Wednesday, March 2, 2011

પરિક્રમા - ભાગ ૩: બિહાર ૧૮૫૨

હર્બર્ટ જ્યૉર્જ વેલ્સ સ્વપ્નદૃષ્ટા હતા. તેમણે લખેલ 'ધ ટાઇમ મશીન'નું મૂળ તત્વ એટલું સુંદર છે, આપણે તેનો અનુભવ અત્યારે પણ કરી શકીએ.
ટાઇમ મશીનમાં માણસ બેસી ભૂતકાળ કે ભવિષ્યમાં પ્રવેશ કરે છે. આ યાન મૂળ સ્થાન પર જ રહે છે, પણ સો-બસો વર્ષ અગાઉના કે ભવિષ્યના તે જ પ્રદેશમાં ચાલક પહોંચી જાય છે, યાનમાંથી બહાર નીકળી આસપાસ થયેલા કે થનારા બનાવોનું એક પાત્ર બની શકે છે. અત્યાર પૂરતું તો આપણે કેવળ ભૂતકાળમાં પ્રવેશ કરી શકીએ તેમ છીએ, કેમ કે ઇતિહાસ જ આપણું સમય-યાન છે. બીજી વાત, આપણે તેના પાત્ર નથી બની શકતા, કેવળ સાક્ષી, પ્રેક્ષક બનીને જોઇ શકીએ છીએ. કોઇ વાર નિ:સહાયતાની તો કોઇ વાર ગૌરવની ભાવનાથી.
*********

૧.

