Tuesday, May 4, 2021

એક્સરસાઇઝ પરિક્રમા (૨)


એક્સરસાઇઝ પરિક્રમાના માટે થનારા અમારા 'માર્ચ'ના પહેલા તબક્કામાં અમારે OTSના પ્રાંગણમાંથી કંપની-વાર “ફૉલ-ઇન’ થઇ અમારા ‘કિટ’નું ઇન્સ્પેક્શન થયું. ગયા અંકમાં આપેલા લિસ્ટ પ્રમાણે અમારા પહેરવેશ ઉપરાંત જે સામાન અમારે અમારા બૅકપૅક, હૅવરસૅક, પાઉચીસ - ટૂંકમાં સામાન ભરવાના જેટલા થેલી-કોથળા હતા તેમાં ભરવાના હતા, તે સઘળી વસ્તુઓને ગ્રાઉન્ડશિટ પર નિયત સ્થાને ગોઠવવાના હતા. આને અમારી ભાષામાં ‘Kit Layout’ કહેવાય છે. અમારા પ્લૅટુન સાર્જન્ટ તે તપાસે અને જુએ સામાનમાં કોઇ કમી તો નથી.  ત્યાર બાદ આ સામાન જે રીતે Big Pack, Small Pack અને Pouchesમાં મૂકવાનો હોય તે પ્રમાણે બરાબર ગડી કરીને ભરવાનો. આ પ્રોસેસ પણ અગત્યનો હોય છે. જે વસ્તુ દિવસમાં સૌથી છેલ્લે કામમાં લેવાની હોય, તે પૅકના તળીયે જાય. બાકીની વસ્તુઓ એવી રીતે ભરાતી જાય કે જેની જરુરિયાત સૌથી પહેલાં થવાની હોય તે પૅકના સૌથી ઉપરના ભાગમાં આવે.

નવેમ્બરમાં પૂનાની આબોહવા આમ તો ખુશનુમા, પણ વરસાદ ક્યારે પડે તેનું ઠેકાણું નહી. આથી રેઇનકોટ સૌથી ઉપર તૈયાર રાખેલો. સવારે માર્ચ કરવાનો હોવાથી અમે બ્રેકફાસ્ટ કરી લીધેલ અને બપોરનું ભોજન અમને Packed Lunchના પૅકેટ્સમાં અપાયેલ, જે ઍલ્યુમિનિયમના Mess Tinમાં ભર્યાં. છેલ્લી વારની તપાસણી થઇ, હથિયાર તપાસાયા અને ‘માર્ચ’ શરૂ થઇ ગયો. 

આવું લૅંગ રેન્જ - ૧૦૦ કિલોમિટરનું માર્ચિંગ હોય ત્યારે એક કલાક અને પચાસ મિનિટની ‘પદયાત્રા’ બાદ દસ મિનિટનો આરામ કરવાનો બ્રેક મળે. આ દસ મિનિટ અમારા માટે વરદાન જેવું હતું. એક તો હવામાં ભેજ અને આટલા વજન સાથે ચાલીને શરીર પરસેવે રેબઝેબ થઇ જાય. પાણીની બૉટલમાંથી થોડું'ક પીવાનું, કેમકે લંચ પહેલાં પાણીની બાટલીઓ ભરવા ન મળે. તે સમયની મહારાષ્ટ્ર સરકારે સડકની બન્ને બાજુએ સુંદર વૃક્ષો વાવ્યા હતા તેથી તેની છાયાનો અમને સારો લાભ મળ્યો. અમે દસ-દસની ટુકડીમાં સડકના કિનારે માર્ચ કરતા હતા, જેથી સડક પરનો ટ્રફિક રાબેતા મુજબ ચાલતો રહે. આ દસ મિનિટના બ્રેકના સમયમાં અમે મોટો પૅક ઉતારી તેના elevation પર બન્ને પગ મૂકી, ઝાડને અઢેલીને બેસીએ જેથી પગમાં લોહીનું સર્ક્યુલેશન બરાબર રહે અને પીંડીના સ્નાયુઓને રાહત મળે. દસ મિનિટના આરામ બાદ માર્ચ શરૂ કરવા માટે અમારા કંપની સાર્જન્ટ મેજર વ્હિસલ વગાડે કે અમે તરત ખડા થઈ, મોટો પૅક પીઠ પર બરાબર ફિટ કરી ટુકડીવાર ખડા થઈ જઇએ. પછી મોટા અવાજે અમને હુકમ મળે કે માર્ચિંગ શરૂ.

