Showing posts with label Gypsy. Show all posts
Showing posts with label Gypsy. Show all posts

Thursday, January 29, 2009

નરેનની વાત

પ્રિય મિત્રો,

“જીપ્સીની ડાયરી”ને સ્વીકારવા માટે આપ સહુનો હાદર્દીક આભાર.

શ્રી. સુરેશભાઇ જાનીએ તેમના બ્લૉગમાં “બાઇ”નો ઉલ્લેખ કયર્યો, તે વાંચી આપના મનમાં આ પુસ્તક વિશે કદાચ પ્રશ્ન ઉપજશે. ટૂંકમાં કહીએ તો “બાઇ”ના એપીલોગમાં કૅપ્ટને લખ્યું હતું કે તે નરેનને કહેશે કે તે પોતાની વાત કહે, અને બને તો એક ‘ટ્રીલૉજી’ લખે. ખુશીની વાત છે કે નરેને કૅપ્ટનને પોતાની વાત કહી.

પહેલી ફેબ્રુઆરીથી જીપ્સીની ડાયરીમાં એક “સામાન્ય સ્ત્રી”ના અતિ સામાન્ય પુત્રની વાત કહેવાનો પ્રયત્ન થશે. નરેન એક અત્યંત સાધારણ માણસ છે. આપણા મહોલ્લામાં રહેનાર અને રોજ નજરે પડનાર યુવક, જેનું નામ પણ આપણે જાણતા નથી એવો માણસ. અચાનક આ યુવાન આપણી નજરથી ઓઝલ થઇ ગુમ થઇ જાય છે. તે ક્યાં ગયો, શું કરે છે - અથવા તેણે શું કર્યું તેની કોઇને જાણ નથી. લોકોમાં ઉડતી ઉડતી ખબર જાય છે કે તે ‘મિલીટ્રી’માં ગયો. બસ, વાત ખતમ. આગળ જતાં સરેરાશ ગુજરાતી યુવાનની જેમ ‘પરદેશ ખેડવા’ જાય છે. હવે તો તેને તેના જુના લત્તાના લોકો પણ જાણતા નથી. હા, “બાઇ”એ પોતાની જીવનકથા લખી, લોકપ્રિય થઇ, તેમાં તેમના આ સાધાારણ પુત્રનું નામ આવ્યું. આપ સમા સાહિયપ્રેમીઓ તેની વાત જાણવા ઉત્સુક થયા અને તેમાંથી જન્મી છે આ “ડાયરી”. અહીં તેના મુખ્ય પ્રેરણા-સ્રોતનો ઉલ્લેખ કયર્યા વગર રહી શકતો નથી: નવચેતન-કાર ચાંપશીકાકા ઉદ્દેશી, જનસત્તાના રમણભાઇ ભાવસાર, આચાર્યશ્રી દિલાવરસિંહજી જાડેજા અને ‘ડાયરી’ને મૂર્ત-સ્વરૂપ આપવાનું પરોક્ષ ઉત્તેજન આપવા માટે “ગદ્યસૂર”ના શ્રી. સુરેશભાઇ જાની. ડાયરી લખાઇ ગઇ અને તેનું ‘બ્લૉગ’માં પરિવર્તન કરવા અપ્રત્યક્ષ પ્રેરણા આપનાર છે “ચંદ્રપુકાર”ના ડૉ. ચંદ્રવદનભાઇ મિસ્ત્રી. આ છે ‘જીપ્સીની ડાયરી -બ્લૉગ’ની આભારવંદના.

નરેનની વાતમાં “બાઇ”ની જેમ કોઇ અસાધારણ કથા નથી. એટલું જરૂર કહી શકાશે કે એક સામાન્ય યુવાન કેવી રીતે સૈનિક થવા માટે પ્રવૃત્ત થયો, કેવી વિટંબનાઓમાંથી તેને પસાર થવું પડ્યું અને પોતાના અસ્તિત્વની ઓળખાણ પામવા માટે કેવી રીતે ઝઝુમવું પડ્યું તેની આ નાનકડી કથા છે. નરેનની વાતનું વજુદ “બાઇ” વિના અધુરું રહેશે. આપમાંથી કોઇએ “બાઇ” વાંચ્યું ન હોય, અને વાંચવાની ઇચ્છા હોય તો captnarendra@gmail.com પર ઇ-મેલ મોકલશો. નરેને મોકલાવેલ દસે’ક નકલ જીપ્સી પાસે છે, જે વિનામૂલ્યે first-come first-servedના ધોરણે ફક્ત ટપાલ ખર્ચના $2.00 લઇને મોકલવામાં આવશે.

ફેબ્રુઆરી ૧, ૨૦૦૯ના રોજ www.captnarendra.blogspotમાં પધારવા ‘જીપ્સી’નું આપને હાર્દિક નિમંત્રણ છે.


