Saturday, September 18, 2021

૧૯૭૧ - યુદ્ધનાં એંધાણ...

      ગઇ પોસ્ટમાં જણાવ્યા મુજબ પાકિસ્તાની સેનાની ટુકડીએ અમારી શેરપુર ચોકીની આસપાસ નિરિક્ષણ કર્યું તેવી જ રીતે તેમણે અમારી કંપનીની પશ્ચિમમાં આવેલી 'એકો' (Echo) કંપનીના બુર્જ અને ફતેહપુર નામની ચોકીઓ તરફ પણ ટુકડીઓ મોકલી હતી. તેમ છતાં અમારા ઑપરેશનલ કમાંડરને દુશ્મનના ઇરાદાનો પૂર્ણ ખ્યાલ નહોતો આવ્યો!  અમને એક વાત તો જરૂર જણાઇ કે રાવિ નદી સુધી આવેલી દુશ્મનની ટુકડીનો આશય અમારી ચોકીઓ પર હુમલો કરવાનો હતો. તે સિવાય તેઓ આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગીને અમારી ચોકીના strategic point - નૌકા લાંગરવાના સ્થળનું નિરિક્ષણ કરવા ટુકડી ન મોકલે. આની પાછળ તેમના બે ઉદ્દેશ હોઇ શકે : એક તો શેરપુર ચોકી પર હુમલો કરી તે કબજે કરવી અને નૌકા લાંગરવાના સ્થાન પર અગાઉથી કબજો કરવો જેથી ભારતના mainland તરફથી આવનારી કૂમકને રોકી શકાય.થનારી આગેકૂચને રોકી શકાય. બીજો ઉદ્દેશ : શેરપુર ચોકીની પશ્ચિમનો વિસ્તાર જ્યાં રાવિનાં વહેણ તેમની સીમાની અંદર વળતાં હતાં, તે પાર કરી, તે દિશામાંથી ભારત પર હુમલો કરવો. શેરપુર ચોકી તેમના ડાબા પડખામાં આવતું હોઇ, તેના પરનો કબજો તેમની સેનાની તે દિશા સુરક્ષિત રહે. એક વાત સ્પષ્ટ હતી કે  પાકિસ્તાન તરફથી થનારા આક્રમણની પૂર્વ તૈયારી હતી. અમારા સી.ઓ.એ તેવો રિપોર્ટ બ્રિગેડ કમાંડરને મોકલ્યો. તેમણે શેરપુર ચોકીમાં ઇન્ફન્ટ્રીના એક લેફ્ટેનન્ટ તથા દસ સૈનિકો મોકલ્યા અને ચોકીની રક્ષાપંક્તિ થોડા અંશે મજબૂત કરી.

    બટાલિયન હેડક્વાર્ટર્સમાં ગયા બાદ મારી ડ્યુટી બે અફસરોની હતી : ઍજુટન્ટ (Adjutant) તથા ક્વાર્ટરમાસ્ટરની. એક દિવસ સવારે અમારી Operations Roomમાં બૉર્ડર પરથી આવેલા sitrep જોતો હતો ત્યાં અમારા સી.ઓ. આવ્યા. તેમણે કહ્યું,  નરિન્દર, આપણા ડિવિઝનલ કમાંડરે જણાવ્યું છે કે આજે દસ વાગે આપણા સેક્ટરની સઘળી બ્રિગેડ્ઝના ઑફિસરોની મિટિંગ આપણા હેડક્વાર્ટરમાં યોજવાની છે. લગભગ ૫૦ જેટલા અફસરોને સંબોધવા આર્મી ચીફ જનરલ સૅમ માણેકશૉ આવી રહ્યા છે. સુબેદાર મેજર માનસિંહે એક બૅરૅક ખાલી કરી છે અને ત્યાં ખુરશીઓ ગોઠવી રહ્યા છે. I am sorry,  મિટિંગમાં BSFના અફસરોને બોલાવવામાં નથી આવ્યા. બ્રિગેડ કમાંડરે કહ્યું છે કે આ ફક્ત આર્મી ઑફિસર્સની મિટિંગ છે. આપણી બટાલિયનમાં આ યોજાય છે તેથી તમે જાતે જઇને જોઇ લેજો કે ત્યાંટૉપ ક્લાસવ્યવસ્થા થઇ છે.”

     આ બીજો પ્રસંગ હતો જ્યાં BSF પ્રત્યે મિલિટરીના કેટલાક વર્તુળોમાં ચાલતી trust deficitની લાગણી પ્રદર્શિત થતી જણાઇ. 