આ માર્ચિંગમાં મારું એક સુંદર સ્વપ્ન સિદ્ધ થયું ! તે વખતે (૧૯૬૩માં) આશા પારેખ અત્યંત પ્રસિદ્ધ ‘સ્ટાર’ હતા. મૂળ અમારા ભાવનગર રાજ્યના મહુવાના હોવાથી કે કેમ, મારાં તેઓ પ્રિય અભિનેત્રી હતાં. અમે માર્ચીંગ કરી રહ્યા હતા, ત્યારે સામેથી એક નૌકા જેટલી મોટી ખુલ્લી શેવ્રોલે કન્વર્ટિબલમાં બેસી આશાબહેન આવી રહ્યા હતા. મારા સદ્ભાગ્યે મારી નજીક આવ્યા અને તેમના ડ્રાઇવરે ગાડી ધીમી કરી. બાકીના બધા કૅડેટ તો તેમની તરફ જોતા રહ્યા, પણ મેં તેમની તરફ હાથ હલાવી અભિવાદન કર્યું. તેમણે મારી તરફ એવું તો મધુર સ્મિત કર્યું અને જવાબમાં હાથ હલાવ્યો કે મારી તો પરિક્રમા ત્યાં જ સફળ થઇ ગઇ! મારા સાથી બોલી ઉઠ્યા, ‘અબે સેવન્ટીફાઇવ, આશાને તુમમેં ઐસા ક્યા દેખા, તેરે અકેલેકો ઇતની મીઠી મુસ્કાન દી?”

“યે તો પર્સનલ ચાર્મકી બાત હૈ ભાઇ!” મેં જવાબ આપ્યો.

 પહેલો પડાવ મહારાષ્ટ્રના પ્રખ્યાત તિર્થસ્થાન આળંદીથી થોડા કિલોમિટર આગળના મેદાનોમાં હતો. હવે અંધારૂં થયું હતું. આ કામચલાઉ પડાવ હતો તેથી ઊંડી ખાઇઓ ખોદવાની નહોતી. ફક્ત ત્રણ ફિટ ઉંડી ખાઇ - જેને shallow trench કહેવાય, તે ખોદી, તેમાં આરામથી બેસીને સ્વરક્ષણ માટે ફાયરિંગ કરી શકાય એવી તૈયારી કરવાની હતી. જીવનમાં પહેલી વાર કોદાળી અને શૉવેલનો ઉપયોગ કર્યો, જે અત્યંત આનંદદાયક હતો એવું તો નહીં કહી શકાય. કેવળ હથેળીમાં થોડા બ્લિસ્ટર થયા. તે વખતે ભારતીય સેનામાં ગ્લવનો ઉપયોગ નહોતો થતો. 

આ પડાવ કામચલાઉ હતો, તો પણ અમારા પર શત્રુની શરારતી ટુકડીઓ - જેને અમે enemy jitter party કહીએ, તે આવીને અમારા પર ફાયરિંગ કરી જાય અને બને તો અસાવધ સન્ત્રી પર ‘હુમલો’ કરી અમારા એકાદ સાથીને ઉઠાવી જાય કે તેનું શસ્ત્ર આંચકી જાય, તેથી રાતે અમારા સન્ત્રીઓએ પૂરી રીતે શસ્ત્રસજ્જ હાલતમાં સામનો કરવા તૈયાર રહેવું પડે. આ માટે રક્ષાપંક્તિની દરેક ટુકડીના દરેક સૈનિકને બબ્બેની જોડીમાં અગ્રિમ ટ્રેન્ચમાં સતત બે કલાકની ડ્યુટી  કરવી જરૂરી હોય છે. અમે એક તો લગભગ ૩૫ કિલોમિટર ચાલીને આવ્યા હતા. ત્યાર બાદ દરેકે પોતપોતાની ટુકડી (સેક્શન)ની ખાઇઓ ખોદવાની હોય. થાકની પરાકાષ્ટાની પરાકા… જવા દો, યાર. ક્યાં ફરીથી યાદ કરાવું? ત્યાર પછી દર બે કલાકે સેન્ટ્રી ડ્યુટી. તે દરમિયાન અમને પ્લૅટુન હેડક્વાર્ટરમાંથી ગરમ ડિનર આવે, તે અમારા ખાલી થયેલા મેસ ટિનમાં મૂકીને જમવાનું. ગરમાગરમ દાળ, શાક, ભાત અને રોટલી. પાણીની બૉટલ ભરાઇ જાય. જમ્યા બાદ પીવા માટે સફેદ મગમાં પાણી ભરી લેતાં. ભોજનની સાથે પાછળ હેડક્વાર્ટરમાંથી આવેલી અમારી અંગત ટપાલ તથા બીજા દિવસના બ્રેકફાસ્ટ અને લંચના પૅકેટ્સ પણ મળે. આ બધી વ્યવસ્થા અમારા SOP (Standard Operating Procedure) પ્રમાણે નક્કી થયેલી હોય છે.

