Friday, June 25, 2021

"સહુ ચાલો જંગ જીતવા, બ્યુગલો વાગે..."

         યુદ્ધના અભિયાન માટે અપાતો નાનકડો હુકમ, જેને મિલિટરીની સંજ્ઞાત્મક ભાષામાં Warning Order કહેવાય છે તે અમને કંપની કમાંડરે સંભળાવ્યો. આ હુકમ મળતાં જ અમારા Battle Procedure (મૅનેજમેન્ટની ભાષામાં કહીએ તો Standard Operating Procedure -SOP) ની કાર્યવાહી શરૂ થઇ ગઇ. મારી 'C' Platoonની બૅરેકમાં પહોંચી મારા સેકંડ-ઇન-કમાંડ નાયબ સુબેદાર ગોપાલન નાયર તથા પ્લૅટૂન હવાલદાર ઉમામહેશ્વરનને બોલાવ્યા અને તેમને પણ આ વૉર્નિંગ ઑર્ડર આપ્યો. ત્રણે'ક  મહિના પહેલાં અમારી કંપનીના હથિયારોનું AIA (આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઑફ આર્મ્સ) દ્વારા પરિક્ષણ થયું હતું અને અમને Fit for War-નું પ્રમાણપત્ર મળ્યું હતું. વાહનોનું પણ આવી જ રીતે Fit for Long Journeyનું નિરીક્ષણ EME (કોર ઑફ ઇલેક્ટ્રીકલ ઍન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ) તરફથી થયું હતું. જવાનોને લાઇનબંધ (Fall-in) કરી તેમના હથિયાર અને સાથે લઇ જવાનો દારૂગોળો તપાસ્યો. આ કામ થતાં કંપની કમાંડરને રિપોર્ટ આપ્યો કે ફક્ત બે વાહનો સિવાય અમે પ્રયાણ કરવા માટે તૈયાર હતા. ત્યાર બાદ તેમની રજા લઇ જે વાહનો રિપૅરમાં હતા તેને વર્કશૉપમાંથી 'કઢાવવા' અમે તેના કમાંડર કૅપ્ટન ગોવિંદરાજનને મળવા ગયા. ગોવિંદરાજન હવે અમારા AWD (ઍડવાન્સ વર્કશૉપ ડિટેચમેન્ટ)ના કમાંડર તરીકે અમારી સાથે પ્રયાણ કરવાના હતા. તેમને પણ અમારી જેમ વૉર્નિંગ ઑેર્ડર મળ્યો હતો કે તેમના વર્કશૉપમાં ગયેલા રિપૅર માટેના વાહનો અને હથિયારો NMB પહેલાં જે તે યુનિટને રિપૅર કરી પાછા સોંપે. અહીં વાચકને કદાચ નવાઇ લાગશે: આટલાં વર્ષો બાદ પણ આ માણસને તેના સાથીઓનાં નામ કેવી રીતે યાદ રહ્યા હશે? જવાબ સરળ છે. જેમને આત્મીય ગણીએ તે સદૈવ યાદ રહેતા હોય છે. તેમનાં નામ, તેમની સાથે વિતાવેલી સુખ-દુ:ખની ઘડીઓ, તે કદી વિસરાતાં નથી.

    કૂચ કરવાની તૈયારીનું કામ ચાલતું હતું ત્યાં બપોરના ત્રણે'ક વાગી ગયા હતા. તે જમાનામાં (૧૯૬૫ની આ વાત છે) સૈન્યમાં સાધનોની કમીને કારણે અમારા રહેઠાણ સુધી ટેલિફોન લાઇન બિછાવવાની સગવડ નહોતી, તેથી મારી પ્લૅટૂનના DR મેનનને ઘેર મોકલી અનુરાધાને સમાચાર આપ્યા કે બપોરના ભોજન માટે મારી રાહ ન જુએ. અહીં મારૂં તૈયારીનું કામ ચાલુ હતું. જવાનો પાસે કૂચ કરવા માટે સાથે લઇ જવાનોનો અંગત સામાન (Kit) નિયમ પ્રમાણે હતો કે નહીં તેનું નિરીક્ષણ કરવામાં સાંજ થઇ ગઇ. 

