Sunday, July 3, 2011

GYPSY'S DIARY - જીપ્સીની 'ઇન્ટરફીન્ટર' સર્વિસ

માણસને તરતાં આવડતું હોય કે ન હોય, પાણીમાં ઝંપલાવ્યા બાદ એક વાર તો તે સપાટી પર આવી જાય છે. ત્યાર પછી હાથ પગ પછાડી તરતા રહેવા માટે પ્રયત્ન તેમણે જ કરવા પડે છે. નવમા ધોરણમાં હતો ત્યારે અમને એક પાઠ હતો મહારથી કર્ણનો. રાજપુત્રોની સામે ધનુર્વિદ્યાની હરિફાઇમાં આવ્યો ત્યારે તેને પૂછવામાં આવ્યું, તે કયા કૂળનો છે. તેણે જે જવાબ આપ્યો તે ‘જીપ્સી’ને કાયમ માટે યાદ રહી ગયું.

“दैवायत्तं कूले जन्मम् मदायत्तं तु पौरूषम्।” (કયા કૂળમાં જન્મ આપવો એ નસીબને આધિન છે; પરંતુ પુરૂષાર્થ મારે આધિન છે.)

સરકારી નોકરીમાં આશા હતી કે કર્તુત્વશક્તિને આધારે બે વર્ષમાં બ્રિટનની સિવિલ સર્વિસમાં તેમણે જ જણાવેલા પદોન્નતિના નિયમ મુજબ પ્રથમ વર્ગના અફસર - EO (એક્ઝેક્યટીવ અૉફિસર) બની શકાશે. વળી ખાતા તરફથી પ્રસિદ્ધ થતા અંગ્રેજી ત્રિમાસીકમાં જીપ્સીના અંગ્રેજી લેખ પ્રસિદ્ધ થતા હતા અને વખણાતા હતા. એક વર્ષ બાદ થયેલા Job Appraisal Reviewમાં જીપ્સીના કામની સિનિયર એક્ઝેક્યુટીવ અૉફિસરે ઘણી સરાહના કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એક વર્ષ બાદ ઉપરની જગ્યા માટે ચાન્સીઝ કેવા છે ત્યારે તેમણે કહ્યું, “જો નારન, તને ખોટા ખ્યાલમાં નહિ રહેવા દઉં. સાત-આઠ વર્ષની સર્વિસ પહેલાં એક્ઝેક્યુટીવના પ્રમોશનનો વિચાર વ્યર્થ છે.“ (Narenનો ઉચ્ચાર તેઓ ‘નારન’ કરતા. તેમનું જોઇ મારી ગુજરાતી સાથી બહેનો મને માનથી ‘નારણભાઇ’ કહીને બોલાવતી!) સિવિલ સર્વિસમાં મળતા પ્રમોશન અંગે અમારા એક દૂરના સગા EOના પદ પર હતા તેમને વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તેમને ૧૫ વર્ષની સર્વિસ બાદ આ સ્થાન પર પ્રમોશન મળ્યું હતું.

