Wednesday, May 12, 2021

પાસિંગ આઉટ પરેડ : સેકન્ડ લેફ્ટેનન્ટ નરેન્દ્ર

પરિક્રમા પૂરી થઇ. અહીંથી અમારો સો કિલોમિટરનો ‘રૂટ માર્ચ’ અને તેની સાથે જોડાયેલી સઘળી એક્સરસાઇઝ શરૂ થઇ હતી અને અહીં જ તે પૂરી થઇ. 

અમારી પાસિંગ પરેડની તારિખ ૨૫મી જાન્યુઆરી ૧૯૬૪ હતી. હવે અમારે કૅડેટના ખાખી યુનિફૉર્મને તિલાંજલી આપી મિલિટરીના ઑલિવ ગ્રીન યુનિફૉર્મમાં પરેડની પ્રૅક્ટિસ કરવાની હતી. સાથે સાથે ‘કમિશનીંગ’ના ઉત્સવની વિગતો પણ મળી.

આ પરેડમાં મહેમાન તરીકે દરેક કૅડેટના પરિવારમાંથી ત્રણ વ્યક્તિઓને નિમંત્રણ આપવામાં આવશે. તેમનાં નામ અને સરનામાં સાથે તેમની અંગત વિગતો માગવામાં આવી, જેથી તેમના માટેની રેલ્વેની ટિકિટ તથા આવવા-જવાનું રિઝર્વેશન કરી આપવામાં આવશે. પાસિંગ આઉટ પરેડ બાદ અમારી OTSના અફસરો સાથે અમારા પરિવારને ટી-પાર્ટી અને રાતના ભવ્ય ડિનર. રાતના બરાબર બારના ટકોરા પૂરા થતાં ભારતના પ્રજાસત્તાક દિનના આગમનના દિવસે અમારી સેકંડ લેફ્ટેનન્ટના હોદ્દા પર થનારી નીમણૂંકનો વિધિ પણ સમજાવવામાં આવ્યો.

મેં ખાસ વિનંતી કરી એક વધારાનું આમંત્રણ મેળવ્યું તેથી મારા મહેમાન હતાં અમારાં વહાલાં બા, સૌથી નાની બહેન જયુ ઉર્ફે ડૉલી અને મારા બચપણના ખાસ મિત્ર સદાનંદ અને તેનાં પત્ની વૈજયન્તિ.

ત્રણ અઠવાડિયાની સતત અને સખત પ્રૅક્ટિસ બાદ ૨૫મી જાન્યુઆરી ૧૯૬૪નો દિવસ ઉગી નીકળ્યો. અમારો ઉત્સાહ કેવળ અમારા કૅમ્પના વિસ્તારમાં જ નહીં, આખા પુણેં શહેરમાં વ્યાપી રહ્યો હતો. અમને જણાવવામાં આવ્યું હતું કે અમારી કઇ રેજિમેન્ટ કે કઇ સર્વિસમાં નીમણૂંક થઇ છે, જેથી તે પ્રમાણે અમે અમારી બેરી (beret), તેના પર લગાડવામાં આવનાર બૅજ, સોટી અને ખભા પર લગાડવામાં આવનાર રેજિમેન્ટ અથવા સર્વિસના આદ્યાક્ષર ખરીદીને તૈયાર રાખી શકીએ.

અણ્ણાસાહેબે બા, ડૉલી તથા મિત્ર-મિત્ર પત્નીની ઉતરવાની વ્યવસ્થા તેમના જુના સાથીના ઘેર કરી આપી હતી.

