Friday, July 15, 2011

સોશીયલ વર્કરની નોંધપોથીમાંથી: "મિસ્ટર ઝેબ"

જીપ્સીનાં ટીમ અૅડમીન પૅટ હૅમ્પસન અત્યંત પાવરધાં બહેન હતા. અમારી ટીમના વહાણના વહીવટના કુવાથંભની જેમ. આપણા પ્રદેશના લોકોનાં નામ વિશે તેમને વધુ માહિતી નહોતી તેથી નામ લખવામાં થોડી ક્ષતિ રહેતી હતી. જેમ અહેમદજીનું નામ તેમણે ‘મિસ્ટર જી’ લખ્યું હતું, તે રીતે બીજા કેસમાં પણ તેવી રીતે જ લખ્યું હતું. ભાઇનું નામ હતું ઔરંગઝેબ, અને પૅટબહેને લખ્યું ‘મિસ્ટર ઝેબ’. નામ વાંચી પહેલાં તો તેને રમુજ ઉપજી. ભારતમાં આ મોગલ બાદશાહનું નામ અત્યંત લોકપ્રિય નથી. જીપ્સી ભારતમાં જન્મ્યો, આખા દેશમાં ભટક્યો, કાશ્મીરમાં પણ લાંબો સમય રહ્યો, તેમ છતાં આ નામની વ્યક્તિ તેને કદાપિ મળી નહિ. તેના મુસ્લિમ મિત્રોના સમુદાયમાં અકબર નામ જેટલું આદર્શ ગણાતું એટલું જ અપ્રિય નામ તેના પ્રપૌત્રનું હતું.
જીપ્સીના કેટલાક મિત્રોના માનવા પ્રમાણે અકબરની રાજકીય અને શાસકીય નીતિઓ તેના વંશજોએ વિકસાવી હોત તો અંગ્રેજો ભારતમાં કદી પણ રાજ્ય સ્થાપી શક્યા ન હોત. ઇતિહાસકારોની દૃષ્ટીએ ભારતમાં મોગલ સલ્તનતના અંતના જનક ઔરંગઝેબ ગણાય છે. પાકિસ્તાનના અશિક્ષીત અને મદ્રેસામાં ચાર ચોપડીઓ ભણેલા અવામ માટે વાત જુદી હતી. તેમને શીખવવામાં અાવતું હતું કે આદર્શ મુસ્લિમનું જ્વલંત ઉદાહરણ એટલે ઔરંગઝેબ. આટલી મોટી સલ્તનતનો સમ્રાટ હોવા છતાં તે પોતાના અંગત ગુજરાન માટે ટોપીઓ સિવી, પવિત્ર કુરાનની નકલ કરીને વેચવાથી થતી આવકનો ઉપયોગ કરતો. ધર્મ ફેલાવવા માટે તેણે જે કાંઇ કર્યું, તેને આદર્શ ગણી આ નામ પાકિસ્તાનમાં ઘણું પ્રચલિત અને લોકપ્રિય હતું. આ નામના ઘણા લોકો જીપ્સીને બ્રિટનમાં મળ્યા, એટલું જ નહિ, કાશ્મીરમાં તેનું પોસ્ટીંગ થયું હતું ત્યારે પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારમાં તેની સામેની પોસ્ટના કમાંડરનું નામ પણ ઔરંગઝેબ હતું.
મિસ્ટર ઝેબ મૂળ સિંધના હૈદરાબાદના. તેમના પિતા ૧૯૬૭માં બ્રિટન આવેલા. તેમના પરિવારના સૌથી નાના પુત્ર. તેમનો કેસ સોશિયલ સર્વિસીઝ પાસે આવવાના બે કારણો હતા: તેમનો ડાબો હાથ ફૅક્ટરીમાં થયેલા નાનકડા અકસ્માતને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. બીજું, તેમની મોટી દિકરી ઝીનતને જન્મજાત મુશ્કેલી હતી: તે hydrocaphelic હતી. તેના જન્મ સમયે તેના મગજમાં પાણી ભરાયેલું હતું. આઠ વર્ષની થઇ ત્યાં સુધીમાં આ ક્ષતિને કારણે તેની દૃષ્ટિ ઘણી કમજોર થઇ ગઇ હતી. તે બોલી નહોતી શકતી તથા ઓછું સાંભળતી હતી તેથી તેને સ્પેશીયલ સ્કૂલમાં દાખલ કરવામાં આવી હતી.