“જીપ્સીની ડાયરી”નો એક અંશ:
૧૯૬૫:
તે સમયે ઝાંસી ત્રણ વાતો માટે પ્રખ્યાત હતું. પ્રથમ તો અલબત્ વીરાંગના રાણી લક્ષ્મીબાઇ માટે. બીજું, વિશ્વમાં સૌથી વધુ ઉષ્ણ શહેરોમાં બીજા કે ત્રીજા નંબરના સ્થાન પર ઝાંસી છે, અને છેલ્લે, વિશ્વનું સૌથી લાંબું રેલ્વે પ્લૅટફૉર્મ પણ ત્યાં જ છે. ઝાંસીનું પ્લૅટફૉર્મ જગતમાં ભલે ખ્યાતનામ હોય, પણ તેના જેટલું વેરાન પ્લૅટફૉર્મ મને સાવર કુંડલાની નજીકનું વિજપડી સ્ટેશન પણ નહોતું લાગ્યું! ઉનાળાની સખત ગરમીમાં ઝાંસીના ઉજ્જડ પ્લૅટફોર્મ પર વિદાય આપવા અફસરોની તથા જવાનોની પત્નિઓ આવી હતી. આપણે સિનેમામાં જોઇએ તેનાથી તદ્દન જુદું આ દૃશ્ય હતું. અહીં નહોતું ખુલ્લું ભાવપ્રદર્શન, નહોતું એક બીજાને અપાતું ‘છેલ્લું’ આલિંગન કે રણ મેદાને જતા પતિને કંકુ-ચોખાનું તિલક! “મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ”ના કાવ્ય કે ભાવનગરના કૅપ્ટન જોરાવરસિંહજી બીજા વિશ્વયુદ્ધમાં ગયા તે વખતે ગવાયેલ ‘જોરૂભા સાયેબ, જરમર જીતીને વે’લા આવજો’ જેવાં ગીત કોઇ ગાતું નહોતું. સૈનિકની ઉચ્ચતમ પરીક્ષાની ઘડી યુદ્ધ હોય છે. વષર્ષોની ટ્રેનિંગ, કવાયત કયર્યા બાદ લડાઇ પર જવા સારૂ ટ્રેનમાં ચઢતાં પહેલાં શિસ્તબદ્ધ રીતે કરાતું અંગત શસ્ત્રોનું પરીક્ષણ, શરીર પર પરિધાન કરેલા યુનિફૉર્મની ઇઝ્ઝત અને યુદ્ધની તૈયારીમાં મક્કમ અને મજબૂત કરાયેલ મનમાં કે શરીરમાં આવી ઘડીએ ભાવનાઓને સ્થાન આપવા માટે સૈનિક પાસે જગ્યા હોતી નથી. તેમ છતાં માનવીના મનમાં શું ચાલી રહ્યું છે એ તો ફક્ત પરમાત્મા અને જે તે વ્યક્તિ જ જાણી શકે છે. સૈનિકોની વાત તો મેં અહીં કરી, પણ તેમને વિદાય આપવા આવેલ તેમની પત્નિઓના મનમાં શું ચાલતું હતું તેને કોણ પામી શક્યું હશે? નવવધુઓ, ગોદમાં ધાવણા બાળકને લઇ આવેલી સૈનિક પત્નિઓ અને તેમનાં ઘરડાં મા અને બાપ આ બળબળતી બપોરના વૃક્ષહિન ઝાંસીના સ્ટેશન પર તે સમયે શાંત ઉભા હતા. તેઓ ઉર્મિપ્રદર્શન કરી તેમના પતિ કે પુત્રના મનમાં કમજોરીનો ઓછાયો પણ આવવા દેવા માગતા નહોતા. બધા ગંભીર હતા.
૨૪મી એપ્રીલ ૧૯૬૫નો આ દિવસ હતો. અમારાં લગ્નને ફક્ત દોઢ મહિનો થયો હતો અને વિખુટા પડવાના સંજોગ અચાનક આવી ગયા હતા. પ્લૅટફૉર્મ પર અમે બન્ને જણા મૂક હતા. અમારા ટૂંકા લગ્નજીવનમાં ઉભા થઇ રહેલા પ્રસંગો એવી ત્વરીત ગતિથી બની ગયા કે અમે યુદ્ધની ભયંકરતા તથા કાયમનો બની શકે તેવા વિયોગનો વિચાર સુદ્ધાં કરી ન શક્યા. લડાઇમાં મને કશું અજુગતું થાય તો દિલાસો આપવા ટાંઝાનિયામાં રહેતા અનુરાધાના માતાપિતા હજારો માઇલ દૂરથી કદાચ આવી પણ ન શકે - આ બધી વાતો અનુરાધાની સમજમાં આવી નહોતી. તે એવી આઘાતજન્ય સ્થિતિમાં હતી કે મિલીટરી ટ્રેનમાં અમને ‘રવાના’ કરવાનો વિધી તે જોઇ તો રહી હતી, પણ તેના પરિણામોનો તેને જરા સુદ્ધાં અહેસાસ નહોતો. લડાઇની ભયાનકતા, અને તેની સાથે ઉદ્ભવતી જીવનની અનિશ્ચીતતાનો, એક પુત્રવધુ તરીકે તેના પર આવનારી જવાબદારીનો તેને કોઇ ખ્યાલ હતો કે નહિ તે કહેવું મારા માટે અશક્ય હતું. એ તો વિસ્મયના સાગરમાં ડુબી ગઇ હતી. હું પણ મારા જવાનોની સંખ્યા, કેટલા લોકો હાજર છે તેનું લિસ્ટ બનાવવામાં, મારી પ્લૅટુનની ગાડીઓ રૅક (સપાટ ડબાઓ) પર ચડાવાઇ છે કે નહિ તેની તપાસમાં, અને તેનો રીપોર્ટ કંપની કમાંડરને આપવાની ભાંજગડમાં એવો રોકાયો હતો કે અનુરાધાના મનમાં શું ચાલી રહ્યું છે, તેને હિંમત અાપવાની જરૂર છે આ વાતોનો વિચાર કરવા માટે હું અસમર્થ હતો. આ દેશમાં આમ જોવા જઇએ તો તે લગભગ એકાકિ હતી. તેની માતા, તેનાં ભાંડુઓ અને બાકીનો પરિવાર- બધાં દારેસલામ હતા. તેના વૃદ્ધ બાપુજી પાછા જવાનો પૅસેજ મળે ત્યાં સુધી બેલગામમાં તેમની બે નંબરની પુત્રી કુસુમબહેન અને તેમનાં રીટાયર્ડ કર્નલ પતિ સાથે રહેવાના હતા. અલબત, અનુરાધા માટે અમદાવાદ હતું, બા હતા, અને અમારું ઘર હતું તેમ છતાં મારા પરિવાર માટે તે હજી અજાણી વ્યક્તિ હતી. સાચું કહું તો તે સમયે મને આ બધી વાતોનો જરા જેટલો વિચાર નહોતો આવ્યો. આજે ચાળીસ વર્ષનાં વહાણાં વાયા બાદ આ લખવા બેઠો ત્યારે તેનો વિચાર કરું છું, અને મનમાં ધિક્કારની લાગણી ઉભી થાય છે: તે વખતે શું હું એટલો પાષાણ હૃદયનો હતો કે ઝાંસીના સ્ટેશન પર એકાકિ એવી અનુરાધાની ભાવનોઓનો મને લગીરે વિચાર ન આવ્યો? ઝાંસીના પ્લૅટફૉર્મ પર શું થઇ રહ્યું છે તે અમદાવાદમાં બેઠેલાં બાને જાણવા મળશે તો તેમને કેટલો આઘાત લાગશે? પોતાનો એક માત્ર સૈનિક દીકરો લગ્નના દોઢ મહિનાની અંદર જ યુદ્ધના મોરચે જવા નીકળ્યો હતો તેની માહિતી મળતાં તેમની સ્થિતિ કેવી થશે તેનો પણ વિચાર મને તે વખતે આવ્યો નહોતો. શું હું એટલો naive હતો કે મારી કંપની, મારી જવાબદારી, મારા આગળના કાર્યના વિચાર આગળ મને મારી માતા અને પત્નિનો પણ ખ્યાલ ન આવ્યો? મારૂં મન ક્યાં પરોવાયું હતું?
