Saturday, June 5, 2021

૧૯૬૫: રણાંગણ (૨)


ઝાંસીમાં મારા નવા યુનિટમાં હાજર થતાં પહેલાં મને જણાવવામાં આવ્યું હતું કે અમારી ડિવિઝન War Games - જેને અમે ફિલ્ડ એક્સરસાઇઝ કહીએ, તે માટે ઝાંસીથી પચાસે માઇલ દૂર આવેલા વેરાન પ્રદેશમાં ગઇ હતી. 
અમારી 1 Armoured Divisionનું ચિહ્ન હતું પીળી ઢાલ પર કાળો હાથી.

આથી તેબ્લૅક એલિફન્ટ અથવાઐરાવતડિવિઝનના નામે ઓળખાતી. ડિવિઝનનું મહત્વ એટલા માટે હતું કે તે ભારતીય સેનાની એક માત્ર બખ્તરબંધ ડિવિઝન હતી. આપણી સેનાનો મુખ્ય પ્રહાર કરનારઘણ’. તેમાં એક ટૅંક બ્રિગેડ (તે સમયે પ્રખ્યાત ટૅંક રેનિમેન્ટ્સ - 17th Cavalry (The Poona Horse), the 4th Hodson's Horse, the 16th 'Black Elephant' Cavalry, the 7th Light Cavalry, the 2nd Royal Lancers, the 18th Cavalry and the 62nd Cavalry); એકલૉરીડઇન્ફન્ટ્રી બ્રિગેડ (5મી જાટ, 8મી ગઢવાલ રાઇફલ્સ અને 9મી ગોરખા રેજિમેન્ટની 5મી બટાલિયન) એક આર્ટિલરી બ્રિગેડ (જેમાં તોપખાનાની ત્રણ રેજિમેન્ટ) તથા તેમને સહાયક થનારા અન્ય યુનિટ્સ હતા. આખી ડિવિઝન mobile warfare - ઝપાટાબંધ આગેકૂચ અને આક્રમણ કરનારી સેના હતી. તેમાં મુખ્ય આક્રમક અંગ હતી આપણી ટૅંક્સ (ભિષણ પ્રહાર કરનાર બખ્તરબંધ ગાડી), જે કલાકના ત્રીસ માઇલના હિસાબે આક્રમણ અને કૂચ કરી શકતી હતી. ટૅંક રેજિમેન્ટ (કે બ્રિગેડ)ને આપવામાં આવેલ લક્ષ્ય-સ્થળ (objective) તરફ તે કૂચ કરે ત્યારે તેની સાથે વાહન-સ્થિત ઇન્ફન્ટ્રી પણ કૂચ કરે. બખ્તરબંધ ટૅંક્સ પર પોલાદની રાઇફલ, મશિન ગન્સ કે મૉર્ટર તોપના ગોળાની અસર થતી નથી. અસર કરે તો કેવળ રિકૉઇલલેસ ગન (Recoilless Gun) જે સો ગજના અંતર પર આવેલ દસ થી બાર ઇંચ જાડા પોલાદની ભીંત સમાન ટૅંકને ભેદી તેને નષ્ટ કરી શકે. પાકિસ્તાનની સેના પણ બ્લૅક એલિફન્ટ ડિવિઝનનો આદર કરતી અને ૧૯૪૦થી ડિવિઝનફખ્ર--હિંદના નામથી ઓળખાતી, નામે તેનો હજી પણ ઉલ્લેખ કરે છે.
    આર્મર્ડ ડિવિઝન ઝપાટાબંધ આગેકૂચ કરતી હોવાથી ઇન્ફન્ટ્રીને પણ તેમની ગતિથી આગેકૂચ કરવી પડે. આનું મુખ્ય કારણ હોય છે, ટૅંક્સનું કામ સેના માટે નક્કી કરાયેલા લક્ષ્ય - objective- ના ભૂ-ભાગ પરથી દુશ્મનને મારી હઠાવવાનું હોય છે. ભૂમિ પર કબજો રાખવા, તેના પર મોરચાબંધી કરવાનું કામ - જેને holding the ground કહેવાય છે, તે ઇન્ફન્ટ્રીનું હોય છે. ટૅંક્સ જે વિસ્તારમાં ફરી વળે અને દુશ્મનને મારી હઠાવે, તો પણ દુશ્મન તે સહન કરી લેતા નથી. તેઓ counter-attack - નવી કૂમક અને સંસાધનો સાથે વળતો હુમલો કરી તે જમીન પાછી જીતી લેવા માટે જાનની બાજી લડાવે. તેને નિષ્ફળ કરવા ટૅંક્સની સાથે ઇન્ફન્ટ્રીએ પણ તે ગતિથી જઇ તાત્કાલિક રીતે ત્યાં કિલ્લાબંધી કરવી પડે. ઉપરાંત દિવસના સમયે જે હરતા-ફરતા અભેદ્ય કિલ્લા જેવી લાગતી ટૅંક્સ રાતના સમયે રતાંધળી સિંહણ જેવી થઇ જાય. ટૅંક રેજિમેન્ટના સૈનિકો બખ્તરબંધ ટૅંકમાં બેસી તૈયાર સ્થિતિમાં બેઠા હોય છે. તે સમયે આપણી બીજા વિશ્વયુદ્ધના સમયની ભારે ટૅંક્સમાં રાતના સમયે જોઇ શકાય તેવી ઇન્ફ્રા-રેડ લાઇટના beams નહોતાં. આ કારણે ટૅંકમાં બેસેલા આપણા સૈનિકો રાતના સમયે કશું જોઇ શકતા નથી કે નથી તેઓ જાણી શકતા કે દુશ્મન ક્યારે અને ક્યાંથી આવીને તેમના પર હુમલો કરશે. આવા દુશ્મનની ઇન્ફન્ટ્રીનો પ્રતિકાર કરવા અને ટૅંક રેજિમેન્ટને રક્ષા કવચ આપવાનું કામ ઇન્ફન્ટ્રીનું હોય છે. આમ ઇન્ફન્ટ્રીનું કામ બેવડું હોય છે. એક તો જીતેલી જમીન પર કબજો કરી રાખવો, 'સામે'ના વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનું અને ટૅંક્સનું રાતના સમયે રક્ષણ કરવું.
    અમારીકંપનીની ફરજ વિશિષ્ટ પ્રકારની હતી. દેશને સ્વાતંત્ર્ય મળીને ૧૮ વર્ષ થયા હતા, પણ આપણી સેનામાં હજી આધુનિકરણ આવ્યું નહોતું.  યુરોપ - અમેરિકાની સેનાઓમાં ટૅંક્સની સાથે કૂચ કરવા Armoured Personnel Carriers (APC) અથવા Mechanised Infantry ની રચના થઇ હતી. નીચે યુરોપના એક APCનું ચિત્ર આપ્યું છે.