આ જાણે ઓછું હોય, ઔરંગઝેબને કાઉન્સીલનું મકાન મળ્યું હતું, અને ભાડું માફ કરાવવા માટે જે ફૉર્મ ભરવા જોઇએ તે તેમણે લાંબા સમયથી ભર્યા નહોતા. જીપ્સી પાસે કેસ આવ્યો ત્યાં સુધીમાં ભાડું ઘણું ચઢી ગયું હતું. ડ્યુટી સોશિયલ વર્કરે આ અંગેની નોંધ કરી હતી. જીપ્સીએ કાઉન્સીલના હાઉસીંગ ડીપાર્ટમેન્ટ પાસે તપાસ કરતાં જણાયું કે તેઓ મકાન ખાલી કરાવવા માટે નોટિસ મોકલવાની તૈયારીમાં હતા. ‘જો મિસ્ટર ઝેબ એક અઠવાડીયામાં ફૉર્મ ભરે તો તેમને પાછલી તારીખથી હાઉસીંગ બેનીફીટ મળશે. આવતા અઠવાડીયાથી નવું નાણાંકીય વર્ષ શરૂ થાય છે તેથી ગયા વર્ષના બેનીફીટ તેમને મળી નહિ શકે.”
ઔરંગઝેબ સપ્લીમેન્ટરી બેનીફીટ પર હતા. ઝીનતની હાલતને કારણે તેમને વધારાના બેનીફીટ (મૉબિલિટી તેમજ અૅટેન્ડન્સ અૅલાવન્સ) મળતા હતા. આમ સામાન્ય કામ કરનાર વ્યક્તિ કરતાં તેમની આવક લગભગ બમણી હતી. જીપ્સીને તેની સાથે કશી લેવા દેવા નહોતી. તેની ચિંતા એ હતી કે ટેનન્સી અૅક્ટ પ્રમાણે એક અઠવાડીયાનું પણ ભાડું ન ભરનારાને મકાનમાલીક મકાન ખાલી કરવાની નોટીસ આપી કોર્ટ અૉર્ડર મેળવી શકે તો મિસ્ટર ઝેબને તેવી હાલતનો સામનો કરવો પડે. તે ફોન કરી તેમને ઘેર ગયો. મિસેસ ઝેબે તેને આવકાર આપ્યો. તેમના પતિ ઘેર પહોંચ્યા નહોતા. જીપ્સીએ તેમને હાઉસીંગ બેનીફીટની માગણીના ફોર્મ આપ્યા અને આખી બિના સમજાવી.
અૉફિસમાં પાછો આવ્યો અને બીજા કેસ પર કામ કરવાની શરૂઆત કરી ત્યાં રિસેપ્શનીસ્ટનો ફોન આવ્યો. “તમને મળવા મિસ્ટર ઝેબ આવ્યા છે.”
જીપ્સી નીચે ઇન્ટરવ્યૂ રૂમમાં ગયો કે ઔરંગઝેબ તેના પર ઉતરી પડ્યા. “તમને અમારા ખાનગી મામલામાં દખલ કરવાની કોણે રજા આપી? અને મારી ગેર હાજરીમાં મારે ઘેર ગયા જ કેમ?”
પાંચ ફૂટ-બે ઇંચની ઉંચાઇ ધરાવતા આ સદ્ગૃહસ્થમાં આટલું ઝનૂન ક્યાંથી આવ્યું તેનો વિચાર કરવા કરતાં જીપ્સીને દુ:ખ થયું હોય તો એ વાતનું કે આ સજ્જને તેમની પત્નિ સાથે પૂરી વાત કર્યા વગર અમારે ત્યાં આવી સોશિયલ વર્કર પર વરસી પડ્યા હતા. જીપ્સીએ તેમનાં પત્નિને ફોન કર્યો હતો, અૅપોઇન્ટમેન્ટ લીધી હતી અને પૂરી વાત સમજાવી હતી. હવે ઝેબ સાહેબ સમય પર ઘેર ન આવ્યા હોય તેમાં તે શું કરે? તેમને એ વિચાર ન આવ્યો કે એક અઠવાડીયા બાદ ચઢેલા ભાડાના પંદરસો પાઉન્ડ ભરવા ઉપરાંત મકાન ખાલી કરવાની નોબત આવે તેમ હતું. સોશિયલ સર્વિસીઝ ડીપાર્ટમેન્ટ તેમને મદદ કરવાનો પ્રયત્ન કરતું હતું, તેનો તેમને ખ્યાલ ન આવ્યો. જીપ્સીએ ક્ષમાયાચના કરીને કહ્યું કે સોશિયલ સર્વીસીઝનું કામ તેમના પર આવી પડનારી homelessnessની આપત્તિ ટાળવાનું હતું. હવે આ બાબતમાં તેમને કશું કરવું ન હોય તો તેમની મુનસફીની વાત હતી. પગ પછાડતા તેઓ ઇન્ટરવ્યૂ રૂમ છોડીને ચાલ્યા ગયા!
