Wednesday, July 6, 2011

જીપ્સીનું સલાહકેન્દ્ર (૨)

સલાહ કેન્દ્ર (૨)

અમારા સલાહ કેન્દ્રમાં એક ભાઇ આવ્યા. કપાળમાં ચાંદલો, માથા પર ગોલ્ફ કૅપ, વૂલન કોટ અને ગળામાં મફલર.
“મેં સપ્લીમેન્ટરી માટે ત્રણ વાર ક્લેમ કર્યો, પણ ત્રણે વાર સરકારે ના પાડી. હવે તમારી પાસે આશા લઇને આવ્યો છું.”
જીપ્સીએ કેસની વિગત અને પત્રવ્યવહાર માગ્યો. સરકારે ના પાડવાનું કારણ એક હતું: ભાઇ સ્વૉન્સી (વેલ્સ)થી આવ્યા હતા. ત્યાં પણ બેનીફીટ પર હતા. અહીં લંડન આવીને તેમણે મકાન વેચાતું લીધું હતું. આના માટે તેમની પાસે પૈસા ક્યાંથી આવ્યા તેની પૃચ્છા કરવામાં આવતાં તેઓ સંતોષકારક જવાબ નહોતા આપી શક્યા. અમે પણ તેમને એ જ કહ્યું. કાયદા પ્રમાણે કોઇની પાસે (તે સમયે) ૩૦૦૦ પાઉન્ડથી વધારે રકમ હોય તેમને બેનીફીટ ન મળે. ભાઇએ મકાન લેવા ડાઉન પેમેન્ટના ૧૫૦૦૦ પાઉન્ડ રોકડા આપ્યા હતા. આ ક્યાંથી આવ્યા એવી પૃચ્છા કરવામાં આવી હતી.
“આ પૈસા અમે અમારા સગાં વહાલાં અને મિત્રો પાસેથી ઉધાર લીધા હતા.”
અમે તેની પૂરી વિગત માગી, કોણે કેટલા પૈસા આપ્યા, તેમનાં નામ તથા સરનામાં માગ્યા, જેથી અમે ડીપાર્ટમેન્ટને તેની વિગત આપી શકીએ. ભાઇ આ વિગત લાવ્યા અને અમે તેમના ક્લેમના સપોર્ટમાં પત્ર મોકલી આપ્યો.
ડીપાર્ટમેન્ટે ખુલાસો મંજુર કર્યો અને ફરીથી ક્લેમ કરવા માટેનાં ફૉર્મ મોકલી આપ્યા. અમે ફૉર્મ ભરવા લાગ્યા. જ્યારે પ્રશ્ન આવ્યો “તમારી પાસે કોઇ પણ જાતની બીજી આવક છે?” તેમણે પહેલાં ના કહી. તેમના જવાબમાં અચકાટ જોઇ જીપ્સીને લાગ્યું ભાઇ કશુંક છુપાવી રહ્યા છે. ભારપૂર્વક પ્રશ્ન પૂછવાથી તેમણે કહ્યું, “આમ તો કશી આવક નથી, પણ અમારા ઘરમાં અમારા ગામથી વિઝા પર આવેલા ચાર ભાઇઓ રહે છે, ઇ બધા દર અઠવાડીયે પચીસ-પચીસ પાઉન્ડ આપે છે. અમે રસીદ-બસીદ નથી આપતા. ગામના છે એટલે અમે બજારભાવ કરતાં સાવ ઓછા પૈસા લઇએ છીએ. એમને પણ ફાયદો અને અમને પણ. હવે જેની રસીદ ન આપીએ તેને આવક થોડી ગણાય?”
“માફ કરશો, પણ આ આવકને કારણે તમને બેનીફીટ ન મળી શકે.”
“તમતમારે ઇમાં ના લખી દ્યો. સરકારને કહી દ્યો અમને કશી આવક નથી.”
“અમારાથી આવા ખોટાં ફૉર્મ ન ભરાય,” કહી અમે તેમને ‘આવજો’ કહ્યું.
બીજા દિવસે આ ભાઇની સાથે તેમનાં દિકરી આવ્યા. વેલ્શ accentમાં ફાંકડું અંગ્રેજી બોલી અમને ધમકાવવા લાગ્યા.”તમે અમને મદદ કરવા બંધાયા છો કારણ કે તમને તમારા પગાર માટે ગ્રાન્ટ મળે છે, તે અમે આપેલા ટૅક્સમાંથી આવે છે. તમે ના પડશો તો અમે કાઉન્સીલમાં ફરિયાદ કરીશું અને તમારી ગ્રાન્ટ બંધ કરાવી દઇશું. તમે નોકરી વગરના થઇ જશો!”
“તમે કાઉન્સીલમાં ફરિયાદ કરી શકો છો. અમે ગેરકાયદેસર કામ ન કરી શકીએ.” હવે ભાઇ વચ્ચે પડ્યા. “અરે, ભાઇ રે’વા દ્યોને! તમારાથી ન થતું હોય તો કંઇ વાંધો નહિ. અમે બીજા ગ્રુપમાં જઇને ત્યાં કરાવી લઇશું. એમના વર્કર અમારા જેવા કેસ માટે સો-બસો પાઉન્ડ લઇને કામ પતાવતા હોય છે. તમે મફત કરો છો તેથી તમારી પાસે આવ્યા. અમને શી ખબર કે તમે રાજા હરીશ્ચંદ્રના અવતાર છો?” કહી તેઓ ચાલ્યા ગયા.
એક મહિના બાદ તેમણે જણાવેલા ગ્રુપમાં જન્માષ્ટમીનું ફંક્શન હતું. તેમના ‘વર્કર’ના આગ્રહથી અમે ત્યાં ગયા ત્યારે જોયું કે અમારા ex-client ભજનમાં જોર જોરથી મંજીરા વગાડતા હતા. ભોજન સમારંભમાં આગ્રહથી સૌને પીરસતા હતા. જીપ્સી પાસે આવ્યા ત્યારે હસીને કહ્યું, “તમે તો ના પાડી, પણ આ પર્વતેશભાઇએ ફૉર્મ ભરીને પાસ પણ કરાવી દીધું. બસો પાઉન્ડ ગયા, પણ છ મહિનાથી અમને અઠવાડીયાના સો પાઉન્ડ મળવા લાગી ગયા છે...”

*
લગભગ આ સમયે ઇમીગ્રેશનના કાયદામાં હળવાશ આવી. સરકારે નૅચરલાઇઝેશનની કાર્યવાહી સરળ કરી, પણ ફી વધારીને દોઢસો પાઉન્ડની કરી. આનાં ફૉર્મ સાદાં હતા, પણ સિટીઝનશીપનો મામલો હોવાથી લોકો સૉલીસીટર પાસે જવા લાગ્યા. ત્યાં તેમની ફી લગભગ અઢીસોથી ત્રણસો પાઉન્ડની હતી. અમે હોમ અૉફીસને પત્ર લખી સો જેટલા ફૉર્મ મંગાવ્યા અને સલાહકેન્દ્રની બહાર મોટું બોર્ડ લગાડ્યું: “અહીં સિટીઝનશીપનાં ફૉર્મ મફત ભરી આપવામાં આવે છે.” શરૂઆતમાં ચાર-પાંચ લોકો આવ્યા. અમે તેમનાં ફૉર્મ ભર્યા અને કહ્યું, સરકારી ફીનો ચેક કે પોસ્ટલ અૉર્ડર આ ફૉર્મ સાથે બીડી, પોસ્ટઅૉફીસમાં જઇ રેકોર્ડેડ ડીલીવરીથી મોકલજો.”
“ભાઇ તમને ચેક આપીએ તો તમે તે ન મોકલી આપો?”
અમારે પૈસાને હાથ લગાડવો નહોતો. અમે ના પાડી. બસ, ચાર દિવસમાં તો અમારે ત્યાં લાઇન લાગી ગઇ. અમે, એટલે કલ્પના પટેલ, ભારતીબેન દવે અને જીપ્સી રોજનાં પંદરથી વીસ ફૉર્મ ભરીએ. અમારા બરોની બહારના લોકો પણ આવવા લાગ્યા. અહીં પૈસા લેવામાં આવતા નથી, તેની જાહેરાત લોકોએ જ કરી! અમે હોમ અૉફિસ પાસેથી વધારે ફૉર્મ મંગાવતા ગયા, અને ભરતા ગયા. ત્રણ મહિનામાં અમે હજારે’ક જેટલાં ફૉર્મ ભરી આપ્યા!
જો કે અમારા સાથી કેન્દ્ર્ના પર્વતેશભાઇ તેમની ‘અંગત’ સર્વિસની સ્પેશલ ફીના દર ફૉર્મ દીઠ અઢીસો પાઉન્ડ લેતા. ત્રણ મહિનામાં તમને સિટીઝનશીપ મેળવી આપવાની ગૅરન્ટી આપતા એવી વાત આવી. દર શુક્રવારે તેઓ અંગત સર્વિસ હેઠળ વીસે’ક જેટલી અરજીઓ લઇ ક્રૉયડનમાં આવેલી હોમ અૉફિસમાં જઇ જાતે ફૉર્મ આપતા. આમ પણ કોઇ અંગત ન જાય તો’ય બેથી ત્રણ મહિનામાં સિટીઝનશીપનાં સર્ટીફીકેટ આવી જતા તેથી તેમની ‘સ્પેશલ સર્વિસ’ કેવળ નામની હતી.
અમારી પાસે એક ભાઇ આવ્યા. “તમે આ સેવા મફત આપો છો એવી જાણ હોત તો અમે પર્વતેશ પાસે ન ગયા હોત. તેમણે મને સ્પેશલ ફીની રસીદ આપી છે. અમે કાઉન્સીલમાં ફરિયાદ કરવા જઇએ છીએ. તમે અમને મદદ ન કરી શકો?”
અમે ના કહી. કારણ સાદું હતું. અમારા NGO ક્ષેત્રમાં આપણા લોકો માટે કામ કરનારી સંસ્થાઓ સાવ ઓછી હતી. તેમાં પણ જો આવી ફરિયાદ જાય તો આપણી આખી કોમ બદનામ થઇ જાય. અમે અમારા ક્ષેત્રના આગેવાન ગણાતા મુશ્તાકભાઇ દ્વારા ગિરીરાજભાઇને સમજાવ્યા. તેમણે ફરિયાદી ભાઇને તેમના પૈસા પાછા આપ્યા અને રસીદ પાછી લીધી. ત્યાર પછી તેમણે રસીદ આપવાનું બંધ કર્યું, પણ સ્પેશલ સર્વિસ ચાલુ જ રહી. સાથે ફી પણ.

બ્રિટન આવેલા આપણામાંના ઘણા લોકો અંગ્રેજોને ગાળો આપતા. ‘અમારા દેશને exploit કરીને તેમણે લૂંટ્યો છે. તેમની પાસેથી આ લૂંટ પાછી મેળવવી આપણૌ હક્ક છે.” પરંતુ આપણાં જ ભાઇબહેનોને લૂંટવાનો અધિકાર તેમને કોણે આપ્યો હતો તે અમને કદી ન સમજાયું.

