Saturday, August 21, 2021

૧૯૬૯ - દાવાનળ (૩)

    આખું શહેર ભડકે બળી રહ્યું હતું. મિલિટરી, CRPF તથા BSFની ટુકડીઓ અગ્નિશામકનું કામ કરી રહી હતી. ઘણી વાર અમદાવાદ પોલીસના DIG મિરચંદાણી જેવા વરીષ્ઠ અધિકારીઓ બનાવના સ્થળનું નિરિક્ષણ કરવા જતા અને સાંજે JOCમાં આવી અમારી સાથે વાત કરતા. 

    એક સાંજે શ્રી. મિરચંદાણી મિલ વિસ્તારમાં આવેલી ચાલીમાં આગ ચાંપવાના પ્રસંગનું નિરિક્ષણ કરીને આવ્યા. તેમનો વ્યથિત, શોકગ્રસ્ત ચહેરો જોઇ લાગ્યું કે તેઓ કોઇ ભયંકર દૃશ્ય જોઇ આવ્યા હતા.

    "આ જગ્યાએ હુલ્લડખોરોનું ટોળું એકઠું થઇ આગ લગાડવાનો પ્રયત્ન કરે છે તેના સમાચાર મળતાં મિલિટરી (આ શબ્દમાં ત્રણેે - મિલિટરી, BSF અને CRPF આવી જાય) પહોંચી. ચાલી ભડકે બળતી હતી. તેને ચારે તરફથી ઘેરી, હિંસક ટોળું 'મારો, કાટો'ની બૂમો પાડી રહ્યું હતું. મિલિટરીએ ત્યાં પહોંચતા વેંત આગ લગાડનારા ટોળા પર ગોળીબાર કર્યો. તેમાં ઘાયલ થયેલા શખ્શોને લઇ હુલ્લડખોરો નાસી ગયા હતા. ગોળીબારમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને તેઓ ત્યાં જ છોડી ગયા હતા.  મિલિટરીના જવાનોએ આગ ઠારવાનો પ્રયત્ન કર્યો ત્યાં ફાયર બ્રિગેડ પણ પહોંચી ગઇ અને આગને કાબુમાં આણી.

    "મારા એસ્કૉર્ટ સાથે અમે ત્યાં પહોંચ્યા અને જોયું  તો ચાલીની બહાર બે લાશ જોઇ. તેમની નજીક બૂઝાયેલી મશાલો પડી હતી. આ બન્ને જણા સશસ્ત્ર સેનાના ગોળીબારથી મૃત્યુ પામેલા જણાયા. લગભગ ત્રીસે'ક ઓરડાવાળી આ ચાલ બળીને ભસ્મિભૂત થઇ હતી. નજીક જઇને જોયું તો કોળસા જેવા કાળા પડી ગયેલા બારણાંઓની સાંકળો આગ લગાડનારાઓએ બહારથી બંધ કરી હતી. ચાલીના ઓરડાઓમાંથી પચાસ જેટલા શબ બહાર કાઢ્યા અને તેમની જે હાલત જોઇ...Oh my God! હુંં તે દૃશ્ય જીવનભર ભૂલી નહીં શકું." 

    મૃતકોનું તેમણે જે વર્ણન કર્યું તે સાંભળી અમરું હૃદય પણ હચમચી ગયું.  અમદાવાદમાં થયેલ આવો એક માત્ર પ્રસંગ નહોતો.

    શ્રી. મિરચંદાણી એક સજ્જન પુરુષ હતા. તેમનો વ્યથિત, કુંઠિત ચહેરો કદી ભુલાયો નથી. 

    બીજો એક પ્રસંગ અમદાવાદમાંના મારા મૂળ રહેઠાણના વિસ્તારમાં થયો. અમદાવાદમાં ત્રણ વિસ્તાર એવા હતા જ્યાં કોમી તોફાની તત્વોએ કદી પ્રવેશ ન કર્યો કેમ કે તેમને રોકવા ત્યાંના યુવાનો તૈયાર રહેતા. અહીંના યુવાનોએ બહાર જઇ કોઇ વિસ્તારમાં કોમી તોફાન નથી કર્યા, પણ સ્વરક્ષણ માટે હંમેશા તૈયાર હતા. જ્યાંથી તોફાની ટોળાંઓ આવવાની શક્યતા હોય, ત્યાં ચોકી કરવા સ્થાનિક યુવાનો હાજર રહેતા અને નજીકમાં આવેલા પોલીસ સ્ટેશનને ખબર કરી મદદ મંગાવી શકતા. 