મિલીટરી સ્પેશીયલ ટ્રેન સૈનિકોથી ખીચોખીચ ભરાયેલી હતી. અપરિણીત અફસરો એક બીજા સાથે મજાક કરી રહ્યા હતા. કેટલાક સિગરેટની ધુમ્રસેરનો આધાર લઇ પોતાની ભાવના, પોતાના વિચારોને તન અને મનમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એટલામાં હરીશ શમર્મા અને તેનાં પત્નિ અમારી પાસે આવ્યા અને અમને કોઇ વાતની ચિંતા ન કરવા કહ્યું. હરીશે કહ્યું કે તેના વૃદ્ધ માતા પિતા જોધપુરથી એક બે દિવસમાં ઝાંસી આવી પહોંચવાના હતા. અનુરાધાનું અને મિસેસ શમર્માનું તેઓ દીકરીની જેમ ધ્યાન રાખશે તેથી મારે મારાં પત્નિની ચિંતા કરવાની નથી તેવું કહ્યું. એટલામાં ઇન્દ્રકુમાર પણ ત્યાં પહોંચ્યો અને જણાવ્યું કે એક અઠવાડીયામાં અફસરોની પત્નિઓને ઘેર જવા માટે ખાસ રીઝર્વેશન મળી જશે, અને અમારા ઓર્ડલર્લીની સાથે અનુરાધાને ઠેઠ અમદાવાદ સુધી મોકલવામાં આવશે. એટલામાં પહેલી સીટી વાગી, અને ટ્રેન કમાંડરે સૌને ટ્રેનમાં ચઢવાનો હુકમ આપ્યો. હવે ગાર્ડએ સિટી વગાડી. મિલીટરી સ્પેશીયલ માઇલો લાંબા પ્લૅટફોર્મને છોડી અજાણ્યા સ્થળે જવા નીકળી પડી.
ડબાના દરવાજામાં ઉભા રહી અનુરાધાનો ચહેરો લુપ્ત થાય ત્યાં સુધી હું હાથ હલાવી તેને વિદાય આપતો રહ્યો. ત્યાર બાદ લાંબા સમય સુધી હું ટ્રેનના બારણામાં ઉભો ઉંડા વિચારમાં ખોવાઇ ગયો. માણસ પૃથ્વી પર આવે તે પહેલાં તે શું અને કોણ હોય છે? ધરતી પર અવતરતાં પહેલાં પણ તે અવકાશમાં વિહરતો આત્મા હોય છે? સાંભળ્યું છે કે વ્યક્તિનો જન્મ થતાં પહેલાં તેના આત્મા પર કર્મ તથા સંબંધોના આવરણ ચઢી જતા હોય છે. નહિ તો અમુક જ પરિવારમાં તે શા માટે જન્મતા હોય છે? મનુષ્યના જન્મ પહેલાં તેના જીવાત્મામાં ઉમેરાય છે સ્નેહ સંબંધ, ઋણ સંબંધ, અપેક્ષા સંબંધ અને કમનસીબે જો અવતરેલો આત્મા સ્ત્રી તરીકે જન્મે તો તેના પર ચાર ગણા ભારનું આવરણ ચઢતું હોય છે. કન્યાની વાત કરીએ તો તેને હંમેશા એક વાતનો અહેસાસ કરાવાતો હોય છે કે તે પારકું ધન છે, દીકરી એટલે સાપના ભારા, અને...... બાની જ વાત જુઓને! જન્મ્યા ત્યારથી તેમણે કેટકેટલા ભાર ઉઠાવ્યા હતા! પાંચ વર્ષની વયે પિતાનું અવસાન, ૧૮-૧૯ વર્ષનાં થયા ત્યારે માતાનું છત્ર ખોયું અને ૨૯મા વષર્ષે વૈધવ્ય. ચાર સંતાનોને ઉછેરવાની જવાબદારી તેર વર્ષ સુધી એકલા પંડે ઉપાડી હતી. અને અનુરાધા? પરદેશમાં જન્મેલી અને સુખી પરિવારમાંથી આવતી આ યુવતિ દારેસલામમાં માતા-પિતા અને ભાઇબહેનોનો મોટો પરિવાર છોડીને એકલી ભારતમાં આવી હતી. ફક્ત દોઢ મહિના પહેલાં અમારા લગ્ન થયા હતા, અને હવે? હું તેને મિત્ર-પત્નિના આશ્રય પર છોડીને જઇ રહ્યો હતો. અમદાવાદ સુધીનો ચોવિસ કલાકનો પ્રવાસ તે એકલી કેવી રીતે કરી શકશે? ત્યાં ગયા પછી પણ તે કેવી રીતે રહેશે તેનો વિચાર કરવાની મારામાં હિંમત નહોતી. ડબાનું બારણું બંધ કરી મારા સાથીઓ પાસે જઇ બેઠો.
ટ્રેન પુરપાટ ઝડપે જઇ રહી હતી. મારા એકલાના જ નહિ, બા, અનુરાધા, મારી બહેનો, બધાંના જીવનની એક નવી યાત્રા શરૂ થઇ હતી. જીવનના પથ પર એક ડબાના પ્રવાસીઓની જેમ ભલે બધા સાથે પ્રવાસ કરતા લાગે, પણ પરમ સત્ય તો એ છે કે દરેક માણસ માટે જીવન પોતાની વ્યક્તિગત યાત્રા હોય છે. સંગાથમાં રહીને પણ દરેક માણસ એકાકિ હોય છે. મારા પરિવારની વાત કરું તો અમારા પ્રવાસની મંઝીલ ક્યાં છે તેનો ન તો મને ખ્યાલ હતો, ન મારા પ્રિયજનોને.
અત્યારે તો હું એક અજાણ્યા પથ પર એકલો પ્રવાસ કરી રહ્યો હતો.
મને બાબા સા’ના રૅકોર્ડ્ઝના સંગ્રહમાંનું પંકજ મલ્લીક’દાનું ગીત સાંભર્યું: કૌન દેસ હૈ જાના બાબુ, કૌન દેસ હૈ જાના? ખડે ખડે ક્યા સોચ રહા હૈ/સમજ ન આયે ઠિકાના.....
ખરે જ, આ જીવ ક્યાં જઇ રહયો હતો?