બીજી વાત અમને ન સમજાઇ તે હતી માન અકરામની. જાહેર સેવાના ક્ષેત્રમાં અખબારોના સંપાદકોથી માંડી ગિરીરાજભાઇ જેવા અનેક લોકોને મહારાણી પાસેથી ઇલ્કાબ લેવાની સ્પર્ધા રહેતી. લોકો પાસેથી સહીઓ એકઠી કરી MBE કે OBE (મેમ્બર અૉફ ધ બ્રિટીશ એમ્પાયર કે અૉર્ડર અૉફ ધ બ્રિટીશ એમ્પાયર) તેમને મળવો જોઇએ તેવી વિનંતિઓ જવા લાગી. સાચી લોકસેવા કરનારા નવનીત ધોળકીયા કે સ્વરાજ પૉલને લૉર્ડની પદવી અપાય તો અમને ઓછામાં ઓછો MBE તો મળવો જોઇએ ને? અમે પણ અઠવાડીયામાં એક વાર સત્સંગ યોજીએ છીએ! અમારી કદર થવી જોઇએ!
એક વાત સાચી કે મહારાણી આ ઇલ્કાબ લોકોએ કરેલી જનસેવાની કદર કરવા માટે આપે છે. મારા પરિચિત શંકર જોષીએ તેમના ખાતામાં ૩૦ વર્ષની નોકરી દરમિયાન કરેલા મહત્વપૂર્ણ કામ (જેમાં તેમણે લાખો પાઉન્ડની કરચોરી પકડવામાં મદદ કરી હતી) તે માટે MBE મળ્યો હતો. જો કે અમારા NGO ક્ષેત્રમાં મોટા ભાગના લોકો તેને status symbol ગણી તેની પાછળ આંધળી દોટ મૂકવા લાગ્યા. તેમને એ પણ યાદ ન રહ્યું કે ભારત સ્વતંત્ર થયા બાદ બધી વસાહતો સ્વતંત્ર થઇ. બ્રિટન પાસે ‘એમ્પાયર’ ન રહ્યું. આ લોકો ક્યા બ્રિટીશ એમ્પાયરના મેમ્બર, અૉર્ડર કે કમાંડર અૉફ બ્રિટીશ એમ્પાયરના માન અકરામની ખ્વાહેશ રાખતા હતા?
જીપ્સી એ અજ્ઞાન સૈનિક છે. આવી બાબતો તેને સમજાતી નથી. રાજકારણ તેનું ક્ષેત્ર નથી તેથી આવા પ્રશ્ન તેણે ન પૂછવા સારા માની પોતાના કામમાં લાગી જાય છે!

Tuesday, July 5, 2011

GYPSY'S DIARY: જીપ્સીનું સલાહ કેન્દ્ર (૧)

બ્રિટીશ સરકારની કાર્યપદ્ધતિમાં બીજા વિશ્વયુદ્ધ બાદ ઘણો ફેરફાર થયો હતો. મજુર સરકારે આપેલા ચૂંટણીના વાયદા પ્રમાણે આપેલા વેલ્ફેર સ્ટેટના વચનો રોટી-કપડા-મકાન તો ઠીક, પણ દાક્તરી સારવાર આપવાનું સુદ્ધાં તરત પાલન કર્યું. આ બધા કામ માટે પૈસા જોઇએ, તે માટે તેમણે National Insurance Scheme શરૂ કરી. આ પદ્ધતિ અનુસાર દેશમાં કામ કરનાર દરેક વ્યક્તિ પોતાના પગારમાંથી ૬% કૉન્ટ્રીબ્યુશન આપે અને એટલો જ ફાળો તેમના એમ્પ્લોયર આપે. આ ઉપરાંત આવક વેરો પણ આપવાનો. જેમની પાસે કામ ન હોય, તેમને અનએમ્પ્લોયમેન્ટ બેનીફીટ અૉફિસમાં દર અઠવાડીયે હાજરી આપી કામ મેળવવા માટે તેમણે શું કર્યું તે જણાવતાં તેમને તે અઠવાડીયાના કૉન્ટ્રીબ્યુશનની પૂરી ક્રેડીટ અપાય. બેકારીના સમયમાં તેમણે ભરેલા કૉન્ટ્રીબ્યુશન પ્રમાણે બેકારી ભત્થું મળે. જેમણે પૂરતા કૉન્ટ્રીબ્યુશન ન ભર્યા હોય તેમને પરિવારની સંખ્યા પ્રમાણે બાંધેલું ભત્થું - જેને સપ્લીમેન્ટરી બેનીફીટ કહેવાતો (આજકાલ તેને ઇંકમ સપોર્ટ કહે છે) તે મળે. આમ રોટીની વ્યવસ્થા થઇ. તેમને આપવામાં આવતા ભત્થામાં ભોજન ઉપરાંત કપડાં,બૂટ, ગૅસ, વિજળી વ.જેવી જરૂરિયાત પુરી કરવાની ગણત્રી કરવામાં આવી.
હવે વાત આવી મકાનની. સરકારે આની જવાબદારી સ્થાનિક મ્યુનીસીપાલિટીને સોંપી. ઘરબારવિહોણા (homeless) પરિવારને કાઉન્સીલે મકાન આપવું જોઇએ. તે પ્રમાણે હોમલેસ લોકોને કાઉન્સીલના મકાનમાં રહેઠાણની વ્યવસ્થા કરી આપવી જોઇએ. કાઉન્સીલ પાસે મકાન ખાલી ન હોય તો આવા પરિવારોને કાઉન્સીલના ખર્ચે હૉટેલ કે બેડ-અૅન્ડ-બ્રેકફાસ્ટમાં રાખે. સમય જતાં હૉટેલનો ખર્ચ વધી જતાં કાઉન્સીલે મકાન ભાડે રાખવાની શરૂઆત કરી. જે લોકો સપ્લીમેન્ટરી બેનીફીટ પર હોય અને તેમણે મકાન ભાડે રાખ્યું હોય તો કાઉન્સીલ તેમનું પૂરૂં ભાડું આપે. આને Housing Benefit કહેવાતો. આ વધારાનો ખર્ચ પૂરો કરવા સરકાર કાઉન્સીલને Rate Support Grant આપે, જે સરકારે વસુલ કરેલા ઇંકમ ટૅક્સમાંથી અપાય.

Cradle to Graveમાં પારણાંની વાત કરીએ તો બ્રિટનમાં કોઇ બાળકનો જન્મ થતાં તેની માતાને દર અઠવાડીયે child benefit હેઠળ નિયત ભત્થું આપવામાં આવે. બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી તેના પાલનપોષણ માટે આ વધારાનું અઠવાડીક ભથ્થું અપાય. આ ‘યુનિવર્સલ‘ ભત્થું હતું તેથી બિલ ગેટ્સ જેવા ધનાઢ્ય પરિવારને સુદ્ધાં બાળક દીઠ પૈસા અપાય. 'Grave'ની વાત કરીએ તો અંત્યવિધિ માટે ઇંકમ સપોર્ટ પર હોય એવી વ્યક્તિનું અવસાન થાય તો તેના માટે સરકાર સાદા funeral માટે નિયત lump sum રકમ આપે.
કાઉન્સીલ પર શિક્ષણ તથા હાઉસીંગની જવાબદારી સોંપવામાં આવી હતી, જેની અંતર્ગત બારમી સુધીનું શિક્ષણ તથા બધી ટેક્સ્ટબૂક કાઉન્સીલ તરફથી મફત. બપોરનું ભોજન, સ્કૂલ યુનિફૉર્મ તથા બાળક માટેના બૂટ પરિવારની આવકને ધ્યાનમાં લઇ મફત અપાય.
આપણા લોકોમાં આ વાત મોડે મોડે કેમ ન હોય, સમજમાં આવવા લાગી! અમારા મફત સલાહ કેન્દ્રની વાત આખા બરોમાં ફેલાઇ ગઇ. અમારા કેન્દ્રમાં દર મહિને સો-દોઢસો વ્યક્તિઓ આવવા લાગી. આમાંના કેટલાક નમૂના:

વેમ્બલીથી સૂટ અને ટાયમાં સજ્જ એક પ્રતિષ્ઠીત લાગતા વૃદ્ધ સજ્જન આવ્યા. તેમને હાઉસીંગ બેનીફીટનું ફૉર્મ ભરવું હતું. અંગ્રેજીમાં આ સીધું સાદું ફૉર્મ હતું. તેઓ દર અઠવાડીયે ૫૦ પાઉન્ડ ભાડું ભરતા હતા. ૧૯૮૩માં આટલું ભાડું મોંઘુ ગણાતું. એક મકાનમાં તેમણે રૂમ ભાડે રાખી હતી. સાથે નાનકડી પૅન્ટ્રી હતી તેથી ભાડું વધારે હતું એવું તેમનું કહેવું હતું.
ફૉર્મ ભરી આપ્યા બાદ તેમણે Thanks કહ્યા, અને ઊઠતાં પહેલાં બે વાતો કહી તે સાંભળી જીપ્સી હેરત પામી ગયો.
“કોઇને કહેતા નહિ, પણ આ તો મારા દિકરાનું જ ઘર છે. ઘર લેવા પૈસા મેં જ તેને આપ્યા હતા. કાઉન્સીલવાળા જોવા આવે તો તેમને બતાવવા નાનકડી પૅન્ટ્રી બનાવી છે. બાકી ખાવા-પીવાનું સાથે જ હોય, હોં કે! આમ તો હું ગ્રૅજ્યુએટ છું, પણ આવા લાંબા-લાંબા ફૉર્મ ભરવાનો કંટાળો આવે તેથી તમારી પાસે આવ્યો. બસનો પાસ મફત છે, ફક્ત એક કલાક આવવા જવામાં વેસ્ટ કરવો પડે એટલી તકલીફ વેઠવી પડે.
“માફ કરશો, પણ તમે આવો ખોટો ક્લેમ કરીને ગુનો નથી કરતા?”
“અરે જવા દો ને ભલા માણસ! આ અંગ્રેજોએ આપણા દેશને લૂંટ્યો છે. હવે આપણો વારો છે! હા થોડું’ક ખોટું થઇ જાય, પણ તેમાંથી છૂટકારાનો માર્ગ કાઢ્યો છે. આપણે મુંબઇના જુહુમાં આવેલા હરેકૃષ્ણના મંદીરને દર વર્ષે બસો-અઢીસો પાઉન્ડનું દાન કરીએ છીએ. આના બે ફાયદા છે. એક તો જ્યારે ત્યાં જઇએ, તો આ દાનના હિસાબે તેમના ગેસ્ટહાઉસમાં મફત રહેવા મળે, અને બીજું, પાપ ધોવાઇ જાય.”
“કાકા, એક વિનંતિ કરૂં? તમારૂં ફૉર્મ ભરીને મારાથી પાપ થઇ ગયું છે. તો ફરી હવે મારી પાસેથી આવું પાપ કરાવવા ન આવશો.”
“અરે, કશો વાંધો નહિ. તમારા જેવા બીજા ઘણા સેન્ટર છે. કોઇ ન ભરે, તો મને ક્યાં નથી આવડતું?”
*******
એક દિવસ જાજ્વલ્યમાન બહેન આવ્યા. સાવ સાદી સાડી, આભુષણમાં નાનકડો ચાંદલો અને ગળામાં મંગળસૂત્ર. ભયંકર ઠંડી પડી હોવા છતાં તેમણે પાતળું કાર્ડીગન પહેર્યું હતું, જ્યારે જાડા ગરમ કોટ સિવાય બીજું કોઇ બહાર નીકળી શકે નહિ. તેમને તેમનાં બાળકો માટે શિક્ષણ ખાતા તરફથી અપાતા યુનિફૉર્મ તથા મળી શકે તો ઓવરકોટ માટે અરજી કરવી હતી.
“ભાઇ, મારી અને મારા પતિની નોકરી ચાલી ગઇ છે. નહિ તો અમે પોતે ખરીદી લીધા હોત. અમારા પાડોશીએ કહ્યું કે શાળા તરફથી આ મળી શકે તેથી આવ્યા છીએ. બીજું તમે અમારા માટે નોકરી ન શોધી શકો? આ બાબતમાં અમારે શું કરવું જોઇએ તેની તમે અમને સલાહ આપો તેવું અમે કરીશું ”

