Thursday, September 1, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: માનસીક આરોગ્ય

માનસિક આરોગ્ય તથા તેને લગતી માંદગીઓ વિશાળ અને વિશેષ અભ્યાસ માગી લેતો વિષય છે. માનસશાસ્ત્રમાં ક્લિનિકલ સાયકોલૉજીની ‘સ્પેશીયાલીઝમ’ સાથે માસ્ટર્સ અથવા વૈદ્યકીય ચિકીત્સા (સાયકાઅૅટ્રી)ના ક્ષેત્રમાં નિષ્ણાત થવામાં કેટલો સમય લાગી જાય તેના પરથી ખ્યાલ આવે. આપના મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે જ્યાં આવા નિષ્ણાતો હોય ત્યાં સોશિયલ વર્કર્સનું શું કામ હોઇ શકે? તેમની પાસે એવી કઇ શૈક્ષણીક લાયકાત હોય છે કે હોવી જોઇએ કે તેઓ માનસિક રોગથી પીડાતા ક્લાયન્ટસ સાથે કામ કરી શકે?

સાયકાઅૅટ્રીસ્ટસ્ તથા માનસશાસ્ત્રીઓમાં માનસીક માંદગીના કારણો વિશે ઘણાં વર્ષોથી ચર્ચા ચાલતી આવી છે: શું માનસિક બિમારી વ્યક્તિના genesમાં હોય છે? કે પછી તેના પર પર્યાવરણ, પરિવાર, મિત્રસમુદાયના અને સામાજીક દબાણના કારણે ઉદ્ભવતી સ્થિતિ છે?
માનસીક બિમારીના મુખ્ય બે વિભાગ પડે: Psychosis તથા Neurosis. સાયકોસીસમાં દર્દી જગત અને જીવનની વાસ્તવિકતાથી વિખુટો પડી જાય છે. અન્ય કોઇને ન દેખાતી કે અસ્તીત્વમાં ન હોય તેવી વ્યક્તિ તેને દેખાતી હોય છે. તેની સાથે તે વાત કરે અને એવી રીતે વર્તે જાણે તે અદૃશ્ય વ્યક્તિ તેની સામે હાજર છે. એ જ રીતે ‘દેખાતી’ ન હોય તેવી વ્યક્તિનો અવાજ તેને સંભળાય છે, તેના આદેશ સાંભળીને તે પ્રમાણે તેનું પાલન કરે છે. આવી હાલતમાં એવું જોવામાં આવ્યું છે કે દર્દી આવા અવાજનો હુકમ સાંભળી ત્રીજા-ચોથા માળેથી કૂદી પડે. કોઇ વાર આવો અવાજ તેમને કોઇને ઇજા પહોંચાડવાનો હુકમ કરે તો તેવું પણ કરી નાખે. ઘણી વાર દર્દીના મનમાં મહાનતાની ભાવના અાવી જાય છે - જેને અંગ્રેજીમાં grandiose ideas કહેવાય છે. માણસને જીસસ, શિવ કે એવી જ કોઇ ધાર્મિક શક્તિ કે તેમના પ્રતિનિધિ દેખાવા લાગે છે અને તેમની સાથે વાર્તાલાપ કરવા લાગી જતા હોય છે. પરાકાષ્ઠાએ પહોંચેલ દર્દી પોતાને સુપરમૅન અથવા તેના ધર્મ અનુસાર રૂદ્ર અથવા જીસસ કે તેમના શિષ્ય માનવા લાગે છે અને તેમનું અનુકરણ કરવા જતાં પોતાને જ ઇજા પહોંચાડતા હોય છે.
મનોવૈજ્ઞાનીકોના સંશોધન પ્રમાણે આ રોગનું એક કારણ એ છે કે માણસના મગજમાં ડોપામીન નામનું તરલ રસાયણ હોય છે. તેમાં અસંતુલન આવતાં માણસ સાઇકોસીસનો ભોગ બને છે. આનું નિવારણ દવા, ડોપામીનનાં ઇન્જેક્શનની સાથે સાથે ડે સેન્ટરમાં ગ્રુપ થેરાપીમાં ભાગ લેવો વગેરે હોય છે. અંતિમ કક્ષાએ પહોંચેલા કેસમાં ઘણી વાર ECT (ઇલેક્ટ્રો કન્વલ્ઝીવ થેરાપી - એટલે કે મસ્તકમાં વિજળીના આંચકા) આપવાની જરૂર પડે.