    ૧૯૬૯માં અમારા મહોલ્લામાં સ્થાનિક સ્વયંસેવકોને સમાચાર મળ્યા કે જમાલપુરથી નદીના પટના રસ્તે તેમના મહોલ્લા પર હુમલો કરવા કેટલાક હુલ્લડખોરો આવી રહ્યા છે. આ સાંભળી કેટલાક યુવાનો ત્યાંના પ્રવેશ દ્વાર જેવી ગલીના નાકે પહેરો ભરવા લાગ્યા. તેમના કમભાગ્યે તે સમયે તેમની નજીકથી મિલિટરીની રાબેતા મુજબની પેટ્રોલ પાર્ટી પસાર થઇ રહી હતી. તેમણે તો કેવળ એકઠા થયેલા યુવાનો જોયા અને તેમને ચૅલેન્જ કર્યા.  મિલિટરીને જોતાં જ યુવાનો ત્યાંથી નાસવા લાગ્યા. ત્યાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો : મિલિટરીની ગસ્ત પાર્ટીની નજીકની ગલી. મિલિટરીને આ યુવાનો જાણે તેમના પર હુમલો કરવા આવી રહ્યા હતા તેવું લાગ્યું અને તેમને થોભી જવાની ચેતવણી આપી. હથિયારબંધ મિલિટરીના જવાનોને જોઇ, ગભરાયેલા યુવાનોએ રોકાવાને બદલે ભાગવાનો પ્રયત્ન કર્યો અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં એક ૧૭ વર્ષના યુવાનને રાઇફલની ગોળી વાગી અને તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો. આ યુવાન અમારા પરિવારના દૂરનાં સગાં, એક વિધવા માતાનો પુત્ર હતો. અમે તેમને માસી કહેતા અને અમારે ઘેર તેમનું આવવા-જવાનું થતું. તેમને બે દિકરા અને બે દિકરીઓ. મોટા પુત્રને બાળ લકવાને કારણે અપંગતા હતી.  નાનો દિકરો સશક્ત, બુદ્ધિમાન અને પરિવારને ગરીબીમાંથી બહાર લાવી શકે તેવો હોંશિયાર હતો.  તે જ ગોળીબારનો ભોગ બન્યો હતો.

    JOCમાં અમને આ પ્રસંગનો કેવળ Situation Report (જેને સૈન્યમાં sitrep કહેવાય છે) મળ્યો હતો. તેમાં કેવળ એટલું જણાવવામાં આવ્યું હતું કે રાયખડ વિસ્તારમાં મિલિટરીને તેમના routine patrolling દરમિયાન તોફાની ટોળું જોવામાં આવતાં તેમને ચૅલેન્જ કરવામાં આવ્યા. આ સાંભળતાં તોફાની ટોળું શરણે આવવાને બદલે પેટ્રોલિંગ પાર્ટી તરફ આવવા લાગ્યું જેથી તેમના પર ફાયરિંગ કરવું પડ્યું હતું. એક વ્યક્તિ મૃત્યુ પામી જેના શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. 

    આ sitrep વાંચીને મારા મનમાં દુ:ખ અને ચિંતા થઇ હતી અને મનોમન સ્વાર્થી પ્રાર્થના કરી, હે ભગવાન, આ અમારા મહોલ્લામાં આ ન થયું હોય તો સારૂં. 

    આ પ્રસંગની પૂરી વિગત મને લાંબા સમય બાદ મળી. મારી નાની બહેન લગ્ન બાદ આ જ વિસ્તારમાં તેના પતિ - પરિવાર સાથે રહેતી હતી. ઉપર જણાવેલા બનાવની પૂરી માહિતી મળ્યા બાદ મેં તેને પત્ર લખી આ પરિવાર વિશે પૂછપરછ કરી હતી અને પૂછ્યું હતું કે તેમને આર્થિક કે અન્ય કોઇ રીતે મદદરૂપ થઇ શકું તે તેમને મળીને મને જણાવે. 

    બહેનનો જવાબ આવ્યો,  "ભાઇ,  શ્રુંગારપુરે માસીનું આ પ્રસંગના થોડા દિવસો બાદ અવસાન થયું. તેઓ આઘાત જીરવી શક્યા નહીં."

