે સમય નહોતો. પિતાજીનું અવસાન હું નવ વર્ષનો હતો ત્યારે થયેલું. મારાથી ત્રણ નાની બહેનો હતી. તેમાંની મોટી મીનાનાં લગ્ન અમે ત્રણ વર્ષ અગાઉ ઉજવ્યાં હતા. તેનાથી નાની સુને હાલમાં જ નોકરી મળી હતી. સૌથી નાની જયુ કૉલેજમાં હતી. તેમનાં લગ્ન પતે એટલે હું મોટી જવાબદારીમાંથી મુક્તિ પામવાનો હતો. આગળ શું કરવું તેનો વિચાર નહોતો કર્યો.  

જીવન વિમા નિગમમાં હું નોકરી કરતો હતો ત્યાં કર્મચારીઓ અને મૅનેજમેન્ટ વચ્ચે લગભગ વિગ્રહની સ્થિતિ હતી. લોકાધિકાર વિશેની વિચારધારાથી પ્રેરિત થઇને મેં યુનિયનના કામમાં ઝંપલાવ્યું અને રાષ્ટ્રીય સ્તર પર અમદાવાદના યુનિયનનું પ્રતિનિધિત્વ કર્યું. જનતાના અધિકાર માટે સંઘર્ષ કરવો પડે છે એ ગુજરાતના યુવાનોએ છેક ૧૯૪૨થી - વિનોદ કિનારીવાલાએ આપેલા બલિદાનથી માંડી મહાગુજરાત, નવનિર્માણ વિ. જેવા આંદોલનોથી સિદ્ધ કર્યું છે. પરોક્ષ રીતે કેમ ન હોય, આ વૃત્તિ ગુજરાતના યુવાનોના માનસમાં આપોઆપ ઘડાઇ છે, જે પ્રસંગ પ્રમાણે પ્રત્યક્ષ થઇને વ્યક્ત થાય છે. ૧૯૬૨માં ચીન સામે થયેલા યુદ્ધે મારો સમગ્ર દૃષ્ટિકોણ બદલાયો હતો. એક લક્ષ્ય સાંપડ્યું હતું જે બાના આશિર્વાદથી તે સિદ્ધ થયું. 

25-26 જાન્યુઆરી ૧૯૬૪ની રાતે ઑલિવ ગ્રીન યુનિફૉર્મ, ખભા પર ચળકતા પિત્તળના તારક, ચમકતા બૂટ અને અફસરો માટેની peaked capમાં બાએ મને જોયો ત્યારે તેમની આંખમાં હર્ષના અશ્રુ આવી ગયા હતાં. અઢારમી સદીની આખરમાં અમારા એક પૂર્વજ ગાયકવાડ સરકારના સેનાપતિ હતા. ત્યાર બાદ ઓગણીસમી સદીના અંતમાં બ્રિટીશ સરકારની વેસ્ટર્ન ઇન્ડીયા સ્ટેટ્સ એજન્સીમાં ‘કાઠિઆવાડ’ના પ્રથમ ભારતીય પોલિસ સુપ્રીન્ટેન્ડન્ટ થવાનું શ્રેય મારા દાદાજીને મળ્યું હતું. પુત્રને ભારતીય સેનાના કમીશન્ડ ઑફિસરનો યુનિફૉર્મ પહેરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તેથી બા ઘણાં ખુશ હતાં.