અમારા કો-ઓર્ડીનેટર બહેને શિક્ષણ ખાતા પર પત્ર ટાઇપ કરી આપ્યો ત્યાં સુધીમાં મેં બહેન સાથે વાત કરી. આ બહેન તથા તેમના પતિની નૅશનલ ઇન્સ્યુરન્સના કૉન્ટ્રીબ્યુશનમાં પૂરતી ક્રેડીટ ન હોવાથી તેમને અનએમ્પ્લૉયમેન્ટ બેનીફીટ મળી શકે નહિ, પણ સપ્લીમેન્ટરી બેનીફીટ જરૂર મળે. અમારા વિસ્તારમાં WRVS (વીમેન્સ રૉયલ વૉલન્ટીયર્સ સોસાયટી)ની ચૅરિટી શૉપ હતી. ત્યાં શ્રીમંત પરિવારોએ એકાદ બે વાર વાપરેલા કપડાં સોસાયટીને દાનમાં આપેલા ડીઝાઇનર લેબલના ગરમ કપડાં રાખવામાં આવતા. આ કપડાં તેઓ નજીવી કિંમતે વેચે અને આવેલા પૈસા પાછા દાનમાં આપે. અમારા જેવા સલાહ કેન્દ્રની ભલામણથી જરૂરતમંદ પરિવારોને તેઓ આ પોશાક મફત આપતા.
“બહેન, નોકરી માટે અમારી પાસે નોટીફીકેશન નથી આવતા. આ માટે જૉબ સેન્ટરમાં જવાની સલાહ આપીશ. જો તે માટેનાં ફૉર્મ ભરવા પડે તો તે અમે ભરી આપીશું. જો કે તમને સપ્લીમેન્ટરી બેનીફીટ મળીશ શકશે જેથી તમને નોકરી મળે ત્યાં સુધી તમારી તાત્કાલીક જરૂરિયાતોનું નિરાકરણ થઇ જશે. તે માટેનાં અમારી પાસે ફૉર્મ છે. તમે કહો તો અમે ભરી આપીએ.”
“ના ભાઇ. અમે દાન આપનારા પરિવારમાંથી આવીએ છીએ. સપ્લીમેન્ટરીમાંથી કે તમે કહી તે સંસ્થામાંથી દાન લઇએ તો અમારૂં કૂળ લાજે. અમને તે ન ખપે.”
જીપ્સીએ તેમને સમજાવ્યું કે WRVSની વાત તો સમજમાં આવી, પણ સપ્લીમેન્ટરી બેનીફીટ દાન નહોતું. આના માટે દેશના સઘળા નાગરિકોને નૅશનલ ઇન્સ્યોરન્સ ભરવો પડે છે. આ તો એવી વાત થઇ કે કોઇ જણસ માટે આપણે પૈસા ભરીએ અને તે લેવાનો સમય આવે તો તે લેવા માટે ના પાડવા જેવું હતું. પણ તે બહેન માન્યા નહિ. શિક્ષણ ખાતા માટે લખેલો પત્ર લઇ તે જતા રહ્યા.
અમારે ત્યાં શિરસ્તો હતો કે કોઇ અમારે ત્યાં આવે તો તેમનું નામ અને સરનામું રજીસ્ટરમાં નોંધીએ. આ બહેનનું નામ: હંસાબા સરવૈયા (તેમની સાચી ઓળખ છુપાવવા નામમાં સહેજ ફેરફાર કર્યો છે.)

Sunday, July 3, 2011

GYPSY'S DIARY - જીપ્સીની 'ઇન્ટરફીન્ટર' સર્વિસ

માણસને તરતાં આવડતું હોય કે ન હોય, પાણીમાં ઝંપલાવ્યા બાદ એક વાર તો તે સપાટી પર આવી જાય છે. ત્યાર પછી હાથ પગ પછાડી તરતા રહેવા માટે પ્રયત્ન તેમણે જ કરવા પડે છે. નવમા ધોરણમાં હતો ત્યારે અમને એક પાઠ હતો મહારથી કર્ણનો. રાજપુત્રોની સામે ધનુર્વિદ્યાની હરિફાઇમાં આવ્યો ત્યારે તેને પૂછવામાં આવ્યું, તે કયા કૂળનો છે. તેણે જે જવાબ આપ્યો તે ‘જીપ્સી’ને કાયમ માટે યાદ રહી ગયું.

“दैवायत्तं कूले जन्मम् मदायत्तं तु पौरूषम्।” (કયા કૂળમાં જન્મ આપવો એ નસીબને આધિન છે; પરંતુ પુરૂષાર્થ મારે આધિન છે.)

સરકારી નોકરીમાં આશા હતી કે કર્તુત્વશક્તિને આધારે બે વર્ષમાં બ્રિટનની સિવિલ સર્વિસમાં તેમણે જ જણાવેલા પદોન્નતિના નિયમ મુજબ પ્રથમ વર્ગના અફસર - EO (એક્ઝેક્યટીવ અૉફિસર) બની શકાશે. વળી ખાતા તરફથી પ્રસિદ્ધ થતા અંગ્રેજી ત્રિમાસીકમાં જીપ્સીના અંગ્રેજી લેખ પ્રસિદ્ધ થતા હતા અને વખણાતા હતા. એક વર્ષ બાદ થયેલા Job Appraisal Reviewમાં જીપ્સીના કામની સિનિયર એક્ઝેક્યુટીવ અૉફિસરે ઘણી સરાહના કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એક વર્ષ બાદ ઉપરની જગ્યા માટે ચાન્સીઝ કેવા છે ત્યારે તેમણે કહ્યું, “જો નારન, તને ખોટા ખ્યાલમાં નહિ રહેવા દઉં. સાત-આઠ વર્ષની સર્વિસ પહેલાં એક્ઝેક્યુટીવના પ્રમોશનનો વિચાર વ્યર્થ છે.“ (Narenનો ઉચ્ચાર તેઓ ‘નારન’ કરતા. તેમનું જોઇ મારી ગુજરાતી સાથી બહેનો મને માનથી ‘નારણભાઇ’ કહીને બોલાવતી!) સિવિલ સર્વિસમાં મળતા પ્રમોશન અંગે અમારા એક દૂરના સગા EOના પદ પર હતા તેમને વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તેમને ૧૫ વર્ષની સર્વિસ બાદ આ સ્થાન પર પ્રમોશન મળ્યું હતું.