અહીં ‘સેન્ટ્રી ડ્યુટી’નું થોડું વર્ણન કરીશું. 

રોજ સાંજના સેન્ટ્રી માટે ચૅલેન્જનો સવાલ અને તેનો અધિકૃત જવાબ અમારા મોટા હેડક્વાર્ટર્સ તરફથી ખાનગી રીતે મોકલવામાં આવે છે. આ ચૅલેન્જનો શબ્દ અને તેનો જવાબ આખી ડિવિઝનના દરેક સૈનિકને જણાવવામાં આવે છે, જેથી કોઇ પેટ્રોલિંગ પાાર્ટી કે જવાન કોઇ અન્ય મોરચા પાસે પહોંચી જાય તો આ શબ્દોથી જાણી શકાય કે આવનાર વ્યક્તિ આપણો સૈનિક છે કે દુશ્મનનો.

હવે જ્યારે સેન્ટ્રી સામેથી આવનાર વ્યક્તિને જુએ, ત્યારે સૌ પ્રથમ તેને પડકારશે અને કહેશે, ‘થોભી જાવ, તમે કોણ છો?’ અને તરત સેક્શન કમાંડરને તેની જાણ કરશે. સેક્શન કમાંડર તેના પ્લૅટુન કમાંડરને, અને તે ઉપરના કમાંડરને જણાવશે. આખી રક્ષાપંક્તિ હથિયાર સાથે લડવા માટે તૈયાર થઇ જશે. લાઇટ મશિનગન (LMG) નો ઘોડો ચઢાવવામાં આવે ત્યારે તેનો અવાજ ભલભલાના શરીરમાં કંપારી ફેલાવી દે, કેમ કે એક વાર ઘોડો ચઢ્યો અને LMG ને ઑટોમૅટિકની સ્થિતિમાં લવાય, ત્યારે ઘોડો દબાવતાં ત્રણથી ચાર સેકંડમાં ત્રીસ ગોળીઓ છૂટે. આવી ત્રીસ-ત્રીસ ગોળીઓની દસ મૅગેઝીન LMG ચલાવનાર સૈનિક પાસે હોય છે. તેથી સામેથી આવનાર ટુકડીમાંથી કોઇની બચવાની સંભાવના સાવ નહિવત્. આ એટલા માટે જણાવીએ છીએ, કે આગળ જતાં એવા પ્રસંગો આવશે જેમાં લેખકને આવી જ હાલતમાંથી પસાર થવું પડ્યું હતું. 

હવે અત્યારની પરિસ્થિતિ. 

