Sunday, July 17, 2011

સોશિયલ વર્કરની નોંધપોથીમાંથી: મિસેસ ચોકસી

સોશિયલ વર્કરની નોંધપોથીમાં અપાતી કેસવર્ક સ્ટડીઝમાં જગતના બધા સોશિયલ વર્કર્સ વતી જીપ્સીને એક વાત કહેવી છે.
જગતમાં માનવીને કોઇ પણ વ્યવસાય કરવો હોય તે માટે તેને કેળવણી લેવી પડે છે. પછી ખેતીકામ કરનાર ખેડૂત હોય કે શસ્ત્રક્રિયા કરનાર સર્જન, સહુને પોતપોતાના અંતરના કોલ પ્રમાણે કામ કરવાની શક્તિ કેળવવી પડે છે અને તેની સાથે જ્ઞાન મેળવવું પડે છે. કેળવણી પૂરી થતાં તે માનવતામાં શ્રદ્ધા અને તેણે મેળવેલા જ્ઞાનમાં ભક્તિ ઉમેરે તો તેને પૂરા કરેલા કાર્યમાં સંતોષ મળે છે. કદી તેનામાં ‘હું પણું’ કે ઉપકારવૃત્તિ નથી આવતી. હા, કોઇ વાર ઉદ્ગાર જરૂર નીકળી જાય, “આજનું વેતન કમાવ્યાનો મને આનંદ છે.”
આ ભાવનામાંથી સોશિયલ વર્કર્સ બાકાત નથી. તેમને મળતી કેળવણીમાં એક વાત પર ખુબ ભાર આપવામાં આવે છે: multi-disciplinary work. સોશિયલ વર્કર્સ એકલા કશું જ કરી શકતા નથી. તેમને શિક્ષકો, ડૉક્ટર્સ, નર્સ, હાઉસીંગ ખાતાના કાર્યકરો, અૉક્યુપેશનલ થેરાપિસ્ટની મદદ ન મળે તો તેઓ તેમના ક્લાયન્ટને તસુભર પણ મદદ ન કરી શકે. કોઇ પણ વ્યક્તિનું કામ પૂરૂં કરી તે કેસ ‘ક્લોઝ’ કરે, તેમાં તેનો ફાળો કેવળ દસ ટકા હોય છે. બાકીની મહેનત મલ્ટીડીસીપ્લીનરી ટીમની હોય છે. આ વાતનો અહેસાસ જીપ્સી તથા તેના સાથીઓને હંમેશા રહેતો અને હજી રહે છે. આથી વાચકોને વિનંતિ કે ‘નોંધપોથી’માં વર્ણવેલ કામનું સાચું શ્રેય અન્ય કાર્યકરોને જાય છે; જીપ્સી કેવળ નિવેદન - વાત કહેવાનું કામ કરે છે, એટલું યાદ રાખશો.
આજની વાત છે મિસેસ ચોકસીની.
એક દિવસ અમારી ટીમની અૉક્યુપેશનલ થેરપીસ્ટ સૂ થૉર્નટન જીપ્સી પાસે આવી. “હું હમણાં જ એક એશિયન મહિલાની મુલાકાત લઇને આવી છું. તેમને જોઇતી ઇક્વીપમેન્ટ અંગેનું અૅસેસમેન્ટ મેં કર્યું, પણ તેમની અંગત તથા પારિવારીક સ્થિતિ જોતાં મને લાગ્યું કે તેમને નડતી સમસ્યાઓ ઘણી ઊંડી છે. તેમનું રહેઠાણ તેમના રહેવા માટે જરાય યોગ્ય નથી. તમે તેમને મળી આવશો? તમને જે જણાય તેની ચર્ચા કરી મિસેસ ચોકસીને જોઇતી ઇક્વીપમેન્ટ, દાદરો ચઢવા ઉતરવામાં મદદ થાય તે માટે ચૅરલિફ્ટ વગેરે માટેનો અૉર્ડર આપીશું,” કહી તેણે તેમનું નામ અને સરનામું આપ્યું. (રાબેતા મુજબ આ બ્લૉગમાં આપેલા કેસ સ્ટડીઝમાં વર્ણવેલ વ્યક્તિઓ અને સ્થળોનાં નામ બદલવામાં આવ્યા છે.)
સૂ અત્યંત માયાળુ યુવતી હતી. આ અગાઉ તેણે આપણા એક ભાઇ ભુપતભાઇ મેરને મદદ કરી હતી. ભુપતભાઇનો કમરથી નીચેનો ભાગ બાળલકવા-ગ્રસ્ત થઇ ગયો હતો. યુગાંડાથી તેઓ જ્યારે બ્રિટન આવ્યા, જમીન પર બેસી, ઘસડાતા હરી ફરી શકતા. સૂ થૉર્નટને તેમને સૌ પ્રથમ વીલચૅર આપી, તેમને મળેલા કાઉન્સીલના ફ્લૅટમાં તેઓ સ્વતંત્રતાપૂર્વક ટૉઇલેટ, બાથરૂમ વ.નો ઉપયોગ કરી શકે તેની ટ્રેનીંગ અને ઉપકરણો વસાવી આપ્યા. જ્યારે ભુપતભાઇ ૧૮ વર્ષના થયા અને સ્વતંત્ર રહેવાની ઇચ્છા વ્યક્ત કરી, સૂએ હાઉસીંગ ડીપાર્ટમેન્ટની મદદથી તેમના માટે વીલચૅરમાં બેસીને રસોઇ બનાવી શકાય, બાથ ટબમાં જઇ શકાય અને સ્લાઇડીંગ ડોર વાળા બારણાં વાળો ખાસ ફલૅટ બંધાવી આપ્યો હતો. તે વખતે બ્રિટનની આર્થિક હાલત સારી હતી તેથી ધનરાશિ હતી, પણ નવાસવા આવેલા ‘ઇમીગ્રંટ’ માટે હજારો પાઉન્ડના ખર્ચે આવી ખાસ વ્યવસ્થા કરવા માટે સૂ જેવી મહિલાનુ હૃદય જોઇએ. તેના આ અનુભવને કારણે તેણે જીપ્સીને કાંતાબહેનનું રીફરલ આપ્યું હતું.
મિસેસ કાન્તા ચોકસીની અૅપોઇન્ટમેન્ટ લઇ જીપ્સી તેમને મળવા ગયો ત્યારે તેમની સ્થિતિ જોઇ ચકરાઇ ગયો.
તેમનો ફ્લૅટ એક દુકાનની ઉપર હતો. વીસ પગથિયાંનો દાદરો ચઢીને ઉપર ગયો તો પહેલાં જમણી તરફ મેઝેનાઇન ફ્લોર પર ટૉઇલેટ હતું. બીજા સાત સીધાં પગથિયા ચઢ્યા બાદ સામે એક બૉક્સ રૂમ હતી અને ડાબી તરફના હૉલવે અને તેને અડીને લાઉન્જ હતી. હૉલવેની નજીક જઇ મોટેથી ગુજરાતીમાં કહ્યું કે મિસેસ ચોકસીને મળવા સોશિયલ સર્વિસીઝમાંથી એશિયન સોશિયલ વર્કર આવ્યો છે.
બૉક્સરૂમનું બારણું અર્ધું ખુલ્લું હતું. અંદરથી અવાજ આવ્યો, “ભાઇ હું કાંતાબેન, મિસેસ ચોકસી અહીંયા આ રૂમમાં છું. અંદર આવ.”
આ હતી કાંતાબહેનની બેડરૂમ, બૉક્સરૂમ એટલે સાત ફીટ બાય પાંચ ફીટની ઓરડી. લંડનમાં આવા ‘બૉક્સરૂમ’નો ઉપયોગ બાળકના બેડરૂમ તરીકે અથવા ઘરનો ફાલતુ સામાન રાખવા માટે થાય. આ રૂમમાં રાખેલી ટ્વિન બેડમાં મિસેસ ચોકસી બેઠાં હતા. ઘણું ભારે શરીર, ગોરો વાન, કપાળમાં મોટો ચાંદલો, જેને જોઇ લલિતાદેવી શાસ્ત્રીની છબી યાદ આવી. લલિતાદેવી એટલે ભારતના બીજા પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદુર શાસ્ત્રીનાં પત્નિ. ઉમર ૬૦ વર્ષથી વધુ. રૂમમાં તેમના પલંગ સિવાય ખુરશી રાખવા જેટલી જગ્યા નહોતી. એક નાનકડું સ્ટુલ બેડ પાસે હતું, જેના પર દવાની શીશીઓ રાખી હતી. એક ખૂણામાં તેમની સુટકેસ પડી હતી. પલંગની પાસે ટેકો આપવા માટે તેમની લાકડી.
“ભાઇ, માફ કરજે, તારા માટે બેસવા બીજી કોઇ જગ્યા નથી. અહીં મારી પડખે બેસ,” કહી મહા મુશ્કેલીથી બાજુએ ખસ્યા. એટલામાં બાજુના ઓરડામાંથી અવાજ આવ્યો, “બા, તારે આવવું હોય તો અહીં હૉલમાં આવ. હું અને બાપુજી બહાર જઇએ છીએ.”
“ના, ભૈલા. હું અહીં ઠીક છું.”
ભવ્ય વ્યક્તિત્વ ધરાવતા મિસેસ ચોકસીને પરિચય આપ્યા બાદ તેમની સાથે તેમની પરિસ્થિતિનો અંદાજ લેવા વાત શરૂ કરી કરી.
*
મિસેસ ચોકસી - કાંતાબેનને આર્થરાઇટીસની સખત પીડા હતી. તે ઉપરાંત હાઇપરટેન્શન અને ડાયાબીટીસ પણ હતા. શરીર ભારે હોવાથી બાથરૂમ જવા દરેક વખતે સાત પગથિયા ચઢવા-ઉતરવાના એટલા કષ્ટદાયક હતા, કે ઘૂંટણમાં થતું ભયંકર દર્દ તેમનાથી સહન નહોતું થતું. પેઇનકિલરની શીશી સામે જ હતી!
કૌટુમ્બીક પરિસ્થિતિ એવી થઇ ગઇ કે એક છતની નીચે રહેવા છતાં પરિવાર ભગ્ન થઇ ગયો. પતિ-પત્ની વચ્ચે ત્રણ-ચાર વર્ષથી બે શબ્દ બોલવા જેટલો પણ સંબંધ નહોતો. પતિ તથા પુત્ર જુદા અને કાંતાબેન તેમની નાનકડી કોટડીમાં. છેલ્લા એક વર્ષથી તેમણે જુદું પેન્શન લેવાનું શરૂ કર્યું હતું. પગમાં ભયંકર દર્દ હોવા છતાં દાદરો ઉતરી ગ્રોસરી ખરીદ કરવા જાતે જતા. કિચનમાં ફ્રિજ હતું તેમાંની એક શેલ્ફ તેમના દિકરાએ કે પતિએ તેમના માટે ફાળવી હતી અને રસોઇ કરવાનો સમય નક્કી કરી આપ્યો હતો.