જીપ્સીની ઉમર ૪૮ થવા આવી હતી. પદ અને વેતનની વૃદ્ધી માટે તે આટલી રાહ જોવા તૈયાર નહોતો. તેણે બીજી નોકરી શોધવાની શરૂઆત કરી. અંતે તેને સ્થાનિક કાઉન્સિલ દ્વારા અપાતા ફંડીંગથી ચાલતી એક NGO સંસ્થામાં સિનિયર અૉફિસર ગ્રેડ ૧માં કમ્યુનિટી ડેવેલપમેન્ટ અૉફિસરની નોકરી મળી. આ સંસ્થા ભારતીય ઉપખંડમાંથી આવતા સિનિયર સિટીઝન્સ માટે ચાલતા એક ડે-કેર સેન્ટરના મૅનેજરનું કામ સંભાળવા ઉપરાંત આપણા સમાજના વૃદ્ધજનો માટે કાઉન્સિલ તરફથી મળતી સેવાની તેમને માહિતી આપી તેમના વતિ કાઉન્સિલના સમાજ સેવા વિભાગ સાથે liaison તથા coordination કરવાનું હતું. સંસ્થાના જનરલ સેક્રેટરી (સ્વ.) શ્રી. કાન્તિભાઇ અમીન હતા. તે સમયે બ્રિટનમાં ચાલતી આપણી ગુજરાતી સંસ્થાઓના જનરલ સેક્રેટરી તેમની સંસ્થાને યુનાઇટેડ નેશન્સની સમકક્ષ નહોતા ગણતા અને પોતાના પદને 'જનરલ સેક્રેટરી' જણાવી સંતોષ માનતા હતા. કાન્તિકાકા કેન્યાની સિવિલ સર્વિસમાં ઊંચા પદ પર બાહોશ અફસર તરીકે પ્રખ્યાત હતા. રિટાયરમેન્ટ બાદ બ્રિટનમાં તેમણે આપણા સમાજ માટે ઘણું કામ કર્યું. તેમના અથાગ પરિશ્રમને કારણે તથા ડિપાર્ટમેન્ટ અૉફ ઇન્વાયર્નમેન્ટ સમક્ષ તેમણે કરેલા પ્રેઝન્ટેશનથી પ્રભાવિત થઇ બ્રિટનની સરકારે સંસ્થાને મકાન લેવા માટે ૧૯૮૩માં એક લાખ પાઉન્ડ આપ્યા હતા. તેમના પ્રયત્નથી મકાન લેવાયું, સભ્યોના ઉપયોગ માટે તેમાં કરવા જોઇતા adaptations કરાવવાની શરૂઆત કરી અને લગ્ન પ્રસંગે ભારત ગયા. સંસ્થાની કાર્યપ્રવૃત્તિ તેમણે કરેલા પ્રેઝન્ટેશન પ્રમાણે થાય છે કે નહિ તે જોવા માટે સરકારના મિનિસ્ટર સર જૉન યંગ આવ્યા. અમે સૌએ મળીને તે દિવસનો કાર્યક્રમ એવી રીતે યોજ્યો, સર જૉન ઘણા જ પ્રભાવિત થયા અને તે પ્રમાણે તેમણે પત્ર લખીને જણાવ્યું પણ ખરૂં.
અહીં એક મજાની વાત કહીએ. સર જૉન યંગ માર્ગરેટ થૅચરની સરકારમાં કૅબીનેટના મિનિસ્ટર અૉફ સ્ટેટ હતા. આપણે તો બાપુ ભારતની પરંપરા મુજબ તેને VVIP ગણી સ્થાનિક હાર્લસ્ડન પોલિસ સ્ટેશનમાં ખબર કરી પોલિસ વ્યવસ્થા કરવા ફોન કર્યો.
“અમે આવી કોઇ વ્યવસ્થા નથી કરતા. આમ તો સર જૉને આપણી કાઉન્સિલમાં ત્રણ દિવસથી ઘણી સંસ્થાઓની મુલાકાત લીધી, પણ પોલિસ બંદોબસ્તની વિનંતિ કરનારા તમે પહેલા જ નીકળ્યા!”
સર જૉન આવ્યાત્યારે ન તો તેમની આગળ કોઇ ‘આઉટરાઇડર્સ’ હતા, ન કોઇ એસ્કોર્ટ. એક સાદી સરકારી મોટરમાં આવ્યા, અને તેમની સાથે કેવળ તેમના સેક્રેટરી હતા. તેમના ડ્રાઇવરે નજીકમાં પાર્કીંગ ન હોવાથી દૂર જઇ ગાડી પાર્ક કરી. આપણા દેશમાં આવું થઇ શકે? વર્ષો પહેલાં દુકાળની સ્થિતિનું નિરીક્ષણ કરવા બનાસકાંઠામાં ભારત સરકારના મિનિસ્ટર અૉફ સ્ટેટ શ્રી. કે.સી. પંત આવ્યા હતા. ડીસાની અૅર સ્ટ્રીપ પર SRPની સો જવાનોની કંપની, બનાસકાંઠાના ડીએસપી, કલેક્ટર અને BSF તરફથી જીપ્સી, તેના સાથી અફસર અને અમારા જવાનોની એક પ્લૅટૂનને ત્યાં સિક્યોરિટી માટે હાજર રહેવાનો હુકમ ઠેઠ દિલ્હીથી આવ્યો હતો. કહેવાય છે કે સ્વીડનના વડાપ્રધાન ખાનગી કામ માટે નીકળે તો પોતાની કાર પોતે ચલાવીને લઇ જાય છે. ન કોઇ સિક્યુરિટી, ન કોઇ આડંબર.
સર જૉનની મુલાકત પતી ગઇ અને જીપ્સીનું કામ શરૂ થયું. તેણે જોયું કે સંસ્થામાં ત્રણ મુખ્ય પ્રવૃત્તિઓ ચાલતી હતી. ‘ડે કૅર’ માટે ભેગા થતા વડીલો પત્તાં, કૅરમ રમે અથવા ત્યાં મંગાવાતા અખબાર અને સામયીકો વંાચે. બીજી મહત્વની પ્રવૃત્તિ ઇંદુબહેન પટેલ નામના બહેને બપોરના ભોજનની શરૂ કરી હતી. આમ તો કાઉન્સિલની જવાબદારી હતી કે જે વૃદ્ધો તેમની શારીરિક હાલતને કારણે રસોઇ ન બનાવી શકે તેમને ઘેર ભોજન મોકલવામાં આવે. જેઓ એકલા રહેતા હોય, તેમને ડે કેર સેન્ટરના ‘લંચ ક્લબ’માં તૈયાર ભોજન નજીવી કિંમતે પૂરૂં પાડવામાં આવે.
ભારતીય વડીલો માટે દેશી ભોજન રાંધવાની કાઉન્સિલના મુખ્ય રસોડામાં કોઇ સુવિધા નહોતી. ઇંદુબહેને સંસ્થાના કો-ઓર્ડીનેટર કલ્પના પટેલની સાથે એશિયન એલ્ડર્સ ગ્રુપના કિચનમાં રસોઇ કરવાની જવાબદારી ઉપાડી લીધી. કાઉન્સિલે વાસણ તથા જોઇતી બધી સાધનસામગ્રી આપી. કિચન શરૂ થયું અને રોજ બપોરે દાળ-ભાત શાક રોટલીનું ભોજન તથા બપોરની ચ્હા ફક્ત ૬૦ પેન્સમાં આપવાનું શરૂ થયું. ત્રીજી પ્રવૃત્તિ દર ઉનાળામાં બે કે ત્રણ ડે-ટ્રીપ માટે બ્રાઇટન, બ્લૅકપૂલ વ. જેવી જગ્યાએ સહુ સભ્યોને ફક્ત બે પાઉન્ડની ફી લઇને ફરવા લઇ જવાની હતી.
હવે જીપ્સીએ નવી પ્રવૃત્તિઓ શરૂ કરી. સૌથી મહત્વની હતી સલાહ-કેન્દ્ર સ્થાપવાની. બ્રિટન વેલ્ફૅર સ્ટેટ છે, જેમાં રાજ્ય સઘળા નાગરિકોની cradle to grave સુધીની બધી જવાબદારી ઉઠાવી લે છે. ફક્ત પોતાના હક્કના બેનિફીટની માગણી નાગરિકે પોતે કરવાની રહે છે. મોટા ભાગના આપણા વડીલોને અંગ્રેજી આવડતું ન હોવાને કારણે તેઓ જાણતા નહોતા કે તેમને શું શું મળી શકે છે. ક્યાંકથી તેમને જાણવા મળે કે અમુક જાતનો બેનિફીટ તેમને મળી શકે છે, તો તે માટે ભરવા પડતા ફૉર્મ અંગ્રેજીમાં હોવાથી તેઓ તે ભરી શકતા નહોતા.
બ્રિટનમાં દેશભરમાં Citizens’ Advice Bureau નામથી પ્રસિદ્ધ NGO ક્ષેત્રમાં સલાહકેન્દ્રો ચાલે છે. તે સમયે તેમની પાસે આપણી ભાષા બોલનારા કાર્યકરો નહોતા તેથી ત્યાં પણ આપણો નિભાવ નહોતો થતો. મોટા ભાગના નાણાંકીય બેનિફીટ સરકારના (તે સમયે ઓળખાતા) DHSS તરફથી મળે. આ ખાતામાં જીપ્સીએ કામ કરેલું હોવાથી ત્યાંની કાર્યપ્રણાલીથી તે વાકેફ હતો. ત્યાં આપણા દેશના કર્મચારીઓ કામ કરતા હતા, પણ... જવા દો. ત્યાંથી નિરાશ થઇને પાછા આવેલા અમારા client દેવયાની બહેનના કહેવા પ્રમાણે “ઇ તો ઇન્ટરફીન્ટર લાવવાનું કહે છે, ઇ ક્યાંથી લાવીએ?”
આપણા લોકોની આ દિશામાં તાતી જરૂર હોઇ જીપ્સીએ એલ્ડર્સ ગ્રૂપમાં સલાહ કેન્દ્ર શરૂ કર્યું. બીજી સેવા શરૂ કરી તે વિનામૂલ્યે ઇન્ટરપ્રીટર આપવાની. જરૂર પડે તો સરકારી ખાતામાં ‘ઇન્ટરફીન્ટર’નું કામ કરવા ક્લાયન્ટને લઇ જવાનું કામ જીપ્સીએ શરૂ કર્યું. અહીં કલ્પના પટેલે બહુમૂલ્ય સાથ આપ્યો.
સલાહ કેન્દ્રનું કામ સહેલું નહોતું. આના માટે સરકાર તરફથી કેટલી જાતના બેનિફીટ અપાય છે, તે લેવા માટે eligiility criteria તથા તે અંગેના જરૂરી કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. કેન્દ્ર શરૂ થયું. સોશિયલ સર્વિસીઝની સ્થાનિક અૉફિસ તરફથી referrals અંગે વિનંતિ આવવા લાગી. અમારૂં કેન્દ્ર (અમારા વિસ્તારમાં યુગાંડા તથા કેન્યાથી આવેલા લોકોની ભાષામાં) બુઢિયાઓ માટે હતું, પણ કચ્છથી આવેલાં ફૅક્ટરીમાં કામ કરનાર યુવાન ભાઇ બહેનો અમારા સલાહ કેન્દ્રમાં આવવા લાગ્યા.
એક વસ્તુ જીપ્સીની નજરમાં આવી કે પાકિસ્તાનથી આવેલા બ્રિટનના નાગરિકો અમારી સેવાનો લાભ નહોતા લેતા. આ દિશામાં અમે ખાસ પ્રયત્ન કર્યો અને સલાહ કેન્દ્રનો લાભ લેવા તેઓ આવવા લાગ્યા. જીપ્સીને ઉર્દુ તથા પંજાબી સારી રીતે બોલતા આવડતી હોવાથી તેમના 'ઇન્ટરફીન્ટર'નું પણ કામ શરૂ કર્યું.
આવતા અંકમાં સલાહ કેન્દ્રના કેટલાક રસપ્રદ અનુભવો જીપ્સી પ્રસ્તુત કરશે.

Thursday, June 30, 2011

GYPSY'S DIARY: આખરી 'બાય-લાઇન'

અમારા સાપ્તાહિકના દિવાળી અંક માટે લખાયેલ લેખનું સંક્ષિપ્ત રૂપાંતર અહીં રજુ કરૂં છું.

‘શહાદતની પરંપરા’ લેખક શ્રી. નરેન્દ્ર...

૧૯૭૧ના નવેમ્બરની ૨૯ કે ૩૦ તારીખ હતી. હું હેડક્વાર્ટર્સમાં અૅજુટન્ટ (કમાંડીંગ અૉફિસરના સ્ટાફ અૉફિસર)ની ડ્યુટી બજાવી રહ્યો હતો. ઠંડીને કારણે મારૂં ટેબલ તડકામાં રાખીને બેઠો હતો એટલામાં એક પડછંદ હવાલદાર મારી પાસે અાવ્યો અને સૅલ્યૂટ કરી. આ માણસની કવાયત અને સફેદ દાઢીમૂછ જોઇ હું અંજાઇ ગયો.

“બત્રીસ-ઓગણપચાસ, હવાલદાર મહેરસિંહ સીઓ સાહબકો મિલને આાયા હૈ, જનાબ.” પંજાબ પોલીસમાં હજી પણ જુની પદ્ધતિ પ્રમાણે ‘સાહેબ’ને બદલે ‘જનાબ’ સંબોધવાની પ્રથા ચાલુ છે. આગંતુકે પોતાનો નંબર, પદ, નામ અને કામ એક વાક્યમાં જ જણાવ્યા! આ વાત થતી હતી ત્યાં સીઓ સાહેબ ત્યાં આવી પહોંચ્યા.
“કેમ મહેરસિંહ, કેમ છો?” તેમણે પૂછ્યું.
“આપની દુઆથી ઠીક છું. મારા બાપુને ઘણા વખતથી મળ્યો નથી. ત્રણ દિવસની રજા જોઇએ છે. એટલા માટે આપની સામે પેશ થવા આવ્યો છું.”
“તું પાંચમી તારીખથી રજા પર જાય તો કેવું? તારો પ્લૅટુન કમાંડર ત્યા સુધીમાં રજા પરથી પાછો આવી જશે. તને રિલીવ કરે કે રજા પર નીકળી જજે.”
“બહુત અચ્છા જનાબ,” કહી, સૅલ્યૂટ કરી મહેરસિંહ અબાઉટ ટર્ન કરી નીકળી ગયો.
આ હતી મહેરસિંહ સાથેની મારી પહેલી અને છેલ્લી મુલાકાત.
*****

ડીસેમ્બરની ચાર તારીખની સાંજે પાકિસ્તાનના જેટ વિમાનોએ અમૃતસરના રાજાસાંસીના આપણા વિમાનદળના બેઝ પર હુમલો કર્યો. રાતના સાડા દસના સુમારે અમારા હેડક્વાર્ટરના વાયરલેસ સેટ્સમાં જાણે ભૂત ભરાયું હોય તેમ અમારી સાત ચોકીઓ પરથી એકી સામટા રેડીયો-સંદેશથી ધૂણવા લાગ્યા.
“હૅલો, આલ્ફા, અમારી ચોકી પર દુશ્મનની તોપોનું બૉમ્બાર્ડમેન્ટ શરૂ થઇ ગયું છે.” ‘આલ્ફા’ અમારી વાયરલેસની ‘કૉલસાઇન’ હતી.
દુશ્મને હવાઇ હુમલા પછી તેના ભુમીદળ દ્વારા હુમલો શરૂ કર્યો હતો. જુદી જુદી ચોકીના કમાંડરોના વાયરલેસ ટેલીફોનીના સંદેશાઓમાં એક અવાજ સ્પષ્ટ રીતે જુદો તરી આવતો હતો.
“ડેલ્ટા-થ્રી, અમારા પર ભારે શેલીંગ થઇ રહ્યું છે, પણ પરિસ્થિતિ કાબુમાં છે. ચિંતાનું કોઇ કારણ નથી. ઓવર” આ કૉલસાઇન અમારી બુર્જ ચોકીની હતી અને અવાજ હતો મહેરસિંહનો. એકાદ કલાકની બૉમ્બ વર્ષા બાદ સોપો પડી ગયો. ત્રણ-ચાર મિનીટ બાદ ડેલ્ટા-થ્રીનો વાયરલેસ ફરી શરૂ થયો.
“ચોકી પર દુશ્મનના પાયદળની બે કંપનીઓએ અૅટક શરૂ કર્યો છે. અમે જવાબી કાર્યવાહી કરી રહ્યા છીએ. સબકુછ ઠીક હૈ. પૂરો રીપોર્ટ બાદમાં આપીશ, ઓવર.”
અમારા સીઓ તથા અમને સૌને મહેરસિંહની ચિંતા થઇ, કારણ કે બુર્જ પિકેટ પર તેમની પાસે કેવળ ૨૦ જવાન હતા. તેના પર હુમલો કરનાર દુશ્મનના બસો જેટલા સૈનિકો હતા. અમે તેની મદદ માટે કશું કરવા અશક્તિમાન હતા કારણ કે મહેરસિંહની કંપની મિલિટરીના અૉપરેશનલ કંટ્રોલ નીચે હતી. તેને કૂમક મોકલવાની, તેમ સ્થિતિ દુશ્મનના દળ કટક સામે ટકી શકે તેવું ન હોય તો તેમને ત્યાંથી પાછા બોલાવવાની સત્તા કેવળ મિલિટરી પાસે હતી.
આ વિચાર કરતા હતા ત્યાં મહેરસિંહનો વાયરલેસ પર અવાજ સંભળાયો. “હૅલો આલ્ફા, જવાનોને દુશ્મનકા હમલા નાકામ કર દિયા હૈ. દો જવાન જખમી હો ગયે હૈં. બાકી સબ ઠીક હૈ. ફિકર મત કરેં. ઓવર.”
બીજી ચોકીઓ તરફથી યુદ્ધના રિપોર્ટ આવી રહ્યા હતા. વીસે’ક મિનીટ બાદ ‘ડેલ્ટા-થ્રી’નો વાયરલેસ ફરી શરૂ થયો. દુશ્મન બીજી વાર હુમલો કરે છે. શેલીંગ શરૂ થઇ ગયું છે. તેમના અૅસોલ્ટ માટે અમે તૈયાર છીએ." સાંજથી તેમનો વાયરલેસ સતત ચાલુ હતો. રાતના બાર વાગવા આવ્યા હતા અને તેમના વાયરલેસની બૅટરી મંદ પડી હતી. મહેરસિંહનો અવાજ જાણે લાખો માઇલ દૂરથી આવતો હતો. “હૅલો આલ્ફા, દુશ્મનની તોપની ડાયરેક્ટ હિટ બંકર પર પડવાથી ગનર શહીદ થયો છે. તેનો સાથી સખત રીતે જખમી થયો છે,” કહેતાં કહેતાં તેમનો વાયરલેસ બંધ પડી ગયો.
બીજા દિવસે અમને મિલિટરીના સિચ્યુએશન રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે બુર્જ ચોકી દુશ્મનના હાથમાં પડી હતી. ચોકીના જવાનોનું શું થયું તેની માહિતી મિલિટરી પાસે નહોતી. આનો પણ એક રોમાંચક ઇતિહાસ છે, જેની વાત ફરી કોઇ વાર.

