Thursday, August 12, 2021

બીએસએફ અને ગુજરાત (૩)

    બૉર્ડર સિક્યોરિટી ફોર્સની રચના પાછળ ભારતની સીમા સુરક્ષા વિશે જે ભૂમિકા હતી તેનું સંક્ષિપ્ત વર્ણન ગયા અંકમાં કર્યું હતું. આ ઉપરાંત BSFને એક વધુ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય ગણરાજ્યના કોઇ પણ રાજ્યમાં કોઇ કારણસર કાયદા-કાનૂનની વ્યવસ્થા ભાંગી પડે અને રાજ્ય સરકારનું પોલીસ ખાતું તેના પર નિયંત્રણ લાવવામાં અસફળ નીવડે ત્યારે ભારતીય સંવિધાન મુજબ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને તેમને આધિન હોય તેવા સશસ્ત્ર બળોને મદદ માટે મોકલવા વિનંતી કરી શકે છે અને કેન્દ્ર સરકારે આ મદદ પહોંચાડવી પડે. આ વ્યવસ્થા 'Aid to Civil Authority' તરીકે જાણીતી છે.  આ માટે બે વાતો જરૂરી છે. આ હાલતમાં પ્રથમ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને પૂરા અહેવાલ સાથે વિધિપુર:સર વિનંતી કરવી જરૂરી છે. કેન્દ્ર સરકાર આ બાબતમાં તરત વિચારણા કરી રાજ્ય સરકારે કરેલી માગણી અનુસાર સેનાની ટુકડીઓ મોકલે. ગુજરાતને આનો અનુભવ છે. બીજી વાત કેન્દ્ર સરકારના અધિકારની છે. જો કેન્દ્ર સરકારને લાગે કે દેશ પર વિદેશી હુમલાની સ્થિતિ ઉભી થઇ છે કે ભારતીય સશસ્ત્ર બળોનો ઉપયોગ કરવામાં ન આવે તો દેશની અખંડીતતા અને દેશના નાગરિકોની સુરક્ષા ભયમાં આવી જાય. આ હાલતમાં ભારતના રાષ્ટ્રપતિ દેશમાં આપત્કાલિન - રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ (National Emergency) જાહેર કરે અને સમગ્ર દેશમાં સશસ્ત્ર સેનાઓને દેશના સંરક્ષણ માટે તહેનાત કરે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કટોકટીની જાહેરાત ફક્ત એક જ વાર થઇ છે. 

    આપણે ઘણી વાર જોયું છે કે રાજ્યોમાં કોમી રમખાણ એટલા વ્યાપક હોય છે કે તેના પર નિયંત્રણ લાવવું રાજ્ય સરકારના પોલીસ ખાતાની ક્ષમતા બહાર થઇ જાય છે. દેશ સ્વતંત્ર થયો તે પહેલાં વિદેશી સત્તા આવી હાલતમાં મિલિટરીની ટુકડીઓ મોકલતી. તે સમયે રાજ્ય સરકારની સ્થાપના નહોતી થઇ. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ સ્થાનિક કેન્ટોનમેન્ટમાં રહેલી સેનાના ગૅરિસન કમાંડરને હુકમ કરી સૈનિક ટુકડીઓને બોલાવી શકતા. જલિયાઁવાલા બાગમાં આવું જ થયું હતું. આવું વારંવાર થતું હોવાથી ભારતીય સેનાની છબિ અત્યંત ધૂમિલ થઇ હતી. ૧૯૬૫ની લડાઇ બાદ ભારતીય સેના એક નવા સ્વરૂપમાં - દેશ માટે આત્મબલિદાન કરનાર વીર સેના તરીકે ઉભરી. તેમનો સ્થાનિક રમખાણો પર કાબુ કરવા માટે કે રાજનૈતિક ઉદ્દેશ્યની સિદ્ધી માટે ઉપયોગ કરવાથી પુરાણી અંગ્રેજોની દમનકારક નીતિનો અમલ કરનાર એજન્ટની જેમ થઇ જાય તે શક્ય હતું. તે ટાળવા ભારત સરકારે Aid to Civil Authorityની જવાબદારી BSF તથા ITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ), CRPF જેવા  અન્ય અર્ધલશ્કરી બળ - para military forcesને સોંપી. આ કાર્યને ટૂંકમાં અમે I.S. Duties (ઇન્ટર્નલ સિક્યૉરિટી ડ્યુટી) કહીએ.