તેમના પરિવારમાં પુત્ર ઉપરાંત ત્રણ દિકરીઓ હતી, જેમાંની બે ઇસ્ટ આફ્રિકામાં ધનાઢ્ય પરિવારોમાં પરણેલી. સૌથી નાનીએ આંતરજ્ઞાતીય લગ્ન કરેલા અને ઇસ્ટ લંડનમાં રહેતી હતી. પરિવાર હોવા છતાં એકલતા અને પારાવાર કષ્ટ ભોગવતા કાંતાબેનમાં હતાશાની તીવ્ર ભાવના હતી. વૃદ્ધાવસ્થાના આરે આવેલ કોઇ પણ વ્યક્તિ માટે આ પરિસ્થિતિનો હલ તરત કાઢવામાં ન આવે તો તે ક્રૉનીક ડીપ્રેશનનો ભોગ બને તો તેમની સ્થિતિ દારૂણ થાય. અહીં ત્રણ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો હતો: તેમના માટે રહેઠાણ તદ્દન અયોગ્ય હતું. બીજો પ્રશ્ન હતો વૃદ્ધાવસ્થાને કારણે ઉદ્ભવતી અનેક સમસ્યાઓ, જેમાં તેઓ પોતાનું ભોજન રાંધવા પણ અસમર્થ હતા, એટલું જ નહિ, રસોડા તથા બાથરૂમનો સ્વતંત્ર ઉપયોગ કરી શકે તેમ નહોતા. ત્રીજો કઠણ પ્રશ્ન હતો માનસીક બિમારી ટાળવાનો.
જીપ્સીએ એલ્ડર્સ ગ્રુપમાં કરેલા કામ દરમિયાન હાઉસીંગ એસોશિએશન સાથેનો સમ્પર્ક તાજો હતો. ત્યાં સિનિયર સિટીઝન્સ માટે બંધાયેલા એપાર્ટમેન્ટ્સમાં આપણા વડીલો માટે ફાળવેલા પાંચ ફ્લૅટ્સમાંથી એકાદ ખાલી હોય તો કાંતાબહેન ત્યાં જવા તૈયાર થાય તો બધા પ્રશ્નોનો હલ આવે. સ્વતંત્ર બેડરૂમ, હૉલ, કિચન, બાથરૂમનો ફ્લૅટ, રોજ બપોરે ગરમ ભોજન મળે, અને કાઉન્સીલ તરફથી ગૅસ કૂકર મૂકવામાં આવેલું. પણ તેઓ પુત્રથી દૂર જવા તૈયાર થાય ખરા? પતિએ તો તેમને ત્યાગ્યા હતા.
જીપ્સીએ તેમની પાસે આ પ્રસ્તાવ મૂકતાં જ તેઓ તૈયાર થઇ ગયા. “દિકરા, મને આ દુર્દૈવી અવસ્થામાંથી છોડાવ! તું કહે તો આપણે કાલે જ ત્યાં જતા રહીએ.”
સદ્ભાગ્યે રૉબિન્સ કોર્ટમાં (ખરૂં નામ જુદું છે) એક ફ્લૅટ ખાલી હતો! તે જોવાની વ્યવસ્થા કરી ત્યારે ઇસ્ટ એન્ડથી તેમની પુત્રી ઇંદીરા આવી. સાવ નવો, સિંગલ લેવલનો અૅપાર્ટમેન્ટ તેમને બન્નેને જોતાં વેંત ગમી ગયો! મોટો, હવા ઉજાસથી ભરપુર પણ ડબલ ગ્લેઝીંગ કરેલો બેડરૂમ, મોટી લાઉન્જ અને મકાનમાં હરરવા ફરવા માટે આધાર આપવા ભીંત પર રેલીંગ્ઝ હતી. તેમણે તરત લીઝ પર સહિ કરી. કાંતાબેન બેનિફીટ પર હતા તેથી ભાડું માફ, પણ ગૅસ અને વિજળીનાં બિલ ભરવા પડે. તેમને મળતો બેનિફીટ પૂરતો હતો, તેથી તેમનો ગુજારો સારી રીતે થઇ શકે તેમ હતું. સૌથી સારી વાત તો ત્યાં ચોવીસે કલાક હાજર રહેનાર વૉર્ડન હતા, અઠવાડીયામાં એક દિવસ ડૉક્ટર તો આવે જ પણ તેમની સર્જરીમાં ‘on call‘ ડૉક્ટર બોલાવતાં જ આવી જતા. નર્સ, ચીરોપોડીસ્ટ, હૅરોમાં ચાલતી બ્યુટીશીયન/હૅર ડ્રેસર કૉલેજનાં છેલ્લા વર્ષના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ નજીવી કિંમત લઇ વૃદ્ધ-વૃદ્ધાઓનાં કેશ કર્તન, કલરીંગ કરી આપવા ત્યાં આવતા. કાઉન્સીલના એશિયન કિચનમાંથી બપોરનું ‘ડાયાબીટીક પેશન્ટ્સ માટેનું લંચ’ પણ આવતું હતું.
રૉબિન્સ કોર્ટમાં બીજા ચાર ગુજરાતી પરિવાર હતા. સૌ મળીને વારાફરતી એકબીજાના ફ્લૅટમાં સત્સંગ અને ભજન કિર્તન અને વાર તહેવારે કોઇ ને કોઇ કાર્યક્રમ થતો, તેથી તેમનું સામાજીક જીવન ફરી શરૂ થયું. કાન્તાબેનની દિકરી તેમને મળવા દર વીકએન્ડમાં અને કાંતાબેન બોલાવે ત્યારે જતી.
કાંતાબેન સેટલ થઇ ગયા બાદ ડિપાર્ટમેન્ટે તેમનો કેસ ક્લોઝ કર્યો. જીપ્સીની મુલાકાત દરમિયાન કાંતાબેન તેને કોઇ કોઇ વાર તેમના જીવનકથા કહેતા. તેઓ સૌરાષ્ટ્રના એક તાલુકાના શહેરના સુખવસ્તુ પરિવારનાં હતા. દેખાવે રૂપાળાં હોવાથી ઇસ્ટ આફ્રિકાના પરિવાર તરફથી માગું આવતાં તેમના માતાપિતા તૈયાર થઇ ગયા. વચેટીયાઓએ આપેલી માહિતી અનુસાર મૂરતિયાનો માલાવીના પાટનગર લિલૉંગ્વેમાં શોરૂમ હતો. લગ્ન થઇ ગયા, અને જ્યારે તેઓ માલાવી પહોંચ્યા ત્યારે તેમને જાણ થઇ કે પતિ એક શોરૂમમાં કર્મચારી હતા!
“શું વાત કરૂં તને!” તેમણે જીપ્સીને કહ્યું, “ અમારી જ્ઞાતિમાં બે જાતના સોની હોય છે. ઘરેણાં સોની જે ઘરેણાંની ડિઝાઇન કરી સોનાની લગડીમાંથી દાગિનો ઘડે. તેમનાથી ઉતરતા હોય થીગડાં સોની, જે ભાંગેલા ઘરેણાંને રેણ કરી રિપૅર કરવાનું કામ કરે. મારા પતિ થીગડાં સોની નીકળ્યા! શો રૂમના માલિક લિલૉંગ્વેના મોંઘા વિસ્તારમાં રહે. અમે એક ‘છામ્બા’માં.”
છામ્બો એટલે સ્વાહિલીના ‘શામ્બા’નો અપભ્રંશ. શામ્બો એટલે ગામથી દૂર આવેલી વાડી, અને તેમાં બાંધેલા કાચા મકાનમાં કાંતાબેન પતિ સાથે રહેવા ગયા
કાંતાબેનનું જીવન નિરાશામાં ગયું. તેમનો પુત્ર ઘણો હોંશિયાર હતો. તેમની જ્ઞાતિની સ્કૉલરશીપથી લંડન જઇને એન્જીનીયર થયો, પણ કમભાગ્યે તેનાં લગ્ન અને જીવન બન્ને નિષ્ફળ નીવડ્યા. કાંતાબેનની ત્રણે પુત્રીઓ તેમના જેવી રૂપાળી હતી. તેમાંની બેને આફ્રિકાના જ સારા પરિવારના પતિ મળ્યા. તેમનો સુખી સંસાર જોઇ તેમના હૃદયને શાંતિ મળતી હતી. છેલ્લી ઇંદીરાને સારી નોકરી હતી અને તેમની નજર સામે હતી, અને જોઇએ ત્યારે મદદ કરવા હાજર હતી.
કેસ ‘ક્લોઝ’ કર્યાના દોઢે’ક વર્ષ બાદ જીપ્સીને ઇંદીરાનો ફોન આવ્યો. કાંતાબેનનું અવસાન થયું હતું. ફ્યુનરલ બાદ કાન્તાબેનના કાર્ય સાથે સંકળાયેલા સોશિયલ વર્કર, અૉક્યુપેશનલ થેરાપિસ્ટ, સ્વયંસેવકો અને પાડોશીઓ ઇંદીરાના ફ્લૅટ પર ભેગા થયા ત્યારે તેણે કાંતાબેનની નોટબુક બતાવી. “બાના જીવનમાં આવેલા માણસો માટે તેમણે એક સંદેશ લખ્યો છે, તે વાંચી સંભળાવોને!”
સંદેશ નાનકડો જ હતો.
“મારા અલ્પજીવનમાં મારા સદ્ભાગ્યે અનેક સજ્જનોનો સહવાસ મળ્યો. આફ્રિકા શું કે વિલાયત, જગતમાં સારા લોકોની કમી નથી. તેમના આધારે દુનિયા ચાલે છે. હવે મારો અંત સમય નજીક આવતો જણાય છે. હું રોજ પરમાત્માને પ્રાર્થના કરૂં છું, મને મુક્તિ ન આપશો. આ જગતમાં મને ફરી જન્મ આપજો. મારી બિમારીને કારણે મારે જગતના સારા માટે જે કરવું જોઇતું હતું તે કરી શકી નથી. આવતા જન્મમાં મને એવી શક્તિ અને સ્વાસ્થ્ય આપજો, જેથી હું લોક કલ્યાણનું કામ કરી શકું. જેમણે મને મદદ કરી છે તેમને સહાયરૂપ થઇ શકું. તમારા સૌના આભાર અને જય શ્રી કૃષ્ણ.”