Tuesday, January 27, 2009

માનવતાનું મૂલ્ય

જીપ્સીની ડાયરીમાંથી......
માનવતાનું મૂલ્ય

૧૯૬૫માં તાશ્કંદની સંધિ બાદ અમારી આર્મર્ડ ડિવિઝન પાકિસ્તાનમાંથી પાછી આવી કાશ્મિરના સાંબા જીલ્લામાં પડાવ નાખીને અમારા શાંતિના સ્થળે જવાની તૈયારી કરી રહી હતી. તે દરમિયાન અમે કોઇ વાર સિનેમા જોવા જમ્મુ જતા. મારી બટાલિયનના કૅપ્ટન રામ પ્રસાદ શર્મા અમદાવાદમાં લાંબો સમય રહ્યા હતા તેથી ગુજરાતી સારૂં બોલતા. નવરાશના સમયમાં તેઓ મને મળવા આવતા અને પેટ ભરીને વતનની વાતો કરતા.
કૅપ્ટન શર્માનું એક યુનિટ વિજયપુરની નજીક હતું, અને ત્યાંથી જમ્મુ બહુ દૂર નહોતું. એક વાર તેમણે જમ્મુ જવાની પરવાનગી લીધી અને વળતાં તેમના યુનિટની મુલાકાત લેવાનું નક્કી કર્યું. હું પણ તેમની સાથે ગયો. જમ્મુમાં થોડી ઘણી ખરીદી કરી પાછા વળતાં યુનિટમાં ગાડી લેવાને બદલે તેમણે સડકના કિનારે જીપ પાર્ક કરી તેઓ ચાલતા જ તેમની પ્લૅટૂનમાં ગયા. હું જીપની બૉનેટ પર બેસી શિયાળાની સાંજના સૂર્યના કોમળ તડકાનો આસ્વાદ લેતો હતો. દસે’ક મિનીટ બાદ મેં વિજયપુરની શાળાના વિદ્યાર્થીઓને સાયકલ પર આવતાં જોયાં. મોટે મોટેથી વાતો કરતા બાળકોના ઉલ્લાસપૂર્ણ અવાજ સાંભળી હું તેમની તરફ જોતો રહ્યો. તેવામાં તેમની વિરુદ્ધ દિશામાંથી આવતા ૧૪મી ઇન્ફન્ટ્રી ડિવિઝનના ટ્રકને જોઇ બાળકોએ સાયકલો સડકને કિનારે ઉતારી. કિનારા પર કપચી પડી હતી, તેમાં એક બાળકની સાયકલ લપસી અને તે ટ્રકના મડગાર્ડ સાથે અથડાયો. અકસ્માતના આઘાતથી તે બેશુદ્ધ થયો અને તેના ગાલ પરથી લોહી વહેવા લાગ્યું. ટ્રક ડ્રાઇવર ગભરાઇ ગયો અને ત્યાંથી રફુચક્કર થઇ ગયો. મેં તેનો નંબર નોંધી લીધો. પાંચે’ક મિનીટ બાદ એ જ ડિવિઝનનો મિલીટરી પોલિસમૅન તેની મોટર સાયકલ પર આવી પહોંચ્યો. તેણે મારી પાસેથી સઘળી બિના જાણી, મારી પાસેથી પેલા ટ્રકનો નંબર લઇ પુરપાટ તેની પાછળ ગયો.
હું બાળકની હાલત જોઇ ચિંતામાં પડી ગયો. અમારા યુનિટનું અૅડવાન્સ ડ્રેસીંગ સ્ટેશન (નાના મોટા જખમની સારવાર કરવાનું કેદ્ર) ત્યાંથી ત્રીસ કિલોમીટર દૂર હતું, જ્યારે વિજયપુર કેવળ ત્રણ કિલોમીટર પર. ત્યાં થોભેલા એક બાળકને મેં પુછ્યું, “વિજયપુરમાં સરકારી દવાખાનું છે?”
“જી સાબ. ત્યાં સરકારી ડિસ્પેન્સરી છે. ચાલો હું તમને ત્યાં લઇ જઉં.”
આ વાત થતી હતી ત્યાં કૅપ્ટન શર્મા આવી પહોંચ્યા. તેમણે સમગ્ર હાલત જોઇને કહ્યું, “નરેન, આ આપણો પ્રૉબ્લેમ નથી. જીપમાં બેસ અને આપણે યુનિટમાં પાછા જઇએ. અહીં એક મિનીટ પણ રોકાવા જેવું નથી.”
“આ બાળકની હાલત જોઇ આપણે કેવી રીતે જઇ શકીએ? પહેલાં આપણે તેને ડિસ્પેન્સરીમાં પહોંચાડીએ પછી યુનિટમાં જઇએ તો કેવું?”
“સાંભળ, આ લફરામાં આપણે પડવું નથી. અહીંના લોકોને તું જાણતો નથી. આવા લુચ્ચા અને manipulative લોકો તને દુનિયાના કોઇ દેશમાં નહિ મળે,” કહી તેઓ જીપમાં બેઠા. અાખરે મારી વિનંતીને માન આપી તેમણે બાળકને વિજયપુર લઇ જવાનું નક્કી કર્યું. અમે બાળકને જીપના પાછળના ભાગમાં સૂવડાવ્યો, અને વિજયપુર તરફ જવા જીપ વાળવાનો પ્રયત્ન કરીએ તે પહેલાં બાળકના ગામના લોકોનું ટોળું દોડતું આવ્યું અને અમારી જીપને વિંટળાઇ વળ્યું. છોકરાનો બાપ બુમો પાડીને કહેવા લાગ્યો, “અરેરે! મારા દીકરાને મારી નાખ્યો! હવે તેની લાશનો નિકાલ કરવા આ મિલીટરીવાળા તેને ઉપાડી અહીંથી ભાગે છે. અરે ગામ લોકો, પકડો આમને! જ્યાં સુધી આ લોકો મને ‘મુઆવજો’ આપવાનું લેખિતમાં ન કબુલે ત્યાં સુધી તેમને જવા દેશો મા!” કહી તેણે પોક મૂકી અને અમારી જીપની સામે સુઇ ગયો!