    બીજી તરફ અમારી કૉલોનીમાં સ્ત્રીઓ ચિંતામાં ડૂબી હતી. અમારા પાડોશી કૅપ્ટન હરીશ ચંદ્ર શર્મા અનુભવી અફસર હતા. તેમનાં પત્નીએ અનુરાધાને ઘેર બોલાવી લીધી અને ચિંતા ન કરવા વિશે ઘણો આધાર આપ્યો. અનુરાધાનો જન્મ અને મોટા ભાગનું જીવન ટાન્ઝાનિયાના અંતરાળમાં અને છેલ્લે છેલ્લે પાટનગર દાર-એસ-સલામમાં વિત્યું હતું. તેને આ વાતોનો અનુભવ નહોતો. કેવળ એક વાર દાર-એસ-સલામમાં પ્રેસિડેન્ટ ન્યેરેરેના વિરોધમાં કેટલાક સૈનિકોએ બળવો (coup) કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે સરકાર પક્ષના સૈનિકોને બળવાખોરોનો પિછો કરતાં જોયા હતા, જેની ધાસ્તી હજી તેમના મનમાં હતી. પણ મિસેસ શર્મા અને તેમની મુલાકાતે જોધપુરથી આવેલા તેમનાં માતા પિતાએ તેને ખુબ હિંમત આપી.

    મોડી સાંજે ઘેર પહોંચીને મેં અનુરાધાને પૂરી વાત કરી. તેને પાછા અમદાવાદ જવું પડશે અને બટાલિયનના અફસરોના પરિવારને ઘેર સુધી પહોંચાડવા Rear HQ Commander તરીકે અમારી કંપનીના જ કૅપ્ટન તિવારી રહેવાના છે તે કહ્યું ત્યારે તેના હૈયામાં ધરપત થઇ. બાને આ બાબતમાં ખબર કરવા એક્સપ્રેસ ડિલિવરીથી પત્ર પણ મોકલ્યો. બે દિવસ બાદ અમારે 'અજાણ્યા સ્થળે' કૂચ કરવા માટે ઝાંસીના બબીના સ્ટેશન પર મિલિટરી સ્પેશિયલ ટ્રેનમાં રવાના થવાનું હતું. અમે તેની તૈયારીમાં લાગી ગયા. આ બે દિવસ કેટલી ઝડપથી પસાર થઇ ગયા તેનો ખ્યાલ પણ ન રહ્યો, કેમ કે મોટા ભાગનો અમારો સમય કંપનીમાં પ્રયાણની તૈયારી કરવામાં જ લાગી ગયો હતો.

***

    યુદ્ધ માટે કૂચ કરવાનો હુકમ સાંભળી મારૂં મન રોમાંચીત થયું હતું. જે સ્વપ્ન લઇને હું મિલિટરીમાં જોડાયો હતો તે આટલી ત્વરાથી સત્ય બનીને મારી સામે આવશે એવી કદી કલ્પના નહોતી કરી. બીજું સત્ય અમારા ઘરમાં બાળકનું આગમન થવાનું હતું તે એટલું જ અનપેક્ષીત હતું. ઉનાળાની સખત ગરમીમાં ઝાંસી નજીકના ઉજ્જડ પ્લૅટફોર્મ પર વિદાય આપવા અફસરોની તથા જવાનોની પત્નીઓ આવી હતી. આપણે સિનેમામાં જોઇએ કે કલ્પના કરીએ તેનાથી તદ્દન જુદું આ દૃશ્ય હતું. અહીં નહોતાં બૂંગિયા ઢોલ કે બ્યુગલોના પડકાર સમા સૂર. અહીં કોઇ ભાવપ્રદર્શન નહોતું; નહોતું એક બીજાને અપાતું ‘છેલ્લું આલિંગન' કે રણ મેદાને જતા પતિને કરાતું કંકુ-ચોખાનું તિલક! “મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ” કે ભાવનગરના કૅપ્ટન જોરાવરસિંહજી પ્રથમ વિશ્વયુદ્ધમાં ગયા તે વખતે ગવાયેલ ‘જોરૂભા સાયેબ, જરમર જીતીને વે’લા આવજો’ જેવાં ગીત ગવાતા ન હતા. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી પત્નીઓ, જેમાંની મોટા ભાગની ઘૂમટામાં હતી, તે એકબીજાની સાથે ખડી રહીને દૂરથી પોતાના પતિને જોઇ રહી હતી. એક વિચિત્ર પ્રકારની શાંતી સર્વત્ર પથરાઇ હતી. 

