Friday, October 24, 2014

સંબંધોનો સેતુ

ભૂમિકા 

આપણા જીવનમાં આવેલી વ્યક્તિઓનું મહત્વ આપણાં તેમની સાથેના સંબંધ પર આધાર રાખે છે. દરેક વ્યક્તિનું આપણા મનમાં વિશીષ્ઠ સ્થાન હોય છે, તેમના માટે વિશેષ ભાવના હોય છે. તેથી ક્યારેક એવું લાગે કે જેમને આપણે અતિ નિકટના સગાં - સંબંધીઓ માનીએ તેમના તરફથી લુખ્ખો કે અલિપ્તતાનો પ્રતિભાવ મળે ત્યારે દુ:ખ અને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. એવું લાગે, શા માટે તેમની સાથેનો સંબંધ પહેલાં જેવો રહ્યો નથી?

આપણે વિચારવા લાગીએ, અચાનક એવું તે શું થઈ ગયું જેના કારણે અમારા સંબંધો કાચા પડી ગયા? શું સંબંધ જાળવવાના મારા પ્રયાસ અપૂરતા હતા? કે પછી જેની સાથે હું સંબંધ બાંધવા અથાગ પ્રયત્ન કરૂં છું, તેને મારી કશી પડી નથી?

આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ગુંચવાઈ જવાને બદલે આવા સંબંધે અંગે સહેજ ધ્યાનપૂર્વક વિચારીએ તો જણાઈ આવશે કે આવી ચોક્કસ વ્યક્તિ સાથેના સંબંધની નિષ્ફળતાના મૂળમાં કદાચ આપણી તેમની પાસેથી જે અપેક્ષાઓ હતી તે પૂરી થઈ નથી. આનો બીજો પાસો એ પણ હોઈ શકે કે આપણા મિત્રો કે કુટુમ્બીજનોની અપેક્ષાએ આપણે ઊણાં ઊતર્યા હોઈએ.

આ તો થઈ ’કદાચ’ અને અનિશ્ચીતતાની વાત. જાણવા જેવી મુખ્ય વાત તો એ છે કે આપણાં સંબંધોમાં એકબીજા પ્રત્યે આપણે જે અપેક્ષાઓ સેવીએ છીએ, તે વિશે આપણે કે તેઓ વાકેફ છે ખરા? 

આની ચોખવટ ન થઈ હોય તો આવી હાલતમાં આપણે શું કરી શકીએ?
ઘણી વાર એવું બનતું હોય છે કે આવી હાલતમાં આપણે એકબીજા પ્રત્યે કાં તો મૌન સેવીએ છીએ, અથવા આ બાબતમાં એકબીજા સાથે વાત કરવાનું ટાળતા હોઈએ છીએ! મનમાં એવી છુપી ભાવના હોવાની શક્યતા છે કે આમ કરવાથી સામેની વ્યક્તિની લાગણીઓ ઘવાશે. 
તમારી સામે આવી સ્થિતિ આવી પડે તો તેનો ઉકેલ લાવવામાં આ work-book કદાચ ઉપયોગી નીવડશે. સંભવ છે કે તેમાં આપેલા મનોયત્નોનો ઉપયોગ કરવાથી તમે તમારી લાગણીઓને નિરપેક્ષ ભાવથી તપાસી શકશો. તમે જોઈ શકશો કે સંબંધીઓ પાસેથી તમે કરેલી અપેક્ષા વ્યાજબી હતી કે કેમ? અને એ પણ જાણી શકશો કે જે સંબંધને તમે ધારતા હતા એટલો તે દૃઢ કે મજબૂત હતો કે નહિ!

કહેવાય છે કે આપણી પાસે આખા જગત માટે સમય છે ; નથી તો કેવળ ખુદ આપણા માટે, કારણ કે આપણે સ્વાર્થી નથી! વિચારકો કહી ગયા છે કે સ્વ-વિકાસ અથવા આત્મનિરીક્ષણ માટે સમય કાઢવો જોઈએ. તેવું કરવાથી જીવનનાં ઘણાં તથ્યો નજર સામે આવી જશે. આ work-book માટે તમે તમારા માટે થોડો સમય કાઢશો તો તે જરૂર ફળદાયી નીવડશે અને તે તમારી માર્ગદર્શક મિત્ર બની શકશે એવી આશા છે. 

