Tuesday, September 28, 2021

કાળ રાત્રીના સંસ્મરણો

    ગયા અંકમાં આપે જિપ્સીની કામગિરી અંગેના citation માં સંક્ષિપ્ત વિગતો વાંચી. પહેલી આવૃત્તિમાં તેનું પૂર્ણ વિવરણ આપવામાં આવેલ. આજના યુગમાં fast foodની જેમ સઘળું  ટૂંકમાં પસંદ કરાય છે, તેથી 4-5 ડિસેમ્બરની રાતનો અવિસ્મરણીય પ્રસંગ બની ગયો તેની વાત કહીશ.

    રાતે ચોકી પર કબજો  મેળવી લીધા બાદ અમે અમારા સૈનિકોને તેમની ટ્રેન્ચ અને બંકરમાં તહેનાત કર્યા. પહેલા ચક્કરમાં ઠાકુરસાહેબ અને મેં દરેક જવાનને તેની જવાબદારીનો વિસ્તાર અને તેમાં કોઇ પ્રવેશે તો કઈ કાર્યવાહી કરવી તે સમજાવ્યું. ત્યાર પછી અમે કમાંડ પોસ્ટ સ્થાપી ત્યાં સામેવાળા તરફથી અમારી પોસ્ટ પર બૉમ્બાર્ડમેન્ટ શરૂ થયું. અમે બન્ને જણા આ તોપમારામાં પણ દરેક જવાનના બંકરમાં જઇને સૌને હિંમત આપવાા જતા હતા. આવી જ રીતે એક બંકરમાંથી નીકળી અમે બીજા બંકર તરફ જઇ રહ્યા હતા, ત્યાં...

    અચાનક કોઇ અદૃષ્ટ શક્તિ મારા કાનમાં જોર શોરથી કહી રહી હતી, "ભય! ચત્તો પડ!" 

    મેં આજ્ઞા માની અને ઠાકુર સાહેબનો હાથ પકડીને હુકમ કર્યો, "Down!" અમે બન્ને જમીન પર drill પ્રમાણે ચત્તાપાટ પડીને ફાયરિંગ પોઝિશન લઈએ તે પહેલાં અમે પડ્યા હતા તે જગ્યાથી પચાસે'ક ફિટની ઉંચાઇ પરથી પાકિસ્તાન ઍરફોર્સનું વિમાન ઉડતું ગયું અને ૧૦૦૦ રતલનો બૉમ્બ છોડતું ગયું. અમે જ્યાં ભોંય ભેગા પડ્યા, ત્યાંથી કેવળ વીસે'ક ફિટ દૂર, બંધની માટીની દિવાલ પર આ બૉમ્બ પડ્યો. જાણે ૪૦૦-૫૦૦ વૉૉટ્સનો દિવો ઝબકીને બુઝાઇ જાય તેવો ચમકારો થયો અને સાથે ભિષણ ધડાકો અને અમારા શરીરથી કોઇ ત્રણ - ચાર ફિટની ઉંચાઇ પરથી સનનન કરતી બૉમ્બની કરચો વિંઝાતી ગઇ. અમારી ચોકીની વચ્ચે બે - ત્રણ ઉંચા  પૉપ્લરનાં વૃક્ષ હતા, તેમાના બે વૃક્ષોની ડાળીઓ કપાઇ ગઇ. જે સ્થળે બૉમ્બ પડ્યો હતો ત્યાં ઊંડો ખાડો થઇ ગયો અને તેમાંથી ઉડેલી ધૂળમાં અમે બન્ને ઢંકાઇ ગયા.

    આખી ચોકીમાં સનસનાટી ફેલાઇ ગઇ. જવાનો તેમના બંકરમાંથી બહાર નીકળ્યા - જોવા માટે કે તેમના કંપની અને પ્લૅટૂન કમાંડર્સ  સુરક્ષિત હતા કે કેમ. અમારા કાનમાં બહેરાશ આવી ગઇ હતી. જવાન શું બોલી રહ્યા હતા તે અમે સાંભળી શકતા નહોતા. અમે કપડાં ખંખેરતાં ઉભા થયા અને અમને સહીસલામત જોઈ તેમણે રાહતનો શ્વાસ લીધો અને બંકરોમાં પાછા ગયા. 