    સૈનિકની ઉચ્ચતમ પરીક્ષાની ઘડી યુદ્ધ હોય છે. તેના માટે ખાસ યુનિફૉર્મ અને હેલ્મેટ પહેરેલા, ભાવવિહીન દેખાતા સૈનિકના મનમાં શું ચાલી રહ્યું છે એ તો ફક્ત પરમાત્મા અને - સૈનિક જ જાણે. અહીં ભલે મેં સૈનિકની વાત કરી, પણ તેને વિદાય આપવા આવેલ તેમની પત્નિઓના મનમાં શું ચાલતું હતું તેને કોણ પામી શક્યું હશે? નવવધુઓ, ગોદમાં ધાવણા બાળકને લઇ આવેલી સૈનિક પત્નીઓ અને તેમનાં ઘરડાં માતા પિતા આ બળબળતી બપોરના વૃક્ષહિન મિલિટરીના ખાસ પ્લૅટફોર્મ પર ખડા રહેલા પોતાના વીરલાઓને તેમની બટાલિયન, કંપની, પ્લૅટૂનના જૂથમાં ગંભીર ચહેરે જોઇ રહ્યા હતા. તેઓ ઉર્મિપ્રદર્શન કરી તેમના પતિ કે પુત્રના મનમાં કમજોરીનો ઓછાયો પણ આવવા દેવા માગતા નહોતા. બધા શાંત હતા. તે દિવસે મને હિંદી શબ્દપ્રયોગ "આંસુ પીના" સૌને સ્ટેશન પર જોયા ત્યારે સમજાયો.  

    ૨૪મી એપ્રીલ ૧૯૬૫: 





    વિખુટા પડવાના સંજોગ અચાનક આવી ગયા. બબીના રેલ્વે સ્ટેશનના પ્લૅટફોર્મ પર અમે બન્ને જણા મૂક હતા. અમારા લગ્નજીવનમાં ઉભા થઇ રહેલા પ્રસંગો એવી ત્વરાથી વિતી ગયા હતા કે અમે યુદ્ધની ભયંકરતા તથા કાયમનો બની શકે તેવા વિયોગનો વિચાર સુદ્ધાં કરી ન શક્યા. લડાઇમાં મને કશું અજુગતું થાય તો દિલાસો આપવા અનુરાધાના વૃદ્ધ માતાપિતા હજારો માઇલ દૂરથી કદાચ આવી પણ ન શકે - આ બધી વાતો અનુરાધાની સમજમાં આવી નહોતી. તે એવી આઘાતજન્ય સ્થિતિમાં હતી કે મિલિટરી ટ્રેનમાં અમને ‘રવાના’ કરવાનો વિધી તે જોઇ તો રહી હતી, પણ તેના પરિણામોનો તેને જરા સુદ્ધાં અહેસાસ નહોતો. લડાઇની ભયાનકતા, અને તેની સાથે ઉદ્ભવતી જીવનની અનિશ્ચિતતાનો, એક પુત્રવધુ તરીકે તેના પર આવનારી જવાબદારીનો તેને કોઇ ખ્યાલ હતો કે નહિ તે કહેવું મારા માટે અશક્ય હતું. એ તો વિસ્મયના સાગરમાં ડુબી ગઇ હતી. હું પણ મારા જવાનોની સંખ્યા, કેટલા લોકો હાજર છે તેનું લિસ્ટ બનાવવામાં, મારી પ્લૅટુનની ગાડીઓ રૅક (સપાટ ડબાઓ) પર ચડાવાઇ છે કે નહિ તેની તપાસમાં, અને તેનો રિપોર્ટ કંપની કમાંડરને આપવાની ભાંજગડમાં એવો રોકાયો હતો કે અનુરાધાના મનમાં શું ચાલી રહ્યું છે, તેને હિંમત આપવાની જરૂર છે આ વાતોનો વિચાર કરવા માટે હું અસમર્થ હતો. આ દેશમાં આમ જોવા જઇએ તો તે લગભગ એકાકિ હતી. તેની માતા, તેનાં ભાંડુઓ અને બાકીનો પરિવાર- બધાં દાર-એસ-સલામ હતા. અલબત, અનુરાધા માટે બા હતા પણ બાકીના મારા પરિવાર માટે તે સાવ અજાણી વ્યક્તિ હતી. તે સમયે મને આ વાતોનો જરા જેટલો વિચાર નહોતો આવ્યો. 