મેં લોકોને પૂરી વાત કહી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અકસ્માત અમારી સાથે નહોતો થયો. અમે માણસાઇના સંબંધે બાળકને સરકારી ચિકિત્સાલયમાં લઇ જતા હતા. પણ કોઇ મારી વાત સાંભળવા તૈયાર જ નહોતું! અંતે એક ભલા માણસે મારી વાત સાંભળી. તેણે કહ્યું, “પહેલાં બાળકનો જીવ બચાવવાનો પ્રયત્ન કરીએ, ત્યાર પછી મુઅાવજાની વાત.” ‘મુઆવજો’ એટલે તેને થયેલા “નુકસાન”ની ભરપાઇ! આ માણસને પોતાના પુત્રનો પ્રાણ બચાવવા કરતાં મિલીટરી પાસેથી મોટી રકમ પડાવવી હતી! શર્માએ મારી તરફ અર્થપૂર્ણ રીતે જોયું. મારી પાસે બોલવા જેવું કશું રહ્યું નહોતું.
અંતે અમે બાળકને વિજયપુર લઇ જવામાં સફળ થયા. બાળકને શારીરિક નુકસાન ઓછું અને માનસિક આઘાત વધુ લાગ્યો હતો. વિજયપુરની ડિસ્પેન્સરીમાં તેને ઉતાર્યો તે પહેલાં જ તે ભાનમાં આવી ગયો! ડિસ્પેન્સરીમાં કમ્પાઉન્ડર હતો તેણે બાળકના જખમ પર ડ્રેસીંગ કર્યું. બાળક હવે પૂરેપૂરો હોશમાં આવી ગયો હતો તેથી અમે અમારા યુનિટમાં પાછા ગયા, પણ વાત ત્યાં પૂરી ન થઇ. બીજા દિવસે બાળકનો બાપ તથા તેનાં સગાં અમારા જનરલ પાસે પહોંચી ગયા. આ ચાલાક લોકોએ અમારી ગાડીનો ટૅક્ટીકલ તથા બ્રૉડ અૅરો (રજીસ્ટ્રેશન) નંબર નોંધી લીધો હતો! તેણે અમારી વિરુદ્ધ ફરિયાદ કરી કે તેના બાળકને ટક્કર માર્યા બાદ આર્મર્ડ ડિવિઝનના અફસર તેને મરેલો સમજી નાસી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા! યુદ્ધમાં ‘ફખ્ર-એ-હિંદ’નો ઇલ્કાબ જીતનાર બ્લૅક એલીફન્ટ ડિવિઝને ૧૯૬૫ની લડાઇમાં ઉંચું નામ કમાવ્યા બાદ દેશનો જ નાગરિક તેની સામે આવી ગંભીર ફરિયાદ કરે તે અમારા જનરલને મંજુર નહોતું. તેમણે પોતાના ADCને જાતે આની પૂરી તપાસ કરવાનો આદેશ આપ્યો. જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે અમે હાશ અનુભવી! અહીં મને અમારા રેજીમેન્ટલ મેડીકલ અૉફિસર ડૉ. પ્રમોદ મોહાન્તીની વાત યાદ આવે છે: “સર, સચ્ચાઇનો દીપક હંમેશા પ્રજ્વલીત રહે છે.”
આ બનાવ થયા બાદ લાંબા સમય સુધી મારા મનમાં તાત્વિક પ્રશ્ન પર તુમુલ્લ યુદ્ધ થયું. આવા પ્રસંગ જીવનમાં દરેક વ્યક્તિની સમક્ષ ક્યારેક તો આવતા જ હોય છે. લોકો ‘આ મારો પ્રૉબ્લેમ નથી, મારે તેમાં ઇન્વૉલ્વ નથી થવું, ક્યાંક હું પોતે મુસીબતમાં આવી પડું તો મને કોણ બચાવશે’ જેવી દ્વિધામાં આવી જઇ કશું ન કરે તો તેમને દોષ આપી શકાય? મારી પોતાની જ વાત કરૂં તો જ્યારે પેલા ઘાયલ અને બેહોશ અવસ્થામાં પડેલા બાળકને અમે જીપમાં મૂકતા હતા ત્યારે મારા પોતાના મનમાં તો બાળકને બચાવવા સિવાય બીજો કશો જ વિચાર નહોતો આવ્યો. હું કોઇ અફલાતુન પરોપકારનું કામ કરી રહ્યો છું કે મારો ‘આવતો ભવ’ સૂધારવાનો પ્રયત્ન કરૂં છું એવો ખ્યાલ પણ મગજમાં નહોતો આવ્યો. ફક્ત એક જ ઝંખના હતી કે બાળકને તાત્કાલિક ઉપચાર મળે અને તેનો જીવ બચી જાય. અાવી સંકટની સ્થિતિમાં તેના પિતાને ‘મુઆવજા’ની પડી હતી, અને જે રીતે અમારી જીપની સામે ચત્તો સુઇ ગયો હતો તે જોઇ હું ખરે જ હેબતાઇ ગયો હતો.
હળવી પળોમાં મને પંજાબની કહેવત યાદ આવે છે: “ભલાઇ કર, કુંએં વિચ્ચ ડાલ” - ભલમનસાઇ કરી તેને કુવામાં ફેંકો. અમારા માટે “ભલાઇ કર અૌર કુંએંમેં કૂદ,” જેવું થયું હતું!
લાંબા સમય સુધી આ પ્રસંગનો વિચાર કરતો રહ્યો અને ઘણી વાર એવા નિર્ણય પર આવ્યો કે ભવિષ્યમાં આવો બનાવ બને તો આગળ જવું નહિ. પરંતુ આત્મામાં રહેતા રામનો અવાજ આવ્યો કે આવા પ્રસંગે દૂર રહેવાની ભાવના જ માનવતાનાં મૂલ્યોનો અંત લાવશે.