ઔરંગઝેબની વર્તણૂંકથી જીપ્સીને પહેલાં તો ઘણો ગુસ્સો આવ્યો. વાત સમજ્યા વગર કોણ જાણે ક્યા પૂર્વગ્રહને કારણે તે આવો બકવાદ કરી રહ્યો હતો એવો વિચાર આવ્યો. તેણે શાંતિ રાખી, પણ મનમાં ઘણું દુ:ખ થયું. તેણે પોતાની મુંઝવણ ટીમ લીડર પાસે રજુ કરી.
“આવી બાબતમાં નિરાશ કે ગુસ્સે થવા કરતાં આપણે સામા માણસની સમસ્યાનો વિચાર કરવો જોઇએ. આપણું કામ સર્વહારા લોકોને મદદ કરવાનું છે. આપણા ક્લાયન્ટ ગુસ્સે થાય તો તેનાં અનેક કારણો હોઇ શકે છે. મિ. ઝેબની જ વાત જુઓ. એક તો તે પોતે partially disabled છે. તેમની પુત્રી હાઇડ્રોકેફૅલીક છે. આ જાણે પૂરતું ન હોય તેમ તે પોતે બેકારીથી પીડાય છે અને ભાડું ભરવા અંગેની તેમને નોટિસ ગઇ છે. શક્ય છે કે તે ડીપ્રેસ્ડ છે અને તેના દોરમાં તેણે તમારા પર ગુસ્સો ઠાલવ્યો હોય. જ્યારે તેને અહેસાસ થશે કે તેણે તમારા પર ગેરવ્યાજબી વર્તાવ કર્યો છે તે પોતે આવીને તમને સૉરી કહેશે.”
જીપ્સીના કામમાં આ નવો જ દૃષ્ટિકોણ હતો. તેને દાડમીયાની અને ટીમ મૅનેજર લિઝ વેબની કાર્યપદ્ધતિ વચ્ચેના અંતરનો વિચાર આવ્યા વગર ન રહ્યો.
તે સમયે પ્રજા હિતના રક્ષણ માટેના પ્રેશર ગ્રુપ ચાઇલ્ડ પૉવર્ટી અૅક્શન ગ્રુપ (CPAG)એ સરકાર પર કેસ કર્યો હતો, કે શારીરિક કે માનસિક ક્ષતિથી પીડાતા બાળકો અને પુખ્ત વયની વ્યક્તિઓની ઘરમાં કાળજી લેનાર તેમનાં માતાપિતા કે અન્ય પરિવારના સભ્યોને ખાસ એલાવન્સ (Invalid Care Allowance) મળવું જોઇએ. તેમણે અખબારોમાં જાહેરાત આપી કે આવા કેસમાં પરિવારોએ ક્લેમ નોંધાવી દેવો. જો આ કેસમાં જીત મળે તો જે તારીખે અરજી કરી હતી ત્યારથી તેમને પૈસા મળશે. જીપ્સીએ ઔરંગઝેબને ક્લેમનાં ફૉર્મ મોકલી આપ્યા અને તેમને જણાવ્યું કે તે ભરીને સરકારમાં મોકલી આપે. ફૉર્મ ભરવામાં મદદ જોઇએ તો તે અમે આપીશું.
એક વર્ષ બાદ કોર્ટનો ચુકાદો CPAGની તરફેણમાં આવ્યો. આ વખતે મિસ્ટર અને મિસેસ ઔરંગઝેબ જીપ્સીને મળવા તેની અૉફિસમાં ગયા અને જણાવ્યું કે તેમને લગભગ બારસો પાઉન્ડ મળ્યા હતા. લગ્ન પછી પહેલી વાર તેઓ પત્નિ અને બાળકોને લઇ વતન જઇ રહ્યા હતા.અત્યારે તેઓ સોશિયલ સર્વિસીઝનો આભાર માનવા જાતે આવ્યા હતા! અને હા, તેમણે હાઉસીંગ બેનિફીટનાં ફૉર્મ સમયસર ભર્યા હતા અને ભાડું ભરવામાંથી મુક્તિ મળી હતી. વ્યગ્રતાને કારણે ‘ભુલચૂક થઇ હોય તો માફી’ જેવું કંઇક બોલી ગયા.
અાવતા કેસની ચર્ચા તેમની પુત્રી ઝીનતની વિશે છે