ન્યુરૉસીસથી પીડાતા લોકોની સ્થિતિ વધુ ખતરનાક હોઇ શકે. તેઓ દેખાવમાં, વર્તનમાં આમ જનતાથી જરાય જુદા નથી લાગતા. તેમની માંદગી સાઇકોસીસ કરતાં જુદા પ્રકારની હોય છે. ડીપ્રેશન, ક્રૉનીક મૅનીક ડીપ્રેશન, કમ્પલ્સીવ અૉબ્સેસીવ બિહેવીયર આના દાખલા છે. છેલ્લી માંદગીનું ઉદાહરણ એવું છે જેમાં વ્યક્તિ એવું કામ કરવા મંડી પડે તો તે છોડે જ નહિ. દાખલા તરીકે કોઇ પણ વસ્તુને અડ્યા બાદ કલાકો સુધી સાબુ વડે હાથ ધોતા જ રહે. આપે એચ.જી. વેલ્સનું ‘હિસ્ટરી અૉફ મિસ્ટર પૉલી’ વાંચ્યું હશે. તેમાં મિસ્ટર પૉલીનાં પત્નિ મિરિયમ આખો દિવસ જરા જરામાં તેમનાં ઘરની ફર્શ ઘસી ઘસીને સાફ કરતાં જ રહેતા; ભલે તેના પર કોઇનો પગ પડ્યો હોય કે ન હોય.
ક્રૉનીક મૅનીક ડીપ્રેશનનો રોગ સૌથી ખતરનાક ગણાય. આવી સ્થિતિમાં માણસના વર્તનમાં કદી ન સમજી શકાય તેવા ઉત્તર-દક્ષીણ જેવા અંતિમ ધૃવ સમાન ફેરફાર આવી જતા હોય છે. ઘડીમાં શાંત લાગતો માણસ ઘડીના છઠ્ઠા ભાગમાં ક્રોધમાં આવી જઇને કોઇની હત્યા કરી બેસે કે ઉદાસીનતાની પરાકાષ્ઠાને કારણે આત્મહત્યા જેવું પગલું પણ લઇ શકતા હોય છે. આમાંનું કોઇ પણ કૃત્ય કરવામાં તેમના મન કે મગજ પર તર્ક અથવા વિચારોનું નિયંત્રણ નથી હોતું.
માનસીક માંદગીના અનુસંધાનમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે: માનસીક માંદગી માણસના આનુવંશીક હોય છે કે અગાઉ જણાવ્યા પ્રમાણે તેના પર પડેલા પર્યાવરણની અસર, એટલે કે nature વિરૂદ્ધ nurture ને કારણે હોય છે? ઘણા સંશોધન, અભ્યાસને અંતે પણ આ વિવાદ હજી સુધી ચાલી રહ્યો છે.
સિગમંડ ફ્ૉઇડે શરૂ કરેલી વિચારધારા અને તેમણે શરૂ કરેલી મનોચિકિત્સાની પદ્ધતિ (psychoanalysis) પશ્ચિમના દેશોમાં તથા ભારતમાં પ્રચલીત છે.
માનસીક વ્યાધિથી પીડાતી વ્યક્તિઓના ઇલાજમાં ઔષધ, મનોચિકિત્સા તથા ગ્રુપ થેરાપી, એવી ત્રણે પદ્ધતિઓનું સંયોજન કરવામાં આવે તો દર્દીની હાલતમાં સુધારો થવાની પ્રક્રિયા ઝડપી બને છે. જો કે એવું માનવામાં આવે છે કે દર્દી સંપૂર્ણપણે - ૧૦૦% રોગમુક્ત થઇ શકતો નથી. તેથી દર્દીની સુધારણા પર આવેલી અને તેના માટે ‘નૉર્મલ’ ગણી શકાય તેવી સ્થિતિને પોષક એવી હાલત કરવા પર વધુ ભાર અપાય છે. આના માટે તેના પરિવારનો આધાર અત્યંત મહત્વનો ગણાય છે. સાથે સાથે વૈદ્યકીય તથા community based સેવાઓ દ્વારા તેમની હાલતનું monitoring હોવું જરૂરી છે.