    મેં મિટિંગ હૉલમાં જઇ તપાસ કરી. સુબેદાર મેજરે સરસ વ્યવસ્થા કરી હતી. ચીફ (ચીફ ઑફ આર્મી સ્ટાફ માટેનું સર્વમાન્ય સંબોધન છે) આવે તે પહેલાં C.O. શ્રી.ભુલ્લર, અમારા સેકન્ડ-ઇન કમાન્ડ શ્રી. યાદવ અને હું મિટિંગના સ્થળેથી દૂર આવેલી અમારી ઑફિસર્સ મેસમાં ગયા

    વીસે'ક મિનિટ બાદ અમારા ક્વાર્ટરગાર્ડ (જ્યાં Ceremonial Parade વખતે પરિધાન કરાતા યુનિફૉર્મ સાથે સજ્જ હોય છે તે)ના ગાર્ડ કમાંડરનો સિનિયર અફસરોને આપવામાં આવતી હથિયારબંધ સલામી આપવાનો ગર્જના સમો હુકમ સાંભળ્યો. હુકમની સાથે સાથે સ્વાગતના બ્યુગલના સૂર સંભળાયા. આનો અર્થ એ કે ચીફ તેમના સ્ટાફ તથા અન્ય સિનિયર અફસરો સાથે અમારા કૅમ્પસમાં આવી ચૂક્યા હતા. સીઓ થોડા ગમગીન હતા. અમારી બટાલિયનના હેડક્વાર્ટર્સમાં દેશના સરસેનાપતિ આવ્યા હતા અને તેમની સભામાંથી અમને બાકાત રાખવામાં આવ્યા હતા ! મેસનોઆબદારઅમારા માટે ચ્હા લાવે તે પહેલાં અમે બ્રિગેડ મેજરને દોડીને મેસ તરફ આવતા જોયા. હાંફતા શ્વાસે તેમણે સીઓને કહ્યું, “સર, ચીફે આપને અને આપના અફસરોને બોલાવ્યા છે. મિટિંગ હૉલની બહાર તેઓ તમારી રાહ જોઇ રહ્યા છે. તેમણે આપને સૌને મિટિંગ માટે બોલાવ્યા છે.

    અમને નવાઇ લાગી. અમે સૌ દોડતા જ મિટિંગના સ્થળે પહોંચ્યા. ત્યાં મસ્તક પર સાઇડ કૅપમાં સજ્જ, ભવ્ય વ્યક્તિત્વ ધરાવતા જનરલ સૅમ માણેકશૉ

ખડા હતા. તેમની બાજુમાં વિલાયેલા મોઢે અમારા કોર કમાંડર લેફ્ટેનન્ટ જનરલ રૉલી, ડિવિઝનલ કમાંડર મેજર જનરલ ભટ્ટાચાર્જી અને ત્રણે'ય બ્રિગેડ કમાંડર ઉભા હતા. અમે ત્યાં પહોંચતાં જ સૅમ બહાદુર એક ડગલું આગળ વધ્યા અને શ્રી. ભુલ્લર સાથે હાથ મેળવીને કહ્યું, "ભુલ્લર, સૌ પ્રથમ તો હું દિલગિરી વ્યક્ત કરીશ કે તમને અને તમારા અફસરોને આ મિટિંગમાં બોલાવવામાં આવ્યા નહોતા.  BSFના સૈનિકો આ યુદ્ધમાં ભારતીય સેનાનું અંગ છો તે હંમેશા યાદ રાખજો. તમારૂં બટાલિયન હેડક્વાર્ટર આ વેરાન પ્રદેશમાં પણ આટલું સુંદર બનાવ્યું છે તે માટે તમને અભિનંદન." ત્યાર બાદ તેમણે શ્રી. યાદવ અને જિપ્સી સાથે હાથ મિલાવ્યો, અને કહ્યું, "તમે અંદર બેસો. અમે તમારી પાછળ પાછળ આવીશું." 

    સૅમ બહાદુર સાથે હાથ મિલાવવાનું સદ્ભાગ્ય કોઇ વિરલ વ્યક્તિને જ મળતું હોય છે. જિપ્સી માટે આ ધન્ય ઘડી હતી. અત્યારે વિચાર કરું છું, ૧૯૫૧ની સાલમાં ૧૭ વર્ષનો ભાવનગર જેવા નાનકડા શહેરની એક અનામી કૉલેજમાં ઝભ્ભો - લેંઘો પહેરીને દોઢ-બે માઇલ ચાલીને જતો વિદ્યાર્થીને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે એક દિવસ તેને દેશના સર્વશ્રેષ્ઠ સેનાપતિ સાથે હાથ મીલાવવાનું સદ્ભાગ્ય લાધશે ! તે પણ સૌરાષ્ટ્રથી હજાર માઇલ દૂર, પંજાબ - પાકિસ્તાનની સીમા પર આવેલા એક અજનાલા નામના ધુળીયા ગામમાં, જેનું નામ પણ તેણે કદી સાંભળ્યું નહોતું ! 