૧૮૫૨: રિસાલદાર બ્રિજ નારાયણ પાંડે - પાંચમો રિસાલો
ઇસ્ટ ઇંડીયા કંપની કલકત્તાની સેના - બૅંગાલ નેટીવ આર્મીમાં Irregular Cavalry - રિસાલાને વિશીષ્ઠ સ્થાન હતું. તેમાં પ્રવેશ મેળવવો જેટલું કઠિન હતું એટલું જ મુશ્કેલ તેમનું કામ હતું.
સામાન્ય રિસાલામાં અને ‘ઇરેગ્યુલર’ રિસાલામાં થોડો ફેર હતો. પહેલામાં સવારને ઘોડો તથા તેનો ચારો સરકાર તરફથી અપાતો, તેથી સવારને પગાર સાવ ઓછો મળે. છત્રપતિ શિવાજીએ શરૂ કરેલી શિલેદાર પદ્ધતિ અનુસાર તેમના રિસાલામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા સૈનિકોને પોતાનો અશ્વ, ગણવેશ અને હથિયાર લાવવા પડતાં. બદલામાં તેમને જે પગાર આપવામાં આવતો તે પાયદળ તથા તોપખાનાના સૈનિકો કરતાં ઘણો વધુ હતો. અંગ્રેજોએ શિવાજી મહારાજની પદ્ધતિ અપનાવી અને નામ આપ્યું ‘Siladar System’. સૈનિકો માટેના ગણવેશ સુદ્ધાં એટલા જ રંગીન અને આકર્ષક. દરેક સૈનિકે ભરતી થતાં પહેલાં ‘આસામી’ તરીકે ત્રણસો રૂપિયા જમા કરાવવા પડતા.
દરેક રિસાલામાં ચારે’ક અંગ્રેજ અફસર હોય: સીઓ, એટલે કમાંડીંગ અૉફિસર, તેમના નાયબ તરીકે 2IC, અૅજુટન્ટ અને મેડીકલ અૉફિસર. સીઓના હાથ નીચે દેશી અફસર રિસાલદાર અને જમાદારના હોદ્દા પર નીમાય. દરેક રિસાલામાં ચાર ‘ટ્રૂપ્સ’. દરેક ટ્રૂપમાં સો’એક સવારોની, એવી ચાર ટુકડીઓ. સૈનિકોમાં જુદા જુદા હોદ્દા હતા, જેમાં દફાદાર, લાન્સ દફાદાર જેવા નૉન કમીશન્ડ અફસર તથા બાકીના સવાર. દરેક ટ્રૂપના કમાંડર તરીકે રિસાલદારની નીમણૂંક થતી. આ મહત્વના હોદ્દા પરના ભારતીય અફસરને સીઓથી માંડી જનરલ સુધીના અફસર અત્યંત માન આન આપે.
પાંચમો રિસાલો સોએક વર્ષ જુનો હતો. રિસાલામાં દરેક સૈનિકને શસ્ત્રો કંપની સરકાર આપે. જેમકે sabre - તલવાર અને લંડન નજીકના એન્ફીલ્ડ ગામ પાસે આવેલ કારખાનામાં બનેલી ‘બિગ બેસ’ નામની રાઇફલ.
િરસાલદાર બ્રિજ નારાયણ પાંડે પાંચમા રિસાલાના સૌથી જુના, સિનિયર મોસ્ટ ‘ઇન્ડીયન અૉફિસર’ હતા. ૪૧ વર્ષ આ જ રિસાલામાં તેમણે નોકરી કરી હતી. તેમનું એક વધારાનું કામ હતું રેજીમેન્ટના ‘વેલફેર અૉફિસર’નું. વર્ષમાં એક મહિનો સરકારી ખર્ચે તેઓ નિવૃત્ત થયેલા સવારના પરગણામાં જઇ તેમની સભા યોજી તેમની પેન્શન સંબંધી કે ઘર-જમીન અંગેની મુશ્કેલીઓ દૂર કરવી. તે માટે તેમને જીલ્લાના પ્રશાસનને મળી સૈનિકોના પ્રશ્નોનો નિકાલ કરવા માટેનો અધિકાર આપવામાં આવ્યો હતો. હવે તેમની નિવૃત્તિ માટે પાંચ વર્ષનો સમય બાકી રહ્યો હતો.
એક રીતે તેઓ નસીબદાર હતા. તેમની રેજીમેન્ટ આજકાલ પટનાની નજીક દાનાપુરના કેન્ટોનમેન્ટમાં હતી. તેઓ મુંગેરના જમીનદાર પરિવારના વડીલ પુત્ર હતા, અને તેમની પુત્રી પાર્વતિ પતિ સાથે આરામાં રહેતી હતી. આમ ત્રણે દૃષ્ટિએ તેમને દાનાપુરમાં સારી રીતે ફાવી ગયું હતું. તેમનાં પત્નિ હયાત નહોતા, તેથી નિવૃત્તિ બાદ હિમાલયમાં જઇ સન્યાસ લેવાનો વિચાર કરતા હતા. દાનાપુરમાં રોજ સાંજે ગંગા કિનારે આવેલ શિવમંદિરમાં દર્શન કરી પગથિયા પર બેસતા.
એક દિવસ આવી જ રીતે તેઓ બેઠા હતા ત્યાં એક ૧૭-૧૮ વર્ષનો યુવાન પગથિયાં ચઢીને મંદિરમાં આવ્યો. તેમની નજીકથી જતી વખતે આદરથી તેમને નમસ્તે અને ‘જય રામજી’ કહી પુજારી પાસે ગયો. તેમની સાથે કશીક વાત કરી તો પુજારીએ તેને રિસાલદાર તરફ અંગુલી નિર્દેશ કર્યો. તે પાછો પાંડે પાસે આવ્યો.
“નમસ્કાર સાહેબ. મારૂં નામ જગત પ્રતાપ સિંહ છે. હું રિસાલામાં ભરતી થવા આવ્યો છું. રાતે મંદિરની ધર્મશાળામાં રહેવાની વ્યવસ્થા કરવા પુજારીજી પાસે ગયો અને વાત કરી તો તેમણે કહ્યું કે આપ રિસાલદાર સાહેબ છો અને ભરતી વિશે આપ મને માર્ગદર્શન કરી શકશો.”
યુવાનની વાત કરવાની રીત અને વર્તન તેના ખાનદાનના સંસ્કાર દર્શાવતા હતા. રિસાલદારે તેને બેસવાનું કહ્યું ત્યાં સુધી તે અદબથી ઉભો રહ્યો અને ત્યાર પછી તેમની સામે બેઠો.
“હા, અમારે ત્યાં ભરતી ચાલુ છે. મહિનાના પહેલા સોમવારે ભરતી થાય છે. તમારી પાસે ત્રણેક અઠવાડીયાનો સમય છે. તમારે મેજીસ્ટ્રેટ પાસેથી સારી ચાલચલગતનું સર્ટિફિકેટ, ઘોડાની માલિકી દર્શાવતો દાખલો અને ત્રણસો રૂપિયા આસામી માટે જોઇશે.”
“જી.”
“આ ઉપરાંત તમારે દાક્તરી તપાસમાં પાસ થવું જોઇશ અને તમારો ઘોડો અમારા વેટેરીનરી દાક્તરી તપાસમાં તેની ઉમર તથા સેહતમાં પાસ થવો જોઇશે. આ બધું તમારી પાસે હોય તો તમને ભરતી થવામાં વાંધો નહિ આવે.”
“ભરતી ક્યાં થાય છે? એનો કોઇ સમય હોય છે?”
“હા, હું તે કહેવાનો હતો. અમારૂં પરેડ ગ્રાઉન્ડ તમને કોઇ પણ બતાવી શકશે. સોમવારે સવારે બરાબર દસ વાગે ત્યાં આવી જજો. નામ અને રીતભાત પરથી તમે ઠાકુર જણાઇ આવો છો. ક્યા ગામના છો?
“જી હું રઘુરાજપુરનો છું.”
“રાજા ઉદય પ્રતાપ સિંહ તમારા...”
“મારા પિતાજી છે.”
“જુઓ ઠાકુર, મેં કહેલા કાગળપત્ર મેળવવામાં કોઇ તકલીફ હોય તો હું તમને મદદ કરી શકીશ.”
“હું તે સમયસર મેળવી શકીશ, રિસાલદાર સાહેબ. આપની રજા લઉં?”
“આવજો ઠાકુર જગત પ્રતાપ સિંહ.”
“સાહેબ, એક વિનંતી કરૂં? મને ફક્ત જગત કહીને બોલાવશો તો ચાલશે.”
“ભલે જગત. આવતા મહિને પરેડના મેદાનમાં મળીશું.
નમસ્કાર કરીને જગત ત્યાંથી નીકળી ગયો.
રિસાલદાર પાંડે વિચારમાં પડી ગયા.
જગત પ્રતાપ સિંહને શહાબાદ જીલ્લામાં કોણ નહોતું જાણતું? થોડા જ દિવસ ઉપર પ્રેમને ખાતર રાજશાહી જીવન છોડી ગયેલા આ યુવાનની કથા ઉચ્ચ વર્તુળોમાં જાણીતી થઇ હતી. તેની સાથે આ પાંચ-સાત મિનીટની અણધારી મુલાકાત થશે તેનો તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો.
રિસાલદાર બ્રિજ નારાયણ પાંડે ધીરે ધીરે પોતાના કૅમ્પ તરફ ચાલવા લાગ્યા. શું આ યુવાન સાચે જ તેમના રિસાલામાં એક સવાર તરીકે જોડાશે?

