Wednesday, March 23, 2011

પરિક્રમા: વિલક્ષણ ઓળખપત્ર.

“અમારા મોટા બાપુજી કૃષ્ણનારાયણજીએ અમારા માટે જે જવાબદારી મૂકી છે તેનું પાલન કરવા માટે અમારે પૂરી ચોકસાઇ રાખવી જરૂરી હતી. ઠાકુર જગતપ્રતાપસિંહ સાથે અમારા જે સંબંધ હતા તેને અમે પવિત્ર ગણી વંશપરંપરાથી સંવેદનશીલતાપૂર્વક જાળવી રાખ્યા છે. આથી આપને પ્રત્યક્ષ મળ્યા બાદ, આપની પૂરી વાત સાંભળ્યા બાદ અમે અમારી જવાબદારી નિભાવવા માગતા હતા. તેથી જ્યારે વિનયનો મને ફોન આવ્યો, મેં તેને સૂચના આપી હતી કે તેની પાસે જે માહિતી છે, તે અહીં આવ્યા બાદ અમે બધા મળીને તમારી સાથે share કરીશું. અહીં જે હાજર છે તે મારા પરિવારના જ સદસ્યો છે. આમાંના એક મારા નાના ભાઇ કેશવ ચંદ્ર છે અને બીજા મારા પિત્રાઇ ભાઇ હરિશંકર પાંડે છે. વિનય અમારી ફોઇ પાર્વતિદેવી અને પંડિત વિદ્યાપતિ ઝાનો વંશજ છે.
“હવે ફક્ત બે વાતો તપાસવાની છે. તમારી પાસે કોઇ એવી વસ્તુ છે જે ઠાકુરસાહેબને અમારા તરફથી આપવામાં આવી હતી?”
જવાબમાં સુઝને તેની પર્સમાંથી બબલ-રૅપવાળું પાકીટ કાઢ્યું અને તેમાંથી ટિશ્યુપેપરમાં લપેટેલું તામ્રપત્ર કર્નલને આપ્યું. તેમણે તે જોયું અને વિનયને આપ્યું.
“Goodness god! અા હજી અસ્તિત્વમાં છે એવું અમે ધાર્યું નહોતું. જુઓને સદી વિતી ગઇ અને હજી સુધી તે અમારી પાસે ન આવ્યું તેથી અમને લાગ્યું હતું કે સમયના વહેણમાં તે ખોવાઇ ગયું છે. અમારા પૂર્વજોએ આપેલું વચન અધુરૂં રહી જશે કે શું એવી ધારણા ખરે જ ભયપ્રદ હતી. અમે આને Debt of Honor માનતા આવ્યા છીએ.
“Excuse me for a minute,” કહી તેઓ ઘરમાં ગયા અને થોડી વારે એક ચંદનની નાનકડી સંદુકડી લઇ આવ્યા. તેમાંથી તેમણે રેશમી રૂમાલમાં લપેટેલ તામ્રપત્ર કાઢ્યું અને શૉને આણેલ તામ્રપત્ર સાથે સરખાવ્યું. અંતે મૅગ્નીફાયીંગ ગ્લાસ વડે શૉનના તામ્રપત્રની જમણી કિનારી પર નિરીક્ષણ કર્યું અને કહ્યું, “આ અૉથેન્ટીક છે.”
“હું સમજી નહિ,” સુઝને કહ્યું.
“દરેક તામ્રપત્રની જમણી કિનારી પર નરી આંખે ન દેખાય તેવા અતિ બારીક અક્ષરથી શબ્દ કોરવામાં આવ્યો છે. આપની પાસે છે તેના પર ‘પ્રથમ’ અને અમારી પાસેના પત્ર પર ‘દ્વિતીય’ લખ્યું છે. આની જાણ ઠાકુરસાહેબને કરવામાં આવી નહોતી. આ તેના અસલપણાની નિશાની છે. હવે છેલ્લો પ્રશ્ન: આપની પાસે કોઇ એવી પહેચાન છે જે કેવળ અમારી તથા ઠાકુરસાહેબને કે તેમના પ્રતિનિધીની જાણમાં હોય? કોઇ દસ્તાવેજ? ચિહ્ન? કોઇ શબ્દ?”
“હા. એક શબ્દ છે: સલિયાધાર.”
હવે કર્નલ ઉભા થયા, શૉનના બન્ને હાથ ઝાલી કહ્યું, “બોલો ડૉક્ટર પરસૉદ...”
“મને શૉન અને મારી પત્નિને સુઝન કહીને બોલાવશો, પ્લીઝ..”