   જિપ્સી માટે તેના જીવનની એ સર્વશ્રેષ્ઠ ઘડી હતી.

  મિટિંગમાં સૅમ બહાદુરે જે વાત કહી તે એવી તો હૃદય સોંસરવી હતી, કોઇ તે ભુલી શકે નહીં. કોઇ પણ જાતની ઔપચારિકતા કે આડંબર વિના તેમણે જે કહ્યું તેનું સંક્ષિપ્ત વર્ણન કરીશ.

    તેમણે કહ્યું, "ગયા માર્ચ મહિનામાં મૅડમ પ્રાઇમ મિનિસ્ટરે મને તેમની કૅબિનેટ કમિટીમાં બોલાવ્યો અને કહ્યું, 'જનરલ, પૂર્વ પાકિસ્તાન પર હુમલો કરો અને પાકિસ્તાની સેનાને ત્યાંથી હાંકી કાઢો. તમને સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ છે તેથી વધુ કશું નહીં કહું.' મેં પ્રાઇમ મિનિસ્ટરને ચોક્ખા શબ્દોમાં કહ્યું, 'મૅડમ, મારી સેના અને હું અત્યારે પૂર્વ પાકિસ્તાન પર હુમલો કરવાની સ્થિતિમાં નથી. તમારે જો હાર જ સ્વીકારવી હોય તો ભારતીય સેનાના ભાવિ સેનાપતિને આ હુકમ કરશો, કારણ કે મને હુકમ આપશો તો હું રાજીનામું આપીશ.' તેમણે કારણ પૂછ્યું ત્યારે મેં કહ્યું કે યુદ્ધનો પ્લાન કરી હુમલો કરતાં સુધીમાં બંગાળમાં વરસાદ શરૂ થઇ જશે. ત્યાં એટલા બધા નદી-નાળાં છે કે તેને મારી ટૅંક્સ ઓળંગી નહીં શકે. ત્યાંની કાળી જમીનના કાદવમાં ટૅંક્સ અને ભારે તોપ ખૂંપી જશે અને એક ગજ પણ આગળ વધી નહીં શકે. We will be sitting ducks for their army. મને જોઇતી સાધન સામગ્રી આપો અને યુદ્ધ માટે યોગ્ય સમય નક્કી કરવાની છૂટ આપો. હું એક મહિનામાં પૂર્વ પાકિસ્તાન આપને ભેટ ધરીશ.' તેમણે મને જોઇતી સામગ્રી, નદી-નાળાં પાર કરવા માટે જોઇતી bridging equipment, પાણીમાં તરી શકે તેવી ટૅંક્સ - જે જોઇએ તે વસ્તુની યાદી આપવા કહ્યું. આપણી સેના માટે મેં માગેલી એકેએક વસ્તુ મળી છે. તમને યુદ્ધના અભિયાન માટેની ટ્રેનિંગ માટે ભરપૂર સમય આપ્યો. તમને આધુનિક હથિયાર અને સામગ્રીમાં કોઇ કમી નહીં પડે તેની મને ખાતરી થઇ છે, હવે ઘડી આવી છે આપણા પ્રધાન મંત્રીનો હુકમ પાર પાડવાની. મને હવે તમારી પાસેથી વિજય અને કેવળ વિજય જોઇએ. નિષ્ફળતાનાં બહાનાં નહી. એક વસ્તુ યાદ રાખજો. તમને પાકિસ્તાનમાં કૂચ કરવાનો હુકમ મળશે તો મને ખાતરી છે કે તમે વિજેતા થઇને જશો. આ શબ્દ યાદ રાખજો  - તમે ભારતીય સેનાના સૈનિકો છો. લૂંટારા નહીં. આપણી પરંપરા રહી છે કે આપણે જ્યાં વિજેતા થઇને ગયા છીએ ત્યાં આપણું વર્તન સભ્ય અને સંસ્કારી સમાજના પ્રતિનિધિ તરીકેનું રહ્યું છે. વિદેશમાં જશો તો ત્યાં તમારી સામે અનેક પ્રલોભન આવશે. આવું થાય ત્યારે Hands in pockets, gentlemen, and turn back.  તમારાં પત્ની, તમારી પ્રિયતમા તમારૂં સ્વાગત કરવા રાહ જોતી હશે. ગુડ લક  ઍન્ડ ગુડ બાય" કહી સૅમ બહાદુર બહાર નીકળી ગયા.