૧૯૯૦ના દાયકામાં બ્રિટનમાં કાઉન્સીલો તથા સરકારની આર્થિક હાલત ખરાબ નહોતી. સાધન સામગ્રીમાં કરકસર હતી, પણ અછત નહોતી. વળી તે અરસામાં NHS & Care in the Communityનો કાયદો પસાર થયો હતો. આની અંતર્ગત જેરિઅૅટ્રીક (અતિ વૃદ્ધ) તથા સાયકાઅૅટ્રીક વૉર્ડમાં લગભગ કાયમી ધોરણે રહેતા દર્દીઓને સ્થાનિક સમાજમાં રહેવા માટે બને એટલી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, અતિ ખર્ચાળ હૉસ્પીટલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. માનસિક રોગથી પીડાતા extreme cases માટેનાં સિક્યૉર સાયકાઅૅટ્રીક વૉર્ડ ચાલુ રહ્યા. જે દર્દીઓની સ્થિતિ સુધારા પર આવી હોય તેવા પેશન્ટ્સને સમાજમાં રહેવા મોકલવાનો ક્રમબદ્ધ કાર્યક્રમ ઘડવા અંગેના અધિનિયમો ઘડવામાં આવ્યા. જેઓ સમાજમાં રહેવા યોગ્ય ગણાયા, તેમના માટે ખાસ કેસ કૉન્ફરન્સ યોજવામાં આવી અને તેમને અપાયેલા સોશિયલ વર્કરને તેમના ‘કૅર મૅનેજર’ નીમવામાં આવ્યા. નવા કાયદા અંતર્ગત સોશિયલ સર્વીસીઝ તથા સોશિયલ વર્કર્સના કામને ઘણું મહત્વ આપવામાં આવ્યું. સોશિયલ વર્કર્સને ‘કૅર મૅનેજર’ નીમવામાં આવ્યા.
આવી રીતે હૉસ્પીટલોમાંથી બહાર આવેલા ક્લાયન્ટ્સના સોશિયલ વર્કર તેમના માટે Care Plan બનાવે. તેમને અાપવામાં આવનારી સહાયતામાં સૌથી વધુ મહત્વ અપાયું હોય તો Multi-disciplinary Care Teamની યોજનાને. સોશિયલ વર્કર દર્દીની ટ્રીટમેન્ટ સાથે સંકળાયેલા દરેક વ્યાવસાયીકે શું કરવાનું છે, તેમની સંસ્થાએ મંજુર કરેલ કામને કેવી રીતે માપી કે ચકાસી શકાય તથા તેનાં માનચિહ્ન નક્કી કરવાનું સંયોજન કરે છે. એટલું જ નહિ, કૅર પ્લાન મુજબ નક્કી કરાયેલા લક્ષ્ય પ્રાપ્ત થયા છે કે નહિ તે તપાસી તેની સફળતા વગેરેની ચર્ચા કરવામાં તે મદદ કરે છે. કેસ કૉન્ફરન્સમાં ક્લાયન્ટ માટે કોઇ વધારાની સેવા જોઇએ એવું જણાય તો તે કોણ પૂરી પાડશે, તેની તપાસ અને વ્યવસ્થા કરવાનો પ્રયત્ન આવી મીટીંગમાં કરવામાં આવે છે.
આવા 'કૅર પ્લાન'ને કરાર ગણી દરેકે તેમની જવાબદારી પૂરી કરવાની હોય છે. નવા કાયદા મુજબ સોશિયલ સર્વિસીઝને મુખ્ય સંયોજક હોવાથી કન્સલ્ટન્ટ સાયકાઅૅટ્રીસ્ટથી માંડી કમ્યુનીટી સાયકાઅૅટ્રીક નર્સ, ગ્રુપ હોમનું સંયોજન કરનાર હાઉસીંગ ખાતાનો પ્રતિનિધિ, મેન્ટલ હેલ્થ ડે કૅર મૅનેજર કે પેશન્ટના ડે-કૅર વર્કર, કાઉન્સેલીંગ કરનાર વ્યાવસાયીક - બધાં માટે સોશિયલ વર્કરે યોજેલી કેસ કૉન્ફરન્સમાં હાજર રહેવું બાધ્ય કરવામાં આવ્યું.