“OK શૉન, સુઝન, અમે આપની શી સેવા કરી શકીએ? કોઇ પણ જાતનો સંકોચ ન કરશો. હું, મારો પરિવાર, અમારી મિલ્કત-અસક્યામત બધું આપની મદદ માટે હાજર છે. અા અમારા મોટા બાપુજીનો આદેશ છે અને છેલ્લી કેટલીક પેઢીઓથી આપના પૂર્વજ કે તેમના વંશજની અમે રાહ જોઇ રહ્યા હતા. આજે અમારા આંગણે આવીને આપે અમારા પરથી મોટો બોજ હલકો કર્યો છે. Anything, anything at all we can do for you, just ask!” કર્નલ બોલ્યા.
શૉન તથા સુઝન પણ ઉભા થયા હતા. આ એવી ક્ષણ હતી કે કોઇ કશું કહેવાની સ્થિતિમાં નહોતું.
“અમે બન્ને આપના ઋણી છીએ, કર્નલ. અમે પપા રામ પરસૉદ અને ગ્રૅન સાન્ડ્રા - તેમનાં ખરાં નામ જગતપ્રતાપ અને શરનરાનીની આખરી ઇચ્છા પૂરી કરવા આવ્યા છીએ.”
“અમે સમજ્યા નહિ,” વિનય બોલ્યો.
“આ પત્ર બધી વાત સમજાવશે,” કહી સુઝને જગતનો છેલ્લો પત્ર વાંચી સંભળાવ્યો.
પત્ર પૂરો થતાં એક અપૂર્વ શાંતિ ફેલાઇ ગઇ. કોઇ કશું બોલવાની સ્થિતિમાં નહોતું.
એટલામાં કર્નલનો નોકર આવ્યો અને ભોજન તૈયાર છે તેવું જણાવ્યું.
ભોજન બાદ હૉલમાં બેસતાં વિનય ઝાએ કહ્યું, “સુઝન તમે જે વાંચી સંભળાવ્યું તેના અનુસંધાનમાં અમારા પિતામહની ડાયરીના અંશનું અંગ્રેજી ભાષાંતર કહીશ. તેનાથી તમને જ્યોતિ પ્રતાપના સમાચાર મળશે.”
“મારા પિતામહે કેટલાક પત્રો સાચવી રાખ્યા હતા, જેમાંથી તમને ચોક્કસ પથદર્શન મળી જશે,” કર્નલે કહ્યું. “પહેલાં વિનયની વાત સાંભળીએ.”
“અમારા વડવા સંસ્કૃતના વિદ્વાન હતા. તે સમય એટલો નાજુક હતો, કે તેમણે કરેલી નોંધ કોઇના હાથમાં પડે તો સહુને ઘણું નુકસાન થાય તેવું હતું. તેમણે જે નોંધ કરી તે બધી સંસ્કૃતમાં છે.
"ત્રણેક વર્ષ પહેલાં અમારા જુના ગ્રંથભંડારની સૂચિ બનાવતી વખતે મને આ હાથ લાગી. ૧૮૫૭થી માંડીને લાંબા સમય સુધીની ઘણી મૂલ્યવાન નોંધો આ ડાયરીઓમાં હતી. મને શૉનનો ફોન આવ્યો ત્યારે મેં કર્નલ સાથે વાત કરી અને નક્કી કર્યું કે શૉન પાસેથી બધી કડીઓ મળે અને ખાતરી થાય કે તમારી સાથે પૂરી વાત કરી શકાય તેવું છે, આ ડાયરીઓ તમારી સાથે share કરીશ.
“ડાયરીની શરૂઆત આરા શહેરના ઘેરાથી થાય છે.”

2 comments:

  1. આજે ફરીથી વાંચવાનું શરૂ કર્યું છે; અન એ હવે અંત જાણવા તાલાવેલી લાગી છે.

    ReplyDelete
  2. "ત્રણેક વર્ષ પહેલાં અમારા જુના ગ્રંથભંડારની સૂચિ બનાવતી વખતે મને આ હાથ લાગી. ૧૮૫૭થી માંડીને લાંબા સમય સુધીની ઘણી મૂલ્યવાન નોંધો આ ડાયરીઓમાં હતી. મને શૉનનો ફોન આવ્યો ત્યારે મેં કર્નલ સાથે વાત કરી અને નક્કી કર્યું કે શૉન પાસેથી બધી કડીઓ મળે અને ખાતરી થાય કે તમારી સાથે પૂરી વાત કરી શકાય તેવું છે, આ ડાયરીઓ તમારી સાથે share કરીશ.
    “ડાયરીની શરૂઆત આરા શહેરના ઘેરાથી થાય છે.” .........................
    Narendrabhai,
    Read yet another Post.
    Interesting !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    I will be here to read the next Post !

    ReplyDelete