Counters

Free Counter

Thursday, December 18, 2008

નિમિત્ત

મિત્ર!
"જીપ્સીની ડાયરી"માં આપનું સ્વાગત કરૂં છું.
કદાચ આપને વિચાર આવશે, ગુજરાતીમાં ઘણા સમૃદ્ધ બ્લૉગ્ઝ છે, તો એક વધુ બ્લૉગની શી જરૂર પડી?

ધન અને ઊદ્યોગની સમૃદ્ધિની વાત ન કરીએ તો પણ એટલું તો કહેવું જોઇશે કે સંસ્કૃતી અને સંસ્કારની સમૃદ્ધિ ગુજરાતની ઐતિહાસીક પરંપરા છે. આપણા દેશમાં વિજળીને ચમકારે મોતી પરોવતાં સંતોના અંતરમાં થયેલી દિવ્યતાની અનુભુતિ અને અનુભવોનો ખજાનો ભરેલો છે. તેમાંથી જન્મતા આવ્યા છે પ્રબંધ, કવિત, દર્શન, ભજન, કથા અને નવલકથા.

લાંબા સમય સુધી સૈનિક તરીકે ભારતની સશસ્ત્ર સેનામાં સીમા પર સેવા આપતી વખતે મને જીવનમાં સત્પુરુષોનો સહવાસ મળ્યો. વિવિધ પ્રદેશોમાં ચિત્ર-વિચીત્ર અનુભવો આવ્યા. સ્વ. આચાર્યશ્રી ડૉ. દિલાવરસિંહજી જાડેજાએ "લેફ્ટ-રાઇટ, લેફ્ટ-રાઇટ" કરનાર રાઇફલધારી સૈનિકને 'કૅપ્ટન નરેન્દ્ર'ના નામથી પોતાની વાત કહેવાનો મોકો આપ્યો અને તેની યાત્રા ચાલુ રહી.

આ બ્લૉગમાં કેવળ "જીપ્સીની ડાયરી" પ્રગટ કરવાનો ઊદ્દેશ નથી. આપનો સહકાર હશે તો અહીં આપની ડાયરીનાં પાનાં પણ ઊતારીશું. ગુજરાતી, અંગ્રેજી, હિંદી - કોઇ પણ ભાષામાં આપની વાત મોકલશો તો તેને બ્લૉગના સમય અને સ્થળની અનુકૂળતા પ્રમાણે આપણે સાથે વહેંચીને માણીશું.

"જીપ્સીની ડાયરી" એક નિમીત્ત છે, અાપ સૌને મળવાનું. આજે પ્રથમ અંકમાં આ સંદર્ભમાં "અખંડ આનંદ"માં પ્રસિદ્ધ થયેલ લેખ "નિમીત્ત" સાથે શરૂઆત કરૂં છું. આ બ્લૉગ તથા લેખ વિશે આપના વિચારો જરૂર મોકલશો.