માનસીક રોગના પેશન્ટની સુખાકારી અને તેની સંભાળ માટે તેમના પરિવાર અતિ મહત્વનો ભાગ ભજવી શકે છે. આ બાબતે આરોગ્ય ખાતા હેઠળ હેલ્થ એજ્યુકેશન અૉથોરિટીએ માનસીક આરોગ્યને લગતી પત્રિકાઓ અંગ્રેજીમાં તથા ભારતીય ઉપખંડની પ્રમુખ ભાષાઓમાં અનુવાદ કરીને વહેંચી છે. ખાસ કરીને માનસીક રોગ વિશે તેમના પરિવારમાં કોઇને આ રોગ હોય તો તેનાં પૂર્વ લક્ષણો કેવા હોય અને તે નજરમાં આવે તો તેમણે શું કરવું જોઇએ તે વિશે માહિતી આપવામાં આવી. સાયકોસીસની અસર નીચે આવેલ વ્યક્તિ શરૂઆતમાં વખતસર ઉઠે નહિ, આખો દિવસ પથારીમાં પડી રહે, કોઇ કામમાં તેને રસ કે ઉત્સાહ ન જણાય, એકલો કોઇની સાથે હવામાં વાત કરતો જણાય, તો તેની માહિતી તેમણે કોને અને કેવી રીતે આપવી તે આ પત્રિકામાં જણાવવામાં આવ્યું હતું. આવી હાલતમાં સપડાયેલ કુટુમ્બીજનની હાલત વિશે માહિતી ન હોવાથી ઘરનાં માણસો ઘણી વાર તેના પર ગુસ્સે થતા હોય છે. “કામધંધો કરતો નથી અને આખો દિવસ આળસુની જેમ પડ્યો રહે છે,” જેવા આકરા શબ્દો પણ તેને કહેવામાં આવે છે. માનસીક બિમારીનું આ શરૂઆતનું લક્ષણ છે, અને તેને સમજવામાં આવે તો તેને આગામી ભયાનક પરિણામોમાંથી તેમને બચાવી શકાય છે. અહીં પીડીત વ્યક્તિને તેના પરિવાર તરફથી સમજદારીપૂર્વકનો આધાર તથા સ્નેહપૂર્ણ વ્યવહાર દાખવવાની આવશ્યકતા હોય છે. આ તેઓ ત્ય્ા્ર્ે્ જ આપી શકે જ્ય્ા્ર્ે તેમને માનસીક હાલતના લક્ષણો વિશે માહિતી હોય.
માનસીક આરોગ્યની બાબતમાં આપણે ત્યાં સૌથી ઓછી ધ્યાનમાં આવનારી બાબત છે નજીકના પરિવારજનના મૃત્યુને કારણે અથવા વતન, નોકરી, ઘરબાર બગેરે ગુમાવવાથી લાગતા આઘાત - જેને Bereavement & Loss કહેવાય છે, તેનાથી ઉદ્ભવતી વ્યથા હતી. આ વાત પર ક્યારેક ઊંડાણથી વાત કરીશ. અત્યારે એટલું જ કહીશ કે આ પ્રકારની હાલત કેટલીક વાર ઉગ્ર પ્રકારના ડીપ્રેશનમાં (જેને પૅથોલોજીકલ બીરીવમેન્ટ કહેવાય છે તેમાં) પરિણમે છે. વ્યથીત માણસને સમયસર સારવાર ન મળે તો તેનો અંજામ કરૂણ થઇ શકે છે.
આ વાતની ચર્ચા ૧૯૯૦ના દાયકાની છે. ત્યાર પછી માનસીક આરોગ્ય વિશેના વિચારોમાં ઘણી પ્રગતિ થઇ છે. સામાન્ય રીતે માંદગીના કારણો વૈજ્ઞાનીક સાધનો તથા ઉપકરણો દ્વારા જાણી શકાય છે. કેટલીક બિમારીઓ જેમ કે એડઝ, કૅન્સર વગેરેનાં કારણો જાણી શકાયા નથી પણ તેના વિષાણુઓને isolate કરી શકાયા છે. કેટલીક માનસીક ‘બિમારી’ના કારણો હજી જાણી શકાયા નથી. તેથી તેને Mental Illness ન કહેતાં Mental Disorder કહેવામાં આવે છે. તેની સારવાર માટે વિસ્તૃત પદ્ધતિઓ અને ઉપચાર સૂચવવામાં આવ્યા છે. (જુઓ વિકીપીડીયામાં DSM IV TR). ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓની અવસ્થાનું નિદાન કરવામાં તેના કલ્ચરલ બૅકગ્રાઉન્ડ, તેમના પારિવારીક સંબંધો, સંસ્કાર વગેરેનો વિચાર કરવામાં આવે છે, જેથી તેઓ કોઇ ‘સ્ટીરીઓટાઇપ’નો ભોગ ન બને. ૧૯૯૦ના અરસામાં માનસીક બિમારી કે આરોગ્યની બાબતમાં વ્યક્તીની સાંસ્કૃતીક, પારિવારીક અને સામાજીક પૃષ્ઠભુમિ પણ અગત્યનો ભાગ ભજવે છે તેનો (cultural aspects of mental illnessનો) વિચાર કરવાની શરૂઆત થઇ હતી, પણ તે દિશામાં કોઇ નિશ્ચીત પગલાં લેવાયા નહોતા. આપને અહીં હેમન્તી દાસની વાત યાદ હશે.