    આજના અંકમાં Aid to Civil Authority વિશે અને તેમાં BSF પોતાનું કર્તવ્ય કેવી રીતે નિભાવે છે તે વિશે થોડી વાત કરીશ, જેથી આપને દેશમાં થતા તોફાન અને તે બેકાબુ થતાં BSF તથા ભારતીય સેના તેમને સોંપાયેલ કાર્યવાહી કેવી રીતે અમલમાં મૂકે છે તેનો ખ્યાલ આવશે. 

     દેશની સીમા પર જે કાર્ય કરવાનું હોય છે તેનું પ્રશિક્ષણ અર્ધ લશ્કરી સેનાઓના જવાનો અને અફસરોને મિલિટરીની જેમ જ અપાય છે. છેલ્લી ગોળી, આખરી સિપાહી જીવે ત્યાં સુધી સીમા પર લડતા રહે એવી તેમની ટ્રેનિંગ અને ધગશ પ્રેરવામાં આવે છે. આ સૈનિકોને જ્યારે દેશમાં જ ઉદ્ભવતી સરકાર તથા દેશના નાગરિકો પર આપણા જ અન્ય નાગરિકો દ્વારા થતા કરપીણ હુમલા અને ખૂનામરકી રોકવા BSFના સૈનિકોને જવું પડે ત્યારે એક દ્વિધા ભરી પરિસ્થિતિ ઉભી થતી હોય છે.  દેશના દુશ્મન સામે જે કાર્યવાહી કરવી પડે તેવી તજવીજ તોફાની તત્વો - જે આપણા દેશના જ નાગરિકો છે, તેમની સામે ન કરી શકાય. પરંતુ જો આ હિંસક ટોળાં અન્ય ધર્મ અથવા અન્ય વિચારધારા ધરાવતા પર ખૂની હુમલા કરે, આગ લગાડી સરકારી કે ખાનગી મિલ્કત/અસક્યામત ધ્વસ્ત કરતા હોય તો દેશનો યુનિફૉર્મ પહેરનાર અને દેશના નાગરિકોનું રક્ષણ કરવાની શપથ લેનાર સશસ્ત્ર સૈનિક શું કરે?

    આનો જવાબ છે તેમને આ હાલતનો સામનો કરવા માટે અપાતા પ્રશિક્ષણમાં. આ ફરજ બજાવવા માટે BSFના અફસરોને પહેલાં તો ઇન્ડીઅન પિનલ કોડ તથા ક્રિમિનલ પ્રોસીજર કોડની સંબંધિત કલમનું ઊંડાણથી શિક્ષણ આપવામાં આવે છે, જેથી તેઓ જે કાર્યવાહી કરે, તે સંબંધિત કાયદા હેઠળ જ હોય. બીજું મહત્વનું પ્રશિક્ષણ અપાય છે તે Social Psychologyનું, જેમાં બેકાબુ ટોળાંઓની માનસિકતા, તેમનું ઉન્માદમાં આવી જઇને થતું વર્તન, તેમને હિંસા કરવા પ્રેરતા પરિબળો વિશે ખાસ અભ્યાસ કરાવાય છે. 