આપનો,
કૅપ્ટન નરેન્દ્ર


નિમીત્ત
કિરણ ચતુર્વેદી મારા મિત્ર. વ્યવસાયે પોલીસ અધિકારી, પણ આચાર વિચાર તત્વજ્ઞાનીના. એક સાંજે સપ્તર્ષી તરફ મારૂં ધ્યાન દોરી મને પૂછ્યું, “ મિત્ર, આ તારક સમૂહનો આકાર તમને એક મોટા પ્રશ્નચિહ્ન જેવો નથી દેખાતો?
તે રાત્રે જીવનમાં પ્રથમવાર સપ્તર્ષીને મેં નવા દૃષ્ટિબિંદુથી જોયા. અને સાચે જ, મને તે વિરાટ Question mark ના આકાર જેવા દેખાયા. ઋષીમંડળના આ નવદર્શનમાં એક નવું પરિમાણ એ પણ દેખાયું કે તેમાંના પ્રથમ બે ઋષી - અત્રી અને ભારદ્વાજની સીધી દૃષ્ટી અવિચળ સત્ય સમા ધ્રુવ પર મંડાઇ છે. ત્યાર પછી જયારે જયારે સપ્તર્ષિનું દર્શન થતું, તેઓ નવા નવા પ્રશ્ન પૂછતા હોય તેવું લાગ્યું.
માનવજાતીની પ્રત્યેક વ્યક્તિને તેના જીવનના નિમીત્ત વિશેનો આ પ્રશ્ન છે?
શું તેઓ અમને આપણા જીવનની સમસ્યાઓનો ઉત્તર શોધવા આહ્વાન તો નથી આપી રહ્યા?
અંતિમ સવાલ: જીવનની સમસ્યાઓનો ઉકેલ ક્યાં મળશે તેનો પણ સંકેત સપ્તર્ષી પાસે છે?
એક વાર આવી જ રીતે સપ્તર્ષીનાં દર્શન કરતી વેળા મનમાં પ્રશ્ન ઊઠ્યો. માણસો એક બીજાના જીવનમાં શા માટે આવતા હોય છે? આવા મેળાપનું કોઇ પ્રયોજન હોય છે? કોઇ વાર એકાદ માણસ આપણા જીવનમાં થોડા સમય માટે સ્નેહ સંગાથ આપી, અણીના સમયે મદદ કરી અચાનક ‘આવજો’ પણ કહ્યા વિના આપણા જીવનમાંથી ચાલ્યા જાય છે. આપણને ‘થૅંક યૂ’ કહેવાની પણ તક નથી આપતા! આ શું કેવળ કર્મની કે ગયા ભવની લેણાદેણી હોય છે? આવા મિલન, પુનર્મિલન, અલ વિદા અને દુ:ખમય લાગતા સંબંધ-વિચ્છેદ પાછળ વિધિનો શો હેતુ હશે? મને આનો જવાબ ન મળ્યો. મેં સપ્તર્ષીને પૂછી જોયું, પણ તેઓ હંમેશની જેમ મરક મરક સ્મિત કરી કહેતા હતા, “જવાબ મળશે. જરા ખમી જા!”
દાયકાઓ વિતી ગયા અને એક દિવસ mass circulationમાં એક અજાણી વ્યક્તિએ લખેલ કેવળ ૨૦૦ શબ્દોની ઇ-મેલમાં કેવળ મારા જ નહિ, જગતની અનેક વ્યક્તિઓના મનમાં ઊઠતા સવાલનો જવાબ હતો. આપણા સૌનાં એકબીજા સાથેનાં મિલન અને જુદાઇની ઉપરછલ્લી સપાટી પર ભાવ-વિહીનતા ભલે દેખાતી હોય, પણ તેની પાછળ પરસ્પરનાં હૃદયના ઊંડાણમાં સમાયેલી વ્યથા, કરૂણા, કૃતજ્ઞતા તથા સ્નેહને જોવાનો તેમાં અણસાર હતો.
આ અજાણ્યા લેખક કહે છે:
“તમારા જીવનમાં અનેક વ્યક્તિઓ આવશે. તેમાંના કેટલાક એક નિશ્ચીત પ્રયોજન પૂરતા આવે છે. કેટલાક આપણા જીવનના કાળચક્રની એકાદ ઋતુ પૂરતા સાથે રહેશે. ફક્ત થોડી જ વ્યક્તિઓ લાંબા સમય માટે કે જીવનભરનો સાથ આપવા આવે છે.
“કેટલીક વ્યક્તિઓ આપણા જીવનમાં ઊભી થતી વ્યક્ત કે અવ્યક્ત પણ તીવ્રતાથી ભાસતી આવશ્યકતા પૂરી પાડવા આવે છે. જાણે મુશ્કેલીની ઘડીમાં આપણે પરમાત્મા પાસે કરેલી પ્રાર્થનાના જવાબમાં ન આવ્યા હોય! આપણી તકલીફના સમયમાં કોઇ વાર તો તેઓ અચાનક આવી, જરૂરી સહાયતા આપવા ઊપરાંત આધ્યાત્મિક કે ભાવનાત્મક આધાર આપતા હોય છે. સાચી વાત તો એ છે કે તેઓ આપણી પાસે ખાસ પ્રયોજન માટે જ આવતા હોય છે. આવી કલ્પનાતીત સહાય કરનાર દૈવી વ્યક્તિ આગળ આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ, તેમનો આદર કરવાનો વિચાર કરીએ તે પહેલાં જ તેઓ એવું કશું કહી દેશે કે તેમની સાથેના આપણા અલ્પ સમયના સંબંધનો વિચ્છેદ થઇ જશે. આપણી કોઇ ભુલ ન હોય, આપણા માટે સમય પ્રતિકુળ લાગતો હોય અને આપણને આ વ્યક્તિની હજી પણ જરૂર છે એવું લાગતું હોય તેમ છતાં તે આપણા જીવનમાંથી કાયમ માટે જતા રહે છે,
“કોઇ કોઇ વાર તો તેમનું વર્તન કઠોર લાગે અને મનદુ:ખ થઇ જાય. આવી હાલતમાં આપણે વિચાર કરવો જોઇએ કે તેઓ આપણા જીવનની અગત્યની જરૂરિયાત પૂરી પાડવા આવ્યા હતા. તેમને આપણી પાસે મોકલીને પરમાત્માએ આપણી પ્રાર્થના સાંભળી હતી. તેની અણધારી વિદાયથી દુ:ખમાં દિવસો વિતાવવાને બદલે તેમની ઊપસ્થિતિને પ્રભુની પ્રસાદી તરીકે સ્વીકારીએ તો મન ઊપરનો બોજ હળવો થઇ જશે. તેમના પ્રત્યે મનમાં રંજ નહિ રહે. પરમાત્માની કૃપા સમાન આ વ્યક્તિ આપણી જરુરિયાત પૂરી કરવાના નિમીત્તે જ આવ્યા હતા અને પોતાની ફરજ નિભાવીને ચાલ્યા ગયા છે. આપણા જીવનમાં તેમની અલ્પ-શી હાજરીની ધન્યતા અનુભવી આપણા માટે આગળ વધવાનો સમય આવી ગયો છે. ઇતિહાસમાં જીવવાને બદલે વર્તમાનમાં જીવો અને ભવિષ્ય તરફ પદસંચાર કરશો. Move on!
“કેટલાક લોકો આપણા જીવનમાં લાંબા સમય માટે, એક લાંબી ઋતુ માટે સંગાથ આપવા આવે છે. આ સમય છે તેમની પાસેથી કશું’ક શીખવાનો. તેમની છત્રછાયામાં તેમના માર્ગદર્શનન નીચે વિકાસ સાધવાનો. આ ભદ્રલોક આપણી સાથેના પાંચ-સાત વર્ષના સહવાસમાં અનુપમ શાંતિ, અપૂર્વ આનંદ અને ખુશીની અનેક પળો આપતા હોય છે. અભાવિત રીતે તેઓ આપણને એક નવી વિદ્યા, કળા શીખવતા હોય છે, અથવા એક નવો દૃષ્ટિકોણ કેળવી આપતા હોય છે. તે સમયે તેમની હાજરીના મહત્વનો ખ્યાલ અાપણામાંના ઘણાં લોકોને આવતો નથી. જ્યારે તેઓ આપણા જીવનમાંથી જતા રહે છે ત્યારે સમજાય છે કે તેઓ આપણા જીવનમાં આવેલી વ્યથાની અસહ્ય ક્ષણોમાં શીતળતા અને રાહત આપવા આવ્યા હતા. તેઓ પોતાનું કામ કરીને ચાલ્યા જાય તો તેમની વિદાયનો શોક ન કરશો. તેમની સ્મૃિતને હૃદયમાં સાચવીને ઉષ્મા અનુભવજો અને આગળ વધજો. તેમની યાદ કહેશે, ભૂતકાળમાં ન રહેશો. Move on!
“આપણા જીવનમાં ફક્ત થોડી જ વ્યક્તિઓ જીવનભરનો સાથ આપવા માટે આવે છે. તેમની સંવેદનશીલતા અને તેમના ભાવનાત્મક અનુબંધ પર આપણા જીવનના પાયા મજબૂત થઇ તેના પર આપણા જીવનનું ચણતર થતું હોય છે.
“ચિરકાળનો સંગાથ આપનાર આ વ્યક્તિ પરત્વે આપણું એક કર્તવ્ય હોય છે - તેમણે અાપેલ સ્નેહનો સ્વીકાર કરી તેમને આપણા અંતરનો સાચો સ્નેહ આપવાનું. તેમની પાસેથી પ્રાપ્ત કરેલ નિ:સ્વાર્થ સ્નેહની ભાવનાને જીવનમાં ઊતારી, તેને આપણા જીવનમાં આવેલ વ્યક્તિઓમાં વહેંચવાની આપણી ફરજ બને છે.
“તમે આ કરી શકશો?
“કરી બતાવશો?
“તમારી સાથેનો પ્રેમ-સંબંધ અને સ્નેહાનુબંધ છે, તેને લક્ષ્યમાં રાખી હું તમને કહું છું કે મારા જીવનમાં આવીને તમે મારા અસ્તીત્વનો અંશ બન્યા છે. મને જે સ્નેહ અને મૈત્રી આપ્યા છે તે માટે હું તમારો અંતરથી આભાર માનું છું. તમારો ઋણી છું. આ સંદેશ તમારા સંપર્કમાં રહેલ દરેક વ્યક્તિને આપશો. જેમણે તમને આ સંદેશ મોકલ્યો છે, તેને પણ કહેજો, ’મારા જીવનમાં જે નિમીત્ત લઇને તમે આવ્યા, જેટલો સમય મારા જીવનમાં રહ્યા તેનાથી અમે ધન્ય થયા. તમારા સત્સંગના ઋણનો હું સ્વીકાર કરૂં છું.”

