Tuesday, September 6, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: ગ્રુપ વર્ક

આજના અંકમાં કેન્દ્રમાં ચાલતા કેટલાક જુથ વિશે વાત કરીશું.
આર્ટ થેરપી: આ ગ્રુપ ફક્ત પ્રશિક્ષીત અને લાઇસન્સ મેળવેલ વ્યક્તિ જ ચલાવી શકે. જુથમાં જોડાવા ઇચ્છતા સભ્યોને ચિત્રકામ આવડવું જોઇએ એવી કોઇ શરત નથી હોતી. સાઇકોઅૅનાલીસીસમાં આ જુથ ઘણું ઉપયોગી નીવડે છે. આનું મુખ્ય કારણ એ હોય છે કે સામાન્ય રીતે માનસીક વ્યથાથી પીડાતા લોકો સંભાષણ કરવામાં અને પોતાના મનની વાત અજાણ્યા તો ઠીક, પરિવારના લોકો સાથે પણ કરવામાં અચકાતા હોય છે. આર્ટ થેરાપીસ્ટ તેમને નિશ્ચીત પ્રકારના ચિત્રો જેવાં આવડે તેવા દોરાવી તેમાં રંગ પૂરવા માટે પ્રોત્સાહન આપતા હોય છે. આ એક એવી પ્રવૃત્તિ છે જેમાં કોઇને પણ રસ પડે. સભ્યોએ દોરેલા અને રંગકામ કરેલા ચિત્રોનું આર્ટ થેરાપિસ્ટ અર્થઘટન (interpreting) કરી તેની ચર્ચા સાયકાઅૅટ્રીસ્ટ સાથે કરતા. ગ્રુપમાં ભાગ લેનારા સભ્યો તેમના કામમાં એટલા ઓતપ્રોત થઇને ચિત્રો દોરતા કે તેમાં તેઓ તેમને સતાવતી આંતરીક ડરની કે મનમાં ઉદ્ભવતી ઉત્કંઠાની ભાવનાને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. દાખલા તરીકે થેરાપીસ્ટ તેમને વૃક્ષનું ચિત્ર દોરવા કહે અને તેની સાથે તેમને જે મનમાં આવે તે ચિત્રમાં દોરવા અને રંગ પૂરવા ઉત્તેજન આપતા.
ગ્રુપની કાર્યવાહી પૂરી થયા બાદ થેરાપીસ્ટ શાંતિથી, પોતાના સમયમાં તેમના જુથના સભ્યોએ ચિત્રમાં જાહેર થયેલ અભિવ્યક્તિનું વિષ્લેષણ કરી સાયકાઅૅટ્રીસ્ટ સાથે ચર્ચા કરતા. આનું વિવરણ તેઓ કેન્દ્રના મૅનેજર તથા ક્લાયન્ટના કી વર્કરને આપતા હોય છે. સભ્યને જરૂરી હોય તેવી પ્રવૃત્તિ, તેના પુનર્વસન માટે તે કઇ કક્ષાએ પહોંચ્યા છે તેના પરથી તેમના માટે આગળનો કાર્યક્રમ ઘડવામાં આવે.
આ જુથમાં વધુમાં વધુ છ સભ્યો લેવામાં આવતા હતા અને આ જુથ closed group હતું. ગ્રુપની કાર્યવાહી ચાલતી હોય ત્યારે તેમાં બહારની કોઇ વ્યક્તિ, કેન્દ્રના મૅનેજર, કી વર્કર કે સાયકાઅૅટ્રીસ્ટને સુદ્ધાં પ્રવેશ આપવામાં આવતો નથી.