6 comments:

 1. “આવી બાબતમાં નિરાશ કે ગુસ્સે થવા કરતાં આપણે સામા માણસની સમસ્યાનો વિચાર કરવો જોઇએ. આપણું કામ સર્વહારા લોકોને મદદ કરવાનું છે. આપણા ક્લાયન્ટ ગુસ્સે થાય તો તેનાં અનેક કારણો હોઇ શકે છે. મિ. ઝેબની જ વાત જુઓ. એક તો તે પોતે partially disabled છે. તેમની પુત્રી હાઇડ્રોકેફૅલીક છે. આ જાણે પૂરતું ન હોય તેમ તે પોતે બેકારીથી પીડાય છે અને ભાડું ભરવા અંગેની તેમને નોટિસ ગઇ છે. શક્ય છે કે તે ડીપ્રેસ્ડ છે અને તેના દોરમાં તેણે તમારા પર ગુસ્સો ઠાલવ્યો હોય. જ્યારે તેને અહેસાસ થશે કે તેણે તમારા પર ગેરવ્યાજબી વર્તાવ કર્યો છે તે પોતે આવીને તમને સૉરી કહેશે.”

  In your Post these words touched me a lot !
  Your attitude eventually benefited the Family in the trouble.
  DR. CHANDRAVADAN (Chandrapukar)
  www.chandrapukar.wordpress.com
  Aavjo Chandrapukar _Par !

  ReplyDelete
 2. Narenbhai, your experiences can bring about a very touchy book. That might guide to lots of people back in India. Keep it up.

  ReplyDelete
 3. @ Chirag:

  I sincerely appreciate your input in the Social Worker's Notebook. It is very encouraging to hear from you, as a sensitive person have attached to the experience narrated. It would indeed be my dream to publish it at some stage if I find a publisher. Thank you for your support.

  ReplyDelete
 4. સૌથી ઉંચો માનવ ધર્મ ... અને નિષ્પક્ષ રીતે કર્તવ્ય કર્મ કર્યે જવા ના ઉત્તમ નમુના આપની ડાયરી પુરા પાડે છે...
  આવી કર્તવ્ય-નિષ્ઠા જળવાય તેવી કેળવણી સંસ્કાર ઉપરાંત ક્યાં ઉપલબ્ધ છે..??
  શું ચૂંટણી માં ઉભો રહેતો દરેક પ્રતિનિધિ દરેક CQSW ધારક હોય તેવી બંધારણીય જોગવાઈ કેવી રીતે થઇ શકે..??
  જો ભારત બ્રિટન ની પદ્ધતી ના પંથે ચાલતું હોય તો ભારતમાં એવું કેમ આચરણ માં દ્રષ્ટિગોચર નથી થતું..??
  આવા અનેક સવાલો હૃદય માં ઉઠે છે..
  ડાયરી વાંચવાનો આનંદ 'લત' માં પરિવર્તિત થયો છે તે સહેજ..
  અસ્તુ,
  શૈલેષ મેહતા

  ReplyDelete
 5. @ શૈલષ મેહતા:
  ભારતમાં CQSW સમકક્ષ પ્રશિક્ષણ શરૂ કરનાર મુંબઇની ટાટા ઇન્સ્ટીટ્યૂટ અૉફ સોશિયલ સાયન્સીઝ હતી. તેમણે સોશિયલ વર્કમાં MAનો કોર્સ શરૂ કર્યો. બીજા નંબરે વડોદરાની MS University, જેમણે MSWનો કોર્સ સ્થાપ્યો. નવાઇની વાત એ છે કે તે સમયે (૧૯૫૦-૬૦ના અરસામાં) ભારતમાં પર્સનેલ મૅનેજમેન્ટ કોઇ યુનિવર્સીટીમા ચાલતો નહોતો તેથી મોટી મોટી કંપનીઓ તેમના કામદાર કલ્યાણ અને Human Resource Management માટે ટાટાની કે વડોદરાની ઉપર દર્શાવેલી ડીગ્રીઓ ધરાવતા સ્નાતકોને નોકરીએ લેતા. થોડા સમય માટે આ એક ટ્રેન્ડ થઇ ગયો. ત્યાર બાદ NGOsનું કામ શરૂ થયું અને વિકલાંગ, માનસિક રોગના ક્ષેત્રમાં MSW/MASWની માગ વધી. જો કે બ્રિટનના Chronically Sick and Disabled Persons Act જેવા કાયદામાં સરકાર તથા કાઉન્સીલોને આ કાયદામાં આવરી લેવાયેલા લોકોને સેવાઓ આપવાની ફરજ પાડવામાં આવી છે, તેવા કાયદા ભારતમાં ન હોવાને કારણે તે વિશે લોકો અને સેવા પૂરી પાડનાર સંસ્થાઓ સજાગ નથી. આ ભારતનું દુર્ભાગ્ય છે. આપણે ત્યાં હજી પણ મંદ બુદ્ધી (educationally challenged) લોકોને 'ગાંડા' ગણવામાં આવે છે, અને તેમની ટિખળ ઉડાવવામાં આવે છે.

  ReplyDelete
 6. ઓરંગઝેબ કેમ અપ્રિય હતો તે સમજાઈ ગયું.

  ReplyDelete