    પરોઢિયું થવા આવ્યું હતું. અમને સામેવાળાની ચોકી તરફ જતી ટૅંકનો અવાજ સંભળાયો. સુબેદાર સાહેબ પાસે વાયરલેસ સેટ હતો, તેના વડે તેમણે તેમના બટાલિયન કમાંડરને જાણ કરી. અમને તરત જવાબ મળ્યો કે તેઓ Anti-tank હથિયાર સાથે કૂમક મોકલી રહ્યા છે, 

   સૂર્યના પ્રથમ કિરણો થતાં ઇન્ફન્ટ્રીની એક કંપની આવી પહોંચી.  અમને relieve કરી અમારા સ્થાનની સુરક્ષા પંક્તિમાં તે ગોઠવાઇ ગયા. ઠાકુરસાહેબને તેમની પ્લૅટૂન સાથે કંપની હેડક્વાર્ટર્સમાં મોકલી હું બટાલિયનમાં પહોંચ્યો. ત્યાં અમારા CO અને સેકન્ડ-ઇન કમાંડ યાદવ સાહેબ ચિંતામગ્ન હાલતમાં બેઠા હતા. આગલા દિવસની સવારથી હું ગયો હતો ત્યારથી તેમને મારા વિશે કોઇ સમાચાર નહોતા. અંતે રાતના સમયે ઇન્ફન્ટ્રીના કર્નલ તરફથી મોકલાયેલા sitrep પરથી તેમને જાણવા મળ્યું હતું કે હું માઝી મેવાઁના જવાનો સાથે બહેણીયાઁ પોસ્ટ પર જવા નીકળ્યો હતો. આગળની કોઇ હકીકત તેમની પાસે નહોતી. CO મને ભેટી પડ્યા. ફક્ત એટલું જ કહ્યું, "Thank God, you came back alive from that suicide mission. તને કશું થયું હોત તો મિસેસ નરેન્દ્રને કહેવા માટે અમારી પાસે શબ્દો ન હોત. તેમની ક્ષમા માગવાની પણ  શક્તિ ન હોત..." વિ.વિ.

    અમારા માટે સંતોષની એક જ લાગણી હતી. જે કામ અમે હાથમાં લીધું હતું તે અમારા જવાનો પૂરૂં કરી શક્યા. અફસર એક નિમિત્ત માત્ર હોય છે.

    મને કોઇએ પૂછ્યું હતું : આ સમગ્ર અભિયાનમાં તારા મનમાં કોઇ ભય, પ્રીતિ, ચિંતા - એવી કોઇ લાગણી થઇ હતી ? તે સમયે મારી પાસે કોઇ જવાબ નહોતો. વર્ષો બાદ સાંઇ મકરંદનાં પુસ્તક - 'ચિદાનંદા' અને 'ચિરંતના' વાંચ્યા બાદ સમજાયું કે ગુરૂ ગોરક્ષનાથે સમજાવેલ અમનસ્ક યોગ શું હોય છે. પરમાત્માના ધ્યાનમાં કે ફરજની ભાવનામાં મન એટલું એકાગ્ર થાય છે, કે મન કામ કરવાનું બંધ કરે છે. કોઇ વિચાર ઉદ્ભવતા નથી. અમારા સૌના - સઘળા સૈનિકોને કદાચ આ અમનસ્કભાવ થયો હોય તે શક્ય છે. કોઇના મનમાં ડરની ભાવના સ્પર્શ પણ નહોતી કરી શકી - જે પ્રાણીમાત્રમાં ભુખ, નિદ્રા, મૈથુનની જેમ primitive હોય છે. માનવમાં વિચાર શક્તિ, શ્રદ્ધા, ભક્તિ  જેવા વિશેષ ભાવ હોય છે. કદાચ પરમાત્મા પરની અપૂર્વ શ્રદ્ધા અને ભક્તિએ દેશ કાર્યમાં મન લગાવીને કામ કરનારા અમારા જેવા લાખો સૈનિકોના મનમાં આ ભાવના કેળવી હશે એવું લાગે છે. રૅશનાલિસ્ટો કદાચ આ વાત સાથે સંમત ન થાય તે શક્ય છે!