મહિલાઓ માટેનું જુથ: સ્વાભાવીક છે કે આ ગ્રુપ મહિલા વર્કર દ્વારા જ ચલાવવામાં આવે. જે બહેનો તેમાં જોડાવા માગતી હોય તેઓ પોતે જ પહેલી ગુપ્ત મિટીંગમાં ક્યા ક્યા વિષયોની વાતચીત અને ચર્ચા થવી જોઇએ તે નક્કી કરતા હોય છે. આ ગ્રુપના બે ઉદ્દેશ હોય છે. એક તો સંબંધિત વિષય પર ચર્ચા કરવા ઉપરાંત તેમાં ભાગ લેનારી બહેનો એકબીજાને આધાર આપે - જેને support group કહેવામાં આવે છે. આમાં પતિ તથા પતિનો પરિવાર સંયુક્ત હોય તો તેમના તરફથી સ્ત્રીનું દમન કે તેના પર અત્યાચાર થતો હોય તો તેવી હાલતમાં તેમણે શું કરવું જોઇએ, તેમને કાયદા તરફથી કઇ મદદ મળી શકે, વકીલ કરવો હોય પણ તેમની ફી આપવાની શક્તિ ન હોય તો લિગલ એડ, વ.ની માહિતી આવામાં આવતી. અહીં સૌથી વધુ ભાર અપાતો હોય તો આત્મવિશ્વાસ કેળવી પરિસ્થિતિનો સામનો કરવા પર. તેમાં Assertiveness Training પણ ચર્ચાનો ભાગ બની જતી. બહેનોને તેમના કાનુની અધિકાર તથા પોલિસ અને સોશિયલ સર્વિસીઝ જેવી એજન્સી તરફથી કેવી મદદ મળી શકે અને તે મેળવવા માટે શું કરવું તેની પણ માહિતી અપાતી. કોઇ પરિસ્થિતિનો સામનો કરવા ધૈર્ય તથા શક્તિ જોઇએ, અને તેનાં સ્રોત બહેનોને ઉપલબ્ધ કરાવી આપવામાં આવતા.
આ કેન્દ્રનું ધ્યેય મેમ્બર્સના પુનર્વસન - Rehabilitation Training તથા સુધારા પર આવેલ માંદગીને ધ્યાનમાં રાખી તેમના માનસીક આરોગ્યને પોષક થાય તેવું પર્યાવરણ ઉભું કરવાનું હતું, તેથી કોઇ પણ કર્મચારી authority figure ન બનતાં તેમના સહાયક બની રહેતા. તેમની કેળવણી, પ્રશિક્ષણ અને મૅનેજર તરફથી મળી રહેતા સહકાર અને માર્ગદર્શનને કારણે આ કામ સરસ ચાલતું.
જિપ્સીની કાઉન્સીલમાં આપણા પ્રદેશમાંથી આવેલા માનસીક અક્ષમતા કે મંદવિચારશક્તિ (Educationally challenged) ધરાવતા લોકો માટે ખાસ ડે સેન્ટર નહોતા, તેથી ત્રણે’ક જેટલા આવી સ્થિતિના સભ્યો પણ આવતા.
સોશિયલ વર્કના પ્રશિક્ષણ દરમિયાન જાણવામાં આવેલા કેટલાક કાર્યક્રમમાં એક અનોખો કાર્યક્રમ હતો “Reminiscence Group”. આ જુથ ખાસ કરીને સિનિયર સેન્ટર માટે યોગ્ય ગણાતું હતું. તેમાં એક જીલ્લાના (કે કાઉન્ટીના) અથવા એક દેશના વડીલોનું એક જુથ બનાવવામાં આવતું. તેમના માટે તેમની યુવાનીના કે શાળાના સમયનાં તેમના દેશ કે ગામોનાં ફોટોગ્રાફસ અને યાદદાસ્ત તાજી કરે તેવી વસ્તુઓ તેમની પાસે રજુ કરી તેની સાથે તેમના જોડાયેલા સંસ્મરણો વિશે વાત કરવા પ્રોત્સાહન અપાતું. આમ સંભાષણની સાથે સાથે તેમનામાં મૈત્રી પ્રેરી તેમનું સપોર્ટ ગ્રુપ બનાવવામાં આવતું. આ રીતે ભેગા થયેલા ઘણા ખરા લોકો વીકએન્ડ કે રજાઓના દિવસે ચર્ચમાં કે કોઇ શૉપીંગ મૉલમાં, રેસ્ટોરાંમાં મળતા અને વૃદ્ધત્વની એકલતામાંથી છૂટકારો મેળવતા.
અમારા કેન્દ્રમાં આવનાર પાંચ વડીલો ઉંડા ડિપ્રેશનથી પીડાતા હતા. કેન્દ્રમાં આવે, પણ કોઇ પ્રવૃત્તિમાં ભાગ ન લે. એક ખૂણામાં બેસી રહે અને ઓપન ગ્રુપમાં ચાલતી પ્રવૃત્તિને જુએ, નહિ તો સોફા પર વિચારમગ્ન હાલતમાં બેસી રહે. અનેક પ્રયત્નો બાદ પણ તેમને કશી પ્રવૃત્તિમાં ભાગ લેવા અમે પ્રેરી શક્યા નહિ.
તેમની કેસ હિસ્ટરી તપાસતાં જણાયું કે તેમાંના એક નર્મદાબેન (અહીં કોઇનાં સાચાં નામ આપવામાં આવ્યા નથી)નાં પતિ પંદરે’ક વર્ષ પર અવસાન પામ્યા હતા. તેમના એકના એક પુત્રે તેમને કેટલોક વખત સંભાળ્યા પણ તેના લગ્ન બાદ સાસુ-વહુનો વિખવાદ એટલો વધી ગયો, પુત્રે માતાને વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા. ત્યારથી નર્મદાબહેને કોઇની સાથે ન તો વાતચીત કરી કે ન સંબંધ રાખ્યો. હા, તેમની બે પુત્રીઓ પરણેલી હતી અને લંડનમાં જ રહેતી હતી. તે તેમને કદી કદી મળવા જતી, તેમની સાથે તેઓ વાત કરી લેતા. પુત્રનું કહેવું હતું કે તેમની બહેનો માતાને ચઢાવતી હતી અને ભાભી પ્રત્યે ઉશ્કેરતી હતી, તેથી જ માતાએ વહુ પ્રત્યે ખરાબ વલણ રાખ્યું હતું. તેમની એકલતા તેમને માનસિક માંદગી તરફ ન ધકેલે તે માટે preventative measure તરીકે વૃદ્ધ વિભાગના સોશિયલ વર્કરે તેમને અમારા કેન્દ્રમાં મોકલ્યા હતા.
બીજા મેમ્બર એક યુવાન બહેન હતાં. તેમના પર લૈંગીક અત્યાચાર થયો હતો તેથી તેમના માનસ પર એટલી ઘેરી અસર પડી હતી કે તે પણ અલિપ્ત જ રહેતા. આમ અમારા પાંચ સભ્યો કોઇની સાથે વાર્તાલાપ કરતા નહિ. કેન્દ્રના સમય બાદ ઘરમાં પણ એવી જ સ્થિતિ હતી. તેમને મૌન, uncommunicative સ્થિતિમાંથી બહાર લાવવા માટે એક અભિનવ કાર્યક્રમ યોજ્યો. મૂળ સિદ્ધાંત તો રેમીનીસન્સ ગ્રુપનો જ હતો.
આને ‘ઓપન ગ્રુપ’ તરીકે જાહેર કરવામાં આવ્યું, અને બપોરના ભોજન બાદ કમ્યુનિટી હૉલમાં રાખવામાં આવ્યું. પ્રથમ મિટીંગમાં પાંચ સભ્યો આવ્યા, જેમાંના બધા ૫૦ની આસપાસના હતા. પહેલ વહેલો વિષય હતો શાળામાં શીખેલ ગીત કે કવિતા કોઇ ગાઇ સંભળાવે, અને તેના પરથી વાતચીત શરૂ થાય તેમના શિક્ષકની, વર્ગમાંના મિત્રોની અને તેમની સાથે તેમણે ગાળેલા સુંદર સમયની. સહુને તેમાં ઘણો આનંદ આવ્યો. ત્રીજા દિવસે ગ્રુપની સંખ્યા વધીને આઠ થઇ. બીજા અઠવાડીયે ગ્રુપના facilitatorએ શરૂઆત કરી તેની પ્રિય કવિતાની. “જળકમળ છાંડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે...” અને તે જ્યારે “કહે, ‘રે બાળક તું મારગ ભૂલ્યો” પર આવ્યો, તે શાંત થઇ ગયો. “આગળની લિટી મને યાદ નથી. આપણામાંથી કોઇને આવડતી હોય તો પ્લીઝ મદદ કરો ને?” આ તેણે જાણી જોઇને કર્યું. સૌના આશ્ચર્ય વચ્ચે દૂરથી નર્મદાબહેને ઉંચા પણ મધુર અવાજે લિટી પૂરી કરી અને આગળની કડીઓ પણ બોલવા લાગ્યા! ત્યાર પછી તેઓ અમારા ગ્રુપનાં સક્રીય સભ્ય થઇ ગયા, અને અન્ય કાર્યક્રમમાં ભાગ લેવા લાગ્યા. (વધુ આવતા અંકમાં)