જીપ્સીની ઉમર ૪૮ થવા આવી હતી. પદ અને વેતનની વૃદ્ધી માટે તે આટલી રાહ જોવા તૈયાર નહોતો. તેણે બીજી નોકરી શોધવાની શરૂઆત કરી. અંતે તેને સ્થાનિક કાઉન્સિલ દ્વારા અપાતા ફંડીંગથી ચાલતી એક NGO સંસ્થામાં સિનિયર અૉફિસર ગ્રેડ ૧માં કમ્યુનિટી ડેવેલપમેન્ટ અૉફિસરની નોકરી મળી. આ સંસ્થા ભારતીય ઉપખંડમાંથી આવતા સિનિયર સિટીઝન્સ માટે ચાલતા એક ડે-કેર સેન્ટરના મૅનેજરનું કામ સંભાળવા ઉપરાંત આપણા સમાજના વૃદ્ધજનો માટે કાઉન્સિલ તરફથી મળતી સેવાની તેમને માહિતી આપી તેમના વતિ કાઉન્સિલના સમાજ સેવા વિભાગ સાથે liaison તથા coordination કરવાનું હતું. સંસ્થાના જનરલ સેક્રેટરી (સ્વ.) શ્રી. કાન્તિભાઇ અમીન હતા. તે સમયે બ્રિટનમાં ચાલતી આપણી ગુજરાતી સંસ્થાઓના જનરલ સેક્રેટરી તેમની સંસ્થાને યુનાઇટેડ નેશન્સની સમકક્ષ નહોતા ગણતા અને પોતાના પદને 'જનરલ સેક્રેટરી' જણાવી સંતોષ માનતા હતા. કાન્તિકાકા કેન્યાની સિવિલ સર્વિસમાં ઊંચા પદ પર બાહોશ અફસર તરીકે પ્રખ્યાત હતા. રિટાયરમેન્ટ બાદ બ્રિટનમાં તેમણે આપણા સમાજ માટે ઘણું કામ કર્યું. તેમના અથાગ પરિશ્રમને કારણે તથા ડિપાર્ટમેન્ટ અૉફ ઇન્વાયર્નમેન્ટ સમક્ષ તેમણે કરેલા પ્રેઝન્ટેશનથી પ્રભાવિત થઇ બ્રિટનની સરકારે સંસ્થાને મકાન લેવા માટે ૧૯૮૩માં એક લાખ પાઉન્ડ આપ્યા હતા. તેમના પ્રયત્નથી મકાન લેવાયું, સભ્યોના ઉપયોગ માટે તેમાં કરવા જોઇતા adaptations કરાવવાની શરૂઆત કરી અને લગ્ન પ્રસંગે ભારત ગયા. સંસ્થાની કાર્યપ્રવૃત્તિ તેમણે કરેલા પ્રેઝન્ટેશન પ્રમાણે થાય છે કે નહિ તે જોવા માટે સરકારના મિનિસ્ટર સર જૉન યંગ આવ્યા. અમે સૌએ મળીને તે દિવસનો કાર્યક્રમ એવી રીતે યોજ્યો, સર જૉન ઘણા જ પ્રભાવિત થયા અને તે પ્રમાણે તેમણે પત્ર લખીને જણાવ્યું પણ ખરૂં.
અહીં એક મજાની વાત કહીએ. સર જૉન યંગ માર્ગરેટ થૅચરની સરકારમાં કૅબીનેટના મિનિસ્ટર અૉફ સ્ટેટ હતા. આપણે તો બાપુ ભારતની પરંપરા મુજબ તેને VVIP ગણી સ્થાનિક હાર્લસ્ડન પોલિસ સ્ટેશનમાં ખબર કરી પોલિસ વ્યવસ્થા કરવા ફોન કર્યો.
“અમે આવી કોઇ વ્યવસ્થા નથી કરતા. આમ તો સર જૉને આપણી કાઉન્સિલમાં ત્રણ દિવસથી ઘણી સંસ્થાઓની મુલાકાત લીધી, પણ પોલિસ બંદોબસ્તની વિનંતિ કરનારા તમે પહેલા જ નીકળ્યા!”
સર જૉન આવ્યાત્યારે ન તો તેમની આગળ કોઇ ‘આઉટરાઇડર્સ’ હતા, ન કોઇ એસ્કોર્ટ. એક સાદી સરકારી મોટરમાં આવ્યા, અને તેમની સાથે કેવળ તેમના સેક્રેટરી હતા. તેમના ડ્રાઇવરે નજીકમાં પાર્કીંગ ન હોવાથી દૂર જઇ ગાડી પાર્ક કરી. આપણા દેશમાં આવું થઇ શકે? વર્ષો પહેલાં દુકાળની સ્થિતિનું નિરીક્ષણ કરવા બનાસકાંઠામાં ભારત સરકારના મિનિસ્ટર અૉફ સ્ટેટ શ્રી. કે.સી. પંત આવ્યા હતા. ડીસાની અૅર સ્ટ્રીપ પર SRPની સો જવાનોની કંપની, બનાસકાંઠાના ડીએસપી, કલેક્ટર અને BSF તરફથી જીપ્સી, તેના સાથી અફસર અને અમારા જવાનોની એક પ્લૅટૂનને ત્યાં સિક્યોરિટી માટે હાજર રહેવાનો હુકમ ઠેઠ દિલ્હીથી આવ્યો હતો. કહેવાય છે કે સ્વીડનના વડાપ્રધાન ખાનગી કામ માટે નીકળે તો પોતાની કાર પોતે ચલાવીને લઇ જાય છે. ન કોઇ સિક્યુરિટી, ન કોઇ આડંબર.
સર જૉનની મુલાકત પતી ગઇ અને જીપ્સીનું કામ શરૂ થયું. તેણે જોયું કે સંસ્થામાં ત્રણ મુખ્ય પ્રવૃત્તિઓ ચાલતી હતી. ‘ડે કૅર’ માટે ભેગા થતા વડીલો પત્તાં, કૅરમ રમે અથવા ત્યાં મંગાવાતા અખબાર અને સામયીકો વંાચે. બીજી મહત્વની પ્રવૃત્તિ ઇંદુબહેન પટેલ નામના બહેને બપોરના ભોજનની શરૂ કરી હતી. આમ તો કાઉન્સિલની જવાબદારી હતી કે જે વૃદ્ધો તેમની શારીરિક હાલતને કારણે રસોઇ ન બનાવી શકે તેમને ઘેર ભોજન મોકલવામાં આવે. જેઓ એકલા રહેતા હોય, તેમને ડે કેર સેન્ટરના ‘લંચ ક્લબ’માં તૈયાર ભોજન નજીવી કિંમતે પૂરૂં પાડવામાં આવે.