Saturday, July 16, 2011

સોશિયલ વર્કરની નોંધપોથીમાંથી: ઝીનત

ઝેબ સાહેબ તેમના કાઉન્સીલના મકાનમાં ખુશ નહોતા. આમ જોવા જઇએ તો સારા વિસ્તારમાં આવેલા વિક્ટોરીયન સ્ટાઇલના મકાનને બે ફ્લૅટ્સમાં કન્વર્ટ કરવામાં આવ્યું હતું, તેમાંનો ગ્રાઉન્ડ ફ્લોર ફ્લૅટ ઝેબને મળ્યો હતો. તેમાં ફાયદો એ હતો કે મકાનનું બૅકયાર્ડ (ગાર્ડન) તેમના કબજામાં હતું અને તેમના કિચનમાંથી તેમાં સીધા જઇ શકાય તેવું હતું. અમેરીકામાં જેને ‘કૅથેડ્રલ સીલીંગ’ કહેવાય છે તેવી ઉંચી સીલીંગને કારણે તેમનો ફ્લૅટ આમ ભવ્ય લાગે. ન ગમવાનું કારણ ફ્લૅટને ગરમ રાખવા માટે ગૅસ અને વિજળીનું બિલ થોડું વધુ આવતું હતું. બીજું કારણ એ હતું કે તેમને સેમી-ડીટૅચ્ડ મકાન જોઇતું હતું જેની કાઉન્સીલમાં ભારે અછત હતી.
એક દિવસ આ બાબતમાં તેમને મળવા ગયો ત્યારે હૉલમાં એક ખુણામાં રાખેલી હાઇચૅરમાં ઝીનત બેઠી હતી. મિ. તથા મિસેસ ઝેબ સોફા પર તેમના ચાર વર્ષના પુત્ર અશફાક સાથે બેઠા હતા. અશફાક પાસે ‘અૅક્શનમૅન’ નામનું મોંઘું રમકડું હતું. ઝીનત એકલી હતી. જીપ્સી તેની પાસે ગયો અને તેનો હાથ પકડી તેને હૅલો કહ્યું. ઝીનતે મંદ સ્મીત કર્યું.
“ઝીનત કોઇની સાથે interact કરી શકતી નથી. તે એક ખુણામાં ચૂપચાપ બેસી રહેવાનું પસંદ કરે છે. અમારા દિકરાને અમે તેની સાથે રમવા નથી દેતા. શો ફાયદો? તે એટલી હદ સુધી ડિસેબલ્ડ છે, અમે તેને એકલી છોડી દઇએ છીએ. તેની સાથે રહીને અશફાક પણ એવો થઇ જાય તો? થોડી વારે તેને જમવાનું આપી તેને સુવડાવી દઇશું.” તે વખતે સાંજના છ વાગ્યા હતા. આ બાળકીના મનોરંજન માટે કોઇ જાતનું રમકડું કે કોઇ સાધન છે કે નહિ તેની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે ઝીનત બૌદ્ધીક રીતે એટલી પછાત છે કે તેને કશાનું ભાન નથી. હા, સ્પેશીયલ સ્કૂલમાં જવા તે સવારથીજ ચિચિયારી કરે છે. તેને મિસેસ ઝેબ તૈયાર કરે એટલે દરવાજા તરફ મીટ માંડીને બેસી રહે છે. આ જીપ્સી માટે અચરજની વાત હતી. ઘરમાં તે ફર્નીચરની જેમ પડી રહેતી હતી, અને શાળામાં જવા તેની તૈયારી વિશે સાંભળી વિચાર આવ્યો કે ત્યાં એવું શું હતું કે ઝીનત શાળામાં જવા ઉત્સુકતાથી બસની રાહ જોતી હતી?
બીજા દિવસે સવારે તેણે લિઝ પાસેથી સમય લઇ ઝીનત વિશે વાત કરી.
“તમારે ઝીનતની શાળામાં જઇ તેની key worker સાથે વાત કરવી સારી. ત્યાંના કાર્યક્રમમાં communication પર ખાસ ભાર આપવામાં આવે છે. ત્યાં શીખવવામાં આવતી ખાસ સંજ્ઞાઓની ભાષા Makaton દ્વારા બાળકો અને પુખ્ત વયની વ્યક્તિઓ એકબીજા સાથે સંભાષણ કરતા હોય છે. કદાચ ઝીનતને મૅકેટોન આવડતી હોય અને ત્યાં તેના સાથીઓ સાથે તે interact કરતી હોય. શાળામાં જવા માટેની તેની ઉત્સુકતા આનો નિર્દેશ કરતી હોય તે બનવા જોગ છે.”
જીપ્સીએ શાળાને ફોન કર્યો અને કીવર્કરને મળવાની અૅપોઇન્ટમેન્ટ લીધી. જ્યારે તે ત્યાં ગયો બાળકોના ભોજનનો સમય હતો. ઝીનત તેનાથી નાની છોકરી સાથે મૅકેટોનના ઇશારા વડે સંભાષણ કરતી હતી અને તેને ચમચા વડે ખવડાવવાનો પ્રયત્ન કરતી હતી. તેમ કરવામાં થોડું ખાવાનું ઢોળાતું હતું, પણ કીવર્કર તેને ટોકવાને કે મદદ કરવાને બદલે તે ચાલુ રાખવા પ્રોત્સાહન આપી રહ્યા હતા.
“ઝીનત ઘણી પ્રેમાળ છોકરી છે. અમે તેને મૅકેટોનનું જેટલું સંભાષણ શીખવ્યું તેનો સરસ પ્રયોગ કરે છે. વધુ શીખવાની આતુરતા દર્શાવે છે. મુખ્ય વાત તો એ છે કે તે ઘણી ‘પ્રોટેક્ટીવ’ છે. જે બાળકીને તે ખવડાવતી હતી, તેને સંભાળવાનો પ્રયત્ન કરતી હોય છે, અલબત્ તેની પોતાની અસમર્થતા મુજબ જેટલું બની શકે તે કરતી હોય છે.”
જીપ્સીને નવાઇ લાગી. ઘરમાં સાવ શાંત, એક ખુણામાં પડી રહેનારી આ કિશોરી શાળામાં સાવ જુદી જ વ્યક્તિ હતી!
“ઝીનતનાં માતાપિતા અહીં આવે છે?”
“અમને અફસોસ છે કે તેના રિવ્યૂના દિવસ સિવાય તે કદી આવતા નથી. તેની માતાને અમે ખાસ સમજાવ્યું કે ઝીનત સાથે વાર્તાલાપ કરવા માટે તેઓ મૅકેટોન શીખે તો સારૂં. ઝીનત ઘણી lively છોકરી છે. ઘરમાં તેની સાથે વાર્તાલાપ કરનારૂં કોઇ હોય તો તેની ક્વૉલિટી અૉફ લાઇફ થોડી સારી થાય. કમભાગ્યે મિસેસ ઝેબને અંગ્રેજી આવડતું નથી, અને મિસ્ટર ઝેબ પાસે સમય નથી. તમને નવાઇ લાગશે કે અન્ય બાળકોનાં વાલીઓ અમારે ત્યાં મૅકેટોન શીખ્યા છે અને તેમનાં બાળકો ઘેર જાય ત્યારે તેમની સાથે સંજ્ઞાભાષા દ્વારા વાર્તાલાપ કરતા હોય છે.”
પ્રાચિન સમાજશાસ્ત્રીઓએ એક axiom આપ્યું છે: માનવ એક સામાજીક પ્રાણી છે. સમાજમાં રહી તેનાં બંધુ-બાંધવીઓ સાથે હળી મળીને રહેવાનું પસંદ કરે છે અને તે પ્રેમ આપવા અને મેળવવા ઉત્સુક હોય છે. આ સત્ય જેટલું સ્વસ્થ અને નિરોગી લોકોને વ્યાપે છે, તેથી વધુ તે વિકલાંગ, ક્ષતિગ્રસ્ત, મૂક, બધિર સમુદાય માટે આવશ્યક છે. ઝીનત માટે પણ.
જીપ્સીને આ સાંભળી ઘણું દુ:ખ થયું. તેને યાદ આવ્યું કે ભારતમાં તેના ઘરની નજીક એક બહેન રહેતા હતા જેમનો માનસીક અને બૌધ્ધીક વિકાસ અને વય તેમની અસલ ઉમર કરતાં ઘણો ઓછો હતો. વીસ વર્ષની વયે તેઓ છ-સાત વર્ષની બાળકી જેવું વર્તન અને વિચાર કરતા. તેમનાં માતાપિતાનું અવસાન થયું હતું. તેમના મોટા ભાઇ અને ભાભી તેમને ઘણા પ્રેમથી સંભાળતા હતા, પણ આજુબાજુના લોકો તેને ‘ગાંડી’ કહીને ખીજવતા. આ એટલી હદ સુધી વધી ગયું કે તેઓ અમારો લત્તો છોડી દૂર રહેવા ચાલ્યા ગયા. આપણા લોકોમાં સ્કીત્ઝોફ્રેનીયા, મૅનીક ડીપ્રેશન વગેરે જેવી માનસિક બિમારી અને ડાઉન સીન્ડ્રોમ, મેન્ટલી ચૅલેન્જડ્ જેવી સ્થિતિ વચ્ચે કોઇ ફરક હોય છે તેનું જ્ઞાન નહોતું. બધાની ગણત્રી ‘ગાંડા’માં થઇ જતી. મિસ્ટર ઝેબ પોતાની પુત્રી પ્રત્યે આવી ઉપેક્ષા કરતા તે જીપ્સીની સમજ બહારની વાત હતી. તેણે તેમને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો, ઝીનત તેમની દિકરી હતી અને પિતા તરીકે તેમણે તેની જરૂરિયાતો તરફ ધ્યાન આપવું જોઇએ તેવું કહ્યું. અશફાકને તેની સાથે રમવા ઉત્તેજન આપવું બન્ને માટે લાભદાયક થશે. કમભાગ્યે તેને આ બાબતમાં સફળતા ન મળી.
અં્ગ્રેજીમાં કહેવત છે: તમે ઘોડાને પાણી સુધી લઇ જઇ શકો. તેને પાણી પીવા માટે મજબુર ન કરી શકો.
ઝીનતના અલ્પ સમ્પર્કનો જીપ્સી પર મોટો પ્રભાવ પડ્યો. તેણે Mental Illness તથા Learning Disabilityનો અભ્યાસ કર્યો. આપણા સમાજમાં તે વિશે કેટલી જાગરૂકતા છે તે વિશે માહિતી મેળવી, તેના કેસલોડમાં આવતા આપણાં લોકોમાં તેની માહિતીનો પ્રસાર કરી, તેઓ તેમનાં બાળકોને કે પરિવારના સદસ્યોને કેવી રીતે આધાર આપી શકે તે સમજાવવાનો પ્રયત્ન શરૂ કર્યો.
મિસ્ટર ઝેબનો કેસ crisis interventionનો હતો. કામ પૂરું થયું હતું. કેસ ‘ક્લોઝ’ કર્યો.
અને ઝીનત?
સદ્ભાગ્યે તે સમયે વિકલાંગ બાળકોની જરૂરિયાતો પૂરી કરવા માટે ખાસ ટીમની સ્થાપના કરવામાં આવી. અૅન લિવી નામની હસમુખી અને મૅકેટોનમાં પારંગત સોશિયલ વર્કરને ઝીનત સોંપી. સમય સમય પર તેના તરફથી ઝીનતના સમાચાર મળતા રહ્યા. શાળામાં તેની પ્રગતિ સારી થતી હતી એટલું તો જાણવા મળ્યું!

Friday, July 15, 2011

સોશીયલ વર્કરની નોંધપોથીમાંથી: "મિસ્ટર ઝેબ"