*****

લડાઇ ખતમ થયા બાદ બુર્જ પિકેટના મહેરસિંહનો સાથી સિપાહી રામચંદર મને મળ્યો ત્યારે તેણે બુર્જની લડાઇની વાત કરી ત્યારે મહેરસિંહની બહાદુરીનો ખ્યાલ આવ્યો.
“સર જી, પહેલા બૉમ્બાર્ડમેન્ટ વખતે બાબા (જવાનો તેમને ‘બાબા’ કહી બોલાવતા) દરેક ટ્રેન્ચમાં જઇ અમારો હોંસલો વધારતા હતા. શેલીંગ બાદ દુશ્મનનું પાયદળ હુમલો કરશે, અને દુશ્મન ત્રાડ પાડીને અમારી તરફ આવે ત્યારે અમારે શું કરવું તેની હિદાયત આપી બીજા બંકરમાં જતા હતા. શેલીંગ બંધ પડ્યું અને દુશ્મને ‘ચાર્જ‘ પોકાર્યો, તેઓ મશીનગનર પાસે રહી ફાયરીંગ કરતા રહ્યા. જ્યાં સુધી દુશ્મને પીછેહઠ ન કરી ત્યાં સુધી તેમની હાક “શાબાશ, ડટે રહો મેરે બચ્ચોં‘ અમને સંભળાતી હતી. એક પણ જવાને બંકર છોડ્યું નહિ. દુશ્મનના બીજા એસૉલ્ટ પહેલાં તેમણે કરેલા શેલીંગમાં બાબાના પેટમાં લોખંડની કરચ ઘુસી ગઇ અને લોહીલુહાણ થઇ ગયા. તેઓ મારા સહારે વાયરલેસના બંકરમાં ગયા અને ગુપ્ત કોડના દસ્તાવેજ બાળ્યા. તેઓ જાણી ગયા કે અંત સમય આવ્યો છે. બધા જવાનોને તેમણે છેલ્લા સત્ શ્રી અકાલ કહ્યા અને ઢળી પડ્યા. અમે મિલિટરીને જાણ કરી કે અમારા કમાંડર માર્યા ગયા છે અને ચોકીમાં ફક્ત ૧૪-૧૫ લડી શકે તેવા જવાન બાકી રહ્યા છે, ત્યારે તેમણે અમને ચોકી ખાલી કરવાનો હુકમ કર્યો. અમે બાબાને તથા શહીદ થયેલા જવાનોને ઉપાડી ગુપ્ત રસ્તે ચોકી છોડી ગયા. દુશ્મન અમારો પીછો કરી રહ્યો હતો તેથી અમે શેરડીના ખેતરમાં ગયા, ત્યાં બાબા તથા અન્ય શહીદોના શબ છુપાવ્યા. બીજા દિવસે દુશ્મનની હિલચાલ બંધ થતાં અમે તેમના સંસ્કાર કર્યા અને સૌનાં ફૂલ ક્વાર્ટરગાર્ડ (શસ્ત્રાગાર)માં રાખ્યા.”

વાત અહીં પૂરી નહોતી થઇ.

લડાઇ સમાપ્ત થઇને બે મહિના થઇ ગયા હતા. એક દિવસ હું મોડો એટલે સવારે નવ વાગે અૉફીસમાં પહોંચ્યો ત્યારે મારા કમરામાં બે વયોવૃદ્ધ પુરુષો બેઠા હતા. તેમાંના એકની ઉમર તો લગભગ સોએક વર્ષ જેટલી લાગી. જાડા જાડા લેન્સના ચશ્માં, બોખલું મોઢું અને ચહેરા પર હજારો કરચલીઓ. મેં તેમને સત્ શ્રી અકાલ કહી અભિવાદન કર્યું. અમારા સાર્જન્ટ મેજર તેમની પાસે જ ઉભા હતા. તેમણે કહ્યું, “જનાબ, આ મહેરસિંહના બાપુજી અને કાકા છે. વહેલી સવારથી તમારી રાહ જોઇને બેઠા છે.”
મેં તેમને રાહ જોવડાવવા માટે તેમની માફી માગી અને તેમને ચ્હા વિશે પૂછતાં જ આ જૈફ પિતામહની આંખમાંથી પાણી વહેવા લાગ્યું. તેમના મુખેથી માંડ માંડ શબ્દો નીકળ્યા, “પુત્તર, મને મારા મહેરસિંહના ફૂલ આપ એટલે હું જઉં.” હું આગળ કંઇ કહું તે પહેલાં તેમના નાનાભાઇ - મહેરસિંહના કાકાએ કહ્યું, “સા’બ, તું દુ:ખી ન થઇશ. અમારે ઉતાવળ છે તેથી તરત નીકળવું પડશે.” તેમણે જે વાત કરી તે સાંભળી હું ચકિત થઇ ગયો.
“ગઇ રાતે અઢી વાગે વીરજી (મોટાભાઇ)ના સપનામાં મહેરસિંહ આવ્યો અને એણે કહ્યું, ‘બાપુ, હું તો દેશ માટે શહીદ થઇ ગયો, પણ જ્યાં સુધી તું મારા ફૂલ હરીદ્વાર જઇ ગંગાનદીમાં નહિ પધરાવે, મને ગત નહિ મળે. બસ, તે ઘડીએ તેમણે મને જગાડ્યો અને બસ, ત્યારના અમે નીકળ્યા છીએ. હવે સીધા જઇશું..”
મહેરસિંહના બાપુ હવે થોડા સ્વસ્થ થયા હતા.ખોંખારો ખાઇ તેમણે કહ્યું, “દિકરા, પહેલી જંગ (ફર્સ્ટ વર્લ્ડ વૉર)માં હું સુબેદાર હતો. અમારા ખાનદાનની પરંપરા છે કે એક દિકરો તેના બાપની પલ્ટનમાં ભરતી થાય. મહેરસિંહ પહેલાં મારી રેજીમેન્ટમાં હતો અને ત્યાં સર્વિસ પૂરી કરી અહીં આવ્યો. તેનો સૌથી નાનો દિકરો સોળ વરસનો થયો છે, તેને તેના બાપની પલ્ટનમાં ભરતી થવું છે. આ માટે તેને ક્યાં મોકલું?”
એક જૈફ પિતા, જેણે હજી પુત્રના ફૂલ શાંત કર્યા નહોત અને પોતાના પૌત્રને એવી જોખમી ફૌજી નોકરી કરવા મોકલવા માગતો હતો. હું અવાક્ થઇને સાંભળતો રહ્યો. મિલિટરીની કડક વૃત્તિનો કૅપ્ટન હોવા છતાં મારી આંખોમાં ઝળઝળીયાં આવ્યા. મેં તેમને ટ્રેનીંગ સેન્ટરનું સરનામું લખી આપ્યું. બન્ને જણા મારી અૉફિસમાંથી બહાર નીકળ્યા.
વરંડાની ફર્શ પર તેમની લાકડીનો 'ટપ ટપ' અવાજ આવતો હતો. નજીકના અમારા પરેડના મેદાનમાં કવાયત કરતા સૈનિકોના ભારેખમ બૂટના ‘લેફ્ટ-રાઇટ, લેફ્ટ-રાઇટ‘ અવાજ આવી રહ્યા હતા.
મેં અવકાશમાં જોયું. મારી નજર સામે મહેરસિંહ હતા, જ્યારે તે મારીપાસે પહેલી વાર આવ્યા હતા. "બત્તી-ઉનન્જા, હવાલદાર મહેરસિંહ..."નો અવાજ જાણે ફરી એક વાર સાંભળવા મળશે..

તા.ક. પહેલી વાર નામ સાથે લેખ છપાયો હોવાથી મારી નવી નોકરીના સ્થાને કામ કરનાર ગુજરાતી સાથી બહેનોને અભિમાનપૂર્વક મારો લેખ બતાવ્યો: 'અમે ગુજરાતી ભન્યા નથી. હેડીંગ વાંચી સભળાવો તો!' મેં વાંચી સંભળાવ્યું ત્યારે તેમણે પ્રશ્ન પૂછ્યો, "આ શાદત - કે સ્હાદત એટલે શું?"

Tuesday, June 28, 2011

GYPSY'S DIARY: અનામી સબ-એડીટર (૨)

સંપાદકીય વિભાગમાં કામ કરનારા પત્રકાર/લેખકોને જાણ હશે જ કે દરેક અખબારમાં સંપાદકીય નીતિ હોય છે: તેમના અખબાર કે સામયીકનો કેટલો ભાગ editorial content માટે ફાળવવામાં આવે અને કેટલા ટકા commercial - એટલે જાહેરાત. આનો લાભ અખબારોના કટાર લેખક (કૉલમ્નીસ્ટ), મહેમાન લેખકોને મળતો, કારણ કે તેમને પહેલેથી શબ્દ સંખ્યા મુકરર કરી આપવામાં આવે. પરિણામે તેઓ દર અઠવાડીયે કે નિયત સમયે પોતાના લેખ તૈયાર કરી, તેમાં તેમની ભાવનાના પ્રાણ પૂરી એવો લેખ તૈયાર કરે, જેનાથી કટાર લેખક અને તેમનું અખબાર બન્ને એકબીજાના પૂરક થઇ જનહૃદયમાં કાયમનું સ્થાન પ્રાપ્ત કરી લે. અહીં જીપ્સી name-dropping નહિ કરે. આપ સહુ જાણો જ છો કે કયા કટાર લેખકને કારણે ક્યા સામયીક અને અખબાર પ્રસિદ્ધ થઇ ગયા હતા.