1 comment:

 1. ત્રીજા દિવસે ગ્રુપની સંખ્યા વધીને આઠ થઇ. બીજા અઠવાડીયે ગ્રુપના facilitatorએ શરૂઆત કરી તેની પ્રિય કવિતાની. “જળકમળ છાંડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે...” અને તે જ્યારે “કહે, ‘રે બાળક તું મારગ ભૂલ્યો” પર આવ્યો, તે શાંત થઇ ગયો. “આગળની લિટી મને યાદ નથી. આપણામાંથી કોઇને આવડતી હોય તો પ્લીઝ મદદ કરો ને?” આ તેણે જાણી જોઇને કર્યું. સૌના આશ્ચર્ય વચ્ચે દૂરથી નર્મદાબહેને ઉંચા પણ મધુર અવાજે લિટી પૂરી કરી અને આગળની કડીઓ પણ બોલવા લાગ્યા! ત્યાર પછી તેઓ અમારા ગ્રુપનાં સક્રીય સભ્ય થઇ ગયા, અને અન્ય કાર્યક્રમમાં ભાગ લેવા લાગ્યા........
  The details as given are wonderful.
  The Change in Narmadabenwas the positive effect of the Grour Therapy.
  DR. CHANDRAVADAN MISTRY
  www.chandrapukar.wordpress.com
  Inviting all to my Blog !

  ReplyDelete