     BSF માટે આ વિશિષ્ટ કક્ષાનું કાર્ય હોવાથી તે માટે અમને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી. તેમાં ધાર્મિક કે કોમી તોફાનો થવા પાછળનાં કારણ, બેકાબુ ટોળાંઓની મનોવૃત્તિ,  સામાન્ય રીતે કાયદા-કાનૂનનું સચોટ પાલન કરનાર શાંત જનતા કઇ હાલતમાં ઉગ્ર અને હિંસક બને છે તેનો અભ્યાસ કરાવવામાં આવ્યો. ખાસ ભાર તો એ વાત પર મૂકાયો કે શાંત જણાતી જનતાની ઊંડી સંવેદના અને ભાવના કઇ કઇ બાબતોમાં હોય છે, જેનો ગેરલાભ તોફાની તત્વો લેતા હોય છે. આ કહેવાતા 'નેતા' જનતાની સંવેદનાને ઉશ્કેરી તેમાં આગની ચિનગારી મૂકતા હોય છે. પોતાના રાજકીય કે અંગત લાભ માટે ઉન્માદી ભાષણો કરી ટોળાંઓને 'ઑક્સીજન' આપતા હોય છે, જે એકદમ સળગીને દાવાનળનું સ્વરૂપ લઇ લે છે. આવી હાલતમાં શાંત, કાયદાનું પાલન કરનાર સામાન્ય પ્રજાનું ટોળામાં - mob -માં પરિવર્તન થાય છે અને આ mob બનેલા ટોળામાં સામેલ થયેલ વ્યક્તિઓમાં અંગત સારાસાર વિવેક બુદ્ધિ રહેતી નથી અને તેમનામાં mass psychosisની સ્થિતિ ઉત્પન્ન થાય છે. તેમના મગજ પર નિયંત્રણ આવે છે self-appointed 'નેતા'ઓનું. તેમના નિર્દેશન નીચે ટોળાં પથ્થરબાજી અને જાહેર તથા ખાનગી માલિકીના વાહનો કે મકાનોને તોડવા-ફોડવાનું તોફાની કામ શરૂ કરી આગળ જતાં ખૂના-મરકી, લોકોનાં રહેઠાણોને આગ લગાડી તેમાં રહેનારાઓને જીવતા સળગાવી દેવા, છરા-બાજી કરવા જેવા હિંસક બની જાય છે. 

    આમ બેકાબુ ટોળાંઓમાં લગભગ ૯૦થી ૯૫ ટકા સામાન્ય નાગરિકો હોય છે. તેમનું સંચાલન અપૂરતું જ્ઞાન પણ સારી વક્તૃત્વ શક્તિ ધરાવતા અર્ધ શિક્ષિત સ્થાનિક નેતા હોય છે.  તેમને આગળ રાખી ઉશ્કેરનારા એક કે બે ટકા  વામપંથી રાજકીય પક્ષના ideologue કે કટ્ટર ધર્માંધ વ્યક્તિઓ હોય છે, જેમને અંગ્રેજી-ફ્રેંચમાં Agent provocateurs કહેવાય છે. જ્યારે શાંતિસ્થાપક સેના ત્યાં પહોંચે, આ ખલનાયકો ટોળામાંથી અદૃશ્ય થઇ જાય છે અને સ્થાનિક નેતા ભૂગર્ભમાં જતા રહે છે. હવે સશસ્ત્ર સૈનિકો તરફથી જે કાર્યવાહી થાય છે (જેમાં ગોળીબાર પણ થઇ શકે) તેનો ભોગ નિર્દોષ યુવાનો થાય છે.  ટોળાંઓની તથા તેમને ઉશ્કેરનારા તત્વોની માનસિકતાના અભ્યાસ કર્યા બાદ BSF તથા ભારતીય સેનાના અફસરો - જવાનોએ બે સિદ્ધાંત ઘડ્યા છે, જેનું પાલન હંમેશા કરવામાં આવે છે. (૧) ટોળાંઓ સામે ઓછામાં ઓછા બળનો પ્રયોગ - use of minimum force. (૨) કોઇ પણ કાર્યવાહી થાય તે બદલો લેવાના ઉદ્દેશથી કદાપિ નહીં કરાય. 

    કાશ્મિરમાં ભારતીય સૈન્ય (જેમાં અર્ધ લશ્કરી બળઆવી જાય છે, તેમના) પર થતી હિંસક પત્થરબાજી તથા ગ્રેનેડ દ્વારા થતા હુમલાઓ પર તાત્કાલિક ગોળીબાર જેવા કડક પગલાં શા માટે લેવાતા નથી, તેનું આ મુખ્ય કારણ છે. આપણે જોયું છે કે કાશ્મિરમાં  કે કોઇ પણ જગ્યાએ encounter થાય છે, ત્યાં સૌ પ્રથમ આપણા સૈનિકો પર ગોળીબાર કરનાર અને હત્યા કરનાર આતંકવાદીઓને લાઉડ સ્પીકર પર શરણે આવવાની અપીલ કરવામાં આવે છે. ત્યાર બાદ ચેતવણી અને છેલ્લા પર્યાય તરીકે તેમના પર લશ્કરી કાર્યવાહી - જેમાં આપણા સૈનિકોએ બલિદાન આપ્યું છે.