સેન્ટ્રી જ્યારે આગંતુકને હુકમ કરશે ‘થોભી જાવ, તમે કોણ છો?’ ત્યારે આગંતુકે તત્કાળ જવાબ આપવાનો હોય, “દોસ્ત”. એટલે, આવનાર વ્યક્તિ આપણી સેનાનો સૈનિક છે. આ થાય તેની કેટલીક સેકંડોમાં જ સેન્ટ્રીની આખી બટાલિયન (એટલે ૧૦૦૦ સૈનિકો) પોતાનાં હથિયાર સાથે લડવા તૈયાર થઇ જશે. આગંતુકને આની કશી જાણ નથી હોતી ; અને હોય તો પણ તે જો આપણી સેનાનો હોય તો શાંતિથી પોતાની જગ્યાએ ખડો રહેશે.  હવે સેન્ટ્રી આગંતુકને કહેશે, “દોસ્ત, ઓળખાણ માટે આગળ વધો.” જ્યારે આગંતુક સેન્ટ્રીની નજીક - એટલે પચીસે’ક મિટર પર હશે ત્યારે સેન્ટ્રી તેને મળેલો ‘ચૅલેન્જ’નો શબ્દ બોલશે. આ સાંભળી આવનાર વ્યક્તિ તેના જવાબમાં નક્કી થયેલ શબ્દ કહેશે. જો આ જવાબ ખોટો હોય તો આગળની યુદ્ધની કાર્યવાહી શરૂ થઇ જશે. આ 'ડ્રીલ'ની સેંકડો વાર પ્રૅક્ટિસ કરાવાય છે જેથી સેન્ટ્રી ફાયરિંગ કરવામાં ઉતાવળ ન કરે. આપે ઘણી વાર વાંચ્યું હશે કે Friendly Fireમાં આપણા સૈનિકો આપણી જ પેટ્રોલ પાર્ટી પર ગોળીઓ ચલાવીને ઠાર કરે છે. તેમાંની મોટા ભાગની આ ચૅલેન્જિંગ પદ્ધતિનો અણિશુદ્ધ રીતે અમલ નથી કરતા.

***

'પરિક્રમા'માં  મારી ડ્યુટી સાંજના છથી રાતના આઠ, ત્યાર પછી બે કલાકનો આરામ અને દસથી રાતના બાર, રાતના બેથી ચાર આ ક્રમ પ્રમાણે સવારના છ વાગ્યા સુધી ચાલ્યા કરે. 

Sunday, May 2, 2021

એક્સરસાઇઝ ‘પરિક્રમા’



'પરિક્રમા' -  અમારી ટ્રેનિંગની અંતિમ પરીક્ષા. 

મારા જીવનમાં અત્યાર સુધી ચાલ્યો નહોતો એટલું આ સાત દિવસમાં ‘માર્ચિંગ કરવાનું હતું : સો માઇલ. તે પણ લગભગ ૪૦-૪૫ રતલ વજન ઉંચકીને. આ વજન અમારી ઇક્વિપમેન્ટમાં એવી રીતે વહેંચાય કે તે શરીરને સમતોલ રાખે. આને FSMO એટલે ફિલ્ડ સર્વિસ માર્ચિંગ ઑર્ડર કહેવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધના સમયમાં તેમાં કઇ કઇ વસ્તુઓ રાખવામાં આવતી તેનું વર્ણન નીચે જોવા મળશે. અમારા સમયે તેમાં વિશેષ ફેર નહોતો. જો કે ગૅસ માસ્ક વિ. જેવી વસ્તુઓ નહોતી રાખવી પડી.

આ એવી equipment છે, જેમાં   ‘બડા ભાઈ’ - અર્થાત Big Pack (મિલિટરીની ભાષામાં  ‘08 Pack').અને ‘છોટા ભાઈ’ અથવા 'small pack'ના નામથી જાણીતો હૅવરસૅક. કમરની પાછળના ભાગમાં પાણીની બૉટલ અને બૅયોનેટ તથા ખભા પર રાઇફલ.  રાઇફલનું વજન જ લગભગ નવ રતલ.  આ જાણે ઓછું હોય, અમારે વારાફરતી LMG પણ ઉપાડવી પડતી, કેમ કે તેનું વજન ૨૭ રતલ હતું, તેથી LMGના ચાલકને રાહત આપવા સેક્શનના અન્ય દસ જણા વારા ફરતી તેને ઉંચકે. 

આ સાત દિવસમાં અમારે ત્રણ Operations of War અને બે Tactical અભિયાન કરવાના હતા. આમ તો યુદ્ધ શાસ્ત્રમાં ચાર અભિયાન હોય છે, પણ સમયના અભાવે અમે ત્રણ જ પૂરા કર્યા, જેનું સંક્ષિપ્ત વર્ણન નીચે આપ્યું છે. 