APC ટૅંકની ગતિથી વધુ ઝડપવાળી બખ્તરબંધ ગાડી હોય છે, જેમાં દસ કે દસથી વધુ હથિયારબંધ સૈનિકો બેસી શકે. જો કે તેનું બખ્તર ટૅંક જેટલું જાડું નથી હોતું, પણ રાઇફલ કે લાઇટ મશિનગનની ગોળીઓ તેના પર અસર કરી શકતી નથી. જ્યારે આર્મર્ડ રેજિમેન્ટને સોંપાયેલા લક્ષ્ય પર તે હુમલો કરે, ઇન્ફન્ટ્રી તે સમયે ત્યાં પહોંચી જાય; એટલું નહીં, લક્ષ્યથી પણ વધુ આગળ જઇ તેમને ભારે મોરચાબંધી કરવું પડે છે. ૧૯૬૫માં આપણી પાસે આવાં વાહનો નહોતાં. તેના સ્થાને સાદા ત્રણ-ટન વજનના ખટારામાં ઇન્ફન્ટ્રીના સૈનિકોને બેસાડી આર્મર્ડ રેજિમેન્ટની સાથે કૂચ કરવા લઇ જવા માટે એક ખાસ કંપનીની રચના કરવામાં આવી હતી. કંપનીની એક પ્લૅટૂનના કમાંડર તરિકે મારી નીમણૂંક થઇ હતી. કંપનીમાં ત્રણ પ્લૅટૂન હતી, જેમાં ત્રીસ જેટલા ટ્રક્સ હતા. એક પ્લૅટૂન ઇન્ફન્ટ્રીની એક બટાલિયનનું વહન કરે. મારી પ્લૅટૂન ગોરખા રાઇફલ્સને ફાળવવામાં આવી હતી. આવા ત્રીસ ટ્રકમાં લગભગ એક હજાર સૈનિકોનું વહન કરવાની જવાબદારી મને સોંપવામાં આવનાર હતી!

કંપની ફિલ્ડ ટ્રેનિંગના વિસ્તારમાં હતી તેથી મારા પરિવારને તે સમયે મારી સાથે લઇ જવાનું શક્ય નહોતું. સત્ર પૂરું થયા બાદ કંપની પાછી ઝાંસી આવે ત્યારે ફૅમિલી ક્વાર્ટરની અરજી કરવાની, અને ક્વાર્ટરનું ઍલોટમેન્ટ થયા બાદ તેમને ઝાંસી લઇ જવાનું શક્ય હતું. 
    લગ્ન પછી મારે એકલાને પાછા ઝાંસી જવાનું થયું, અને તે પણ ઝાંસીની નજીકના બુંદેલખંડના વગડાઓમાં આવેલા ટ્રેનિંગ એરિયામાં.

1 comment:

 1. 'આ આપણી સેનાનો મુખ્ય પ્રહાર કરનાર ‘ઘણ’! વાતે યાદ આવે ઝવેરચંદ મેઘાણી
  "આતમની એરણ પરે જે દિ' અનુભવના ઘણ પછડાય,
  તે દિ' શબદ તણખા ઝરે ને રગરગ કડાકા થાય"
  અને સુન્દરમ્
  ઘણ ઉઠાવ, મારી ભુજા!
  ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા!
  ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા!
  અનંત થર માનવી હૃદય–ચિત્ત–કાર્યે ચઢ્યા
  જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં
  ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
  પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
  ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે
  પછાડ ઘણ, ઓ ભુજા! ધમધમાવ સૃષ્ટિ બધી!
  અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
  લગાવ, ઘણ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ
  ધરા ઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
  બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર ફુત્કારથી
  તોડી ફોડી પુરાણું, તાવી તાવી તૂટેલું
  ટીપી ટીપી બધું તે અવલ નવલ ત્યાં અર્પવા ઘાટ એને
  ઝીંકી રહે ઘા, ભુજા, ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને
  સાથે રસિક ફિલ્ડ ટ્રેનિંગ ---ઘણુ જાણવા મળ્યુ પણ
  લગ્ન પછી મારે એકલાને જ પાછા ઝાંસી જવાનું થયું, અને તે પણ ઝાંસીની નજીકના બુંદેલખંડના વગડાઓમાં આવેલા ટ્રેનિંગ એરિયામાં. '
  પલોટવાની પધ્ધતિ?
  રાહ ફૅમિલી ક્વાર્ટર...

  ReplyDelete