    તેમના ગયા બાદ સાંજે અમારા બ્રિગેડ કમાંડરે શ્રી. ભુલ્લરને આ વાતનો ખુલાસો કર્યો. અમારૂં હેડ ક્વાર્ટર ખરેખર અત્યંત સુંદર હતું. ગેટમાંથી પ્રવેશ કરતાં વેંત મોગલ ગાર્ડન જેવી લીલીછમ લૉન, તેના ફરતાં વિવિધ રંગના ફ્લૉક્સના ફૂલોની બૉર્ડર, સુગંધી ગુલાબનાં છોડ વિશાળ લૉન  ફરતા ઊંચા પૉપ્લરનાં વૃક્ષ હતા. સૅમ બહાદુર અને તેમનાં પત્ની બાગકામના શોખિન હતા, તેમણે જનરલ રૉલીને કહ્યું, આ બટાલિયનના સીઓને બોલાવો. મારે તેને અભિનંદન આપવા છે. જ્યારે તેમણે કહ્યું કે BSFના અફસરોને બોલાવવામાં નથી આવ્યા, તે સાંભળી સૅમ બહાદુર નાખુશ થયા. તેમણે કહ્યું, "શું BSF તમારા ઑપરેશનલ કમાંડ નીચેના લડવૈયા નથી ? અત્યારે આ હેડક્વાર્ટરમાં જેટલા BSF અફસર છે તેમને બોલાવો. તેઓ આવે ત્યાર પછી મિટિંગ શરૂ થશે'. 

***

    જનરલ માણેકશૉએ કેવળ મિટિંગ નહોતી રાખી. તેમણે અમારી ડિવિઝનના સમગ્ર મોરચાની રણનીતિનું અવલોકન કર્યું અને હુકમ કર્યો કે ડિવિઝનની સઘળી બ્રિગેડ્ઝ રાવિથી માઇલો દૂર આવેલા 'સુરક્ષિત' defenseમાંથી આગળ વધી  ધુસ્સી બંધની નજીક મોરચાબંધી કરશે. આગળની ચોકીઓમાં રહેલી BSFની ટુકડીઓને શક્ય હોય એટલો સમય દુશ્નનોના હુમલાનો પ્રતિકાર કરવા રાખશે ત્યાર બાદ  ધુસ્સી બંધ પર આપણા સૈન્યની સાથે મળીને મોરચાબંધી કરશે.

    આ અમારા માટે સૌથી મોટી રાહતની વાત હતી. આ પહેલાં અમે બલીના બકરાં કરતાં પણ વધુ ખરાબ હાલતમાં હતા ; અમને હવે સ્પષ્ટ હુકમ મળ્યા હતા. 

    વધારાની વાત એ હતી કે યુદ્ધ શરૂ થવાનું હતું. મેં મારા પરિવારને પાછા મોકલવાનું નક્કી કર્યું અને નવેમ્બરના મધ્યમાં તેમને અમદાવાદ મોકલ્યા.

    

    



 

2 comments:

  1. આર્મી ચીફ જનરલ સૅમ માણેકશૉ ની લાગણી પ્રેમ સાથે કહેલી વાત--'"ભુલ્લર, સૌ પ્રથમ તો હું દિલગિરી વ્યક્ત કરીશ કે તમને અને તમારા અફસરોને આ મિટિંગમાં બોલાવવામાં આવ્યા નહોતા. BSFના સૈનિકો આ યુદ્ધમાં ભારતીય સેનાનું અંગ છો તે હંમેશા યાદ રાખજો. તમારૂં બટાલિયન હેડક્વાર્ટર આ વેરાન પ્રદેશમાં પણ આટલું સુંદર બનાવ્યું છે તે માટે તમને અભિનંદન." મોટુ પ્રમાણપત્ર
    અને સૅમ બહાદુર સાથે હાથ મિલાવવાનું સદ્ભાગ્ય કોઇ વિરલ વ્યક્તિને જ મળતું હોય છે. જિપ્સી માટે આ ધન્ય ઘડી હતી--સાચે જ ધન્ય ઘડી અને સૅમ બહાદુરે જે વાત કહી તે એવી તો હૃદય સોંસરવી હતી તે દરેકને મઢી રાખવા જેવી---આપ સૌને ભાવભીની સલામ

    ReplyDelete