જીપ્સીનાં ટીમ અૅડમીન પૅટ હૅમ્પસન અત્યંત પાવરધાં બહેન હતા. અમારી ટીમના વહાણના વહીવટના કુવાથંભની જેમ. આપણા પ્રદેશના લોકોનાં નામ વિશે તેમને વધુ માહિતી નહોતી તેથી નામ લખવામાં થોડી ક્ષતિ રહેતી હતી. જેમ અહેમદજીનું નામ તેમણે ‘મિસ્ટર જી’ લખ્યું હતું, તે રીતે બીજા કેસમાં પણ તેવી રીતે જ લખ્યું હતું. ભાઇનું નામ હતું ઔરંગઝેબ, અને પૅટબહેને લખ્યું ‘મિસ્ટર ઝેબ’. નામ વાંચી પહેલાં તો તેને રમુજ ઉપજી. ભારતમાં આ મોગલ બાદશાહનું નામ અત્યંત લોકપ્રિય નથી. જીપ્સી ભારતમાં જન્મ્યો, આખા દેશમાં ભટક્યો, કાશ્મીરમાં પણ લાંબો સમય રહ્યો, તેમ છતાં આ નામની વ્યક્તિ તેને કદાપિ મળી નહિ. તેના મુસ્લિમ મિત્રોના સમુદાયમાં અકબર નામ જેટલું આદર્શ ગણાતું એટલું જ અપ્રિય નામ તેના પ્રપૌત્રનું હતું.
જીપ્સીના કેટલાક મિત્રોના માનવા પ્રમાણે અકબરની રાજકીય અને શાસકીય નીતિઓ તેના વંશજોએ વિકસાવી હોત તો અંગ્રેજો ભારતમાં કદી પણ રાજ્ય સ્થાપી શક્યા ન હોત. ઇતિહાસકારોની દૃષ્ટીએ ભારતમાં મોગલ સલ્તનતના અંતના જનક ઔરંગઝેબ ગણાય છે. પાકિસ્તાનના અશિક્ષીત અને મદ્રેસામાં ચાર ચોપડીઓ ભણેલા અવામ માટે વાત જુદી હતી. તેમને શીખવવામાં અાવતું હતું કે આદર્શ મુસ્લિમનું જ્વલંત ઉદાહરણ એટલે ઔરંગઝેબ. આટલી મોટી સલ્તનતનો સમ્રાટ હોવા છતાં તે પોતાના અંગત ગુજરાન માટે ટોપીઓ સિવી, પવિત્ર કુરાનની નકલ કરીને વેચવાથી થતી આવકનો ઉપયોગ કરતો. ધર્મ ફેલાવવા માટે તેણે જે કાંઇ કર્યું, તેને આદર્શ ગણી આ નામ પાકિસ્તાનમાં ઘણું પ્રચલિત અને લોકપ્રિય હતું. આ નામના ઘણા લોકો જીપ્સીને બ્રિટનમાં મળ્યા, એટલું જ નહિ, કાશ્મીરમાં તેનું પોસ્ટીંગ થયું હતું ત્યારે પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારમાં તેની સામેની પોસ્ટના કમાંડરનું નામ પણ ઔરંગઝેબ હતું.
મિસ્ટર ઝેબ મૂળ સિંધના હૈદરાબાદના. તેમના પિતા ૧૯૬૭માં બ્રિટન આવેલા. તેમના પરિવારના સૌથી નાના પુત્ર. તેમનો કેસ સોશિયલ સર્વિસીઝ પાસે આવવાના બે કારણો હતા: તેમનો ડાબો હાથ ફૅક્ટરીમાં થયેલા નાનકડા અકસ્માતને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. બીજું, તેમની મોટી દિકરી ઝીનતને જન્મજાત મુશ્કેલી હતી: તે hydrocaphelic હતી. તેના જન્મ સમયે તેના મગજમાં પાણી ભરાયેલું હતું. આઠ વર્ષની થઇ ત્યાં સુધીમાં આ ક્ષતિને કારણે તેની દૃષ્ટિ ઘણી કમજોર થઇ ગઇ હતી. તે બોલી નહોતી શકતી તથા ઓછું સાંભળતી હતી તેથી તેને સ્પેશીયલ સ્કૂલમાં દાખલ કરવામાં આવી હતી.
આ જાણે ઓછું હોય, ઔરંગઝેબને કાઉન્સીલનું મકાન મળ્યું હતું, અને ભાડું માફ કરાવવા માટે જે ફૉર્મ ભરવા જોઇએ તે તેમણે લાંબા સમયથી ભર્યા નહોતા. જીપ્સી પાસે કેસ આવ્યો ત્યાં સુધીમાં ભાડું ઘણું ચઢી ગયું હતું. ડ્યુટી સોશિયલ વર્કરે આ અંગેની નોંધ કરી હતી. જીપ્સીએ કાઉન્સીલના હાઉસીંગ ડીપાર્ટમેન્ટ પાસે તપાસ કરતાં જણાયું કે તેઓ મકાન ખાલી કરાવવા માટે નોટિસ મોકલવાની તૈયારીમાં હતા. ‘જો મિસ્ટર ઝેબ એક અઠવાડીયામાં ફૉર્મ ભરે તો તેમને પાછલી તારીખથી હાઉસીંગ બેનીફીટ મળશે. આવતા અઠવાડીયાથી નવું નાણાંકીય વર્ષ શરૂ થાય છે તેથી ગયા વર્ષના બેનીફીટ તેમને મળી નહિ શકે.”
ઔરંગઝેબ સપ્લીમેન્ટરી બેનીફીટ પર હતા. ઝીનતની હાલતને કારણે તેમને વધારાના બેનીફીટ (મૉબિલિટી તેમજ અૅટેન્ડન્સ અૅલાવન્સ) મળતા હતા. આમ સામાન્ય કામ કરનાર વ્યક્તિ કરતાં તેમની આવક લગભગ બમણી હતી. જીપ્સીને તેની સાથે કશી લેવા દેવા નહોતી. તેની ચિંતા એ હતી કે ટેનન્સી અૅક્ટ પ્રમાણે એક અઠવાડીયાનું પણ ભાડું ન ભરનારાને મકાનમાલીક મકાન ખાલી કરવાની નોટીસ આપી કોર્ટ અૉર્ડર મેળવી શકે તો મિસ્ટર ઝેબને તેવી હાલતનો સામનો કરવો પડે. તે ફોન કરી તેમને ઘેર ગયો. મિસેસ ઝેબે તેને આવકાર આપ્યો. તેમના પતિ ઘેર પહોંચ્યા નહોતા. જીપ્સીએ તેમને હાઉસીંગ બેનીફીટની માગણીના ફોર્મ આપ્યા અને આખી બિના સમજાવી.
અૉફિસમાં પાછો આવ્યો અને બીજા કેસ પર કામ કરવાની શરૂઆત કરી ત્યાં રિસેપ્શનીસ્ટનો ફોન આવ્યો. “તમને મળવા મિસ્ટર ઝેબ આવ્યા છે.”
જીપ્સી નીચે ઇન્ટરવ્યૂ રૂમમાં ગયો કે ઔરંગઝેબ તેના પર ઉતરી પડ્યા. “તમને અમારા ખાનગી મામલામાં દખલ કરવાની કોણે રજા આપી? અને મારી ગેર હાજરીમાં મારે ઘેર ગયા જ કેમ?”
પાંચ ફૂટ-બે ઇંચની ઉંચાઇ ધરાવતા આ સદ્ગૃહસ્થમાં આટલું ઝનૂન ક્યાંથી આવ્યું તેનો વિચાર કરવા કરતાં જીપ્સીને દુ:ખ થયું હોય તો એ વાતનું કે આ સજ્જને તેમની પત્નિ સાથે પૂરી વાત કર્યા વગર અમારે ત્યાં આવી સોશિયલ વર્કર પર વરસી પડ્યા હતા. જીપ્સીએ તેમનાં પત્નિને ફોન કર્યો હતો, અૅપોઇન્ટમેન્ટ લીધી હતી અને પૂરી વાત સમજાવી હતી. હવે ઝેબ સાહેબ સમય પર ઘેર ન આવ્યા હોય તેમાં તે શું કરે? તેમને એ વિચાર ન આવ્યો કે એક અઠવાડીયા બાદ ચઢેલા ભાડાના પંદરસો પાઉન્ડ ભરવા ઉપરાંત મકાન ખાલી કરવાની નોબત આવે તેમ હતું. સોશિયલ સર્વિસીઝ ડીપાર્ટમેન્ટ તેમને મદદ કરવાનો પ્રયત્ન કરતું હતું, તેનો તેમને ખ્યાલ ન આવ્યો. જીપ્સીએ ક્ષમાયાચના કરીને કહ્યું કે સોશિયલ સર્વીસીઝનું કામ તેમના પર આવી પડનારી homelessnessની આપત્તિ ટાળવાનું હતું. હવે આ બાબતમાં તેમને કશું કરવું ન હોય તો તેમની મુનસફીની વાત હતી. પગ પછાડતા તેઓ ઇન્ટરવ્યૂ રૂમ છોડીને ચાલ્યા ગયા!
ઔરંગઝેબની વર્તણૂંકથી જીપ્સીને પહેલાં તો ઘણો ગુસ્સો આવ્યો. વાત સમજ્યા વગર કોણ જાણે ક્યા પૂર્વગ્રહને કારણે તે આવો બકવાદ કરી રહ્યો હતો એવો વિચાર આવ્યો. તેણે શાંતિ રાખી, પણ મનમાં ઘણું દુ:ખ થયું. તેણે પોતાની મુંઝવણ ટીમ લીડર પાસે રજુ કરી.
“આવી બાબતમાં નિરાશ કે ગુસ્સે થવા કરતાં આપણે સામા માણસની સમસ્યાનો વિચાર કરવો જોઇએ. આપણું કામ સર્વહારા લોકોને મદદ કરવાનું છે. આપણા ક્લાયન્ટ ગુસ્સે થાય તો તેનાં અનેક કારણો હોઇ શકે છે. મિ. ઝેબની જ વાત જુઓ. એક તો તે પોતે partially disabled છે. તેમની પુત્રી હાઇડ્રોકેફૅલીક છે. આ જાણે પૂરતું ન હોય તેમ તે પોતે બેકારીથી પીડાય છે અને ભાડું ભરવા અંગેની તેમને નોટિસ ગઇ છે. શક્ય છે કે તે ડીપ્રેસ્ડ છે અને તેના દોરમાં તેણે તમારા પર ગુસ્સો ઠાલવ્યો હોય. જ્યારે તેને અહેસાસ થશે કે તેણે તમારા પર ગેરવ્યાજબી વર્તાવ કર્યો છે તે પોતે આવીને તમને સૉરી કહેશે.”
જીપ્સીના કામમાં આ નવો જ દૃષ્ટિકોણ હતો. તેને દાડમીયાની અને ટીમ મૅનેજર લિઝ વેબની કાર્યપદ્ધતિ વચ્ચેના અંતરનો વિચાર આવ્યા વગર ન રહ્યો.
તે સમયે પ્રજા હિતના રક્ષણ માટેના પ્રેશર ગ્રુપ ચાઇલ્ડ પૉવર્ટી અૅક્શન ગ્રુપ (CPAG)એ સરકાર પર કેસ કર્યો હતો, કે શારીરિક કે માનસિક ક્ષતિથી પીડાતા બાળકો અને પુખ્ત વયની વ્યક્તિઓની ઘરમાં કાળજી લેનાર તેમનાં માતાપિતા કે અન્ય પરિવારના સભ્યોને ખાસ એલાવન્સ (Invalid Care Allowance) મળવું જોઇએ. તેમણે અખબારોમાં જાહેરાત આપી કે આવા કેસમાં પરિવારોએ ક્લેમ નોંધાવી દેવો. જો આ કેસમાં જીત મળે તો જે તારીખે અરજી કરી હતી ત્યારથી તેમને પૈસા મળશે. જીપ્સીએ ઔરંગઝેબને ક્લેમનાં ફૉર્મ મોકલી આપ્યા અને તેમને જણાવ્યું કે તે ભરીને સરકારમાં મોકલી આપે. ફૉર્મ ભરવામાં મદદ જોઇએ તો તે અમે આપીશું.
એક વર્ષ બાદ કોર્ટનો ચુકાદો CPAGની તરફેણમાં આવ્યો. આ વખતે મિસ્ટર અને મિસેસ ઔરંગઝેબ જીપ્સીને મળવા તેની અૉફિસમાં ગયા અને જણાવ્યું કે તેમને લગભગ બારસો પાઉન્ડ મળ્યા હતા. લગ્ન પછી પહેલી વાર તેઓ પત્નિ અને બાળકોને લઇ વતન જઇ રહ્યા હતા.અત્યારે તેઓ સોશિયલ સર્વિસીઝનો આભાર માનવા જાતે આવ્યા હતા! અને હા, તેમણે હાઉસીંગ બેનિફીટનાં ફૉર્મ સમયસર ભર્યા હતા અને ભાડું ભરવામાંથી મુક્તિ મળી હતી. વ્યગ્રતાને કારણે ‘ભુલચૂક થઇ હોય તો માફી’ જેવું કંઇક બોલી ગયા.
અાવતા કેસની ચર્ચા તેમની પુત્રી ઝીનતની વિશે છે

Thursday, July 14, 2011

નવા 'સોશિયલ વર્કર'નો પહેલો કેસ: મિસ્ટર જી.

બ્રિટનની સોશિયલ સર્વિસીઝનું ઘડતર ઓગણીસમી સદીના અંતમાં શરૂ થયેલ ઉદારમતવાદી Social Policyના આધારે થયું છે. આના પુરોગામી હતા સિડની વેબ તથા તેમનાં પત્નિ બીટ્રીસ વેબ. અત્યારે આ દેશની સોશિયલ વર્કની પ્રથા તથા તેના ઇતિહાસની વાત નહિ કરૂં, જો કે એટલું કહેવું જરૂરી છે કે આપણા દેશમાં ખાદીના ઝભ્ભા-લેંઘાધારી, ખભા પર શબનમ થેલો લટકાવીને નીકળી પડતા ‘સમાજસેવક’ વિશે જે ખ્યાલ બંધાયો છે તેવું અહીં, એટલે કે યુરોપ-અમેરીકાના દેશોમાં નથી.
યુરોપ-અમેરીકામાં જનહિત માટે ઘડાયેલા કાયદામાં કરવામાં આવેલી જોગવાઇઓનું પાલન કરવા માટે સોશિયલ વર્કર્સને જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેઓ તેમની જવાબદારી પૂરી કરી શકે તે માટે તેમની પાસે CQSW સર્ટીફીકેટ અૉફ ક્વૉલીફીકેશન ઇન સોશીયલ વર્ક તથા તે ઉપરાંત વિશેષ પ્રશિક્ષણ મેળવવું જોઇએ. આ સર્ટીફીકેટ મેળવવા માટે તેમણે અધિકૃત યુનિવર્સીટી કે સંસ્થામાં બે વર્ષનો ફૂલટાઇમ કોર્સ તથા તેમણે પસંદ કરલા ક્ષેત્રમાં ઇન્ટર્નશીપ કરવી જરૂરી હોય છે. છેલ્લા ચાલીસ-પચાસ વર્ષથી ભારતમાં પણ આ નુતન ‘પ્રોફેશનલ સોશિયલ વર્કર’નું વિશેષ પ્રશિક્ષણ શરૂ થયું છે.
જીપ્સીની નીમણૂંક 'અનક્લૉલીફાઇડ' એશિયન સ્પેશીયાલિસ્ટ સોશિયલ વર્કરના હોદ્દા પર થઇ, કારણ કે તેની પાસે CQSWનું સર્ટિફિકેટ નહોતું.
અમારી કાઉન્સીલમાં ભારતીય ઉપખંડમાંથી આવેલા નાગરિકોની સંખ્યા સારી એવી હતી. તેમાં ભારતીય (મૂખ્યત્વે ઇસ્ટ આફ્રિકાથી આવેલા ગુજરાતી), મીરપુર/કોટલી/નીલમ જેવા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરીઓ હતા. હવે માનસિક બિમારી, બાળઉછેર તથા બાળકોને લગતી સમસ્યાઓ, વિકલાંગ અને અપૂરતા બૌદ્ધીક વિકાસને કારણે અક્ષમતા અનુભવતા નાગરિકો તથા વૃદ્ધો માટે ઘડાયેલા કાયદા જેને CSDP (ક્રૉનીકલી સિક અૅન્ડ ડિસેબલ્ડ પર્સન્સ અૅક્ટ)નો અમલ કરવામાં આપણી સાંસ્કૃતીક જરુરિયાતો લક્ષ્યમાં લેવાય તે માટે તેમને સલાહ તથા સહાયતા આપવા ‘એશિયન સ્પેશીયાલિસ્ટ’ની નીમણૂંક કરવામાં આવી હતી. આમ બાળકોનું શારીરીક અને માનસીક ઉત્પીડન થયું હોય, કે માનસિક બિમારી અંગેનું નિદાન કરવાનું થાય તેવા કેસ અનક્વૉલીફાઇડ સોશિયલ વર્કરના સ્વતંત્ર ‘કેસ’ ન અપાય. આવા કેસ CQSW પ્રશિક્ષીત સોશિયલ વર્કર પાસે હોય. એશીયન સ્પેશીયાલીસ્ટ તેમના સલાહકાર તરીકે કામ કરે. આ ઉપરાંત તેની પાસે તેનો સ્વતંત્ર કેસલોડ પણ રહે. તેમાં કોઇ માર્ગદર્શન જોઇએ તો તે તેની ટીમલીડર પાસેથી મળે.

જીપ્સીની ટીમમાં બે મહત્વની વ્યક્તીઓ હતી તેની ટીમલીડર લિઝ વેબ તથા ટીમ અૅડમીનીસ્ટ્રેટર પૅટ હૅમ્પસન. આ ઉપરાંત પાંચ ક્વૉલીફાઇડ સોશિયલ વર્કર્સ, એક અૉક્યુપેશનલ થેરાપીસ્ટ, એક હોમ કૅર કો-ઓર્ડીનેટર, ફૅમિલી એઇડ તથા બાળકો માટે કાઉન્સીલ દ્વારા ચલાવાતી વિનામૂલ્ય ડે-કૅર નર્સરીમાં પ્રવેશ આપવા માટેનું આકલન કરવા માટે બે કાર્યકરો હતા.

જીપ્સી કામ પર હાજર થયો ત્યારે તેને જણાયું કે આ જગ્યા લગભગ એક વર્ષથી ખાલી પડી હતી. પેન્ડીંગમાં પડેલા સાત કેસીસ એવા હતા જેને તાત્કાલીક રીતે મદદ કરવાની વારે વારે જરૂર પડતી હતી, અને આ કામ ડ્યુટી સોશિયલ વર્કર કરે. સોશિયલ વર્કમાં મહત્વની વાત હોય છે સાતત્ય. ફૅમીલી ડૉક્ટરની જેમ સોશિયલ વર્કર પરિવારની સાથે એટલી જ ઘનીષ્ઠતાથી સંકળાય છે. તેમના ક્લાયન્ટ્સના પરિવારમાં કેટલા સદસ્યો છે, તેમનો એકબીજા સાથે કેવો સંબંધ છે તે વિશે જાણવા લાગે છે.