***

    દશકો વિતી ગયા. આ પ્રસંગમાં જિપ્સીએ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે અંગત હેસિયતથી ભાગ નહોતો લીધો. તેમ છતાં અમદાવાદમાં શાંતિ સ્થાપવા ગયેલ ગણવેશધારી સિપાહીઓમાંના એક સૈનિક તરીકે અમારી સામુહિક જવાબદારીમાં મારા હૃદયમાં આ દોષ-ભાવના જાગી. તેની આંચનો ડાઘ હજી પણ ભૂંસાયો નથી. અમારા માટે આ એક  Occupational Hazard છે જે ટાળી શકાતું નથી, અને તેના વિશે જનતાને જાણ હોતી નથી. 

    જનતાને કદાચ લાગી શકે છે કે મિલિટરીના જવાનો અને અફસરો ભાવવિહિન, impersonal હોય છે. હકીકત જુદી છે. ફરજ બજાવતી વખતે કેવળ કર્તવ્ય તરફ લક્ષ્ય હોય છે, એટલું જ. 'ઉત્તર રામચરિતમ્' માં એક સુભાષિત છે, તે અંશત: અહીં લાગુ પડે છે : 

    वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि ।

                            लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ॥
 

***    

    ૧૯૬૯માં અમદાવાદમાં થયેલા કોમી દંગામાં ઘણી વાતો જાણવા જેવી, અને અમારા માટે શીખવા જેવી હતી. એક સામાન્ય વિચારશક્તિ ધરાવતા સૈનિક તરીકે જિપ્સીએ જાણેલી, શીખેલી અને વિચારેલી વાતો અહીં કહેવાનો તે પ્રયત્ન કરશે.

    સૌ પ્રથમ કહેવાની વાત એ છે કે ભારતના સશસ્ત્ર દળોએ લીધેલા નિષ્પક્ષ, minimum use of force અને બદલાની ભાવના વગર લીધેલા કર્તવ્યદક્ષ પ્રયાસોને કારણે અમદાવાદ - અને ગુજરાતમાં થયેલા અભૂતપૂર્વ, હિંસાની પરમસીમા-સમા હુલ્લડ કેવળ છ દિવસમાં  કાબુમાં આવ્યા હતા. પણ આ  દિવસના તોફાનોમાં અનધિકૃત આંકડા મુજબ ૫૦૦૦ - હા, પાંચ હજારથી વધુ લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા. તેમનાથી ત્રણ-ચાર ગણા લોકો ઘાયલ થયા હતા અને દસ ગણી વ્યક્તિઓ ઘરબાર વિહોણી થઇ ગઇ હતી. 

   આ માટે કોણ જવાબદાર હતું? 

    વ્યક્તિ? 

    સમાજ? 

    કોઇ રાજકીય પક્ષ? 

    કોઇ વિચારધારા? 

    જાતિય, વાંશિક કે ધાર્મિક શ્રેષ્ઠતા પૂરવાર કરવાનો હિંસક પ્રયાસ?

    કોઇ અતિરેક, મદાંધ કે અભણ વ્યક્તિનું અવિચારી પગલું જેનું આ પરિણામ આવ્યું?

    શું ભૂતકાળમાં આવાં પગલાંને કારણે આવી જ પરિસ્થિતિ અમદાવાદની પ્રજાને ભોગવવી પડી હતી? 

    કે પછી કોઇ બુદ્ધીજીવીની દલીલ કે આ તો કેવળ ઈતિહાસની પુનરાવૃત્તિ છે?       કોઇ કહેશે, આની પાછળ સમાજશાસ્ત્રને લગતી સમસ્યા  - sociological issues છે. આ સમસ્યા એવી છે જેમાં કોઇ વ્યક્તિ વિશેષ, રાજકીય પક્ષ અથવા સામ્પ્રદાયીક જૂથનો દાવો હોય છે કે અમે વંશપરંપરાગત રાજકર્તા હતા તેથી, અથવા અમારી માન્યતા કે વિચારધારા સર્વશ્રેષ્ઠ છે અને તેથી અમારૂં આધિપત્ય સરકારે તથા આમ જનતાએ સ્વીકારવું જોઇએ, અને તેઓ આ નથી કરતા તેનું આવું પરિણામ લાવીશું, તે જાહેર કરવાનો આ માર્ગ છે.    

    એક યુનિફૉર્મધારી સૈનિકના મનમાં આ પ્રશ્નો ઉઠી શકતા હોય, તો દેશ તથા રાજ્યના લાખો વિચાવંત નાગરિકોએ આ ઘેરી સમસ્યા પર ઊંડો વિચાર શા માટે કર્યો નથી? અને જો આધુનિક અને વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં ઉચ્ચતમ શિક્ષણ મેળવી આવેલા સમાજશાસ્ત્રના નિષ્ણાતોએ આનો વિચાર કર્યો હોય તો તેનો ઉકેલ શા માટે શોધી શક્યા નથી?  શું તેઓ પણ કોઇ મૂડીવાદ - સામ્યવાદ સરખી વિચારધારામાં રંગાઇને આવ્યા છે અને તે મુજબ તેમનો પોતાનો પણ કોઇ અંગત એજન્ડા છે?