બ્રિટનમાં ભારતીય અખબારોની વાત સાવ જુદી હતી. ગુજરાતી અખબારો માટે એક વધારાની મુશ્કેલી એ હતી કે તેમનો વાચક વર્ગ સિમીત હતો. તેમાં ભાગ પાડવા બે સામયીકો પ્રસિદ્ધ થતા હતા. આથી લવાજમની આવક કરતાં જાહેરાતની આવક પર જ તેમનો નિભાવ થતો. આમ સામયીકનાં પાનાંની સંખ્યા તથા તેના contentનો આધાર તે અઠવાડીયે આવેલી જાહેરાત પર રહેતો. તમે ગમે એટલી સુંદર મૌલિક કટાર લખી હોય, કે પચાસ જેટલા સમાચારોનું ભાષાંતર કર્યું હોય, તેમાંના અમુક જ છપાય. વળી સમાચારને મહત્વ વધુ હોવાથી ‘કટાર’ મ્યાનમાં જ રહી જતી. આ જોઇ જીપ્સીએ તેની મૌલીકતા ભાષાંતરમાં ઉતારવાનું શરૂ કર્યું. સમાચારની ‘સુર્ખી’ને શિર્ષક આપવામાં આનો ઉપયોગ કર્યો. તે સમયે બ્રિટનમાં ચૂંટણી થતી હતી. રૉય જેન્કીન્સ લોકપ્રિય રાજકારણી હતા, તેમની સામે એક પ્રતિસ્પર્ધી તેમના ઉપહાસમાં ‘વૉય જેન્કીન્સ’ના નામે ચૂંટણીનું નામાંકનપત્ર ભર્યું. જીપ્સીએ શિર્ષક લખ્યું, “મિડલૅન્ડ્ઝમાં ઓય, વોય, રૉય”! આવા કેટલાય શિર્ષક લખાયા, સમાચારમાં યોગ્ય સ્થળે વ્યંગનો ઉપયોગ થયો. જો કે આના કારણે એક વાર મુસીબતમાં પણ આવવું પડ્યું. તે સમયથી બ્રૅડફર્ડ (યૉર્કશાયર)માં મુસ્લીમોની વસ્તી મોટા પ્રમાણમાં હતી. ત્યાંના આગેવાનોએ સિટી કાઉન્સીલમાં માગણી કરી કે શાળાના અભ્યાસક્રમમાં મુસ્લીમ શિક્ષણની જોગવાઇ કરવામાં આવે. માગણી જોર પકડતી ગઇ, પણ કાઉન્સીલે અડીયલ ધોરણ અપનાવ્યું. આ ગજગ્રાહ ચાલતો હતો તેનું પાંચ પંક્તિઓમાં વર્ણન કરવાનું હતું. જીપ્સીએ શિર્ષક આપ્યું, “બ્રેડફર્ડમાં મુસ્લિમ શિક્ષણ અંગે બખેડો” સમાચાર છપાયા, અખબાર શુક્રવારે જ દેશભરમાં વહેંચાયું. સોમવારે સવારના પહોરમાં તંત્રીશ્રીએ ‘સબી’ને તેમની અૉફીસમાં બોલાવ્યો અને ઇશારાથી એક્સ્ટેન્શન ટેલીફોન ઉપાડવાનું કહ્યું. ફોન કરનાર કોઇ ગુજરાતી મુસ્લીમ સજ્જન હતા. ગુસ્સાથી તેઓ પૂછી રહ્યા હતા, “અમારા માટે બખેડો શબ્દ વાપરી તમે અમારા ધર્મનું, અમારી ધાર્મિક શિક્ષણ અંગેની માગનું અપમાન કરવાની તમારી હિંમત કેમ થઇ? તમે જાણો છો, મારી કલમ ઝેર ઓકી શકે છે? તમારા અખબારની કેવી હાલત કરી શકું તેનું ભાન છે તમને?” અમારા સંપાદક કાબેલ હતા. તેમણે સમાચાર છાપતાં પહેલાં મારા શિર્ષક વિશે પૂછ્યું પણ હતું, અને મારો જવાબ હતો, “આ બખેડો આપણા મુસ્લિમ સમાજ તરફથી નહિ, સિટી કાઉન્સીલ તરફથી ઉભો કરવામાં આવ્યો છે. જનતાની જે માગણી હોય તે માટે તેમણે જનતા સાથે consultation process કરવો જોઇએ, જે કરવાને બદલે તેમણે એક તરફી વલણ લીધું છે.” સંપાદકશ્રીએ ટેલીફોન કરનારને આ સમજાવ્યું ત્યારે તેમણે કહ્યું, “આને તમારી એપોલોજી સમજી વાત અહીં પૂરી કરૂં છું. આઇંદા યાદ રહે, અમારા વિશે લખતાં પહેલાં સો વાર વિચારજો!”

*

માણસ એક વાર સૈન્યનો યુનિફૉર્મ પહેરે તે તેની પરંપરાના રંગમાં એવો રંગાઇ જાય કે સૈન્ય છોડ્યા બાદ લાંબા સમય સુધી નાગરી જીવનમાં તેમાંથી છૂટકારો પામી શકતો નથી. મોટા ભાગે આ પરંપરા તેની જીવાદોરી બની જાય છે, તો કોઇ વાર બેડી. ‘જીપ્સી’ સૈન્યની કારકિર્દી દરમિયાન હેડક્વાર્ટર્સમાં સ્ટાફ અૉફિસરનું કામ કરી ચૂક્યો હતો. ત્યાં પરંપરા હતી કે જ્યાં સુધી કમાંડર ઘેર ન જાય, સ્ટાફ અૉફિસર કામ હોય કે ન હોય, તેમના ગયા બાદ જ અૉફિસ છોડે. અમારા સાપ્તાહિકમાં અૅડમિનીસ્ટ્રેટીવ તથા સંપાદકીય સ્ટાફ બરાબર પાંચ વાગે ટેબલ છોડીને ચાલ્યા જાય, ‘જીપ્સી’ તંત્રીશ્રીના જવાની રાહ જોતો, કામ કરતો રહેતો. કોઇ કોઇ વાર સાંજના સાત વાગી જતા. તેઓ જવા લાગે એટલે કામ બંધ કરીને વૉટર્લૂ સ્ટેશન સુધી ચાલતા જવાનું. ઘેર વહેલા પહોંચવા ધીમી ટ્રેન છોડી ફાસ્ટ ટ્રેન લેવી હોય તો ત્રણ વાર બદલવી પડે, તેમ છતાં જીપ્સી જલદી ઘેર પહોંચવા માટે ટ્રેન બદલાવવા એક પ્લૅટફોર્મ પરથી દોડીને બીજી ટ્રેનના પ્લૅટફોર્મ પર દોડે. આ દોટ તેને કૅડેટ ટ્રેનીંગના દિવસોની યાદ આપતી. એક પરેડ ગ્રાઉન્ડથી બીજા ટ્રેનીંગ એરીયા પર દોડતા જ જવાનું. આમ વૉટર્લૂથી ગ્રીન પાર્ક, ટ્રેન બદલી બેકર સ્ટ્રીટ, ત્યાં ફરી ટ્રેન બદલી મેટ્રોપોલીટન લાઇન પકડી વેમ્બ્લી પાર્ક, ત્યાં જ્યુબિલી લાઇન લઇ ક્વીન્સબરી. અહીં બસની રાહ જોવાને બદલે એક માઇલ ચાલીને ઘેર પહોંચવાનું.

અમારો ફ્લૅટ હૅરોમાં હતો. કામ પર બરાબર આઠ વાગે હાજર થવા માટે ઘેરથી સવારે સાડા છ વાગે નીકળવું પડે. બે માઇલની પદયાત્રા અને બાકીનો સમય ટ્યુબ ટ્રેનમાં પ્રવાસ કરો ત્યારે તમે સમયસર કામ પર પહોંચી શકો. આમ ઘેર પાછા પહોંચો ત્યાં કોઇ કોઇ વાર રાતના નવ વાગી જાય. સવારે કામ પર નીકળીએ ત્યારે બાળકો સૂતા હોય, અને પાછા આવીએ ત્યારે પણ ડૅડીની રાહ જોઇ, થાકીને સૂઇ ગયેલા હોય. વીક-એન્ડના બે દિવસ મળે, જે ઘરના કામ, ગ્રોસરી શૉપીંગ અને સોમવારની તૈયારીમાં એટલી ઝડપથી વિતી જતા કે બાળકો સાથે પાર્કમાં જઇ તેમની સાથે ટેનિસ રમવાનો કે તેમને પિકનીક પર લઇ જવા જેટલો પણ સમય નહોતો રહેતો. આથી સાથે સમય પસાર કરવા અમે બધા જ સાથે મળી ગ્રોસરી શૉપીંગ માટે જતા. પહેલાં તેમના મનપસંદ ફાસ્ટ ફૂડ રેસ્ટૉરાંમાં તેમને લઇ જઇ તેમની સાથે ભોજન કરી, શૉપીંગ કરી સાંજે પાછા ઘેર આવીએ.
અંતે દૂરની નોકરી છોડી નજીકની, સ્થાનિક જગ્યાએ હોય તેવી નોકરી લેવાનું નક્કી કર્યું પણ મનમાં તુમુલ્લ યુદ્ધ જાગ્યું. સાપ્તાહિકમાં હું જે કામ કરતો હતો તે મારી ત્રણ જરૂરિયાતો પૂરી કરતું હતું: આત્મિક, પારમાર્થીક અને ઐહિક જીવનના પોષણનું. જે કામ કરતો તેમાં મને એટલો આનંદ મળતો કે બપોરે પેટમાં કૂકડાં બોલે ત્યારે યાદ આવતું, લંચ નથી લીધું. સાંજે કોઇ વાર તંત્રીશ્રી આવીને કહે, ‘કેમ, ઘેર નથી જવું?’ ત્યારે હું કામ સમેટું. કોઇ કોઇ વાર તેમના ભલા પુત્ર કલ્પેશ ઘેર જતી વખતે તેમની કારમાં મને ઘર સુધી મૂકવા આવે.
અહીં મને કોઇ કમી સાલી હોય તો એક જ. ફેસ્ટીવલ અૉફ ઇન્ડીયા બાદ મારી ‘કટાર’ કાયમ માટે મ્યાનમાં જ રહી ગઇ હતી.

નોકરી બદલવાની મનમાં ગડભાંજ ચાલતી હતી ત્યારે મને મારા પરિચીત શ્રી. શંકર જોષીની યાદ આવી. તેઓ ભારતથી ટાન્ઝાનિયા ગયા હતા અને ત્યાંથી બ્રિટન. તેમણે કહ્યું હતું, “બ્રધર, ત્રણ દેશોમાં કામ કરવાના મારા અનુભવનો સાર ટૂંકમાં કહીશ: ભારતમાં તમને તમારા અભ્યાસ તથા લાયકાત મુજબ મળવું જોઇએ તેનાથી ઓછું વેતન મળશે. આફ્રિકામાં તમારી લાયકાત કરતાં બમણો કે ત્રણગણો પગાર મળી શકે. અહીં બ્રિટનમાં પ્રથમ તો તમને કામ નહિ મળે, પણ એક વાર કામનો અનુભવ લીધો કે લોકો તમને સામેથી તમારા અનુભવ અને લાયકાત મુજબ સારો પગાર આપીને બોલાવશે. જો કે creme de la creme જેવી જગ્યાઓ આપણા લોકોને કદી નહિ મળે. પછી તમે તેના માટે ગમે એટલી લાયકાત કેમ ન ધરાવતા હો!” આ વાત ૧૯૮૦ થી ૧૯૯૦ ના બે દાયકાઓની હતી. મારા અનુભવે તે સાવ સાચી નીકળી.

જીપ્સીએ પહેલી અરજી કરી, ત્યાં જ ઇન્ટરવ્યૂનો કૉલ આવ્યો, નોકરીની અૉફર થઇ! આ સરકારી નોકરી હતી, તેમના ‘બ્રૉશર’ પ્રમાણે બે વર્ષમાં ક્લાસ-વન અધિકારીની જગ્યા માટે લાયક બની શકું. મેં અનિચ્છાએ તંત્રીશ્રીને એક અઠવાડીયાની નોટિસ આપી. તેઓ તે સ્વીકારવા તૈયાર નહોતા! તેમણે મને બમણો પગાર અને તેમના પરિવારમાં વપરાતી અૉસ્ટીન મિની કાર આપવાની અૉફર કરી. મારા માટે પારિવારીક જીવન વધુ મહત્વનું હતું. મેં નોકરી છોડી, પણ તેમણે મારી સાથેનો સમ્પર્ક અને સ્નેહ ચાલુ રાખ્યો. તે વર્ષના દિવાળી અંકમાં મદદ કરવા માટે તેમણે બોલાવ્યો. ત્રણ અઠવાડીયામાં લગભગ આખો અંક તૈયાર કર્યો. આ વખતે તો જીપ્સીનો એક લેખ બાય-લાઇન સાથે પ્રસિદ્ધ થયો, જે આવતા અંકમાં મૂકીશ.