સોશિયલ સર્વિસીઝ પાસે આવતા કેસવર્કના બે મુખ્ય પ્રકાર હોય છે. Crisis intervention, એટલે કોઇ પરિવાર કે અથવા વૃદ્ધ, બિમાર, ક્ષતિગ્રસ્ત વ્યક્તિ પર એવી આપત્તિ કે કઠણ પરિસ્થિતિ આવી પડે જેને કારણે તેમનો પરિવાર ભાંગી પડવાની અણી પર આવે તેમને મદદ કરવી. એકાકિ વ્યક્તિની બાબતમાં તે પોતાનું ધ્યાન ન રાખી શકે અથવા તેનું જીવન જોખમમાં આવી પડે, તેને મદદ કરવી. જ્યારે પરિસ્થિતિ પાટા પર ચઢી જાય તેમનો કેસ ‘ક્લોઝ’ કરવો. બીજો પ્રકાર હોય છે કોઇ પરિવાર કે ક્લાયન્ટ સાથે લાંબા ગાળાનું કામ કરવાની (ongoing support આપવાની) જરૂર પડે. જો કે આ વાતો મને બાદમાં જાણવામાં આવી.
કામ પર હાજર થયો ત્યારે ટીમ અૅડમીન પૅટ હૅમ્પસને મને એશિયન સ્પેશીયાલિસ્ટના કેસલોડની ફાઇલોની કૅબીનેટ બતાવી. તેમાં પંદર જેટલી કેસ ફાઇલ્સ હતી. બધી ફાઇલો કાઢીને એક પછી એક જોવાની શરૂઆત કરી. અમારે ત્યાંની કેસ ફાઇલ પદ્ધતિમાં કેસ ક્લોઝ કરવામાં આવે અથવા કોઇ સોશિયલ વર્કર નોકરી છોડીને જાય ત્યારે કેસની ‘ક્લોઝીંગ સમરી’ લખે. ત્રણ કે ચાર પૅરેગ્રાફમાં લખવામાં અાવે કે આ કેસમાં શું કામ કરવામાં આવ્યું અને શા માટે કેસ ક્લોઝ કરવામાં આવ્યો છે. મારા કેસલોડમાં દસ પાકિસ્તાની પરિવાર હતા. કેસ ફાઇલ્સ જોઇ રહ્યો હતો ત્યાં મારાં ટીમલીડર લિઝ વેબ મારી પાસે આવ્યા અને કહ્યું, “Naren, may I have a word with you?” હું તેમની અૉફિસમાં ગયો.
“તમે મિસ્ટર જીની ફાઇલ જોઇ? મિસ્ટર જીના ઘરમાં ફાયર અૅક્સીડન્ટ થયો છે અને મિસેસ જીની હાલત ગંભીર છે એવો મને હમણાં પોલીસનો ફોન આવ્યો. મિસ્ટર જી અંગ્રેજી નથી જાણતા. અા crisis interventionનો કેસ છે. સૉરી, કામના પહેલા દિવસે તમને deep endમાં ધકેલું છું. ત્યાં જઇને બને એટલી મદદ કરશો. કોઇ તકલીફ જણાય તો મને ફોન કરજો. તમારી સહાયતા માટે હું ક્રિસ્ટીનને મોકલીશ.” ક્રિસ્ટીન અનુભવી સોશિયલ વર્કર હતી.
સવારના જ મેં મિસ્ટર જીની ફાઇલ ઉતાવળમાં જોઇ હતી. તેમની જરૂરિયાતોનું એસેસમેન્ટ કરવા તેમને મળવા જવાનો વિચાર કરતો જ હતો. ટૂંકમાં કહીએ તો તેમની ઉમર ૭૫; આખું નામ “ મિસ્ટર અહેમદજી”. પરિવારમાં પત્નિ અને ૧૬ વર્ષનો પુત્ર. અમારી ટીમ ક્લાર્કે “અહેમદજી”ના ‘જી’ને અટક સમજી ફાઇલ પર નામ લખ્યું ‘મિસ્ટર જી’. મને લાગ્યું કાકા ગુજરાતના હશે. કામ થોડું આસાન થશે!
મિસ્ટર જી કાઉન્સીલના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. ત્યાં જઇને જોયું તો તેમના ઘરની બહાર પોલીસની રોવર અને ફાયર બ્રિગેડનો બંબો હતો. પોલિસના એક સાર્જન્ટ અને એક કૉન્સ્ટેબલ બહાર ઉભા હતા.
“મિસ્ટર જીના ઘરમાં આગ લાગી હતી. મિસેસ જી ઘરમાં એકલા હતાં. ઘરમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોઇ તેમનાં પાડોશીએ ફાયર બ્રિગેડ બોલાવી. અમને પણ આની સૂચના મળી. અફસોસ છે કે મિસેસ જીનું હૉસ્પીટલ પહોંચતા પહેલાં જ અવસાન થયું. મિસ્ટર જી મસ્જીદમાં હતા, તેમને અમે હૉસ્પીટલ પહોંચાડ્યા છે, પણ તેઓ અમારી વાત સમજી શકતા નથી અને અમે તેમની વાત. અમારે તેમને રાબેતા મુજબના સવાલ પૂછી અમારો રિપોર્ટ તૈયાર કરવાનો છે. તમે અમારી મદદ કરી શકશો? મિસ્ટર જીને હજી ખબર નથી કે તેમનાં પત્નિનું અવસાન થયું છે. આ દુ:ખદ સમાચાર પણ તમારે તેમને આપવાના છે. મને આશા છે કે તમે આ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી શકશો.” સાર્જન્ટે કહ્યું.
પોલીસની રોવરમાં બેસી અમે હૉસ્પીટલ ગયા. ત્યાં રિસેપ્શન હૉલના ખુણામાં મિસ્ટર જી બેઠા હતા. અમને જોઇ તે ઉભા થયા. છ ફીટ ઉંચા, સફેદ દાઢી-મૂછ, માથા પર કાશ્મીરી ટોપી અને જાડી ફ્રેમના ચશ્મા પહેરેલા કાકાના ચહેરા પર ચિંતાની લકીર સ્પષ્ટ દેખાતી હતી. મેં તેમને અસ્સલામુ-આલેઇકૂમ કહી ઉર્દુમાં વાત શરૂ કરી અને મારો પરિચય આપ્યો. તેમણે વાલેઇકૂમ અસ્સલામ કહી સવાલ પૂછ્યા ત્યારે જીપ્સી ચકરાઇ ગયો: તેઓ મીરપુરીમાં વાત કરતા હતા. કાશ્મીરમાં નોકરી કરી હોવાથી હું ગુજ્જર જાતિની ખાનાબદોશ ભરવાડ કોમના સમ્પર્કમાં હતો તેથી થોડા ઘણા ગુજરી શબ્દો જાણતો હતો. તેનું મિશ્રણ ગામઠી પંજાબીમાં કરી જોતાં જણાયું કે તેઓ મારી વાત સમજી શકતા હતા અને અનુમાનથી તેમની વાત પણ સમજવા લાગ્યો. પ્રથમ તો પોલિસની કારવાઇ પૂરી કરી અને ત્યાર બાદ તેમને દુ:ખદ સમાચાર આપ્યા. જૈફ વયે પહોંચેલા મિસ્ટર જી હચમચી ગયા. આ એવી ઘડી હતી જ્યાં વય, સ્થાન, ધર્મ, રાષ્ટ્રીયતા વિલય પામ્યા. બચી ગયા હતા કેવળ માનવ. મિસ્ટર જી મારા ખભા પર માથું મૂકી રડી પડ્યા. હું તેમની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. પેલા પોલિસ સાર્જન્ટથી રહેવાયું નહિ. તેઓ જલદીથી જઇ પાણીનો ગ્લાસ લઇ આવ્યા. થોડી વારે સ્વસ્થ થયા બાદ ચશ્માં ઉતારી, કાચ સાફ કરી, આંખો લૂછી તેમણે મને કહ્યું, “પટેલ સા’બ, મારા નાના પુત્તર સજ્જાદને ગમે તેમ કરી બોલાવી આપો. તેની માનો એ બહુ વહાલો દિકરો હતો.”
બ્રિટનમાં સ્ટીરીયોટાઇપ અત્યંત સામાન્ય હકીકત છે. આપણા લોકો પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતી માણસ પટેલ જ હોવો જોઇએ! તેથી બિન-ગુજરાતી ભારતીય-પાકિસ્તાની આપણા લોકોને પટેલ જ ધારે. મિસ્ટર જીએ મારૂં નામાભિધાન કર્યું તે અમારા સંબંધ વચ્ચે કાયમનું સંબોધન બની ગયું. હૉસ્પીટલના સ્ટાફના સૌજન્યથી મેં તેમનો ટેલિફોન વાપર્યો અને ક્રિકલવૂડની મસ્જીદમાં સ્થપાયેલ “આઝાદ કાશ્મીર એસોસિએશન”ના અગ્રણી સાથે વાત કરી. તેમને વિનંતી કરી કે તેઓ સજ્જાદને પણ લઇ આવે. એકાદ કલાક પછી સજ્જાદ અને તેમની કોમના અગ્રણી મિસ્ટર અક્રમ મલીક આવી પહોંચ્યા. અક્રમ મલીકની વાત કરવાની છટા અને ચહેરા પરના ભાવ જોઇ તરત જણાઇ આવ્યું કે તેમને ભારતીય લોકો પ્રત્યે ખાસ પ્રેમ નથી. “તમે ઇન્ડીયનો અમારા માટે કશું કરી શકવાના નથી. ભલે તમે સોશિયલ વર્કર હશો, પણ જ્યાં સુધી અમારા જેવા કાશ્મિરીઓ પ્રત્યે.....”
મેં તેમની વાત ત્યાં જ કાપી અને તેમને કહ્યું, “જુઓ, હું આપણી એશીયન કોમ માટેનો સોશિયલ વર્કર છું. અહીં હું સોશિયલ સર્વીસીઝના પ્રતિનિધિ તરીકે આવ્યો છું. અત્યારે મિસ્ટર જીને રહેઠાણની જરૂર છે, અને તે પૂરી કરવા મારે કાઉન્સીલના ખર્ચે હોટેલમાં રહેવાનો બંદોબસ્ત કરવા જવું પડશે. બાકી ફ્યુનરલ વિગેરેની વ્યવસ્થા કાલે કરીશ, કારણ કે પોસ્ટ મોર્ટમ કાલે થવાનું છે.” કાયદા પ્રમાણે ‘હોમલેસ’ વ્યક્તિને કામચલાઉ રહેઠાણ આપવાની જવાબદારી કાઉન્સીલની હોય છે તે હું જાણતો હતો. અહેમદજીનું ઘર આગને કારણે રહેવા લાયક રહ્યું નહોતું.
મિસ્ટર મલીક થોડા ઝંખવાણા પડી ગયા. “અરે પટેલ, તમે તો નારાજ થઇ ગયા. જુઓ, અહેમદજીને તેમનો મોટો દીકરો વાજીદ થોડા દિવસ માટે લઇ જશે. ત્યાં સુધીમાં તમારે જે વ્યવસ્થા કરવાી હોય તે કરજો. બાકી રહી ફ્યુનરલની વાત. આ કામ અમારી મસ્જીદ તરફથી કરીશું. આ અમારી કોમનો મામલો છે, બીજી વાતો માટે તમારા ડીપાર્ટમેન્ટ તરફથી જે કરવું હોય તે કરજો. અને યાદ રાખજો, તમારો એરીયા મેનેજર મારો દોસ્ત છે.” આ કહેવાનો મતલબ હતો, કામમાં કોઇ ખામી રહી જાય તો ‘ઠેઠ ઉપર સુધી’ વાત જશે. વસાહતવાદી (Colonial) મનોવૃત્તિનો આ ઉત્તમ નમૂનો હતો!
જીપ્સીએ એલ્ડર્સ ગ્રુપમાં કરેલા કામ દરમિયાન સમાજ કલ્યાણ વિષયક કાયદાઓનો ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. હાઉસીંગ, ક્રૉનિકલી સિક અૅન્ડ ડીસેબલ્ડ પર્સન્સ અૅકટ જેવા કાયદાઓ દ્વારા સમાજ માટે જે જોગવાઇ કરવામાં આવી છે તેના આધારે અહેમદજીનું કામ ઝડપથી પૂરૂં થયું. અહેમદજીને બે દિવસમાં જ ટેમ્પરરી ફ્લૅટ મળી ગયો. રાશન,ગૅસ, વિજળી વિગેરેની બધી વ્યવસ્થાઓ થઇ ગઇ. ત્રણે’ક મહિનામાં કાઉન્સીલે તેમનો મૂળ ફ્લૅટ રિપૅર કરી આપ્યો. અમે તેમને નવું ગૅસ કૂકર તથા અન્ય ઉપકરણો મેળવી આપ્યા. સજ્જાદ સાથે તેઓ પોતાના ઘરમાં રહેવા ગયા ત્યારે મેં તેમનો કેસ ‘ક્લોઝ’ કર્યો. જો કે તેઓ મને અવારનવાર મળવા આવતા રહ્યા.
આ હતો મારો પહેલા દિવસની ડ્યુટીનો પહેલો કેસ! મિસ્ટર જીની વાત અહીં પૂરી નથી થતી. જેમ જેમ આપણી વાત આગળ વધશે, તેમનો જીક્ર કરતો રહીશ.
હવે પછી વાત કરીશું જીપ્સીના બીજા કેસની.