***

    જિપ્સીની સમજમાં એક વાત આવી નથી : ગુજરાતમાં કોઇ પરિવાર એવો નથી જેના કોઇ સગાં-સંબંધી, મિત્ર, કેવળ એક બીજાને જોઇ, સહેજ હસીને દુઆ - સલામ કરનાર પરિચિત ચહેરાને આ અગનની આંચ દઝાડી નથી ગઇ. તેમ છતાં, આટલી ઘેરી, વેદનામય લાગણીને સહેલાઇથી ભુલી, તેનો કેવળ રાષ્ટ્રને જ નહીં, વિશ્વના હૃદયને હચમચાવી નાખે એવા પ્રલયને ફરીથી શરૂ કરવા માટે ચિનગારી પેટવનાર તત્વોને આવાં કૃત્ય કરતાં રોકવાને બદલે કોણ પોષતું આવ્યું છે? શા માટે? શું પૂરવાર કરવા માગે છે આ લોકો? 

    અને ફરી પાછા પ્રશ્નોની ઘટમાળ શરૂ થઇ જાય : 

    આ માટે કોણ જવાબદાર છે? 

    વ્યક્તિ? સમાજ? વિગેરે વિગેરે.

    આ વિષયની બૌદ્ધિક ચર્ચા આ બ્લૉગમાં અસ્થાને ગણાશે. અહીં તો કેવળ આ પ્રસંગોના નિરપેક્ષ સાક્ષી તરીકે જિપ્સીએ જે જોયું, જાણ્યું અને યાદ રહ્યું તે અતિશયોક્તિ વગર રજુ કરવાનો પ્રયત્ન કરશે. 

6 comments:

  1. In the sixties and




    seventies, whenever we visited India we would inquire from our relatives the situation in Ahmedabad since we would be arriving at the Ahmedabad airport. Communal riots were commonplace in Vadodara too where my family and I used to live.
    Soon after Narendra Modi became Gujarat's Chief Minister, the communal riots almost stopped. We did not have to check the situation in Gujarat before visiting India.
    WHY???????

    ReplyDelete
    Replies
    1. Thank you for your comment. I am still trying to find an answer to your last, one-word question: Why?

      Delete
  2. 'ચાલીના ઓરડાઓમાંથી પચાસ જેટલા શબ બહાર કાઢ્યા અને તેમની જે હાલત જોઇ...Oh my God! હુંં તે દૃશ્ય જીવનભર ભૂલી નહીં શકું." આ sitrep વાંચીને અમને પણ દુઃખ થયું પણ જે રીતે મિલિટરીના જવાનો અને અફસરો એ સ્થિતી કાબુમા લાવ્યા તેથી વિગલીત થઇ સંતોષ થયો
    ફરજ બજાવતી વખતે કેવળ કર્તવ્ય તરફ લક્ષ્ય હોય છે, એટલું જ. 'ઉત્તર રામચરિતમ્' માં એક સુભાષિત છે, તે અંશત: અહીં લાગુ પડે છે : वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ॥
    વાતનો અમને પણ અનુભવ છે.
    ' કોઇ અતિરેક, મદાંધ કે અભણ વ્યક્તિનું અવિચારી પગલું જેનું આ પરિણામ આવ્યું? 'હવે તો જાણીતી વાત છે કે આવા તોફાનો સ્થાપિતહીતવાળાએ નક્કી કરેલ હોય છે.

    ReplyDelete
    Replies
    1. આદરણીય પ્રજ્ઞાજુ,
      આપના તરફથી નિયમિત રીતે મળી રહેલ પ્રતિભાવ માટે હૃદયપૂર્વક આભાર.બસ, આમ જ પ્રોત્સાહન આપતા રહેશો એવી વિનંતી!

      Delete
  3. In 1969, I was very young and had no idea about how these events there created such a panic and loss of lives until I read your post today. 'Gypsy ni Diary' blog I have just started re-reading it, going through past posts. Informative and inspirational at the same time. Your book, Narenbhai, still reading and every time I read I find something new. Complete with integrity, courage, exemplary bravery inaction, and Patriotism. Salute!

    ReplyDelete
    Replies
    1. Dear Jaybhai,
      Thank you for your mail and the comment. I appreciate your views coming as they do with genuine feelings.

      Delete