*** 

    6 ડિસેમ્બર ૧૯૭૧.  એક અભૂતપૂર્વ બનાવ બની ગયો. ભારતીય સેના - અને ખાસ તો BSFના ઇતિહાસમાં આવું ભાગ્યેજ બન્યું હતું.

    અગાઉની પોસ્ટમાં બુર્જ પોસ્ટની વાત કહી હતી, જ્યાં અમારા સબ ઇન્સપેક્ટર મહેરસિંહ શહીદ થયા હતા. આ પોસ્ટ પર પાકિસ્તાનનો કબજો થયો હતો. તે સમયે ભારતીય સેનાને તેમની આગળની યોજનાનો અંદાજ નહોતો.  બુર્જ પોસ્ટ પર કબજો કર્યા બાદ તેમણે રિઝર્વમાં રાખેલી તાજા દમની 43 Baluch Regimentને રિઝર્વમાંથી બોલાવી બુર્જ પોસ્ટને અડીને આવેલી ધુસ્સી બંધ પરના 200 મિટરના વિસ્તારમાં બંકર બાંધીને Firm Base બનાવ્યું હતું. ફર્મ બેઝ એટલે એવું સુરક્ષિત સ્થાન જ્યાં સૈન્યના જુદા જુદા અંગ (ઇન્ફન્ટ્રી, આર્ટિલરી વિ.) એકઠા થાય છે, જ્યાંથી તેઓ આગલા અભિયાનની તૈયારી કરે. 

    પાકિસ્તાનની સેનાએ આપણી ભૂમિ પર 'ફર્મ બેઝ' બનાવ્યું હતું તે કઇ રણનીતિ અનુસાર, તેનો અમને જરા જેટલો અંદેશો નહોતો. રણનીતિ અને તેના આયોજનમાં કેટલીક વાર એવી ગંભીર ક્ષતિઓ રહી જાય છે, જેના પરિણામ રાષ્ટ્ર માટે અત્યંત ઘાતક નીવડી શકે છે. કોઇ કોઇ વાર એક વ્યક્તિનું નેતૃત્વ તેને આધિન હોય તે સેનામાં એવું શુરાતન પ્રેરે છે, કે તેમના શૌર્યને કારણે કાં તો દેશનો ઇતિહાસ બદલાઇ જાય છે, અથવા દેશ પરનું સંકટ ટળી જાય છે.

    6 December 1971ના દિવસે આવો પ્રસંગ બની ગયો.

    અગાઉ જણાવ્યા પ્રમાણે 4 Decemberની રાતે સામેની સેનાએ આપણી બુર્જ પોસ્ટ પર હુમલો કરીને તે કબજે કરી હતી. આ હુમલામાં તેમના ઘણા સૈનિકો કામ આવ્યા હતા અને ઘાયલ થયા હતા. બીજા દિવસની વહેલી સવારે તેમને relieve કરવા તાજા દમના સૈનિકોની બટાલિયન આવી હતી. તેમણે કેવળ બુર્જ ચોકી પર રક્ષાપંક્તિ બનાવવાને બદલે ધુસ્સી બંધ પર ફર્મ બેઝ બનાવ્યો હતો. ત્યાંથી લગભગ 300-400 મિટર પર આપણી મરાઠા લાઈટ ઇન્ફન્ટ્રીની 15મી બટાલિયનના મેજર રણવીર સિંહના કમાંડ નીચે એક કંપની, BSFના S.I. અજીતસિંહ તથા SI પ્રકાશ ચંદના કમાંડ હેઠળ અમારી Delta કંપનીની બે પ્લૅટૂન્સ ડીફેન્સમાં તૈયાર હતી. સાથે હતી 66 Armoured Regimentની ત્રણ ટૅંક્સ, જેના કમાંડર હતા લેફ્ટેનન્ટ એ. એસ. ચીમા અને આર્ટિલરીના FOO (ફૉર્વર્ડ ઑબ્ઝર્વેશન ઑફિસર) કેપ્ટન ચેરિયન. કૂલ 150 થી 200 જેટલા જવાન.