આખરે ૨૫મીનો દિવસ ઉગી નીકળ્યો. અમે વહેલી સવારથી તૈયારીમાં પડ્યા હતા. અમારા સહાયકે અમારાં યુનિફૉર્મને એવા તો ચળકાવી રાખ્યા હતા કે અમારા સુબેદાર મેજર માઇક્રોસ્કોપથી જોઇને પણ તેમાંથી કોઇ ક્ષતિ ન શોધી શકે. જો કે શિરસ્તા મુજબ પરેડના એક દિવસ અગાઉથી અમારા કોઇ ઉસ્તાદ કે JCO (નાયબ સુબેદાર, સુબેદાર અને સુબેદાર મેજરનો હોદ્દો ધરાવતા જ્યુનિયર કમિશન્ડ ઑફિસર) અમારી નજરથી અદૃશ્ય થઇ જાય. જેમને અમે આજ દિવસ સુધી અમારા ગુરુ માન્યા હતા, જેમને આદર અને સન્માનની નજરથી જોયા હતા, તેમને તેમના શિષ્યોને સૅલ્યૂટ કરવાની શિક્ષા ન થવી જોઇએ. જો તેઓ અમારી સામે હોત તો કદાચ અમે જ તેમને સૅલ્યૂટ કરી હોત.


પરેડ
ભવ્ય હતી એવું બા તથા સદાનંદે કહ્યું. બા તો અમારી પરેડમાં લેફ્ટ-રાઇટના કડાકાબંધ પગરવ સાથે પસાર થતા ૭૦૦-૭૫૦ કૅડેટ્સમાં તેમના પુત્રને શોધી રહ્યાં હતાં. અમારી માર્ચ કરવાની ગતિ મિનિટના ૧૨૦ પગલાંની હતી. તેઓ મને તો જોઇ શક્યા નહીં, તેમની નજર સામેથી પસાર થનારા દરેક કૅડેટમાં તેમને તેમનો પુત્ર દેખાતો હતો. આવું જ કંઇક હાજર રહેલા અસંખ્ય માતા-પિતાઓએ અનુભવ્યું હશે.

તે રાત્રે અમારી મેસમાં તૈયાર થયેલું ભોજન અભૂતપૂર્વ હતું. મારા કંપની કમાંડર, ફર્સ્ટ હૉર્સ (સ્કિનર્સ હૉર્સ) રેજિમેન્ટના મેજર વાડિયા તથા સેકન્ડ-ઇન-કમાંડ ૨૦મી લાન્સર રેજિમેન્ટના કૅપ્ટન મહેતા (પંજાબના) બા તથા ડૉલીને મળ્યા. ભોજન સમારંભની સાથે મિલિટરીના બૅન્ડ સુંદર સૂર રેલાવી રહ્યા હતા. રાતના ૧૧ વાગીને ૫૯ મિનિેટ થતાં સૂનકાર થઇ ગયો. માઇક પરથી  છેલ્લી દસ સેકંડનું કાઉન્ટડાઉન સંભળાયું. બરાબર બાર વાગે મેદાનમાં ફ્લડ લાઇટ છવાઇ ગઇ. મારા ડાબા ખભા પર સદાનંદ-વૈજયન્તિ અને જમણા ખભા પર બા તથા જયુએ એક-એક સિતારો લગાડ્યો. અમારા માટે આ ધન્ય ઘડી હતી. લાઉડ સ્પીકર પર બ્રિગેડિયર આપજી રણધીરસિંહજીએ અમને બધાને ભારતીય સેનામાં કમીશન્ડ ઑફિસરના પદ પર નીમણૂંક થઇ છે તેની જાહેરાત કરી અભિનંદન આપ્યા. જીવનનો એક અધ્યાય પૂરો થયો.

તે ઘડીએ પુત્રને મિલિટરી અફસરના લેબાસમાં જોઇને બા અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યાં હતાં. 

મારી વાત કહું તો હું એક વિચિત્ર મન:સ્થિતિમાં હતો.

દોઢ વર્ષ અગાઉ સવારના દસથી સાંજના પાંચની આરામદાયક નોકરી કરનાર એક આદર્શવાદી યુવાનની સામે કોઇ દિશા નહોતી. જીવનમાં મળેલી કેટલીક નિષ્ફળતાઓને કારણે ખાસ કોઇ મહત્વાકાંક્ષા કેળવવાનો વિચાર કે સમય નહોતો. પિતાજીનું અવસાન હું નવ વર્ષનો હતો ત્યારે થયેલું. મારાથી ત્રણ નાની બહેનો હતી. તેમાંની મોટી મીનાનાં લગ્ન અમે ત્રણ વર્ષ અગાઉ ઉજવ્યાં હતા. તેનાથી નાની સુને હાલમાં જ નોકરી મળી હતી. સૌથી નાની જયુ કૉલેજમાં હતી. તેમનાં લગ્ન પતે એટલે હું મોટી જવાબદારીમાંથી મુક્તિ પામવાનો હતો. આગળ શું કરવું તેનો વિચાર નહોતો કર્યો.  