આ work-bookનો મુખ્ય હેતુ તમારા સંબંધોની પુન: શોધખોળ કરવામાં ઉપયોગી થવાનો છે. આ કામ ધારીએ તો સહેલું છે અને મુશ્કેલ પણ. મુશ્કેલ એટલા માટે કે આ work-book તમારી પાસેથી તમારી ભાવનાઓનું પ્રામાણિક અવલોકન કરી તેને એટલી જ સચ્ચાઈથી વ્યક્ત કરવાની આશા રાખે છે. આમ તે તમારા મનની આરસી છે. તેમાં ભરવાની વિગતો જેટલી સાક્ષીભાવથી ભરીને જોઈ જશો એટલી તે તમારી અાંતરિક શક્તિઓને જાગૃત કરવામાં અને સંબંધો વિષયક તમારા વિચારોને પારદર્શક બનાવવામાં મદદ કરશે. શક્ય છે કે તે તમારા સંબંધોને નવેસરથી બાંધવા માટે માર્ગદર્શન કરી શકે. આ એક ‘જાત તપાસ’નું સાધન છે, જેની મદદથી તમને મુંઝવતા ઘણા પ્રશ્નોના જવાબ તમને મળી આવશે. આત્મમંથનનું નવનીત અદ્ભૂત હોય છે.

અહીં એક અનિવાર્ય ચેતવણી આપવી જરૂરી છે :  જે વ્યક્તિઓ સાથે તમારો લાંબો પરિચય ન હોય અને માત્ર ઉપર ઉપરનો જ સંબંધ હોય તેમની સાથે તમારા સંબંધોને લગતા પ્રશ્નોની વાતો ચર્ચશો નહીં. 

ઘણી વાર એવું પણ બને છે કે આપણને આપણી વ્યથા અંગે વાત કરવાની તીવ્ર ઈચ્છા હોય અને યોગ્ય વ્યકતી આપણી નજીક ન હોય ત્યારે જે લોકો હાથવગા હોય તેમની સાથે વાત કરવાનું સહજપણે મન થઈ આવતું હોય છે. આની પાછળ આપણા મનમાં એક એવી ઊંડી આશા હોય કે તેમની સાથે આપણા અંગત સંબંધોની વાત કરવાથી આવા આગંતુક સાથે એક નવો સંબંધ બાંધી શકાશે.

સંબંધો કંઈ એક રાતમાં બંધાતા નથી એ આપણે સૌ જાણીએ છીએ. સંબંધોનું બાંધકામ નબળા પાયા પર તો ન જ થઈ શકે. સંબંધો ઊભા કરવામાં પ્રામાણિકતા અને પરસ્પરના વિશ્વાસના મોટા રોકાણની જરૂરિયાત હોય છે. ઓછેવત્તે અંશે અર્થપૂર્ણ સંબંધોનો પાયો નાંખવામાં સમાન કક્ષાની ભાવનાત્મકતા જરૂરી હોય છે. નામ માત્રના પરિચયોમાં આવી બાબતો સાંપડવી સહેલી હોતી નથી. તેથી ટૂંકાગાળાના પરિચીતોની વૈચારીક પરિપક્વતા કે તેનું ઊંડાણ ઓળખી શકાતા નથી. તેથી અલ્પ પરિચયની વ્યક્તિઓ પર કેટલો આધાર રાખવો તે વિચારવું જરૂરી બને છે.

આ work-bookમાં થોડાં મનોયત્ન છે. આ મનોયત્નો માટે તમારી પાસે થોડા દિવસોનો અવકાશ જોઈશે. જો તમારા હાલના વાતાવરણને છોડીને કોઈક શાંત કે સુંદર જગ્યાએ જવાની તમને તક મળે તો તેનો આ કામ માટે જરૂર ઊપયોગ થશે. આખી પ્રક્રિયાને અંતે, આ પ્રકલ્પમાં જોડાતાં પહેલાં તમે એકલવાયાપણું અનુભવતા હતા તેવું નહિ લાગે.