Monday, June 27, 2011

GYPSY'S DIARY: અનામી સબ-એડીટર

જીપ્સીએ કામ શરૂ કર્યું તે સમયે બ્રિટનમાં ફેસ્ટીવલ અૉફ ઇન્ડીયા શરૂ થયો. શરૂઆતની એસાઇનમેન્ટ હતી ઇંડીયા હાઉસમાં થતી પ્રેસ કૉન્ફરન્સમાં હાજરી આપી, ફેસ્ટીવલના વિવિધ પ્રદર્શનો જોવાનું તથા તેના રિપોર્ટસ્ લખવાનો!
અમારૂં સાપ્તાહિક મુખ્યત્વે સમાચાર પત્ર હોવાથી ભારત તથા બ્રિટનના સમાચાર, ખાસ કરીને ‘એશિયન’ પ્રજાને લગતા સમાચાર છાપવામાં આવતા. બ્રિટનમાં એશિયન એટલે ભારતીય ઉપખંડમાંથી આવેલા લોકો. આના માટે તે સમયે ‘વાયર સર્વિસ’ ભારતીય ભાષાઓમાં નહોતી તેથી છાપવા યોગ્ય સમાચારોનું ગુજરાતી ભાષાંતર કરી, તેનું પ્રૂફ રીડીંગ કરી ડેડલાઇન સાચવવાની. આ કામ સબ-એડીટર (અંગ્રેજીમાં Subby!)નું. મારી મનોકામના મૌલિક લેખનની હતી તે જોઇ તંત્રીશ્રીએ ‘સબી’નું કામ ઉપરાંત લેખન કરવાની રજા આપી. શરત એક માત્ર હતી: અહીં Byline આપવાનો રિવાજ નથી. સાહિત્યના ક્ષેત્રમાં બેનામી કહો કે અનામી, લંડનમાં પ્રસિદ્ધ થયેલો મારો પહેલો લેખ સંક્ષીપ્તમાં(થોડાક સુધારા સાથે) અહીં રજુ કરૂં છું.

શૃંગાર

શૃંગાર અને લાલિત્યની કલ્પના પ્રજાપિતા બ્રહ્માને આવી ત્યારે તેને મૂર્ત સ્વરૂપ આપવા તેમણે સ્ત્રીનું સર્જન કર્યું. તેમાં પૂર્ણતા લાવવા તેમણે નટરાજ શિવને વિનંતિ કરી. તેમની પ્રેરણાથી આ નવસર્જનમાં ઉમેરાયું એક નવું તત્વ: નૃત્ય! સ્ત્રીની અંગભંગિમા અને હંસ જેવી ચાલમાં નટરાજે આપેલી કળાએ સ્ત્રીને એક વિશીષ્ઠ સૌંદર્ય બક્ષ્યું. હવે બાકી રહ્યું હતું શૃંગારમાં અભિવૃદ્ધિ કરનારા સાધનોનું સર્જન - એટલે વેશભૂષા, આભૂષણ, પોશાક તથા સૌંદર્યના પ્રસાધનો. બ્રહ્માએ તે કેવી રીતે વિકસાવવા તેની કલ્પના તેમણે માનવની બુદ્ધિમતા પર છોડી.
અરૂણાચલમાં શૃંગારનું મુખ્ય સાધન અંગવસ્ત્ર માનવામાં આવ્યું. આની પાછળ એક દંતકથા છે. તેમાંના પાત્રોનાં નામ 'અરૂણાચલી' જ રાખ્યા છે!
બ્રહ્મશક્તિ દેવી ‘માતાઇ’એ તેમની સૌંદર્યશાલિની કન્યા હમ્બ્રુમઇ (હેમ-ભ્રૂ-મયી?)ને સુંદર વસ્ત્ર વણવાની કળા શીખવી. ત્યાંના નિસર્ગરમ્ય વનમાં રમતાં કૂદતાં તેણે વૃક્ષ પલ્લવ જોયા, નદીના વલય, પ્રવાહ નિરખ્યાં અને તેના આકારોને તેણે પોતે નિર્મેલા વસ્ત્રોમાં વણી લીધા. હમ્બ્રુમયીની કલા, તેનાં રૂપ જોઇ અનેક યુવાનો તેની સાથે લગ્ન કરવા આતુર હતા. જંગલમાં રહેતી રાક્ષસીને અસૂયા થઇ. તેને લાગ્યું કે હમ્બ્રુમયીના સૌંદર્યનું રહસ્ય તેણે રચેલા વસ્ત્રોની સુંદરતામાં છે. તેણે શાહુડી (porcupine)નું રૂપ ધર્યું અને હમ્બ્રુમયીએ રચેલા વસ્ત્રો ચોરવા ગઇ. તે મોટા ખડક પાછળ સંતાઇ, તેને સરકાવીને શાળની નજીક ગઇ. તેમાં સુંદર કાપડ વણાતું જોયું અને અધીરતાથી તે ખેંચ્યું. કમભાગ્યે ખડક ખસ્યો અને તેના ધક્કાથી હમ્બ્રુમયી તથા તેની શાળ ખીણમાં પડી અને ખડક તેના શિર પર. દેવકન્યા મૃત્યુ પામી. તેની શાળના અનેક ટુકડા થયા અને આખા અરૂણાચલમાં વેરાઇ ગયા. હમ્બ્રુમયીએ વણેલા વસ્ત્રોમાંની આકૃતિના રંગબેરંગી પતંગિયા થયા અને દેશભરમાં ઉડ્યા.
અરૂણાચલની કન્યાઓએ શાળના ટુકડા વીણ્યા. ચમત્કાર થયો, અને આ ટુકડા નાનકડી શાળમાં બદલાઇ ગયા. દેવીની કૃપાથી અરૂણાચલની નાગકન્યાઓને કાપડ વણવાની કળા પ્રાપ્ત થઇ. આજે (એટલે વીસમી સદીની આખરમાં લખાયેલા લેખના સમયે) પણ અરૂણાચલની યુવતિઓ નાનકડી શાળમાં પોતાના પોશાક વણે છે. જેને હાથવણાટ આવડે નહિ તેને કોઇ પરણે નહિ! કહેવાય છે કે ત્યાંના મોકોકચુંગ અને ઝૂએનોબૂટોની આસપાસના વનમાં ઉડતા પતંગિયાઓની પાંખો પર હમ્બ્રુમયીની ડિઝાઇન જોવા મળશે! અરૂણાચલમાં હાથવણાટના કામળા પર ત્યાંના પ્રત્યેક કબિલાએ પોતાની વિશીષ્ઠતા દર્શાવતા રંગ અને ડિઝાઇન જાળવી રાખ્યા છે, જેમ સ્કૉટલેન્ડની કૅમ્બેલ, મૅકગ્રેગર જેવી clans તથા સ્ટુઅર્ટ રાજઘરાણા પોતપોતાના ‘ટાર્ટાન’ અભિમાનથી પહેરે છે.
“શૃંગાર”ના શિર્ષક હેઠળ ભારતીય વસ્ત્ર પરંપરાનું પ્રદર્શન “અૅર ઇન્ડીયા”ના સૌજન્યથી યોજવામાં આવ્યું છે. જરૂર જોવા જશો!

Saturday, June 25, 2011

GYPSY'S DIARY- ગુજરાતી જીતે જ! (2)

"પાનનો મહિમા!"

મારા બાપુજી જેટલા સંગીતના શોખીન એટલા જ પાનના. કોણ જાણે સંગીત અને પાન વચ્ચે એવા ક્યા રસનો સંબંધ છે જે તેમને અદ્ભૂત એવા ભક્તિરસ સાથે જોડે છે. બેગમ અખ્તર (બાપુજીના રેકૉર્ડઝ્ના સંગ્રહમાં ‘અખ્તરી ફૈઝાબાદી’ની રેકર્ડ હતી!), રસૂલનબાઇ, તબલાનવાઝ કિશન મહારાજ જેવા સંગીતરત્નોને તેમની ‘ગિલોરી’નો અાસ્વાદ પરમના તાર સપ્તકમાંથી પૃથ્વી પરની સમ પર જે રીતે લઇ આવતો, તેનું વર્ણન કરી શકાય નહિ.

બાપુજી ઇસરાજ - એટલે દિલરૂબા વગાડતા અને ખાંસાહેબ અબ્દુલ કરીમખાં સાહેબની સાથે સંગત કરી ચૂક્યા હતા. આમ વ્યવસાયે તેઓ બ્રિટીશ સરકારમાં મોટા હોદ્દા પર હતા, પણ સંગીત તેમનો passion!

તેમના પાનનો શોખ મેં પહેલી વાર અનુભવ્યો ત્યારે હું પાંચ-છ વર્ષનો હતો. તે દિવસે તેઓ પાનમાં લગાડવાના ચૂનાને ‘સિદ્ધ’ કરતા હતા. તેમના નિર્દેશન નીચે અમારા સહાયક હરિપ્રસાદે ચૂનાની પાવડર બનાવી, કપડામાં ગાળી તેને નાનકડી મટકીમાં મૂકી. તેમાં પાણીને બદલે છાશ નાખી. તેમાં ગરમ પરપોટા થવા લાગ્યા ત્યારે તેમણે લાકડી વતી ઝડપથી હલાવવાનું શરૂ કર્યું. જ્યારે મટકી ઠંડી પડી, તેમાં થોડું માખણ ઉમેરી મિશ્રણને એકજીવ કર્યું અને કોઠારમાં મૂકાવ્યું. પાનના ડબામાં ચાંદીની ટચુકડી ડબી હતી તેમાં આ ચૂનો ભરવામાં આવે. હવે પાન બનાવવાનું કામ બા કરે - જો કે તે કેવી રીતે બનાવવા, તે બાપુજીએ જ શીખવ્યું હતું. બાએ તેને કળા બનાવી. હું તેમને પાન બનાવતાં જોઇ મંત્રમુગ્ધ થઇ જતો.

સૌ પ્રથમ પાણીયારાના એક ખૂણામાં ઠંડી જગ્યાએ પાણી છાંટેલા શણના ટુકડામાં લપેટેલા, સોનાનાં વરખ જેવા રંગનાં કપુરી પાન હિંચકા પર લઇ આવતા. ત્યાં એક સૂકા સ્વચ્છ કપડા પર પાન મૂકી તેના પરનો વધારાનો ભેજ સૂકવવાનો. ત્યાર પછી એક પાન ઉપાડી, સૂડીને પૂરી રીતે ખોલી બા પાનના રેસાને કોઇ નિષ્ણાત સર્જનની જેમ કાપે. ‘સર્જીકલ અૉપરેશન’ એટલા માટે કે સૂડી કેવળ રેસાને કાપે, પાન પર તેનો ઘસારો ન લાગે! ત્યાર પછી નવજાત શિશુની આંખમાં કાજળ આંજવામાં આવે તેમ બાપુજીએ બનાવેલ ખાસ ચૂનો પાનમાં નાજુકતાપૂર્વક લગાડાય. હવે તેના પર કાથાની ટિકડી ધરી સૂડીની ધાર વતી હળવે હળવે એવા ઘસરકા પાડવામાં આવે કે જાણે ભળભાંકડામાં ક્ષિતીજ પર સૂર્યના કિરણો પડતાં ઉષાના ગાલ પર લજ્જાની લાલી પથરાતી જાય, તેમ ચૂના પર કાથાનાં રજકણો પડતાં લાલ રંગ ઉગી નીકળતો. હવે તેના પર શ્રીવર્ધનથી ખાસ મંગાવેલી સોપારી કાતરી, પાનના મધ્યમાં પાથરી, તેના પર દેશી તંબાકુ અને ઇજમેટનાં ફૂલ મૂકી ભુમિતીની ચોકસાઇથી પાનનો ત્રીકોણ બનાવી વચ્ચે લવિંગ પરોવી તેને ‘સિક્યૉર’ કરવામાં આવે. આવા ચાર પાન બનાવી બા તે ખાસ ડબીમાં મૂકે. આ સમગ્ર ‘પ્રોસેસ’ દરમિયાન તેમના મધુર કંઠે ગાતાં: “મૈં બનકી ચિડીયા બન કે બન બન ઘુમૂં રે” કે પછી કાનનદેવીનું “તુમ મનમોહન, સબ સખીયન સંગ, હઁસ-હઁસ ખેલો ના..”
બચપણનું આ દૃશ્ય મારા સ્મૃતીપટલ પર હજી પણ અકબંધ છે! મને તે સમયે વિચાર આવતો, પાન બનાવવામાં આનંદની આટલી ઉર્મિ અનુભવાતી હશે, ત્યાં તેનો રસાસ્વાદ કરનારાને તેમાં કેટલો આનંદ મળતો હશે!