Friday, July 8, 2011

અંતની શરૂઆત (શેષ)

એક દિવસ બ્રિટનની નૅશનલ ટેલીવિઝનની ચૅનલ-ફોર તરફથી જીપ્સીને ફોન આવ્યો. “અમે એશીયન સિનિયર સિટીઝન્સની જરૂરિયાતો પર ખાસ પ્રોગ્રામ બનાવવા માગીએ છીએ. આ કાર્યક્રમ આખા દેશમાં તેમજ વિદેશોમાં પણ પ્રદર્શીત થશે. તમારી કાઉન્સીલે તમારૂં નામ સૂચવ્યું અને તમારી સંસ્થાની ભલામણ કરી છે. આ માટે તમે સહકાર આપી શકો?”
આ ઘણા સારા સમાચાર હતા. ચૅનલ ફોર તેના વિચાર પ્રવર્તક અને આધારભૂત માહિતી આપતા કાર્યક્રમ માટે પ્રખ્યાત છે.
“મારે અમારી મૅનેજમેન્ટ કમિટી પાસે તેની રજુઆત કરવી પડશે. તેઓ હા કહે તો તમારો સત્કાર કરવામાં અમને જરૂર ખુશી થશે. આજે અમારી મિટીંગ છે. હું કાલ સુધીમાં તમને ફોન કરીશ.”
કમિટીના સભ્યો ખુશ થઇ ગયા. આખો દેશ અમારા સભ્યોને જોઇ શકશે, કમિટીના સભ્યોનો ઇન્ટરવ્યૂ લેશે, એ વિચારથી સહુ પ્રસન્ન થયા અને તેમણે મંજુરી આપી. દાડમીયાએ હસીને કહ્યું, “જરૂર, બધા ક્યે છે તો આપડે શો વાંધો હોય?”
એક અઠવાડીયા બાદ ચૅનલ ફોરના પ્રોડક્શન આસીસ્ટન્ટનો ફોન આવ્યો. તેઓ તેમની ટેક્નીકલ ટીમને લઇ અમારા હૉલમાં ક્યાં કૅમેરા ફીટ કરવા, ક્યા કાર્યક્રમ તેઓ આવરી લેશે તેની ચર્ચા કરવા આવવા માગતા હતા. અમે દાડમીયાને પૂછી, તેમનું કૅલેન્ડર જોઇ તારીખ નક્કી કરી. પ્રૉડક્શન ટીમ આવી, કૅમેરાના અૅંગલ્સ નોંધ્યા, કૅમેરાથી દૃશ્યના સ્થાનની મેઝરીંગ ટેપથી માપણી કરી અને શૂટીંગની તારીખ નક્કી કરી. અમારી ટીમે ટેલીફોન કરી બધા સભ્યોને તે દિવસે આવવાની વિનંતિ કરી.

શૂટીંગના ત્રણ દિવસ અગાઉ દાડમીયાએ અમારી અૉફિસમાં આવી આદેશ આપ્યો.
“ચૅનલ ફોરવાળાને ફોન કરીને કઇ દ્યો શૂટીંગ કૅન્સલ કરે.”
અમારી આખી ટીમ જાણે વિજળી પડી હોય તેમ આભી થઇ ગઇ.
“કેમ, કાકા, કોઇ બીજી તારીખ આપવી છે?”
“ના, કૅન્સલ એટલે કૅન્સલ. આપડે ઇ કામ કરાવવું જ નથી. નથી જો’તી અમને આવી પબ્લિક-સીટી.”
“આપણી મૅનેજમેન્ટ કમિટીએ તો ઠરાવ પાસ કર્યો હતો કે આ થવું જોઇએ.”
“તમે અમારા કર્મચારી છો. હું મૅનેજમેન્ટ કમિટી છું. તમને કૈ’યે એવું કરો. અમે તમને જવાબ આપવા બંધાણા નથી. તમે અમારા કીધા પ્રમાણે કામ કરવું જો’યે,” કહી દાડમીયા અમારી અૉફિસમાંથી નીકળી ગયા. “I am the State!”નું આ પુનરૂચ્ચારણ હતું. તેના દુરગામી પરિણામનો તેમણે વિચાર ન કર્યો.
જીપ્સીએ વિચાર કર્યો. ચૅનલ ફોર દેશ-વિદેશમાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ચૅનલ હતી. તેમને છેલ્લી ઘડીએ દગો દેવા જેવું આ કામ હતું. તેમાં કેવળ આપણી કોમની જ નહિ, માણસાઇની પણ હિનતા દેખાય. તેણે બે નિર્ણયો લીધા. તેણે પર્વતેશની સંસ્થા (જુઓ નીચે આપેલ લેબલ સલાહ કેન્દ્ર ૨) જે અમારાથી એક માઇલ દૂર હતી, તેમને ફોન કર્યો. તેઓ ચૅનલ ફોરને તેમનો કાર્યક્રમ ફિલ્માવા દેશે?
અંગ્રેજીમાં કહેવત છે કે Every dog has his day. પર્વતેશે ગંભીર અવાજમાં જવાબ આપ્યો, “તમારી વિનંતિ હું મારી મૅનેજમેન્ટ કમિટી પાસે મૂકીશ. તેઓ મંજુર કરે તો જ આ કામ થાય. અમે તમને યોગ્ય સમયે જણાવીશું.”
“જુઓ પર્વતેશભાઇ, શૂટીંગ માટે કેવળ ત્રણ દિવસ રહ્યા છે. તમે જલદી મિટીંગ બોલાવો તો સારૂં. તમારી પાસે આ એક એવો મોકો છે, જેમાં તમને તથા તમારી સંસ્થાને આખી દુનિયા જોઇ શકશે. તમે તાત્કાલિક જવાબ નહિ આપો તો આવી તક આખી જીંદગીમાં નહિ મળે.”
મેં ફોન મૂક્યો કે તરત ઘંટડી વાગી.
“હું પર્વતેશ બોલું છું. મારી મૅનેજમેન્ટ કમિટીએ તમારી વિનંતિ સ્વીકારી છે. તમે ચૅનલ ફોરવાળાઓને અહીં આવવાનું કહી દ્યો.” 'આય અૅમ ધ સ્ટેટ'નો આ બીજો નમૂનો હતો.
જીપ્સીએ ચૅનલ ફોરના પ્રૉડક્શન આસિસ્ટંટની માફી માગીને કહ્યું અમુક કારણો વશ અમે તેમને મદદ નહિ કરી શકીએ. બહેન આ સાંભળી લગભગ રડી પડ્યા. "અમારી બધી તૈયારી થઇ ગઇ છે. હવે આ છેલ્લી ઘડીએ કૅન્સલ કરો તો અમારૂં હજારો પાઉન્ડનું નુકસાન થાય. આ કાર્યક્રમ એશિયનો માટે હોવાથી મોટી મોટી એશીયન કંપનીઓએ અમને આ કાર્યક્રમમાં મૂકવા માટેની જાહેરાતો આપી છે. તમે કૅન્સલ કરો તો તેઓ જાહેરાતો ખેંચી લે. અમને આખી એક્સરસાઇઝ ફરીથી કરવી પડશે. હું મારા ડાયરેક્ટરને શું જવાબ આપીશ? તમારૂં નામ હાઇલી રેકમેન્ડેડ હતું તેથી અમે તમારા પર વિશ્વાસ રાખ્યો.”
જીપ્સીએ તેમને કહ્યું કે તેમના શેડ્યુલ મુજબ શુટીંગ કરી શકશે; ફક્ત શૂટીંગનું સ્થળ બદલવા જેટલી બાંધછોડ કરવી પડશે. તેમને પર્વતેશની સંસ્થાની વાત કરી જ્યાં તેઓ પ્રોગ્રામ ટેપ કરી શકશે. બહેનના જીવમાં જીવ આવ્યો. તેઓ તે જ દિવસે ટેક્નીકલ ટીમને લઇ ત્યાં લઇ ગયા, અને પૂરી યોજના કરી લીધી.
ચૅનલ ફોરે પર્વતેશના ગ્રૂપનું શૂટીંગ કર્યું. તેમની કેવળ બે પ્રવૃત્તિઓ હતી. અઠવાડીયામાં એક વાર સત્સંગ તથા અઠવાડીયામાં બે દિવસ લંચન ક્લબ. શૂટીંગમાં પર્વતેશભાઇ છવાઇ ગયા. તેમનો કાર્યક્રમ દેશભરમાં અને યુરોપમાં જોવાયો. અમારા સેન્ટરના સભ્યોએ તેની વિડીયો ટેપ જોઇ અને પારાવાર દુ:ખી થયા. તે દિવસે આખી દુનિયા જેમને જોવાની હતી તેને બદલે તેઓ અન્ય સંસ્થાના સભ્યોને જોઇ રહ્યા હતા.
હવે વાત આવે છે જીપ્સીના બીજા નિર્ણયની.
તેણે સોશિયલ સર્વિસીઝમાં એશિયન સ્પેશીયાલીસ્ટ સોશિયલ વર્કરની જગ્યા માટે અરજી કરી. દોઢ કલાક ચાલેલા ઇન્ટરવ્યૂમાં અતિ ઉંડાણમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા. ભારત-પાકિસ્તાનથી અમારા બરોમાં આવેલા નાગરિકોને કઇ સમસ્યાઓ નડે છે, તેનું નિરાકરણ કરવા માટે સોશિયલ સર્વિસીઝ શું કરી શકે છે તેની ચર્ચા થઇ. એક અઠવાડીયા બાદ તેને નીમણૂંકનો પત્ર મળ્યો.
જ્યારે તેણે કાયદા પ્રમાણે એલ્ડર્સ ગ્રુપને બે અઠવાડીયાની નોટીસ આપી ત્યારે દાડમીયાને અંગત અપમાન થયા જેવું લાગ્યું. તેમણે ભારતીબહેન (અમારા અકાઉન્ટન્ટ)ને કહ્યું, નોટીસની અવેજીમાં જીપ્સીને બે અઠવાડીયાનો પગાર આપો. અને “કાલથી કામે આવતા નહિ,” કહી બહાર જતા રહ્યા.
એક મહિના બાદ ફેબ્રુઆરી ૧૯૮૫માં જીપ્સી કિલ્બર્ન, લંડન NW6માં કામ પર હાજર થયો. એક નવું પર્વ શરૂ થયું.
અરે હા, અમારા એલ્ડર્સ ગ્રુપનું શું થયું તે કહેવાનું રહી ગયું. એક વર્ષમાં ભારતીબહેન, કલ્પના, રાધાબહેન નોકરી છોડી ગયા. સલાહ કેન્દ્ર બંધ પડી ગયું. સભ્ય સંખ્યા ઘટીને પંદર રહી ગઇ. કાઉન્સીલનું ફંડીંગ, જે અમારા સમયે વાર્ષિક ૮૫૦૦૦ પાઉન્ડનું હતું તે ઘટીને બાર હજાર પર આવી ગયું. છેલ્લે - ત્રણ વર્ષ બાદ ત્યાંથી નીકળ્યો ત્યારે ગ્રુપમાં ગયો. ત્યાં ફક્ત ત્રણ જણા હાજર હતા. મિસ્ટર અૅન્ડ મિસેસ દાડમીયા તથા તેમનાં પુત્રી. ગ્રુપના હોદ્દેદારો પણ તેઓ જ હતા. બપોરના લંચ માટે તેમની સાથે તેમના નજીકનાં બે કે ત્રણ સગાં આવતા. ચાર-પાંચ મહિના બાદ તે સાવ બંધ પડી ગયું અને કાઉન્સીલે મકાન સીલ કર્યું. આજકાલ ત્યાં કોઇ સોશિયલ ક્લબ ચાલે છે. કોઇ વાચકને રસ હોય તો Google mapsમાં 186 Church Road, Brent, London ટાઇપ કરશો તો તેના કેવા હાલ છે તે જોઇ શકશો. એક વખત આ જ કેન્દ્ર અનેક પ્રવૃત્તિઓથી ધમધમતું હતું.