આ થઇ BSFની આંતરિક સુરક્ષા અંગેની વિગતવાર ભૂમિકાની વાત. તે કહેવાનું તાત્પર્ય એક જ છે ; આપણા સૈનિકો આપણા જન સમાજમાં જન્મેલા ભૂમિપુત્રો છે, તેઓ આપણી સુરક્ષા માટે ફરજ બજાવવા આવે ત્યારે તેમના હાથ તેમને આપેલા પ્રશિક્ષણ - use of minimum force તથા બદલાની ભાવનાથી કોઇ કાર્યવાહી ન કરવી - માં બંધાયેલા હોય છે. તેમની આ ભાવનાને આપણે સમજવી જોઇએ. ૧૯૮૦માં અમદાવાદમાં થયેલા તોફાનોમાં BSFની ટુકડીને લઇ જતા એક ટ્રક પર  દરિયાપુરની એક શેરીના ત્રીજા માળની અગાશી પરથી કોઇ તોફાની વ્યક્તિઓએ મૅન હોલના દસ કિલો વજનના લોખંડનું ઢાંકણું ફેંક્યું હતું. નસીબ જોગે આ ભારે ઢાંકણું ટ્રક પર એવા સ્થાને પડ્યું, જવાનો સહેજમાં બચી ગયા. જવાનોએ કેવળ ટ્રક રોકી, તપાસ કરી આ વિકૃત માનસની વ્યક્તિને શોધી કેદ કરવાનો પ્રયત્ન કર્યો. જનતાની વફાદારી પેલી તોફાની વ્યક્તિ પરત્વે નીકળી ! આ માણસ કદી હાથ ન આવ્યો. જનતાના સમર્થનથી છટકી ગયેલા આ માણસને આવું કુકર્મ કરવા ઉત્તેજન મળ્યું. ભવિષ્યમાં તે આવું જ કામ કરશે, તે સમયે દેશની રક્ષા કરવા સેનામાં જોડાયેલો કોઇનો લાડકવાયો બચી શકશે ? શું અમને આપણા દેશવાસીઓ પ્રત્યે સંવેદનાપૂર્વક ફરજ બજાવવા માટેનું આ ઇનામ છે ? કે સજા?

    વિચાર કરવા જેવી વાત છે. 

    આવતા અંકમાં કેટલીક ખાસ વાતો, ખાસ અનુભવોની વાત કરીશું.

 

    

2 comments:

 1. હવે આપ કુશળ હશો.ઉમરની અસર,કોરોના+નો કહેર અને મા પ્રકૃતિનો પ્રકોપ..સર્વાવલનો પ્રશ્ન થાય એટલે કાળજી વધુ રાખવી પડે છે.કુશળતા માટે પ્રભુ પ્રાર્થના
  'The spirit is willing, but the flesh is weak.'
  All believers know the struggle. But when we watch and pray—when we remain spiritually alert and appeal to God for help—we can find strength in the time of need 'ભારતના રાષ્ટ્રપતિ દેશમાં આપત્કાલિન - રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ (National Emergency) જાહેર કરે અને સમગ્ર દેશમાં સશસ્ત્ર સેનાઓને દેશના સંરક્ષણ માટે તહેનાત કરે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કટોકટીની જાહેરાત ફક્ત એક જ વાર થઇ છે' અમારો પણ દુઃખદ અનુભવ
  'દેશનો યુનિફૉર્મ પહેરનાર અને દેશના નાગરિકોનું રક્ષણ કરવાની શપથ લેનાર સશસ્ત્ર સૈનિક શું કરે?'આ વાતનો કોઇ વાર ખરો તો કોઇવાર ખોટો ઉપયોગ થાય છે અને ઘણીવાર કાંઇ કરતા નથી!
  'તપાસ કરી આ વિકૃત માનસની વ્યક્તિને શોધી કેદ કરવાનો પ્રયત્ન કર્યો. જનતાની વફાદારી પેલી તોફાની વ્યક્તિ પરત્વે નીકળી ! ' દરેક દેશમા બચાવમા માનસ વિકૃત નો વધુ ઉપયોગ થાય છે !આજના નીરવ રવે પર રકસ: સમજણ સભર કોલાહલ વાંચશોજી

  ReplyDelete
 2. સરસ વાત કહી આપની તબીયત સાચવજો

  ReplyDelete