    અંગ્રેજીમાં એક શબ્દ છે : Cocky. અર્થ છે, પોતાની સાચી કે ખોટી બહાદુરીના ઘમંડમાં ચકચૂર વ્યક્તિનો દંભ. ધુસ્સી બંધ પર કબજો કરી બેઠેલા 43 Baluch બટાલિયનના સૈનિકોના મનમાં આવી જ કોઇ મદાંધ ભાવના આવી હતી. કેવળ ૨૦ સૈનિકોથી રક્ષિત નાનકડી ચોકી પર તેમના ૨૦૦ સૈનિકોએ હુમલો કરી તે કબજે કરી હતી તેમાં કોઇ ધાડ મારી હતી કે કેમ, તેના અભિમાનમાં તેઓ બપોરના ભોજન બાદ ધુસ્સી બંધ પર ભાંગડા નૃત્ય કરવા લાગ્યા હતા. આપણા સૈનિકો તેમને જોઇ શકતા હતા. તેવી જ રીતે પાકિસ્તાની સૈનિકો આપણા સૈનિકોને.  આપણા સૈનિકોની ખિલ્લી  ઉડાવવા તેઓ ભાંગડા સાથે બોલી (રમુજી ગીત) ગાતા હતા.

    અમારા SI. અજીત સિંહ શીખ સૈનિક હતા. તેમના પંજાબમાં પરદેશી સેના આવી આપણી સેનાની ટિખળ કરે તે સહન ન થયું. તેમણે SI પ્રકાશચંદ સાથે મસલત કરી અને બન્ને મેજર પાસે પહોંચ્યા, "સર, આ તો હદ થઇ ગઇ. આ લોકોને ઠેકાણે લાવવા જોઇએ. આપણી પાસે તમારી વિશ્વવિખ્યાત ગણાતી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીની કંપની છે. સરદાર ચીમા સરની ટૅંક્સ છે. અમારી BSF તૈયાર છે. આપ કહો તો ચાર્જ કરીએ, દુશ્મન ગાફેલ છે. હથિયાર બંકરમાં રાખી ધુસ્સી પર ભાંગડામાં મશગુલ છે. બસ હુકમ કરો. મારા જવાન તૈયાર છે."

    મેજર રણવીરસિંહ પણ દુશ્મનના આ પ્રદર્શનથી ગુસ્સે થયા હતા. તેમણે લેફ્ટેનન્ટ ચીમાને બોલાવ્યા અને કહ્યું, "મેં surprise attack કરવાનો નિર્ણય લીધો છે. તારી ટ્રૂપ (ત્રણ ટૅંક્સનું જુથ) સાથે અમને સપોર્ટ આપે તો ઠીક નહીં તો અમે તો જઇએ છીએ."

    ચીમાએ તેના સ્ક્વૉડ્રન કમાંડર સાથે વાત કરીને  રજા મેળવી. મેજર રણવીરે તેમની કંપનીને સાબદી કરી, સૌને ચાર્જ (દુશ્મન પર ધસી જવા) માટે લાઇનબંધ થવાનો હુકમ કર્યો. BSFના જવાન તૈયાર હતા.        