ભારતીય વડીલો માટે દેશી ભોજન રાંધવાની કાઉન્સિલના મુખ્ય રસોડામાં કોઇ સુવિધા નહોતી. ઇંદુબહેને સંસ્થાના કો-ઓર્ડીનેટર કલ્પના પટેલની સાથે એશિયન એલ્ડર્સ ગ્રુપના કિચનમાં રસોઇ કરવાની જવાબદારી ઉપાડી લીધી. કાઉન્સિલે વાસણ તથા જોઇતી બધી સાધનસામગ્રી આપી. કિચન શરૂ થયું અને રોજ બપોરે દાળ-ભાત શાક રોટલીનું ભોજન તથા બપોરની ચ્હા ફક્ત ૬૦ પેન્સમાં આપવાનું શરૂ થયું. ત્રીજી પ્રવૃત્તિ દર ઉનાળામાં બે કે ત્રણ ડે-ટ્રીપ માટે બ્રાઇટન, બ્લૅકપૂલ વ. જેવી જગ્યાએ સહુ સભ્યોને ફક્ત બે પાઉન્ડની ફી લઇને ફરવા લઇ જવાની હતી.
હવે જીપ્સીએ નવી પ્રવૃત્તિઓ શરૂ કરી. સૌથી મહત્વની હતી સલાહ-કેન્દ્ર સ્થાપવાની. બ્રિટન વેલ્ફૅર સ્ટેટ છે, જેમાં રાજ્ય સઘળા નાગરિકોની cradle to grave સુધીની બધી જવાબદારી ઉઠાવી લે છે. ફક્ત પોતાના હક્કના બેનિફીટની માગણી નાગરિકે પોતે કરવાની રહે છે. મોટા ભાગના આપણા વડીલોને અંગ્રેજી આવડતું ન હોવાને કારણે તેઓ જાણતા નહોતા કે તેમને શું શું મળી શકે છે. ક્યાંકથી તેમને જાણવા મળે કે અમુક જાતનો બેનિફીટ તેમને મળી શકે છે, તો તે માટે ભરવા પડતા ફૉર્મ અંગ્રેજીમાં હોવાથી તેઓ તે ભરી શકતા નહોતા.
બ્રિટનમાં દેશભરમાં Citizens’ Advice Bureau નામથી પ્રસિદ્ધ NGO ક્ષેત્રમાં સલાહકેન્દ્રો ચાલે છે. તે સમયે તેમની પાસે આપણી ભાષા બોલનારા કાર્યકરો નહોતા તેથી ત્યાં પણ આપણો નિભાવ નહોતો થતો. મોટા ભાગના નાણાંકીય બેનિફીટ સરકારના (તે સમયે ઓળખાતા) DHSS તરફથી મળે. આ ખાતામાં જીપ્સીએ કામ કરેલું હોવાથી ત્યાંની કાર્યપ્રણાલીથી તે વાકેફ હતો. ત્યાં આપણા દેશના કર્મચારીઓ કામ કરતા હતા, પણ... જવા દો. ત્યાંથી નિરાશ થઇને પાછા આવેલા અમારા client દેવયાની બહેનના કહેવા પ્રમાણે “ઇ તો ઇન્ટરફીન્ટર લાવવાનું કહે છે, ઇ ક્યાંથી લાવીએ?”
આપણા લોકોની આ દિશામાં તાતી જરૂર હોઇ જીપ્સીએ એલ્ડર્સ ગ્રૂપમાં સલાહ કેન્દ્ર શરૂ કર્યું. બીજી સેવા શરૂ કરી તે વિનામૂલ્યે ઇન્ટરપ્રીટર આપવાની. જરૂર પડે તો સરકારી ખાતામાં ‘ઇન્ટરફીન્ટર’નું કામ કરવા ક્લાયન્ટને લઇ જવાનું કામ જીપ્સીએ શરૂ કર્યું. અહીં કલ્પના પટેલે બહુમૂલ્ય સાથ આપ્યો.
સલાહ કેન્દ્રનું કામ સહેલું નહોતું. આના માટે સરકાર તરફથી કેટલી જાતના બેનિફીટ અપાય છે, તે લેવા માટે eligiility criteria તથા તે અંગેના જરૂરી કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. કેન્દ્ર શરૂ થયું. સોશિયલ સર્વિસીઝની સ્થાનિક અૉફિસ તરફથી referrals અંગે વિનંતિ આવવા લાગી. અમારૂં કેન્દ્ર (અમારા વિસ્તારમાં યુગાંડા તથા કેન્યાથી આવેલા લોકોની ભાષામાં) બુઢિયાઓ માટે હતું, પણ કચ્છથી આવેલાં ફૅક્ટરીમાં કામ કરનાર યુવાન ભાઇ બહેનો અમારા સલાહ કેન્દ્રમાં આવવા લાગ્યા.
એક વસ્તુ જીપ્સીની નજરમાં આવી કે પાકિસ્તાનથી આવેલા બ્રિટનના નાગરિકો અમારી સેવાનો લાભ નહોતા લેતા. આ દિશામાં અમે ખાસ પ્રયત્ન કર્યો અને સલાહ કેન્દ્રનો લાભ લેવા તેઓ આવવા લાગ્યા. જીપ્સીને ઉર્દુ તથા પંજાબી સારી રીતે બોલતા આવડતી હોવાથી તેમના 'ઇન્ટરફીન્ટર'નું પણ કામ શરૂ કર્યું.
આવતા અંકમાં સલાહ કેન્દ્રના કેટલાક રસપ્રદ અનુભવો જીપ્સી પ્રસ્તુત કરશે.

