Monday, August 23, 2021

૧૯૬૯ અને હિંસાનો ઇતિહાસ (૧)

    એક પ્રખ્યાત કહેવત સૌએ સાંભળી છે : History repeats itself. ઇતિહાસનું પુનરાવર્તન થતું રહે છે. ઇતિહાસમાં બની ગયેલા બનાવો, જેના પરિણામ સ્વરૂપે અસંખ્ય માનવોની હત્યા થઇ છે અને અસહાય પ્રજા પર અત્યાચાર થયા છે, તે ભવિષ્યમાં ફરી સર્જાતા હોય છે. આપણે ઘણી વાર જોયું છે કે સમાન ધર્મ, સમાન સંસ્કૃતિ ધરાવતા દેશો વચ્ચે ભયાનક યુદ્ધ જેવા પ્રસંગો ફરી ફરી વાર થયા છે. વિશ્વ યુદ્ધ, જેમાં અનેક દેશોના લાખો સૈનિકો અને અસંખ્ય નાગરિકોએ પ્રાણની આહૂતિ આપી; ભવિષ્યમાં આવું ભયાનક યુદ્ધ ન સર્જાય તે માટે લિગ ઑફ નેશન્સની સ્થાપના થઇ તેમ છતાં ૧૯૩૯માં ફરી એક વાર આવું જ યુદ્ધ થયું. ભારતનો ઇતિહાસ જોઇએ તો આવું હંમેશા થતું આવ્યું છે. વાસ્તવિકતાનો અસ્વીકાર, મિથ્યા માન - અપમાનની માન્યતા કે તે વિશેની ગેરસમજ, અભિમાન અને રાજ ધર્મ અને રાજ કર્તવ્યની ઉપેક્ષાને કારણે મહાયુદ્ધ ફાટી નીકળ્યાના અનેક દાખલા ઇતિહાસે આપણને આપ્યા છે. 

    ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો જે દિલ્હીમાં જયચંદ - પૃથ્વિરાજની કથામાં થયું અને પરદેશી લૂંટારાઓનું રાજ્ય આણ્યું, તેવું જ ગુજરાતમાં પણ થયું હતું. પાટણ શહેરના શ્રેષ્ઠી કાકુ શેઠને ગુજરાતના રાજા કરણસિંહ વાઘેલા સાથે અંગત કલહ થયો. ક્રોધમાં આવી જઇ કાકુ શેઠ રાજાને સજા કરાવવા દિલ્હી ગયો અને અલ્લાઉદ્દીન ખિલજીને વિશાળ સેના સાથે લઇ આવ્યો. તે સમયે કાકુશૈઠને પૃથ્વિરાજ - જયચંદના કલહની વાત યાદ આવી નહીં. અંગત વેરની વસૂલાત કરવા ગુજરાતમાં અફઘાન - મોગલ સત્તા આવી. સત્તાના લોભમાં બંગાળમાં મીર જાફર વિદેશી આક્રમણકારીઓને જઇ મળ્યો. આખો દેશ હજારો માઇલ દૂરથી આવેલા વ્યાપારીઓના હાથમાં ગયો. સદીઓ સુધી આ વેપારીઓએ ચલાવેલી લૂંટમાં સમસ્ત ભારત દેશ ગુલામ થયો. એક વ્યક્તિએ અંગત લોભને કારણે પરદેશીઓને પોતાના રાજાની હત્યા કરવા બોલાવ્યા અને સદીઓ સુધી દેશને દૈન્ય સ્થિતિમાં લાવી મૂક્યો. 

    આ ઇતિહાસ છે; રાજકારણ નથી. 

    વિદ્વાનો કહે છે, ઇતિહાસની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનું પુનરાવર્તન ત્યારે જ થાય છે, જ્યારે દેશની પ્રજા ઇતિહાસ પાસેથી કશું શીખતી નથી અને ભૂતકાળમાં બની ગયેલા દુ:ખદ પ્રસંગોને ટાળવા કોઇ પગલાં લેતી નથી. તેથી જ આવા કરૂણ બનાવોની ઘટમાળ સર્જાય છે.

    અમદાવાદ - અને ગુજરાતમાં કોમી હિંસાનો ઇતિહાસ ત્રણસોથી વધુ વર્ષ જુનો છે. સન ૧૭૧૪માં અમદાવાદ શહેરમાં હિંદુ મુસલમાનો વચ્ચે થયેલી હિંસા, ખૂનામરકી અને લૂંટફાટનો  પ્રથમ બનાવ બન્યો તેમાંથી પ્રજા કશું શીખી હોત તો ગુજરાતમાં ફરી કદી હિંસક હુલ્લડ સર્જાયા ન હોત. તે સમયે શીખવા જેવી બે વાતો હતી. સહિષ્ણુતા અને ક્ષમા. ગુજરાતની તે સમયની રાજસત્તા-પ્રભાવિત કોમના આગેવાનોએ ગુજરાતના પરંપરાગત મૂલ્યો ભૂલી જે કાર્ય કર્યું, તે ૧૯૬૯ના તેમજ ત્યાર બાદના એકવીસમી સદીના બનાવોના પરિપેક્ષમાં તપાસવા જોઇએ. આ માટે અમદાવાદમાં બનેલો કોમી હિંસાની પહેલી ઘટના. 

    ટાઇમ્સ ઑફ ઇંડિયાના ૩ એપ્રિલ ૨૦૦૨ના અંકમાં શ્રી. શ્યામ પરીખના લેખમાં અમદાવાદમાં થયેલા સઘળા કોમી દંગાઓનો ઇતિહાસ આપવામાં આવ્યો છે, તેમાંથી લીધી છે. Google કરવાથી આ લેખ નેટ પર મળી જશે. 

    જિપ્સીના માનવા પ્રમાણે આ વિષયમાં આપણે ગુજરાતના ઇતિહાસ પર એક દૃષ્ટિપાત કરવો જોઇશે. (વધુ આવતા અંકમાં.)

    

1 comment:

  1. જયચંદ અને કાકુ શેઠને યાદ કરી હાલના આવા દેશદ્રોહીઓ અંગે યાદ અપાવી.પત્રકાર અજય ઉમટ દ્વારા પુરાવા સાથે કોમી તોફાનો અંગે સચોટ રીતે રજુ કરી શકે છે આ અંગે વધુ અભ્યાસુ લેખની પ્રતિક્ષા

    ReplyDelete