    43 Baluchના જવાન હજી તેમના નાચમાં મશગુલ હતા, ત્યાં તેમના પર ચીમાની ટૅંકના ગોળા પડવા લાગ્યા. ટૅંક પરની coaxially mounted મશિનગનોએ તેમનો મારો શરૂ કર્યો. સામાન્ય રીતે હુમલો રાતના સમયે કે પરોઢિયે થતો હોય છે, અને ચાર્જ દુશ્મનની રક્ષાપંક્તિથી સો'એક મિટર પરથી થાય. તેને બદલે ભારતીય સેનાના આ impromptu attack એ યુદ્ધની રણનીતિના સઘળા નિયમો બાજુએ મૂકી બપોરના સમયે, સામી છાતીએ ૪૦૦ ગજના અંતરેથી આ હુમલો કર્યો હતો! 

    અહીં એક આશ્ચર્યજનક વાત થઇ. મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીનો યુદ્ધનાદ છે, "છત્રપતિ શિવાજી મહારાજકી જય, હર હર મહાદેવ". BSFની ટુકડીઓમાં અજીતસિંહની ટુકડીએ ગર્જના કરી, "બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ" અને પ્રકાશચંદના સૈનિકોમાં હરિયાણા અને કેરળના જવાન હતા, તેમણે ત્રાડ પાડી, "ભારત માતાકી જય". આમ ત્રણ જુદા જુદા યુદ્ધ નિનાદ અને ટૅંક્સના ધસારાથી દુશ્મન હેબતાઇ ગયો. તેમને લાગ્યું તેમના પર એક બ્રિગેડ હુમલો કરી રહી છે.

    ધુસ્સી બંધ પર દુશ્મનની ત્રણ કંપનીઓ હતી. તેમાંની બે કંપનીઓ તેમના બંકરમાં જ હતી, કેટલાક સૈનિકો આરામ કરતા હતા પણ બાકીના સર્વે તૈયાર હાલતમાં હતા. તેમણે તરત આપણી ધસી જતી સેના પર મશિનગન અને રાઇફલની ગોળીઓનો વરસાદ વરસાવ્યો. સૌથી આગળ હતી BSFની અજીતસિંહની પ્લૅટૂન. મોખરે અજીતસિંહ. તેમણે જોયું કે દુશ્મનની એક મશિનગન આપણા સૈનિકો પર ઘાતક ફાયર કરી રહી હતી. તેઓ સીધા તેના બંકર પર ચઢી ગયા, અને ડાબા હાથેથી ગનનું લાલચોળ નાળચું પકડીને બહાર ખેંચ્યું, બીજા હાથમાં ગ્રેનેડ હતી, તેની પિન દાંતમાં પકડીને ખેંચી કાઢી અને બંકરમાં ફેંકી. બંકરમાંના ચાર સૈનિકો માર્યા ગયા. અજીતસિંહનો હાથ બળી ગયો હતો તે બીજા દિવસે મેં જાતે જોયું. (તેની વાત આગળ જતાં!)

અજિતસિંહ
બીજી તરફ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના લાન્સનાયક પાંડુરંગ સાળુંકેએ જોયું કે એક RCL (રિકૉઇલલેસ ગન) લેફ્ટેનન્ટ ચીમાની ટૅંક પર નિશાન સાધી રહી હતી. તેઓ તેના પર ધસી ગયા અને RCLના નાળચાને પકડી ઉપરની તરફ ધકેલ્યું જેથી તેનો ગોળો અદ્ધર વૃક્ષ તરફ ગયો.  RCLની સાથે દુશ્મનની LMG હતી, તેનો મારો પાંડુરંગની છાતી પર થયો અને ઢળી પડયા, પણ લેફ્ટેનન્ટ ચીમા અને તેમની ટૅંક બચી  ગઇ અને દુશ્મન પર ફરી વળી. પ્રકાશચંદ દુશ્મનના flank પર અને મેજર રણવીર સિંહ દુશ્મનના કમાંડ પોસ્ટ પર ધસી ગયા અને તે કબજે કરી લીધા. આ કાર્યવાહીમાં રણવીરસિંહ બુરી રીતે જખમી થયા, પણ પોતાનું સ્થાન છોડ્યું નહી. પ્રકાશચંદના ડાબા હાથમાં ગોળી વાગી, પણ  દુશ્મનના મોરચા પર કબજો કરવામાં સફળ થયા.