જીપ્સીનો કિરણ ચાતુર્વેદીને પણ સંદેશ છે. મારા અંતર્મનમાં તમે મૂકેલા સપ્તર્ષીના પ્રશ્નચિહ્નનો ૩૫ વર્ષ બાદ જવાબ મળ્યો. ગુજરાતના રણપ્રદેશમાં તમારી સાથે થયેલી મુલાકાતનું નિમીત્ત ઠેઠ હવે જાણ્યું, અને સપ્તર્ષીની દૃષ્ટીપથમાં જ ઊત્તર સમાયો છે તે પણ સમજાયું.

તમે ક્યાં છો તે હું જાણતો નથી, પણ જો તમારા વાંચવામાં મારો આ પત્ર આવશે તો કદાચ તમને અનુભુતિ થશે કે તમારા જીવનમાં એક નાનકડી ઋતુ પુરતા આવેલા એક સૈનિકના જીવનમાં તમે જીવનભરની ધન્યતા ભરી આપી છે. તમારા ઋણનો હું સ્વીકાર કરૂં છું.

નોંધ: અખંડ આનંદમાં પ્રસિદ્ધ થયેલા ‘જીપ્સી’ના લેખની આ સંક્ષીપ્ત સંસ્કરણ છે. શ્રી.કિરણ શંકર ચાતુર્વેદી,IPS ગુજરાતના ડાયરેકટર જનરલ અૉફ પોલીસના પદ પર રિટાયર થયા.