આગળ જતાં જે work-book આવશે, તેમાં આપેલા મનોયત્નો સાદા અને સરળ છે. તેમાં દાખલાઓ સાથે ઉપયોગી અને માર્ગદર્શન  છે. આ પ્રક્રિયા પૂરી કરવા પેન કે પેન્સિલ અને થોડા કોરા કાગળો સિવાય બીજી કોઈ સામગ્રીની જરૂરીયાત રહેશે નહિ. આ કામ કરતી વખતે તમારો મોબાઈલ ફોન તમારી સાથે ન હોય તે ખાસ જરૂરી છે. આ મહત્વના કામમાં કોઈ જાતની ખલેલ પડવાથી વિચારધારા અને એકાગ્રતા ટૂટી જશે.

આપ હવે એક આનંદદાયક યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છો, તે માટે અને સંબંધોની પુનર્શોધ માટેના આપના પ્રયાસને અમારી દિલથી શુભેચ્છાઓ. 


આવતા અંકમાં આપણે પહેલું મનોયત્નને તપાસીશું અને સંબંધોનું રેખાચિત્ર તૈયાર કરવાનો પ્રયત્ન કરીશું. 2 comments:

 1. ખૂબ જ ઉપયોગી શ્રેણી બની રહેશે. આ લેખોનો ઉપયોગ કોઈ વ્યક્તિગત કે સંસ્થાગતરીતે જો કરશે તો કલ્પી ન શકાય તેવા લાભો મળી શકે તેવી આ વર્કબુક બની રહેશે તેમાં શંકા નથી.

  આ કાર્યને વાંચીને અમલમાં મૂકવા માટે કેટલીક બહુ જરૂરી કાળજી લેવી ઘટે તેમ છે પરંતુ લેખકે તેવી જગ્યાએ બહુ વિચારીને સૂચનાઓ પણ મૂકી જ હોઈ ચિંતાને કારણ નથી ! જ્યાં જરૂર પડી છે ત્યાં લેખકે વર્કબુક ભરનારાંઓે પોરસ પણ ચડાવીને આ કંઈક અંશે કઠિન કામની પીઠ થાબડીને કે પંપાળીને કાળજી લીધી છે.......

  લેખક કૅપ્ટન નરેનભાઈ ભારતીય સૈન્યમાં ઊંચા સ્થાન પર રહીને યુદ્ધમાં મોટી સફળતા મેળવવાના ભાગીદાર બન્યા હતા. નિવૃત્તિ બાદ તેમણે અનેક સામાજિકકાર્યો અપનાવીને માનવજાત માટે મોટાં કામો કરેલાં છે......

  આ લેખશ્રેણી પણ જો હાથ ધરવામાં આવે તો તે પણ મોટાં પરિણામો લાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે તેવું માનવું છે. કાર્યસફળતા માટે શુભેચ્છાઓ સાથે નવા વરસના આ નવા પ્રગરણનું સ્વાગત ! – જુગલકિશોર.

  ReplyDelete
 2. નૂતન વર્ષાભિનંદન
  આજે લેખ માણી પ્રતિભાવમા જોયું તો સૂ શ્રી જુ'ભાઇ એ અમારા મનની વાત જણાવી છે !
  અમારે તો આ વાત ને ટેકો આપી કહેવાનું કે...
  "શુભસ્ય શીઘ્રમ શીઘ્રમ શીઘ્રમ." શુભ કાર્યો કરો જલદી જલદી જલદી! શાંત પાણીમાં નાનકડી કાંકરી નહીં પણ મસમોટો પથરો પડયો છે. અને પાણીમાં એક પછી એક વર્તુળૉ ..વમળો ઉઠી રહ્યા છે. મારું મન એ વમળૉમાં ઘેરાયેલું રહે છે.પ્રજ્ઞાજુ વ્યાસ

  ReplyDelete