જીવન વિમા નિગમમાં હું નોકરી કરતો હતો ત્યાં કર્મચારીઓ અને મૅનેજમેન્ટ વચ્ચે લગભગ વિગ્રહની સ્થિતિ હતી. લોકાધિકાર વિશેની વિચારધારાથી પ્રેરિત થઇને મેં યુનિયનના કામમાં ઝંપલાવ્યું અને રાષ્ટ્રીય સ્તર પર અમદાવાદના યુનિયનનું પ્રતિનિધિત્વ કર્યું. જનતાના અધિકાર માટે સંઘર્ષ કરવો પડે છે એ ગુજરાતના યુવાનોએ છેક ૧૯૪૨થી - વિનોદ કિનારીવાલાએ આપેલા બલિદાનથી માંડી મહાગુજરાત, નવનિર્માણ વિ. જેવા આંદોલનોથી સિદ્ધ કર્યું છે. પરોક્ષ રીતે કેમ ન હોય, આ વૃત્તિ ગુજરાતના યુવાનોના માનસમાં આપોઆપ ઘડાઇ છે, જે પ્રસંગ પ્રમાણે પ્રત્યક્ષ થઇને વ્યક્ત થાય છે. ૧૯૬૨માં ચીન સામે થયેલા યુદ્ધે મારો સમગ્ર દૃષ્ટિકોણ બદલાયો હતો. એક લક્ષ્ય સાંપડ્યું હતું જે બાના આશિર્વાદથી તે સિદ્ધ થયું. 

25-26 જાન્યુઆરી ૧૯૬૪ની રાતે ઑલિવ ગ્રીન યુનિફૉર્મ, ખભા પર ચળકતા પિત્તળના તારક, ચમકતા બૂટ અને અફસરો માટેની peaked capમાં બાએ મને જોયો ત્યારે તેમની આંખમાં હર્ષના અશ્રુ આવી ગયા હતાં. અઢારમી સદીની આખરમાં અમારા એક પૂર્વજ ગાયકવાડ સરકારના સેનાપતિ હતા. ત્યાર બાદ ઓગણીસમી સદીના અંતમાં બ્રિટીશ સરકારની વેસ્ટર્ન ઇન્ડીયા સ્ટેટ્સ એજન્સીમાં ‘કાઠિઆવાડ’ના પ્રથમ ભારતીય પોલિસ સુપ્રીન્ટેન્ડન્ટ થવાનું શ્રેય મારા દાદાજીને મળ્યું હતું. પુત્રને ભારતીય સેનાના કમીશન્ડ ઑફિસરનો યુનિફૉર્મ પહેરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તેથી બા ઘણાં ખુશ હતાં.

1 comment:

  1. ' તેમની નજર સામેથી પસાર થનારા દરેક કૅડેટમાં તેમને તેમનો પુત્ર દેખાતો હતો.' પૂ બા જેવી વાત અમે પણ અનુભવી છે
    ગુજરાત કોલેજની મુલાકાત વખતે -૧૯૪૭માં તેમની યાદમાં વીર વિનોદ કિનારીવાલા સ્મૃતિ અને તેમનું પૂતળું કોલેજના પ્રાંગણમાં જયપ્રકાશ નારાયણ દ્વારા જાહેરમાં મૂકવામાં આવ્યું હતું-તે જોતા સલામ માટે હાથ ઊંચો થઇ જતો.
    '૧૯૬૨માં ચીન સામે થયેલા યુદ્ધે મારો સમગ્ર દૃષ્ટિકોણ બદલાયો હતો. એક લક્ષ્ય સાંપડ્યું હતું"
    એ લક્ષ્યને સલામ

    ReplyDelete