(૧)  Advance (આગેકૂચ): આગેકૂચ બે સંજોગોમાં થાય. દુશ્મન પર હુમલો કરવા, અથવા જે ક્ષેત્રમાં દુશ્મનના હુમલાની સંભાવના હોય ત્યાં મોરચાબંધી કરવા કૂચ કરી જવું. કેટલીક વાર કબજે કરેલા વિસ્તારમાં આગળ વધવા આગેકૂચ કરવાની હોય છે. Advanceની પ્રક્રિયા પદ્ધતિસરની હોય છે. સ્થળ સંકોચને કારણે આનું વિવરણ અહીં આપી શકાય તેમ નથી. જે વાચકોને વધુ જાણવું હોય તો Google કરવાથી પૂરી માહિતી મળી શકશે, અથવા કમેન્ટ સેક્શનમાં પ્રશ્ન કરવાથી જવાબમાં તે જણાવવાનો પ્રયત્ન કરીશ.

(૨) Defence (સંરક્ષણ પંક્તિ - જેને ભેદીને દુશ્મન આપણા પ્રદેશમાં પ્રવેશ ન કરી શકે). આની કાર્યવાહી પણ પદ્ધતિસરની હોય છે. દરેક સંરક્ષણ પંક્તિને  ઉંડાણ હોવું જોઇએ - એટલે કે આગળની પંક્તિને ભેદી શત્રુ આગળ વધવાનો પ્રયત્ન કરે તો તેને રોકવા અગ્રિમ હરોળની પાછળ પણ રક્ષા પંક્તિ હોય - જેને defence in depth કહેવાય છે. અગ્રિમ પંક્તિમાં ક્યા હથિયાર ક્યાં અને કેવી રીતે ગોઠવવા આનું પણ શાસ્ત્ર હોય છે, જેનું વર્ણન કરી વાચકોને કંટાળો નહીં ઉપજાવું. વળી આપણી સંરક્ષણ પંક્તિને એવી રીતે camouflage કરવી પડે કે તે સહેલાઇથી ઓળખી  ન શકાય.

(૩) Attack (આક્રમણ): આના બે પ્રકાર હોય છે. રાત્રિ હુમલો - Night Attack અને Dawn Attack - પરોઢિયે કરાતો હુમલો. આ સૌથી ખતરનાક અને પ્રાણઘાતક અભિયાન હોય છે. અન્ય અભિયાનોની જેમ આ પણ એક અત્યંત જટિલ અભિયાન છે. અહીં ધ્યાનમાં રાખવાની વાત એ હોય છે કે એક તો આક્રમણ કરનાર સૈનિકોને એવા સ્થાન પર હુમલો કરવા દોડી જવાનું હોય છે જ્યાં શત્રુ અભેદ્ય કિલ્લા જેવા બંકર (bunker) અને pill boxesમાં આપણી રાહ જોઇને તૈયાર બેસેલો હોય છે.  સિમેન્ટ-કૉન્ક્રિટની બનાવેલી આ pill box પર જ્યાં સુધી આપણી મોટી બોફોર્સ જેવી તોપનો ગોળો સીધો ન પડે ત્યાં સુધી તેમાં રહીને આક્રમણ કરનાર સૈનિકો પર મશિનગન, મૉર્ટરનો મારો કરી શકે છે. આ જાણે ઓછું હોય, તેમ આ મોરચાની સામેની બાજુએ દુશ્મન માઇનફિલ્ડ બિછાવી રાખે, જેમાં anti-personnel તથા anti-tank માઇન હોય છે. Anti-personnel માઇન પર કોઇનો પગ પડે તો એવા ધડાકા સાથે ફાટે કે સૈનિકનો પગ કપાઇને હવામાં ઉડી જાય.

આ બધા operationsમાં પેટ્રોલિંગ અતિ મહત્વનું પેટા-અભિયાન જેવું હોય છે. જ્યારે આપણા સૈનિકો સંરક્ષણની હાલતમાં બેઠાં હોય ત્યારે  આ પંક્તિથી આગળ માઇલો સુધી છુપાઇને પગપાળા જઇને તપાસ કરવાની હોય છે કે દુશ્મનના ‘આગમન’ના કોઇ ચિહ્ન તો નથી ને દેખાતા. આને Recce Patrol કહેવાય છે. રેકી એટલે reconnaissance. આવી પેટ્રલિંગ પાર્ટી આક્રમણ પહેલાં પણ એ જોવા માટે કરવામાં આવે છે કે શત્રુએ ક્યાં સંરક્ષણ પંક્તિ બનાવી છે, કઇ જગ્યાએ ક્યા હથિયાર ગોઠવ્યા છે તે જાણી શકાય. આ કેવી રીતે તે પણ ઝીણવટભર્યું કામ હોય છે અને વિસ્તૃત વર્ણન માગી લે છે. સ્થળના અભાવે તે કરવાનું ટાળ્યું છે. જો કોઇને વધુ જાણવું હોય તો કમેન્ટમાં પૂછશો, જેથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. 