આવા સમયે જિપ્સીને મેન્ટલ હેલ્થ ડે સેન્ટરનું સંચાલન કરવાની જવાબદારી મળી. (વધુ આવતા અંકમાં)

4 comments:

 1. . ૧૯૯૦ના અરસામાં માનસીક બિમારી કે આરોગ્યની બાબતમાં વ્યક્તીની સાંસ્કૃતીક, પારિવારીક અને સામાજીક પૃષ્ઠભુમિ પણ અગત્યનો ભાગ ભજવે છે તેનો (cultural aspects of mental illnessનો) વિચાર કરવાની શરૂઆત થઇ હતી, પણ તે દિશામાં કોઇ નિશ્ચીત પગલાં લેવાયા નહોતા. આપને અહીં હેમન્તી દાસની વાત યાદ હશે.

  આવા સમયે જિપ્સીને મેન્ટલ હેલ્થ ડે સેન્ટરનું સંચાલન કરવાની જવાબદારી મળી....
  The Narration of the Situation as existed & then the Responsibilty given to Gypsy for the Health Center...We will wait for the next Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  www.chandrapukar.wordpress.com
  Inviting you to my Blog !

  ReplyDelete
 2. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 3. આપે જીપ્સીની ડાયરીમા જન ઉપયોગી માહિતી સુન્દર રીતે પુરી પાડી છે. માનવ સેવાનુ આ એક કાર્ય છે.

  MD Desai (મદદ)

  ReplyDelete
 4. Comment of Anonymous (Dr. Chandravadan Mistry) is deleted at his request as it was duplicate.

  ReplyDelete