    એટલું જ નહીં, માંદો પડતો ત્યારે રાત-દિવસ મારી પાસે બેસી રહેતાં, કપાળ પર ઠંડા પાણીનાં પોતાં મૂકતાં, વહેલો સાજો થઉં તે માટે જપ, વ્રત અને ઉપવાસ કરનારાં બાને જાણ થશે કે તેમનો વહાલો દિકરો યુદ્ધભૂમિ પર જવા નીકળ્યો છે, ત્યારે તેમને કેટલી વ્યથા થશે તેનો મેં વિચાર કર્યો હતો કે નહીં, કોણ જાણે. આજે પંચાવનથી વધુ વર્ષોનાં વહાણાં વાયા બાદ આ લખવા બેઠો ત્યારે વિચાર કરું છું, અને મનમાં લાગણી ઉભી થાય છે: તે વખતે શું હું માનવી મટી એક સાયન્સ-ફિક્શનનો યંત્ર-માનવ-સૈનિક બની ગયો હતો? 

    વિચારૂં છું, ઝાંસીના સ્ટેશન પર મારાથી કેટલાક જ મિટર દૂર ખડી રહેલી, એકાકિ એવી અનુરાધાના મનમાં શું ચાલી રહ્યું હતું?        જો બા અમારી સાથે ઝાંસી આવ્યાં હોત અને સ્ટેશન પર ટૅંક, તોપ અને હથિયારબંધ સૈનિકો ભરેલી ટ્રેન પર ચઢતા મારા સૈનિકો અને મને જોયો હોત તો તેમની સ્થિતિ કેવી થાત? તેમાં પણ હું લગ્નના બે-ત્રણ મહિનાની અંદર જ યુદ્ધના મોરચે જવા નીકળ્યો હતો એ વિચાર આવતાં તેમની મન:સ્થિતિ કેવી થાત? 

    આ બધા વિચારોથી અલિપ્ત રહેલો આ ભાવવિહીન યુવાન તે વખતે શું એટલો naive હતો કે તેને તેની પ્લૅટૂન, તેના જવાનો પ્રત્યેની તેની જવાબદારી, તેની ફરજનો વિચાર કરવામાં તેને તેની માતા, બહેનો અને પત્નીનો પણ ખ્યાલ ન આવ્યો? તેનું મન ક્યાં પરોવાયું હતું?

    હજી પણ હું નક્કી નથી કરી શક્યો કે મારા મનમાં તે સમયે શી ગડમથલ ચાલી રહી હતી.

1 comment:

  1. મહાકવિ નાનાલાલના વીર રસ કાવ્ય પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ બાદ 'વિદાય આપવા આવેલ તેમની પત્નિઓના મનમાં શું ચાલતું હતું તેને કોણ પામી શક્યું હશે?'...
    દેશ પર જીવન ન્યોછાવર કરતા આ દરેક પરિવારને જોઈને પ્રશ્ન થાય કે આ પરિવારો ઇમોશનનું મેનેજમેન્ટ કઈ રીતે કરતા હશે? દેશ પ્રત્યેનો પ્રેમ કેવો બળવત્તર હશે જે અંગત સુખ અને અંગત પ્રેમને બીજા નંબરે બેસાડે છે. રણભૂમિ પર મોકલતી સ્ત્રી, એ યોદ્ધા કરતાં પણ વધુ શક્તિશાળી ભાસે. એક તરફ રણશિંગુ ફૂંકાય ને બીજી તરફ સૈનિકની પત્નીઓ ‘વિજય ભવ’નું તિલક કરી પતિને મોકલે ત્યારે વિજય સાથે પાછા ક્યારેય નહીં આવેની માનિસક તૈયારી પણ હોય. વર્ષો પહેલાં કવિ નાનાલાલે રણમેદાનમાં પતિને મોકલતી વેળા પત્ની કઈ રીતે વિદાય આપે એનું ગીત લખેલું, “મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ. આવન્તાં ઝાલીશ બાણને હો, ઢાલે વાળીશ ઘાવ.

    ReplyDelete