    અચાનક થયેલા હુમલામાં દુશ્મન બને એટલું લડ્યા, પણ વીર ભારતીય સેના સામે ટકી ન શક્યા. તેઓ મોરચા છોડીને પીછેહઠ કરી ગયા તે છેક રાવિ પાર. 43 Baluchના મેજર શેખનો ટોપ તથા તેમનો નકશો અમારે હાથ લાગ્યો.

    આ હુમલાની કોઇ પૂર્વ નિર્ધારિત યોજના નહોતી. બટાલિયનના CO કર્નલ સચદેવ પણ આવું કંઇ થશે તેની કલ્પના કરી શક્યા નહીં. આ પૂરી રીતે unplanned attack હતો અને તે સફળ થયો. 

લાન્સનાયક પાંડુરંગ સાળુંકે અને મેજર રણવીરસિંહ
તેમાં સ્વ. લાન્સ નાયક પાંડુરંગ સાળુંકેને મહાવીર ચક્ર, મેજર રણવીરસિંહ, SI અજીતસિંહ અને લેફ્ટેનન્ટ ચીમાને વીર ચક્ર, તથા અમારા SI પ્રકાશ ચંદ અને હવાલદાર ચંદ્રપ્રકાશને President's Police & Fire Services Medal for Gallantry એનાયત થયા.

જિપ્સીને તથા તેના સાથીઓને મળેલા ચંદ્રકના અર્પણનો વિધિ.
છબિની જમણી બાજુએ કતારમાં છે હવાલદાર ચંદ્રપ્રકાશ અને 
SI પ્રકાશચંદ. ચંદ્રક પહેરાવે છે BSFના પ્રથમ
ડાયરેક્ટર જનરલ પદ્મવિભુષણ KF Rustamji


1 comment:

  1. 'અદૃષ્ટ શક્તિ મારા કાનમાં જોર શોરથી કહી રહી હતી, "ભય! ચત્તો પડ!"
    ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે, વો શમા કયા બુઝે જિસે રોશન ખુદા કરે
    'માનવમાં વિચાર શક્તિ, શ્રદ્ધા, ભક્તિ----- એવું લાગે છે.' બુધ્ધિશાળી, જ્ઞાાની કે વિદ્વાન પણ આ દવા લેવાથી જ રોગ મટશે એવી શ્રદ્ધાથી જ દવા લે છે. આ પ્લેનમાં બેસવાથી જ અમેરીકા પહોંચાશે એવી શ્રદ્ધાથી જ પ્લેનમાં બેસે છે. ટૂંકમાં મનુષ્ય જીવનની પ્રત્યેક સુખમય ક્ષણ કેવળ શંકા કે તર્કથી નહી પણ શ્રદ્ધાથી જ વ્યતીત થાય છે એ નિર્વિવાદ છે. રવીન્દ્રનાથ ટાગોર કહેતા કે, શ્રદ્ધા બુધ્ધિથી પણ પર હોય છે. જીવનમાં શ્રદ્ધા અવશ્ય હોવી જોઈએ. શ્રદ્ધા વિના બધુ વ્યર્થ છે.
    'રૅશનાલિસ્ટો આ વાત સાથે સંમત છે! 'સામાન્યતયા આ વાતે માઓવાદી કહેવાતા બુધ્ધિશાળી , વિધર્મીઓ અને ભારતને અસ્થિર કરવા ખૂબ નાણા દ્વારા ભ્રષ્ટ મીડીયાનો સતત પ્રચાર શ્રધ્ધાને અંધ ગણાવે છે જીવ સટોસટની વાતો માણી સૈનિકો માટે ગર્વની લાગણી સાથે શહીદ થયેલ યુવાનોને સલામ
    યાદ આવે છે. ક્યાં ગયા બધા?
    વો ગુનગુનાતે રાસ્તે ખ્વાબોં કે ક્યા હુએ
    વીરાને ક્યૂં હૈં બસ્તિયાઁ બાશિંદે ક્યા હુએ

    ReplyDelete