Thursday, July 7, 2011

સલાહ કેન્દ્ર: અંતની શરૂઆત

દિવાળીના કાર્યક્રમની સફળતા અમારી ટીમની સર્વશ્રેષ્ઠ સિદ્ધી હતી. કલ્પના, ભારતી, રાધાબેન તથા ઘાનાઇયન બહેન સેલીના બ્રાઉને અથાગ મહેનત કરી. અમારા કેન્દ્રના વડીલ સ્વયંસેવકોએ તો કમાલ કરી. કમભાગ્યે કોઇ ટીમની સફળતામાં શ્રેય ભલે “ટીમ”ને આપવામાં આવે, પણ નામ અને ઇનામ માટે કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું આવે. તેમણે ભલે એકાદ-બે કૅચ છોડ્યા હોય અને બૅટીંગમાં ખાસ દમ ન દેખાડ્યો હોય તોય વાહ વાહ તેમની થાય. સેન્ચુરી લગાવનાર સુરેશ રૈના જેવાનો ઉલ્લેખ એકાદ-બે લીટીમાં થઇ જાય. અમારે ત્યાં પણ કંઇક એવું જ થયું. મહેનત કરનારા અમારી ટીમની બહેનો અને ભાઇઓ, પણ લોકોમાં નામ થયું તેમના સાથીનું. “કૅપ્ટન" જીપ્સીને સહુ ઓળખતા થયા! સોશિયલ સર્વિસીઝ, જનતાને મફત કાનુની સલાહ આપતું અને તેમના કેસ કોર્ટમાં લડવાનું કામ કરનાર કમ્યુનીટી લૉ સેન્ટર, ઇમીગ્રેશન અંગેના કેસ લડનાર સ્વયંસેવક જુથ - એટલું જ નહિ, સ્થાનિક હાઉસીંગ એસોસીએશને તેને તેમના એશીયન ક્લાયન્ટ્સની જરૂરિયાતો માટે સલાહ આપવા વિનંતિ કરી. આમાંનું મુખ્ય હતું હાઉસીંગ એસોસીએશન. તેમણે સિનિયર સિટીઝન્સ માટે ૩૦ યુનિટ્સની શેલ્ટર્ડ હાઉસીંગ સ્કીમ બનાવી હતી, તેમાં આપણા વડીલો માટે કેવી વ્યવસ્થા થવી જોઇએ તે અંગે સલાહ માગી. સૌ પ્રથમ તો જીપ્સીએ તેમાંના પાંચ યુનિટ આપણા વડીલો માટે ફાળવવા વિનંતિ કરી. આ self-contained એક બેડરૂમ, હૉલ કિચન અને બાથરૂમના યુનિટ હતા. આ ફૅસીલિટીમાં કોને સ્થાન મળે તેનુ એસેસમેન્ટ અને ભલામણ કરવાની જવાબદારી અમારા ગ્રૂપને આપવામાં આવી, જે અનન્ય સફળતા ગણાય. આ એવી ફૅસીલીટી હતી, જ્યાં એક રેસીડેન્ટ વૉર્ડન માટે ફ્લૅટ હતો અને તે ચોવીસે કલાક ત્યાં હાજર હોય. ત્યાં રહેનાર લોકોના ફ્લૅટની દરેક રૂમમાં એલાર્મ ચેન હતી, જે ખેંચવાથી વૉર્ડનની અૉફિસ, ફ્લૅટ તથા કૉમનરૂમમાં રાખવામાં આવેલ ઇલેક્ટ્રોનીક બોર્ડમાં લાલ બત્તી થાય અને દર્શાવે કે ક્યા ફ્લૅટમાં એમર્જન્સી છે. અહીં દરરોજ બપોરે જેમણે માગણી કરી હોય તેમને એશિયન કિચનમાંથી ૬૦ પેન્સમાં બપોરનું ભોજન પહોંચાડવામાં આવે. જીપ્સીએ આ કામ એકહત્થુ ન રહે તે માટે મૅનેજમેન્ટ કમિટીના ત્રણ સભ્યોની કમિટી બને એવી રજુઆત કરી. પહેલી કમિટી હજી પણ યાદ છે: શ્રી. કંચનલાલ જોષી, ભાઇલાલભાઇ પટેલ અને દાડમીયા. અરજીઓ તથા તે અંગેના કાર્યનું સંયોજન અમારી ટીમના કો-ઓર્ડીનેટર કલ્પના પટેલ કરે. આ બધા મંડળોની મીટીંગમાં ભાગ લેવા તેમનો આગ્રહ રહેતો કે જીપ્સી જાય. તેનો આપણા એટલે ભારત-પાકિસ્તાનના લોકો સાથે સારો સંપર્ક હતો અને તેમની cultural જરૂરિયાતો પર આધારભૂત માહિતી તથા input આપી શકતો હતો. આથી તેનો અભિપ્રાય તેઓ હંમેશા માગતા. દાડમીયાજીને તે ન ગમ્યું. અમારી કાઉન્સીલમાં સત્તા પર લેબર પાર્ટી હતી. દાડમીયાએ અમારા મંડળના સભ્યોની વોટ-બૅંક બનાવી, તેથી પાર્ટીમાં તેમની ખ્યાતિ હતી. તેમણે આગ્રહ રાખ્યો કે જીપ્સીના સ્થાને તે જશે. જો કે અમુક સંસ્થાઓએ તેમની વિનંતિ ન માની. દાડમીયાએ તેને અંગત માનહાનિ માની અને જીપ્સી કોઇ પણ નવા કાર્યનો પ્રસ્તાવ મૂકે, તેમણે અમાન્ય કરવાનું શરૂ કર્યું. એક તો એવો રમુજી બનાવ થયો કે તેનું નિરાકરણ કરવામાં અમારો દમ નીકળી ગયો.
તે સમયે બ્રિટનમાં બેકારી વધી ગઇ હતી. સરકારે નવા અભિગમ હેઠળ અઠવાાડીયામાં વીસ કલાક વૉલન્ટરી સંસ્થામાં સેવા આપવા માગનાર વ્યક્તિને બેકારી ભત્થામાં અપાતી રકમમાં ૨૫ પાઉન્ડનો વધારો કરી અમારા જેવી સંસ્થાઓમાં કામ કરવા ઉત્તેજન આપ્યું. આની હેઠળ અમને એક ડ્રાઇવર, એક ક્લીનર તથા કિચન આસીસ્ટન્ટ મળ્યા. ક્લીનરનું કામ કરવા સરકારે એક અંગ્રેજ યુવાનને મોકલ્યા. અમે તેમને કામ બતાવતા હતા ત્યાં દાડમીયાએ અમને રોક્યા. “તમે કેવા માણસ છો? આ અંગ્રેજ છે, તેની પાસેથી ટૉઇલેટ સાફ કરવાનું કામ તમે લઇ જ કેમ શકો? આ લોકોએ આપણા પર રાજ કર્યું છે,એની તો શરમ રાખો! આવાં કામ તો કાળીયા (આ તેમનો શબ્દ હતો, જે મેં સુધારવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે ન સુધર્યા!) પાસેથી જ કરાવાય.” પછી પેલા ભાઇને કહે, “સર, યુ ડોન્ટ વર્ક ધીસ ઇન્ડીયન પ્લેસ. થૅંક યૂ અને ગુડ બાય!” આવી અંગ્રેજીમાં અને એવી વાણીમાં તેમણે આ અંગ્રેજને કહ્યું, તે ત્યાંથી નીકળી ગયો.
બીજા દિવસે જૉબ સેન્ટરના પ્રતિનિધિ અમને મળવા આવ્યા. “તમે અંગ્રેજો પ્રત્યે વર્ણભેદ દાખવી, અમે મોકલેલા ઉમેદવારને ક્લીનરની નોકરી ન આપી તે માટે તમારા પર discriminationની કાયદેસર કાર્યવાહી કેમ ન લેવી જોઇએ?” અમે તેમને સમજાવવા મહેનત કરી રહ્યા હતા ત્યાં દાડમીયા આવી પહોંચ્યા. અંગ્રેજને જોઇ તેમણે ધીમૈથી પૂછ્યું શી વાત છે. અમે તેમને પૂરી વાત કરી ત્યારે તેમણે નમ્રાતિનમ્ર અવાજે સરકારી અધિકારીને તેમની અૉફિસમાં આવવાનું કહ્યું. “આઇ અૅમ અૉથોરિટી. આય્ વિલ એક્સપ્લેન.” કહેવાય છે કે આવું જ એક વાક્ય "I am the State!" ફ્રાન્સના રાજા ચૌદમા લુઇએ કહ્યું હતું.
થોડી વારે પેલા ભાઇ ગયા. દાડમીયાએ હસીને કહ્યું, “અરે, વખત આવે ગધેડાને બાપ કે’વો પડે. અમે તેને પગે પડીને માફી માગી લીધી. તમારે હમજવું જોયેં કોની હાથે કેવો વેવાર કરવો પડે. તમને એવું કે ભણ્યાગણ્યા એટલે હંધુય આવડી ગ્યું. ભાઇ, એવું નથી હોતું. આખરે તો ઘલડાં જ ગાડાં હાંકે. હવેથી આવું કાંય હોય તો આ લીલારામની પાંહે આવા લોકોને મોકલી આપજો.”
જીપ્સીને હવે સમજાઇ ગયું કે સંસ્થાની હવે આવી બની છે. દાડમીયાની જોહુકમીથી કંટાળી ઘણા સભ્યો અમને છોડી કાઉન્સીલ દ્વારા ચલાવાતી સંસ્થાઓમાં જવા લાગ્યા. અમારા લંચન ક્લબમાં એક સમયે ૪૫થી ૫૦ લોકો આવતા ત્યાં હવે અર્ધાથી ઓછા આવવા લાગ્યા. એક દિવસ જીપ્સીએ લીલારામને વાત કરી કે સભ્ય સંખ્યા ઓછી થાય છે તે આપણા માટે સારૂં નથી. કાઉન્સીલ આપણને પૈસા આપે છે તેનો આધાર આપણે કેટલા વડીલોને ‘ડે-કૅર’ આપીએ છીએ તેના પર હોય છે.
“જ્યાં સુધી લેબર પાર્ટી સત્તા પર છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. વળી કેટલા લોકો આપડે ત્યાં આવે છે તેની ફંડીંગ સાથે શી લેવા દેવા?”
“કાકા, કાઉન્સીલના ડે સેન્ટરમાં જતી દર વ્યક્તિ દીઠ કાઉન્સીલને રોજનો ખર્ચ ૫૦-૬૦ પાઉન્ડ હોય છે. આપણને જે ફંડીંગ મળે છે, તેના હિસાબે દર વ્યક્તિ દીઠ કાઉન્સીલને ૧૫-૨૦ પાઉન્ડ રોજના થાય. આમ કાઉન્સીલના પૈસા બચે છે.”
“શું ગધેડાને તાવ આવે એવી વાત કરો છો? ખર્ચો તો એટલો જ આવે ને?”
“ના. ત્યાં નિયમ પ્રમાણે હાજરી આપનાર સભ્યોની સંખ્યાના આધારે નિયત કર્મચારીઓ રાખવા પડે. મૅનેજર, આસીસ્ટન્ટ મૅનેજર, નર્સ, ઉપરાંત ડે-કૅર વર્કર્સ. આપણે રાખીએ તેનાથી ચારગણા કર્મચારીઓ ત્યાં કામ કરે જ્યારે આપણે ત્યાં સ્વયંસેવકો હોય છે. તેમના કર્મચારીઓના પગારનું ધોરણ, પેન્શન કૉન્ટ્રીબ્યુશન...”
“ઇ બધું રે'વા દ્યો. તમે તમારૂં કામ કરો. અમે હંધુય સંભાળી લઇશું.”
જીપ્સીએ સંસ્થાના પ્રમુખને વાત કરી. તેમણે કહ્યું, “ આ દાડમીયો કોઇનું ક્યાં માને છે? હું તો અહીં સત્સંગ કરાવવા આવું છું. એ પતે એટલે હું તો છુટો. પછી ગ્રુપનું જે થવાનું હોય તે થાય,” કહી નિરાશાથી માથું હલાવી જતા રહ્યા. ભાઇલાલકાકા તથા કાન્તિકાકા અમારા મંડળના મૂળ સ્થાપક હતા. (વધુ આવતા અંકમાં)

Wednesday, July 6, 2011

સલાહ કેન્દ્ર (૩)