(૪) Withdrawal - પીછે હઠ. આ અભિયાન બે હાલતમાં કરવાનું આવે. એક તો જ્યારે કોઈ સેના પૂરતા સૈનિકો ન હોય, અથવા લડવા માટેનો દારૂગોળો ખતમ થઇ જાય અને તેનો પૂરવઠો થવાની કોઇ શક્યતા ન હોય ત્યારે સુરક્ષિત સ્થાને પહોંચી જવું, જ્યાં પુરતા સૈનિકો અને રસદ પહોંચી શકતા હોય. પીછેહઠની બીજી હાલત એ હોય છે, કે જ્યાં આપણી સંરક્ષણ પંક્તિ કામચલાઉ સ્થળે હોય, અને જેના પર હુમલો કરવાનું દુશ્મનને આસાન હોય. જ્યારે દુશ્મન આવી પંક્તિ પર હુમલો કરે ત્યારે આપણા સૈનિકોને એવા સ્થાને લઇ જવા જ્યાં આપણી રક્ષાપંક્તિ મજબૂત હોય અને જ્યાંથી દુશ્મનનો સર્વનાશ કરી શકાય. આના બે ઉદાહરણ છે.

પ્રથમ : બીજા વિશ્વયુદ્ધમાં જર્મન સેનાની ટૅંક્સ એટલી મજબૂત અને ઘાતક હતી કે મિત્ર રાજ્યોની સેના તેમની સામે ટકી ન શકી. યુરોપમાં લગભગ બધે જ મિત્ર રાજ્યોના હથિયાર નબળા નીકળ્યા અને ફ્રાન્સનું પતન થતાં મિત્ર રાજ્યોની સેનાઓ ફ્રાન્સના ડંકર્ક બંદર પરથી તેમને બ્રિટન પીછેહઠ કરવી પડી હતી.

બીજી હાલત એ જ વિશ્વયુદ્ધમાં બ્રહ્મદેશમાં મિત્ર રાજ્યોની સેનાઓ jungle warfare માટે યોગ્ય નહોતી. સિંગાપોરના પતન બાદ જેમ જેમ જાપાનની સેનાઓ આગળ વધતી ગઇ, મિત્ર રાજ્યોની સેનાને પીછેહઠ કરવી પડી હતી. મિત્ર રાજ્યની સેનાઓ લગભગ હાર ખાવાની સ્થિતિમાં હતું. આપણી ગોરખા રાઇફલ્સના અફસર ફિલ્ડ માર્શલ વાઇકાઉન્ટ સ્લિમએ ભારતના સીમાવર્તી મણીપુરના શહેર ઇમ્ફાલના પરિસરમાં એવી તૈયારી કરી કે જાપાનના સૈનિકોને ત્યાં સુધી આવવા દીધા અને ત્યાં તેમનો સંહાર કર્યો. આપણા અને જાપાનના હજારો સૈનિકો માર્યા ગયા. જાપાનીઝ સેનાની કેડ ભાંગી ગઇ અને તેમની હાર થઈ.

૧૯૬૨માં આપણી જે સ્થિતિ હતી તે વિશે આગળ જતાં વાત કરીશું. પૂર્વ ભારતના NEFAમાં આપણે પીછેહઠ નહોતી કરી. અત્યંત પ્રતિકૂળ હાલતમાં આપણા સૈનિકો લડ્યા. હજારો સૈનિકોએ પ્રાણની આહૂતિ આપી. વિશાળ સંખ્યામાં આવેલી ચીનની PLA આપણી સંરક્ષણ પંક્તિઓ પર છવાઇ ગઇ હતી અને છેલ્લી ગોળી સુધી લડેલા સૈનિકોને તેમણે કેદ કર્યા હતા. આ બધું આગળ કહીશું. 

‘એક્સરસાઇઝ પરિક્રમા’માં અમે પીછેહઠ સિવાયના ત્રણે અભિયાન પૂરા કર્યા. આટલી પ્રસ્તાવના બાદ આવતા અંકમાં તેનું વર્ણન કરીશું!