બાપુજીના એક મિત્ર હતા. લખુભાઇ પંડ્યા. હું તેમને પંડિતકાકા કહેતો. સુરેન્દ્રનગર (તે સમયના વઢવાણ કૅમ્પ)ના ટાવર પાસે તેમની પાનની દુકાન. પાનની દુકાન એટલે કેવળ પાન જ નહિ, ત્યાં લખોટી વાળી સોડાવૉટરની બૉટલ, લિમલેટ-પેપરમીંટની ગોળી અને ગ્લુકોઝનાં “ભિસકૂટ”ના પૅકેટ પણ હોય. એક વાર બાપુજી સાથે તેમની દુકાને ગયો ત્યારે તેમના એક ઘરાકે તેમની પાસે મસાલાનું પાન માગ્યું. પંડીતકાકા પાન બનવવા લાગ્યા ત્યારે ઘરાક તેમને કહેતો જાય, ‘હવે તેમાં સુગંધી કોપરૂં મૂકો, ગુલકંદ અને ચિકણી સોપારીના બે કટકા પણ મૂકજો.’ પાન લઇને તે ચાલતા થયા ત્યારે મેં બાપુજીને પૂછ્યું, “આપણા ઘેર બા પાન બનાવે છે ત્યારે તેમાં આ બધા મસાલા કેમ નથી નાખતા?” આનો જવાબ પંડિતકાકાએ આપ્યો.

‘નલૂભાઇ, પેલા ઘરાક લઇ ગયા ઇ પાન નૉતું. અમે એને કપુરી પાનનો ઘૂઘરો કહીએ. આવા પાન ખાવા કરતાં કંદોઇને ત્યાં જઇ ઘૂઘરા ખાવા સારા. ખરા પાન તો દાદા (મારા બાપુજીને તેઓ આ નામે બોલાવતા) બનાવે ઇ છે!”
અરે હા! કહેવાનું રહી ગયું: અમારા સૌરાષ્ટ્રમાં બાળકોને આપેલું નામ લાંબુ લચક હોય, પણ બોલાવવાનાં નામ સાવ જુદાં. મારૂં હુલામણું નામ જુદું હતું!

****

પાનના અસલી શોખીનની વાત નીકળી તો મને ભાવનગરનો પ્રસંગ યાદ આવ્યા વગર નથી રહેતો. તે સમયે (૧૯૪૦ અને ૫૦ના દાયકામાં) ભાવનગર ગુજરાતનું કલા, સંસ્કૃતી અને સંસ્કારનું કેન્દ્ર હતું. ગાયકવાડ સરકારે યુનિવર્સિટી, સ્કુલ અૉફ ફાઇન આર્ટ્સ, કામાઠીબાગનું મ્યુઝીયમ વગેરે સ્થાપ્યું હોવાથી વડોદરાને સ્થાનિક પ્રજાએ આ બિરૂદ ભલે આપ્યું હોય. આ બધું infrastructure ભાવનગર પાસે નહોતું તેમ છતાં ગુજરાતના સાહિત્ય, કલા-સંસ્કારનો અસલી વારસો ભાવનગર પાસે હતો એવું અમારૂં માનવું હતું. જવા દો, આ વાત પાનની છે.

ભાવનગરના ઘોઘા ગેટ પાસેની મોટી બજારમાં પાનની દુકાન હતી. અહીં કેવળ પાન જ મળે - પાન એટલે તૈયાર કે બનાવીને અપાતાં પાન નહિ. અહીં મલબારી, કપુરી, કલકત્તી પાનની છાબડીઓ આવતી. ત્યાં દસથી ઓછા પાન ન મળે. અમારા કાકાશ્રી માટે પાન લેવા હું ત્યાં ગયો ત્યારે સુંદર પ્રસંગ જોયો.

એક નાગર ગૃહસ્થ, તેમના પરંપરાગત પોશાક - લાલ કિનારનું ધોતિયું, રેશમી ઝભ્ભો, બંડી, કપાળમાં ત્રીપુંડ્ર, અને મસ્તક પર બનાતની ટોપી, ડાબા હાથની કોણીના વળાંકમાં ‘ટાંગેલી’ લાકડી રાખી પાન પસંદ કરી રહ્યા હતા. નજીક જતાં સંભળાયું કે તેઓ બાગેશ્રીના સૂર ગણગણી રહ્યા હતા. એક એક પાન એવી રીતે પસંદ કરતા હતા જેમ કોઇ ચોકસી કિમતી નંગને તપાસતા હોય. તેમાં પણ મનપસંદ ‘texture’ નું આછું પીળું પાન હાથમાં લાગે તો ઉદ્ગાર નીકળતો, “વાહ!”. તેમણે પચીસ પાન લીધા અને ગયા ત્યારે મેં દુકાનદારને પૂછ્યું, “આ કાકા પાનના ખરા શોખીન લાગે છે!”

“હા, તમારી વાત સાચી છે. મારા પંદર વરસના ઘરાક છે, અમારા પિતાશ્રીના સમયથી. આજકાલ એમના જેવા પાનના દર્દી રહ્યા નથી. મોટા ભાગના અમારા ઘરાક પાન બનાવી આપનાર દુકાનદારો હોય છે. બીજા પૂજા માટે પાન લેવા આવે. અસલ પાનનો રસ અને આનંદ મેળવનારા આ ભટ્ટકાકા જેવા બહુ ઓછા બાકી રહ્યા છે.”

જમાનો બદલાતો ગયો. પાનની દુકાનો વધતી ગઇ. પાનના આનંદ કરતાં મોંઘા, મસાલાવાળા પાન - સ્ટેટસ સીમ્બૉલ ગણાતા મઘઇ, બાબા છાપ ૩૬૦ અને નવરતન કિમામનો જમાનો આવી ગયો એવું જુના પાનવાળા કહે છે. વર્ષો પહેલાં અમદાવાદ જવાનું થયું, ત્યારે મારા ઘનીષ્ઠ મિત્ર ડૉ. અરૂણ સાથે રાત્રે જમ્યા બાદ ફરવા ગયો. ગુજરાત કૉલેજની નજીકની દુકાનમાં ગયા અને તેમણે પાન બનાવવાનું કહ્યું. “કપુરી, કાચી સોપારી અને થોડી દેશી તમાકુ.” પાનવાળા ભાઇ ડૉક્ટરસાહેબની પર્સનાલિટી, તેમની મોંઘી મોટર જોઇ અને સાવ સાદા પાનનો અૉર્ડર સાંભળીને કંઇક બોલવા જતા હતા અને રોકાઇ ગયા. અરૂણે કહ્યું, ‘કંઇક કહેવા જતા હતા?”

“હા સાહેબ. તમે પાનના ખરા રસિક છો. બાકી માવાની કચોરી જેવા મસાલાના પાન, પ્રોસેસ કરેલ ભેળસેળીયા, હલકી કક્ષાની પણ બ્રાન્ડ નેમ વાળી મોંઘી તમાકુનાં પાન ખાનારાઓ બહુ જોયા. તમારા જેવા અસલ પાનના સ્વાદની શી પરખ હોય? આ પાન રેમતુલાની લગડી જેવા હોય, તેનાં મોલ ગિલેટીયાઓ કેવી રીતે ઓળખે?

આધુનિક યુવાનોને કદાચ જાણ ન હોય, પણ જુના જમાનામાં રહેમતુલ્લાના માર્કાવાળી સોનાની લગડી લોકો આંખો મીંચીને લેતા. ‘રેમતુલા એટલે સો ટચનું સોનું’ એવો તેમણે બેન્ચમાર્ક બનાવ્યો હતો!

***

આ લેખ લખાયો ત્યારે પાન પરાગ અને હાનિકર્તા ગુઠકાઓનું આક્રમણ નહોતું થયું. મિલિટરીમાં પાન ખાવાની મનાઇ હતી, પણ તમાકુ માટે બંધી નહોતી. ભારતના કેટલાક પ્રદેશોમાં તમાકુનું ચલણ વધુ હતું. લોકો થોડી તમાકુ અને થોડો’ક ચૂનો લઇ, હથેળીમાં અંગૂઠા વતી રગડી,તેના પર ટપલી મારી હોઠ અને દાંતની વચ્ચે મૂકી તેનો આનંદ લે.

એક જગ્યાએ આ હરકતથી મહાન ગોટાળો થઇ ગયો હતો.

દર વર્ષે મિલિટરીની રેજીમેન્ટ કે બટાલિયનની યુદ્ધની તૈયારી માટેની પરીક્ષા લેવાય. એક બટાલિયનને ‘અૅટેક’ - એટલે દુશ્મનની રક્ષાપંક્તિ પર હુમલો કરી વિજય પ્રાપ્ત કરવાની ‘એક્સરસાઇઝ’ આપવામાં આવી હતી. યોજના મુજબ બધી તૈયારી થઇ ગઇ. આક્રમણકારોની હરોળ તૈયાર હાલતમાં હતી. કેવળ કંપની કમાંડરના સિગ્નલની રાહ જોવાતી હતી. આ સિગ્નલ હતો હળવેથી તાળી પાડવાનો, જે સાંભળતાં વેંત કમાંડરની બાજુમાં ઉભા તેમનો રનર યુદ્ધનિનાદ પોકારે અને હુમલો શરૂ થઇ જાય.

હુમલો કરવાના H-Hourમાં બે મિનીટ બાકી હતી અને ‘રનર’એ તાળી સાંભળી, ‘ભારતમાતાકી જય’નો પોકાર થયો અને હુમલો શરૂ થયો. કંપની કમાંડર સ્તબ્ધ થઇ ગયા, કારણ કે તેમણે તાળી વગાડી નહોતી. ‘તાળી’ વગાડનાર હતા તેમના હવાલદાર, જેમનાથી તમાકુની તલપ રોકાઇ નહિ. હથેળીમાં તમાકુ-ચૂનો રગડી, ‘માવો’ મોઢામાં મૂકતા પહેલાં ટેવ મુજબ તેના પર ટપલી મારી, જેનો અવાજ તાળી જેવો નીકળ્યો, અને....

કંપની કમાંડર કાબેલ હતા. બ્રિગેડ કમાંડરના સવાલના જવાબમાં તેમણે કહ્યું, “મારૂં ઘડિયાળ થોડું ફાસ્ટ ચાલે છે તેનો ખ્યાલ ન રહ્યો. અમે અમારો ટાઇમ મારા ઘડિયાળ પ્રમાણે ‘સિંક્રોનાઇઝ’ કર્યો હતો.”

હુમલો સફળ થયો અને કંપની કમાંડરને પ્રમોશન મળ્યું. પણ હવાલદારની ખેર નીકળી ગઇ!

***
અહીં સરકારી ચેતવણી આપી દઉં! તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ લેખ તમાકુ કે તેની ટેવના વખાણ કે તેને ઉત્તેજન આપવા માટે લખાયો નથી.