જીપ્સીના જૉબ ડિસ્ક્રીપ્શનમાં સંસ્થાના મૅનેજમેન્ટ સાથે મૅનેજમેન્ટ કમિટીને બંધારણ મુજબ કાર્ય કરવામાં સલાહ આપવાનું તથા તેમના facilitator તરીકે કામ કરવાનું હતું. બ્રિટનનો હવે તેને સારો એવો અનુભવ મળ્યો હતો. તેણે જોયું કે NGO સેક્ટરમાં કામ કરનારી કેટલીક સ્વયંસેવક સંસ્થાઓના મૅનેજર એટલા શક્તિશાળી થઇ ગયા હતા, તેમની મૅનેજમેન્ટ કમિટીઓ તેમના કહેવા પ્રમાણે જ ચાલે. અમારી સંસ્થામાં જીપ્સીએ પોતાનો ‘રોલ’ શરૂઆતથી જ સ્પષ્ટ કર્યો હતો અને નાણાંકીય બાબત, નવા કાર્યક્રમની યોજના વગેરે મૅનેજમેન્ટ કમિટી આગળ રજુ કરી, મંજુર કરાવી તેનો અમલ કરવાનું શરૂ કર્યું. આની અંતર્ગત દિવાળી માટે અમે સુંદર કાર્યક્રમ યોજ્યો. આખો દિવસ ચાલનારા કાર્યક્રમમાં અમે ભારતીય ઉપખંડ - ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા શ્રીલંકાના તથા વેસ્ટ ઇંડીઝના અગ્રણીઓને તેમની સંસ્કૃતી, સભ્યતા વિશે માહિતી આપવા ઉપરાંત તેમણે બ્રિટનના ઉત્કર્ષ માટે કરેલા યોગદાન વિશે વીસ-વીસ મિનીટના સેમિનાર અને પ્રેઝન્ટેશન કરવા નિમંત્રણ આપ્યું. તેમાં દેશ વિદેશના પરંપરાગત નૃત્યો, આયર્લન્ડના મૉરીસ ડાન્સર્સ આવ્યા. ખાસ વાત તો એ હતી કે ભારતની સંસ્કૃતિ તથા તેનો બ્રિટન પર પડેલ પ્રભાવ વિશે પ્રવચન આપવા અમે સ્કૂલ અૉફ એશીયન અૅન્ડ આફ્રીકન સ્ટડીઝના લેક્ચરર ડૉ. રૂપર્ટ સ્નેલને બોલાવ્યા. આનું ખાસ કારણ એ હતું કે આપણે આપણાં પોતાનાં બણગાં ફૂંકવાને બદલે તેમના જ પ્રતિનિધિ દ્વારા આપણા દેશના ઉત્સવની બાબતમાં objective ભાષણ અપાય તે વધુ સારૂં એવું લાગ્યું. ડૉ. સ્નેલ ભારતમાં દસ વર્ષ રહી વ્રજ ભાષા પર રિસર્ચ કરી આવ્યા હતા અને હિંદી અસ્ખલીત બોલી શકતા હતા. અંતે હતું આપણું પરંપરાગત ગુજરાતી થાળીનું ભોજન.
સમગ્ર કાર્યક્રમમાં અમે ધર્મ વિશેની ચર્ચાને સ્થાન આપ્યું નહોતું. આપણા માટે દિવાળી એક સાંસ્કૃતીક અને પારિવારીક ઉત્સવ હોય છે. તેમાં મોટાંઓને પગે પડવા જવાની પરંપરા હજી જળવાય છે તેનું અમે અહીં આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ભાગ લેવા અમે અમારા બરોમાંના ભારત-પાકિસ્તાનના સિનિયર સિટીઝન્સ ઉપરાંત બ્રિટીશ, વેસ્ટ ઇન્ડીયન, આયરીશ સિનિયર સિટીઝન્સના સભ્યો, કાઉન્સીલના સભ્યો તથા સોશીયલ સર્વિસીઝના અધિકારીઓને આમંત્રણ આપ્યાં. આમાં એક રમુજી બનાવ બની ગયો!
અંગ્રેજોના એક સિનિયર સિટીઝન્સ ગ્રુપનું સંચાલન એક બૅપ્ટીસ્ટ ચર્ચના પાદરી કરતા હતા. ‘દિવાળી સેલીબ્રેશન’ માટે પધારવાનું આમંત્રણ જોઇ તેઓ આખલો લાલ રંગ જોઇ ભડકે તેમ ધૂઆંપૂંઆ થઇ ગયા. “તમે લોકો દિવાળી દેવીની પૂજા કરવા માટે આ કાર્યક્રમ રાખ્યો છે તેમાં અમે અને અમારા સભ્યો ભાગ ન લઇ શકે. અમે કેવળ પિતા, પુત્ર તથા પવિત્ર આત્મા (Father, the Son and Holy Ghost)માં માનીએ છીએ. તમારી મૂર્તિપૂજા અમારા માટે નિષિદ્ધ છે વ.વ.” અમે તેમની ભૂલ સુધારીને જણાવ્યું કે આ સાંસ્કૃતીક કાર્યક્રમ હતો, અને તેઓ તેમના વૃધ્ધ સભ્યોને તેમાંથી વંચિત રાખવા માગતા હોય તો તે તેમની મુનસફીની વાત હતી. અમને દુ:ખ થયું હોય તો એક વાતનું કે તેમના ત્રીસ સભ્યો સ્વાદીષ્ટ ભોજનનો લહાવો ન લઇ શક્યા.
કાર્યક્રમ પૂરો થયા બાદ જીપ્સીને મળવા સોશિયલ સર્વિસીઝનાં એક વરીષ્ઠ કાર્યકર શુચિ ભટ્ટ આવ્યા. જીપ્સીને ખાસ અભિનંદન આપીને જતાં જતાં તેઓ કહેતા ગયા કે તેમની અૉફિસમાં એશિયન સ્પેશીયાલિસ્ટની જગ્યા લાંબા સમયથી યોગ્ય ઉમેદવાર ન મળવાને કારણે ખાલી છે. જીપ્સીને તેમાં રસ હોય તો તેમને જણાવે!
એક દિવસ અમને ખરાબ સમાચાર મળ્યા. કાન્તિકાકા અમીન, જેમણે મારી નીમણૂંકમાં મોટો ભાગ ભજવ્યો હતો, તેમને સ્ટ્રોક આવ્યો. પૅરેલીસીસને કારણે તેમનાથી ઘર બહાર નીકળી શકાય તેવું નહોતું તેથી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.
હવે ખાલી પડેલી તેમની જગ્યા માટે બે જણાએ આવેદન પત્ર ભર્યા. તેમાંના એક તો અમારી સંસ્થાના જુના કમ્યુનીટી ડેવેલપમેન્ટ અૉફિસર રામજીભાઇ હતા અને બીજા શ્રી. દાડમીયા. (આ તેમનું સાચું નામ નથી, પણ જો કોઇ વાચકના સગામાં આ નામના કોઇ સભ્ય હોય તો તેમની પહેલેથી જ ક્ષમા માગી લઉં છું.) જેમ આર્કિમીડીસે કહ્યું હતું કે જો તેમને યોગ્ય લંબાઇની pulley મળે તો પૃથ્વીને પણ ઉંચકી શકે. દાડમીયાને આવી કોઇ પૂલીની જરૂર ન પડે. ભારતના સદ્ભાગ્યે તેમનો જન્મ ઝામ્બીયામાં થયો હતો અને ત્યાં જ જન્મારો કાઢ્યો હતો. ભારત તેમની કરામતમાંથી બચી ગયું!
ઝામ્બીયામાં તેમણે એવા તે શા કાર્ય કર્યા કે સરકારે તેમને ડીપોર્ટ કર્યા. અમારા દુર્ભાગ્યે તેઓ બ્રિટીશ પ્રોટેક્ટેડ પર્સન હોવાથી લંડન આવ્યા. સેક્રેટરીના પદ માટે રામજીભાઇ યોગ્ય હતા. વ્યવસાયે નિવૃત્ત શિક્ષક, પ્રામાણીક અને સમાજમાં ઉંચી શાખ. દાડમીયાએ ચૂંટણી પહેલાં ગુપ્ત મેનીફેસ્ટો બહાર પાડ્યો: મને ચૂંટશો તો દરરોજ નાસ્તામાં ગાંઠીયા જલેબી આપીશ. સભ્યોને લીલાલહેર કરાવીશ. તે સમયે અમારી ભગિની સંસ્થામાં કમ્યુનીટી વર્કરની જગ્યા ભરવાની હતી, ત્યાં લીલારામે તેમના મૅનેજરને વચન આપ્યું કે જો સીલેક્શન બોર્ડમાં તેમને લેવામાં આવે તો તે જગ્યા પર તેમનાં પત્નિની નીમણૂંક કરવામાં મદદ કરશે. બદલામાં ચૂંટણીમાં કોઇ પણ હિસાબે રામજીભાઇ ચૂંટાવા ન જોઇએ. આ સિદ્ધ કરવા માટે અમારે ત્યાંની ચૂંટણીમાં રીટર્નીંગ અૉફિસર તરીકે તેમને નીમવામાં આવશે. પેલાં બહેનને કામ મળ્યું અને બદલામાં રીટર્નીંગ અૉફિસરે દાડમીયાનું કામ કર્યું. રામજીભાઇના આવેદનપત્રમાં તેમણે ટેક્નીકલ ક્ષતિ બતાવી રદ કર્યું. જીપ્સીએ તે સામે વાંધો લીધો તો તેને કહેવામાં આવ્યું કે ચૂંટણીની બાબતમાં ગ્રુપના કર્મચારીને બોલવાનો અધિકાર નથી, કારણ કે આ કામ માટે “નિષ્પક્ષ” રીટર્નીંગ અૉફિસરની નીમણૂંક થઇ હતી. ચૂંટણી અંગે કોઇ પણ નિર્ણય લેવાનો તેમને એકલાને જ અધિકાર હતો! દાડમીયાજી ચૂંટાઇ આવ્યા. દરરોજ ગાંઠીયા જલેબી આપવાનું વચન તેમણે એક અઠવાડીયું પાળ્યું, કારણ કે અમને મળતી ગ્રાન્ટમાં તેની જોગવાઇ નહોતી! પણ ત્યારથી અમારી સંસ્થાની અવનતી શરૂ થઇ ગઇ. આની વાત આગળ જતાં કરીશું.
અમારૂં સલાહ કેન્દ્ર ધમધોકાર ચાલતું હતું. આમાંનો આજે એક જ પ્રસંગ જણાવીશ.
એક દિવસ જીપ્સીનું નામ પૂછતાં એક બહેન તેમના ચાર વર્ષના પુત્રને લઇ આવ્યા. નામ રઝીયા. તેમના એક સગાં અમારી પાસે સિટીઝનશીપનું ફૉર્મ ભરાવવા આવ્યા હતા, તેમણે તેમને અમારી ભલામણ કરી હતી.બ્રિટનમાં જન્મ અને શિક્ષણ તેથી કુદરતી રીતે અંગ્રેજી સરસ બોલતા હતા. તેઓ કાઉન્સીલના ફ્લૅટમાં રહેતા હતા જ્યાં તેમને, તેમના પતિ તથા નાનકડા બાળકને વર્ણદ્વેષી લોકો અત્યંત ત્રાસ આપતા હતા. અમે કાઉન્સીલ પાસે રજુઆત કરી તેમને બીજું મકાન ન અપાવી શકીએ? અમે તેમનો કેસ ઉપાડી લીધો. અનેક પ્રયત્નો બાદ તેમને બીજો ફ્લૅટ મળ્યો. તેઓ ત્યાં રહેવા ગયા બાદ શુક્રીયા કહેવા જીપ્સીને મળવા આવ્યા. આ વખતે તેમના પતિ પણ સાથે હતા. વાત કરતાં સાશ્ચર્ય આનંદ થયો: ભાઇ અમદાવાદના હતા! બસ, ઘણી વાતો કરી, જુની ઓળખાણો નીકળી. મારી અટક સાંભળી તેમણે પૂછ્યું, “અમદાવાદ સિવિલ કોર્ટના જજ શ્રી.મધુકર બળવંતની અટક તમને મળતી આવે છે, તે તમારા શું થાય?”
તે મારા મોટા ભાઇ હતા.
“એમ? એ તો મારા વાલિદ સાહેબના ખાસ પરિચિત અને મિત્ર છે. મારા વાલિદ સાહેબ ગુજરાત બાર કાઉન્સીલના પ્રેસીડેન્ટ છે. તેઓ આવતા મહિને અહીં આવવાના છે. તમે દાવત પર જરૂર આવજો!”
તેઓ આવ્યા અને જીપ્સી તેમને મળવા ગયો. તે સમયે ગુજરાતમાં કોમી અશાંતિ ચાલતી હતી. ઘણાં લોકોને TADAમાં તથા સામુદાયીક દંગલમાં સહન કરવું પડ્યું હતું. વાત વાતમાં મેં તેમને પૂછ્યું, “વતનમાં આટલી તકલીફ ભોગવવી પડે છે, તો આપ બ્રિટન કાયમ માટે કેમ નથી આવતા? અહીં આપના પુત્ર છે, રઝીયા જેવી વહુ છે...”
“ક્યા બાત કરતે હો, ભાઇ? ભારત હમારા વતન હૈ, ઉસ મિટ્ટીમેં સદીયોંસે હમ લોગ પલે, આગે બઢે. ઐસી બાતેં તો હોતી રહેતી હૈ, વહ ભી કુછ સરફિરે misguided લોગોંકી વજહસે. નહિં ભાઇ, ઉન લોગોંકી વજહસે હમ હમારા વતન નહિં છોડ સકતે.”