*********
આપને પ્રશ્ન થશે, સમયયાન અને ઇતિહાસનો આ વાત સાથે શો સંબંધ? ના, મારો ‘મગજ-મેટ’ નથી થયો!! જ્યાં આજનું કથાનક ચાલે છે, તેની સાવ નજીક રિસાલદાર પાંડેની જગત સાથે વાત થઇ હતી. બન્ને પ્રસંગો વચ્ચે ફક્ત સવાસો-દોઢસો વર્ષનું અંતર છે. સ્થાન તે જ છે, સમય અલગ છે.

3 comments:

 1. સુંદર શરુઆત
  કહેવાય છે માઇકલ જેક્સન યુવાન રહેવા માટે જે ટાઇમ મશીનનો ઉપયોગ કરતો હતો.મહાન લેખક એચ.જી. વેલ્સના પુસ્તક પરથી પ્રેરિત સમયની આ વાર્તા પરથી વિદેશમાં અનેક ફિલ્મો બની છે . ભારતમાં શેખર કપૂર આમિર ખાનને લઈને ‘એકશન રિપ્લે’ નામની ફિલ્મમાં હાર્દ ટાઇમ મશીન છે ફિલ્મના પાત્રો સમયની નદીમાં પાછળ જાય છે.
  અહીં અધવારિયા ૧૯મી સદીની ,ખાસ કરીને સૈનિક અંગેની, ઘણાખરા ન જાણતા હોય તેવી આશ્ચર્યજનક માહિતી આપી.જગત પ્રતાપ સિંહનું ધમાકેદાર આગમન થાય છે " થોડા જ દિવસ ઉપર પ્રેમને ખાતર રાજશાહી જીવન છોડી ગયેલા આ યુવાનની કથા ઉચ્ચ વર્તુળોમાં જાણીતી થઇ હતી..."

  શબ કી તારીકિયાં ઉરૂજ પે હૈં
  કૈસે હોતી હૈ અબ સહર દેખો
  પ્રજ્ઞાજુ વ્યાસ

  ReplyDelete
 2. આપને પ્રશ્ન થશે, સમયયાન અને ઇતિહાસનો આ વાત સાથે શો સંબંધ? ના, મારો ‘મગજ-મેટ’ નથી થયો!! જ્યાં આજનું કથાનક ચાલે છે, તેની સાવ નજીક રિસાલદાર પાંડેની જગત સાથે વાત થઇ હતી. બન્ને પ્રસંગો વચ્ચે ફક્ત સવાસો-દોઢસો વર્ષનું અંતર છે. સ્થાન તે જ છે, સમય અલગ છે
  ---

  મારી ટ્યુબલાઈટ હજુ ઓન થઈ શકી નથી. આશા રાખું કે, આગળ ઉપર અંકોડા મેળવી આપશો!!

  કોલેજ કાલમાં જોયેલું 'ટાઈમ મશીન' પિકચર બહુ ગમ્યું હતું.
  હવે અહીં કયા મોર્ગન લાવવાના છો?!

  ReplyDelete
 3. રિસાલદાર બ્રિજ નારાયણ પાંડે ધીરે ધીરે પોતાના કૅમ્પ તરફ ચાલવા લાગ્યા. શું આ યુવાન સાચે જ તેમના રિસાલામાં એક સવાર તરીકે જોડાશે?
  Narendrabhai...Brij Narayan & Jagat meeting !
  Next ?
  DR. Chandravadan Mistry
  www.chandrapukar.wordpress.com
  Will read the Next Post !

  ReplyDelete