4 comments:

 1. ઈન્ટરફિન્ટર અને સલાહકાર બન્નેનાં કામ લોકોપયોગી અને સંપર્કોનો વિશાળ લાભ અપાવનારાં છે. તમારે ત્યાં તો સરવાના ભાવથી કરેલાં આવાં કામો પાછળ પૂરતી દાનત હોય તે સહજ છે, બાકી અહીં તો આ કામ હાથ પર લેનાર સંસ્થા અને એમાં “નોકરી” માટે જોડાનાર કર્મચારી બન્નેને માટે આ પ્રવૃત્તિ મોટા ભાગે યશ અને લાભ ખાટવાને માટેની જ હોય છે !!

  દીવાળીના દિવસોમાં બારણા ઉપર લખાતા બે શબ્દો તે શુભ–લાભ (શુભ દ્વારા લાભ) હોવા જોઈએ તેને બદલે લાભ–શુભ (લાભ હોય તો જ તે શુભ ગણાય !!) એવી વૃત્તિ જોવા મળે છે.

  જિપ્સીની રખડપટ્ટી અને ડાયરી બન્નેને સલામ.

  ReplyDelete
 2. ખુબ જ અગત્યનુ અને સ્તુત્ય કામ એટલે "ઈંટર ફીંટર" પારકા દેશ માટે. બહુ જ સરસ.

  ReplyDelete
 3. તમારો લશ્કરી મિજાજ અને કામ કરવાની૪ રીતે આમાં જણાઈ આવ્યાં.

  ReplyDelete
 4. એક વસ્તુ જીપ્સીની નજરમાં આવી કે પાકિસ્તાનથી આવેલા બ્રિટનના નાગરિકો અમારી સેવાનો લાભ નહોતા લેતા. આ દિશામાં અમે ખાસ પ્રયત્ન કર્યો અને સલાહ કેન્દ્રનો લાભ લેવા તેઓ આવવા લાગ્યા. જીપ્સીને ઉર્દુ તથા પંજાબી સારી રીતે બોલતા આવડતી હોવાથી તેમના 'ઇન્ટરફીન્ટર'નું પણ કામ શરૂ કર્યું.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar) Liked the Post.

  ReplyDelete